ચૂપકે ચૂપકે બોલ મૈના – જુથિકા રૉય

[સ્વ. હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશનની પ્રકાશન પાંખ દ્વારા જૂથિકા રૉયની સ્મૃતિકથા ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’નું ગુજરાતી અનુવાદિત પુસ્તક તાજેતરમાં પ્રકાશિત કરાયું છે. મૂળ બંગાળી પુસ્તકમાંથી શ્રીમતી સુજ્ઞા શાહે અનુવાદ કર્યો છે અને સંપાદન શ્રી રજનીકુમાર પંડ્યાનું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી નવલકિશોરભાઈ પારેખ (મુંબઈ) તેમજ સાહિત્યકાર શ્રી રજનીકુમારભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિસ્થાનની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

juthikaroy1અમે ગોકુલ મિત્ર લેનના ઘરમાં રહેતાં ત્યારે અમારા પડોશી હેનામાસી અમારે ઘેર મારા ગીતો સાંભળવા આવતાં. એમને મારા ગીતો ખૂબ ગમતાં. હેનામાસી માને ‘દીદી’ કહેતાં. મા પર એમને ખૂબ પ્રેમ અને માન, તો અમને પણ માસી બહુ ગમતાં.

એક દિવસ અચાનક હેનામાસી અમારે ઘેર આવ્યાં અને માને કહ્યું : ‘દીદી, આપણા મહોલ્લામાં એક સંગીત અનુષ્ઠાન થવાનું છે. ઉસ્તાદ ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય એમાં ગાવાના છે. ખૂબ સરસ ગાય છે તેઓ. રેણુને હું મારી સાથે લઈ જાઉં સંગીત સાંભળવા ?’ માએ સંમતિ આપી. હેનામાસી કહે : ‘રેણુને ઉસ્તાદ ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય પાસે સંગીત શીખવવામાં આવે તો બીજા કોઈ ઉસ્તાદ પાસે શીખવા જવાની જરૂર ન પડે. રેણુના ગળામાં ભીષ્મદેવનું સંગીત કેવું સરસ લાગે !’ મા કહે : ‘તમારી વાત હું સમજું છું, પણ એ કેવી રીતે શક્ય બને ? અમારે ઉસ્તાદજી સાથે કોઈ જ પરિચય નથી, અમે તેમને ઓળખતા પણ નથી, તેઓ રેણુને સંગીત શીખવવા કેવી રીતે સંમત થાય ? પણ કાંઈ નહીં, આપણે પ્રયત્ન કરીશું.’ હું અને હેનામાસી ઉસ્તાદ ભીષ્મદેવના શાસ્ત્રીય સંગીતના જલસામાં એ સાંજે ગયાં. બહુ જ ભીડ હતી એટલે હું અને હેનામાસી એકદમ આગળ જઈને ઉસ્તાદજીની સામેની ખુરશીમાં બેઠાં. તેમની પહેલાં તો ઘણા ગાયકોએ ગાયું, પણ અમારે સાંભળવા હતા ઉસ્તાદ ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાયને.

ઘણી રાહ જોયા પછી છેવટે ઉસ્તાદ ભીષ્મદેવનું નામ બોલાયું. એમને જોઈને જ મારા મનમાં થયું કે આ અસલી કલાકાર જણાય છે. ઉસ્તાદે આવીને પહેલાં તો તિલક કામોદમાં ઠુમરી ગાઈ, ‘દુ:ખવામેં કાસે કહું મોરી સજની…’ શું અદ્દભુત ગાયન હતું એમનું ! ગાયન સાથે આલાપ અને સ્વરોની ગૂંથણી કરીને ઉસ્તાદે બધા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. હું એ સાંભળીને કોઈ બીજી જ દુનિયામાં ડૂબી ગઈ ! સ્વર અને શબ્દોની આવી અદ્દભુત ગૂંથણી, જેણે ન સાંભળી હોય તે કલ્પના પણ ન કરી શકે ! જેવો લય હતો એવા જ મધુર સૂર હતા. આજે પણ એ ઠુમરી મારા કાનમાં ગુંજે છે. મને થયું કે ક્યારે હું એમની પાસે આ ગીત શીખી લઉં ? એ ઘડીની પ્રતીક્ષા કરવા લાગી. ઘેર આવીને મેં માને કહ્યું : ‘ગમે તેમ કરીને ઉસ્તાદ પાસે મારી ગાયન શીખવાની વ્યવસ્થા કરો.’ મા તો વિચારમાં પડી ગઈ કે કેવી રીતે ઉસ્તાદને મળવું ? રેકૉર્ડિંગ અને અભ્યાસને લીધે હું તો વરાહનગર ગાયન શીખવા નહોતી જઈ શકતી. વળી ગંભીર માંદગી થયા પછી ખૂબ દુર્બળ પણ થઈ ગઈ હતી. કોઈક વાર જ્ઞાનબાબુ આવીને મારું ગાયન સાંભળતા અને તેઓ પોતે પણ ગાતા.

ગ્રામોફોન કંપનીમાં અતિશય કામના બોજાને લીધે કમલબાબુ બહુ જ વ્યસ્ત રહેતા હતા. એક દિવસે એમણે જ સામે ચાલીને કહ્યું કે : ‘હું હમણાં કામમાં ખૂબ વ્યસ્ત રહું છું, તેથી મારી ઈચ્છા છે કે રેણુ ભીષ્મદેવ પાસે શાસ્ત્રીય ગાયન શીખે તો સારું. ભીષ્મદેવનું ગાયન અને એની શૈલી અદ્દભુત છે. એમની પાસે શીખવાથી ગળું કદી ખરાબ નહીં થાય.’ ભીષ્મદેવ સાથે પરિચય શી રીતે કરવો એનો પ્રયત્ન થવા લાગ્યો.

ઈ.સ 1934માં ‘નટીરપૂજા’ નામની એક સંગીતનાટિકામાં કામ કરતી હતી ત્યારે એકવાર ઉસ્તાદ ભીષ્મદેવ અમારા રિહર્સલ રૂમમાં આવ્યા હતા. તેઓ સંગીતના આટલા મોટા ઉસ્તાદ હતા તેની મને એ સમયે જાણ નહોતી. સંગીતજગતની આવી હસ્તી અમારી આગળ બેસીને મારું ગાયન સાંભળે એ મારી કલ્પના બહાર હતું. મને તો એમ કે તે કોઈના મિત્ર હશે. મારું ગીત સાંભળીને ઉસ્તાદ ખૂબ ખુશ થઈ ગયા. તેમણે પોતાની ઈચ્છા પ્રગટ કરતાં કહ્યું કે : ‘રેણુ મારી પાસે શીખે તો હું મન દઈને એને ગાયન શીખવવા તૈયાર છું.’ આ વાત મેં તો બે-ત્રણ વર્ષ પછી એમનાં પત્ની પાસેથી સાંભળી હતી. એ સાંભળીને હું ખૂબ આનંદિત થઈ હતી. મને થયેલું કે કેવું સૌભાગ્ય કહેવાય ! તેમની એક મુલાકાત દરમ્યાન ઉસ્તાદ ભીષ્મદેવ પાસે ગાયન શીખવાની મારી ઈચ્છા માએ બાનીદાભાઈ ગાંગુલી પાસે વ્યક્ત કરી. બાનીદાભાઈએ વર્ષો પહેલાંના એ રિહર્સલનો પ્રસંગ માને કહીને ઉસ્તાદજીએ જે ઈચ્છા પ્રગટ કરી હતી એ પણ કહ્યું. આમ, બંને પક્ષે સમાન ઉત્સુક્તા હતી. થોડા દિવસ પછી ઉસ્તાદ પાસે ગાયન શીખવાનો દિવસ નક્કી થયો. બાનીદાએ જ બધી વ્યવસ્થા કરી હતી. બાનીદાએ કરેલી આ સહાય કદી ન ભૂલી શકાય એવી છે.

juthikaroy2પહેલા જ દિવસે હું પિતાજીની સાથે ઉસ્તાદજીને ઘેર ગઈ હતી. 1935ની એ સાલ હશે. અમે દાદર ચઢીને પાસેના એક મોટા ઓરડામાં બેઠાં. બીજું કોઈ ત્યાં હાજર નહોતું. થોડી વાર પછી ઉસ્તાદજી આવ્યા. મેં ઊભા થઈને પ્રણામ કર્યા અને તેમની સામે બેઠી. પહેલે દિવસે ઉસ્તાદજીએ મને બિહાગ રાગ શીખવાડ્યો – ‘અબુહો લાલન માઈકો….’ આ ગીત શીખતાં મને લગભગ ચાર મહિના લાગેલા. ત્રિતાલની, બંદીશ વગેરે એટલું બધું શીખવાનું હતું – જુદી જુદી તાનો, સરગમ, બોલતાન, સ્વરોનો વિસ્તાર જેવી કેટલીય અદ્દભુત બાબતો મને તેમની પાસેથી શીખવા મળી. તેઓ એટલું વૈવિધ્યપૂર્ણ ગાતા, જાણે સ્વરોનો અસીમ સાગર ન હોય ! તેઓ એટલું મન દઈને શીખવતા કે સમયનું કોઈ બંધન ન રહેતું. મને તેઓ પોતાની નાની બહેન માનતા. બંદીશ અને સરગમ સિવાય બીજું બધું જ તેઓ મૌખિક રીતે શીખવતા. ગાઈને તેઓ જે શીખવતા તે યાદ રાખવું પડતું. ક્યારેક હું કંઈક ભૂલી જાઉં તો કહેતા, ‘જાતે તૈયાર કરો.’ કોઈ નવો વિસ્તાર હું શીખતી ત્યારે એ ભૂલી ન જવાય એ ડરથી રિક્ષામાં ય હું તેને ગણગણતી અને ઘેર પહોંચતા જ હાર્મોનિયમ લઈને રિયાઝ કરવા બેસી જતી. જ્યાં સુધી બરાબર ફાવી ન જતું ત્યાં સુધી હું રિયાઝ બંધ ન કરતી. રિયાઝમાં ને રિયાઝમાં હું ન્હાવા-ખાવાનું બધું ભૂલી જતી.

હું જાણતી હતી કે ઉસ્તાદજીનું શીખવાડેલું હું ભૂલી જઈશ, તો મને એ ફરીથી શીખવા નહીં મળે. કારણ કે ઉસ્તાદજી દરેક વખતે સતત નવું નવું સર્જન કર્યા કરતા. એ બધું શીખી લેવાનું તો અશક્ય હતું. એટલે બને એટલું યાદ રાખવાનો હું પ્રયત્ન કરતી. પિતાજી મને ઘણીવાર આમાં મદદ જેનાથી મને ખૂબ ફાયદો થતો. પિતાજી સાથે ન હોત તો કદાચ ઘણા સ્વરોના વિસ્તાર અને તાનો હું ભૂલી ગઈ હોત. આજે પણ પિતાજીની મદદ અને પ્રેરણા મારા મનમાં જીવંત છે. ક્યારેક બાદલખાંસાહેબ પણ તાલીમ આપવા આવતા. ખાંસાહેબની ઉંમર ખાસ્સી હતી. એમનાથી સરખું ગાઈ પણ શકાતું નહોતું. પણ ઉસ્તાદજી એમના અદ્દભુત સૂરીલા ગળામાં ખાંસાહેબનું શીખવાડેલું ગમે તેટલું કઠિન હોય તો પણ શીખી લેતા, જે મારા માટે અકલ્પ્ય હતું. બાદલખાંસાહેબ આવે ત્યારે ઉસ્તાદજી પોતાનું બધું જ કામ પડતું મૂકીને દોડતા નીચે આવી જતા અને એમનો હાથ પકડીને ધીરે ધીરે ઉપર લઈ આવતા. ઓરડામાં ખાંસાહેબને બેસાડીને પોતે દંડવત પ્રણામ કરતા. એમની આ ગુરુભક્તિ નજરે જોઈ ન હોય તો વિશ્વાસ ન બેસે એવી હતી. એમનો આ ગુણ પણ શીખવા યોગ્ય હતો. ત્યાર પછી અત્યંત સહજભાવે તેઓ ગુરુ પાસે તાલીમ લેતા. ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય પોતે આટલા મોટા ગજાના સૂરસમ્રાટ હોવા છતાં એમના મનમાં સહેજ પણ અભિમાન કે અહંકાર નહોતાં. તેઓ ખૂબ સરળ, સુંદર, ઉદાર તેમ જ ઉમદા સ્વભાવના હતા. મારું એ પરમ સૌભાગ્ય જ ગણાય કે એમના જેવા ગુરુ પાસે મને ગાયન શીખવાનો સુયોગ સાંપડ્યો. એમનાં માતાજી પણ ખૂબ સ્નેહાળ હતાં. એમના સ્નેહનું ઋણ પણ ચૂકવી શકાય તેમ નથી.

ઉસ્તાદજી નીચે બહારના કમરામાં કલાસ લેતા હતા. એમની પાસે અસંખ્ય વિદ્યાર્થીઓ આવતા. જેમ કે – સચીન દેવ બર્મન, પ્રતિમા બન્દોપાધ્યાય, ઉમા બસુ (હાસિ) અને શૈલદેવી. આ સૌ વિદ્યાર્થીઓમાં પરસ્પર ખૂબ મેળ હતો અને કોઈ દિવસ કશી પણ તકલીફ ન થતી. ઉસ્તાદજીના માતાજીને કારણે આ શક્ય બનતું. તેઓ બધાંની સાથે સરખું વર્તન રાખતાં. કોઈની સાથે ભેદભાવ રાખતા નહીં અને બધાંને બહુ સહજતાથી પોતાનાં કરી લેતા.

ઉસ્તાદજીનું અપૂર્વ ગાયન આજે પણ મારા કાનમાં ગૂંજી રહ્યું છે. મને રંજ રહી ગયો છે કે હું એમની પાસેથી કેટલું ઓછું મેળવી શકી છું ! ઉસ્તાદ ભીષ્મદેવના ગાયનની સરખામણી કોઈની સાથે ન થઈ શકે. સ્વરોના તેઓ જાદુગર હતા. ક્યાંથી શરૂ થાય અને ક્યાં એનો અંત આવે તેની ખબર જ ન પડતી. લગભગ પાંચ-છ વર્ષ સુધી હું એમની પાસે શીખી હોઈશ. આ સમયગાળામાં બિહાગ, પટદીપ, ગોડ મલ્હાર, માલકૌંસ, તિલક કામોદ, ઠુમરી, ધાની ઠુમરી, પીલુ ઠુમરી, પૂરિતા ધનાશ્રી, ભૈરવી ઠુમરી, જોનપુરી, ભીમપલાસી, બાગેશ્રી, રાગેશ્રી, કામોદ, દેસી તોડી, લલિત વગેરે કેટલાય રાગો શીખી હોઈશ. આટલાં વર્ષો સુધી મને શીખવ્યા પછી અચાનક ઉસ્તાદજી આરામ કરવા માટે પૉંડીચેરી જતા રહ્યા. મારું શીખવાનું અધુરું રહ્યું. મને ખૂબ દુ:ખ થયું કારણ કે ઉસ્તાદજી પાસે શીખવાની મારી ક્ષમતા પહેલાં કરતાં અનેકગણી વધી ગઈ હતી અને એ જ વખતે શીખવાનું બંધ થઈ ગયું, એ ખોટ પછી ક્યારેય પૂરી ન થઈ શકી. એ વસવસો આજે પણ મનમાં રહી ગયો છે.

લગભગ આઠ-નવ વર્ષ પછી ઉસ્તાદજી પોતાને ઘેર પાછા આવ્યા. એ ખબર સાંભળીને હું ફરીથી એમની પાસે શીખવા માટે ગઈ. પણ ત્યારે એમની તબિયત સારી ન હતી. તેઓ માંદા હતા. આવી તબિયતે પણ તેઓ અમને કોઈ દિવસ એમ ને એમ પાછા કાઢતા નહીં, અને નવી બંદીશો રચીને અમને ખૂબ પ્રેમથી શીખવતા. એમણે રચેલી અને સ્વર આપેલી બિહાગની બંદીશ ‘શુભ ઘડી આયે’, ભૈરવી ઠુમરી, ભજન વગેરે હું એમની પાસે જ શીખી હતી. અગાઉ શીખી તેનાં કરતાં એ કંઈક અલગ હતું.

1938માં મને ભયંકર બળિયા નીકળ્યા ત્યાર પછી મારું સ્વાસ્થ્ય એકદમ કથળી ગયું હતું. વચ્ચે વચ્ચે તાવ પણ આવી જતો. હું ખૂબ દુર્બળ થઈ ગઈ હતી. મને જોઈને ડૉક્ટરે કલકત્તાની બહાર કોઈ જગ્યાએ હવાફેર માટે જવાની સલાહ આપી. એની વ્યવસ્થા પણ થઈ ગઈ. હું, મા, પિતાજી અને મારી નાની બહેન નિબુ અલાહાબાદ ફોઈને ત્યાં ગયા. થોડા દિવસ પછી મા અને પિતાજી પાછા ફર્યા પરંતુ હું અને નિબુ તો લગભગ બે-એક મહિના ત્યાં રોકાયા. ફોઈના દિકરા વિશુદા કૉલેજ જતા ત્યારે હું રોજ ગાયનનો રિયાઝ કરવા બેસતી અને ફોઈબા નીચે પૂજા કરતા. ફોઈબા મને કેટલીય વાર આવીને કહેતા, ‘રેણુ, તારું ગાયન સાંભળીને હું પૂજાના મંત્રો ભૂલી જાઉં છું. શું તને ખબર છે કે પૂજા બંધ કરીને હું તારું ગાયન સાંભળું છું ? કેટલું મધુર ગાય છે તું ! તારા ગીતોના સ્વરથી જ મારું મન ધરાઈ જાય છે.’ વળી તેઓ કહેતાં, ‘પંટુ (મારો વચેટ ભાઈ)નું ગળું તો તારાથી પણ મીઠું હતું. સાત જ વર્ષનો છોકરો હતો, પણ કેવું સરસ ગાતો !’ આટલું બોલતાં બોલતાં ફોઈબાની આંખો ભરાઈ આવતી.

ફોઈબાના અલાહાબાદના ઘરમાં ઉપરના માળે બે ઓરડા હતા – મોટો વરંડો અને પાસે અગાશી. અમે બધાં મોટા ઓરડામાં રહેતાં. બાજુનો નાનો ઓરડો વિશુદાનો હતો. અમારી સાથે ફોઈબાની મોટી દીકરીની દીકરી કલ્યાણી પણ રહેતી, જે ભણવામાં દર વર્ષે પહેલે નંબર આવતી. અમને સરસ મજાની વાતો કરીને તે ખૂબ હસાવતી. વિશુદા કૉલેજ જાય પછી હું રોજ રિયાઝ કરતી. ત્યારે મારું ગળું બુલંદ હતું, અને ઘણે દૂરથી મારું ગાયન સાંભળી શકાતું. એ સાંભળીને ત્યાંના પાડોશીઓને લાગ્યું હશે કે હું બહુ સારું ગાઉં છું. જોતજોતામાં તો મારી ખ્યાતિ હવાની જેમ પ્રસરી ગઈ ! થોડા દિવસ પછી તો ફોઈબાને ત્યાં અજાણ્યા લોકો અને પડોશીઓની ભીડ જામવા લાગી. એમનો હેતુ મારું ગાયન સાંભળવાનો હતો. ઘણા લોકો પોતાને ઘેર મને ગાવા માટે લઈ જવાની ફોઈબાને વિનંતી કરતા. અલાહબાદમાં દર વરસે ડૉ. ડી.આર. ભટ્ટાચાર્યની આગેવાની હેઠળ આખા ભારતમાંથી ચુનંદા શ્રેષ્ઠ કલાકારોની મ્યુઝિક કૉન્ફરન્સ થતી. અચાનક એક દિવસ ડૉ. ભટ્ટાચાર્ય અને એમના પરિવારે ફોઈબાને જણાવ્યું કે એ વર્ષે અલાહાબાદ યુનિવર્સિટીની સિલ્વર જ્યુબિલીના ફંકશનમાં મારે ગાવું પડશે. મેં તેમાં ગાઈને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. મારા જીવનનો એ પહેલો સુવર્ણચંદ્રક હતો. મારી સંગીતસાધના વધુ ઉન્નતિના માર્ગે જઈ રહી હતી. મારી જિંદગીનો યાદગાર દિવસ હતો એ !

ફોઈબા મને કહેતા, ‘રેણુ, તારા આવ્યા અગાઉ મારે ઘેર કોઈ જ આવતું નહોતું. હું તો અહીંના લોકોને ઓળખતી પણ નહોતી. પણ હવે તારું સંગીત સાંભળવા માટે જ અલાહાબાદના કેટકેટલા મોટા મોટા માણસો અહીં આવે છે. તારું ગાયન સાંભળીને એ લોકો કેટલા ખુશ થઈને જાય છે. આ બધું જોઈને હું ખૂબ ગર્વ અનુભવું છું.’ ફોઈને પોતાને પણ મારું ગાયન સાંભળવું ખૂબ ગમતું. બે મહિના સુધી અલાહાબાદ રહીને હું અને નિબુ એકદમ તંદુરસ્ત થઈ ગયાં હતાં. ફોઈબા અમારું કેટલા પ્રેમથી ધ્યાન રાખતાં. એમની આ પ્રેમભરી કાળજીને લીધે, અલાહાબાદમાં ખૂબ આનંદથી અમારા દિવસો પસાર થયા. એવામાં કલકતાથી દીદીનો પત્ર આવ્યો કે પિતાજી અમને લેવા માટે અલાહાબાદ આવવા નીકળી ગયા છે. ખૂબ મજા કરીને અમે કલકતા પાછા ફર્યાં.

આટલા બધા દિવસો સુધી બહાર રહી હોવાથી મારા સંગીતશિક્ષણ, રેકૉર્ડિંગ તેમ જ અભ્યાસ પર અસર થઈ હતી. એટલે કલકત્તા આવતાંની સાથે જ ગ્રામોફોન કંપની તરફથી નવી રેકોર્ડ કરવા માટે મને કહેણ આવ્યું. તે વખતે એક વર્ષમાં અગિયાર રેકૉર્ડ બહાર પડતી. માંદગીને કારણે તેમ જ અલાહાબાદ જવાને લીધે બધું કામ ઠેલાઈ ગયું હતું. પરંતુ કમલ દાસગુપ્ત મને વિવિધ સ્વરનાં નવાં ગીતો, ભજનો, ગઝલો ઝડપથી શીખવવા લાગ્યા. દર મહિને મારી એક પછી એક નવી રેકૉર્ડ બહાર પડવા લાગી. કમલબાબુના નવા નવા સ્વરો, નવા છંદ અને કાળજીપૂર્વક શીખવવાની રીત મને મુગ્ધ કરી દેતી. હું એમનામાં અપૂર્વ શ્રદ્ધા ધરાવતી હતી. એમનાં એક એકથી ચડિયાતા સ્વરોવાળા નવીનતમ ગીતો મને જીવનમાં નવું બળ પૂરું પાડતા. આ સ્વરોની અલૌકિક્તા આગળ દુનિયાનાં પાર્થિવ સુખો મને તુચ્છ લાગતાં. કમલ દાસગુપ્ત જાણે કે સ્વરસાગરમાં ગળાડૂબ હતા. ગીતોને સ્વર આપવા માટે કોઈ નિશ્ચિત સમય કે સ્થળની એમને જરૂર નહોતી વરતાતી. એ હદ સુધી કે હાર્મોનિયમ વગર પણ ફક્ત ગણગણીને નવા ગીતોના સ્વરો તેઓ રચતા અને સાથે સાથે ગીતોના શબ્દો ઉપર સ્વરલિપિ (નોટેશન) પણ લખી રાખતા. સ્વરોનું એમને એટલું બધું જ્ઞાન હતું કે સ્વરલિપિ લખતી વખતે કોઈ પણ વાજિંત્રની જરૂર નહોતી પડતી. મને મનમાં થતું કે જાણે ઈશ્વરની પ્રચંડ શક્તિનો એમનામાં આવિર્ભાવ થઈ રહ્યો છે.

એક ઘટના મને બરાબર યાદ રહી ગઈ છે. ગ્રીષ્મનો પ્રખર તાપ હતો અને બપોરના બે વાગ્યા હતા. અચાનક કમલદાએ આવીને મને કહ્યું : ‘રેણુ, હાર્મોનિયમ લાવો.’ હું અવાક બનીને ઊભી રહી ગઈ કે આવી અસહ્ય ગરમીમાં વળી હાર્મોનિયમ ! પણ તેઓ કહે, ‘એક ગીતનો ખૂબ સુંદર સ્વર બેસાડ્યો છે, હમણાં જ શીખી લે.’ તે વખતે મને ખ્યાલ પણ નહોતો કે કમલબાબુ આ સ્વરો થકી સંગીતજગતમાં મને અમર કરી દેશે. એમનાં સ્વરોમાં મેં ગાયેલું એ ગીત એટલે ‘ઘુંઘટ કા પટ ખોલ રે….’ મેં તરત જ હાર્મોનિયમ લીધું અને ગીત શીખી લીધું. વિવિધ સ્વરોવાળા, વિવિધ ભાષાઓનાં આવા કેટલાંય નવા નવા ગીતો એમણે મને શીખવેલા એ યાદ કરતાં આદર અને શ્રદ્ધાથી મારું માથું ઝૂકી જાય છે. ક્યારેક થાય છે કે એ ન હોત તો હું ખરેખર ‘ભોરેર જૂથિકા’ – પ્રભાતની જૂઈ – બની શકી હોત ખરી ? એમની પાસેથી હું ભજન ઉપરાંત મીરાં, કબીર, સૂરદાસ અને બીજા પ્રખ્યાત કવિઓનાં ગીતો, વર્ષાગીતો, દિવાળી-હોળીનાં ગીતો, ઉર્દૂ ગઝલ, તામિલ ગીતો વગેરે શીખી. પંડિત મધુર, ફૈયાઝ હાશમી જેવા ગીતકારો પણ સૌ હિંદી ગીતોની રચના કરીને સંગીતજગતમાં અમર થઈ ગયા. આ બધા ગીતોની સાથે વિવિધ વાજિંત્રો વગાડનારા સાજિંદાઓ પણ સ્વરોના આકાશમાં એક એક નક્ષત્ર સમાન તેજસ્વી હતા.

1939માં મારાં ગાયેલાં મીરાં અને કબીરનાં હિંદી ભજનો ભારતભરમાં ખૂબ લોકપ્રિય થયાં. ‘મીરાં કો પ્રભુ, સાંચી દાસી બનાઓ..’ અને ‘ભજ લે રે મન ગોપાલ, ગુના ગોવિંદ ગુના…’ વગેરે મીરાં ભજનો સૌથી પહેલા લોકપ્રિય થયાં અને ત્યાર પછી તો ગીતો, ગઝલ, ભજન વગેરેની રેકૉર્ડ લોકપ્રિય થઈ ગઈ. એક જ વર્ષમાં ડૉ. ડી. આર. ભટ્ટાચાર્ય સંચાલિત ‘ઑલ ઈન્ડિયા અલાહાબાદ કૉન્ફરન્સ’માં ભાગ લેવા માટે મને ફરીથી આમંત્રણ મળ્યું, જે મેં ખુશીથી સ્વીકાર્યું. મારા કલાકાર જીવનની સફળતાનું આ પહેલું સોપાન હતું, કારણ કે આ કૉન્ફરન્સથી ભારતના વિભિન્ન પ્રાંતોમાં મારા સંગીતનો પ્રચાર થયો અને મને મારા જીવનનો નવો માર્ગ મને મળ્યો, જેના પર હજી પણ હું ચાલતી રહી છું. આ કૉન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રખ્યાત કલાકારો, વાદક કલાકારો, નર્તકીઓએ ભાગ લીધો હતો. પોતાની કળા દર્શાવવાનો સૌને મોકો મળેલો. સમગ્ર ભારતના શ્રેષ્ઠ કલાકારોનું આ મિલનસ્થાન બની રહ્યું હતું.

घूंघट का पट खोल रे

घूंघट का पट खोल रे,
तोहे पिया मिलेंगे,

घट घट में वो सांई रमंता
कटुक बचन मत बोल रे ।।

धन जोबन सो गरब न किजे
झूठा पचरंग चोल रे ।।

सून्ना महल में दीवला बारी लें
आसन से मत डोल रे !

मत डोल मत डोल रे – तोहे
जाग तुगत सो रंग महल में
पिया पायो अनमोल रे ।।

कहत कबीर आनंद भयो है
बाजत अनहद ढोल रे…. तोहे…

[કુલ પાન : 266. (ગ્લોસીપેપર્સ). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : શ્રી રજનીકુમાર પંડ્યા. ડી-8, રાજદીપ પાર્ક, મીરા ચાર રસ્તા, બળીયાકાકા રોડ, મણિનગર, અમદાવાદ-380028. ફોન : +91 79 2532371 / મોબાઈલ : +91 9898015545. અથવા શ્રી હીરાલક્ષ્મી ફાઉન્ડેશન, 2/3 લૉરેન્સ ઍન્ડ મેયો બિલ્ડિંગ, 278, દાદાભાઈ નવરોજી રોડ, ફોર્ટ, મુંબઈ-400 001. ફોન : +91 22 66221874. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાલી ટાપુની સફરે – સુવર્ણા અરવિંદ પારેખ
પ્રિય, તારી કમાલ છે ! – ડૉ. પ્રવીણ દરજી Next »   

16 પ્રતિભાવો : ચૂપકે ચૂપકે બોલ મૈના – જુથિકા રૉય

 1. nayan panchal says:

  સરસ લેખ.

  દરેક સફળ ગાયક,સંગીતકાર આખુ જીવન સંગીતને અર્પી દે છે. ઘણી-બધી વાતો આ લેખમાં આવરી લેવાઈ છે.

  નયન

 2. ગાંડાભાઈ વલ્લભ says:

  ખૂબ ગમ્યું. વાંચતાં આનંદાશ્રુ વહેતાં રહ્યાં, કદાચ મારા ગુરુ પાસે થોડું શીખવા મળેલું એનાં સ્મરણો તાજાં થયાં તેનાથી.

  “घुंघट का पट खोल रे” પણ મને મારા ગુરુએ શીખવેલું- દરબારી કાનડામાં. જો કે વધુ સમય શીખવાનું સૌભાગ્ય મને મળ્યું ન હતું. માત્ર ઉપરછલ્લો પરિચય થયેલો.

  હાર્દિક આભાર મૃગેશભાઈ.

 3. pragnaju says:

  વાંચતા આનંદ આનંદ
  જુથિકા રૉયના સ્વરમાં ઓડીઓ મૂકવા વિનંતી- બિહાગ, પટદીપ, ગોડ મલ્હાર, માલકૌંસ, તિલક કામોદ, ઠુમરી, ધાની ઠુમરી, પીલુ ઠુમરી, પૂરિતા ધનાશ્રી, ભૈરવી ઠુમરી, જોનપુરી, ભીમપલાસી, બાગેશ્રી, રાગેશ્રી, કામોદ, દેસી તોડી, લલિત વગેરે કેટલાય રાગોમાં ગવાયેલા અને
  તિલક કામોદમાં ઠુમરી
  ‘દુ:ખવામેં કાસે કહું મોરી સજની…’ અને
  कहत कबीर आनंद भयो है
  बाजत अनहद ढोल रे…. तोहे…

 4. પરેશ says:

  ખુબ મજાનો લેખ. પહેલાના ગાયકોની સાધના જોઈને આજના અમુક ‘થઈ બદેલા’ ગાયકો સામેનો મારો અંગત તિરસ્કાર તાજો થયો. આ વાંચનાર મને ક્ષમા કરે પણ ભારતીય સંગીતમાં રાગોની જાણકારી હોવી અત્યંત જરુરી છે, અને છતાં જે આજકાલના અમુક ગાયકો રીયાઝ કર્યા વગર ટીવી ઉપર ગાવા સુધ્ધાં આવી જાય છે તે સામે મારો આક્રોશ છે. એ સાથે મારે કહેવું જ જોઈયે કે શ્રેયા ગોસાલ અને નવોદિત ઐશ્વર્યાને સાંભળીને હૈયું બહુ ઠરે છે એ ખાતરી સાથે કે ભારતનો આ ખજાનો, આ વારસો આવા ગાયકો કાયમ પ્રજ્વલિત રાખશે.

 5. ભાવના શુક્લ says:

  ભારતીય સંગીત…જેમ શિખતા જાઓ તેમ વધુ ને વધુ તરસ જાગે…
  જુથીકાજીની સંગીત યાત્રા વાચી ખરેખર બે મિનિટ માથે આખ બંધ કરીને વિચારતા બેસી રહેવાય..કહોને કે આ યાત્રા માણી રહેવાય.

 6. NamiAnami says:

  No words can thank you enough Mrugeshbhai for finding and publishing this article.

  Searched on google and found roughly about 60 songs in Hindi and Bengali for free download (for those who want to get them in digital format).

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.