આ વાદળો ઠીક મળ્યાં છે – રીના મહેતા

nightsky

[‘ખરી પડે છે પીંછું’ માંથી સાભાર.]

ફરીથી ખુલ્લા વિશાળ આકાશ નીચે, નદીના શ્યામ પાણીની માફક સર-સર વહેતી આ શાંત રાતે અગાસીમાં સૂતી છું. પથારી, ગોદડું અને ઓશીકાની જેમ મારું મન અને શરીર પણ આખી રાત દરમિયાન ઠંડુંગાર થઈ જશે. ઉનાળો ઝાઝો ગમતો નથી પરંતુ આવી ઉનાળુ રાત્રિઓના હળવા આશ્લેષમાં વીંટળાઈ અડધાં જાગતાં-અડધાં સૂતાં પડ્યાં રહેવું મને વરસોવરસ ગમે છે. અગાસી બદલાઈ હશે, આ રાત્રિઓ એવું લાગે છે કે કદી નથી બદલાતી. આ ધોળાંધોળાં રૂના ઢગ જેવાં વાદળાં પણ કદી નથી બદલાતાં. ફરીફરીને, એ આકાશનો વિશાળ ચકરાવો પૂરો કરી મારી છત ઉપરથી પસાર થયાં કરે છે. આખું વર્ષ છત નીચે ટપ-ટપ ટપકતાં અંધકારમાં હું એમને જોવાનું વીસરી જાઉં છું. એમને હાથ લંબાવી પસારવાનું વીસરી જાઉં છું પણ ઉનાળુ રાત્રિઓમાં એ મને નથી ભૂલતાં. વર્ષો પહેલા મારી જૂની અગાસી પરથી ઉનાળુ રાત્રિઓમાં ટીરીરી….ટીરીરી કરતાં સફેદ પંખીઓ એકાએક ઊડી જતાં ત્યારે એ પંખીઓ પણ મને વાદળ જેવાં જ લાગતાં. વર્ષો પછી હજીયે હું છત નીચે કોઈક ઉનાળુ રાતે એમનો વિશિષ્ટ અવાજ પારખી જાઉં છું ને મારામાં સફેદ વાદળાં ઉનાળુ રાત્રિનું ચિરંતન સ્મિત પ્રગટાવી દે છે. આ વર્ષે તો એ પંખીઓએ પણ મને સાદ ન પાડ્યો કે પછી મેં ન સાંભળ્યો !

પહેલી રાતે હું અહીં આવી ત્યારે આકાશ એકદમ ખાલી હતું. ટમટમતાં તારાઓ અને અર્ધચંદ્ર સિવાય બીજું કંઈ ન હતું. ખૂબ દૂર વિમાનની ઝબૂકતી લાઈટ આઘેઆઘે સરકતી જતી હતી અને મારામાં કશીક દૂરપણાની લીટી ચીતરી ચાલી જતી હતી. ઉપર અગાસી, નીચે ઘર, ઓહો ! એક આખો સંસાર હું નીચે મૂકીને આવી હતી. અગાસીએ આવી હતી કે આકાશમાં ? અહીં બધું શાંત અને સ્થિર થઈ ગયું હતું. એકદમ આપમેળે. આ બધું યુગોથી આવું જ હતું. એક અલગ જ વિશ્વ હતું ઉપરનું. ના, એને વિશ્વ પણ ન કહેવાય. આ તો જાણે કંઈ જ નહોતું. એક વિશાળ શૂન્યાવકાશ. ગમે તેવો શૂન્યાવકાશ. નીચે કોલાહલ જરા જરા વારે પડખું ફર્યા કરતો હતો. એની બેચેની કોઈ વાતે મટવાની નહોતી. ક્યારેય મટવાની નહોતી.

થોડીવાર પહેલાં એક ઊંચો દાદર ચઢી હું અહીં આવી હતી. બહુ લાંબા સમય પછી કદાચ એક વર્ષ પછી. કદાચ એક ચોમાસા, એક શિયાળા અને એક અર્ધઉનાળા પછી. અહીં આવતી વેળા જ માર્ગમાં દાદરના છેક ઉપરના પગથિયે જૂઈ મળી હતી. ત્રણ-ચાર વર્ષથી એને એક્કે ફૂલ લાગતાં નહોતા ને એકાએક ઉનાળાના દઝાડે તેવાં આલિંગનથી એની ચાર-પાંચ કળીઓ ધોળુંધોળું ઊઘડી ઊઠી હતી ! એને નજીક ખેંચી સૂંઘી-ચૂમી અને ઉનાળુ રાતની શાંત સુવાસ મારામાં વ્યાપી ગઈ. મારા હાથમાં જૂના ફૂલોનું ઝૂમખું હતું કે ટમટમ થતા પેલા દૂરના તારકો ?

આકાશ નીચેની પહેલી રાતે બધું જ નવું-નવું લાગતું હતું. ઠંડી પથારી પણ, ઓશીકા પણ અને ચંદ્રનું અજવાળું ઝીલતું મારું શરીર પણ. બહુ આછી ધોળી લકીર જેવું – એક લાંબી પથરાયેલી ટેકરી જેવું વાદળ આવ્યું. ન વરતાય એમ પસાર થઈ ગયું. વેદાંગ એને જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયો. ‘આ શું છે ?’ મેં કહ્યું : ‘બહુ આછું-આછું વાદળ છે.’ ને એ સાથે જ મને વાદળના પેલાં ઝુંડનાં ઝુંડ યાદ આવ્યાં. પેલી વીતી ગયેલી અને હવે પછી વીતનારી ઉનાળુ રાત્રિઓ યાદ આવી. આંખો ઉઘાડી રાખી આકાશને, ચંદ્રને, તારાઓને તાક્યાં કરતી હું યાદ આવી. રાત્રિઓમાં ભળી નિદ્રાધીન થઈ જતું મારું મન યાદ આવ્યું.

પણ હું અત્યારે પેલાં ધોળાં વાદળોની રાહ જોતી નહોતી. એમની રાહ જોવાનો મને ખ્યાલ પણ નહોતો આવ્યો. ચંદ્રના અજવાળાથી, તારાઓના ઝબકારાથી, જૂઈની પવિત્ર દૈવી ખુશ્બૂથી તરબતર થઈ ઠંડી રાત્રિમાં ઝબોળાયેલું મારું મન જંપી ગયું હતું. અડધી રાતે હું આંખ ખોલ્યા વિના કેટલીયે વાર જાગી અને ફરી ઊંઘી ગઈ. મળસ્કે કોયલના મોટા ટહુકાથી મારી આંખ ઊઘડી ગઈ. જોયું તો આકાશ પણ ઊઘડવાની તૈયારીમાં હતું. એ સવાર અને રાતનો સંધિકાળ હતો. હમણાં જ અંધારાનું પડ જરાક આછું હતું. પૂર્વમાં નહિ જેવી રતાશ ઊભરવા માંડી હતી. ચંદ્ર દેખાતો નહોતો. બસ માત્ર એક તારો પૂર્વમાં થોભી ગયો હતો – મારી આંખ ઊઘડવાની પ્રતીક્ષામાં ! અર્ધનિદ્રામાં એ તારાને જોઈ, કોયલ અને કાગડાના અવાજને કાનમાં લપેટી, ઠંડાગાર ગોદડાંને શરીરે વધારે વીંટાળી મેં ફરી આંખ મીંચી દીધી અને જાગી ત્યારે તડકો ઝાકમઝોળ ! હજી સાત પણ નહોતા વાગ્યા. ઝટ ઝટ નીચે ઊતરતાં જૂઈનું ઝૂમખું હાથ લાગ્યું. એ એક્કેય ખર્યાં નહોતા. પણ રાત્રિના અંધકારમાં એનાં મુખ જેટલાં ગોરાં લાગતાં હતાં એટલાં અત્યારે નહોતાં લાગતાં. દાદરના પગથિયાં એક પછી એક ઊતરતાં હું ફરી સંસારમાં પ્રવેશતી જતી હતી.

ફરી રાત. બીજી, ત્રીજી, ચોથી…. વાદળોને હવે મારા હોવાની ખબર પડી ગઈ હતી. આકાશ હવે વાદળ વિના ઘડીયે રહેતું નહોતું. ઠંડી પથારીમાં પડ્યાં પડ્યાં ચંદ્ર અને તારાને જોવા કરતાં હું ધોળાં વાદળોના ઢગને જોવા લાગી. થોડી વારમાં તો મને જાણે એમ લાગવા માંડ્યું કે આ વાદળો સિવાય બીજું કંઈ જ હું જોતી નથી. ચંદ્ર જોઉં છું તો આ વાદળોની પારથી, તારા જોઉં છું તો વાદળની નીચેથી, જૂઈને સૂંઘું છું તો વાદળના શ્વાસથી, રાત્રિને ઓઢું છું તો વાદળની ગોદડીથી. વાદળ-વાદળ-વાદળ વાદળ….. એક પછી એક પસાર થયાં જ કરે છે. દૂર સુધી એમને જતાં જોઉં છું ને પછી ત્રીજા ઘરની ઊંચી દીવાલની પેલી પાર એ ગરક થઈ જાય છે. ફરી બીજાં આવે છે અને ચાલ્યાં જાય છે. જેમ એક પછી એક ક્ષણ આવે અને ચાલી જાય. કોઈ નાના ગભરું ધોળા વાછરડા જેવા. કોઈ વિશાળકાય ડાયનાસોર કે વ્હેલ માછલી જેવા, તો વળી કોઈ ભૂલી પડેલી, આમતેમ અટવાતી-કોઈને શોધતી જતી, આ દુનિયાની ન હોય એવી નાની વાદળી ! આ વાદળો જ્યારે ચંદ્ર ઉપરથી પસાર થાય ત્યારે અદ્દભુત તેજવર્તુળ રચાય. એ તેજવર્તુળ પણ રચાય અને વિખરાય, રચાય અને વિખરાય.

ત્રીજી રાતે તો બાળકો પણ મારી સાથે વાદળોના જાતજાતના આકાર શોધવા લાગ્યાં. કોઈ વાદળ અમને હોડીની માફક પસાર થતું લાગે, તો કોઈ કરચલા જેવું. કોઈ નાના નિર્વસ્ત્ર બાળક જેવું ઊંધું પડેલું લાગે તો કોઈ ઘરડા ડોસા જેવી આકૃતિ રચે. કોઈ ભારતના નકશા જેવું લાગે તો કોઈ મગરના પહોળા થયેલાં જડબાં જેવું ! પણ ઘણી વાર એમને જે આકાર દેખાય તે મને ન દેખાય અને મને જે દેખાય તે એમને ન પરખાય ! એમને આ વાતની બહુ નવાઈ લાગી. એમ કેમ ? એમના નાનકડા મગજમાં મારી વાત ઝાઝી ઊતરી નહિ. મેં કહ્યું આ બધાં આકારો તો આપણી નજર રચે છે. વાસ્તવમાં એવું કંઈ નથી. વાદળ એ વાદળ છે. આકારોનો આપણને ભાસ થાય છે. પણ વાદળોએ મારી વાત સાંભળી નહિ. એ તો પસાર થતાં ગયાં. ચોથી રાત્રિએ પણ.

પાંચમી રાતે હું દાદર ચઢી વાદળોના જ ખ્યાલમાં. જૂઈનાં ફૂલો આજેય રોજની માફક મારી વાટ જોતાં ઊભાં હતાં. એમને પસવારી લેતાં જ મને થાય છે કે આજે અજવાળું કેમ ઝાઝું નથી ? જોઉં છું તો આખું આકાશ વાદળોથી ભરાઈ ગયું છે. મોટાંમોટાં વાદળોએ તેરસના ચંદ્રને ય ઢાંકી દીધો હતો. પથારીમાં પડતાં જ મેં જોયું કે ચંદ્રના અજવાળાને લીધે વાદળોનો રંગ આછો ગુલાબી પડતો થઈ ગયો હતો. મોટાંમોટાં આ વાદળો ખૂબ ધીમાંધીમાં ખસતાં હતાં. પૂર્વમાં તો જાણે વાદળોની ભીડ જામી ગઈ હતી. આકાશનો શ્યામ-ભૂરો રંગ પણ ઝાઝો દેખાતો નહોતો. આકાશ એક મહાકાય વાદળ બની ગયું હતું. હું વિખરાતાં-જોડાતાં વાદળને જોતાં જોતાં આકાશને શોધવા લાગી હતી !

પડખું ફરીને સૂવાથી કાનમાં છત નીચે ઘરર-ઘરર ફરતાં પંખાનો અવાજ સંભળાતો હતો. કોલાહલનાં ઘસાતાં પડખાંનો અવાજ સંભળાતો હતો. અને ચત્તાં થઈ આ વાદળોને જોતાં ? જાણે કે વાદળો મને જોતાં હતાં ! આ વાદળો અત્યારે આકાશમાંથી નહિ, મારામાંથી પસાર થયે જતાં હતાં. હું આકાશની માફક સ્થિર હતી. હૃદય અને ક્યાંક ઊંડે ઊંડે આખી રાત જાગતાં-ઝબૂકતાં આત્મા પરથી આ વાદળોની માફક જ આ તમામ ઉનાળુ રાત્રિઓ, આ વરસો-વરસ ટીરીરી…. કરી ઊડી જતાં ઉનાળુ પંખીઓ, આખી રાત દરમિયાન એક પછી એક વિલીન થતાં તારાઓ પસાર થતાં જતાં હતાં. પેલાં મારી પ્રતીક્ષામાં ઊભેલાં જૂઈનાં ઝૂમખાંની સુગંધ, મારાં પગલાંની રાહ જોતો દાદર, ઠેઠ ઉપર વહી આવતી મધુમાલતીની માદક સુગંધ, જાસૂદની બિડાઈ ગયેલી રક્તિમા, આકાશ ભરીને પથરાયેલી આ મોકળાશ, આકાશ ભરીને ઊભેલી આ પરમ શાંતિ, આકાશ જેવી અચાનક વ્યાપી જતી એકલતા, જેને હું નીચે મૂકીને આવી હતી એ આખો ને આખો સંસાર, એ સંસારની અવિરત ઘટનાઓ, એના કોલાહલના ઘસાતાં પડખાંઓ, રાત્રિના એક પછી એક પ્રહરો, મને ખબર ન પડે એમ ખરતા તારાઓ, મને દેખાય નહિ એવો દૂર જતાં વિમાનનો ઝબકારો, મારામાં ડૂબી ગયેલાં તમામ કાળઝાળ દિવસો, તમામ ઉકળાટભરી સાંજો, મળસ્કે જગાડતી કોયલના તમામ ટહુકાઓ, મારાં અને આ કાળના તમામ ટહુકાઓ, મારાં અને આ કાળના તમામ વરસો, મારી આ તમામ જિંદગીઓ – તમામ જિંદગીઓ….

બધું જ મારામાં વાદળની જેમ પસાર થતું હતું. પસાર થયા કરતું હતું. દરેક રાત્રિએ – ઠેઠ સવાર સુધી. હું એમ જ સ્થિર ઊભી હતી આકાશ જેવી. પેલા પૂર્વમાં મારા જાગવાની પ્રતીક્ષામાં થોભી ગયેલા તારા જેવી. તારો વિલીન થાય છે ને પૂર્ણ ઊઘડેલી સવારે જોઉં છું તો આકાશ ખાલી નથી. શ્યામ-રાખોડી રંગનાં વાદળો દૂરદૂરથી પાછાં ફરી રહ્યાં છે – કદાચ પાણી ભરીને.

[કુલ પાન : 175. કિંમત રૂ. 85. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ, નદીકિનારે. અમદાવાદ-380009 ફોન : 91-79-26587947 ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સત્યકામ જાબાલ – નાનાભાઈ ભટ્ટ
જાતને શોધવાની પ્રક્રિયા – કાજલ ઓઝા-વૈદ્ય Next »   

17 પ્રતિભાવો : આ વાદળો ઠીક મળ્યાં છે – રીના મહેતા

 1. nayan panchal says:

  અદભુત.

  હંમેશ મુજબ રીના બહેનની અવલોકન શક્તિને, પ્રકૃતિ સાથે પોતાને સાંકળવાની ક્ષમતાને દાદ દેવી જ પડે. રીનાબહેન આપણી આસપાસની દુનિયાને જોવાની એક નવી જ દ્રષ્ટિ પૂરી પાડે છે.

  ખૂબખૂબ આભાર.

  નયન

  “ઉપર અગાસી, નીચે ઘર, ઓહો ! એક આખો સંસાર હું નીચે મૂકીને આવી હતી. ”

  “મેં કહ્યું આ બધાં આકારો તો આપણી નજર રચે છે. વાસ્તવમાં એવું કંઈ નથી.”

 2. Kamal says:

  બ હુ જ સ ર સ

 3. ભાવના શુક્લ says:

  અહા!!!
  મને મારા ઘરની અગાસી અને અગાસીના દાદર પર ઝળુંબતી મધુમાલતીની મહેંક યાદ આવી ગઈ…

 4. Keval Rupareliya says:

  ‘તુ’ ‘ને ‘હુ’ તો અહી ઉભા જ રહે છે,
  બસ તારા મારા વગર આ સમય જ વહે છે.

 5. Pratibha says:

  વાદળોની સાથે સમય વહે છે સાથે વાંચક વહે છે સફળ શૈલી અભિનંદન

 6. Vimal says:

  Beautifully written..

 7. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબ જ સરસ….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.