- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અનુભવનું અમૃત – સંકલિત

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

[1] સેવકો આવા જોઈએ – ડાહ્યાલાલ અંબાલાલ બ્રહ્મભટ્ટ

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાનું ગામ સાવલી. તે વડોદરાથી નજદીક આવેલું છે અને તાલુકાનું સુંદર સ્થળ છે. ત્યાં તળાવને કિનારે એક શિવાલય છે. ત્યાં કેટલાંક વર્ષથી એક બંગાળી સંત આવી વસ્યા છે. ત્યાં આવ્યા બાદ આ સ્થળને તેમણે એવું તો રમ્ય અને નંદનવન જેવું બનાવ્યું છે કે અનેક લોકો આ સ્થળનાં દર્શને આવે છે. એટલું જ નહિ પણ આસપાસનાં ગામોની શાળાના વિદ્યાર્થીઓ વડોદરાના કમાટી બાગના પ્રવાસે ન જતાં આ સ્થળના પ્રવાસે આવે છે. આવું આ સ્થળ રમણીય અને દર્શન કરવા યોગ્ય છે.

થોડાક વર્ષો પહેલાંની વાત છે. ચોમાસાના દિવસો હતા. સરકાર તરફથી અને સમાજસેવકો તરફથી વૃક્ષારોપણની ઝુંબેશનો પ્રચાર થતો હતો. તે વખતે આ સ્થળે સ્વામીજી પાસે ગામલોકો સાંજને સમયે આવી બેઠા હતા. જુદા જુદા વિષયો ઉપર વાર્તાલાપ ચાલતો હતો. તેવામાં વૃક્ષારોપણની વાત નીકળી. આ ઉપરથી સ્વામીજીએ કહ્યું : ‘તમારી બધાની ઈચ્છા હોય તો આપણે આ સંબંધમાં એક યોજના કરીએ અને અહીં વૃક્ષ ઉછેરીએ. સવાસો માણસો તૈયાર થાઓ. દરેક માણસ એક વૃક્ષની કિંમત તરીકે એક રૂપિયો આપે અને તેને હાથે જ તે વૃક્ષ રોપાય. આમ સવાસો વૃક્ષ રોપીએ. આ વૃક્ષોને ઊછેરવા માટે બે વર્ષ સુધી તેમને પાણી પાવાની અને સાચવવાની જરૂર રહે. એ માટે મહિને એક રૂપિયા પ્રમાણે બે વર્ષના ચોવીસ રૂપિયા પ્રત્યેક વૃક્ષવાળા માણસે આપવા પડે. આમ દરેકે કુલ રૂપિયા પચીસ જ આપવાના. આ માટે એક માણસ રાખીએ તેને દર માસે સવાસો રૂપિયા મહેનતાણું આપીએ. એટલે તે વૃક્ષોને પાણી પાવાની, વાડોલિયાં કરવાની અને સાચવવાની બધી કામગીરી સંભાળે. બે વર્ષમાં તો સુંદર વૃક્ષરાજિ તૈયાર થઈ જશે. બોલો, તૈયાર છો તમે બધા ?’

બધાએ સ્વામીજીની આ વાત વધાવી લીધી અને નામ નોંધાવ્યાં. બીજે દિવસે સવાસો માણસોની યાદી અને પૈસા વગેરે તૈયાર પણ થઈ ગયું. વૃક્ષોના રોપા મંગાવવામાં આવ્યા અને સ્વામીજીની દેખરેખ નીચે તેમની સૂચના મુજબ દરેકના હાથે રોપી દેવામાં આવ્યાં. બે વર્ષે તો સુંદર વૃક્ષરાજિ તૈયાર થઈ ગઈ. એક દિવસ ત્યાં ફરતાં ફરતાં ગ્રામજનો પૈકી કોઈએ વૃક્ષરાજિમાં બેસવા માટેના સાધનની વાત કાઢતાં સ્વામીજીએ જણાવ્યું : ‘ગામમાંથી થોડાક માણસો એવા તૈયાર થાય કે જેમને પોતાનાં સદગત માતા, પિતા કે અન્ય સંબંધીઓના સ્મરણાર્થે બાંકડાઓ ભેટ આપવાની ઈચ્છા હોય. એક બાંકડા દીઠ રૂ. 65/- આપે તો આપણે બાંકડા તૈયાર કરાવી તેની ઉપર તેમનું નામ વગેરે લખાવી અહીં મૂકી દઈએ !

લોકોએ તે વાત વધારી લીધી. સ્વામીજીએ બાંકડા માટેનો ફર્મો તૈયાર કરાવી સુંદર બાંકડા બનાવી મુકાવી દીધા. આજે એ વૃક્ષરાજિ નીચે સાંજના પહોરે લોકો હવા ખાવા સારું આવી બાંકડા ઉપર બેસે છે અને આનંદ કરે છે. આ રીતે આવી યોજના આપણા દેશમાં આવેલાં અન્ય ધર્મસ્થાનોમાં વસતા સંત-સાધુઓ અપનાવે તો ?

.

[2] નિષ્ઠાવાન સ્ટેશન માસ્તર – શિવરાજ ગોહિલ

પિતા રેલવેમાં ઓવરસિયર હતા એટલે નગીનભાઈ મેટ્રિકમાં નાપાસ થતાં પિતાએ તેમને રેલવેમાં દાખલ કરાવ્યા. શરૂઆતામાં પોતે ગુડઝ કલાર્ક તરીકે નોકરી કરતા હતા. ત્યાર પછી જુદા જુદા સેકશન (વિભાગ)માં કામ કરી પાવરધા થયા હતા. પણ પિતાને એમ કે પુત્ર ગાર્ડ થાય તો ઠીક; કારણ કે પોતે ઑફડ્યૂટીમાં લીંબડી અપડાઉન (આવ-જા) કરતા. પોતે ટિકિટ લે નહિ એટલે ટી.ટી.ઓ હેરાન કરે અને પૈસા પણ ભરવા પડે, એટલે નગીનભાઈને ગાર્ડ બનાવરાવ્યા. જો કે આમ કરવામાં એમનો હેતુ બર ન આવ્યો; કારણ કે, નગીનદાસ ચુસ્ત ગાંધીવાદી અને સિદ્ધાંતવાદી હતા.

એકવાર એવું બન્યું કે નગીનદાસ વઢવાણ જંકશનથી મેઈલ લઈને આવે. એમના પિતા સ્વભાવ મુજબ વગર ટિકિટે થર્ડ કલાસમાં બેઠા. ચુડા સ્ટેશને નગીનભાઈને પ્લેટફોર્મ પર જોઈ બાલાભાઈએ મોટેથી બૂમ પાડી : ‘નગીનભયલા, હું અહીં બેઠો છું.’
પિતાનો અવાજ પારખી તે તેમની પાસે ગયા ને પૂછ્યું : ‘બાપુજી, ટિકિટ છે ને ?’
‘અરે, ભયલા, તું ગાર્ડ હોય ને મારે ટિકિટ લેવાની હોય !’
નગીનદાસ : ‘બાપુજી, મારા સિદ્ધાંતમાં કંઈ ફેર નહિ પડે. પણ કંઈ વાંધો નહિ. હું ટિકિટ કઢાવી લઉં છું.’ એમ કહી જેવા પાછા ફર્યા ત્યાં ટી.ટી. ને પાછળ ઊભેલો જોઈ ખીસામાંથી પાકીટ કાઢ્યું અને ટી.ટી. ને રસીદ ફાડવા જણાવ્યું. ટી.ટી.એ બધી વાત સાંભળી હતી. તે એમને એક બાજુ લઈ જઈ કહેવા લાગ્યો :
‘ભલા માણસ, રેલવેના છોકરા કે સગાંવહાલાં વગર ટિકિટે લાભ ન લે, તો પછી રેલવેમાં બીજો લાભ શું છે ? ટૂંકા પગારમાં ભૂખ્યા પેટે, રાતદિવસના ઉજાગરા ને ટાઢ-તડકો-ચોમાસું શા માટે વેઠીએ છીએ ? બહુ સતની પૂંછડી થા મા. પાકીટ મૂકી દે ખીસામાં.’ પણ નગીનભાઈ તો એકના બે ન થયા. એટલે ટી.ટી.એ રસીદ ફાડી દીધી. જે લઈ તેણે પોતાના પિતાને આપી. પિતાએ મોઢું બગાડ્યું ને રસીદ ખિસ્સામાં મૂકી. પેસેન્જરો આશ્ચર્યથી જોઈ રહ્યા અને માંહોમાંહે વાતો કરવા લાગ્યા.
‘જોયું ? સગા દીકરાએ બાપનો ચાર્જ કરાવ્યો. નથી પડ્યા ? કમાલ છે ને ?’ સમય થતાં ગાડી ઊપડી – નગીનદાસના આ વર્તને સ્ટાફમાં ખૂબ કચવાટ ફેલાવ્યો. ટ્રેનમાં નગીનદાસને જુએ એટલે સ્ટાફમાંથી કોઈ વગર ટિકિટે બેસવાની હિંમત ન કરે.

ઑફિસરોને પણ આ વાતની ખબર પડી. તેઓ ખુશ થયા. અને મનમાં વિચારવા લાગ્યા કે આ માણસને કોઈ સારી પોસ્ટ આપી હોય તો સ્ટાફ સુધરી જાય અને રેલવેને પણ કમાણી થાય. સમય જતાં ભાવનગર સ્ટેશન માસ્તર રિટાયર્ડ થયા એટલે તુરત જ નગીનદાસને તેમની જગ્યાએ મૂક્યા. કેટલાક સિનિયર સ્ટેશનમાસ્તરોએ વાંધો લીધો. પણ ઑફિસરો પાસે કોઈનું કંઈ ચાલ્યું નહિ; કારણ કે બધા ખાવકડિયા હતા. જ્યારે નગીનદાસ શુદ્ધ પ્રમાણિક. પબ્લિક કે સ્ટાફનું કંઈ ખપે નહિ. એમણે તો ચાર્જ સંભાળી લીધો. સવારે પોતે નિયમિત રેલવેના સફેદ યુનિફોર્મ પહેરી ડ્યૂટી પર આવી જાય. એટલે સ્ટાફ પણ નિયમિત થઈ ગયો. સૌ-સૌના કામમાં પ્રવૃત્ત. સ્ટેશનમાં જેવો પગ મૂકે કે તુર્ત જ ચારે તરફ નજર ફેંકે. સ્વચ્છતાના પાકા હિમાયતી. પ્લેટફોર્મ, વેઈટિંગરૂમ, ઑફિસો વગેરે સાફસૂફ થઈ જાય. દીવાલ પર પાનની પિચકારીના ડાઘા પણ જોવા ન મળે. આવી તો એમના ટાઈમમાં સ્ટેશનની સુઘડતા જોવાતી હતી. એટલું જ નહિ પણ આખા યાર્ડમાં ક્યાંય કચરો જોવા ન મળે.

સ્ટાફને – પછી હરિજન સફાઈ કામદાર કેમ નથી ? કોઈને તુંકારો નહિ. બધાને ‘તમે’થી સંબોધે. ડિસિપ્લીન અને કર્ટસી – વિનય, વિવેક અને સભ્યતા જરાય ચૂકે નહિ – સ્ટાફ એમને તાબે થઈ ગયો હતો. એમનો પડ્યો બોલ ઝીલે-વેપારીઓને પણ ભારે સુખ થઈ ગયું હતું. ટાઈમ-ટુ-ટાઈમ વૅગનો મળ્યા કરે, માલ ભરાયા કરે અને માલગાડીઓ પણ દોડ્યા કરે. ઈન્વર્ડ-આઉટવર્ડ પાર્સલ ગુડઝ બધું જ રેગ્યુલર. સ્ટાફ અને વેપારીઓમાં ખૂબ પ્રશંસા મેળવી.

સિઝનમાં વેપારીઓ તેમના બંગલે જામફળ કે હાફૂસ કેરીના ટોપલા દેવા જાય એટલે પોતે હસે અને કહે કે પૈસા લો તો લઉં. એટલે વેપારીને પૈસા લેવા પડે – અને તો જ નગીનભાઈ વસ્તુ સ્વીકારે. આવું વર્તન તો કોઈ સ્ટેશનમાસ્તરમાં જોવા ન મળે. વળી વરસ આખરે દિવાળી કે બેસતા વરસની બોણીમાં વેપારીઓ જર્મન સિલ્વરના ખૂમચામાં મીઠાઈ, સૂકો મેવો અને છૂપી રીતે કવરમાં નોટો વગેરે એમના બંગલે ધરે – ત્યારે પણ તેઓ કોઈ વસ્તુને અડે નહિ. સામસામા મુબારકબાદી ને ઉપરથી બધાને ચા અને પાનનાં બીડાં પોતે આપે. પ્રમાણિકતાની આ નિષ્ઠા અને પ્રશંસા ઑફિસરોના કાન સુધી પહોંચેલી.

આગળ ઉપર એમને ટ્રાફિક ઈન્સ્પેક્ટર બનાવ્યા. તો તે પદવીને પણ એટલી જ દીપાવી હતી. જે દિવસે ભાવનગર સ્ટેશનમાસ્તરનો ચાર્જ છોડ્યો અને ટ્રેઈનના ડબામાં બેઠા ત્યારે પ્લેટફોર્મ પર સ્ટાફ, વેપારી અને પબ્લિક તરફથી તેમના ગળામાં પુષ્કળ ફૂલહારના ઢગલા થયા હતા. એમને વિદાય આપતાં સહુ ગળગળા થઈ ગયા હતા – પ્રમાણિકતાની આવી પ્રશંસા રેલવેમાં કોઈએ મેળવી ન હતી. પોતે અત્યારે હયાત નથી. છતાં એમના સમયના સ્ટાફ પેન્શનરો તેમને સંભારીને પ્રશંસાનાં ફૂલડાં વેરે છે અને કહે છે કે અત્યારનો સ્ટાફ એમનું અનુકરણ કરે તો કેવું સારું !