- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અકલ્પ્ય… અભૂતપૂર્વ… અવિસ્મરણીય ! – નિર્મિશ ઠાકર

[‘ત્રિ-શૂળ લીધુંઉંઉં હાથમાં રે…!’ પુસ્તકમાંથી પ્રસ્તુત નાટક સાભાર. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com નાટકની ભજવણી કરતાં પહેલા કૃપયા લેખકશ્રીને જાણ કરશો.]

પાત્રો : દિનકરરાય, પ્રેમીલાબેન, કલા, વિનુ, ભૂપેન્દ્ર
સમય : બપોર.
સ્થળ : ડ્રોઈંગરૂમ

[પડદો ખૂલે છે ત્યારે દિનકરરાય આરામખુરશીમાં બેસી છાપાનાં પાનાં ઉથલાવી રહ્યા છે. રૂમમાં સેન્ટર ટેબલ, એની ફરતે સોફાસેટ, દીવાલ પર એક-બે કલાત્મક ચિત્ર ટાંગેલાં દેખાય છે.]

દિનકરરાય : (કંટાળીને છાપું ટેબલ પર ફેંકી, બગાસું ખાતાં) આઉઉઉઉઆઅ…. હ… મારા બેટા ઉલ્લુ સમજી બેઠા છે બધાને ! રોજ સાલું એકનું એક !
પ્રેમીલાબેન : (ચાની ટ્રે સાથે પ્રવેશતાં) શું બબડો છો એકલા એકલા ? (ટ્રે ટેબલ પર મૂકી, એક કપ દિનકરરાયને આપી, નજીકના સોફા પર બેસે છે.)
દિનકરરાય : (અણગમા સાથે) ભૈ કંટાળ્યો છું હવે તો ! કશું નવું બનતું જ નથી જોને ! છાપામાંયે ઘરફોડ-ચોરી, નેતાનાં ભાષણ, જાહેરાતો ને… બધું એનું એ !
(સબડકો બોલાવી ચા પીએ છે.)
પ્રેમીલાબેન : આપણો શૈલેષ નાપાસ થયો હોં !
દિનકરરાય : એમાં નવું શું છે ? નાપાસ તો કાયમ થાય છે જ ને ! એને કૉલેજમાંથી ઊઠાડી લેવો પડશે…
પ્રેમીલાબેન : પણ હવે તો છેલ્લું વરસ છે કૉલેજનું….
દિનકરરાય : ભૈ… છોડ લપ્પનછપ્પન, મને હવે કશામાં રસ નથી. સાલું કૈં નવું બનતું જ નથી ને !
પ્રેમીલાબેન : શું નવું બનાવવું છે તમારે ?
દિનકરરાય : (હવામાં હાથ ફેલાવી) કશુંક અભૂતપૂર્વ.. કશુંક અવિસ્મરણીય… કશુંક અકલ્પ્ય બનવું જોઈએ ! હું હવે એકવિધતાથી પીડાઉં છું. જીવનમાં ઘટનાઓની વિવિધતા જોઈએ, તો કૈંક લાગે કે જીવીએ છીએ.
પ્રેમીલાબેન : પાંચ વરસ પહેલાં તમે મને પેલી ‘પાંચ વરસે ડબલ’વાળી સ્કીમમાં રૂપિયા મૂકવા આપેલા ને ?
દિનકરરાય : (ઉત્સાહથી) અરે હા… એ તો હું ભૂલી જ ગયેલો ! એ હવે પાકી ગયા હશે, તું કાલે જ જઈને લઈ આવ. આપણે ધંધાના વિકાસ માટે સરકારી લોનની અરજી કરેલી, એય મંજૂર ના થઈ. ખરેખર કામના સમયે આપણા રૂપિયા પાક્યા હોં !
પ્રેમીલાબેન : પણ એ તો હું પરમદા’ડે જ લઈ આવી….
દિનકરરાય : ઘણું સરસ, ઘણું સરસ…. વન્ડરફુલ !
પ્રેમીલાબેન : ને…. એમાંથી મેં મારે માટે સોનાના દાગીના બનાવડાવી દીધા…
દિનકરરાય : (આરામખુરશીમાંથી ઊભા થઈ જતાં) હેંએંએં ? શુંઉં ? મને પૂછ્યા વિના જ ? દાગીના ? અકલ્પ્ય… અંધાધૂંધી !
પ્રેમીલાબેન : પણ ધંધાના વિકાસ માટે તો આપણે ઘણા સમયથી ફાંફાં મારીએ છીએ. એમાં આ રૂપિયા વપરાત તો સારું જ થાત, પણ એમાં નવું શું ? અચાનક રૂપિયાનું દાગીનામાં અણધાર્યું રૂપાંતર થઈ જાય, તો જ કાંઈક અભૂતપૂર્વ….અવિસ્મરણીય… અકલ્પ્ય બન્યું હોય એવું લાગે ને ?
દિનકરરાય : (ફાટેલા અવાજે) ઓહ… શટ અપ… યુઉઉઉ…. (બારણે ટકોરા પડે છે. દિનકરરાય ધૂંધવાઈને બારણા તરફ તાકી રહે છે. પ્રેમીલાબેન બારણું ઉઘાડે છે. બે યુવક અને એક યુવતી દેખાય છે.)

ભૂપેન્દ્ર : (દિનકરરાયના ચહેરા તરફ આંગળી ચીંધી) અરે…. અકલ્પ્ય… અભૂતપૂર્વ…. અવિસ્મરણીય…! વિનિયા, જો આવા જ તંગ ચહેરાની આપણને તલાશ હતી ને ?
વિનુ : ઓહ યેસ… મારફાડ ચહેરો છે હોં ! વ્યથાથી બિલકુલ તરડાયેલો ! (દિનકરરાયની નજીક જઈ, ચહેરાને ઊંચો-નીચો કરી ચારે બાજુથી જુએ છે.)
દિનકરરાય : (ડઘાઈ જઈને) અરે અરે… આ શું માંડ્યું છે ? કોણ છો તમે ?
કલા : અંકલ, કેટકેટલા દિવસોથી કેટકેટલું રખડ્યા પછી આજે અમારી શોધ પૂરી થઈ છે. ઈન શોર્ટ… તમે મારફાડ છો… આઈ મીન લા-જવાબ છો ! અમે બેસી શકીએ ?
દિનકરરાય : હેં… હા….બે..બેસોને ! (પ્રેમીલાબેન સામે આશ્ચર્યથી જુએ છે.)
કલા : જરા પાણી મળશે ?
દિનકરરાય : હં..હા…હા…. (પ્રેમીલાબેન તરફ જોઈને) જરા આ લોકો માટે પાણીઈઈ
(પ્રેમીલાબેન કાતરિયાં ખાતાં રસોડામાં જાય છે.)

દિનકરરાય : (થોડી અકળામણ સાથે) હા ભૈ… બોલો, શું કામ પડ્યું છે મારું ?
વિનુ : વાત એમ છે કે સફદર હાશમીનું નામ તો તમે જાણતા જ હશો.
દિનકરરાય : (માથું ખણી, થોડું વિચારીને) હા…. શેરી નાટક કરતાં જેમની હત્યા થઈ હતી, તે જ ને ? ત્યાર પછી એ સંદર્ભે…. ચિત્રકાર એમ.એફ. હુસેને ચિત્ર પણ દોરેલું, બરાબર ?
કલા : (પ્રભાવિત થવાના ભાવ સાથે) જોયું ? નાટક અંગે કેટલી ઊંડી સમજ છે અંકલની ! થેંકગોડ, રઝળપટ્ટી ફળી ખરી ! ભૂપેન્દ્ર, હવે તો જો અંકલને નહીં લેવાય, તો હું પણ નીકળી જઈશ. ને…. જો અંકલ ના પાડશે, તો હવે વધુ દોડધામ કરવા જેટલી ધીરજ કે હિંમત હવે મારામાં રહી નથી. બસ, આ છેલ્લો જ પ્રયત્ન. (પ્રેમીલાબેન પાણીના ગ્લાસ ટ્રેમાં લઈને પ્રવેશે છે.)
પ્રેમીલાબેન : (ચિંતિત સ્વરે) અંકલને શેમાં લેવાની વાત ચાલે છે ? શેનો છેલ્લો પ્રયત્ન છે ?
કલા : લાવો આન્ટી, હું જ પાણી આપું છું બધાને, તમે બેસો. (ટ્રે લઈ લે છે. બધાંને પાણી આપતાં..) વાત એમ છે આન્ટી… કે અમે લોકો સમાજમાં જાગૃતિ લાવવા, સળગતા સામાજિક પ્રશ્નોને વિષય બનાવી શેરી-નાટકો કરીએ છીએ. અમે વડીલનું પાત્ર ભજવે એવા કલાકરની શોધમાં છીએ. ઉપરાંત અમે ઈચ્છીએ પણ છીએ કે અમારી આ પ્રવૃત્તિમાં વડીલો પણ રસ લે અને ખાસ તો અમને માર્ગદર્શન આપે. અંકલ પણ નાટકમાં તો કેટલી ઊંડી સૂઝ ધરાવે છે ! (ટેબલ પર ટ્રે મૂકી કલા પણ બધાં સાથે બેસે છે. પ્રેમીલાબેન પતિનાં વખાણ સાંભળી હસું હસું થઈ જાય છે.)
દિનકરરાય : (ખૂબ લાગણીવશ થઈ પ્રેમીલાબેન તરફ જોતાં) જોયું નાની ઉંમરે પણ કેવા મૌલિક વિચારો છે ? ખરું કહું છું પ્રેમીલા, નવી પેઢીનું ભાવિ ઉજ્જ્વળ છે… દેશનું ભાવિ ઉજ્જ્વળ છે !
ભૂપેન્દ્ર : અંકલ, જો તમારા આશીર્વાદ હશે, તો સમાજનો ઉત્કર્ષ કરવા, જાગૃતિ લાવવા શેરી-નાટક કરતાં કરતાં અમે ખપી જવા તૈયાર છીએ. અરે ક્યાંયથી સહકાર ભલે ના મળે, આવા લાગણીના હૂંફાળા બે શબ્દ સાંભળવા મળે, તોયે અમે તો ધન્ય બની જશું !
દિનકરરાય : (ગદગદ બનીને) ધન્ય છે તમારી યુવાનીને ! ધન્ય છે તમારી જનેતાઓને ! અરે તમે આ ઉંમરે સમાજ ખાતર આટલા સંઘર્ષો કરશો, ને… અમે શું જોઈ રહીશું ? શું તમારો આ અંકલ એટલો લાગણીહીન-નિષ્ઠુર છે ? અરે મારો બધો રીતે તમને સહકાર છે દીકરાઓ !
(હરખનાં આંસુ લૂછે છે.)

કલા : (દિનકરરાય સામું જોઈ) ઓહ અંકલ, તમે તો ! એક મિનિટ, પાણી લાવું તમારે માટે. (રસોડામાં પાણી લેવા દોડે છે. પ્રેમીલાબેન લાગણીવશ ચહેરે એને રસોડામાં જતી નીરખી રહે છે.)
વિનુ : જો ભોપા, હું નહોતો કહેતો…. કે આપણી અભિલાષા પૂરી કરે, એવું કોઈ સ્થળ તો મળી જ આવશે !
ભૂપેન્દ્ર : હા, આ તારી શ્રદ્ધાનો વિજય છે. તને શું લાગે છે, આપણું નાટક પણ સફળ થશે ?
વિનુ : કેમ, તને હજી શંકા છે ? અરે ખુદ અંકલ આપણને સહકાર આપવા તૈયાર થયા છે… ત્યાં હવે ચિંતા શાની ?
(કલા દિનકરરાયને પાણી આપે છે. દિનકરરાય અને પ્રેમીલાબેન એને હેતપૂર્વક જોઈ રહે છે.)
કલા : અંકલ, તમારી સાથે નાટક કરવાની બહુ મઝા આવશે.
દિનકરરાય : જો દીકરી, દરેક રીતે મારો તમને સહકાર છે, જોકે મને નાટકનો અનુભવ નથી.
કલા : કાન્ટ બિલિવ અંકલ, બની જ ના શકે. આટલો પ્રભાવશાળી ચહેરો, આવો ઘેઘૂર-ઘૂંટેલો અવાજ ને…. આટલી સુંદર ડાયલોગ ડિલિવરી…. બીજે ક્યાં મળે ? તમે યાદ કરો, તમે જરૂર ભૂતકાળમાં નાટકમાં કામ કર્યું જ હશે… મારો અંતરાત્મા કહે છે !
દિનકરરાય : (યાદ કરવાની કોશિશરૂપે માથામાં ખણતાં) હમમમ….અંઅં..હા. મેં નાનપણમાં એક બાળનાટકમાં મુખ્ય રોલ કરેલો. હું એમાં ઘોડો બનેલો !
વિનુ : વાહ, તો તો ભોપા…. હવે અંકલને પેલું બનાવવામાં શું વાંધો ?
દિનકરરાય : હેં ? પેલું શું ?
કલા : અંકલ, એ તો અમે એક શેરી-નાટક કરવાનાં છીએ, એમાં ગધેડાનું એક કલાત્મક પાત્ર પણ છે… જોકે એના કરતાં તમે નેતાનું પાત્ર જ ભજવજો, જામશે !
દિનકરરાય : ના ભૈસા’બ, મને અનુભવ નથી, ને… બીજું એ કે શેરી-નાટક તો મને બિલકુલ ના ફાવે.
કલા : અંકલ, તમે તો અમારું દિલ જ તોડી નાંખ્યું.
(કલાના ચહેરા પર નિરાશાના ભાવ છવાય છે.)
પ્રેમીલાબેન : (પ્રેમથી સમજાવતા) બેટા, આમ ઉદાસ ન થા, ચાલ જોઉં ! તારા અંકલ ભાવ ખાધા વિના એકેય કામ કરતા નથી. ચાલ, અંદર આપણે ચા બનાવીએ. કરવા દે એમને વાતો.
(બંને અંદર રસોડામાં જાય છે.)

ભૂપેન્દ્ર : અંકલ, શેરી-નાટક ના ફાવે તો સ્ટેજ પર તો અભિનય કરતાં ફાવે ને ? અમે ટાઉનહોલમાં પણ એક નાટક ભજવવાના છીએ. એનું નામ છે ‘લવનો લેજો લ્હાવો !’ એમાં એક પ્રૌઢ વયના પ્રેમીનું મુખ્ય પાત્ર તમે ભજવો તો કેવું ?
દિનકરરાય : (ખૂબ રસિક બનીને) પ્રેમીનું પાત્ર ? હા, એ તો મને લાગે છે કે… ફાવે ! નાટકની કથા શું છે ?
વિનુ : કથા એવી છે કે એક પ્રૌઢ વયનો આદમી પોતાની પત્નીની લાંબી બીમારીથી કંટાળી જાય છે. ત્યાર પછી અત્યંત ચાલાકીથી એ પોતાની માંદી પત્નીનું ડૉક્ટર દ્વારા ખૂન કરાવી નાંખે છે.
દિનકરરાય : ઓહ !
વિનુ : ત્યાર પછી એના જીવનમાં એકલતા આવી જતાં, એ આદમી વિકૃત મનોવૃત્તિ ધરાવતો થઈ જાય છે.
દિનકરરાય : (અધ્ધર શ્વાસે) પછી ?
(કલા ચાની ટ્રે લઈ પ્રવેશે છે, પાછળ પ્રેમીલાબેન પણ આવે છે.)
વિનુ : અનેક દીકરી જેટલી ઉંમરની કિશોરીઓ સાથે વડીલ તરીકેના સંબંધો વિકસાવ્યા પછી… એ વાસનાખોર ભૂખ્યો ભેડિયો….
દિનકરરાય : (આંખો મીંચી, કાન પર હાથ મૂકી, લગભગ ચીસ પાડવા જેવા અવાજે) બસ…બસ…બસ… !
વિનુ : કોમળ કળીઓને… પોતાના પાશવી પંજામાં…
દિનકરરાય : (ઊંચે અવાજે) કહું છું બસ… ન..નથી સાંભળવી કથા ! આવું ખરાબ પાત્ર હું સ્વીકારી ના શકું… કોઈ પણ સંજોગોમાં ! મારે નથી ઊતરવું નાટકમાં…..
કલા : ઓહ ગોડ ! હવે નાટક નહીં જ થાય…. નહીં જ થાય….
(કલા લથડિયું ખાય છે. ટ્રે હાથમાંથી પડી જાય છે. બધાં ઊભા થઈ જાય છે.)
કલા : (ફસડાઈ પડતાં) હું હારી ગઈ… થાકી ગઈ… નાટક નહીં થાય… કદી નહીં થાય… ચાલ્યાં જાવ બધાં ! એકાંત… એકાંત… એકાંત….
ભૂપેન્દ્ર : કલા બહુ સેન્સીટીવ છે અંકલ ! તમે પાત્ર ભજવવાની ના પાડી એટલે એ આઘાત સહન ન કરી શકી… એટલે…
(કલા હાંફે છે. પ્રેમીલાબેન એનું માથું ખોળામાં લે છે. દિનકરરાય ચિંતાતુર ચહેરે આઘાપાછા થાય છે.)
કલા : (ઊછળીને) ચાલ્યાં જાવ… છોડી દો મને… એકાંત… એકાંત….
ભૂપેન્દ્ર : આન્ટી, હવે એને એકાંતમાં આરામ કરવા દેવો પડશે, નહીં તો એ બેહોશ થઈ જશે. એને કોઈ કોઈવાર આવું થઈ જાય છે… એને અંદરના ઓરડામાં સુવડાવી દઈએ તો ?
પ્રેમીલાબેન : પ…પણ એમાં રાહ શું જુઓ છો ? આ ચર્ચાનો સમય નથી. બિચારીને આરામની જરૂર છે. જરા ટેકો આપો એને… અંદરના ઓરડામાં સુવાડીએ ચાલો….
(પ્રેમીલાબેન અને ભૂપેન્દ્ર ટેકો આપીને કલાને અંદર લઈ જાય છે. કલાની ‘એકાંત…. એકાંત !’ ની બૂમો સંભળાયા કરે છે. પ્રેમીલાબેન અને ભૂપેન્દ્ર બહાર આવે છે.)

દિનકરરાય : હું તો કલ્પી પણ નથી શકતો કે નવી પેઢી આટલી સંવેદનશીલ હોઈ શકે ! આટલી નાની વાતમાં હતાશ થઈ જવાય ?
પ્રેમીલાબેન : અરે પણ એની સાથેય શી રીતે બેસવું ? એ તો ‘એકાંત…એકાંત…’ કર્યા કરે છે ! બિચારી ફૂલ જેવી છોકરી !
વિનુ : એને માનસિક આઘાત લાગે છે, ત્યારે એને એકાંત જ માફક આવે છે. થોડો સમય આરામ કરશે, એટલે એ નોર્મલ થઈ જશે.
ભૂપેન્દ્ર : આન્ટી, આટલામાં ક્યાંય તુલસી હશે ?
પ્રેમીલાબેન : ના ભાઈ, આપણે ત્યાં તો નથી. પાડોશીઓને ત્યાં તપાસ કરવી પડે. કેમ શી જરૂર પડી ?
ભૂપેન્દ્ર : એવું છે ને કે કલાને ક્યારેક આવું થાય, ત્યારે અમે એને તુલસીનાં પાનનો રસ પીવડાવીએ છીએ. એનાથી એને બહુ સારું લાગે છે.
પ્રેમીલાબેન : એમ ? તો બોલતા શું નથી ? ચાલો, હું તુલસી શોધી આવું…. સોસાયટીમાં ક્યાંક તો કોઈના ઘેર મળી જ જશે.
(તુલસી લેવા જાય છે.)

વિનુ : હે ભગવાન ! નાટક તો નાટકને ઠેકાણે રહ્યું ! અંકલ, અમે તમને નાહક પરેશાનીમાં મૂક્યા.
દિનકરરાય : અરે હોય દીકરા, તમારો તો હક છે ! કોઈ ચિંતા ન કરશો હોં ! જાવ કલાને પણ કહી દો કે હું નાટકમાં ઊતરીશ, બિચારી મારે લીધે…. એ શા માટે દુ:ખ ભોગવે ?
વિનુ : આભાર અંકલ, પણ હમણાં તો કલાને આરામ જ કરવા દઈએ. એ જાણશે ત્યારે બહુ રાજી થઈ જશે.
દિનકરરાય : ખરી તમારી ધગશ છે. નાટક કરવા માટે ખર્ચાયે થતા હશે, ખર્ચા કેવી રીતે કાઢો છો તમે લોકો ?
ભૂપેન્દ્ર : હવે એ અંગે ના બોલાવો તો સારું !
દિનકરરાય : કેમ ?
વિનુ : વાત એમ છે કે…. અમે કોઈ લખપતિના દીકરા નથી. ગાંઠના પૈસા કાઢીએ છીએ…. ખોઈએ છીએ ! ખૂટે તો ફાળો પણ ઉઘરાવીએ છીએ. પણ એમાંથી લોકો અમને અનાથાશ્રમવાળા સમજી હડધૂત કરતા હોય છે. ભારતમાં નાટકને જીવાડવું બહુ અઘરું છે.
દિનકરરાય : છોડો આ નિષ્ઠુર સમાજની વાતો ! હમણાં મંદિર બાંધવું હોય તો લાખોનાં દાન મળે ! (ઊભા થઈને ટેબલના ખાનામાં કશુંક શોધે છે) બોલો દીકરાઓ, પાંચ હજારનો ચેક આપું તો ચાલશે ?
વિનુ : ઓહ ચેકનાં લફરાં…. આઈ મીન… કલાની તબિયત પણ આજે તો ખરાબ છે.. ને… વળી હાલ તો બસ હજાર રૂપિયાની જ જરૂર હતી. જરૂરતથી વધુ રૂપિયા શા માટે લેવા ?
દિનકરરાય : ધન્ય છે તમારી નિખાલસતાને…. તમારી નિર્દોષતાને ! બસ હજારની જ જરૂર છે ને ? એટલા તો હમણાં રોકડા આપું, દીકરાઓ ! (સામેની ભીંત પર લટકતા કોટમાંથી રૂપિયા કાઢી ગણે છે) આ લો દીકરાઓ… કરો ફતેહ !

ભૂપેન્દ્ર અને વિનુ : (એક સાથે) થેંક યુ અંકલ
(પ્રેમીલાબેન હાથમાં તુલસીનાં પાન સહિત પ્રવેશે છે.)

વિનુ : લો આન્ટી આવી ગયાં.
પ્રેમીલાબેન : થોડું ફરવું પડ્યું, પણ કાંતાબેનને ત્યાંથી તુલસીપત્ર મળી ગયા હોં ! સાથે ખલ પણ લેતી આવી. કેટલા દા’ડાથી કહું છું કે ખલ ખરીદવો છે પણ મારું સાંભળે છે કોણ ? (દિનકરરાય સામું તાકી રહેતાં)
દિનકરરાય : સારું સારું હવે… વાતોમાં સમય ના બગાડ ! લાવ હું ખાંડીને રસ કાઢું. (દિનકરરાય ઊભા પગે બેસી ખલમાં તુલસીપત્ર ખાંડે છે, પ્રેમીલાબેન પાલવથી પરસેવો લૂછે છે.)
પ્રેમીલાબેન : (દિનકરરાયને) કહું છું સાંભળો છો ?
દિનકરરાય : (ઝડપથી ખાંડવાનું ચાલુ રાખતાં) હા બોલને ભૈ…. ઓઓ…. આહ ! હાથનો અંગૂઠો મોમાં નાખે છે.)
પ્રેમીલાબેન : શું થયું ?
દિનકરરાય : (વેદના સાથે) અરે અંગૂઠો ચગદાઈ ગયો ખલમાં !
પ્રેમીલાબેન : હું એ જ તો કહેવા જતી’તી કે સાચવજો…. પણ મારું સાંભળે કોણ ?
(અચાનક છાતી પર બંને હાથ દબાવી કલા દોડતી આવે છે.)
કલા : જલદી લઈ ચાલો…. હોસ્પિટલ ! મને ગભરામણ થાય છે…. હૃદય બંધ થઈ જશે મારું… જલ્દીઈઈઈ… (સોફામાં ઊંધી સૂઈ જાય છે.)
દિનકરરાય : હેં ? શું ? હૃદય બંધ ? અલ્યા ભૈ દોડો… રીક્ષા…. એમ્બ્યુલન્સ…. કોઈ વાહન લઈ આવો….
(પ્રેમીલાબેન અને ભૂપેન્દ્ર ઘરની બહાર જવા દોડે છે. દિનકરરાય છાપા વડે કલાને પવન નાંખે છે. કલા ઊંધી પડી હાંફે છે. ખાસી વાર સુધી મૌન છવાયેલું રહે છે.)
ભૂપેન્દ્ર : (પ્રવેશ કરતાં) ચાલ વિનિયા રીક્ષા મળી ગૈ ! અંકલ, તમે હવે બેસો. કલાને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. તમને તો બહુ તકલીફ આપી. હોસ્પિટલમાં દાખલ કરી દીધા પછી વિનુ તમને બધા સમાચાર કહી જશે. ચાલો….
(વિનુ ને ભૂપેન્દ્ર કલાને ટેકો આપી બહાર લઈ જાય છે.)
દિનકરરાય : હું આવું જ સાથે…. (બારણા સુધી જાય છે.)
વિનુ : (બારણામાંથી) પણ અંકલ, પછી જ ત્યાં ખરી જરૂર પડવાની છે, એટલે હમણાં તમે રહેવા દો… અમે લઈ જઈએ છીએ.
(રીક્ષા નજીક આવ્યાનો અવાજ સંભળાય છે. પ્રેમીલાબેન બારણા સુધી આવી હાંફે છે.)
પ્રેમીલાબેન : (ચિંતાતુર અવાજે) એ…. કલાને સાચવીને લઈ જજો…. અને સમાચાર તરત કહી જજો….
ભૂપેન્દ્ર (ઉતાવળિયા અવાજે) હા હા… ફિકર ના કરશો. ને…. હા આન્ટી, આ પવિત્ર તુલસીપત્રોને ફેંકી ન દેતાં. તમે બેય જણા એનો રસ કાઢીને થોડો થોડો પી લેજો, તમારેય માનસિક શાંતિની બહુ જરૂર પડશે. ચાલો, અમે જઈએ……
(રીક્ષા ઊપડવાનો અવાજ.)

પ્રેમીલાબેન : હે ભગવાન, બાપડી ફૂલ જેવી છોકરી ! એને સારું કરી દેજે…. પ્રભુ !
દિનકરરાય : કહું છું ! એ કલા સાથે આપણા શૈલેષનું ગોઠવાય તો ?
પ્રેમીલાબેન : તો તો સોનામાં સુગંધ લ્યો ! હું તો ક્યારની એ જ વિચારતી’તી કે આવી છોકરી આપણા શૈલેષને મળે તો…. વહુ જોઈને આપણાં સગાંયે મોઢામાં આંગળાં ઘાલી જાય હોં !
દિનકરરાય : ભૈ….. એટલે જ તો હું નાટકમાં ઊતરવાયે તૈયાર થયો છું ! હું કાંઈ મૂરખો થોડો છું ? કલાનું સરનામું લઈને એનાં મા-બાપનેય મળી લઈશું પછી ! આજે સાલું કેવું અકલ્પ્ય બની રહ્યું છે, નહીં ?
પ્રેમીલાબેન : (અંદર ઓરડામાં જતાં) એ… એક મિનિટ આવું હોં… (થોડી વાર શાંતિ. પછી અચાનક પ્રેમીલાબેન હાંફળાં-ફાંફળાં દોડતાં આવે છે.) અરે…. કહું છું સાંભળો છો ? (હાંફે છે.)
દિનકરરાય : શું થયું પાછું ? હવે તારે એકાંત જોઈએ છે ?
પ્રેમીલાબેન : (બેસી પડીને સોફા પર માથું કૂટે છે.) અકલ્પ્ય… અકલ્પ્ય… અકલ્પ્ય….
દિનકરરાય : (ઊછળી પડતાં) શું…. શેનું અકલ્પ્ય ?
પ્રેમીલાબેન : અરે પેલી કલાડી…. કૂતરીઈઈઈ…..
દિનકરરાય : પણ… થયું શું છે ?
પ્રેમીલાબેન : અંદર…. તિજોરી ખુલ્લી છે… ઓશીકા હેઠે મૂકેલી તે ચાવીઓયે નથી ! પેલા નવા ઘડાવેલા દાગીના ને… મેં બચાવી રાખેલા પાંચ હજાર રૂપિયાની થોકડીયે નથી…. રૂમમાં બધું રમણભમણ પડ્યું છે…. (અવાજ ફાટી જાય છે.)
દિનકરરાય : (છાતી પર હાથ દઈ) ઓહ…. અકલ્પ્ય… અભૂતપૂર્વ… અવિસ્મરણીય….

[ફર્શ પર ઢળી પડે છે. પ્રેમીલાબેન પાલવથી હવા નાંખે છે અને બીજા હાથે ખલમાં તુલસીપત્ર ખાંડે છે. ધીમે ધીમે ફેઈડ-આઉટ…. ખાંડવાનો અવાજ સંભળાતો રહે છે… પડદો પડે છે.]