માફ કરજો, હું જરા બોલકી… – હરિશ્ચંદ્ર

અમદાવાદથી સુરત જતાં ટ્રેનમાં બારી પાસે સરસ જગ્યા મળી. હાશ ! તેવામાં….
‘સાંભળ્યું કે ? અહીં છે જગ્યા… અરે, ત્યાં શું કામ જાવ છો ?… અંજુ, પપ્પા પાસેથી બારીમાંથી બેગ લઈ લે ! તમે ગાડીમાં ન ચડતા, હમણાં ઊપડશે… જો ઊપડી ! તમે દૂર ખસી જાઓ….’
સાડીના છેડેથી પરસેવો લૂછતાં એ મારી પડખે બેઠી. ભરપૂર તેલ નાખી ફુગ્ગા પાડેલ વાળ, રૂપિયા જેવડો ચાંદલો, ઘરેણાંથી ભરેલા હાથ. ‘ચાલો…. … જગ્યા તો મળી ગઈ ! તમે મુંબઈ જાવ છો ?’
‘ના. સુરત.’
‘એમ ? મારે ભરૂચ ઊતરવું છે.’

મેં પુસ્તક ખોલ્યું. મારે પ્રવાસમાં પૂરું કરી નાખવું હતું. ત્યાં…. તો ‘વાંચો છો ? મને ય ખૂબ શોખ, હોં ! પણ બળ્યું, સંસારની જંજાળમાંથી ફુરસદ જ ક્યાં મળે ? મને હતું, સ્ટોલ પરથી એકાદ માસિક લઈ લઈશ. પણ કેટલી ઘાઈ થઈ ગઈ !’
થોડોક હોંકારો ભણતાં ભણતાં હું વાંચતી જ રહી. એની જીભ ચાલતી જ રહી. ‘અંજુ, જરા પાણીની બોટલ લાવ તો ! ગળું સુકાય છે.’ ચાલુ ગાડીએ બોટલથી પાણી પીતાં જે થાય તે થયું. પોતાનાં કપડાં તો શું, મારી ચોપડીયે થોડી પલાળી.

‘તમે ભણાવો છો ? આ તો તમે પુસ્તકમાં નિશાનીઓ કરો છો તેથી પૂછ્યું. હું તમને ખલેલ તો નથી પાડતીને ?….’ થોડી વારે ‘તમે લેશો ?’ કહી એણે જમરૂખની એક ચીરી મારા હાથમાં મૂકી જ દીધી. ‘બાઈ, મને તો એકલાં એકલાં ખાવાનું ન ગમે….. …. સાવ ફિક્કું છે, નહીં ? હવેનાં ફળોમાં મીઠાશ જ નથી હોતી.’ હું વચ્ચે બે-ચાર શબ્દોમાં ઉત્તરો આપતી રહી, પણ એને હંમેશાં ઉત્તરની અપેક્ષા રહેતી એવુંયે નહીં. એ તો આત્મ-કથનમાં જ મગ્ન હતી….. ‘મારો ભાઈ દિવાળીમાં બોલાવતો હતો, પણ એમણે ન મોકલી. હવે મા માંદી પડી તેથી છૂટકો નહીં. પણ ચાર એટલે ચાર જ દિવસ, હોં !’

‘અંજુ, જો તો ! નડિયાદ આવ્યું. માસી દેખાય છે ? એને બિચારીને સાસુ છોડશે તો ને ?…. એય સુલા !… સાવ ગાંડી…. ક્યાં જુએ છે ?… આ બાજુ…. આ બાજુ…..’ ગાડી ઊપડી ત્યાં સુધી બારીમાંથી ડોકાઈને એ વાતો કરતી રહી. એની છત્રછાયા હેઠળ મારે વાંચવાનું બંધ કર્યા વિના છૂટકો નહોતો. એનો ઝૂલતો ચોટલો ચોપડીમાં તેલના ડાઘા કરતો હતો. આંખો લૂછતી એ ફરી મારી પડખે બેઠી. આણંદ ઉપર એણે ગોટા લીધા. મારેય એક-બે ખાવા જ પડ્યા. ચાનો કપ પણ ધર્યો, ‘તમે ચા પીઓ છો ને ? અમને તો બાએ નાનપણથી ટેવ પાડેલી. દૂધ ક્યાંથી પોષાય ?’
મેં ચા પી પ્યાલો મૂક્યો કે….. ‘ગરમ ગરમ પીવાની ટેવ લાગે છે…. મારા સસરાનેય બહુ ગરમ જોઈએ. બાપ રે, મારી જીભે તો ફોડલા ઊઠે !’
ચા વાળાને મેં પૈસા ચૂકવી દીધા. ‘ના… ના, તમે રહેવા દો !…. આ તે કેવું ?…. ના….ના, હું ખોટું નથી કહેતી. મારી નણંદ હોય ને, તો એક પૈસો ન કાઢે. અરે એને ઘરે ભૂલથી પણ કોઈનું ગળું ભીનું ન થાય….’

‘અરે અંજુ ! માસીને બિસ્કિટનું પેકેટ આપવાનું હું ભૂલી જ ગઈ. ભાણજા કહેશે કે માસીએ કાંઈ ન આપ્યું ? મૂઈ, હું પણ કેવી ભૂલકણી !’ વડોદરા આવતાં હું જરીક પગ છૂટો કરવા નીચે ઊતરી. સાથે આ એકધારી વાકધારામાંથીયે થોડી રાહત મળે. ગાડી ચાલુ થતાં પાછી ચઢી. જગ્યાએ આવી તો હાંફળી-ફાંફળી કહે, ‘બાઈ, મારો તો જીવ ઊંચો થઈ ગયો ! મને થયું, રહી ગયાં કે શું ?’
‘અંજુ, ક્યાં ચાલી ?…. હં…અ…. ભલે જા. સળિયો બરાબર પકડીને બેસજે. સ્ટોપર બરાબર બંધ કરજે.’

મેં ફરી પુસ્તકમાં ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં મારી જરીક નજીક સરકીને એ બોલી, ‘બહેન, તમે બહુ ભણેલા તેથી તમને પૂછું. તમે લગ્ન નથી કર્યાં ?’
‘કેમ ? કર્યાં છે ને !’
‘તમને બાળબચ્ચાં પણ હશે. તો તમને સ્ટેશને કેમ કોઈ મૂકવા નહોતું આવ્યું ?’
‘કેમ ? એવી શી જરૂર ? છોકરાના પપ્પા છે, દાદી છે….’
‘સારું છે તમારે, બૈ ! તમારે અમારા જેવું નથી લાગતું. જુઓ, હવે હું નાની છું કાંઈ ! ત્રણ છોકરાંની મા થઈ. છતાં મારાં સાસુજી આખો દિવસ ‘મીઠું અહીં મૂક… ગોળ ત્યાં મૂક…. આ આમ કેમ કર્યું ? ફલાણું તેમ કેમ કર્યું ?’… અંજુના પપ્પા પણ… પણ… જવા દો….. તમને બહુ પજવું છું, નહીં ? વાંચો, બહેન, હોં વાંચો !’
મને એકાએક લાગણી થઈ આવી. એનો હાથ પકડીને કહ્યું : ‘ના… ના, એવું કાંઈ નથી.’
‘જુઓને, હું જરા બોલકી છું. ઘરમાં છૈયાં-છોકરાંમાં દિવસ પસાર થઈ જાય. ગાડીમાં…. …. અરે અંજુ, જો ! ભરૂચ આવ્યું લાગે છે. જો, મામા દેખાય ! મોટેથી હાંક માર તો !…. ચાલો બાઈ, રજા લઉં છું. હવે તમે સુખેથી વાંચજો. બોલ્યું-ચાલ્યું માફ કરજો !….’

(શ્રી શ્યામલા વનારસેની મરાઠી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રોજેરોજની વાચનયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી
પેરિયારની સફર – હેતલ દવે Next »   

16 પ્રતિભાવો : માફ કરજો, હું જરા બોલકી… – હરિશ્ચંદ્ર

 1. nayan panchal says:

  કોઈ કોઈ વાર સામેવાળો ઠલવાઈ જાય તો નિરાંત અનુભવે છે.

  નયન

 2. કલ્પેશ says:

  માણસોમા આવુ જોવા મળતુ નથી. સાવ અજાણી વ્યક્તિ (સ્ત્રી) જોડે સ્ત્રીઓ સરળતાથી વાત કરી શકે છે એમ લાગે છે.

 3. pragnaju says:

  ખૂબ સુંદર વાતનો ભાવવાહી અનુવાદ.
  તમે કેમ છો? પુછ્યું અને અમે અમારી વાત કહી દીધી!
  “છતાં મારાં સાસુજી આખો દિવસ ‘મીઠું અહીં મૂક… ગોળ ત્યાં મૂક…. આ આમ કેમ કર્યું ? ફલાણું તેમ કેમ કર્યું ?’… અંજુના પપ્પા પણ… પણ… જવા દો….. તમને બહુ પજવું છું, નહીં ?”આવી અંતર વેદના સાભળવાથી કેટલી રાહત થાય છે!

 4. brinda says:

  Kalpesh,

  manaso etle fakt purusho j? ane vyakti etle stree j? aavo bhed sha mate? (sorry, i can’t type Gujarati, but i think, i’ve been able to send the message across)

 5. કલ્પેશ says:

  બ્રિંદાજી,

  મને ખબર નથી કે તમે આ જવાબ વાંચશો કે નહી.
  પણ લખતી વખતે મારા મનમા આવુ કાઈ ન હતુ.

  કોઇ સ્ત્રી માટે તમે માણસ શબ્દ કદાચ ન વાપરો.
  અને વ્યક્તિ બન્ને માટે વાપરી શકાય.

  તે છતા તમને માઠુ લાગ્યુ હોય તો માફ કરજો.

 6. Sarika Patel says:

  ખુબજ સરસ ….

  વાચવા મા મજા આવિ હો.

 7. Nupoor Mehta says:

  સરસ વાર્તા અને સરલ અનુવાદ……

 8. Keval Rupareliya says:

  માણસના ભિન્ન પ્રકારોમા ૧ = હું જરા બોલકી/કો…
  અહિ માણસ એટલે બંને . . .

 9. ભાવના શુક્લ says:

  એક સુંદર અને સરળ અને લગભગ જોવા મળતુ સંસારની માયાઝાળ મા ખુપેલુ મિઠડુ નારીજીવન!!
  સાસુ વિશ અમસ્તીજ ફરીયાદ કરતા કરતા પતિ વિશે પણ મિઠડી ફરીયાદ કરી, હૃદયનો એક આળો ખુણો ક્ષણભર ખુલ્લો કરી પારકાને જરાક મા પોતાના બનાવી સમયનો એક ખુણો યાદ થી ભરી આપતા આવા “વ્યક્તી” કદી ન ભુલાય.

 10. Dhaval B. Shah says:

  એક સુન્દર અને સરળ વાત.

 11. Ranjitsinh Rathod says:

  ખુબ સરસ, મજા આવી ….

  આવો વર્તાલાપ ફક્ત સ્ત્રીઓ જ કરી શકે છે પુરુશો મા આવુ જોવા મલતુ નથી.

 12. Vaishali Maheshwari says:

  It was fun to read this story.

  While reading, I remembered the old story: The Talkative Tortoise.

  Thank you Author…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.