નિમણૂંક – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

ઈન્ટરવ્યૂ પેનલના એક નાનકડા કૉન્ફરન્સ હૉલમાં બેસી ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લઈ રહી હતી. પ્રખ્યાત મિલનો કૉન્ફરન્સ હૉલ જેવો તેવો તો ન જ હોય. આર્કિટેક્ટ દ્વારા સજાવટ પામેલા, સંપૂર્ણ વાતાનુકૂલિત આ ખંડના એક મોટા લાંબા ટેબલની એક બાજુ કંપનીના જનરલ મેનેજર, સેલ્સ-ડાયરેક્ટર અને એવા જ એક ઉચ્ચ અધિકારીની બનેલી પેનલ એક પછી એક ઉમેદવારોને અંદર બોલાવતી. ઉમેદવારના આગલા અનુભવો, અગાઉની કામગીરી અને લાયકાતો મુજબ કોઈનો ઈન્ટરવ્યૂ પંદરથી વીસ મિનિટમાં પૂરો થતો તો કોઈનો અડધો કલાક એથી વધુ સમય સુધી ચાલતો.

મિલ હવે રેડીમેઈડ-ગારમેન્ટ્સના બિઝનેસમાં ઝૂકાવવાની હતી અને એ માટે દેશમાં ચાર મહાનગરોમાં ઑફિસો ખોલી એના રિજિયોનલ મૅનેજરોની નિમણૂક કરવા માગતી હતી. મોટો પગાર અને બીજા અન્ય આનુષંગિક લાભો મળતા હોવાથી અને કંપનીએ જાહેરાતમાં અમુક ચોક્કસ રકમથી ઓછી રકમનો પગાર મેળવતા ઉમેદવારોને ઉમેદવારી કરવાની મનાઈ ફરમાવી હોવાથી અન્ય મોટી મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ જ ઈન્ટરવ્યૂ આપવા આવ્યા હતા. કુલ બાર ઉમેદવારોને છેલ્લા રાઉન્ડની મુલાકાત માટે પસંદ કરવામાં આવ્યા હતા. એમાંથી કોઈ અન્ય કંપનીમાં રિજિયોનલ મેનેજરનો હોદ્દો ધરાવતા હતા તો કોઈ માર્કેટિંગ એક્ઝિક્યુટિવનો કે એવા જ પ્રકારનો હોદ્દો. દરેકેદરેક ઉમેદવાર સરસ મજાના સૂટમાં હાજર હતો. દરેકની પાસે સાતથી પંદર વર્ષનો અનુભવ હતો. પોતાની કંપનીમાં ઊંચો હોદ્દો ધરાવતા હોવાથી દરેક ઉમેદવાર આત્મવિશ્વાસથી છલકાતો હતો. દરેકની પાસે પોતાના પરફોર્મન્સ રિપોર્ટ હતા.

આ બધામાં એક વિવેક ચીટણીસ પણ હતો. એની પાસે સેલ્સ અને માર્કેટિંગનો નવ વર્ષનો અનુભવ હતો અને કામગીરીના ઝમકદાર આંકડાઓ પણ હતા. અત્યારે એક સીલીંગ ફેન બનાવતી કંપનીનો સેલ્સ એક્ઝિક્યુટિવ હતો. સીલીંગ ફેન બનાવતી કંપનીમાં એ છેલ્લાં ચાર વર્ષથી હતો પણ હવે એ કંપનીની કાર્યવાહીથી કંટાળી ગયો હતો. કંપનીના એક ડાયરેક્ટર કોઈ બીજા જ નામે પંખાઓ બનાવતા અને વિવેકને એ વેચવાની ફરજ પાડતા. કંપનીની જ બ્રાન્ડનેમ વાપરી એ ડુપ્લીકેટ પંખાઓ બજારમાં વેચતા અને આડકતરી રીતે કંપનીને નુકશાન પહોંચાડી, પોતાનો અંગત ધંધો વિકસાવતા. વિવેક ચીટણીસને એ રીતે એનાં આવાં કરતૂતોમાં મદદ કરવી પડતી. આ કંપનીની નોકરીમાં રહ્યો તે પહેલાં પણ તેણે બીજી ત્રણેક કંપનીમાં નોકરી કરી હતી કે જ્યાં માલનું વેચાણ વધારવા એને સરકારી અમલદારો, સ્ટોર્સના અધિકારીઓ કે જે તે સંસ્થાના કર્મચારીઓને પોતાની કંપનીનું ટેન્ડર મંજૂર કરાવવા લાંચ આપવી પડતી કે મોટા ઓર્ડરના બિલમાં ગોટાળા કરવા પડતા. વિવેક ચીટણીસ આવી કાર્યવાહીથી નાખુશ રહેતો, પણ ચારે બાજુ ભ્રષ્ટાચારની માયાજાળ પથરાયેલી હોય ત્યાં એ શું કરવાનો ?

સંસ્કૃત પાઠશાળાના શિક્ષક પિતાનો આ પુત્ર પ્રાચીન સંસ્કૃતિના પાઠ ગળથૂથીમાં ભણ્યો હતો. એટલે એને આ અર્વાચીન સંસ્કૃતિની રીત-રસમ ગમતી નહોતી. એની અભ્યાસની કારકિર્દી ખૂબ જવલંત હતી. ગ્રેજ્યુએટ થયા પછી એ માર્કેટિંગ અને એડવર્ટાઈઝિંગનું ભણ્યો. અભ્યાસ અને વાચળતા એને વર્યાં હતાં. કંઈક નવું કરવાની ધગશથી એ છલકાતો હતો, પણ એને લાગ્યું કે દરેક કંપનીએ એના જ્ઞાનનો જુદી જ રીતે લાભ લીધો હતો. જ્યારે એણે આ મિલની જાહેરાત વાંચી ત્યારે એને થયું કે રેડીમેઈડ-ગારમેન્ટ્સમાં એમને ખરી હરીફાઈ માર્કેટમાં જ કરવાની રહેશે. વેચાણની વ્યૂહરચનામાં એ પારંગત હતો એટલે ભ્રષ્ટાચારની કાળી નદીમાં એને એના હાથ ઝબોળવા નહિ પડે એમ માની એણે અરજી કરી અને રૂબરૂ મુલાકાત માટે એનું નામ પસંદ થયું. આજે એ ઈન્ટરવ્યૂ આપવા આવ્યો ત્યારે મોટીમોટી કંપનીઓના સૂટધારી એક્ઝિક્યુટિવની વચ્ચે એ એકલો જ પેન્ટ-બુશર્ટમાં આવેલો.

એનો આઠમો નંબર હતો. સાત ઉમેદવારોના ઈન્ટરવ્યૂ પૂરા થયા પછી પેનલે ચા-નાસ્તાનો વિરામ લીધો. દરેક ઉમેદવારને કંપની તરફથી ચા અને બિસ્કિટ અપાતા રહેતાં હોવાથી એણે ફરી ચા મંગાવી. બીજા રાઉન્ડમાં હવે પાંચ જ ઉમેદવારો હતા. ચાની વિશ્રાંતિ બાદ તુરત જ એને બોલાવવામાં આવ્યો. પૂરી ચાળીસ મિનિટ સુધી એનો ઈન્ટરવ્યૂ ચાલ્યો. એ બહાર નીકળ્યો ત્યારે એના મોં પર સંતોષની લાગણીઓ હતી. એનો ઈન્ટરવ્યૂ સરસ ગયો હતો. એ જાણતો હતો કે જેની કામગીરીથી પેનલને સંતોષ થયો હતો એવા એક-બે ઉમેદવારને સાંજે પાંચ વાગે પેનલે ફરી મળવા બોલાવ્યા હતા. જો કે આ પ્રક્રિયા બહુ જ ખાનગી રીતે થતી એટલે કોને કોને મળવા બોલાવ્યા છે એની ખબર નહોતી પડતી.

એ ઈન્ટરવ્યૂ પતાવીને લિફટ આગળ ઊભો રહ્યો. લિફટ આવી એટલે એ નીચે ઊતર્યો અને બિલ્ડિંગનાં પગથિયાં ઊતરવા જાય ત્યાં એની સાથે લિફટમાં પ્રવાસ કરી રહેલા એક યુવાને હળવેકથી એના હાથનો સ્પર્શ કરીને કહ્યું : ‘મિ. ચીટણીસ, તમને સાંજે છ વાગે ફરી અહીં મળવા આવવાનું ફાવશે ? તમારા ઈન્ટરવ્યૂના સંદર્ભમાં અમારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તમારી સાથે પાંચ-દસ મિનિટ વાત કરવા માગે છે…’ વિવેક ચીટણીસને હવે ખ્યાલ આવ્યો કે આ ઈન્ટરવ્યૂ પેનલ, ઉમેદવારોને એની પસંદગીની સંભવિતતાનો આડકતરો કઈ રીતે ખ્યાલ આપે છે ?

સાંજે છ વાગ્યે કંપનીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાથે એની મુલાકાત કરાવવામાં આવી. એ અધિકારીએ એને એક સવાલ કર્યો : ‘મિ. ચીટણીસ તમે ઈન્ટરવ્યૂ પેનલ પાસે તમારી વર્તમાન કંપની છોડી અમારી સાથે શા માટે જોડાવા માગો છો એનું કારણ કહ્યું. જો કે એ કારણમાં તમે તમારી વર્તમાન કંપનીની પોલિસીનું કારણ આગળ ધરેલું. એ પોલિસી શું છે, એ હું જાણી શકું ?’
‘સર, એ જાણીને તમને શું ફાયદો થવાનો ?’ ચીટણીસે નમ્રતાપૂર્વક કહ્યું, ‘મારી કંપની પંખાઓ બનાવે છે અને તમે ગારમેન્ટ્સ. બંને પ્રોડક્ટસ તદ્દન ભિન્ન પ્રકારની છે. તમારે અમારી સાથે તો હરીફાઈ કરવાની જ નથી.’
‘કરેક્ટ. પણ તમારા સમગ્ર ઈન્ટરવ્યૂનો સાર મારી પાસે આવી ગયો છે. કદાચ તમે અમારી સાથે જોડાઓ તો તમારી આ પાંચમી નોકરી હશે. નવ વર્ષના ગાળામાં તમે ચાર-ચાર સ્થાનફેર કર્યાં છે એટલે મને એ જાણવામાં રસ છે કે….’
‘સાહેબ, તમારા તમામ પ્રશ્નો, સંદેહો અને અનુમાનોને હું મારા એક જ પ્રશ્નમાં વ્યક્ત કરી લઉં ?’
‘અલબત્ત, ચોક્કસ.’
‘તો તમે મારો બીજો ઈન્ટરવ્યૂ લો તે પહેલાં હું પણ જાણું કે તમારી કંપની મારી પસંદગી કરે, મારે મારી જિંદગીનાં થોડાં અમૂલ્ય વર્ષો અહીં ગાળવાં પડે તો તમારી કંપનીની પોલિસી કયા પ્રકારની હશે. સર, હું આપને પૂછી શકું કે તમારા બિઝનેસમાં અમારા દ્વારા ભ્રષ્ટાચારનું પ્રમાણ કેટલું હશે ?’

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચમક્યા.
‘તમારો પ્રશ્ન થોડો સ્પષ્ટ કરશો ?’
‘મારી વર્તમાન અને અગાઉની નોકરીઓમાં વેચાણ માટે અમારે કોઈને લાંચરૂશવત આપવી પડતી હોય છે. આડકતરી રીતે કંપનીની સાથે સાથે મારે પણ મારા હાથ ખરડાવવા પડતા હોય છે. મારી વર્તમાન કંપની પણ આ જ રાહ અનુસરે છે. જો તમારી કંપનીની પણ આવી જ પૉલિસી હોય તો હું મારી વર્તમાન કંપની છોડવા માગતો નથી. કાગડો બધે ઠેકાણે કાળો હોય તો મારે અન્યની વગોવણી શા માટે કરવી ? બસ, મારા આ પ્રશ્નમાં તમને મારા માનસ વિશે જાણવા મળી જશે.’
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ વખતે તો કશું બોલ્યા નહિ, પણ ચોથા દિવસે વિવેક ચીટણીસ પર મિલમાંથી ફોન આવ્યો. ‘અમારી કંપનીના ચેરમેન તમને મળવા માગે છે, આજે સાંજે સાતેક વાગે ફાવશે ?’

વિવેક ચીટણીસ કંપનીના ચેરમેનને મળ્યો.
એ મળવા જતો હતો ત્યારે મનમાં બીક હતી કે આ બધા ઉદ્યોગપતિઓ કલબમાં એકબીજાને મળતા રહેતા હોય છે. કદાચ મારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને આ ચેરમેને કોઈ વાત તો નહિ કરી હોય ને ! અહીં પણ લાંબા લાંબા સવાલ-જવાબો થશે, એવી ગણતરીથી જ્યારે એ કંપનીના ચેરમેનને મળવા ગયો ત્યારે એ વૃદ્ધ સજ્જન ખુરશીમાંથી ઊભા થઈ, એની સાથે હસ્તધૂનન કરતાં બોલ્યાં :
‘આવો ભાઈ ચીટણીસ. તમારા જેવા જ કોઈકની હું શોધમાં હતો અને તમે મને આ ઈન્ટરવ્યૂમાં જડી ગયા. જુઓ, હું તમારી પાસે એક ઑફર મૂકું છું. તમારી પાસે જ્ઞાન છે, કંઈક કરવાની ધગશ છે અને વણખરડાયેલું જીવન તમે જીવવા માગો છો. તમને એક જુદી જ દિશા સૂચવું ? તમને ખ્યાલ હશે કે હું અનેક ટ્રસ્ટો ધરાવું છું. અમારી કંપનીનો એ તમામ ટ્રસ્ટોમાં મોટો હિસ્સો છે. દરેક ટ્રસ્ટની વિવિધ કામગીરીઓ છે, ફંડ છે. તમને જો વાંધો ન હોય તો આ તમામ ટ્રસ્ટોનું સંકલન કરવા, એની કામગીરી પર દેખરેખ રાખવા અને એના ફંડનો યોગ્ય ઉપયોગ થાય એ માટે હું અમારી કંપની વતી તમારી નિમણૂક કરું તો તમને ગમશે ? તમારી વર્તમાન કંપનીમાં જે પગાર મળતો હશે એનાથી વધુ રકમ મળશે. તમારા અન્ય લાભો પણ જાળવવામાં આવશે. તમે કંપનીના ચેરમેનને જ સીધા જવાબદાર રહેશો. વેચાણની કામગીરી કરતાં સેવાની આ એક જુદી જ કામગીરી છે. મને તમારા જેવા કોઈની જરૂર હતી અને તમે મળી ગયા. આ જમાનામાં સારા, સાચા અને પ્રમાણિક માણસો મળે છે ક્યાં ? તમે ના ન પાડશો. મારી તમને વિનંતી છે.’

વિવેક ચીટણીસને લાગ્યું કે હજુ પણ આદર્શોની મૂલવણી થાય છે ખરી !
એણે કહ્યું : ‘સર, પગાર કરતા હું કાર્યને વધુ મહત્વ આપું છું. નૈતિકતા અકબંધ રહે એનું ધ્યાન રાખજો. મને લાગે છે કે તમે મને ઓળખી શક્યા છો. માર્ક ટ્વેઈને એક ઠેકાણે સરસ લખ્યું છે કે, એવું જીવન જીવો કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે ખુદ ઈશ્વરને પણ આ જગતમાંથી તમને ઉઠાવતી વખતે દુ:ખ લાગે….. સર, મારે ક્યારથી તમારી સાથે કામ કરવાનું છે ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રણકાર (ભાગ-3) – કલ્પના જોશી
જીવનનું ભાથુ – વિનોબા ભાવે Next »   

19 પ્રતિભાવો : નિમણૂંક – ગિરીશ ગણાત્રા

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા.

  ખાસ તો વિવેકનો executive director સાથેનો સંવાદ એકદમ સચોટ.

  નયન

 2. Niraj says:

  વાહ…વાહ્…
  “હજુ પણ આદર્શોની મૂલવણી થાય છે ખરી !” સંપુર્ણ સત્ય. જાત અનૂભવ છે!!!

 3. સરસ વાર્તા.

 4. Vivek Chitnis doesn’t prefer to work with corruption, but finally he choses to handle the trust in which money is from company which is involved in corruption. He will not be involved in corruption directly but he is using the money which is most probably earned via corruption. 🙁

 5. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા. ખરેખર હું ગીરીશભાઈની નવી વાર્તા વાંચવાની રાહ જોતો હતો. આભાર.

 6. Meghana Shah says:

  NCE STORY

 7. Bhumi says:

  Beatiful. in present time sometimes persons like vivek has to think that why should we stick on our aadarsh & sidhdhant? but, answer is here. finally person gets what he actually want.

 8. Ashish Dave says:

  Very nice story. Mark Twain’s quote was really nice to know.

  Ashish Dave
  Sunnyvale, California

 9. ભાવના શુક્લ says:

  સાચા અર્થમા નિમણૂંક.
  ગિરીશભાઈનું વાર્તા લેખન બખુબી રસપ્રદ રહ્યુ.

 10. Ranjitsinh Rathod says:

  ખુબ જ સરસ્…

  એવું જીવન જીવો કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે ખુદ ઈશ્વરને પણ આ જગતમાંથી તમને ઉઠાવતી વખતે દુ:ખ લાગે…..

  કેટલુ સુન્દર..

 11. Vaishali Maheshwari says:

  Very good story.

  There are many people we see around, who try to stay honest, but when they see corruption everywhere around them, they also get tired and join that corrupted persons.

  But, this story teaches us something else. We should never lose hope or change our positive habits and attitude just because everyone is doing the same. Vivek could have survived in his existing job without any issues, but he did not give importance to money or material benefits that he was getting. He gave importance to moral and values.

  He had to change his job four times in nine years, but finally his hard-work and perseverence gave him good results. He got a job that he was waiting for.

  માર્ક ટ્વેઈને એક ઠેકાણે સરસ લખ્યું છે કે, એવું જીવન જીવો કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે ખુદ ઈશ્વરને પણ આ જગતમાંથી તમને ઉઠાવતી વખતે દુ:ખ લાગે…..

  We should atleast be afraid of God before doing anything wrong.
  God watches all our activities and there is no place that we can hide from him.
  God is immortal and omnipotent.

  Nice story Girishbhai. Thank you for the same.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.