બુદ્ધિબળ – પુરુષોત્તમ સોલંકી

[‘ડાહીમાનો દીકરો અને બીજી વાતો’ પુસ્તકમાંથી બાળવાર્તા સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

dahimaaએક નગર હતું. નગરનો રાજા અભિમાની હતો. તે પોતાને બુદ્ધિશાળી અને હોશિયાર માનતો. તેણે પ્રજા પર આકરા કાયદા કર્યાં. રાજાની રાણી સમજુ ને શાણી હતી. હોશિયાર હતી. તે રાજાને સલાહ આપતી પણ અભિમાની રાજા માનતો નહિ.

એક દિવસ રાણી કહે : ‘મહારાજ, પ્રજા સુખી તો આપણે સુખી. પ્રજા વિફરે તો રાજાનાં રાજ જાય.’ રાણીની સાચી વાત સાંભળી રાજા ખિજાયો. તે બોલ્યો : ‘રાણીજી, રાજ્યની વાતમાં તમારે દખલ કરવી નહિ. તમારા કરતાં હું બુદ્ધિશાળી છું.
રાણી કહે : ‘મહારાજ, તમે બુદ્ધિશાળી ખરા. પણ ક્યારે ? મારા ચાર પ્રશ્નોનો જવાબ આપો તો. રાજાને પોતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ હતો. તે બોલ્યો : ‘રાણીજી, બોલો તમારા ચાર પ્રશ્નો !’
રાણી કહે : ‘પણ એક શરત !’
રાજા કહે : ‘બોલો શરત.’
‘મારા પ્રશ્નોના તમે યોગ્ય જવાબ ન આપી શકો તો પ્રજા ઉપરના આકરા કાયદા રદ કરવા.’ રાજા સામે જોતાં રાણી બોલી. બોલો કબૂલ ?
રાજા કહે : ‘કબૂલ. બોલો પ્રશ્ન.’

‘વે કીણ… મુખ… પીવે… ખીર… ? રાજા ! વે કીણ મુખ પીવે ખીર ?’ કહી રાણી રાજાને કહે, ‘મહારાજ લખી લો આ પહેલો પ્રશ્ન.
રાજાએ પ્રશ્ન લખી લીધો. રાણી બીજો પ્રશ્ન બોલી.
‘ધણ જણ કહાં કરે ? રાજા ! ધણ જણ કહાં કરે ?’ રાજાએ બીજો પ્રશ્ન પણ લખી લીધો અટલે રાણી ત્રીજો પ્રશ્ન બોલી : ‘કામ કણ હી ન લગ ? રાજા ! કામ કણ હી ન લગ ?’ રાજાએ ત્રીજો પ્રશ્ન પણ લખી લીધો એટલે રાણી ચોથો પ્રશ્ન બોલી : ‘કવણ તીનો પસ્તાય ? રાજા ! કવણ તીનો પસ્તાય ?’ રાજાએ ચારે પ્રશ્નો લખી લીધા ને વિચારમાં પડ્યો.
રાણી છે તો બુદ્ધિશાળી, પણ એકદમ હાર કબૂલે તો રાજા શાનો ? તે બોલ્યો, ‘રાણીજી, આવતી કાલના દરબારમાં આ પ્રશ્નોના જવાબ તમને મળી જશે.’
રાણી કહે : ‘ભલે મહારાજ ! ચારે પ્રશ્નોના જવાબ મેળવી આપો ને કાં હાર કબૂલ કરો.’
‘હું હાર કબૂલ કરું ? હું રાજા છું.’
‘રાજાનું મિથ્યાભિમાન જોઈ રાણી હસી પડી.

બીજે દિવસે દરબાર ભરાયો. પ્રશ્નો વંચાયા અને આખોય દરબાર સ્તબ્ધ બની ગયો. સૌ વિચારવા લાગ્યા. પ્રશ્નો ગહન છે. એના ઉત્તર આપવા કઠિન છે. તે જોઈ રાણી હસી રહી. રાજાનું મોં ઉતરી ગયું. છતાં તે બોલ્યો : ‘આખા દરબારમાં કોઈ બુદ્ધિશાળી નથી ?’…. ‘છે’ એક તીણો અવાજ સંભળાયો. રાણી બોલી : ‘મહારાજ, આપ તો બુદ્ધિશાળી છો. આપ જ જવાબ આપો ને ?’
રાજાની સ્થિતિ જોવા જેવી થઈ. તે બોલ્યો, ‘રાણીજી, પ્રશ્નો ગહન છે. આખી રાત મેં વિચાર કરી જોયો, પણ ઉત્તર ન મળતાં દરબાર ભર્યો, પણ કોઈ દરબારી જવાબ આપી શકતો નથી. તમે બુદ્ધિબળથી પ્રશ્નો કીધા છે. હવે ઉત્તર પણ તમે જ આપો.

દરબારીઓ સમજ્યા કે, પ્રશ્નો રાણીએ કર્યાં છે. સૌ રાણીના બુદ્ધિબળનાં વખાણ કરવા લાગ્યા. તે જોઈ રાણી હસી રહી. થોડી વારે જવાબ આપતાં બોલી : ‘મહારાજ, પહેલો પ્રશ્ન છે તે – વે કીણ મુખ પીવે ખીર ? રાજા ! વે કીણ મુખ પીવે ખીર ?… એનો જવાબ આ પ્રમાણે છે :

જે દિન રાવણ જનમિયો,
દશ મુખ, એક શરીર.
જણતાં જનેતાને સંશય થયો,
વે કીણ મુખ પીવે ખીર ?

હે, રાજા. રાવણનો જ્યારે જન્મ થયો ત્યારે તેની માતાને સંશય થયો કે, દશ મુખમાંથી એ કયા મુખે દૂધ પીશે ?’ અને દરબારીઓ ખુશ થયા. રાણી સામે જોઈ રહ્યા.
રાણી ફરી બોલી : ‘મહારાજ બીજો પ્રશ્ન : ધણ જણ કહાં કરે ? રાજા ! ધણ જણ કહાં કરે ? એનો જવાબ, આ પ્રમાણે :

ગાંધારી સો જાયરું,
કુન્તા પાંચ જણે,
ભીમે ભારત જીતીયો,
તો ધણજણ કહાં કરે ?

હે રાજા ! ગાંધારીએ સો કૌરવ પુત્રોને જન્મ આપ્યો. જ્યારે કુન્તાએ પાંચ પાંડવ પુત્રોને જન્મ આપ્યો. છતાં બળવાન ભીમે ભારત દેશ જીત્યો ને ઘણા જણ એવા સો કૌરવો કાંઈ કરી ન શક્યા.’ રાણીએ ત્રીજો પ્રશ્ન કહ્યો : ‘કામ કણ હી ન લગ ? રાજા ! કામ કણ હી ન લગ ? : જવાબ છે….

રેઢ તળાવ ને અરણ ફળ,
કાયર હાથ ખડગ,
ઘેલું જોબન ને કૃપણ ધન,
એ કામ કણ હી ન લગ.

સૂકું તળાવ ને અરણનું ફળ કશા કામનાં નહિ. કાયરના હાથમાં તલવાર પણ નકામી નિવડે, તેમ ઘેલું જોબન અને કંજૂસનું ધન ક્યારેય કામ ન લાગે.’ અને આખો દરબાર રાણીની ચતુરાઈ જોઈ આનંદ અનુભવવા લાગ્યો. રાણીએ ચોથો પ્રશ્ન કહી જવાબ દીધો : ‘કવણ તીનો પસ્તાય ? રાજા ! કવણ તીનો પસ્તાય ? : જવાબમાં….

વણિક વહાણ સંચરે,
પરધન ચોરાઈ જાય,
અજાણ્યા સગપણ કરે,
વે તીનો પસ્તાય.

હે રાજા, વેપારી-વહાણ કમાવા પરદેશ જાય અને ત્યાં ધંધો ન ચાલે તો પસ્તાય. પારકાનું ધન થાપણ હોય ને ચોરાઈ જાય તો થાપણ રાખનાર પસ્તાય અને અજાણ્યા સંબંધ બાંધે ને ઝગડો પડે તો તે પણ પસ્તાય.’ આમ ચારે પ્રશ્નોના જવાબો કહી રાણીએ રાજા સામે જોયું. રાજા મનોમન ઝંખવાણો પડી ગયો.
રાજા ધીમેથી બોલ્યો : ‘રાણીજી. તમારું બુદ્ધિબળ મોટું છે. આજથી તમારી સલાહ પ્રમાણે રાજ્ય કરીશ.’
‘તો શરત પ્રમાણે કાયદા રદ કરો.’ રાણી હસીને બોલી.
અને રાજાએ ભર દરબારમાં આકરા કાયદા રદ કર્યાં.

બાળ મિત્રો ! બુદ્ધિબળથી માણસ આગળ વધે છે. બુદ્ધિશાળીને માન મળે છે.

[કુલ પાન : 82. કિંમત : 44. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2 બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 2110081.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમામ આવે છે – આબિદ ભટ્ટ
હમણાં તૂટી પડશે વરસાદ…. – હરીશ વટાવવાળા Next »   

17 પ્રતિભાવો : બુદ્ધિબળ – પુરુષોત્તમ સોલંકી

 1. Gira says:

  nice story.. 🙂 with good lesson!! 🙂

 2. nayan panchal says:

  સરસ વાર્તા.આ બાળવાર્તા હતી?

  નયન

 3. Nupoor Mehta says:

  😉 બુદ્ધિ વિધ્યા નો પ્રતાપ….

 4. Keval Rupareliya says:

  કઈક અલગ અહેસાસ.very nice

 5. fatema says:

  ઘણી સરસ વાર્તા છે.

 6. Niraj says:

  વાહ વાહ… આતો મજા આવી…

 7. અતુલ જાની (આગંતુક) says:

  બાળ વાર્તાઓ બાળકના વિકાસમાં અનેક રીતે ઉપયોગી છે. તે માત્ર મનોરંજન માટે જ નહી પરંતુ બાળકોની કલ્પનાશક્તીનો વિકાસ કરવામાં અને સાથે સાથે તેના શબ્દ ભંડોળ વધારવામાં પણ કારગત નિવડે તેવી હોવી જોઈએ. વળી આ વાર્તા કહેવાની પણ એક અનોખી શૈલી હોય છે. સારી રીતે કરેલા હાવ-ભાવ અને લહેકાથી કહેલી વાર્તાઓ બાળ માનસ પર ઉંડી છાપ છોડી જાય છે. બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં બાળ વાર્તાનો ફાળો અમૂલ્ય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.