સોય-દોરો – જ્યોતીન્દ્ર દવે

હું નાનો હતો ત્યારે મારું કોઈને કોઈ વસ્ત્ર એકાદ ઠેકાણેથી પણ ફાટ્યું ન હોય એવો દિવસ ભાગ્યે જ જતો. શરીર પર ને કપડાં પર બે-ચાર ચીરા કે ફાટ ન હોય એમ કદી બનતું નહિ. શરીર પર પડેલા ચીરા કે ઘાને હું ધૂળ ભભરાવીને ઠીક કરી દેતો અને બનતા સુધી કોઈની નજરે ન પડે તેની કાળજી રાખતો. પણ ફાટ્યાં કપડાં ફાટેલા મગજવાળાની પેઠે, પોતાની જાત જણાવ્યા સિવાય રહેતાં નહિ. પહેરણની બાંયે ચીરો પડ્યો હોય, ઘૂંટણ આગળથી લેંઘો કે ધોતિયું જરા ફાટ્યું હોય ને હું છુપાવવાનો યત્ન કરતો રહું, છતાં હાથ ઊંચો કરતાં કે પગ ઉપાડીને ચાલવા જતાં એ ચીરો ને એ ફાટ મોં પહોળું કરીને ચાડી ખાઈ દેતાં. એક દિવસ પહેલાં જ નવાં કાઢીને પહેરાવેલાં કપડાંને બીજે દહાડે ફાટેલું જોતાં મારી માતા કહેતી : ‘તારે શરીરે તે કાતર છે કે શું ? કંઈ પણ કપડું પહેરાવ્યું કે તે ફાટ્યું જ સમજવું ! હવે જો આ નવાં કપડાં ફાડી લાવશે તો હું સાંધી આપીશ નહીં. તારે ફાટેલાં કપડાં પહેરવાં પડશે !’ એમ કહીને સોયદોરો લઈને એ સાંધી આપતી. વારંવાર માતાને આવી તસ્દી આપવી એ ઠીક નહિ, આપણું કામ આપણે જાતે જ કરી લેવું એવી કોઈ ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈને નહિ, પણ હવે જો ફાટેલું કપડું એ દેખશે તો વઢ્યા વિના નહિ રહે, કદાચ માર પણ પડશે એવા ભયને લીધે મેં એ જાણે નહિ તેમ, મારાં ફાટેલાં કપડાં હાથે સાંધી લેવાના એકથી વધારે વાર પ્રયત્નો કરેલા, પણ એક પણ વાર મને એમાં સંપૂર્ણ સફળતા મળી નહોતી.

સોયને નાકે નાનકડું કાણું હોય છે. એ જ કાણામાં પરોવવાનો દોરો એમાં જઈ શકે એવો હોય છે. એક હાથે સોયને પકડીને એને આંખ સામે એનું કાણું દેખાય એ રીતે ધરી રાખીને બીજે હાથે દોરાનો છેડો પકડી એ સોયના કાણામાં દાખલ કરી, એ જરા કાણા બહાર નીકળતો દેખાય એટલે એને ખેંચી લેવો એટલે દોરો સોયમાં પરોવાઈ જાય એમ અનેકવારનાં અવલોકનને પરિણામે હું શીખ્યો હતો. પણ જ્યારે એક હાથમાં સોય ને બીજા હાથમાં દોરો લઈને મેં એવો પ્રયત્ન કરી જોયો ત્યારે ક્યાંક સુધી તો મને કાણું જ દેખાયું નહિ. આખરે સોય ઊંધી ઝાલી છે એમ એની ઉપરની અણી દોરીવાળા હાથમાં ભોંકાઈ ત્યારે મને સમજાયું ! સોયને ઊંધી કરીને ફરી પ્રયત્ન કર્યો. આ વખતે કાણાના દર્શનમાં વાંધો ન આવ્યો. ઊલટું, એકને બદલે બે કાણાં દેખાયાં ! આમાં ક્યા કાણામાં દોરો પરોવવાનો હશે એ પહેલાં તો મને સમજાયું જ નહિ. પછી એક આંખ મીંચીને ધ્યાનપૂર્વક જોયું તો એક જ કાણું દેખાયું. એ પછી બીજી આંખ મીંચીંને જોયું ત્યારે પણ એક જ કાણું દેખાયું, પણ જગા જરા ફરી ગયેલી દેખાઈ. એ પછી વળી બંને આંખ ઉઘાડી રાખી જોયું, તો ફરી બે કાણાં દેખાયાં. આ દ્વૈતાદ્વૈતની લીલામાં હું ગૂંચવાઈ ગયો. ઈશ્વરે આ સૃષ્ટિ સરજાવીને મનુષ્યમાત્રને દ્વૈતાદ્વૈતની ભ્રમલીલામાં ગૂંચવી નાખ્યા છે. મોટામોટા ફિલસૂફો ને આચાર્યપ્રવરો પણ એમાં ભેરવાઈ પડ્યા છે તો મારા જેવાનું શું ગજું ? ફેર એટલો કે એમને સૃષ્ટિએ ગૂંચવ્યા. મને સોયે ગૂંચવ્યો.

આખરે આચાર્યોના આચાર્ય એવા ભગવાન શંકરાચાર્યનું સ્મરણ કરી એકચિત્તે ને એકનયને મેં સોય સામું જોયું ને માયાનાં પડળ સરી જતાં અદ્વૈતભાનુનો ઉદય થયો. ‘એકં સત વિપ્રા બહુધા વદન્તિ – સત્ય એક જ છે, વિચારકો એનું વર્ણન એ બહુ હોય એ રીતે કરે છે.’ એ આપ્તવાણીની મને પ્રતીતિ થઈ અને સોયને એક જ કાણું છે એવી દઢ શ્રદ્ધા હૈયામાં ધારણ કરી એકબ્રહ્મમાં ચિત્તને પરોવવાનો નિશ્ચય કરનાર યોગીની અદાથી મેં સોયના એ એકમાત્ર કાણામાં ચિત્ત જેવા ચંચળ દોરાને પરોવવાનો યત્ન કરવા માંડ્યો, પણ સ્વતંત્રતાના વાતાવરણમાં ઊછરેલા એ દોરાને પોતાની સ્વતંત્રતાનું બલિદાન આપી સોયનું બંધન સ્વીકારવાની જરાય ઈચ્છા હોય એમ ન લાગ્યું. હું એને સોયના સાન્નિધ્યમાં લાવું, કાણાની અંદર એનો છેડો ખેંચું એટલે જગત પણ સત્ય છે ને બ્રહ્મ પણ સત્ય છે એવો પોકાર કરતા દ્વૈતવાદીની પેઠે એ સોયથી દૂર સરી જઈ પોતાનું ને સોયનું ભિન્નત્વ સિદ્ધ કરતો. થોડી વાર સુધી આમ ચાલ્યું ને પછી સોયવાળા હાથે ખાલી ચડી આવવાથી હાથમાંથી સોય સરી ગઈ !

સરીને આઘે તો ન ગઈ પણ પાસે જમીન પર જ પડી. એ સોય લેવા મેં તપાસ શરૂ કરી, ત્યારે જ મને સમજાયું, કે પડી ગયેલી સોયને શોધી કાઢવી એ સામાન્ય મનુષ્યની શક્તિની બહારની વાત છે. ઘૂંટણિયે પડીને, જમીન પર સૂઈ જઈને, જ્યાં સોય પડી હશે એમ હું ધારતો હતો તે જગાની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ – એ ચારે દિશાએથી તપાસ શરૂ કરી, વિરુદ્ધ દિશામાં પ્રગતિ કરી, બારીક અવલોકન કરી એ સોયને શોધીને કાઢવા મેં ખૂબ મહેનત કરી પણ ‘ભગવતિ વસુંધરે દેહિ મે વિવરમ – પૃથ્વી માતા, મારે માટે જગા કર.’ એમ દુષ્યંતના અપમાનથી અકળાઈને શકુંતલાએ પૃથ્વીને યાચના કરી હતી, તેમ એ સોયે પણ મારા અત્યાચારથી અકળાઈને કદાચ એવી જ પ્રાર્થના કરી હશે અને શંકુતલાની પ્રાર્થના તો પૃથ્વીએ નહોતી સાંભળી, પણ સીતાની વહારે ચડી એને પોતાનામાં સમાવી લીધી હતી, તેમ આ સોયને પણ કદાચ સીતા સમાણી ગણીને પોતાના વિશાળ ઉદરમાં સ્થાન આપી અદશ્ય કરી હોય એમ મને લાગ્યું. આખરે એ સોય નહિ જ જડે એવી ખાતરી થતાં, ‘તું નહિ તો તારી બહેન બીજી’ એમ પોતાની સાથે પરણવાની ના કહેનાર કન્યાને સંભળાવીને તમાચો મારીને ગાલ લાલ રાખનાર યુવકની પેઠે મેં પણ કહ્યું : ‘તું ગઈ તો બીજી છે.’ અને ડબામાંથી બીજી સોય કાઢી. અર્ધોએક કલાક એમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો ને પછી એ પણ મારા હાથમાંથી સરી ગઈ. પૂર્વના અનુભવે કંઈક ડહાપણ પ્રાપ્ત થવાથી આ વખતે એને શોધવા પાછળ મેં બહુ વખત ન બગાડ્યો. થોડીક વાર શોધી, પણ ન જડી એટલે ‘હાથ સલામત તો સોય અનેક’ એ ન્યાયે મેં ત્રીજી સોય કાઢી. પણ જેની પાઘડીએ મંગળ હોય છે તેની એક પછી એક મરી જતી પત્નીની પેઠે એ ત્રીજી વારની તો હાથમાં આવતાંવારને સરી પડી ને પોતાની આગલી બે શોક્યોને મળવા ચાલી ગઈ. ચોથી સોયમાં દોરો પરોવાયો – બરાબર પરોવાયો. અભિમાન, આનંદ ને સંતોષપૂર્વક મેં એનો છેડો લઈને ખેંચ્યો અને આખો દોરો સોયમાંથી બહાર નીકળી આવ્યો.

આમ કેમ બન્યું તે મને સમજાયું નહિ. ‘હિંમત તેણે શરૂ કરી ભીડ્યો છઠ્ઠી વાર’ નાનપણમાં ગોખેલી એ પંક્તિને યાદ કરી મેં ફરી દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. ઘણી મહેનત પછી પરોવાયો. આ વખતે મેં એનો છેડો ખેંચ્યો – પણ જરાક જ. દોરો સોયમાં રહ્યો. ‘હાશ ! એ દુનિયા જખ મારે છે.’ કહીને હું ફાટેલું કપડું લઈને સીવવા માટે પ્રવૃત્ત થયો. પહેલો ટાંકો માર્યો. સોય કપડાં બહાર આવી ને તેની સાથે ‘ત્વમેવ ભાર્યા ન ચ વિપ્રયોગ – તું જ મારી પત્ની ને વિયોગની વાત નહિ’ એમ કહેતો હોય તેમ દોરો પણ એની જોડે જ બહાર આવ્યો. ફરીથી ટાંકો માર્યો, ફરી એ જ અનુભવ થયો. ત્રીજા ટાંકાએ પણ એ જ ઈતિહાસનું પુનરાવર્તન કરી બતાવ્યું. આમાં કંઈ કરામત હોવી જોઈએ એમ મને લાગ્યું, પણ એ શી કરામત હશે તે ઘણા વિચારને અંતે પણ મારાથી સમજી શકાયું નહિ; એટલે સોયમાંથી દોરો કાઢી લઈને તેને બરાબર પેટીમાં પહેલાં પ્રમાણે મૂકીને કપડું સાંધવાનો પ્રયત્ન મેં માંડી વાળ્યો. (ઘણા વખત પછી મને સમજાયું કે સાંધતી વેળા સોયમાં પરોવેલા દોરાને બીજે છેડે ઝીણી ગાંઠ મારવી જોઈએ; નહિ તો સોયની સાથે જ કપડામાંથી દોરો પણ બહાર નીકળી આવે છે !)

એ પછી ઘણે વર્ષે ફરીથી મેં એકવાર ફાટેલું ધોતિયું સાંધવાનો પ્રયત્ન કર્યો હતો; અને તેમાં બે સોયની મદદ વડે હું કાંઈ સફળ પણ થયો હતો. પહેલી સોયમાં દોરો પરોવતાં મારો દમ નીકળી ગયો હતો, પણ એમાં વાંક મારો નહોતો-સોયનો હતો. સોયનું કાણું તૂટેલું હતું. એની ગોળકૃતિ એકબાજુથી ખંડિત થઈ હતી. તેની મને ખબર નહોતી. દોરો એમાં બરાબર જવા છતાં પાછો બહાર કેમ નીકળી આવે છે તેની મેં તપાસ કરી. ત્યારે જણાયું કે સોય તૂટેલી છે. બીજી સોય લઈને મેં કામ શરૂ કર્યું અને બુદ્ધિમાનના દ્વિતીય લક્ષણને અનુસરીને પૂરું પણ કર્યું. ધોતિયું સંધાયું. સાંધીને પહેર્યા પછી થોડી વારે એમાં કાનખજૂરો ભરાયો છે એમ મને લાગ્યું. બીજું ધોતિયું બદલીને તપાસ કરી પણ કાનખજૂરો જણાયો નહિ. બીજે દિવસે એ ધોતિયું ફરી પહેરવાનો પ્રસંગ આવ્યો. ત્યારે પણ એમાં કાનખજૂરો ભરાયો હોય એમ મને લાગ્યું. ‘આ છે શું ? ધોતિયામાં કાનખજૂરો ક્યાંથી આવ્યો ?’ કહીને એ બદલીને મેં એને સારી પેઠે ઝાપટ્યું તેમ જ બરાબર તપાસી જોયું, પણ કાનખજૂરો જણાયો નહિ. અમથો વહેમ હશે એમ ધારી મેં એ ધોતિયું ફરીથી ધારણ કર્યું અને ફરી મને કાનખજૂરાના પગ ખૂંચવા લાગ્યા. ‘આ તો કાનખજૂરો છે કે ભૂત છે ?’ એમ કહીને જે જગ્યાએ મને કાનખજૂરો હોવાનું લાગ્યું તે જગ્યાએથી ધોતિયાને દબાવીને પકડીને જરા ઊંચુ કરી ઝાલી રાખ્યું. અને પછી ફેરવીને જોયું તો જણાઈ આવ્યું કે કાનખજૂરો નહોતો પણ કાનખજૂરાને મળતી આવે એવી આકૃતિમાં મેં મારેલા ટાંકા હતા અને તે મને ખૂંચતા હતા ! એ પછી સોયદોરો લઈને ફાટેલાં કપડાં સાંધવા માટે ઈશ્વરે મારું નિર્માણ નથી કર્યું એ વાતની મને પ્રતીતિ થઈ અને એ કાર્ય કરવા માટે પ્રયત્ન ન કરવાનો મેં નિશ્ચય કર્યો અને બીજા અનેક નિશ્ચયો કરતાં વિપરીત રીતે એ નિશ્ચય મેં આજ સુધી પાળ્યો પણ છે.

સોયમાં દોરો પરોવવાથી માંડીને કપડું સાંધવા સુધીની ક્રિયા કેટલી અટપટી, ઝીણવટભરી ને શ્રમ પહોંચાડનારી છે એ આટલા પરથી સમજાશે. પણ એના વિના કોઈને ચાલે તેમ નથી. માણસને કપડાં વિના ચાલે તેમ નથી. કપડાંને ફાટ્યા વિના ચાલે તેમ નથી અને ફાટેલાં કપડાંને સાંધ્યા વિના ચાલે તેમ નથી; એટલે સૌ એ ક્રિયામાં પાવરધા થાય એટલા માટે એનું શિક્ષણ આપવાની ખાસ જરૂર છે. મનને એકાગ્ર કરવા માટે આપણાં શાસ્ત્રોમાં મૂર્તિપૂજાથી માંડીને પ્રાણાયામ સુધીની કંઈ કંઈ પ્રક્રિયાઓ બતાવી છે. પણ મને લાગે છે કે સોયમાં દોરો પરોવવાની ક્રિયા એ મનને એકાગ્ર કરવા માટેનું મોટામાં મોટું સાધન છે. સોયમાં દોરો પરોવતી વેળા મનને એવું એકાગ્ર કરવું પડે છે, કે બહારનો કોઈ પણ વિક્ષેપ એનાથી જરાય સહન થઈ શકતો નથી. એ કાર્ય કરતી વેળા આખા શરીરને કેવું નિશ્ચેષ્ટ રાખવું પડે છે, દોરા વડે કપડું સાંધતાં પહેલાં આંખ, હાથ ને મનને કેવાં એકસૂત્રે સાંધીને કાર્યક્ષમ બનાવવાં પડે છે એનો અનુભવ જેણે એ કાર્ય કર્યું હશે તેને થયા વિના નહિ રહ્યો હોય. અલબત્ત, આ ધ્યાનક્રિયા થોડો જ વખત ચાલે છે, પણ એ કાર્ય લાંબા સમય સુધી ને વારંવાર કરવામાં આવે તો યોગશાસ્ત્રમાં બીજી કોઈ પણ પ્રક્રિયાનો આશ્રય લીધા વિના મનુષ્ય યોગમાર્ગમાં પહેલું પગલું ભરી શકે.

એકબીજા સાથે અવિભક્તરૂપે રહેલા કાપડના તંતુઓ વિભક્ત થઈને પરસ્પર મોં ફેરવી વિમુખ બની બેસે, ત્યારે તેમને ફરી ભેળા કરી બંને વચ્ચે સુમેળ કરાવવો એ ક્રિયા વડે કેવળ હાથ ને આંખનું જ કૌશલ્ય કેળવાય છે એમ નથી, એનાથી મન પણ પ્રસાદયુક્ત બનીને સર્જનપ્રવૃત્તિ માટે યોગ્ય બને છે. તીરકામઠાથી માંડીને અણુબૉમ્બ સુધીનાં શસ્ત્રાશસ્ત્રો એ મનુષ્યોના વિધ્વંસક પ્રવૃત્તિનાં પ્રતીક સમાં છે, તો સોય, દોરો આદિ એના સર્જનાત્મક વૃત્તિનાં પ્રતીકરૂપ છે. એ પ્રતીક પ્રત્યે માણસનું મન જેટલું વધારે ને વધારે વાળવામાં આવે તેટલો એને જ લાભ થશે. જીર્ણ થયેલાં કપડાંની પેઠે અત્યારે જગત આખાની સ્થિતિ બગડી ગઈ છે. જ્યાં ત્યાં મતભેદને કારણે મનભેદ ઊભો થયો છે ને મનભેદમાંથી ચીરા અને ફાટ પણ પડવા લાગી છે; એ વખતે કોઈ કુશળ સાંધનારની જરૂર છે, પણ સાંધવા માટે સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. સાધનશુદ્ધિ ઉપરાંત હાથ, મન અને હેતુથી એકવાક્યતા પણ હોવી જોઈએ. ઘણા દરજીઓ સોયદોરો લઈને બહાર પડ્યા છે, પણ એમની સોયમાં કાણાં વધારે છે અને એમનો દોરો પણ સોય સાથે બહાર નીસરી આવે છે.

લુહારવાડે સોય વેચવી એ યોગ્ય નથી એમ ડાહ્યાઓ કહે છે, પણ અત્યારે તો અણુ ને હાઈડ્રોજન બૉમ્બના આ લુહારવાડામાં નાનકડી સોયની જ જરૂર છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રણકાર (ભાગ-2) – કલ્પના જોશી
અખંડ હજો સૌભાગ્ય – લોકગીત Next »   

29 પ્રતિભાવો : સોય-દોરો – જ્યોતીન્દ્ર દવે

 1. Niraj says:

  Nice 🙂 I think a test can be developed to detect the drunk drivers based on same methodology 🙂

 2. Gandabhai Vallabh says:

  જ્યોતીન્દ્ર દવે મારા પ્રિય લેખક. એમની પાસે હાસ્ય સાથે આધ્યાત્મિકતા પણ છે.
  ખૂબ જ સરસ લેખ. હાર્દિક આભાર આવો ઉત્તમ લેખ આપવા બદલ મૃગેશભાઈ.

  ‘ભગવતિ વસુંધરે દેહિ મેં વિવરમ’ અહીં “મેં” નહિ પણ “મે” હોવું જોઈએ.

 3. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ. જ્યોતીન્દ્ર બ્રાન્ડ હ્યુમર તો હવે કદીક જ માણવા મળે છે. મજા આવી ગઈ.

  મને તો રસોઈ બનાવવાની ક્રિયા, શાકભાજી સમારવાની ક્રિયા પણ આવી જ મુશ્કેલ ક્રિયાઓ લાગે છે.

  નયન

 4. તેજસ says:

  નયનભાઇ , તમારી તબિયત તો સારી છે ને? આજે પ્રતિભાવ આપવામાં 3rd નંબર આવ્યો…just kidding…

 5. પરેશ says:

  વાહ, ભઇ, વાહ! કેટલાય વખતે જ્યોતીન્દ્ર દવેનો લેખ વાંચવા મળ્યો! Hope other readers pardon my ignorance but I just discovered readgujarati.com. ગુજરાતીમાં લખવાનું પણ મને હમણાં હમણાંથી જ જાણવા મળ્યું છે. વાચક મિત્રોને મારા બ્લોગ વાંચવા હાર્દિક નિમંત્રણ. gujjubits.gujaratiblogs.com ઃ)

 6. pragnaju says:

  વ્યંગ સાથે કોઈનૂં પણ દિલ ન દુખાય તેવી રમુજ-
  હાસ્ય સાથે આધ્યાત્મિક દર્શન
  મઝા આવી ગઈ
  “મનભેદમાંથી ચીરા અને ફાટ પણ પડવા લાગી છે; એ વખતે કોઈ કુશળ સાંધનારની જરૂર છે, પણ સાંધવા માટે સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. સાધનશુદ્ધિ ઉપરાંત હાથ, મન અને હેતુથી એકવાક્યતા પણ હોવી જોઈએ. ઘણા દરજીઓ સોયદોરો લઈને બહાર પડ્યા છે, પણ એમની સોયમાં કાણાં વધારે છે અને એમનો દોરો પણ સોય સાથે બહાર નીસરી આવે છે.”
  ચિંતન માંગે તેવી વાત્

 7. Hiral Thaker "Vasantiful" says:

  😀

 8. Harikrishna says:

  એક નાનિ વાતને કેવિ રિતે હાસ્યમા બદલાવિ તે ખરેખર જ્યોતિન્દ્રભાઈ જ કરે. ખુબ સરસ.
  ધન્યવાદ.

 9. Paresh says:

  હાસ્યની સાથો સાથ ફીલોસોફીનો અદ્વિતિય યોગ એટલે શ્રી જ્યોતીન્દ્ર દવેનો લેખ. આભાર

  “આ દ્વૈતાદ્વૈતની લીલામાં હું ગૂંચવાઈ ગયો. ઈશ્વરે આ સૃષ્ટિ સરજાવીને મનુષ્યમાત્રને દ્વૈતાદ્વૈતની ભ્રમલીલામાં ગૂંચવી નાખ્યા છે. મોટામોટા ફિલસૂફો ને આચાર્યપ્રવરો પણ એમાં ભેરવાઈ પડ્યા છે તો મારા જેવાનું શું ગજું ? ફેર એટલો કે એમને સૃષ્ટિએ ગૂંચવ્યા. મને સોયે ગૂંચવ્યો.”

  “આખરે આચાર્યોના આચાર્ય એવા ભગવાન શંકરાચાર્યનું સ્મરણ કરી એકચિત્તે ને એકનયને મેં સોય સામું જોયું ને માયાનાં પડળ સરી જતાં અદ્વૈતભાનુનો ઉદય થયો. ‘એકં સત વિપ્રા બહુધા વદન્તિ – સત્ય એક જ છે, વિચારકો એનું વર્ણન એ બહુ હોય એ રીતે કરે છે.’ એ આપ્તવાણીની મને પ્રતીતિ થઈ”

  “કાણાની અંદર એનો છેડો ખેંચું એટલે જગત પણ સત્ય છે ને બ્રહ્મ પણ સત્ય છે એવો પોકાર કરતા દ્વૈતવાદીની પેઠે એ સોયથી દૂર સરી જઈ પોતાનું ને સોયનું ભિન્નત્વ સિદ્ધ કરતો.”

 10. ભાવના શુક્લ says:

  વાહ! સોય પરોવવાની વાતે બ્રહ્મગ્યાન લાધ્યુ…. જ્યોતિન્દ્રભાઈની કલમનો તેજ લીસોટો જણાઈ આવ્યો.

 11. Jatan says:

  સરસ ખુબ મજા આવી ગઈ, વાચકો પણ સોઇ દોરા મા ખોવાઇ જાય એવુ સરસ વણન

 12. ashvini joshi says:

  very nice story. and site too.
  Keep it up!

 13. Nisheeth says:

  ખ્હુબ મજા આવિ

 14. ramesh says:

  આ તો કાનખજૂરો છે કે ભૂત ?

 15. Ramesh.k.tukadiya says:

  પૃથ્વી માતા, મારે માટે જગા કર.’ એમ દુષ્યંતના અપમાનથી અકળાઈને શકુંતલાએ પૃથ્વીને યાચના કરી હતી, તેમ એ સોયે પણ મારા અત્યાચારથી અકળાઈને કદાચ એવી જ પ્રાર્થના કરી હશે અને શંકુતલાની પ્રાર્થના તો પૃથ્વીએ નહોતી સાંભળી, પણ સીતાની વહારે ચડી એને પોતાનામાં સમાવી લીધી હતી,

  ખૂબ જ મજા આવી.

 16. raju yadav says:

  વર્ણન એટલુ સરસ છે જાણે એ સોય પરોવવાની ક્રિયા આંખ ની સામે જ થાય છે એમ લાગે. વાંચતા વાંચતા હસવુ રોકી શકાય નહી એવુ લખાણ….

 17. Hemant Ghodke says:

  એક સોય અને દોરા ઉપર આટલુ તો દવેસાહેબ જ કરિ જાંણે.

 18. Vishal Jani says:

  વાહ વાહ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.