રણકાર (ભાગ-3) – કલ્પના જોશી

[ છેલ્લા બે સપ્તાહમાં આપણે ‘રણકાર: ભાગ-1’ અને ‘રણકાર: ભાગ-2’ માણ્યો. આજે વાંચીએ કેટલાક ચૂંટેલા લેખો આ અંતિમ ભાગ-3માં. તમામ લેખો ‘મુંબઈ સમાચાર’માંથી સાભાર લેવામાં આવ્યા છે.]

[1]
બેહદ કામમાં ફસાયેલા અભિનવને ફોન આવ્યો. એના ખાસ મિત્રને નાનકડો અકસ્માત નડ્યો હતો. ચિંતા કરવાનું વિશેષ કારણ નહોતું. છતાં, લાગણી જેનું નામ. ફોન આવતાં જ બધાં કામ પડતાં મૂકીને અભિનવ સીધો દોડ્યો. એ પછી પૂરું એક અઠવાડિયું અભિનવ રાત-દિવસ એની મિત્રની સારવારમાં વ્યસ્ત રહ્યો. એ દિવસોમાં જેટલાં કામની એણે જવાબદારી ઉપાડી હતી એ બધાં એણે પડતાં મૂક્યાં, એમ કહીને કે મારા મિત્રથી વધુ કશું જ નથી. નવાઈની વાત ખરી જ, કારણ કે અભિનવના પોતાના પરિવારમાં આવા તો કંઈ કેટલાય પ્રસંગ આવ્યા હતાં. ક્યારેક એની માતાની તબિયત ઢીલી થઈ હતી, તો ક્યારેક નાની બહેનના કૉલેજ એડમિશન માટે સવારના પહોરમાં કૉલેજ જવાની વાત હતી. એવી અનેક જવાબદારી વખતે જોકે અભિનવનો અભિગમ જરા જુદો હતો, ‘આ બધું કરું કે મારાં કામ કરું ?’ અને લગભગ દસમાંથી નવ વખત પોતાના પરિવારની જવાબદારીમાંથી એ ખૂબ સહજતાથી છટકી ગયો હતો. કંઈક આવી જ આદત, કોઈક માટે બધું છોડવાની અને ઘરનાઓ માટે ઉપેક્ષા કરવાની પ્રકૃતિ આ દુનિયામાં અસંખ્ય લોકોની છે જ. એમણે બસ એટલું જ વિચારવું રહ્યું કે જો ઘરની બહાર બંધાયેલા લાગણીના સંબંધ અગત્યના હોય તો એ સંબંધ કેટલા સોહામણા જે કોઈ અપેક્ષા વિના આપણને સાચવે. આવા સંબંધ તો મળે માત્ર પરિવારમાં. બેશક મિત્રોને, વેપારી સર્કલને અને સૌને સાચવવા પણ પરિવારની ઉપેક્ષા ક્યારેય ન કરવી. કાં પછી જે રીતે વ્યવસાય અને મિત્રતા વચ્ચે સંતુલન જાળવો છો એમ પરિવાર અને અન્ય જવાબદારી વચ્ચે પણ સંતુલન જાળવો. સરવાળે એનાથી પરિવાર સહિત તમે પોતે રાજી રહેશો.

[2]
લગભગ બારેક વરસના લાંબા સમયગાળા પછી સાવ એકાએક અભય અને ધર્મેશ મળ્યા. કૉલેજમાં ભેગા ભણનારા આ બેઉ મિત્રોના માર્ગ કાળક્રમે જુદા પડી ગયા હતા. એક મુંબઈમાં ઠરીઠામ થયો તો બીજો અમેરિકા. ભણતા ત્યારે ધર્મેશ બહુ સાધારણ અને ક્યારેક મૂરખ લાગે એવી પ્રકૃતિનો યુવાન હતો. ગ્રુપના બધા મિત્રો દઢપણે એવું માનતા કે ધર્મેશ કૉલેજ પછી એના પિતાની મામૂલી દુકાન ચલાવશે અને જેમતેમ કરતાં જિંદગી ચલાવી લેશે. થયું જરા અલગ, બધાને ડફોળ લાગતો ધર્મેશ અમેરિકા પહોંચી ગયો. મોટેલમાં વેઈટરની નોકરી કરતાં કરતાં એ મોટેલમાલિક બની ગયો. વત્તા, એનામાં એના સ્માર્ટ ફ્રેન્ડ્સ કરતાં ઘણી વધારે સ્માર્ટનેસ આવી એ અલગ. એટલે જ એને જોતાવેંત અભયને આશ્ચર્ય થયું. ‘તું ધર્મેશ જ છે ? અરે ! કેવો હતો અને કેવો થઈ ગયો ?’ ધર્મેશ બદલાયો હતો પણ સ્વભાવગત સહજતા એની એકદમ યથાવત હતી. ‘દોસ્ત, પાણાને સિંદૂર ચડાવો તો એ હનુમાન બની જાય. હું તો તોય માણસ છું. ઈશ્વરે જે તક આપી એનો યથાશક્તિ લાભ લીધો મેં. અને મહેનત કરવામાં પાછા વળીને જોયું નહીં. બસ, બાકી બધું આપમેળે ગોઠવાતું ગયું.’ જીવનની એક ગજબની સચ્ચાઈ છે આ. આપણે જેવા હોઈએ તેવા કાયમ રહેતા નથી. પ્રાપ્ત તકનો સદુપયોગ કરીએ તો ધાર્યાથી ઓછું મેળવતા નથી અને સહજપણે સારા રહીએ તો જીવનમાં ક્યારેય સંબંધોનાં સમીકરણ ખોટાં પડતાં નથી. આજનો દિવસ આટલી નાની આ વાતને અપનાવી લેવાનો દિવસ છે. નક્કી કરવાનો દિવસ છે કે અત્યારે પ્રવર્તતી સ્થિતિમાંથી શ્રેષ્ઠ પામવું છે કઈ રીતે. ચાલો, શરૂ કરી લે કામકાજ અને પછી જુઓ, નસીબ તમારો સાથ દેવા હાજર થઈ જાય છે કે નહીં.

[3]
એક બહુ જાણીતા ચિત્રકારનાં ચિત્રોનું પ્રદર્શન ભરાયું હતું. સેંકડોની સંખ્યામાં એના ચાહકો અને કળાજગતના માંધાતાઓ પ્રદર્શન જોવા ઊમટી પડ્યા. બાળપણથી ચિત્રકળાને સમર્પિત થનારા આ ચિત્રકાર હવે તો જૈફ વયે પહોંચ્યા હતા. પ્રદર્શનમાં એમની એક ટીનએજ ચાહક પણ હતી. ખાસ્સા દૂરથી એ પોતાના માનીતા ચિત્રકારનાં ચિત્રોને સગી આંખે નિહાળવા આવી હતી. સૌને એના માનીતા ચિત્રકારનાં વખાણ કરતા સાંભળી આ ટીનએજ ચાહક પણ મનોમન પોરસાઈ રહી હતી. પછી જેમતેમ કરી ઓટોગ્રાફ લેવાના આશય સાથે એ ચિત્રકાર સુધી પહોંચી પણ ખરી. ચિત્રકાર ઓટોગ્રાફ આપે ત્યાં ઉત્તેજનાથી છલકતી યુવતીએ પૂછ્યું : ‘સર, અદ્દભુત છો તમે. ગજબનાં ચિત્રો બનાવો છો. પણ તમને ક્યારેય એમ ન થયું કે ચિત્રકામ કરવા સિવાય પણ બીજું કંઈક કરીએ. આઈ મીન બીજા કેટલાય ચિત્રકાર એક કરતાં વધુ કામકાજ કરે છે.’ ઓટોગ્રાફ થયા અને ચિત્રકારે લાગણીભરી આંખે સામે ઊભેલી યુવતીને જોઈ અને કહ્યું : ‘બેટા… આ મેદની જુએ છે તું ? દેશભરના કળાના ચાહકો, કરોડોના બિઝનેસમાં વ્યસ્ત મારા ચાહકો અને તારા જેવા ટીનએજર દીવાના… સૌ પોતાનો અમૂલ્ય સમય કાઢીને અહીં આવ્યા છે. એટલા માટે કે એમને શ્રદ્ધા છે કે મારાં ચિત્રો એમને ક્યારેય નિરાશ નહીં કરે. તમારા બધાની થોડી થોડી મિનિટોનો સરવાળો કરું તો એ સમય કદાચ એટલો અમૂલ્ય થાય કે મારાં ચિત્રોની કોઈ વિસાત રહે નહીં. વળી, એક કામને સંપૂર્ણ ન્યાય આપવા માટે સમય ઓછો પડતો હોય ત્યાં બીજા કામ કેવી રીતે માથે લેવાં ?’ આ નાનકડી પણ સચોટ વાતમાં જીવન સાર્થક કરવાની ગુરુચાવી છુપાયેલી છે. પોતાના દરેક કામને જો ન્યાય આપવાની આવી ઉત્કટ તૈયારી હોય તો કોઈ ક્યારેય નિષ્ફળ ન જાય. તમે શું ઈચ્છો છો ?

[4]
સાધનોની રેલમછેલ વચ્ચે ટેસ્ટથી જિંદગી માણવાની આપણને આદત પડી ગઈ છે. ધારો કે સાધનો આટલી મોટી સંખ્યામાં હોય નહીં તો શું થાય ? સવારથી રાત સુધીનો એકાદ દિવસ કોઈ સાધન વિના વિતાવવાનો હોય તો શું થાય ? કમાલ જ થઈ જાય. કારણ કે આપણી સવાર ટેલિવિઝન, મોબાઈલથી અને રાત પણ મ્યુઝિક સિસ્ટમ કે ડીવીડી-પ્લેયરથી પડે છે. રસોડામાં માઈક્રોવેવ ઓવન છે તો ઑફિસમાં લેપટૉપ છે. માહિતીના સંગ્રહ માટે પેન ડ્રાઈવ છે તો સંદેશો મોકલવા ઈ-મેઈલ. કોઈક દિવસ સાધનોની આવી પરવશતા અને સાધનો પર અવલંબિત રહેવાની આવી આદત દૂર કરવા જેવી છે. ના ના, સાધનો હોવા અને ઉપયોગમાં લેવાં એ જરા પણ ખોટી વાત નથી. હા, સાધનો વિના ચલાવી શકાય એ વાત જાણવી અત્યંત આવશ્યક છે. આપણને આપણી સીધીસાદી જીવનશૈલી યાદ રહે એ માટે. આપણને પરંપરાગત પદ્ધતિઓ યાદ રહે એ માટે. ક્યારેક સાધનો વિના ચલાવવું પડે તો એમની કમી વર્તાય નહીં એ માટે. ખાસ તો આપણાં બાળકો અને કિશોરવયની આપણી પેઢીને સહજ અને સાદું જીવન એટલે શું એનો અનુભવ કરાવવા માટે પણ મોર્ડન સાધનોથી ક્યારેક સજાગપણે કટ્ટી કરી નાખવાની. એ પછી પણ જિંદગી ટેસથી ચાલવાની એ વાતની ધરપત રાખજો. એ પછી પણ કશું ગુમાવ્યું નથી એની લાગણી થશે એય પાકું છે. ઊલટાનું સાધનો, વિના ચલાવી લેવાથી અજાણતાં જ જૂના દિવસોનાં મીઠાં સંસ્મરણો તાજાં થઈ જશે. સરવાળે, આ અખતરો અજમાવવા જેવો છે. જે દિવસે તમને લાગે કે આજે સમય છે અને અવકાશ પણ ભારે. આવું અવશ્ય કરી જુઓ. એનાથી કંઈક નવું જાણ્યાનો અને જીવ્યાનો આનંદ મળશે.

[5]
દેશનાં છ મોટાં શહેરમાં ગુણવંતભાઈના ચશ્માંના શોરૂમ. સેંકડો કર્મચારીઓ, હજારો ગ્રાહકો અને રોજનું લાખોનું ટર્નઓવર. છેલ્લાં પાંત્રીસ વરસથી એમની કંપની ધમધમે. શરૂઆત તો એમણે નાનકડી દુકાનથી કરેલી. ધીમે ધીમે વેપારનો વ્યાપ વધતો ગયો. સમય ભલે એમના નસીબનું પત્તું ફેરવ્યું પણ નીતિ અને વૃત્તિ બેઉ મામલે આજે પણ ગુણવંતભાઈ પહેલાં જેવા જ. અઠવાડિયાનો દરેક દિવસ એમણે જુદા જુદા શોરૂમ વચ્ચે વહેંચી દીધો હતો. છતાં દરેક શોરૂમમાં એમના ભગવાનનું મંદિર, ઘર જેવા ભોજનની વ્યવસ્થા એકદમ એકસરખી. ગ્રાહક, સપ્લાયર અને કર્મચારી બધા સાથે એમનું વર્તન મૃદુભાષી અને મળતાવડું. વેપારની રજેરજથી તેઓ સુમાહિતગાર. આ બધાનો સીધો લાભ એ હતો કે એમની અંગત જિંદગી અને એમનો વેપાર બેઉ એકદમ શાંતિથી ચાલ્યા કરે. આવા ગુણવંતભાઈને કોઈકે પૂછ્યું કે આટલા સરળ કેવી રીતે રહી શકો છો તો એમણે જવાબ આપ્યો : ‘પહેલાં આવો નહોતો હું. ગરમ મિજાજી, લઘરવઘર અને વેપારની ઉપેક્ષા કરનારો હતો. એમાં ને એમાં નાનકડી દુકાનમાં નાદારી નોંધાવવી પડે એવો વખત આવ્યો. સૌથી ભરોસાપાત્ર કર્મચારીઓ છોડીને ચાલ્યા ગયા હતા. એવા કપરા સમયે મારી બાજુની દુકાનવાળાએ કહ્યું કે બધી ચિંતા ભૂલી જઈ પહેલાં એટલું વિચારો કે આજે શાંતિ, સંબંધ કમાવવાં છે કે સંપત્તિ. બસ, એ વાત મારા મગજમાં ઘર કરી ગઈ. ખોવાયેલી ખાનદાનીએ અંતરાત્માને ઢંઢોળ્યો. થોડા જ સમયમાં બધું બદલાઈ ગયું. એ પછી એક જ વાતનું ધ્યાન રાખવાની આદત પાડી કે ગમે તે બાબત બદલાય પણ મારા સિદ્ધાંત ના બદલાય. આજે હું જે કંઈ છું એ પેલા દુકાનદાર અને મારા આ એક નિયમને કારણે.’ આટલી સાદી છતાં સોના જેવી વાત સૌએ જીવનમાં ઉતારવા જેવી છે. સુખી થવા માટે.

[સંપૂર્ણ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોનું પદ્યસર્જન – સંકલિત
નિમણૂંક – ગિરીશ ગણાત્રા Next »   

10 પ્રતિભાવો : રણકાર (ભાગ-3) – કલ્પના જોશી

 1. Niraj says:

  [2]”દોસ્ત, પાણાને સિંદૂર ચડાવો તો એ હનુમાન બની જાય. હું તો તોય માણસ છું.”
  [5]”ગમે તે બાબત બદલાય પણ મારા સિદ્ધાંત ના બદલાય”
  ખુબ જ સુંદર…

 2. nayan panchal says:

  ખૂબ જ નાની લાગતી પરંતુ અત્યંત મહત્વની વાતો. આવી બધી નાની વાતોનુ ધ્યાન રાખી લઈએ તો જીવન ઘણુ સરળ થઈ જાય.

  નયન

 3. “ગરમ મિજાજી, લઘરવઘર અને વેપારની ઉપેક્ષા કરનારો” – આમાં ‘વેપાર’ની જગ્યાએ ‘જનતા’ મુકી દો તો આપણાં મોટાભાગના પૉલિટીશીયનોને લાગુ પડે કે નહીં? ભારતના રાજકારણીઓ અને સિધ્ધાંત એ બે શબ્દો એક જ વાક્યમાં મુકવા એટલે જાણે ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવા લાયક છે. વાચકમિત્રોની માફી ચાહું છું આડીઅવળી વાતે ચઢી જવા બદલ, પણ આજકાલ બધે દિલ્હીના ન્યુક્લિયર વાતાવરણની અસર છે!

 4. ભાવના શુક્લ says:

  ઘણી વખત એક નાનકડી લાગતી વાત જીવનના દ્રષ્ટીકોણને બદલે છે અને પછી જીવન પણ બદલાઈ જાય છે.

 5. […] લેખો આપણે જૂલાઈ-2008માં ત્રણ ભાગમાં (ભાગ-1 થી 3) માણ્યા હતા. હવે માણીએ બીજા કેટલાક […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.