પાકું રેણ – કાંતિલાલ શંકરલાલ પોટા

કુમારની એમ્બેસેડર ગાડી બંગલાના વરંડા પાસે આવીને ઊભી. કામાક્ષીએ અવાજ સાંભળી દીવાનખાનાનું દ્વાર ખોલ્યું. કુમારને સ્મિતાવકાર આપતાં પૂછ્યું :
‘અહો ! આજે કંઈ વહેલા ઑફિસેથી આવવાનું થઈ ગયું ?’
‘હા, કારખાનામાં મિટિંગ હતી. જો ને ! કામદાર એસોસિયેશનની માગણી જ માગણી. જરાય સંતોષ નહીં. પછી ભલે કામદાર ગમ્યું કામ કરે કે ના કરે. માગ કરતાં કામ ઘટતું જાય. છતાં શેઠિયાઓને કારીગરોની માંગ પૂરી કર્યે જ છૂટકો. નહીંતર હડતાલ-ઘેરાવનાં તૂત. મિટિંગ વહેલી પૂરી થઈ.’ કુમારે દીવાનખાનામાં પ્રવેશતાં સ્પષ્ટતા કરી.

કામાક્ષી નજીક આવીને કુમારની ટાઈ ઢીલી કરતાં મલકી ઊઠી. કુમારે વળતો જવાબ સ્મિતથી આપ્યો. પણ તેણે વિચાર્યું કે આજે કોઈ નવીન સમાચાર કામાક્ષીને આપવાના લાગે છે.
‘કેમ કંઈ ટપાલ આવી છે ?’ કુમારે સીધો પ્રશ્ન કર્યો.
‘હા, આજે તો મારી માની ટપાલ આવી છે. મારો ભાઈ લખે છે કે તને મળવાનું મન માને થયું છે. મનમાં ઉદ્વેગ થતાં ત્રણચાર દિવસ તારે ત્યાં રહેવા આવે છે. અને તે આજની સાંજની ટ્રેનમાં અત્રે આવી જશે. ત્રણ વર્ષ થયાં હું તેને મળી શકી નથી. એટલે માનો જીવ ઊંચો થાય તે સ્વાભાવિક છે. સાંજે સ્ટેશન પર તેને લેવા જઈશું ને ?’ કામાક્ષીએ ઉત્સુકતા બતાવી.
‘કામાક્ષી ! તારી મા તે મારી સાસુ. આપણે ઘેર મે’માન થાય ત્યારે સ્વાગત માટે સામે તો જવું જ જોઈએ ને ? પરંતુ આજ તું જાણે વધારે ખીલી ઊઠી છે. મે’માન તો આપણે ત્યાં અવારનવાર આવે છે અને જાય છે.’ કુમારે સ્નેહાળ દષ્ટિ કરી રોનક ઉડાડી.

‘ખુશી કેમ ન થાઉં ? મારી માને હું ત્રણ વર્ષ થયાં મળી નથી. તે સામે ચાલીને મને મળવા આવે ત્યારે મારું હૈયું હરખથી ગદગદ બને તેમાં નવાઈ શી ? કુમાર ! તું પણ મને સાથ આપીશ ને ?’ કોઈ અવિશ્વાસનો કાંટો કામાક્ષીના દિલમાં ખૂંચ્યો એટલે તેણે પૂછી લીધું.
‘હા, કેમ નહીં ? તારો અને મારો સથવારો કદી જુદો પડ્યો છે ? પણ કામાક્ષી ! મારી માએ અહીં આવવાનો પત્ર લખ્યો ત્યારે તું તો મોઢું ચડાવીને માંદી પડી ગઈ’તી, અને આઠેક દિવસ દવા કરવી પડેલી તે યાદ છે ને ? વળી તેં ઉત્તર લખવાનું કહ્યું કે કામાક્ષીની તબિયત હાલમાં સારી રહેતી નથી તો આવવાનું મોકૂફ રાખશો. અહીં આવ્યાં ને ત્રણ વર્ષ વીતી ગયાં છતાં નથી તું મળી તારી મા ગૌરીબહેનને કે નથી હું મળ્યો મારી મા ગંગાબાને !’
‘કુમાર ! મેણું ન માર; મા ને સાસુમાં તફાવત હોય છે.’
‘એ તો જાણું છું. તારી મા તે મા અને મારી માને મ્યાંઉ, કેમ ?’
‘ના, એમ નથી કુમાર ! પછી તો તેં જ ન તેડાવ્યાં તેમાં હું શું કરું ?’ કામાક્ષીએ બહાનુ બતાવી દોષ ઢોળ્યો.
‘ઠીક ! હવે ચા બનાવી લાવ, હું થાક્યો છું. મિટિંગમાં મગજનું દહીં થઈ જાય છે.’ કુમારે વાત કાપે નાખી.

છત ઉપરના ફરતા પંખાની શીતળ લહેરમાં કુમારને એકાંતની શાંતિ મળી. પણ મગજમાં અનેક વિચારો આમતેમ દોડવા લાગ્યા. અને અતીતની ફિલ્મ શરૂ થઈ. ક્યાં એ ગરીબાઈ અને ક્યાં આ બંગલો ? ક્યાં મારું એ બચપણ – પિતાજી મને બાલ્યાવસ્થામાં છોડી ચાલ્યા ગયા. માતા ગંગાબા પતિતપાવની ગંગા જેવી જ ગુણિયલ. બચપણમાં તેની ગુંજાયેશ વિના મને લાડ લડાવી મોટો કર્યો, ભણાવ્યો, બેવડો ગ્રેજ્યુએટ બનાવ્યો, કેટકેટલું તેણે વેઠ્યું. તેણે મજૂરી કરી, શી ભાવનાભરી આશાઓ તેણે સેવી હશે દિલમાં ? કુમાર મોટો થઈ તેનું ઘડપણ ઉજાળશે. તેનું ઋણ હું અદા કરી શકતો નથી. તેનું મને દુ:ખ અપાર છે. ભાવિનિર્મિત સંજોગોમાં હું સપડાઈ ગયો. કોણ જાણે કેમ ? કૉલેજમાં મારી જ્ઞાતિની કામાક્ષી મળી ગઈ. તેના રૂપમાં અને વાકછટામાં હું મોહાંધ બન્યો. તે સંસ્કારવિહોણી શિક્ષિત બનશે તેવું મેં માન્યું નહોતું. તે સ્વતંત્રતાની સરહદ વટાવી સ્વચ્છંદે વરતશે તેવો વિચાર મને કદી આવ્યો નહોતો. તેનું જીવન એકાકી વિભક્ત કુટુંબને ચાહતું હશે તેવું મેં કલ્પ્યું નહોતું. લગ્ન બાદ અમે શહેરમાં આવ્યાં. હું કારખાનાનો મૅનેજર થયો, પણ ઘરનો નહીં. ગંગાબા વૃદ્ધ થયાં તે આ બંગલામાં જ શોભે. છતાં જ્યારે તે આવવાનો કે તેડાવવાનો પત્ર લખે કે લખાવે ત્યારે કામાક્ષી મૂળ સ્વરૂપે દેખાય ને માંદી પડી જાય. અમારા લાડલા દિલીપનું મુખ ગંગાબાએ હજુ જોયું નથી. અમારી દોમદોમ સાહ્યબીની તેને જાણ નથી. ખર્ચ મોકલીએ પણ પૈસા એ કંઈ પ્રેમ નથી. ઘડપણમાં સ્નેહ, સુખ અને સહકારની-હૂંફની જરૂર ત્યાં પૈસાનાં સદા અવમૂલ્યન છે. આ બધું જાણું છું, છતાં……..

વિચારના વમળમાં અટવાતો કુમાર ટેબલ ઉપર પ્યાલા ખખડતા સાંભળી જાણે કે તે વિચારતંદ્રામાંથી જાગી ઊઠ્યો :
‘શા વિચારમાં છો ? કામાક્ષીએ હસીને પૂછ્યું.
‘બસ એ જ. તારી મા તે મા.’
‘પણ આ ચા ઠરી જશે. જલદી કરો, છ ને ત્રીસ થઈ ગઈ છે.’ બંને એ ચાને ન્યાય આપ્યો અને મોટરમાં સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. ટ્રેન સમયસર આવી. ગૌરીબહેને ગાડીમાંથી હાથ ઊંચો કર્યો. બંને તે તરફ દોડી ગયાં. મા-દીકરી ભેટ્યાં. સામાન મોટરમાં મુકાયો અને મોટર બંગલે આવી પહોંચી.

ગૌરીબહેને ગંગાબાની ગેરહાજરીની નોંધ લીધી. જમી પરવારી સૌ દીવાનખાનામાં અલકમલકની વાતોએ વળગ્યાં. વચમાં કામાક્ષીએ કહ્યું, ‘કાલે સવારે ગૌરીબહેનને શહેરની જોવાલાયક જગ્યાઓ જોવા જવાનો મેં કાર્યક્રમ ગોઠવ્યો છે. કુમાર ! તમે ટેલિફોનથી કારખાને ખબર આપી દેજો અને કાલની રજા મંગાવી લેજો.’
ગૌરીબહેને વચેથી વાત કાપી કહ્યું : ‘કામાક્ષી, હું મારો નિર્ણય ફેરવીશ નહીં, હું વેવાણને મળવા આવી છું. તેમના વિના હું શહેરમાં જવાની નથી. આ બંગલામાં મને વેવાણ પ્રથમ જોઈશે. કુમાર ! તમારી આ સાહ્યબી તમારી મા વિનાની સાવ સૂની લાગે છે.’
‘ગંગાબા અહીં ન આવે તેમાં અમે શું કરીએ ?’ કામાક્ષીએ આડમાર્ગે વાત લેવા પ્રયાસ કર્યો.
‘હવે રાખ, દીકરી ! હું બધું જાણું છું. સમાજમાં તારી અને મારી શી વાતો થાય છે તે મારી જાણ બહાર નથી. સાસુ ગામડામાં પડી છે અને વહુ-દીકરો શહેરમાં આનંદપ્રમોદ કરે. ગૌરીબહેને કેવા સંસ્કાર દીકરીમાં રેડ્યા છે…. વગેરે. મેં તને શિક્ષિત કરી છતાં ભણી પણ ગણી નહીં. આપણા સંસ્કાર તેં નેવે ચડાવ્યા. તારી ભાભી તારા કરતાં ઓછું ભણી છતાં તેના ગૃહસંસ્કારથી કેવી કેળવાયેલ છે ! જેટલું શિક્ષણ જરૂરી છે તેટલી સંસ્કારની જરૂર છે. તારાં ભાઈ-ભાભીની જીભે સદા ગૌરીબહેનનું નામ રમતું રહે છે. મારો બોલ કદી ઉથાપે નહીં. બળી તારી સ્વતંત્રતા. વિવેક વિનાની સ્વતંત્રતા વાંઝણી છે. તારા ભર્યા ઘરમાં સાસુનું ક્યાંય સ્થાન નથી તે મારાથી સાંખી શકાતું નથી. તું મારા ખોળામાં રમી, મોટી થઈ છતાં આપણા કુટુંબના સંસ્કાર તેં ગ્રહણ ન કર્યાં. ઊલટી સ્વચ્છંદ બની તેનું મને દુ:ખ છે.

લગ્ન પછી ત્રણ વર્ષો વીત્યાં તોયે ગંગાબાએ તારા દિલીપનું મુખ જોયું નથી. તારો ભત્રીજો ભરત મને કેવો હળી ગયો છે ? તેને દાદી વિના જરાય ગોઠે નહીં. તું તારા ભાઈને ઘેર આવીને કોઈ વાર જો તો ખરી કે, તારી સાહ્યબી કરતાં ત્યાંના વિનયસભર સ્નેહની છોળ કેવી ઊડે છે ! હું ત્રણચાર દિવસ અત્રે રહેવાની છું. તારી ભાભી અને ભત્રીજો મારા વિના મૂંઝાશે. જ્યાં વત્સલતા છે, વડીલો પ્રત્યે વિનયવિવેક છે, તે ઘરનું બીજું નામ સ્વર્ગ છે.’ ગૌરીબહેને મનનો ઊભરો બહાર ઠાલવવા પ્રયાસ કર્યો.
‘ગંગાબા આવીને ટક ટક કરે તેનું શું ? તેમને દરેક વાતમાં ટક ટક કરવાની ટેવ છે.’ કામાક્ષીએ દલીલ આગળ ધરી.
‘ટક ટક તો આ ઘડિયાળ પણ કરે છે. પણ તે તમારી સાહ્યબીનો સમય સૂચવે છે. જ્યારે ઘડપણની ટક ટક આપણા સૌભાગ્યના લહાવાનો માર્ગ બતાવે છે તે તું જાણે છે ? તું કંઈ યુવાન રહેવાની નથી. આ દિલીપ મોટો થશે, ઘેર વહુ આવશે, ત્યારે તારી હાલત ગંગાબા જેવી થશે તો ? જેવું કરીએ તેવું પામીએ તે કુદરતનો ન્યાય છે. એનો તો વિચાર તું કરી જો. ઘરમાં થાળીવાટકો ભટકાતા રણકાર થશે, પરંતુ ભોજનસમયે નહીં ચાલે થાળી વિના કે વાટકા વિના. કેમ, સત્ય સમજાયું ? તો કાલે સવારે તારા નામે તાર કરી ગંગાબાને બોલાવી લે. હું તેમને અહીંથી મળીને જ જઈશ. દીકરી, તારું આવું વર્તન મારાથી શેં ખમાય ?’ ગૌરીબહેને દીકરીને સ્પષ્ટ અને સચોટતાથી વાત સમજાવી.

ઘડિયાળે બારના ટકોરા પાડ્યા. કુમારને છાની ખુશી ઊપજી. અને સૌ બેડરૂમમાં ઊચક મને આરામ કરવા ગયાં. કામાક્ષીને નીંદર ન આવી. આમથી તેમ પાસાં ઘસતાં અર્ધજાગ્રત અવસ્થામાં સવાર પડી ગયું.
‘કુમાર ! મારે નામ ગંગાબાને તાર કરીને બોલાવી લે. જરૂર પૂરતો સામાન સાથે લાવે, હવે તેમને અહીં જ બંગાલામાં કાયમ રહેવાનું થશે તેવું તારમાં લખવાનું ભૂલતો નહીં.’ એકાએક હ્રદયપલટો થતાં કામાક્ષીએ સૂચના આપી. કુમારને આ વ્યવસ્થા ગમી જતાં તે હર્ષિત થયો. અતિ આનંદ સાથે ગૌરીબહેનને સંતોષ ઊપજ્યો.

રાતે ગંગાબા બંગલે આવી ગયાં. બંને વેવાણો ઉમળકાથી ભેટી પડ્યાં.
‘ગંગાબા, તમારો કાગળ મળેલો. તમે દીકરાવહુ સાથે રહેવાનું લખેલું, પણ તમે આવી ન શક્યાં. લાંબે સમયે તમને મળવાનું મને મન થતાં હું અત્રે આવી રહ્યો છું. તમે છતે વહુ-દીકરે રહો ગામડામાં એકલાં તો મને હીણપત લાગે. તમે પણ મારી માફક જમાનો જોઈ જાણી હવે કાયમ સાથે રહો અને વહુ-દીકરાની સાહ્યબી ભોગવો એવી મારી વિનંતી છે.’ ગૌરીબહેને દિલની વાત કહી નાખી, ઉમેર્યું, ‘લ્યો ! આ તમારો પૌત્ર દિલીપ.’ રડતા દિલીપને ગંગાબાએ તેડી પ્રેમથી તેનો વાંસો પંપાળ્યો ને તેમના હાથે જાણે કામણ કર્યું. દિલીપ રડતો બંધ થઈ ગયો. અને સામે નિહાળી મરક મરક હસવા લાગ્યો.

ત્રીજે દિવસે સૌ મોટરમાં ફરવા નીકળ્યાં. શહેરની અનેક જગ્યાઓ જોઈ. અને રાતની ટ્રેનમાં એ જાજરમાન ગૌરીબહેને સાસુ-વહુના સંબંધની તિરાડ ઉપર પાકું રેણ રેડી વિદાય લીધી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચલો, જરા હસી લઈએ ! – સંકલિત
રીડગુજરાતી : ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી Next »   

29 પ્રતિભાવો : પાકું રેણ – કાંતિલાલ શંકરલાલ પોટા

 1. nayan panchal says:

  સરસ વાર્તા.

  સાસુ-વહુ તો અત્ર તત્ર સર્વત્ર છે. ગૌરીબહેને તો આવીને ત્રણ વર્ષથી ચાલતી ટેસ્ટમેચનો ટ્વેન્ટી-ટ્વેન્ટીની જેમ નિવેડો લાવી દીધો.

  જો કે આખી વાર્તામાં કુમારનુ પાત્ર મધ્યબિંદુ છે. તેણે જે સાચુ હોય તેનો પક્ષ લેવો જ જોઇએ.

  ગૌરીબહેનની સમજદારીને સલામ. નારીના કેટકેટલા રૂપ હોય છે, પુરુષોમાં આટલી variety નથી જોવા મળતી.

  નયન

 2. urmila says:

  Mother plays an important role in life of young brides – she can explain the right and wrong and can create happy home – we need lot of ‘Gauriben character’ in our society

 3. Milap Dave says:

  I Like it

 4. અતુલ જાની (આગંતુક) says:

  ગૌરીબહેન જેવી માતાઓને ધન્યવાદ. બાકી તો ઘણી માતાઓ અવિભક્ત કુટૂંબોમાં પણ દીકરીઓને ચડાવીને જુદા થવાની સલાહ આપતી હોય છે.

  પોતાના સંતાનોને ઉત્તમ સંસ્કાર આપવા તે દરેક માતા-પિતાની ફરજ છે.

 5. Dipak says:

  this is such an eye opner story for today’s so called modren women.they have to think that after couple of decade thay will get pramotion as a mother in law & will have to face same thing,what her in law is facing currently.

 6. ભાવના શુક્લ says:

  વાર્તાનુ નામ ખુબ ગમ્યુ…

 7. nilamdoshi says:

  દરેક દીકરીની માતા આવી હોય તો…૵ સંબંધોની દુનિયા મહોરી ઉઠે. પણ…વાસ્તવિકતા આવી હોતી નથી. અપવાદ જરૂર હોય છે.

 8. Sapna says:

  ‘ટક ટક તો આ ઘડિયાળ પણ કરે છે. પણ તે તમારી સાહ્યબીનો સમય સૂચવે છે. જ્યારે ઘડપણની ટક ટક આપણા સૌભાગ્યના લહાવાનો માર્ગ બતાવે છે તે તું જાણે છે

  Very nice.

 9. Amitkumar Thakkar says:

  Good Story….like very much

 10. Hardik says:

  ઘના સમય પછિ “રેણ” શબ્દ સામ્ભલ્યો . બહુ ખુશિ થૈ.

 11. Ashish Dave says:

  Our world is not just all black and white. Not everybody is so goody goody or not everybody is so bad. Nice story though. How many Gauriben’s are around in our society?

  Ashish Dave
  Sunnyvale, California

 12. Mayur says:

  Good One!!!

 13. uma says:

  good story like it.

 14. Ranjitsinh Rathod says:

  જો બધી જ મા પોતની દીકરી ને ગૌરીબહેન ની જેમ સાચી સલાહ આપે તો ….બધાજ ઘર સ્વર્ગ બની જાય.

 15. ભાવના શુક્લ says:

  સરસ વારતા…. ગૌરીબહેને આટલુજ જો જરા દીકરીને વહેલુ સમજાવ્યુ હોત તો ….પણ પાકે ઘડે કાઠો ના ચડે પણ રેંણ વાળી વાત એટલીજ વ્યાજબી થઈ.

 16. પરેશ says:

  સાચું કહું તો ‘રેણ’નો અર્થ ભુલી જ ગયો હતો. પણ કાંતિભાઈએ અંતમાં મારી યાદગારની તિરાડ ઉપર રેણ નાખ્યું ત્યારે ખ્યાલ આવ્યો. છેક સુધી એમ થતું હતું કે કામાક્ષી સાવ સહેલાઈથી માનશે નહી, અને tangential end આવશે but it turned out to be a pleasant surprise. ધન્યવાદ.

 17. Tapan says:

  Bahuj Saras Vaat. Mota Bhag Ni Aaj Ni Chokri O Tatha Vahuo A Vanchava Jevi.

  Nice…

 18. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા.

 19. Vaishali Maheshwari says:

  Good thoughts that should be grasped from this story:

  વિવેક વિનાની સ્વતંત્રતા વાંઝણી છે.
  જેવું કરીએ તેવું પામીએ તે કુદરતનો ન્યાય છે. એનો તો વિચાર તું કરી જો.
  જ્યાં વત્સલતા છે, વડીલો પ્રત્યે વિનયવિવેક છે, તે ઘરનું બીજું નામ સ્વર્ગ છે.

  Very nice story. Gauriben did an excellent job of teaching her daughter a lesson.
  I wish Kumar could have done this long before by using some tactics which would not mess up his married life, but still his mother could be here.

  I have seen many parents who think that their child is the best and try to hide the weaknesses of their children. I am glad that Gauriben is not one of them. She mentioned to her daughter that what she is doing is not write. She should respect her mother-in-law and her experience too. Kumar and Kamakshi can live with Gangaben and their little son Dilip happily forever.

  Thank you Mr. Kantilal for this good story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.