અવળા ગણેશ સવળા કરીએ – મનસુખ સલ્લા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે સુપ્રસિદ્ધ કેળવણીકાર તેમજ લેખક શ્રી મનસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98240 42453 સંપર્ક કરી શકો છો.]

હમણાં હમણાં શિક્ષણના પ્રશ્નો વિશે વિચારકો, સમાજ વિજ્ઞાનીઓ અને વાલીઓ વારંવાર ચિંતા પ્રગટ કરે છે. બદલાવ આવે તેની અપીલ કરે છે. વિચારણાના કેન્દ્રમાં શાળા, સંચાલન, શિક્ષકો, અભ્યાસક્રમ અને પરીક્ષા હોય છે. એ અંગે ઘણું બધું વિચારાય છે, પરંતુ આપણે ગણેશ જ અવળા બેસાડ્યા છે તે તરફ ભાગ્યે જ ધ્યાન જાય છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં ગુજરાતમાં ધંધા-રોજગારીની આવકો વધી છે, નોકરીમાં સારું વળતર મળે છે. એમાંથી એવી મનોવૃત્તિ વધી છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે. કોઈપણ રીતે કમાણી કરો અને દસની જગ્યાએ સો કે સોની જગ્યાએ હજાર વાપરો એટલે બધું મેળમાં રહેશે કે આવી જશે. એ વિચારાતું નથી કે ખોટી રીતો અજમાવીને કરેલી કમાણી સરવાળે નાગરિક, સમાજ અને રાષ્ટ્રને અંદરથી કોરી ખાય છે. વળી એનાથી ભ્રષ્ટ વ્યવહારોને પ્રતિષ્ઠા મળે છે. આ વિષચક્ર અટકતું જ નથી. આ મનોવૃત્તિનો બીજો છેડો એ છે કે ઘર-કુટુંબ-સંતાનો દ્વિતીય છે, કમાણી મુખ્ય અને પ્રથમ છે. એને પરિણામે બાળકોને મોંઘા ખર્ચવાળી શાળામાં મૂકો, જોઈતી સુવિધાઓ અને સાધનો આપો એટલે શાળાઓ આપણા બાળકોને કેળવી આપશે. પોતાની જવાબદારી પૈસા ખર્ચવાની, બાળકને મનુષ્ય બનાવવાની જવાબદારી શાળા કે સમાજની – આ વિચારણા જ ખોટી છે, વિચારહીન છે, મનુષ્યના વિકાસ વિશેની ગેરસમજથી ભરેલી છે. એવું નથી કે વાલીઓ ભણેલાં કે ડીગ્રીધારી નથી. પરંતુ ડીગ્રી સમજણ આપે જ તેવું કાયમ નથી બનતું. એટલે દસમાંથી આઠ દંપતિઓ કોઈને કોઈ પ્રકારે દુ:ખી હોય છે. કમાણીની હાઈવોઈમાં તેઓ દાંપત્યનો ભોગ આપી બેસે છે.

સામે પક્ષે સંતાનોનો ખૂબ ખ્યાલ રાખનારાં વાલીઓ એવું સમજે છે કે અમારું બાળક અમે ઈચ્છીએ તે થવા માટે જ જનમ્યું છે. તેણે અમે કહીએ તેવા થવાનું છે. એ બાળકની મનુષ્યત્વની ખિલવણી ઓછી થઈ હોય તો તેની ઉપેક્ષા થાય છે, પરંતુ કમાણી કરવાની શક્તિ મળી હોય તો પૂરતું ગણવામાં આવે છે. આ તો છતી આંખે આંધળા હોવા જેવું છે. આજે સામાજિક-આર્થિક સ્પર્ધાનો ભોગ બનીને વાલીઓની અપેક્ષાનો આંક ઊંચો ને ઊંચો જતો જાય છે, ‘તું અમુક બન, અમુક ટકા લાવ, કહીએ તેમ કર…’ અને એ બધાનું એક જ માપ છે – પરીક્ષામાં ઊંચા ટકા લાવ. તેમાંથી વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. હમણાં જ સુરતનો એક અતિ કરુણ કિસ્સો જાણ્યો કે એક વિદ્યાર્થીને પરીક્ષામાં 93-94 ટકા માર્કસ આવતા હતા, પરંતુ તેણે આત્મહત્યા કરી. તેનું કુટુંબ સરખામણી કરી કરીને તેની તાણ વધારતું હતું કે, ‘તારો મોટો ભાઈ સુરતમાં બોર્ડની પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો ને તું કેમ એટલા ટકા લાવતો નથી ?’ આખરે એ વિદ્યાર્થીની સહનશક્તિની હદ આવી ગઈ અને બોર્ડની પરીક્ષા પહેલાં તેણે આત્મહત્યા કરી.

વાલીઓની આ ઘેલછા હવે વિકૃતિની હદે વકરતી જાય છે. અમે જરૂરી રકમ ચૂકવી સારી શાળા, સારું ટ્યુશન ગોઠવી દીધાં, હવે અમારી ફરજ પૂરી. અમુક ઘટનાઓ પછી બાળાઓ કે કન્યાઓ સાથેના શિક્ષકોનાં અભદ્ર વ્યવહારો વધુ ને વધુ બહાર આવતા જાય છે. શિક્ષણતંત્ર સુધારવું જોઈએ તે જરૂરી છે, પરંતુ પ્રારંભ તો ઘરથી થવો જોઈએ. જો વાલીઓ કન્યાને નિર્ભય બનાવે તેવી તાલીમ આપે, તેવો સાહજિક સંબંધ અને ખુલ્લાપણું રાખે તો કન્યા નિર્ભયતાથી વર્તતી થશે. આપણને એવું વિચારવું ગમે છે કે દોષ સામેનામાં છે, તેથી એણે સુધરવું જોઈએ. પરંતુ આ ખોટી શરૂઆત કરવા જેવું છે. વાલીઓએ સુધારણાનો પ્રારંભ પોતાનાથી કરવાની જરૂર છે. ગણેશને સવળા બેસાડવાની જરૂર છે.

હકીકતે બાળકનાં વલણો, ભાવનાઓ, સુટેવો, સંસ્કારોની કેળવણીનો પ્રારંભ કુટુંબમાંથી જ થાય છે. મોટાભાગનાં વાલીઓ એ ભૂલી ગયાં છે. બાળકની પહેલી શાળા તેનું ઘર છે. આપણા એક પ્રસિદ્ધ બાળ શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ બધેકા પાસે એક બહેન પોતાના ચાર વર્ષના બાળકને લઈને આવીને તેના પ્રશ્નોની વાત કરી. પોતાની મૂંઝવણોની વાત કરી. ગિજુભાઈએ તેને જવાબ આપ્યો કે : ‘બહેન, તું પાંચ વર્ષ મોડી પડી છે. ગર્ભધારણથી જ તારા બાળકની કેળવણીનો વિચાર કરવાની જરૂર હતી. તો આજે મૂંઝવણ અનુભવે છે તેવું ન થાત.’ આ વાત દરેક વાલીઓએ વિચારવા જેવી છે.

આજથી 40-50 વર્ષ પહેલાં બધાં વાલીઓ ભણેલાં નહોતાં. એકંદરે આર્થિક હાલત સામાન્ય હતી, પરંતુ તેઓ પોતાના સંતાનોને યોગ્ય સંસ્કારો આપતાં, સુટેવો કેળવાય તેની કાળજી રાખતાં, પોતાનું બાળક સારો મનુષ્ય બને તેને પ્રથમ લક્ષ્ય ગણતાં. વળી બાળકના મનનો કબજો લઈ વિકૃત કરનારાં છાપાં તથા ટી.વી. પણ ત્યારે ન હતાં. આજે આ માધ્યમો વધારે તો અકાળે વૃત્તિઓને બહેલાવીને વિકૃતિ તરફ ધકેલે છે. એમાંથી દેખાદેખી અને તુલના – સ્પર્ધા તીવ્ર થતી જાય છે. દેખાડાની આ કાતિલ સ્પર્ધાએ આજે વિષમતાની ખાઈ અનેક ગણી પહોળી કરી છે. કમાણી કરવાના ધખારામાં વાલીઓ ભૂલી ગયાં છે કે પોતાનું બાળક સારો મનુષ્ય બનશે, સારો નાગરિક બનશે તેનાં બીજ પરિવારમાંથી જ રોપવાં જોઈએ. સામાજિક વાતાવરણ, શાળા, પુસ્તકો, સત્સંગ તેને પોષણ આપી શકે, પરંતુ બીજ વવાવાં જોઈએ કુટુંબમાંથી. શાળાઓ બાળકોને સર્વાંગી રીતે વિકસાવી દેશે, પોતે કાંઈ કરે કે ન કરે તોય ફેર નહિ પડે એ વિચારણા વાલીઓએ બદલવી પડશે. સાથે જ તેમણે જીવનશૈલીનો પણ નવેસરથી વિચાર કરવો પડશે.

પોતાનું સંતાન અમુક ટકા લાવે કે અમુક ડીગ્રી મેળવે તો જ તે જીવનમાં સફળ, બાકીના ઉણાં કે નિષ્ફળ તે ખ્યાલ વાલીઓએ છોડવો પડશે. સંતાનોનાં ઉત્તમ સંસ્કારો, સુટેવો અને વલણોના ઘડતર માટે વાલીઓએ પોતાના વ્યવહારો, વિચારો, સંબંધો, સમય, આયોજન બદલવાં પડશે. કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર સ્વચ્છંદતા, અસંયમ અને મૂલ્યહીનતાથી પ્રગતિ કરશે એમ બનતું નથી. કદાચ થોડો વખત આંખો અંજાઈ જાય અને જળની જગ્યાએ સ્થળ ને સ્થળની જગ્યાએ જળ દેખાય, પણ એ જીવનવિરોધી તત્વો છે. ગાંધીજીએ કહ્યું છે તેમ એ પતંગ નૃત્ય ગમે તેટલું આકર્ષક લાગે તો પણ આખરે વિનાશ તરફ લઈ જાય છે. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ કલા, વિજ્ઞાન, પ્રગતિ, આર્થિક સમૃદ્ધિની ટોચે હતી પરંતુ નાશ પામી એ દષ્ટાંત ભૂલવા જેવું નથી. વાલીઓએ બાળકો પાસેની અપેક્ષાઓ અને એકાંગિતા વિશે પુન:વિચાર કરવો પડશે. એ સો ટકા સાચું છે કે સુટેવો-સંસ્કાર-નાગરિકતાની કેળવણી કુટુંબમાંથી થશે તેટલી બીજે ક્યાંયથી નહિ થાય. કારણ કે માતા-પિતા અને સંતાનનો સંબંધ તર્કનો નહિ, પ્રેમનો હોય છે. તેમાં ભાષા કરતાં સંબંધની ઉત્કટતા અને સાહજિકતા અસરકારક બને છે. આત્મીયતાભર્યો આવો સંબંધ સંસ્કારોને દઢ બનાવે છે. એટલે શાળા શિક્ષણ કરતાંય વધુ જરૂરિયાત વાલી શિક્ષણની છે.

એક વાર નિકોરાના પ્રાગજીબાપુને વિચાર આવ્યો કે મા-બાપ સંતાનોને જન્મ તો આપે છે પરંતુ તેમને બાળઉછેર વિશે કાંઈ સમજ છે ખરી ? એ માટે તેમણે તાજા પરણેલાં કે બે-એક વર્ષનું બાળક હોય તેવાં પચાસ દંપતિઓનો ત્રણ દિવસનો શિબિર ગોઠવેલો. ત્યારે જાણવા મળ્યું કે નેવું ટકા માબાપોને ખબર જ નહોતી કે બાળઉછેરમાં શી કાળજી લેવી જોઈએ, ઉત્તમ માબાપ થવું એટલે શું, બાળકના ઘડતરમાં પરિવારનો શો ફાળો છે. મોટાંભાગનાં વાલીઓ એવું સમજતાં હતાં કે જોઈતી વસ્તુઓ અપાવવી, સગવડો ઊભી કરવી, ક્યારેક મન થાય ત્યારે રમાડવા એટલે બાળઉછેર કરવો. આ સ્થિતિ વ્યાપક છે. એટલે વાલીશિક્ષણથી પ્રારંભ કરવાની જરૂર છે.

કેમ આજે બોર્ડની દસમા કે બારમાની પરીક્ષાનો આટલો બધો ભાર લાગે છે ? કેમ બીક લાગે છે ? કેમ વાલીઓ ઉચાટમાં અર્ધા થઈ જાય છે ? કારણ કે વાલીઓએ શાળાઓએ ગોઠવ્યું તે આખરી ગણી શરણાગતિ સ્વીકારી લીધી છે. તપાસવું તો એ જોઈતું હતું કે આત્મવિશ્વાસનો અભાવ, પદ્ધતિસરના અભ્યાસની ટેવ નથી, ઈતરવાંચન દ્વારા માનસને સમૃદ્ધ કર્યું નથી, એકાગ્રતા કેળવાય તેવી તાલીમ મળી નથી, શાળા-રમત-શોખ વચ્ચે વાજબી સંયોજન નથી અને વાલીઓ સર્વાંગી વિકાસને બદલે સ્મૃતિ આધારિત પરિણામોને પૂજવા લાગ્યાં છે તે મુખ્ય કારણો છે. એટલે શાળા-કૉલેજો પણ નિરસ-જડ-ઘરેડવાળી-ઉપરચોટિયા કાર્યક્રમો કરનારી બની ગઈ છે. એથી સૌથી મોટો ભોગ બાળકની સર્જનાત્મકતાનો લેવાય છે. દરેક બાળકનાં રુચિ, આવડત, વલણો, પસંદગીઓ ભિન્ન હોવાની. બધાં બાળકોને એક બિબામાં ઢાળવાં એ તેમના ઉપરની મોટામાં મોટી હિંસા છે. એ મનુષ્યત્વનું અપમાન છે, અપરાધ છે. દરેક બાળક અનોખું અને અદ્વિતીય છે. બે સગાં ભાઈ-બહેન હોય તો પણ એ સાચું છે. તો દરેક બાળક માબાપની ઈચ્છા અનુસાર જ કામગીરી કરનારું કે હોદ્દો મેળવનારું બને એ અપેક્ષા જ ખોટી છે, ભ્રામક છે.

આમાંથી જીવનની બાકી બધી બાજુઓનું સૂકવણું કરીને કેવળ પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવી એને સફળતા ગણવામાં જીવનની સમગ્રતાનો દ્રોહ થાય છે. આ રચના જ બાળકના આત્મવિશ્વાસને મૂરઝાવનારી છે, એને કીધું કરનારો આજ્ઞાંકિત યંત્ર બનાવનારી છે, અણધાર્યું, અપરિચિત બને કે સંઘર્ષ વેઠવાનો આવે તો ટક્કર લેવાની તૈયારીને બદલે શરણાગતિ સ્વીકારનારાં બાળકો તૈયાર કરનારી છે. બાળકો જેની સ્પર્ધામાં જોતરાય છે તે કેવળ સ્મૃતિ આધારિત પરિણામો હોય છે. સ્પર્ધાનો ભાવ બાળકોમાં પેદા કરીને વાલીઓ અને શાળાઓ તેને કાયમી નુકશાન કરવાનું આયોજન કરે છે. જીવનનો આધાર સ્પર્ધા નહિ, સહયોગ છે. બાળકે સ્પર્ધા કરવાની હોય તો અન્યો સાથે નહિ, પોતાની જાત સાથે કરવાની હોય કે ‘હું હતો ત્યાંથી મનુષત્વ તરફ કેટલો આગળ વધ્યો ?’ એમાંથી બાળકમાં સાચી સર્જનાત્મકતાનો જન્મ થાય છે. આત્મવિશ્વાસનો જન્મ થાય છે. વળી વાલીઓ એવા ભ્રમમાં છે કે પોતાનાં સંતાનો માટે તેમને કેટલી બધી લાગણી છે ? તેઓ કેટલું બધું કરે છે ? પરંતુ ‘તારે જમીન પર’ ફિલ્મના ઈશાનના પિતાજીની જેમ તેમને સમજાતું નથી કે તેઓ કરતાં હતાં તે કેટલું ઉપરછલ્લું હતું, બાળક માટે વિપરિત હતું, વિચારહીન હતું, બાળકના વ્યક્તિત્વને રુંધાવનારું હતું. કારણ કે તેમનું બધું ધ્યાન બાળક પરીક્ષામાં ઊંચી ટકાવારી લાવ્યો કે નહિ તેના પર જ હતું.

એટલે હવે વાલીશિક્ષણ, વાલીજાગૃતિ એ મુખ્ય બાબત ગણીને વિચાર કરવાની જરૂર છે. કોઈ પણ સરકાર આ કાર્ય નહિ કરી શકે. એ તેમનું ગજું નથી. આ કાર્ય સ્વૈચ્છિક સંસ્થાઓ, શિક્ષણને સાચી દષ્ટિથી જોઈ શકનારા વિચારકો, શિક્ષણ માટે સાચી નિસ્બત રાખનારા કેળવણીકારો અને નિષ્ઠાવાન શિક્ષકો જ કરી શકશે. વાલીઓની જાગૃતિ માટે વ્યાપક અભિયાન ચલાવવું એ પ્રથમ પગથિયું છે. તો દરેક ઘર શાળા બનશે. ઘણા કોયડા ઉકેલાશે. ગણેશ સવળા બેઠા તેમ ગણાશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હમણાં તૂટી પડશે વરસાદ…. – હરીશ વટાવવાળા
વાર્તાઓ અંગે મારું મંતવ્ય – સંકલિત Next »   

20 પ્રતિભાવો : અવળા ગણેશ સવળા કરીએ – મનસુખ સલ્લા

 1. nayan panchal says:

  સરસ લેખ.

  જે ભણેલા નથી તે બીજાની દેખાદેખીથી દોરવાય છે અને ભણેલા ગણેલા વાલીઓ પણ આ જ શિક્ષણ પધ્ધતિની ઉપજ છે. કૂવામાં હોય તો હવાડામાં આવેને … હા, અપવાદો મળી જરૂરથી મળી શકે.

  મને નથી લાગતુ કે જો કોઈ વાલીએ બીજે કશેથી શિક્ષણ લીઘુ હોય તો પોતાના સંતાનો પર આ રીતે અપેક્ષાઓનો બોજો લાદી દે.

  નયન

 2. કલ્પેશ says:

  વાત સાચી છે. મા-બાપ ભણેલા હોય તો શુ કહેવુ? (ભણવુ એટલે નિશાળમા જવુ એમ નહી, પણ સમજદાર હોવુ)

 3. Rajendra J Pathak says:

  It is a very nice article and provides introspetion of each family’s head and members of family also. We are heading towards valley by imiting western style of life removing family culture into individual egocentric family of parents and two children aimimg for instant capturing of money,wealth and popularity by hook OR crook.

 4. અતુલ જાની (આગંતુક) says:

  અરે ભાઈ ! આ તો આંખ ઉઘાડનારો લેખ. હાલો હવે પારકી પંચાત મુકીને હું મારા ગણેશ સવળા બેસાડવામાં લાગી જાઊ. મનસુખભાઈ આભાર.

 5. Yogesh Chudgar says:

  આ લેખ વાંચ્યા પછી એવું લાગે છે કે બદલાયેલા સમય સાથે શિક્ષણ પધ્ધતિ બાબતે વિચારવાનો રવૈયો પણ બદલવો જોઇયે. જૂનું હતું તે જ સારું અને નવું હોય તે સારું નહિ તે યોગ્ય નથી. પણ આવી રહેલા સમય પ્રમાણે જીવન પધ્ધતિ ને પણ બદલવી પડશે. વધુ ટકા લાવવાનો માબાપ નો આગ્રહ એ સમયની જરુરિયાત છે. હા, તે માટે બાળકની ક્ષમતા ધ્યાનમા રાખવી જોઇયે. બાકી સમગ્ર વિશ્વમા જો આગળ આવવુ હશે તો જમાના સાથે કદમ મેળવીને જ ચાલવુ પડશે.
  — યોગેશ ચુડગર. ( શિકાગો ).

 6. Ashish Dave says:

  Thought provoking article.

  Ashish Dave
  Sunnyvale, California

 7. kamakshi says:

  આજ્નો વિદ્યાર્થિ ટકાવારીના બોજ નીચે દબાઈ ગયો છે. માત્ર ટકાવારી જ સફળતાનો માપદંડ નથી તે વિદ્યાર્થી તેમજ વાલીઓ સમજે તો આગળ બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપી શકે. ભણેલા હોય પણ ગણેલા ન હોય તો શું કામના? તેવા લોકોનુ ભણતર સમાજને કેટલુ ઉપયોગી થશે તે એક પ્રશ્ન રહે છે.

 8. Dipak says:

  અત્યારના સમય પ્રમાણૅ ખુબજ પ્રેરણાદાયક લેખ.મા-બાપે વિચારવુ જોઈઍ કે તેમના બાળકનિ ગ્રહણશક્તિ પ્રમાણૅ અપેક્ષા રખાય.

 9. bhupesh pathak says:

  Obviously there is something else more than education also. It is not necessary How many degre he/ she get the question should be HOW HE/ SHE get it? My parents has not seen even a college but their social moral is way too high. We should start thinking about this.

 10. pragnaju says:

  અમે અને અમારા જેવા અનેકને ખબર ન હતી-“આમાંથી જીવનની બાકી બધી બાજુઓનું સૂકવણું કરીને કેવળ પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવી એને સફળતા ગણવામાં જીવનની સમગ્રતાનો દ્રોહ થાય છે. આ રચના જ બાળકના આત્મવિશ્વાસને મૂરઝાવનારી છે, એને કીધું કરનારો આજ્ઞાંકિત યંત્ર બનાવનારી છે, અણધાર્યું, અપરિચિત બને કે સંઘર્ષ વેઠવાનો આવે તો ટક્કર લેવાની તૈયારીને બદલે શરણાગતિ સ્વીકારનારાં બાળકો તૈયાર કરનારી છે.” હવે આનંદની વાત છે કે ત્રીજી પેઢીએ આ વાત સ્વીકારી છે અને અમલ પણ શરુ કર્યો છે

 11. Keval Rupareliya says:

  કદાચ કડવિ લાગે પણ વાત સાચી છે.

 12. Pratibha says:

  ગણેશ અને આરંભનો સંબંધ લેખનો વિષય અને શિષૅક ઊભય ગમ્યાં અભિનંદન. અમદાવાદ અને એજ્યુકેશન કોલેજ છોઙયે વીસ વરસ થયાં આ લેખ વાંચીને ભૂતકાળમાં સરી જવાયું અને આનંદ પણ થયો. આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.