- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાર્તાઓ અંગે મારું મંતવ્ય – સંકલિત

[વાર્તા-સ્પર્ધા 2008માં પ્રાપ્ત થયેલી તમામ 33 વાર્તાઓ અંગે તેમજ લેખન માટેની જરૂરી બાબતો વિશે તમામ નિર્ણાયકોના અભિપ્રાયો નીચે મુજબ છે.]

[1] નવા વિષયોના વધામણાં – વંદના ભટ્ટ

રીડગુજરાતી.કોમ આંતરરાષ્ટ્રીય વાર્તા-લેખન સ્પર્ધા-2008ની અંતર્ગત દરેક વાર્તાઓ રસપૂર્વક માણવા મળી. દરેકનાં પ્રયત્ન સરાહનીય છે. આજના માહોલમાં લખવાનું મન થવું એ જ મોટી વાત છે. એમાં પણ સ્પર્ધકોની ઉંમર પર નજર નાખીએ ત્યારે થોડાને બાદ કરતાં બાકીના તમામ તરવરીયા યુવાનો છે. આજનો યુવાવર્ગ ઉત્સાહથી વાર્તા-સ્પર્ધામાં ભાગ લે છે એ જોઈને લાગે છે કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ગુજરાતની આર્થિક સમૃદ્ધિ જેટલું જ સમૃદ્ધ છે. જરૂર છે વાંચનરસ જગાડવાની અને લખવાની પ્રેરણા આપવાની, જે કાર્ય અહીં સરસ રીતે થઈ રહ્યું છે. અહીં દરેક વાર્તા વિશે તો માંડીને વાત થઈ ન શકે પરંતુ મને જે વાર્તા વધારે ગમી છે તેના ગમવાના કારણો જણાવી શકું.

મારી દષ્ટિએ પ્રથમ છે શ્રી નટવરભાઈ મહેતાની ‘ત્રીજો જન્મ ?’ એક સ્ત્રીની પોતાના તરફ પાછા ફરવાની વાત ગમી ગઈ. રોવું-રદડવું, હતાશ થઈને હિંમત હારવી એ બધું એકવીસમી સદીની સ્ત્રીને શોભે નહીં. આવી પડેલી મુશ્કેલીમાંથી રસ્તો કાઢે તે આધુનિકા. ‘ત્રીજો જન્મ’ ની નાયિકા આજની આધુનિક સ્ત્રીનું પ્રતિબિંબ છે, જે ગમ્યું. સાથે વાર્તા-ગૂંથણી, સ્થળને અનુરૂપ માહોલ બંધાણો છે.

બીજી વાર્તા છે ‘છાયા-પડછાયા’ જેની લેખિકા છે પાયલ શાહ. આ વાર્તામાં ભારોભાર ‘ફેન્ટસી’ છે. કાફકાની ‘મેટમૉર્ફોસીસ’ની યાદ આવી જાય. ‘મેટમૉર્ફોસીસ’ માં મનુષ્યનું પ્રાણીમાં રૂપાંતર થાય છે અને ઘરના પણ તેનાથી દૂર થાય છે. અદ્દભુત વાર્તા છે. એની સાથે ‘છાયા-પડછાયા’ ને સરખાવવાનો ઈરાદો જરાયે નથી, એ શક્ય જ નથી પણ…. પાયલ શાહે ફેન્ટસીનો ઉપયોગ કરીને બિંબ-પ્રતિબિંબની અદલાબદલીની વાત કરી છે. વાર્તામાં બધું જ શક્ય છે. પાયલે એ કરી બતાવ્યું છે. પડછાયા દરેકના કાળા જ હોય. કહેવાનો મતલબ છે દરેકમાં થોડી કાળી બાજુ ધરબાયેલી હોય છે જે ક્યારે બહાર આવી જાય કહેવાય નહીં. ‘છાયા-પડછાયા’ની નાયિકા સાથે આવું જ થાય છે અને તેને તેમાંથી છોડાવવા તેના દરેક આત્મીયજન કામે લાગે છે તે વાત સરસ છે.

ત્રીજી છે મોક્ષેશ શાહની ‘અગ્નિ પરીક્ષા રામની’. સાંપ્રત સમાજમાં પતિ-પત્ની વચ્ચે પ્રવર્તતા મતભેદ, મનભેદ થવાના કારણો સરસ રીતે ઉજાગર થયા છે. હજારો વર્ષના માનસિક બંધનને લીધે સ્ત્રીની માનસીકતા કેવી ઋગ્ણ થઈ ગઈ છે, આરંભકાળથી તે આજ’દિ સુધી મુક્ત પુરુષ કેટલો આગળ નીકળી ગયો છે અને તેને લીધે ઉદ્દભવતું વિચારોનું અસંતુલન તથા આ માહોલમાં સુધારાવાદી પુરુષે આપવી પડતી ‘અગ્નિ પરીક્ષા’, સમાજના થોડાભાગનું પણ સત્ય છે.

ચોથી છે ‘ગોડ બ્લેસ યુ’. લેખિકાએ એક નવા જ વિષયને સ્પર્શ્યો છે. બાળકોને ઘેર એકલા મૂકવા એ નોકરીયાત મા-બાપની મજબૂરી થઈ ગઈ છે ત્યારે લેખિકાએ વાર્તા દ્વારા સરસ વાત કરી છે કે બાળકને કુદરત સાથે જીવવાની ટેવ પાડવામાં આવી હોય – પ્રાણી-પંખી-ફૂલ-છોડ પણ મિત્ર થઈ શકે તે સમજાવવામાં આવ્યું હોય, સંગીત-કલા-વાંચન પ્રત્યે અભિરૂચિ કેળવવામાં આવી હોય તો બાળકને એકલું ન લાગે. અને મોટા થઈને પણ એકલતા ટાળવા નોકરીની જરૂર ન હોય તો નોકરી ન કરવી પડે. આ વાત સરસ છે.

બાકી તો દરેક પાસે વિષય છે, જરૂર છે માવજતની. વાર્તાને અનુરૂપ સ્થળ, સંવાદ અને માહોલ બંધાવો જોઈએ. પાત્રોનું વર્ણન, સ્થળનું વર્ણન આવવું જોઈએ. પાત્રોની માનસિકતા પ્રતિક દ્વારા વર્ણવી શકાય. લેખક જ બધું કહ્યા કરે એમ નહીં, પણ સીધા પાત્રો વચ્ચેની વાતચીત દ્વારા વાર્તા આગળ વધવી જોઈએ. વાર્તામાં પ્રસ્તાવનાની જરૂર નથી અને અંતે લેખકે વાત સમજાવવાની જરૂર નથી હોતી. લેખક વચ્ચે આવવો જ ન જોઈએ. વાચકને ઘટના સંભળાવવાની નથી, તેને ઘટનાની વચ્ચે મૂકી દેવાનો છે. બાકી વાર્તા એટલે ‘આ…જ…’ અને ‘આ.. નહીં…’ એવું કહી શકીએ નહીં. દરેક સ્પર્ધકને ખૂબ ખૂબ અભિનંદન સાથે.

લિ.
વંદના ભટ્ટ
કાલુપુર કૉ-ઑપરેટિવ બૅન્ક. 54, પુનિતનગર સોસાયટી, વેક્સિન ઈન્સ્ટીટ્યૂટની સામે, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા-390015 ફોન : +91 9428301427.
.

[2] વિધેયાત્મક અભિગમની વાર્તાઓ – અવંતિકા ગુણવંત

રીડગુજરાતી આંતરાષ્ટ્રિય વાર્તા-સ્પર્ધા 2008ની વાર્તાઓ વાંચવાની ખરેખર ખૂબ મઝા આવી. વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવાનો, પ્રૌઢો તથા નિવૃત્ત સ્પર્ધક ભાઈ બહેનો, કે જેમની પર લેખકનો સિક્કો હજી વાગ્યો નથી છતાં એમની સંવેદનશીલતા, એક ચોક્કસ જીવનદષ્ટિ, બૌદ્ધિક અભિગમ, અભિવ્યક્તિ અને ભાષાકર્મ ખરેખર સંતોષપૂર્ણ અને ઉત્સાહજનક છે. દરેક સ્પર્ધકના પ્રયત્નમાં નિષ્ઠા છે. એમને જે કહેવું છે એમાં અને કહેવાની વાત કેવી રીતે કહેવી એમાં તેઓ સ્પષ્ટ છે. ભાષા ક્યાંય અશિષ્ટ, દુર્બોધ કે કલિષ્ટ નથી. અભિવ્યક્તિમાં સરળતા છે. વાર્તામાં જે વર્ણનો છે એ પાત્રની મનોદશા વ્યક્ત કરવામાં, વાતાવરણ રચવામાં સહાયક નીવડ્યા છે પણ ક્યાંક વર્ણન અનાવશ્યક થઈ પડ્યા છે, જે વાર્તાનો એક અંશ નથી થઈ શક્યા.

વિષયમાં વૈવિધ્ય છે, ક્યાંક બહુ ચર્ચાયેલા, ખેડાયેલા ચીલાચાલુ વિષય છે, તો ક્યાંક પ્રમાણમાં ઓછા ખેડાયેલા વિષય પસંદ કરીને લેખકે પોતે પોતાના માટે એક પડકાર ઊભો કર્યો છે અને પાર પાડ્યો છે. કેટલીક વાર્તામાં સર્જકોએ સંબંધની સંવેદનશીલ સમસ્યા નીડરતાથી લીધી છે અને નાજુકાઈ અને શિષ્ટતાપૂર્વક આલેખી છે. દરેક વાર્તામાં મને સહેજ દ્વિધા ઊભી થઈ છે; ‘વાર્તા’ શબ્દ વાપરું કે લખાણ કહું ? – કારણ કે દરેક લખાણ વાર્તા નથી બન્યું – હા, વાર્તાત્મક અંશો છે, રસ નિષ્પત્તિ છે. લગભગ બધાં લખાણોનો મુખ્ય સૂર છે કે જિંદગી જીવવા જેવી છે. જીવનનો ઉલ્લાસ, જીવન પ્રત્યેનો પ્રેમ લખાણોમાં પ્રતિબિંબિત થાય છે – સંઘર્ષ કરો, સમાધાન કરો, ઉદાર બનીને બાંધછોડ કરો પણ મન મૂકીને જીવો. જિંદગી મહાન છે.

હા, ‘અભિલાષા’ નામની વાર્તામાં જીવનની નિરાશાજનક વાત કહી છે. પિતા પુત્રને સમજી શકતો નથી. પુત્ર પિતાની ઈચ્છા પૂરી કરવા ડૉક્ટર થાય છે પણ વિષપાન કરીને દેહત્યાગ કરે છે. આટલી બધી ભાવુકતા ! આત્મહત્યા કોઈ ગૌરવ કે ભવ્યતાનો વિષય નથી. કેટલાક લખાણો માત્ર ચર્ચા બનીને રહી જાય છે – કોઈ કલા કે કસબ એમાં નથી. છતાં પ્રયત્ન તરીકે બધાં લખાણો નોંધપાત્ર છે. અલબત્ત, ગુણવત્તામાં ફરક છે. તેથી માર્ક્સ મૂકતાં ફરક કરવો પડ્યો છે. પણ દરેકની કલમમાં કૌવત છે એ ચોક્કસ. દરેક સ્પર્ધકને હાર્દિક અભિનંદન અને સ્નેહભરી શુભકામનાઓ. આટલા બધા લેખકોનો એક સામટો પરિચય થયો તેનો આનંદ અનુભવું છું.

હવે થોડીક વાતો સ્પર્ધકમિત્રો સાથે. લેખક થવા માટે પ્રજ્ઞા, પ્રતિભા, કલ્પનાશક્તિ તો હોવા જ જોઈએ પણ તે સાથે પરિશ્રમપૂર્વક અન્ય સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. વ્યવસ્થિત વાંચન અને ચિંતન-મનન આપણા મનમાં ચાલતા જ હોવા જોઈએ. આ જગત અને જીવન અનેક આશ્ચર્યો અને વિસ્મયોથી ભરેલું છે. હૈયું જો સહાનુભૂતિ સમભાવ અને પ્રેમથી પરિપૂર્ણ હોય, આખી દુનિયાનું અને માણસોનું નિરીક્ષણ કરવા આંખ જો ખુલ્લી હોય તો બીજાનાં સુખદુ:ખ આનંદ, વ્યથા, સંતોષ, સંતાપ, ધન્યતા, વિષાદ સમજી શકાય અને એના વિશે લખી શકાય. અનુભવોનું વૈવિધ્ય અને વિશાળતા લેખકની આંતરસમૃદ્ધિ છે. લેખકની સમજ અને જીવનને અખિલાઈપૂર્વક જોવાની દષ્ટિ કૃતિને મૂલ્યવાન બનાવે છે. જીવનની હરકોઈ બાજુનું સજીવ રીતે નિરૂપણ કરવાની કલા અને દષ્ટિ હોવાં જોઈએ. તમે તમારી સાહિત્યકૃતિમાં જીવનનું કોઈ રહસ્ય જે બહુ પરિચિત ન હોય એ દર્શાવ્યું હોય અથવા તો જીવનના કોઈ રહસ્યનું સાવ નવીન રીતે પ્રગટીકરણ કર્યું હોય તો વાચક સાનંદાશ્ચર્યચકિત થઈ જાય છે. તમે જે કંઈ લખો એ આધારભૂત હોવું જોઈએ. જે કંઈ જોયું, જાણ્યું-માણ્યું, અનુભવ્યું એનું નૈસર્ગિક રીતે કશા પ્રયાસ વિના કલાની સભાનતા વિના અનાયાસ ગોઠવાયેલું હોવું જોઈએ.

પુરુષાર્થ અને મહાવરાથી વાર્તાલેખનની હથોટી કેળવી શકાય છે. લેખક પાસે જ્યારે કોઈ સરસ વિષય ન હોય ત્યારે ટેકનીકની મદદથી એ સાહિત્યસ્વરૂપ સર્જવા પ્રયત્ન કરે છે. ટેકનીક સર્જકના સંવેદનનો એક અંશ છે કથનકલામાં – વાર્તાની માંડણી ક્રમબદ્ધ – આદિ મધ્ય અને અંત સુરેખ તથા તાર્કિક હોવાં જોઈએ. કલાકારનું તાટસ્થ્ય એટલે કે ભલે એ વિષયવસ્તુ સાથે તાદાત્મય સાધે પણ કહેતી વખતે લાગણીમાં તણાઈ જવો ન જોઈએ. વાર્તાના બધા ઘટકતત્વોનો સમતોલ સપ્રમાણ સમન્વય થવો જોઈએ. સંવાદો સચોટ અને પાત્રના અંતરંગ કે ઊંડા માનસને પ્રગટ કરતા હોવા જોઈએ.

મિત્રો, ભીતરમાંથી લખવાની પ્રેરણા જાગે, હાથમાં કલમ પકડાય અને જે રચાતું જાય છે એ પંડિતોએ ઠરાવેલા શાસ્ત્રીય નિયમ મુજબ આકાર લેતું જાય છે કે નહિ એવી મૂંઝવણમાં પડશો નહિ. લખ્યા પછી તમે જાતે જ એ વાંચો – તમારી પર ‘ટોટલ ઈફેક્ટ’ શું પડે છે, એ કેટલો સમય રહે છે એ જુઓ, અને લખતા જ રહો…. લખતા જ રહો… લખતા-લખતા લેખક બની જવાય છે. આભાર.

લિ.
અવંતિકા ગુણવંત
‘શાશ્વત’, કે.એમ. જૈન ઉપાશ્રય સામે, ઑપેરા સોસાયટીની બાજુમાં, પાલડી. અમદાવાદ-380007. ફોન : +91 79 26612505
.

[3] કથાબીજની વૈવિધ્યતાનો સંગમ – જૉસેફ મૅકવાન

સૌને સ્નેહાર્દ્ર પ્રણામ. દેશ-પરદેશમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વધારવા માટે થઈ રહેલા આ સ્તુત્ય પુરુષાર્થને સાધુવાદ ! બધી વાર્તાઓ સાદ્યંત વાંચી. કેટલીક માણી. 19 થી લઈને 51 વર્ષની અવસ્થાવાળાએ હરખભેર ભાગ લીધો એ સ્પર્ધાની સફળતા છે.

આ વાર્તાઓનાં કથાબીજ કે વિષયો પરંપારિત ગુજરાતી વાર્તાના અનુસરણથી માંડી આધુનિક અને પ્રયોગશીલ લેખાય એવા રહ્યા છે. પ્રાધાન્ય રહ્યું છે ‘પ્રેમ’નું. આ સનાતન ‘પ્રેમતત્વ’ ને વિવિધ લેખકોએ વિવિધ રીતે બહેલાવ્યું છે. એમાં સખ્ય, દામ્પત્ય, હૃદયભંગ, વિશ્વાસઘાત સહિત દેશી-વિદેશી રંગછટા આવિષ્કાર પામી છે. વાર્તાકારોના એકંદર અભિગમનું ઉજ્જવળ પાસું ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા રહ્યું છે એ આપણા માટે ગૌરવપ્રદ ગણાય. ક્યાંય હતાશા નથી, નિર્વેદ નથી. અલબત્ત, કલાગમના અણસાર ભિન્ન હોઈ શકે, પણ મોટાભાગની કૃતિઓ માણસ હોવાની સભાનતા સાથે, માણસાઈના જતન સાથે લખાઈ છે. છતાં કહું કે કેટલીક કથાઓ જો ઝાઝી માવજતથી લખાઈ હોત તો એ ઉત્તમ ઠરી રહેત. મારો આનંદ એ છે કે 35થી ઓછા અંક એકને પણ નથી મળ્યા. એ રીતે આ સંધીય વાર્તાઓ – વાર્તા તો બને જ છે. હા, ભાષાની કચાશ, ગુંથણીની શિથિલતા, કલાનો અભાવ, વર્ણનપ્રાચુર્ય અને દુર્વ્હ લંબાણથી ઘણી વાર્તાઓ બોઝીલ બની ગઈ છે. છતાં સૌ લેખકમિત્રોને હેતભીનાં અભિવાદન.

લિ.
જૉસેફ મૅકવાન
‘ચન્દ્રનિલય’, સૂર્યનગર સોસાયટી, ઝેવિયર્સ રોડ, આણંદ-388001. ફોન : +91 2692 254486.