રણકાર (ભાગ-1) – કલ્પના જોશી

[‘રણકાર’ એ મુંબઈ સમાચારમાં પ્રકાશિત થતી સુવિચારની દૈનિક કૉલમ છે. કોઈ એક વિષયને લઈને લેખિકા જીવનની ફિલસૂફીનો સુંદર રીતે સંકેત કરે છે. આ કૉલમમાં પ્રકાશિત થયેલા કેટલાક ચૂંટેલા લેખો આપણે ત્રણ ભાગમાં સમયાંતરે અહીં માણીશું.]

[1]
જીવનમાં ઘણું બધું સાવ અચાનક થતું હોય છે. અંગતપણે અને સામાજિકપણે. વૈચારિક રીતે અને આર્થિક રીતે. લોટરી લાગવામાં માત્ર એ લોકો માનતા હોય છે જેમને વાસ્તવમાં લોટરી લાગી હોય. કારણ રૂપિયાને મામલે લાગતી લોટરી બધાને ગમે. જો કે બીજી ઘણી દષ્ટિએ માણસોને છાશવારે લોટરી લાગવા છતાં એમને પોતાને જ ખ્યાલ નથી હોતો કે એમણે શું મેળવ્યું છે. જેમ કે અમસ્તાં છાપું વાંચીએ અને એક અપ્રતિમ સુવાક્ય આંખે ચડી જાય અને અજાણતાં જ વિચારીને ઝંકૃત કરી જાય તો એ લોટરી જ કહેવાય. ભીંસ આવી પડી હોય અને અણધારી રીતે ક્યાંકથી મદદ મળી જાય તો એ ઉપકાર નામની અદ્દભુત લોટરી જ ગણાય. વરસોનાં વહાણાં વીત્યા પછી કોઈક મિત્ર રસ્તે ચાલતાં મળી જાય અને મનને તરબતર કરી જાય તો એ આનંદની લોટરી ગણાય. આવી લોટરી લાગે ત્યારે અચૂકપણે રાજીના રેડ થઈ જવાય. વત્તા, રોજ એકાદ જણને આપણે આવી લોટરી લાગે એ માટે કંઈક કરીએ તો રંગ રહી જાય. ક્યારેક કોઈક ગરીબને મદદ કરીને, ક્યારેક કોઈકના માટે બે સારી વાત કરીને, ક્યારેક કોઈકને ઉત્તમ પુસ્તક ભેટમાં આપીને અને ક્યારેક દિલસોજી વ્યક્ત કરીને સંબંધ સુધારીને આપણે લોટરીના વહેવારને વધુ વિસ્તારી શકીએ. આજનો દિવસ આ સીધીસાદી લાગતી વાતને એના મૂળ સુધી સમજવાનો સોહામણો દિવસ છે. લોટરી લાગવા-લગાડવાની નાનકડી પણ બેહદ રોચક રમત રમતા થઈએ હવે. એટલું કરવાથી જીવન વધુ મજાનું થતું જ રહેશે. આજથી કાયમ માટે.

[2]
એક ઘર જે સરસ મજાનું હોય એ વળી કેવું હોય ? આમ જુઓ તો છતની નીચે પાંગરતી દુનિયામાં માણસોનું નાનકડું ઝૂંડ તો બધે જ રહે છે. પછી એ આફ્રિકા હોય કે અમરેલી. છતાં દરેક છતની નીચે ખરેખર ઘર ધબકતું હશે કે કેમ એ બહુ વિચારવા જેવી વાત છે. સાથે રહેવાથી પરિવાર બનતો નથી અને એક જ અટક વહેંચવાથી કોઈ આપ્તજન બનતું નથી. પરિવાર તો ત્યારે જ સર્જાય છે જ્યાં માણસોનાં મન સરસ અને સાચી વિચારસરણીના ધાગાથી બંધાય છે. એટલે જ ક્યારેક કોઈક સારો પરિવાર જોવા મળે ત્યારે ઘણાયને આશ્ચર્ય થતું હોય છે કે વાહ, આ તો બહુ મજાનું. એવો જ પરિવાર થોડાક પ્રયત્ન સાથે કોઈપણ માણસ મેળવી શકે છે. સપનાના ઘરમાં જો દરેક વ્યક્તિ એકમેકનાં સપનાંને માન આપે તો આ શક્ય થાય. બીજાની ભૂલને વખોડવાને બદલે એને સુધારવા માટે સૌ મચી પડે ત્યારે થાય. નાનકડી દુનિયા હોય છે દરેક ઘર અને દરેક માણસે એ યાદ રાખવું પડે કે એ સર્વેસર્વા નથી, પણ સર્વહિત માટે સૌની સાથે સુખનો યજ્ઞ ચલાવનાર એક સદસ્ય છે. વત્તા, ઘરમાં કશું જ નકારાત્મક થવું કે વિચારવું નહીં. ખોટું બધે થતું હોય તો પોતીકા માણસો વચ્ચે પણ થવાનું. એને પારકાની જેમ વખોડવાને બદલે પોતાના થઈને સુધારવા મચી પડવાનું. જે વ્યક્તિ આ સાદા નિયમ ઘરમાં અપનાવી જાણે છે એ દુનિયાને જીતી અને ઘરને દિલથી માણી શકે છે. આજનો દિવસ આ નાનકડી વાતને આત્મસાત કરવાનો દિવસ છે. નવેસરથી ઘરને ચાહશો તો જિંદગી નવી થઈ ગયા જેવી અચૂક લાગશે તમને. બોલો, કેટલા વાગ્યે શરૂઆત કરવી છે તમારે ?

[3]
કાંતાબહેનને રસોઈ બનાવવાનો ભારોભાર કંટાળો. સવાર પડ્યે કે રસોઈ બનાવવાનો સમય થાય અને એ સાથે જ એમની બડબડ શરૂ થાય જ, ‘બસ, બધાએ બેઠા બેઠા ખાવાનું અને મારે….’ બાકી એક વખત એવોય હતો કે કાંતાબહેન કાયમ નવી વાનગી બનાવવા થનગનતાં હોય. રસોડાની રાણી તરીકે એમનો ડંકો વાગતો. સામાન્ય લાગતી સામગ્રીમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં એ નિષ્ણાત. સમય સાથે રસોઈ પ્રત્યેની એમની માયા છૂટી અને એ સાથે જ એમના ભોજનમાંથી સ્વાદ પણ ચાલ્યો ગયો. બહુ સાદી વાત છે આ. જે કામ આપણે જ અડધા મનથી કરીએ એ કામ બીજાને સંતુષ્ટ કેવી રીતે કરી શકવાનું ? ખરાબ ફિલ્મ, ખરાબ પુસ્તક, ખરાબ રિપોર્ટ અને ખરાબ ચિત્ર, જ્યાં જ્યાં ખામી હોય ત્યાં બધે એ નક્કી છે કે સર્જકે એમાં પોતાનો જીવ રેડ્યો નથી. નોકરિયાત હોય કે વેપારી, એને તો પોતાના કામમાં રસ લેવો જ રહ્યો. જ્યાં રસ છે ત્યાં વિચાર છે, ઉત્સાહ છે, ખંત છે અને ખૂબી છે. એટલે જ પોતાના કામને ઉતારી પાડવાની કે પછી કંટાળાજનક ગણવાની અક્ષમ્ય ભૂલ ક્યારેય ના કરજો. બની શકે કે એકધારા કશુંક કરવાથી ક્યાંક થોડી એકવિધતા આવી હોય. એકવિધતાને પોતાની કળાથી દૂર કરવા પ્રયત્નશીલ રહેજો. આટલું કરવાથી ખરેખર જ તમારી પ્રવૃત્તિમાં ફરી ઝગમગાટ દેખાવા માંડશે.

[4]
સમય બહુ જ ગજબની દવા છે. જાતજાતના ઈલાજની. સમય માણસને સાધુ પણ બનાવે અને શેતાન પણ. સમય જ માણસને શ્રેષ્ઠ નિર્ણય લેવડાવે અને ભૂલના વમળમાં ચક્કર પણ ખવડાવી દે. સમય ઈચ્છે ત્યારે માણસને સર્વશક્તિમાન બનાવી દે અને સાવ લાચાર. જો કે ખરાબ સમયની પોતીકી એક મજા છે. ખરાબ સમય આવે ત્યારે માણસની અવદશા થઈ જાય. એવી કે એના પર કોઈને વિશ્વાસ ન રહે. પછી ભલે માણસ બધી જ રીતે કશુંક કરી બતાવવાને સક્ષમ હોય. કોઈ વિશ્વાસ ના રાખે ત્યારે નકારાત્મક થવાને બદલે એક સારી વાત અચૂક નોંધવી. એ છે કોઈને વિશ્વાસ નથી એનો મતલબ છે વિશ્વાસ ન રાખવાના મામલે તો દુનિયાને પૂરો વિશ્વાસ છે જ. વળી, જેની પાસે કશી જ અપેક્ષા રાખવામાં ન આવે એ જરાક પણ કશુંક કરી બતાવે કે મામલો તરત બદલાઈ જાય. દુનિયાનો અવિશ્વાસ અને ખરાબ સમય બેઉનો સમન્વય થાય ત્યારે ખભા ઉલાળીને ખારા થવા કરતાં તો પગ પછાડીને નવો પ્રવાસ આદરવા સજ્જ થવામાં જ માલ છે. બધું ખોટું પડ્યા પછી ખરું પામવા માટે માત્ર મહેનતની અને જિદની જરૂર છે. જીવન એનું જ નામ છે. આજનો દિવસ પરિસ્થિતિની પરવશતાને ભૂલી જવાનો દિવસ. જીવનના મેદાનમાં જીતી જવાશે એવા પોતીકા વિશ્વાસ સાથે ફરી આગેકૂચ કરવાનો દિવસ. રાહ શાની જોવાય છે તો પછી ? ચાલો, તમારા માટે તમારું નસીબ ક્યાંક પ્રતીક્ષા કરી રહ્યું છે. એ તમારા સુધી પહોંચે એના માટે પ્રવાસ તો તમારે જ ખેડવો પડશે. ચોક્કસ બધું બદલાઈ જશે. બસ, સૌથી પહેલાં તમારે બદલવાની છે તમારી જાતને.

[5]
પુરુષોત્તમભાઈની એક આગવી ટેવ. સવાર પડ્યે તૈયાર થતાંવેંત તેઓ નિરાંતે ખુરશી પર બેઠક જમાવી દે. ઘરની બહાર પડતાં પહેલાં તેઓ પંદર મિનિટ બેસે, કાગળની ચબરખી અને પેન લઈને. આખા દિવસમાં કયા કયા કામ કરવાનાં છે એની ટૂંકી ને ટચ યાદી તેઓ બનાવે. પછી મગજ એકદમ ગોઠવે અને બહાર પડે. દિવસમાં દર એક-બે કલાકે તેઓ વળી ક્યાંક પાંચ મિનિટ પોરો ખાય અને પેલી યાદી ચકાસી લે. જે કામ નક્કી કર્યાં હતાં એમાંથી કયા કામ પાર પડ્યાં, કયા આગળ ઠેલાયાં અને ક્યા બાકી રહી ગયાં એની જાણકારી પોતાના પૂરતી તેઓ મેળવી લે. પછી રાત પડ્યે ઊંઘતાં પહેલાં એ નિરાંતે બેસે. વળી વિચારે કે જે કામ પાર પડ્યાં એ બરાબર પાર પડ્યાં, ક્યા કામ પોતાને લીધે અને ક્યા બીજાને લીધે બગડ્યાં. કયા કામ કરવાની જરૂર નહોતી અને કયા કામ ત્વરિત પાર પાડવાં જરૂરી છે એનો અડસટ્ટો તેઓ મેળવે. કોઈકે વળી એમને પૂછ્યું કે આ વળી કેવી આદત ? તો સ્મિત કરતાં પુરુષોત્તમભાઈ કહે : ‘વહાલા, કામ ભૂલી જવાં, કામ મોડાં પાર પાડવાં અને કામની મણા ન રાખવી એના કરતાં તો આ રીત હજાર વાર સારી. વળી, કોઈક ભુલાયેલાં કામને યાદ કરવા કલાકો સુધી માથું ખંજવાળવું એના કરતાં દિવસની થોડી મિનિટો આ રીતે ખર્ચી નાખવી સારી.’ વાતમાં તથ્ય તો છે જ. આપણે માણસો ભલે આઈન્સ્ટાઈન જેવી બુદ્ધિ ધરાવીએ, પણ ભૂલી જવું, ટાળવું અને અધકચરા થઈ જવું આપણે માટે પ્રકૃતિદત્ત સમસ્યા છે. એનો સરળ અને અકસીર ઈલાજ છે પોતે જ પોતાને સતર્ક રાખવા. થોડીક પળો ફાળવીને બધું વ્યવસ્થિત પાર પાડી શકાય તો પળોજણ શાને વધારવી. ચાલો, આજે આ નાનકડો ક્રમ શરૂ કરી દો. સરવાળે લાભમાં રહેવાશે જ. એક તો કામકાજ જેમતેમ થવાનું બંધ થશે અને બીજું પોતાને જ ખબર પડશે કે સુધરવાની ક્યાં અને કેવી જરૂર છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધીરજ અને આત્મશ્રદ્ધા – બહાદુરશાહ પંડિત
ભાઈબહેન – બાલમુકુન્દ દવે Next »   

15 પ્રતિભાવો : રણકાર (ભાગ-1) – કલ્પના જોશી

 1. rutvi says:

  ખરેખર ખુબ જ સરસ અને જિવન મા ઉતારવા જેવો લેખ્.

  શ્રી મ્રૂગેશભાઇ ને આભાર આવો લેખ આપવા બદલ,

  આવા લેખ વારંવાર આપતા રહેજો તો અમારુ કલ્યાણ થાય.
  i read this “lekh” at night mean morning of india., it gave me the clue of my problem of doing some tasks
  from tomorrow , i will make list and finish everyday task every day.

  thank you

 2. nayan panchal says:

  બધી જ વાતો ખૂબ ઉપયોગી.

  આપણને અત્યાર સુધી આવી કેટકેટલી લોટરીઓ લાગી હશે. જાગ્યા ત્યાથી સવાર. હવે તો બસ લોટરી લાગવા/લગાડવામાં જ ધ્યાન આપો.

  સાચા ઘરમાં તો લોકો હંમેશા સાથે પ્રગતિ તરફ પ્રયાણ કરે છે. ઘરતો એક ટીમ જેવુ હોવુ જોઇએ, Together Everyone Achieves More.

  જો આપણે આપણા કર્મને માણતા હોઇએ તો તે મજારૂપ બની જાય છે. if you love you work, you never have to do job.

  સમય તો સર્વશક્તિશાળી છે. જીવનતો પત્તાની રમત જેવુ છે, જરૂરી નથી કે આપણી પાસે એક્કા, બાદશાહ જ હોય. પરંતુ જે પણ પત્તા હોય તેનો optimum ઉપયોગ કેમ કરવો તે આપણા હાથમાં જ છે. તમે તમારુ કામ કરો, સમય સમયનુ કામ કરશે.

  જે લોકો સમયનુ management નથી કરી શકતા (મારા જેવા) તેમના માટે ખૂબ ઉપયોગી લેખ. post-it લઇને તેના પર આવી સૂચિ બનાવી શકાય. અને એક ડાયરી પણ બનાવી શકાય જેમા આખા દિવસનુ સરવૈયુ લખી શકાય.

  આવા વધુ લેખો આપતા રહેશો.

  નયન

 3. BHAUMIK TRIVEDI says:

  please give more articles like this..thnx

 4. Sarika Patel says:

  It’s really nice story. I will be wait for my best lottary.

 5. ArpitaShyamal says:

  ખુબ જ ખુબ જ સરસ….superb…we have no words ….really really nice thoughts..
  thank you very much Mrugeshbhai for such a nice and thoughtful article….

 6. Ashish Dave says:

  Excellent article. # 5 is the best. With “to do” list make sure one has a “don’t do list” as well. Also, learn to say “no”.

  Ashish Dave
  Sunnyvale, California

 7. Dhaval B. Shah says:

  Very nice article!!! I liked #1 and #2 very much.

 8. […] છેલ્લા બે સપ્તાહમાં આપણે ‘રણકાર: ભાગ-1’ અને ‘રણકાર: ભાગ-2’ માણ્યો. આજે વાંચીએ […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.