- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઘરમાં ઘર ને એમાં ઘર – રીના મહેતા

આજકાલ અમારું નાનકડું ઘર અન્યોને ઘણું પસંદ પડી ગયું લાગે છે. અન્યો એટલે માણસો નહિ પણ ચૂં ચૂં કરતાં ઉંદરમામા અને ચીં ચીં કરતી ચકલીબાઈને ! છેલ્લા બે-ત્રણ મહિનાથી મોટા ઉંદર આવે. નાની ઉંદરડીઓ તો અહીંતહીં આખો દહાડો દોડાદોડ કરી નાસી જાય.

વિલન જેવાં મોટા ઉંદરો અડધી રાતે તરખાટ મચાવે. અભરાઈ ઉપરના ડબ્બા ખણણ… કરતાં ગબડાવે, પ્લાસ્ટિકના ડબ્બા કટર-કટર કોતરે, ઢીલાં ઢાંકણવાળા ડબલાં-ડુબલી ખોલી મોજથી નાસ્તો કરે. સ્વેટર-કપડાં કાણાં કરી મૂકે. રાતે બારથી ચાર એમનો આ ખેલ ચાલે. અમે વારાફરતી લાઈટ ચાલુ કરી ડબ્બા ફરી મૂકીએ, ઝાડુ કે લાકડી લઈ સમૂહમાં ઝનૂનભેર એની ઉપર ત્રાટકીએ, સંતાકૂકડી કે પકડદાવ રમીએ, પાંજરામાં એને પકડવાના નિષ્ફળ પ્રયત્ન કરીએ, વેન્ટીલેટર ઢાંકવાની મથામણ કરીએ. ઊંઘ બગડતાં લગભગ રોજ રાતે હું નક્કી કરું કે કાલે તો દુકાનમાંથી ઉંદર મારવાની દવા લઈ જ આવું. છો ને બધા ઉંદર ટપોટપ મરતાં ! રોજનો આ ત્રાસ તો જાય ! પણ નજર આગળ બેચાર મોટા ઉંદરનાં શબ ગંધાતાં દેખાય ને અરરર… થાય.

વળી, માળિયામાં ઝીણો ઝીણો ચૂં ચૂં અવાજ કેટલાય દિવસથી આવે છે. ઉંદર રહીરહીને ત્યાં જ જાય. નક્કી એણે ત્યાં જ બચ્ચાં મૂક્યાં હશે. થાય કે લાવ બચ્ચાંને જ બહાર મૂકી દઉં. રાવ કે જગદીશનની જેમ ઑપરેશન ડિમોલિશન કરવા સ્ટૂલ લઈ માળિયે ડોકિયું કરું છું. માળિયાના મહાભંગારમાંથી કેરી પકવવાના ટોપલા, ઘાસ બધું એક પછી એક કાઢી નાખું છું. પણ બચ્ચાં કશે દેખાતા નથી. હાશ ! ઉંદરડા એની મેળે જ લઈ ગયા કે શું ? પણ ત્યાં ફરી ઝીણુંઝીણું ચૂં ચૂં સંભળાય છે. અથાણાની કદી ન વપરાતી ઉઘાડી બરણી ત્રાંસી રાખીને ચીંથરા, પ્લાસ્ટીકની કરચો, ઘાસ વગેરેનું આવરણ રચી ઉંદરે એનું ઘર બનાવ્યું છે ! એમાં લપાયેલાં ઝીણાંઝીણાં બચ્ચાં મારા વિકરાળ પંજાથી ગભરાઈને ચૂં ચૂં-નો આર્તનાદ કરે છે. શું કરું ? ફેંકી દઉં ? ન રહે બાંસ ન બજે બાંસુરી… હાથ લંબાવું અને પાછો વાળું છું. મુશ્કેલી બંને બાજુ છે. જો દવાથી ઉંદરને મારી નાખું તો બચ્ચાં મા વિનાનાં થઈ મરી જાય અને બચ્ચાં ફગાવી દઉં તો ઉંદર રઘવાયા થઈ બચ્ચાંને શોધે ! સાંજે બધાંને પૂછીને જે કરવું હોય તે કરીશ એમ વિચારી સ્ટૂલ પરથી ઊતરી જાઉં છું.

ઉંદર હવે માટીમાં દર બનાવતા લાગતા નથી. ઘરના આવા અવાવરું ખૂણામાં દર બનાવી દે છે. કેટલાયે વખતથી ઉંદરે નિરીક્ષણ કર્યા કર્યું હશે કે આ જગ્યા સુરક્ષિત છે. ક્યા સમયે અહીં બત્તી બંધ થાય અને પોતે જઈ શકશે એની વગર ઘડિયાળે એને ખબર પડે છે. કુદરતે આવા મૂક પ્રાણીનેય કેવી અદ્દભુત આંતરિક સૂઝ આપી છે. કેટલીય રાત બધું કટ-કટ કાપ્યા કરીકરીને, શોધીશોધીને બધું બરણીમાં ભરી તેણે પોતાનાં નવજાત બચ્ચાં માટે પોચું-પોચું, વાગે નહિ એવું ગાદી જેવું ઘર બનાવ્યું છે. એમાં ગુલાબી કાન, ગુલાબી ત્વચા અને બચૂકડી આંખવાળા સાત-આઠ નાના-નાના જીવો નિશ્ચિત જીવે પોઢે છે, ધક-ધક ધબકે છે અને ધીમેધીમે મોટા થાય છે.

આવું જ ચકલીનું છે. એકાદ મહિનાથી એ વારંવાર ઘરની અંદર બહાર ફરરર-ફરરર કર્યા કરતી હતી. એક દિવસ જોયું તો જાળી અને બારણાં વચ્ચે પૅસૅજમાં મીટરબોક્ષની ઉપર એક ખોખાની આડશમાં એણે પોતાનો માળો બનાવી દીધો છે. આ જગ્યા એવી છે કે ઘરને તાળું હોય તોય ચકલીબાઈ બે સળિયા વચ્ચેથી ફર્રર્ર કરતા આવ-જા કરી શકે. હજી માળો અધૂરો હશે તેથી આખો દિવસ ચકા-ચકી ઝાડુની સળીઓ, રૂ, દોરીઓ વગેરે નાની ચાંચમાં લાવી-લાવી ત્યાં મૂકવાની મથામણ કર્યા જ કરે છે.

ચકલી મારા ઘરમાં એનું ઘર બનાવે તેથી મને અંદરથી એક પ્રકારનો – ચકલી જેવો જ ફર્રર્ર કરતો હળવો આનંદ થાય છે. એક દિવસ ત્યાંથી પણ ચૂં-ચૂંની માફક ઝીણુંઝીણું ચીં-ચીં સંભળાશે. મેં નાંખેલા દાણા કે ભાત ચકલી એનાં બચ્ચાંને ખવડાવવા લઈ જશે. એ કલ્પનાને હું સળી અને તાંતણાથી ગૂંથું છું. ચકલીના નાનકડાં માથામાં પણ કુદરતે કેવી કુદરતી સૂઝ ભરી છે. એ પણ જરૂરિયાત સમજાતાં માળો બાંધવા માટેની સુરક્ષિત જગ્યા જહેમતપૂર્વક શોધી કાઢે છે. કેટલી મહેનતથી એકએક સળી અને એકએક તાંતણા એકઠા કરે છે અને એને એકમેકમાં ગૂંથે છે. રૂ-ચીંથરા વગેરેની પોચી ગાદી કરી છે. મનુષ્યને ઘર બનાવવા માટે પૈસા, સિમેન્ટ, રેતી, ઈંટ જેટલા કીમતી લાગે છે એટલાં જ કીમતી ચકલીને ઝાડુની સળી, રૂ, તાંતણા લાગતાં હશે. આ બધું ગૂંથવામાં ચકલીએ એની ચાંચમાંથી હૂંફની કેટલી ગૂંથણી ગૂંથી હશે ! ક્યાંક્યાં ઊડીઊડીને એણે એકએક સળી મેળવી હશે અને એનું ઘર બનાવ્યું હશે.

મનુષ્યનું ચાર દીવાલ અને એક છતનું ઘર પણ પ્રેમ, વાત્સલ્ય, હેત, ઝઘડા, ચકચક અને કચકચની ગૂંથણીમાંથી ગૂંથાય છે. એની એકએક ઈંટ ઉપર પ્રેમના, સ્નેહાળ વાતચીતના, રીસામણા-મનામણાના કેટલા પડઘા અંકાય છે. એવું એ ઘર પૃથ્વીનો છેડો લાગે છે તો કદીક કેદ પણ ! ઉંદર અને ચકલીના બચ્ચાંની જેમ એમાં પણ મનુષ્યના બચ્ચાં ચૂં-ચૂં, ચીં-ચીં, ઉંવા-ઉંવા કરે છે. બચ્ચાં મોટાં થાય છે અને કદીક ઊડી પણ જાય છે બીજા પોતીકા ઘરમાં.

પણ સૌથી મોટું ઘર તો ઈશ્વરે આ વિશ્વનું બનાવ્યું છે. જ્યાં માથે આકાશની છત છે. પોચી ગાદી જેવાં ખેતર છે. વહેતી નદીનાં નીર છે. રેતાળ રણ છે. દૂરદૂર નજર ન પહોંચે એવી ક્ષિતિજ છે. એમાં આપણે સૌ સૌના અલગ ઘર બનાવ્યાં છે. એ ઘરમાં વળી બીજા જીવો ઘર બનાવે છે. ઘરમાં ઘર અને એમાંય ઘર. એ ઘરના રહેવાસીઓ ચૂં ચૂં કરી રાતે ઊંઘ બગાડતા હોય કે ચીં ચીં કરતા સળીઓનો કચરો કરતાં હોય. જ્યારે વિશ્વના માલિકે મને એનું ઘર રહેવા આપ્યું છે ત્યારે પેલાં ચૂંચૂં-ચીંચીંનું ઘર હું કઈ રીતે છીનવી શકું ?