દેવભૂમિનું દૈવી પુષ્પ બ્રહ્મકમળ – કેતન બારિયા

[‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ-2008માંથી સાભાર.]

bharamkamal

મને ખરેખર આશ્ચર્ય થયું. જ્યારે મને સમાચારપત્ર દ્વારા જાણવા મળ્યું કે ગણદેવી તાલુકાના ઈચ્છાપુર ગામે શ્રી હર્ષદભાઈ લાલભાઈ નાયકને ત્યાં શ્રાવણ મહિનામાં બ્રહ્મકમળ ખીલે છે. હું બહુ ધાર્મિક તો નથી. પણ પ્રકૃતિનો અભ્યાસી છું. આથી મને ખૂબ જ નવાઈ લાગી, કારણ કે હું જાણું છું કે બ્રહ્મકમળ બહુ જ પ્રાચીન સમયથી હિમાલયની પર્વતીય ઘાટીમાં ગંગોત્રી-યમનોત્રી અને બદરીકેદારનાથના રસ્તે આવેલી ‘વેલી ઑફ ફલાવર’માં અને ‘ચિનાયઘાટી’માં એ લગભગ 3000 મીટરથી 4000 મીટર એટલે કે 10,000 થી 12,000 ફૂટની ઊંચાઈ ઉપર જ થાય છે. અને તે ટ્રી-લાઈનની નીચેના દાયરામાં ખીલે છે. આ વર્ષના મારા એન્યુઅલ પ્લાનરમાં નોંધ લખેલી હતી કે ‘ફૂલો ખીલતાં, હર્ષદભાઈને ત્યાં નજરે જોવું.’ પત્ર લખતાં હર્ષદભાઈનો જવાબ આવ્યો કે ‘બ્રહ્મકમળ ખીલેલાં છે. તરત પધારો.’ અને હું તરત ગયો. હર્ષદભાઈ તેમનાં માતુશ્રી તથા બે-ત્રણ ભાઈભાભીઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. ખૂબ જ પ્રેમાળ અને ઉમદા કુટુંબ છે. પહોંચતાં જ પ્રેમસભર આવકાર આપ્યો અને એમના ઘરની પાછળના વાડામાં જ્યાં બ્રહ્મકમળ ખીલ્યાં હતાં ત્યાં દોરી ગયા. મારા પહોંચવાની આગળની રાત્રિએ એક જ કૂંડામાં સાત બ્રહ્મકમળ ખીલેલાં. એક આજ રાત્રે ખીલવાનું હતું. જાણે મારી રાહ જોતું હોય એમ એ છેલ્લું જ બ્રહ્મકમળ ખીલવાનું બાકી હતું.

મારી અભ્યાસપોથી કાઢી વિગતો લખવાનું શરૂ કર્યું. બ્રહ્મકમળનો છોડ લગભગ 7 ફૂટ જેટલો ઊંચો હતો. તેનાં પાન એકથી દોઢ ફૂટ લાંબાં કંગરાળી ખાંચવાળાં અને ભેજ સંગ્રહી શકે એવાં જાડાં. પાંદડાંની વચ્ચેની જાડી નસ જેવી દાંડી સાથે એકાદ ફૂટ નીચે, આપણી આંગળી જેટલી જાડાઈ હશે. ફૂલ ધરતીને સમાંતર લટકતું હતું. શ્રી હર્ષદભાઈના કહ્યા મુજબ પાનના ખાંચામાં સૌપ્રથમ મગના દાણા જેટલી કળીનો પ્રથમ અંકુર ફૂટે છે. પછીના 15-20 દિવસમાં દાંડી અને ફૂલ વિકાસ પામે છે. પૂર્ણકળી સ્વરૂપ થતાં જ લગભગ રાત્રે આઠ વાગતાં કળી ખૂલવા માંડે છે. કળીની બાજુ પરથી ગુલાબી પાંખડીઓ ધીરે ધીરે ઉપર ઊઠવા માંડે છે.

અમે હર્ષદભાઈના કુટુંબ સાથે જમતાં જમતાં બ્રહ્મકમળ વિશે વાતો કરતાં રહ્યાં. એમને ઘરની આંબાવાડી હોય અને દેસાઈ લોકો કેરીના રસના શોખીન, તેથી તેઓ કાચની બાટલીમાં હાફૂસ કેરીના રસને પ્રિઝર્વ કરી, આખું વર્ષ કેરીનો રસ ભોજન સાથે મજાથી ઉડાવતા રહેતા હોય છે. એમનાં ધર્મપત્ની મને અને મારાં પત્નીને આગ્રહ કરી કરી ખૂબ રસ આપતાં ગયાં અને પ્રેમથી જમાડતાં હતાં.

હું જમી પરવારી ફરી બ્રહ્મકમળના પુષ્પ પાસે રાત્રિના 10 વાગ્યે ખુરશી લઈને બેઠો અને નોંધ લખવા માંડ્યો. ફૂલ વચ્ચેથી હવે જરા ઊઘડ્યું હતું અને તેમાંથી મનમોહક સુગંધ થોડી થોડી આવતી હતી. શ્રી હર્ષદભાઈનાં માતુશ્રીએ હરિદ્વાર, શાંતિકુંજમાંથી આ છોડ લાવી ઉછેરેલો અને હિમાલયની ધુમ્મસભરી ઊંચાઈ પર ખીલતો છોડ દક્ષિણ ગુજરાતની આબોહવામાં ખીલ્યો હતો. આ ફૂલના છોડનાં પાંદડાં રોપતાં છોડ ઊગે છે. ફૂલના છોડવાઓ ઉપર આંબો, રામફળ, સીતાફળનાં વૃક્ષોનો ચંદરવો હતો. તેમનાં માતુશ્રી રોજ પાણી નાખતાં. ઈ.સ. 2002 પછીનાં બેત્રણ વરસ પછી દરેક શ્રાવણીમાં અને અંગ્રેજી ઓગસ્ટ મહિનાની મધ્યમાં દર વર્ષે પાંચ, સાત, નવની સંખ્યામાં ફૂલો ખીલતાં હતાં. આ પ્રજાતિ દર વર્ષે ફૂલો ખીલવે છે. જ્યારે ‘વેલી ઑફ ફલાવર્સ’માં અન્ય બ્રહ્મકમળ પ્રજાતિ એક વર્ષે, પાંચ વર્ષે અને કેટલીક બાર વર્ષે ફૂલો આપે છે.

અમે બેઠાં બેઠાં ફૂલનું બારીકાઈથી અવલોકન કરતાં રહ્યાં. 11 વાગ્યે ફૂલની કળી થોડી વધારે ઊઘડી. તેની અંદરનાં પુંકેસર હવે વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યાં. ફૂલની દૂધ જેવી શ્વેત પાંખડીઓ ધીરે ધીરે વધારે ને વધારે ઊઘડતી જતી હતી. મધ્યરાત્રિએ ફૂલની બધી જ પાંખડીઓ ખૂલી ગઈ. શુભ્રોજ્જ્વલ શ્વેત રંગની અદ્દભુત છટા હતી. સફેદ રંગ પણ આટલો સુંદર દેખાઈ શકે છે ! તેમાંથી સુગંધ પણ હવે ચોમેર પ્રસરવા લાગી હતી. ફૂલના કેન્દ્રમાં એક પુષ્પદંડ દેખાતો હતો. તેના છેડા પર ચમેલીનાં ફૂલ જેવી રચના હતી અને તેની ચો-ફરતે પીળાં પુંકેસરો હતાં. હવે પૂર્ણ વિકસિત ફૂલની શોભા અનુપમ હતી. દેખાવમાં આપણે ત્યાંના સફેદ કમળ જેવો જ આકાર હતો. આથી જ તેને ‘બ્રહ્મકમળ’ કહેવામાં આવે છે. તેનું અંગ્રેજી વૈજ્ઞાનિક નામ Saussurea obvallata છે. વહેલી સવારના ત્રણચાર વાગ્યા સુધી તે ખીલેલું રહે છે અને પછી કરમાઈ જઈ નીચેની તરફ પુષ્પદાંડી પર લટકી પડે છે. આ ફૂલ શા માટે એક જ રાત માટે ખીલે છે ? અને પછી કરમાઈ જાય છે. એ કઈ જાતિનાં ફૂદાં, પતંગિયાં, મધમાખી, નિશાચર પંખી કે પછી કીટક દ્વારા પોલિનેટ થાય છે ? એ હજી રહસ્ય જ છે ! એ સંશોધનનો વિષય છે. આવી વિશિષ્ટતા અને નોખી ખાસિયતને લીધે આ ફૂલ પ્રજાતિ દુર્લભ ગણવામાં આવે છે. અનોખી વિશિષ્ટતા, રૂપ, રંગ, કદ, આકાર રચનાવાળી અને મોહક સુગંધવાળી આ પ્રજાતિ તેની અસાધારણતાને લીધે પુષ્પ પ્રજાતિમાં અનોખી છે.

હું એકલો બેઠો છું. બધા સૂઈ ગયા છે. હું વિચારું છું કે પ્રથમ વાર મને આ બ્રહ્મકમળ વિશે ઈ.સ. 1995ના ઓગસ્ટમાં જાણવા મળેલું. એ વખતની આ વાત છે. હું બસમાં હૃષીકેશથી જોશીમઠ ગયો હતો. વહેલી સવારે નિત્યક્રમથી પરવારી જમવાનું પેક કરી હું હિમાલિયન ટ્રેક પર નીકળી પડેલો. અલકનંદા ઘાટીમાં વરસાદ પડી રહ્યો હતો. ઊછળતી કૂદતી અલકનંદાનાં ફીણવાળાં ઊફળતાં પાણી પરનો લાકડાનો પુલ વટાવી આગળ વધ્યો. વરસાદ અને ધુમ્મસભર્યા ભેજના પરદાની પેલે પારના પહાડો ધૂંધળા અને ઝાંખા ચિત્ર સમા લાગતા હતા. એક કલાકના ટ્રેક પછી હું ગોવિંદઘાટ પહોંચ્યો હતો. અહીંથી વેલી ઑફ ફલાવર 14 કિ.મી.ના પગ રસ્તે હતી. થોડા શીખ યાત્રાળુઓ અને દિલ્હીથી આવેલાં છોકરા-છોકરીઓની ટીમ સાથે હું ભ્યુંદર નદી જતો હતો. મોર્ડન છોકરીઓ ખૂબ જ મસ્તીભર્યો શોરબકોર કરતી હતી. ને કેટલાંય પર્વતીય ઝરણાંઓ નિર્મળ સ્વચ્છ જળ લઈને ઉપરથી ઊતરી આવી આ ઘાટીમાં થઈને નીચેની તરફ વહેતાં જતાં હતાં. 11 કિ.મી. પછી ધાંધરિયા ગામ આવે છે. ઉપરથી આવતી પુષ્પવતી નદી સાથે લક્ષ્મણગંગા નદીનો સંગમ થાય છે. અહીં લક્ષ્મણજતીનું એક મંદિર પણ છે. તેનાથી આગળ જતાં કાકભુશુંડી નદી અને ભ્યુંદર નદીના સંગમ પર એક અજાણ્યું ગામ આવે છે. આગળ ઉપર જતાં સતત લીલા રેડ રેહોડોડેન્ડ્રોન (લાલ બુરાંશ)નાં અને દેવદારનાં જંગલો આવે છે. રસ્તામાં ઠેરઠેર જંગલી ગુલાબો ખીલેલાં નજરે ચઢે છે. લાકડાનો પુલ વટાવતાં જ જમણી તરફના રસ્તેથી ફૂલોની ઘાટી તરફ જવાય છે. તે વખતે સાંજ પડી જતાં ત્યાંના ડાકબંગલામાં રાત્રિરોકાણ પછી વહેલી સવારે ઘાટીના પગરસ્તે નીકળી જાઉં છું. વરસાદ અને બરફને લીધે રસ્તો કાદવવાળો, લપસણો બની ગયો હતો. વરસાદ બુંદ બુંદ ટપકી રહ્યો હતો. નદીનું પાણી ધસમસતું, ગર્જના કરતું નીચેની તરફ જોશભેર વહેતું હતું.

ઘાટી ધુમ્મસથી ઘેરાયેલી તદ્દન અદશ્ય હતી. જાણે અહીંથી આગળ આકાશ સુધી કંઈ જ નથી. આગળ કશું જ દેખાતું નહોતું. ધુમ્મસભર્યા વાદળોની વચ્ચેથી અમે બધા જતા હતા. જાણે આખું આકાશ ઝૂકીને નીચે અમારાં ચરણોમાં આવી ગયું હતું. હિમાલય પર્વતમાળા જેટલી સુંદર પર્વતમાળા દુનિયામાં બીજે ક્યાંય નથી. અમે ઉપરની તરફ જતા હતા. લગભગ ઊંચાઈ 10,000 ફૂટથી વધારે હતી. હવા બરફ જેવી ઠંડી બનીને શરીરસોંસરવી હાડકાં થિજાવતી વહેતી હતી. ધુમ્મસિયો રસ્તો વટાવી થોડું આગળ જતાં જ અચાનક ધુમ્મસ ઊડી ગયું. હવામાન પલટાઈ ગયું અને સોનેરી તડકામાં ચારેકોરનું દશ્ય ઊઘડી ગયું. તડકાએ ઘાટીનાં પર્વતીય દ્વાર અમારા માટે ઉઘાડી દીધાં. અમારા આશ્ચર્ય વચ્ચે ફૂલોની ઘાટીએ અમારા સ્વાગત માટે ફૂલોભરી હરિયાળી જાજમ બિછાવી દીધી હતી. ઘાટીની બન્ને તરફ પહાડો જાણે પહેરેદાર સંત્રીની જેમ ઉભડક રક્ષક બની ઊભા હતા. જેવા ઘાટીમાં આવ્યા, છોકરા-છોકરીઓનો ઘોંઘાટ તદ્દન બંધ થઈ ગયો. હવા ઠંડી મોહક સુગંધવાળી હતી. ચોમેર પતંગિયાં, મધમાખીઓ ઊડતી હતી. ઘાટી જોતાં જ બધા અવાક બની ગયા હતા. ત્યારે જ મને ખબર પડી કે મસ્તીખોર છોકરીઓ અચાનક ચૂપ કેમ થઈ ગઈ હતી ? પહેલાં તો મને ચોતરફ ફેલાયેલું લીલુંછમ ઘાસ અને રસ્તામાં જેમ તેમ પડેલા ઉઘાડા પથ્થરો, ખડકો સિવાય કંઈ જ દેખાયું નહોતું. પછી તત્ક્ષણ પુષ્પોનાં દર્શન થયાં. ઘાસભરી હરિયાળીમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ચોમેર ઘાટીમાં રંગબેરંગી ફૂલો ખીલેલાં હતાં. ફૂલોની તાજી ખુશ્બૂ પવન સાથે મંદમંદ વહેતી હતી. ભાતભાતનાં ને જાતજાતનાં વિવિધરંગી અસંખ્ય પુષ્પો, વેલાઓ, છોડવાઓ, ફર્ન, ઓર્કિડ અહીંની દરેક દિશામાં ખીલેલાં હતાં. જાણે દેવતાઓનું સ્વર્ગ નંદનવન. દશ્યથી મંત્રમુગ્ધ થયેલો હું જાણે બરફ આચ્છાદિત પર્વતીય શિખરોની વચ્ચે ખીલેલા આ બાગને જોઈને જાણે કોઈ પરીલોકના બગીચામાં આવી પડ્યો હોઉં એમ લાગતું હતું, સનકુલસ, મેરીગોલ્ડ, પર્પલ જેરેનિયમ, વાઈલ્ડ રોઝ, બ્લુપોપી, રેડપોટેન્ટિલા અને બીજાં અસંખ્ય ઉગેલાં ફૂલોમાં બ્રહ્મકમળ પણ ઠેર ઠેર ખીલેલાં દેખાતાં હતાં. આ વેલીમાં ત્યારે પ્રથમ વાર મને બ્રહ્મકમળનાં દર્શન થયેલાં. અહીંની વેલીમાં બ્રહ્મકમળ સહિત અન્ય 1000થી પણ અધિક પુષ્પ પ્રજાતિના છોડવાઓ છે.

આ ઘાટીમાં પિકનિક મનાવવાવાળા સહેલાણીઓ, હનીમૂનવાળાં વિવાહિત જોડાંઓ, પોપ મ્યુઝિક વૉકમેન પહેરી સાંભળતા સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ અને ઉચ્છૃંખલ છોકરા-છોકરીઓ દ્વારા બ્રહ્મકમળને અંધાધૂંધ તોડી લેવામાં આવે છે. મનાઈ હોવા છતાં સ્મૃતિ માટે લઈ જાય છે. આસપાસના વિસ્તારમાં શિવમંદિરો અને બદરીકેદારનાથનાં પ્રસિદ્ધ મંદિરમાં શિવજીને આ ફૂલો ચઢાવવામાં અને પ્રસાદીમાં અર્પિત થતાં હોઈ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો જથ્થાબંધ તોડી મામૂલી કિંમતે વેચી દે છે. અહીં પહાડોમાં સ્થાનિક જનસંખ્યામાં વધારો થવાને લીધે હાલ બ્રહ્મકમળ પ્રજાતિ ખતરામાં આવી પડી છે. ફૂલોની ઘાટીનું આ સર્વશ્રેષ્ઠ ફૂલ ગણવામાં આવે છે અને તે ઉત્તરાખંડનું રાજ્યપ્રતીક-ફૂલ સ્થાપિત થયેલું છે.

આ ‘વેલી ઑફ ફલાવર’ 85.5 કિ.મી.માં ફેલાયેલી છે. તેની ઊંચાઈ 3500 મી છે. ચારેકોર ઊંચાં બરફીલાં પર્વતીય શિખરોથી ઘેરાયેલી 10 ચો. કિ.મીના ઘેરાવામાં પૂર્વથી પશ્ચિમ દિશામાં પથરાયેલી છે. સ્વયં બ્રહ્માજીએ આવી આની રચના કરી હોય એમ લાગે છે. હિમાલયમાં માત્ર એક રાત પૂરતું ખીલતું આ પુષ્પ સદીઓથી વિપુલ પ્રમાણમાં ખીલતું આવતું હતું. પૌરાણિક, ધાર્મિક આસ્થાની માન્યતાવાળું આ દુર્લભ પ્રકારનું પુષ્પ આજે વિલુપ્તિના આરે આવી ગયું છે. રાજ્યનું પ્રતીક પુષ્પ હોવા છતાં રાજ્ય સરકાર ઉત્તરાખંડ દ્વારા તેની જાળવણી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. એક જ રાત્રિ માટે ખીલતા આ પુષ્પનું દર્શન દુર્લભ માનવામાં આવે છે અને તેમાં ભાગ્યશાળીને જ દર્શન થાય છે એમ પુરાણાં શાસ્ત્રોમાં લખેલું છે. અંગ્રેજોના ગયા પછી હવે આ ફૂલને બચાવવાવાળું કોઈ રહ્યું નથી. આવતાં થોડાંક વર્ષોમાં જ આ ફૂલ નષ્ટ થઈ જશે એમાં કોઈ શંકા નથી.

આ ફૂલોની વિગત અહીંના સ્થાનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થઈ હોવા છતાં હર્ષદભાઈના કહેવા મુજબ કોઈ વનસ્પતિશાસ્ત્રી કે બાયોલોજીના વિદ્યાર્થી કે પછી કોઈ પ્રકૃતિવિદ્ કે કોઈ પ્રકૃતિ શિબિરના અભ્યાસુ ભાઈઓએ હર્ષદભાઈને ત્યાં આવી આ ફૂલનાં દર્શન કર્યાં નથી કે તેનું નિરીક્ષણ કર્યું નથી. આવા વિષયો પ્રત્યે હંમેશાં આપણે દુર્લક્ષ્ય સેવતા આવીએ છીએ તેનો વસવસો કરી હું આ બ્રહ્મકમળ જેવા વિશિષ્ટ ફૂલને ખીલેલાં નજરે નિહાળી હર્ષદભાઈનો આભાર માની ઘર તરફ હંકારી ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તા-સ્પર્ધા : 2008 પરિણામ – તંત્રી
પારકી થાપણ – રેખા સિંધલ Next »   

15 પ્રતિભાવો : દેવભૂમિનું દૈવી પુષ્પ બ્રહ્મકમળ – કેતન બારિયા

 1. Rekha Sindhal says:

  Beautiful.

 2. nayan panchal says:

  સરસ લેખ. નવી માહીતી આપવા બદલ આભાર.

  નયન

 3. Niraj says:

  Good timely informative article. If the flower can be grown in Gujarat at one place then try should be made to replicate the same.
  Thanks to author for picking nice subject…

 4. Maharshi says:

  ખુબ ખુબ સરસ આલેખન.. આવા વિષયો પ્રત્યે હંમેશાં આપણે દુર્લક્ષ્ય સેવતા આવીએ છીએ તે વાત જાણી પિડા થઇ.

 5. pragnaju says:

  બ્રહ્મકમળનાં દર્શન તથા વિગત માટે ધન્યવાદ
  ડાંગના જંગલમાં રુદ્રાક્ષ તથા બીજી અણમોલ વનસ્પતીઓની પણ માહિતી આપતાં રહેશો

 6. ભાવના શુક્લ says:

  નૂતન પ્રકારની ખુબ સરસ માહીતી આપતો લેખ બહુ ગમ્યો વાચવો. કેતનભાઈનો સચિત્ર માહીતી બદલ આભાર માનવોજ રહ્યો..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.