પ્રિય, તારી કમાલ છે ! – ડૉ. પ્રવીણ દરજી

હે પ્રિય ! આજે તો એમ થાય છે કે તને એક દીર્ધ, અતિ દીર્ધ પત્ર લખું. મારી બધી મૂંઝવણો તેમાં ઠાલવી દઉં. પ્રતીક્ષાનો મહિમા તને સમજાવવા પ્રયત્ન કરું. તને રોજ નવે નવે રૂપે કલ્પતો રહ્યો છું, તારી આકૃતિઓ રચતો અને ભૂંસતો રહ્યો છું એનો આખો ઈતિહાસ તેમાં લખી નાખું. તને આ લોક આખો જે ભાષાથી બોલાવે છે, તેનાથી કોઈક જુદી જ ભાષામાં એ પત્ર લખું. એ એવો પત્ર હોય જેમાં મારી તો સંપૂર્ણ આત્મકથા હોય પણ તારા આશ્ચર્ય વચ્ચે તેમાં એ દર્શાવવા પ્રયત્ન કરું કે આત્મકથાનો નાયક હું નહીં, પણ પ્રિય ! તું હોય ! અચરજ જેવું લાગે છે ને ! પણ એ જ તો કેડો મૂકતું નથી. પણ અંદરથી પોકારી પોકારીને કહે છે કે પત્ર લખ, પત્ર લખ, પત્ર લખ….

પણ રે પ્રિય ! જેવી કલમ હાથમાં લઉં છું તેવો લખવા અદ્ધર થયેલો હાથ અદ્ધર જ રહી જાય છે. કોશિશ કરીને એને કાગળ સુધી ખેંચી જાઉં છું ત્યાં શબ્દો બાષ્પીભૂત થઈ જાય છે. ભાષા હાથમાંથી દૂર સરી જાય છે. મનોમન વિચારું છું કે પ્રિય ! આ પણ તારો જ કારસો છે. તું નટખટ છે, શબ્દાતીત છે, ભાષાતીત છે. મારી પાસે પ્રકટ થવાનું અંતિમ શસ્ત્ર પણ તું બુઠ્ઠું બનાવી દે છે એમ, પણ પ્રિય ! યાદ રાખ. હું થાકી જનારાઓમાંનો, હારી જનારાઓમાંનો એક નથી. તારી ભણીની મારી યાત્રા વણથંભી રહી છે. તું ક્યારે, ક્યાં મળીશ તેની ચિંતા મેં ક્યારેય કરી નથી. મને શ્રદ્ધા છે મારી યાત્રામાં. મારી યાત્રા એક દિવસ તારી મજબૂરી બની રહેશે તે હું જાણું છું. એટલે જ વળી એકવાર કાગળ-કલમ મેં બાજુ પર મૂકી દીધાં છે. પ્રકટ કરવા ધારેલી સંવેદનાઓને હૃદયના ભંડકિયામાં પાછી સુરક્ષિત રીતે મૂકી દીધી છે. મેં સાવ નવેસરથી સ્મરણલીલાઓના તારની ગૂંથણી આરંભી દીધી છે. ગૂંથણી ઑર મોહક બનીને આગળ વધતી રહી છે. તને તારે તારે ગૂંથતો રહ્યો છું. એક તાર પણ આઘોપાછો થાય તો આખીય ગૂંથણીને ઉકેલી નાખું છું. ફરી એક નવો આરંભ, ફરી તારી નવ્યાકૃતિ, ફરી તારી અભિનવ મૂરત, પુન: તારું નર્તન, પુન: તારી સંખ્યાતીત લયલીલા….. બસ, હું તો પરિતૃપ્ત છું. ક્યારેક ચાલતાં ચાલતાં જ તેથી ભૂલી જાઉં છું કે આ યાત્રા કઈ તરફ ? શાના માટે ? મારી યાત્રાનો પથ એમ મારો સંવેદનપથ બની રહ્યો છે….

જેમ પત્ર બાબતે તેમ યાત્રા બાબતે પણ પ્રિય ! હું નિર્ભ્રાન્ત છું. મને ખબર છે કે તું ‘આવીશ આવીશ’ કહીને રાધાને આશ્વાસિત કરી ચૂક્યો છે, મીરાંને વલવલતી રાખી છે…. કેટલાં દષ્ટાંતો આપું ? તને ચાહનાર દરેકને તું મધમીઠું આશ્વાસન આપે છે, થોડીક હૈયાધારણ તારી જાદુઈ ભાષાથી પણ એવા જણ આખું આયખું ખેંચી કાઢે છે. પ્રિય, મારી ગતિ પણ સંભવ છે કે એવા લોકોથી જુદી નહીં હોય. પણ તને પ્રિય, એક વાત કહી રાખું છું. કોઈ હજી જાણી શક્યું નથી કોણ કોનું આકર્ષણ હોય છે. આ કર્ષણ શાના માટે ? કેમ ? તું મારી પાસે આવે કે હું તારી પાસે આવું…. તેથી પરિસ્થિતિમાં કશો ફેર પડતો નથી. પ્રશ્ન હું તને ચાહું છું એ પૂરતું છે. તું હૈયાધારણના શબ્દો મોકલ્યા કરે છે એ જ આપણા સંબંધની ઉપલબ્ધિ છે. તું આવે કે ન આવે. સાંભળ પ્રિય ! મારી આંખ તારા ઉપર છે, તારી આંખ મારા પ્રતિ ! આ કંઈ નાનીસૂની ઘટના નથી. તું મારી વિવશતાનો ઉકેલ છે તો હું તારી વિવશતાનો પણ ઉકેલ છું એ કદાપિ ભૂલીશ નહીં પ્રિયે ! હું પ્રકાશમાં, અંધકારમાં, ગતિ કે અગતિમાં, તારો હૃદયસ્પંદ અનુભવી શકું છું. અને એ જ રીતે તું પણ મારો હૃદયસ્પંદ પામી શકે છે. આ છંદ હું જાણું છું કે પ્રિય ! આપણા બે વચ્ચેનો જ છે. અને આમ અંતરહેતુઓનું એક સંધિબિન્દુ તને મને જકડી લે છે એ ઘટના પણ અતિ, અતિ અસામાન્ય છે. ખરી વાત જ પ્રિય ! આ છે. આધાર વિનાનો આધાર ! મીરાંએ તો કાચા તાંતણાની વાત કરેલી. હું તો એ માધ્યમને પણ ફગાવી દઉં છું. કશા હેતુ કે સેતુ વિનાનો આપણો પ્રબળ સેતુ છે, પ્રિય ! આ વસ્તુ જ તને વારંવાર ધરતી ઉપર ખેંચી લાવે છે, આ વસ્તુ જ તને તારી બંસીમાંથી સૂરો રેલાવવા ઉત્સાહિત કરે છે. આ વસ્તુ જ તને તારા પ્રેમીઓ માટે ચિંતા જગવે છે. તું આવ કે ન આવે પ્રિય ! પણ તારું મુખ તો મારી દિશામાં જ પ્રત્યેક પળે રહ્યું છે.

પ્રિય ! હું તો ભિન્ન ભિન્ન માર્ગોથી મારી યાત્રાને ફંટાવતો રહ્યો છું. મારો કોઈ એક રસ્તો નથી, રાહદારી રસ્તો પણ નથી. મને અજાણી કેડીઓ ઉપર ભમવું ગમે છે. કારણ કે તું પરિચિત માર્ગો ઉપર ક્યારેય ઠર્યો નથી. તું પ્રિય ! ભટકતો રાહી છે, રાહ વિનાનો રાહી ! તારા માર્ગો નવાનવા હોય છે. એટલે જ પ્રિય, દરેક નવી કેડી ઉપર હું તારી પગલીઓ ખોળવા મથું છું. તારી ઘાટી આછી પગલીઓ ઉપરથી તારી ધીર કે મતવાલી ચાલની કલ્પના કરું છું. કેડીની બંને તરફનાં પુષ્પોને બેઘડી તારા સમાચાર પૂછી લઉં છું. ત્યાં પણ તારી આંગળાઓની છાપ હું અકબંધ જોઈ શકું છું ક્યારેક…. ઘણીવાર અવાવરુ માર્ગ ઉપર આવી અટકી જતો હોઉં છું. ત્યારે, રેશમી અંધાર ધરતી ઉપર ઊતરી મારી ચોમેર વીંટળાવો શરૂ થાય છે ત્યારે, હું ક્યાંક કંપ અનુભવી રહું છું પણ ત્યાં જ ક્યાંકથી તારું સંગીત રેલાતું આવતું સાંભળું છું, એ સંગીત ક્યારેક મારી નજીક સાવ નજીક આવતું હોવાનું અનુભવ કરું છું. ધીમે પાદે તું જ આવી રહ્યાનો મને ત્યારે અહેસાસ થાય છે. પ્રિય, આપણા સંબંધોનો બીજો ક્યો પુરાવો હોઈ શકે ? પુરાવા રજૂ કરવા પડે ત્યારે સંબંધ હોય છે ખરા ?

આમ આપણે દિવસો કે આયખું કાઢી નાખીશું એવી લૌકિક ભાષામાં પ્રિય, વાત થઈ શકે. પણ હું તો યુગો યુગો સુધી પ્રતીક્ષા માટે તૈયારી કરીને આવ્યો છું. એવી પ્રતીક્ષાના બળને લઈને જ ક્યારેય આપણા સંબંધોથી આકુલ થયો નથી, અસ્વસ્થ બન્યો નથી, ક્યારેય તેમાં અશ્રદ્ધાનો પ્રવેશ થયો નથી, તે વિશે કશે કોઈ ફરિયાદને કારણ મળ્યું નથી. પ્રિય ! સાચ્ચું કહું ? કશાં અવગુંઠનોનો અહીં પ્રશ્ન જ કેવી રીતે હોઈ શકે ? બે પાત્રો મળે છે ત્યારે સંચયની નહીં, વિખેરાઈ જવાની જ સ્પર્ધા હોય છે. એવી સ્પર્ધા હોય છે. એવી સ્પર્ધા સામે પ્રિય ! તું હોય તો હું એમાં પાછળ કેવી રીતે પડી શકું ? તું ય નિ:શેષ, હું ય નિ:શેષ ! આપણે એક સીમાહીન આકાશની કૃતિઓ છીએ. હું તને મારાથી પૃથક કેવી રીતે કલ્પી શકું ?

અહીં અત્યારે તને પ્રિય, સ્મરું છું ત્યારે આકાશમાં વાદળોનો ઠસોઠસ મેળો જામ્યો છે. કોઈક ગતિ કરે છે, કોઈક પરસ્પરની પડખે એકબીજામાં ભળી ગયાં છે, કોઈક કોઈક નવાં નવાં રૂપ જન્માવવામાં અહીં તહીં ભળે છે, કોઈક કોઈક સૂરજ નીકળું – ન નીકળું કરતી કોરને ઢાંકી રહ્યાં છે. થાય છે કે હમણાં એ મેળો આખેઆખો ચૂઈ પડશે. હું ત્યારે પ્રિય ! ધરતી ઉપર આવી રહેલા દરેક જલબિન્દુમાં તારી વિહસતી છબી જોઈને નાચી ઊઠીશ. અથવા એમ બને કે તું બિન્દુએ બિન્દુમાં સમાહિત થઈ એક ધારારૂપે પૃથ્વી ઉપર પ્રવહી વહે અને હું પણ તારા એ જળરૂપમાંહ મારી બે આંખોની હોડીને તરતી મૂકી તારી સાથે એક નીરવ સંવાદ રચવા પ્રયત્ન કરી રહું… બોલ પ્રિય, જળલીલા અને આંખના નર્તનની કેવી ક્ષણો એ હશે ? કહે કહે….

એવું પણ પ્રિય ! બને. પવનનું પંખી ક્યાંકથી ઊડતું ઊડતું મારી દિશામાં આવી પડે, મારી નજીક, છેક મારા કર્ણ પાસે. અને એ પ્રિય ! તારું જ નામ રટીને વેગથી ક્યાંક આગળ ધસી જાય ! બોલ, રુવે રુવે ત્યારે ક્યો સાગર ભરતી બનીને ઊછળી રહ્યો હશે ? અથવા એમ પણ બને આ મેઘમેદૂર આકાશ કલાકો સુધી તોળાઈ રહે, તેના ચહેરાઓ બદલ્યા કરે અને કોઈ એક ક્ષણે એ મારી કલ્પનાનો તારો ચહેરો રચી રહે તો મારું હૈયું કેટલું કેટલું ઉછળી રહેશે !? અત્યારે આ આકાશ નીચે, પેલા વૃક્ષ નીચે, વહેતા પાણી તરફ, માળા તરફ ઊડી રહેલા પક્ષી તરફ, માદક પવન ભણી હું મારી આંખને છુટ્ટી મૂકી દઈને નિરાંતે તને પ્રિય ! યાદ કરું છું, સાદ કરું છું….

તું પ્રિય ! ત્યાં, ત્યાં, ત્યાં જ છે, મારી પ્રત્યક્ષ છે તું. એથી જ આજે પત્ર લખવાનું હે પ્રિય ! હું સાવ માંડી વાળું છું. પ્રિય, તારી કમાલ છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચૂપકે ચૂપકે બોલ મૈના – જુથિકા રૉય
અકલ્પ્ય… અભૂતપૂર્વ… અવિસ્મરણીય ! – નિર્મિશ ઠાકર Next »   

14 પ્રતિભાવો : પ્રિય, તારી કમાલ છે ! – ડૉ. પ્રવીણ દરજી

 1. nayan panchal says:

  અત્યંત રોમાંટિક પત્ર. નાયકની પોતાની પ્રેયસી પર ન્યોછાવર થઈ જવાની, આજીવન તેની રાહ જોવાની, બંનેની એકબીજામાં નિઃશેષ થઈ જવાની ભાવના તેના પ્રેમને એક નવી જ ઉંચાઈ પર લઈ જાય છે.

  ખૂબ જ સરસ, સાત્વિક પ્રેમ પત્ર.

  નયન

  “જેમાં મારી તો સંપૂર્ણ આત્મકથા હોય પણ તારા આશ્ચર્ય વચ્ચે તેમાં એ દર્શાવવા પ્રયત્ન કરું કે આત્મકથાનો નાયક હું નહીં, પણ પ્રિય ! તું હોય !”

 2. Nupoor Mehta says:

  સવાર સાવાર મા પ્રેમ મા ડૂબી ગયા……

  ખુબ જ સરસ….

 3. Namrata says:

  If I am getting it right, this is not a letter wirtten for a person, its a letter showing the writer’s love and faith towards the Almighty, Shri Krishna. Isnt it?

 4. Hiral Thaker "Vasantiful" says:

  “હું નિર્ભ્રાન્ત છું. મને ખબર છે કે તું ‘આવીશ આવીશ’ કહીને રાધાને આશ્વાસિત કરી ચૂક્યો છે, મીરાંને વલવલતી રાખી છે…. કેટલાં દષ્ટાંતો આપું ?”…….

  ભગવાનની રાહ જોઇને બેઠેલા એક ભક્તનો અદ્બભુત પ્રેમપત્ર.

  ખુબ જ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.