- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બાલી ટાપુની સફરે – સુવર્ણા અરવિંદ પારેખ

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

હિંદ મહાસાગરમાં બાલી એક મોટો ટાપુ છે. સિંગાપુરથી બાલીના એરપોર્ટ ‘ડેનપાસાર’ની સીધી ફલાઈટ બે કલાકની છે. ‘સિંગાપુર એરલાઈન્સ’ અને ‘ગરૂડા ઈન્ડોનેસીયા એરલાઈન્સ’ની ફલાઈટો ચિક્કાર ભરાઈને આખી દુનિયાના પ્રવાસીઓને બાલીમાં ઠાલવે છે. ‘વિસા ઑન એરાઈવલ’ માટે ડેનપાસાર એરપોર્ટ ઉપર પ્રત્યેક મુસાફર પાસે દસ અમેરિકન ડૉલર વસૂલ કરવામાં આવે છે.

અહીં રિસોર્ટ અને હોટલો સંખ્યાબંધ છે અને મોટા ભાગની હોટલો બાલીના લાંબા બીચ ઉપર આવેલી છે. જુદી જુદી સગવડો મુજબ તેના દરમાં ફરક રહે છે. બીચ કરતાં અંદરની હૉટલો પ્રમાણમાં સસ્તી હોય છે. રસ્તાઓમાં ઢગલાબંધ પ્રવાસીઓ દેખાયા જ કરે છે. દેશદેશની પ્રજા બાલીમાં નજરે પડે છે.

ઈન્ડોનેશીયાનું ચલણ ‘ઈન્ડોનેશીઅન રૂપિયો’ છે. એક અમેરિકન ડૉલર સામે 9900 રૂ. અને એક સિંગાપુર ડૉલર સામે 6600 ઈન્ડોનેશીઅન રૂપિયા મળે છે. એરપોર્ટ ઉપર અને રસ્તાઓ ઉપર ‘મની ચેન્જરો’ની લાઈનબંધ દુકાનો હોય છે. તમારે ચોકસાઈ કરવી પડે છે કે કોણ સારામાં સારો ભાવ આપે છે. ઉપરાંત ખાસ ધ્યાન રાખવું પડે છે કે તેઓ તમને બનાવટી નોટો આપી ન દે. અહીં તેનો મોટો ભય રહેલો છે. અહીં ચલણની નોટ એક લાખ, પચાસ હજાર, વીસ હજાર, દસ હજાર, પાંચ હજાર, એક હજારની અને 500 રૂપિયાના સિક્કાઓ. આથી, નાસ્તો કરવા જાવ તો લાખ ઈન્ડોનેશીયન રૂપિયાનું બીલ આવે ! જમવા જાવ તો બે-ત્રણ લાખ રૂપિયાનું બીલ આવે તો નવાઈ ન લાગે !

બાલીમાં ચારેબાજુ અસંખ્ય બીચો છે. દરિયાનું પાણી ઘૂઘવાટ કર્યા જ કરે, નજર હટાવવાનું મન જ ન થાય. બધા બીચો સામે નાની-મોટી રેસ્ટોરન્ટો. ત્યાં ફેરિયાઓ તમને તરેહતરેહની જુદી જુદી વસ્તુઓ વેચવા આવે, તમને લલચાવે, વિનંતી કરે અને જો કંઈ લેવાની ઈચ્છા થાય તો ભાવતાલ કરવા જ પડે. ભાવતાલ કર્યા વગર છેતરાઈ જવાય તે સો ટકા ! બાલી જતાં પહેલા આપણને શાકાહારી ભોજન મળશે કે કેમ તેનો ડર મનમાં હોય જ પણ થોડી માહિતી એકઠી કરીને જાવ તો કોઈપણ તકલીફ વગર આપણને શાકાહારી ખાવાનું મળી જાય છે.

ડેનપાસારની દક્ષિણમાં કુટા બીચ બહુ પ્રખ્યાત છે. રેતીવાળો સુંદર બીચ… સામે રસ્તો, ગાડી-મોટર માણસોથી ભરેલો અને રસ્તાની એકબાજુ રહેવા માટે હૉટલો, રિસોર્ટની લંગાર…. બાલીમાં મોટા પ્રમાણમાં લોકો અગાઉ સાયકલનો ઉપયોગ કરતાં. હવે સાયકલો અદશ્ય થઈ ગઈ છે અને વેસ્પા સ્કૂટરો, મોટર સાયકલો ઉપર લોકો ફરતા દેખાય. તમને ભાડે આપતી વેસ્પા-મોટર સાઈકલોની લાઈનો ફૂટપાથ ઉપર ઠેરઠેર દેખાય. મોટર પણ ભાડાથી મળે. સરકારી-બિનસરકારી બસોમાં પણ ફરતા લોકો દેખાય. બજારમાં જાતજાતની-ભાતભાતની વસ્તુઓથી ભરેલી દુકાનોની હારમાળા તમે જોયા જ કરો. શું લેવું અને શું ન લેવું ? રમકડાં, કપડાં, નોવેલ્ટી, માળાઓ, ઈઅરિંગ વગેરે માટેની નાનીનાની બજેટ માર્કેટમાં લાઈનબંધ દુકાનો આવેલી છે. અહીં 95% હિંદુઓની વસ્તી છે. હિંદુ પ્રજા ખૂબ ધાર્મિક. દુકાનો, ઘરની સામે ફૂલ-અગરબત્તીની નાની કેળની બાસ્કેટ બનાવીને ગોઠવે અને બે હાથ જોડી પ્રણામ કરી ભાવપૂર્વક બેસે.

કુટા બીચ પાસે ‘લીજીઅન’ નામની જગ્યા છે. નીચે ‘જીમ્બારન’ અને તેની દક્ષિણે ‘નુસા ડુઆ’ નામના વિસ્તારો છે. લીજીઅનમાં દુકાનો અને મૉલ છે. નુસા ડુઆ ત્યાંનો બહુ પ્રખ્યાત વિસ્તાર ગણાય છે. તેમાં બધી જ પંચતારક હોટલો આવેલી છે. ‘નીકો બાલી જાપાનીઝ હોટલ’ તો અફલાતુન. જમીનના લેવલથી પાંચમાળ નીચે ઉતરો ત્યારે સ્વીમીંગ પૂલ અને પછી પોતાનો ખાનગી બીચ…. તેની ભવ્યતા જોયા જ કરીએ. અહીં ‘ઉબુદ’ નામની જગ્યા પણ ખૂબ જાણીતી છે. ત્યાં 944ની સાલનું એક ભવ્ય મોટું મંદિર છે. બ્રહ્મા-વિષ્ણુની મૂર્તિઓવાળા મંદિરો જોતાંજોતાં તેની સાચવણી માટે આપણને ખરેખર માન થઈ આવે. બાલીમાં ભાતભાતની કારીગરીવાળા કારખાના છે. અહીં લાકડું નરમ એટલે બારીક કોતરણીવાળા લાકડાંની વસ્તુઓ જોયા જ કરીએ. લાખોની સંખ્યામાં બનતી લાકડાની ચીજો માટે બાલી મશહૂર છે. તેમજ ચિત્રકામ-પેઈન્ટીંગ્સો તૈયાર કરતા વર્કશૉપ પણ ખરા. હજારો-લાખોની સંખ્યામાં તૈયાર પેઈન્ટિંગ્સ જોવા માટે વેચાતા મળે. વિદેશીઓ ભાવતાલ કરી લઈ જાય અને એક્સપોર્ટ પણ થાય. સિમેન્ટની બનેલી તથા મોલ્ડીંગ કરેલી પ્રતિમાઓની તો અહીં વણઝાર… બુદ્ધ, હાથી, ઘોડા, સુંદરીઓ, ફલાવર વાઝના વર્કશૉપનો અનોખો વિસ્તાર છે. નુસા ડુઆમાં ‘બાલી કલેકશન’ નામનો મસમોટો મૉલ છે. ભવ્ય દુકાનો, રેસ્ટોરન્ટ, મોટી માર્કેટ. લોકો તે જગ્યા જોવા જાય તે માટે ખાસ બસની વ્યવસ્થા છે.

બાલીમાં એક મોટો જવાળામુખી છે. અત્યારે તે ઠરી ગયો છે પણ જ્યારે તે જાગૃત હતો ત્યારે લાવારસ-અંગારાથી ભરેલો…. આજે પણ નીચે નદી માફક તેની ધારાઓ સ્પષ્ટ દેખાય છે અને તેની નીચે એક સુંદરમઝાનું મોટું સરોવર છે. જ્વાળામુખી અને સરોવરની આ સુંદરતા જોવા મળે તે માટે સામેના પર્વત જેવી ઊંચી જગ્યાએ લાઈનબંધ રેસ્ટોરન્ટોની હારમાળા છે. પવન ફૂંકાતો હોય, આકાશ સ્વચ્છ હોય તો હોટલમાં ખાતાપીતા પ્રવાસીઓ મજા માણતા જોવા મળે. આ ભવ્યતા-સુંદરતા માટે શબ્દકોશના શબ્દો ઓછા પડે ! લાંબો મોટરેબલ રોડ, આખે રસ્તે વચ્ચેવચ્ચે નાનીનાની દુકાનો. રસ્તામાં રાઈસ ટેરેસ આવે. નાની ટેકરીઓ પર ખેતરો, જેમાં ચોખાનો પાક લહેરાતો દેખાય. ઉપરથી ચાના બગીચાઓ જેવું મનોરમ્ય દશ્ય લાગે. બસ જોયા જ કરો. આ રાઈસ ટેરેસ પર પણ બેસીને શાંતિથી જોઈ શકાય તે માટે નાની સુંદર રેસ્ટોરન્ટો, ચોતરફ અદ્દભુત શાંતિ અને તેમાં વરસાદ પડતો જોવો તે યાદગાર દશ્ય…. બાલીની છોકરીઓ ભાંગીતૂટી અંગ્રેજીમાં બોલે અને કંઈક ખાવાપીવાનો આગ્રહ કરે.

ઉલુવાતુ નામની એક જગ્યા ઊંચા પહાડ ઉપર ‘મન્કી ફોરેસ્ટ’ નામે ઓળખાય છે. વાંદરાઓથી ભરેલા આ નાના જંગલમાં તમારે ટોપી-ચશ્મા કાઢી નાખીને ચાલીને જ પસાર થવાનું. ઉપર ઉંચે એક ખુલ્લી ગૅલેરીવાળી લાકડાની બેઠકવાળી જગ્યા છે. ત્યાં ‘ફાયરડાન્સ’ નામનું દોઢેક કલાકનું નૃત્ય થાય છે. પ્રત્યેક પ્રેક્ષક પાસે રૂ. 3000 ની ટિકિટ છે. સંધ્યા ટાણે દેશવિદેશના લોકો કેમેરા લઈ ગોઠવાઈ જાય છે. સરસ સૂર્યાસ્ત દેખાય છે અને મોટા વર્તુળમાં પુરૂષો દાખલ થઈ ગોળ કુંડાળામાં બેસી જાય છે. તેમની ભાષામાં ભજન જેવું કંઈક ગાય છે. પછી મહારાજ આવીને પૂજાપાઠ કરે છે, મંત્રોચ્ચાર કરે છે. રંગીન પહેરવેશમાં નૃત્ય દ્વારા લંકાદહનનો કાર્યક્રમ થાય, રામસીતા-લક્ષ્મણ આવે, સુગ્રીવ-ગરૂડ આવે, રાવણ-સીતાનું હરણ કરે, કૂદકા મારતા હનુમાન આવે, રાક્ષસોને હરાવે, અશોકવનમાં આવે, સીતાજીને રામની મુદ્રિકા બતાવી ઓળખાણ આપે, રાક્ષસોને હાથે હનુમાન પકડાય, તેની આસપાસ અગ્નિ ચેતાવાય, હનુમાન બંધન તોડીને લંકાદહન કરે, અને રામ-લક્ષમણ આવી રાવણને મારી સીતાજીને છોડાવે. થોડું લાંબુ લાગે પણ બાલી પ્રજાની સંસ્કારિતા સમા આ લોકનૃત્ય જોવાની અનેરી મઝા છે. કેમેરાઓની ચાંપ દબાય, ઝબકારા થાય અને ફોટો ખેંચાય – યાદગીરી રૂપે. કાર્યક્રમ છૂટે એટલે બે-પાંચ હજાર પ્રેક્ષકોની ગાડીઓ પોતાની હોટલો તરફ દોડી જાય.

ફરવાલાયક અન્ય સ્થળો માટે તમને અહીં ગાઈડ મળી રહે છે. ચાર દિવસ તમને ગાડીવાળો ગાઈડ બધે ફેરવે અને પાછો એરપોર્ટ મૂકી જાય. તેને ચાર લાખ ઈન્ડોનેશીઅન રૂપિયા આપો એટલે એ રાજીરાજી. આપણા ભારત પ્રમાણે તો રોજનાં પંદરસો રૂપિયા જેટલો મામૂલી દર જ ગણાય. ઈન્ડોનેશિયામાં બહારના દેશના લોકોને વેપારી કંપનીઓ ઊભી કરવાની પરવાનગી નથી પણ તેઓ ત્યાંના લોકો સાથે ભાગીદારી કરે તો તે થઈ શકે છે. એક કેનેડીયન કલાકારે ‘કોનકેવ’ આકારની પ્રતિમાઓ બનાવવાનું નક્કી કર્યું. તેની પાસે આવડત હતી અને ઈન્ડોનેશીઆમાં સોંધવારીવાળી જગ્યા, કારીગરો, કલાકારો ઉપસ્થિત હતા. તેણે ઈન્ડોનેશીયન યુવતી સાથે લગ્ન કર્યા અને આવી કલાકૃતિઓ જેમ કે તરેહ તરેહના ભગવાનો, બુદ્ધ, મહાવીર, ઈશુ, કૃષ્ણ વગેરેની પ્રતિમાઓ બનાવી. તેમનાં ભારતીય ભાગીદારે ભારતથી ફોટાઓ મોકલીને તે મુજબ કેટલીક કલાકૃતિઓ તૈયાર કરાવી. આજે મોટા પ્રમાણમાં ભારત અને અન્ય દેશોમાં તે એક્સપોર્ટ થાય છે. કલાકૃતિને જે ખૂણેથી જુઓ તે જાણે તમારી સામે જોતી હોય તેવું લાગે. કનેડાના જન્મેલા આ ભાઈએ દેશ-દેશાવરમાં અભ્યાસ કરીને આખરે અહીં વસવાટ કર્યો અને પોતાની કારકીર્દિ બનાવી.

એવા જ એક ફ્રેન્ચ સાહેબ બાલી આવ્યા. તેમને આ જગ્યા બહુ જ ગમી ગઈ. એક સરસ રેસ્ટોરન્ટ બનાવી, શણગારીને ઊંચું પીરામીડ જેવું છાપરું કર્યું. જાણે કે એક મઢૂલી ! તેઓ પોતે શુદ્ધ શાકાહારી તેથી તેમણે ‘પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ’ બનાવી અને તેને નામ આપ્યું ‘એરોમા કાફે’. આ કાફેના મેનુકાર્ડમાં વાંચો તો દરેક વાનગીના નવા નામ. સાથે તે વાનગી શું શું વસ્તુઓની બનેલી છે તેની પૂરી વિગત. જે કંઈ ન સમજાય તે પૂછી શકાય. બધી જ વિગતો વિસ્તારથી સમજાવે. ઓર્ડર બાદ પ્લેટમાં એવી રીતે સજાવીને તમારા ટેબલ પર મૂકે કે તમે જોયા જ કરો. ખાવ તો મોમાં સ્વાદ રહી જાય. ખૂબ સંતોષપૂર્વક જમી શકાય. પણ હા, બીલ લાખો ઈન્ડોનેશિયન રૂપિયામાં !

અહીં એક નાની પહાડી છે તે જગ્યાએ માર્કેટ છે. ત્યાંથી પુરાણા મંદિરો જોવા દરિયા કિનારે જવું પડે. મંદિરોની દિવાલો ઉપર ફીણ ભરેલા સમુદ્રના મોજા અથડાયા કરે. દરિયામાં એક નાનું મંદિર છે. ભરતી હોય તો મંદિરમાં જઈ શકાતું નથી પરંતુ ઓટમાં પાણી ઉતરી જાય ત્યારે ચાલીને મંદિરમાં દર્શન કરવા જઈ શકાય છે. મંદિરની બહાર મોટો હોલ છે. તેના પગથિયાં ઉપર બેસીને સમુદ્રની ભરતી, મોજા જોયા કરવાનો અનેરો આનંદ છે. ત્યાં બે-ત્રણ સ્થાનિક લોકો મોટા અને ભારી અજગરો ખભે ઊંચકી ફર્યા કરે. કોઈને ફોટા પડાવવાનું મન થાય તો ખૂબ ભારી વજનના અજગરને તમારા ખભે ચઢાવી દે ! એક હાથમાં અજગરનો માથાવાળો ભાગ તમને પકડાવે અને બીજા હાથમાં પૂંછડીવાળો ભાગ પકડાવે. તમારાથી અજગરનો ભાર ઉપડે નહીં. તેમાં અજગરની મુવમેન્ટ ચાલ્યા જ કરે. તમારો કેમેરો મદારીને આપો એટલે તમારા ફોટા ફટાફટ પાડી આપે એવો હોંશિયાર ! એ યાદગાર માટે વળી પાછા તમારે એને ઢગલો રૂપિયા ચુકવવાના, જેના વડે અજગર અને મદારીનું પેટિયું ભરાય.

આમ, બાલી ટાપુ વિવિધતાઓથી ભરેલો અને દર્શનીય છે. પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાને સાચવી બેઠેલા આ પ્રદેશનું એકવાર નિરાંતે ભ્રમણ કરવા જેવું ખરું !