પારકી થાપણ – રેખા સિંધલ

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2008’માં દ્વિતિય પુરસ્કાર પ્રાપ્ત કરેલ આ વાર્તા માટે લેખિકા શ્રીમતી રેખાબેનને (ટેનેસી, અમેરિકા) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે rekhasindhal@comcast.net અથવા +1 6152608794 પર સંપર્ક કરી શકો છો.]

પપ્પાની તબિયત સારી નથી અને ડોકટરે જેને મળવુ હોય તેને બોલાવી લેવાનુ કહ્યું છે. તે જાણ્યા પછી સ્નેહા એક પળના પણ વિલંબ વગર તૈયાર થવા લાગી. હજુ બે મહીના પહેલાં જ તેમની સાથે દર વર્ષની જેમ છ અઠવાડીયા રોકાઈ હતી. ત્યારે તો ખુબ આનંદથી હરતાં ફરતાં હતાં. અચાનક જ ખબર પડી કે પેન્ક્રીયાસમાં કેન્સર ફેલાયેલું છે વધુમાં વધુ બે અઠવાડીયા તેઓ જીવશે પણ બે દિવસમાં પણ ગમે તે બની શકે માટે વિદાયની તૈયારી કરવી એમ જાણ્યા પછી મૃત્યુ જ્યારે કહીને આવે છે ત્યારે કેટલો વિષાદ અને કરુણા છવાઈ જાય છે તેનો અનુભવ સ્નેહાને રડાવી ગયો. છેલ્લે ગઈ ત્યારે તો ઉલ્ટાનું પપ્પા સ્નેહાની તબિયતની ચિંતા કરતા હતા કે તારા નખ કેમ ફિક્કાં પડી ગયા છે ? બીજાની આટલી કાળજી રાખનારા પપ્પાને પોતાનો ખ્યાલ કેમ વહેલો ન આવ્યો ? જો કે સ્નેહાને તેઓ ઘણા નબળા જણાયા હતા પણ ઉંમરનું કારણ કહીને એમણે વાત ટાળી દીધી હતી.

સ્નેહા અને તેનો પતિ નિહાલ ઝટપટ બધુ આટોપીને બરોડાથી જુનાગઢ જવા રવાના થયા. નાના ભાઈ તપન સાથે ફોનમાં વાત થયા મુજબ એ લોકો પણ અમદાવાદથી નીકળી ચૂક્યા હતા. તપન મમ્મી-પપ્પાની ઘણી કાળજી રાખતો. તેની પત્ની પૂજા પણ પ્રેમાળ અને સંસ્કારી. બંનેએ એમને પોતાની સાથે રહેવા માટે કેટલીય વાર કહ્યુ હતું. પણ તેઓને પોતાના મૂળ ઘરની માયા ઘણી વધારે હતી. ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢમાં શાંત અને રમણીય સ્થળે એમનો બંગલો હતો. આત્મીય સંબંધો અને પરિચિત લોકો વચ્ચે પસાર થતા સમયનો આનંદ હતો. સ્નેહા તથા તપન પરિવાર સાથે ઘણીવાર વેકેશન ગાળવા આવતા રહેતા. ક્યારેક બંને સાથે આવતા તો ક્યારેક વારાફરથી. પૌત્રો અને પૌત્રીઓના કિલ્લોલથી ઘર ભરાઈ રહેતુ. એમનું સંતોષી જીવન સમૃદ્ધ થઈ જતું. આર્થિક સમૃદ્ધિ પણ સારી હતી.

રસ્તામાં પપ્પા સાથેના અનેક પ્રસંગો સ્નેહાના માનસપટ પરથી પસાર થતા રહ્યા. એકવાર તપન સાથે વિડિયો ગેઈમ માટે ઝગડો થયો હતો ત્યારે છોકરાઓ માટેની રમત ગણી મમ્મીએ તપનનો પક્ષ લીધો હતો જ્યારે પપ્પાએ પોતાનો પક્ષ લઈ ગેઈમ અપાવી હતી એટલુ જ નહી પરંતુ મમ્મીને દીકરા અને દીકરીમાં ભેદભાવ ન રાખવા ટકોર પણ કરી હતી. સ્નેહાને બાસ્કેટબોલમાં ઘણો રસ અને જેવી તે રમવા જવા તૈયાર થાય એવી મમ્મી રસોઈ શીખવા પર ભાર મૂકયા વગર ન રહે ત્યારે પણ પપ્પા કહેતા કે રસોઈ શીખવા માટે તો જિંદગી આખી પડી છે, આ ઉંમર ખેલવા કૂદવાની છે તેને જવા દે. મમ્મી ચિઢાતી કે તમારા લાડ એને સાસરે જશે ત્યારે ભારે પડશે બહુ મોઢે ન ચઢાવો. પપ્પા હસીને કહેતા મારો વ્હાલનો દરિયો જ્યાં જશે ત્યાં વ્હાલ વરસાવશે તું એની ચિંતા ન કર. બંને ભાઈ-બહેનને ઘરે એકલા મૂકીને મમ્મી પપ્પા બહાર જાય ત્યારે પણ પપ્પા તપનને બહેનનું ધ્યાન રાખવા કહેતા અને મમ્મીને એ જરાયે ન ગમે. તરત કહેશે તું મોટી છો જરા ભાઈને જમાડી દેજે જો જે એ ભુખ્યો ન રહે. સ્નેહા મોટી છે એ કરતાં ય એક સ્ત્રી છે તેની યાદ મમ્મી વધારે અપાવતી પણ પપ્પાના વિચારો ઘણા આધુનિક. ઈન્દીરા ગાંધીના ખૂબ પ્રશંસક. બંને ભાઈ-બહેનને વિકાસની શક્ય એટલી તમામ તકો એમણે પૂરી પાડી હતી અને એમને કારણે જ તો આજે તેઓ બન્ને સ્વનિર્ભર અને સુખી છે તેવું તે ચોકકસપણે માનતી હતી.

સ્નેહા સ્ત્રીરોગની નિષ્ણાત થઈ હતી અને તેનો પતિ નિહાલ બાળરોગનો નિષ્ણાત. તપન કોમપ્યુટર નિષ્ણાત હતો અને તેની પત્ની પૂજા કોલેજમાં ઈકોનોમિક્સની પ્રોફેસર. બંનેનાં બાળકો પણ તેજસ્વી હતાં. મમ્મી-પપ્પાનો સ્નેહ બધા પર વરસ્યા કરતો હતો. પૂજાને મમ્મી-પપ્પા તરફથી સાડીની ભેટ મળે તો સ્નેહા માટે પણ લેવાય જ અને સ્નેહા માટે દાગીનો લેવાય ત્યારે પૂજાને પણ અચૂક એટલું મળે જ. પરણ્યા પછી સ્નેહા પરાઈ થઈ છે તેવું તેને ક્યારેય લાગ્યું નહોતું. હા, એટલું ખરું કે તપનની જેમ એ મમ્મી-પપ્પાને પોતાને ત્યાં રહેવા આવવાનું બહુ કહી શકતી નહીં કારણ કે નિહાલના મમ્મી-પપ્પા તેમની સાથે રહેતા હતા અને વળી સંતાનમાં નિહાલ એક જ હતો. જો કે તો પણ ખુદ નિહાલ પણ કહેતો કે બે ને બદલે ચાર મા-બાપ સાથે રહેવાનું તો ભાગ્યશાળીને મળે. તમે સાથે રહેશો તો અમારા બાળકોને બમણો પ્રેમ મળશે. તમારા વ્હાલના દરિયા પર તમારો પૂરો હક છે. આવું સાંભળી પપ્પાના ચહેરા પર રોશની છવાઈ જતી અને કહેતા કે ‘ભઈ દીકરી તો પારકી થાપણ એવું હશે તો તપન છે જ ને !’ કદાચ પૂજાના માબાપ પણ એને પારકી થાપણ માનીને એ એકની એક દીકરી હોવા છતાં અમદાવાદમાં જ પણ અલગ રહેતાં હતાં. શ્રીમંતાઈની કમી કોઈના ઘરમાં નહોતી. સૌ સંતોષથી રહેતા હતાં અને ફોન તથા ઈ-મેઈલથી સંપર્કમાં રહેતા હતાં.

કદાચ માણસ કુદરતથી દૂર થતો જાય છે તેથી કે કેમ પણ બધું બરાબર હોય તે કદાચ કુદરતને મંજૂર નથી હોતુ. સ્નેહાને હમણાંથી થાક બહુ લાગતો હતો. તેની નબળાઈની નોંધ પપ્પાએ તરત નખની ફિક્કાશમા વાંચી. મેનોપોઝને કારણે હોય કે કેમ પણ હમણાંથી તેનો મૂડ પણ ખૂબ બદલતો રહેતો હતો. મમ્મીના શબ્દો યાદ આવતા કે ‘રહેવા દો ! એને તમારા જેટલા લાડ કોણ કરશે?’ સાચે જ તેને એમ લાગતું કે કોઈને એની પડી નથી. એની માન્યતા સાવ સાચી તો નહોતી પણ સાવ ખોટી પણ નહોતી. સૌ પોતાના કામમાં વ્યસ્ત હતાં. નિહાલ અને તેના માબાપે ભૂતકાળમાં ગરીબાઈ ખુબ નજીકથી જોઈ હતી આથી પૈસાનું મૂલ્ય તેઓ ઘણું કરતા.અનાયાસે સ્નેહાને પણ એ ટેવ પડી હતી. તબિયત સારી ન હોય તો પણ ક્લીનીક પર ગયા વગર તો છૂટકો જ નહી એવી માન્યતા સાથે તે કામ કરતી રહેતી હતી. આથી જરૂરી આરામ કે સંભાળ લઈ શકાતી નહી. અને પોતાના વ્યવસાયિક જ્ઞાનનો આધાર દવાઓ થકી મેળવતી.

જુનાગઢ પહોંચતા તો સ્નેહા ખૂબ થાકી ગઈ હતી. પપ્પા વગરની જિંદગીની કલ્પના તેને હતાશા તરફ લઈ જતી હતી. પપ્પાને મળીને એનાથી રડી પડાયું. પછી થોડી સ્વસ્થ થઈને કહેવા લાગી, ‘પપ્પા,તમારી ખુશી માટે હું કંઈ જ કરી શકી નથી મને કહો કે હુ તમારા માટે શું કરુ?’ સ્નેહાને માથે હાથ મૂકી પપ્પા કહે, ‘બેટા, તેં તો મને સૌથી વધારે ખુશી આપી છે. સુખી થજે અને સુખી કરજે.’ આટલું કહેતામાં તો શ્વાસ ભારે થવા લાગ્યો અને ડોકટર આવ્યા ત્યાં સુધીમાં તો થંભી ગયો સદાને માટે. ભાઈ-બહેન માતાને ભેટીને ખુબ રડ્યા. અંતિમ ક્રિયાની તૈયારી કરવા તપન સ્વસ્થ થઈ કામે વળગ્યો અને સ્નેહાએ માતાને સંભાળી.

એક જિંદગી સમેટાઈ ગઈ અને એ કારણે જે અવકાશ સર્જાયો તે પતિપરાયણ પત્ની માટે તો શૂન્યાવકાશ હતો. અઠવાડિયું વીતી ગયું તપન અને પુજાએ પિતાની પ્રતિષ્ઠાને છાજે એ રીતે ક્રિયા-કર્મ કર્યા હતા. નિહાલ શક્ય તેટલુ ઉપયોગી થવાની કોશિશ કરતો હતો. બે દિવસ પહેલાં વકીલકાકા આવીને ગયા પછી સ્નેહાની તબિયત વધુ બગડી હતી. બાળકો સાથે પણ તે સરખી વાત નહોતી કરી શકતી. માતા-પુત્રી પોતપોતાના અલગ પ્રકારના દુ:ખમાં ડુબેલા હતા. એક્બીજાની ચિંતા એમાં ઉમેરો કરતી હતી. તપને વગર કહ્યે બધી જવાબદારી ઉપાડી લીધી હતી. અને પુજા સૌને શક્ય તેટલી સાંત્વના આપતી હતી. નિહાલ પણ સ્નેહાને હવે પપ્પા જે આપીને ગયા છે તેના સંતોષથી મનને સમજાવવા કહેતો. જે સ્નેહ આપ્યો તે અમૂલ્ય છે તો પણ જે નથી આપી શકયા તે ભૌતિક સમૃદ્ધિનું મૂલ્ય કેમ વિસરાતું નથી? એ પ્રશ્ન અજગરની માફક સ્નેહાને ભીંસતો હતો.

પપ્પાના આ સુંદર બંગલા ઉપરાંત બાપદાદાની વારસામાં મળેલી જમીન પણ હતી જે કાઢવાનો પ્રશ્ન જ ક્યારેય ઊભો થયો નહોતો. શેર પણ સારી સંખ્યામાં લીધેલા હતા. ઉપરાંત મમ્મીને એમના તરફથી ઘરેણાંની ભેટ-સોગાદો અવારનવાર મળ્યા કરતી. રોકડ સિલક વિષે તો મમ્મીને પણ ખબર ન હોય તો નવાઈ નહી. સ્નેહા મનોમન પોતાના અને પુજાના પિતાની સંપત્તિને સરખાવવા લાગી. પછી અચાનક રડવા લાગી. પપ્પા જતાં જ મન કેમ છટકવા લાગ્યુ છે ? ન કરવા હોય તે વિચારો જ કબજો લઈ લે છે. માસિકનો સમય થયો છે તેથી કે કેમ પણ માથું ભારે લાગે છે. પપ્પાની આરામ ખુરશી નજીકમાં જ હતી. બેસવા માટે એણે તે તરફ ડગ ભર્યા. તે ત્યાં પહોંચે તે પહેલાં જ અણજાણ્યે મમ્મીએ તે ખુરશી તપનને આપી બેસવા કહ્યુ. તપન હજુ હમણાં જ બહારથી આવેલો આથી સ્નેહા તરફ જોઈ મમ્મીએ તેને ભાઈ માટે પાણી લાવવા વિનંતિ કરી. અચાનક જ સ્નેહા રોષથી ભભુકી ઉઠી. પપ્પા નથી એટલે આ ઘરમાં હવે મારી બેસવાની ય જગ્યા નથી એમ ? અને તપન તો મારી સાથે વાત કરવાનું ય ટાળે છે તો કહેને હું તેને ક્યાં આડી આવું છું ? દુ:ખ અને જવાબદારીના બેવડા બોજથી થાકેલો તપન પણ ઉશ્કેરાઈ ગયો, ‘આડી તો નહીં, પણ સીધી પણ ક્યાં ચાલે છે ? હું અને મમ્મી તારાથી કેટલાં ડરીએ છીએ તે તું જાણે છે?’ ‘પપ્પા…પપ્પા… તમે ક્યાં છો ?’ એમ કહી રડતાં રડતાં તે ડૂસકાં ભરવાં લાગી. મમ્મીની કેટલીય વિનવણી પછી ઘણીવારે તે શાંત થઈ. બીજે દિવસે તેઓ નીકળવાના હતા પણ સ્નેહાની નાજુક સ્થિતિને કારણે બધાના કહેવાથી મુલતવી રાખ્યું. પછીના બે દિવસ તેણે પોતાના રૂમમાં પથારીમાં જ વધુ સમય ગાળ્યો.

મમ્મી પ્રત્યે સ્નેહાને ખુબ લાગણી થઈ આવતી. પોતે ગુસ્સે થઈ તેનો અફ્સોસ પણ તેને ખુબ થયો. છતાં મમ્મી રૂમમાં આવે ત્યારે તે આંખો બંધ કરીને પડી રહેતી. મમ્મી એના માથે હાથ ફેરવીને જતી રહેતી અને પછી તેના ગાલ પરથી આંસુના રેલા ઉતરતા અને એ મમ્મીના વિચાર કરતી રહેતી. મમ્મીએ માધ્યમિક શિક્ષણ પણ પૂરું નહોતું કર્યુ. મોટા સંયુક્ત કુંટુંબમાંથી તે આવતી હતી. જ્યાં સ્ત્રીઓનો મોટા ભાગનો સમય રસોડામાં જતો. અને બાકીના સમયમાં ભરત ગૂંથણનો શોખ કેળવાયો હતો. પરંપરાગત રૂઢિઓ અને માન્યતાઓનો વારસો જાળવવાનો તે પૂરો પ્રયત્ન કરતી. જ્યારે પપ્પાની વિચારસરણી બિલકુલ અલગ હતી અને નવા જમાના સાથે તાલ મિલાવવા તેઓ ખુલ્લા મનથી તત્પર રહેતા. મમ્મી રિસાય તો પપ્પા તેને આસાનીથી મનાવી લેતા. અને પપ્પા ગુસ્સે થાય તો મમ્મી તે જરાયે મન પર ન લે. આમ તેમની વચ્ચે મધુરતા જળવાઈ રહેતી. બાળકો માટે વિવાદ થાય ત્યારે પપ્પાનો નિર્ણય આખરી ગણાતો. મમ્મીને એ ક્યારેક ખૂંચતું પણ ખરૂ પરંતુ બંને બાળકોની પ્રગતિથી તે ખુશ હતી.

સ્નેહાએ થોડો વખત મમ્મી સાથે રહેવાનો વિચાર કર્યો જેથી મમ્મી તુરંત એકલી ન પડી જાય. સવારે નિહાલને એણે વાત કરી સાથે પોતાની તબિયત પણ સુધરશે એ આશા પણ આપી. નિહાલની તો કોઈ ચિંતા હતી જ નહી. આમે ય એના મમ્મી જ રસોડું સંભાળતા હતા. નિહાલે જ્યારે કહ્યું કે તારા મમ્મી તો તપન સાથે અમદાવાદ જવાના છે ત્યારે તે સડક થઈ ગઈ. મને કેમ કોઈ વાત પણ કરતું નથી ? એમ કહી તે રડવા લાગી. નિહાલે તેને આલિંગનમાં લઈ સમજાવા પ્રયત્ન કર્યો કે તારી તબિયતને કારણે તને વિક્ષેપ નથી કરી, તું રૂમમાંથી બહાર નીકળે તો વાત કરે ને ? નિહાલને એણે દૂર કર્યો અત્યારે તેને પપ્પાના આલિંગનની જરૂર વધારે જણાઈ. મમ્મી સાથે હવે પહેલાંની જેમ મિજાજ કરવો યોગ્ય નથી એ સમજણ સાથે તે રૂમમાં બધું વ્યવસ્થિત કરવા લાગી. આ રૂમ પરથી તેનો અધિકાર જવામાં છે તેની જાણ સ્નેહાને જેટલી મોડી થાય તેટલું સારૂં એમ ઈચ્છી નિહાલ ફક્ત એટલું જ બોલ્યો કે આપણે હવે અહીંથી વહેલી તકે નીકળવું જોઈએ. સ્નેહા પણ એ જ વિચારતી હતી. પૂજા બે દિવસ પહેલાં જ નીકળી ગઈ હતી. તેની સાથે બધાં બાળકો પણ ગયા હતાં. નિહાલ સ્નેહાની તબિયત ખાતર રોકાયો હતો અને બરોડા પાછા જતાં રસ્તામાં અમદાવાદથી બાળકોને લેતાં જવા એવું નક્કી થયું હતું. ‘હું નાહી ધોઈને તૈયાર થઈને નીચે આવું પછી જમીને નીકળીએ’ બાથરૂમમાં જતાં જતાં સ્નેહાએ કહ્યું, ‘અને મમ્મીને કહેજે મને ડીસ્ટર્બ ન કરે. હું કલાકમાં નીચે ઉતરૂ છું.’

બે માળના બંગલામાં ત્રણ બેડરૂમ ઉપર હતા અને એક નીચે. સ્નેહાનો રૂમ ઉપર જમણી બાજુ હતો. એની બારીમાંથી ગિરનારના ડુંગરોની રમણીયતા જોઈ શકાતી. સ્નેહા સાસરે ગયા પછી પણ એ રૂમ સ્નેહાનો જ કહેવાતો હતો. સ્નેહા આવે ત્યારે ઘર કિલ્લોલવા લાગે છે તેમ પપ્પા કહેતા ત્યારે તેનો આનંદ બેવડાઈ જતો. અને વેકેશન પુરૂં થતામાં તો એના ચહેરા પર તાજગીની લાલી ઉપસી આવતી. બાથરૂમમાં કેટલીય વાર સુધી અરીસા સામે ઊભી રહી તે વિચાર કરવા લાગી. પોતાનું પ્રતિબિંબ આજે એને અલગ અને અળખામણું લાગ્યું. એ ઉદાસ પ્રતિબિંબ પર એને દયા કરતાં ગુસ્સો વધારે આવતો હતો. મનને શાંત કરવા જળના ફુવારાની શીતળતા એણે વહેવા દીધી. નાહીને માથું ઓળતા તે ઊભી ન રહી શકી. નબળાઈ ખૂબ લાગતી હતી. આસપાસની દિવાલો જાણે હલતી હતી. તેણીએ પલંગ પર થોડીવાર માટે લંબાવ્યુ. ખુબ રાહત જણાઈ. મમ્મીને કે તપનને પોતાના તરફથી કંઈ જ દુ:ખ ન થાય તેની તકેદારી રાખવાનું મન સાથે નક્કી કરીને ચહેરા પર મૃદુ હાસ્યનું મહોરૂં પહેરીને સ્નેહા નીચે ઉતરી. મમ્મીની કરુણાભરી આંખો સામે જોઈ કંઈ બોલીને પસ્તાવું પડે એવું ન કરવા ફરી મનને મક્કમ કર્યુ. મમ્મીને એની કોમળતા સ્પર્શી ગઈ. તપન અને નિહાલ બહાર ગયા છે હમણાં આવશે અહીં બેસ કહીને પાસે બેસાડી. ‘કેમ છે તારી તબિયત હવે ? આજે સારૂં લાગે છે, નહીં ?’ મમ્મી પ્રેમથી વાત કરવા લાગી, ‘જો તું મોટીબહેન છો માટે તપન માટે તારે મોટું મન રાખવું જોઈએ. હવે તેની પર બોજો વધ્યો છે માટે આપણે એને સાચવવો જોઈએ.’ આંખમાં આવવા મથતાં આંસુ અને મનમાં ઉઠતાં વિરોધના આંદોલનોને સમાવવા માટે સ્નેહાને ઘણી તકલીફ પડી. મમ્મી સામે જોઈને કંઈ કહેવાનું માંડી વાળ્યુ. ફક્ત ‘ચાલ જમી લઈએ’ એટલું કહી તે ઊઠી. તપન અને નિહાલ આવ્યાનુ હોર્ન પણ સંભળાયુ. થાળીઓ પીરસાઈ અને બધા જમવા બેઠાં. તપને કહેવા ખાતર કહ્યું કે હું અને મમ્મી પણ કાલે નીકળીયે છીએ. સ્નેહાને ગળે કોળિયા માંડ માંડ ઉતરતાં હતા. તેણે ચૂપ રહેવાનું પસંદ કર્યુ. જમીને ઊભા થઈ પાણી પીવા જતાં તેની પીઠ પર તપનના શબ્દો ચાબુકની માફક વિંઝાયા, ‘હવે આવો ત્યારે અમદાવાદ આવજો આ ઘર વેચવા મૂક્યું છે.’

સાંભળતાં જ સ્નેહાને ઘર ચક્કર ચક્કર ફરતું લાગ્યું અને તે હતી ત્યાં જ ઢળી પડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દેવભૂમિનું દૈવી પુષ્પ બ્રહ્મકમળ – કેતન બારિયા
નોકરી – યોગિની જોગળેકર Next »   

51 પ્રતિભાવો : પારકી થાપણ – રેખા સિંધલ

 1. nayan panchal says:

  સંબંધોના સમીકરણ ખરેખર બદલાતા રહે છે.

  રેખાબહેનને પુરસ્કાર જીતવા માટે હાર્દિક અભિનંદન.

  નયન

 2. કલ્પેશ says:

  સરસ. કદાચ સાચી વાર્તા વાંચતા હોઇએ એમ લાગે.
  આનો અંત મને મથાળાના સંદર્ભમા ન સમજાયો (મારી અણસમજને કારણે)

  રેખાબેનઃ આનો ટૂંક સાર જણાવશો?

 3. preeti tailor says:

  લાગણીના સમીકરણો એક પુત્રી તરીકે સ્ત્રી માટે કેવા હોઇ શકે તેનું કશ્મકશ ભર્યું સચોટ નિરુપણ…….

  ખૂબ ખૂબ અભિનંદન રેખાબેન આપને……..

 4. Ramesh Shah says:

  રેખા બહેનને અભિનંદન.ખુબ સચોટ વાત લખી છે.

 5. Ramesh Shah says:

  રેખા બહેનને અભિનંદન.ખુબ સચોટ વાત લખી છે.

 6. Pratibha says:

  રેખાબહેન અભિનંદન ભારતિય સમાજમાં દીકરા અને દીકરી પ્રત્યે માબાપો દ્વારા જાણે અજાણે થતો અલગ વ્યવહાર અને અપેક્ષઆ -જેવા સંવેદનશીલ વિષય ઉપર સુંદર વારતા આપવા માટે.

 7. અતુલ જાની (આગંતુક) says:

  સાસરે ગયેલી પુત્રીની મનઃસ્થિતિનું સચોટ નિરુપણ. રેખાબહેનને ધન્યવાદ.

  બદલાતી પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવતાં જો નાનપણથી જ ન શીખવવામાં આવે તો ઉંમરના વધવા સાથે તેનું ફરજીયાત શિક્ષણ ઘણું અઘરુ પડે છે.

 8. Dhaval B. Shah says:

  રેખાબહેન, પુરસ્કાર જીતવા બદ્દલ હાર્દિક અભિનન્દન. લાગણીસભર વાર્તા.

 9. Maharshi says:

  🙂

 10. Sarika Patel says:

  ખુબજ સરસ …

  very nice story

 11. Natver Mehta, Lake Hopatcong, NJ, USA says:

  રેખાબહેન, પુરસ્કાર જીતવા બદ્દલ હાર્દિક અભિનન્દન!!
  આ વખતની સ્પર્ધામાં સ્ત્રીત્વ વિષયક વાર્તાઓએ રંગ રાખ્યો લાગે છે. મારી વાર્તા પણ સ્ત્રીના, માતૃત્વની મહાનતાના, સ્ત્રીના જન્મસિધ્ધ અધિકાર અન્વ્યયે છે!! જ્યારે રેખાબેનની વાર્તા દીકરીના મનોભાવ, માનસિક સંઘંર્ષને સુપેરે રજુ કરે છે!!

 12. રેખાબેનને ખુબ અભિનંદન. સંબધોના માર્મિક સ્પંદનોને તમે સરસ રીતે આધુનિક સંદર્ભમાં મુક્યા છે. વાર્તામાં આવતાં વળાંકો એકધારો તાર સાચવી રાખે છે.

 13. Dipak says:

  ખુબજ સરસ અને મજેદાર.કદાચ સત્ય હકિકત પણ હોઇ શકે.અભિનન્દન.

 14. Keval Rupareliya says:

  રેખાબેનને ખુબ ખુબ અભિનંદન.

  આપની વાર્તા સમાજની સમજ અને સ્ત્રીનીવ્યથાને સચોટ વર્ણવે છે.
  આવી વર્તા આપવા બદલ આભાર.

 15. pragnaju says:

  રેખાબૅનને હાર્દિક અભિનંદન.
  પેન્ક્રીયાસમાં કેન્સર વાંચતા જ “લાસ્ટ લેકચર”વાળા પ્રોફેસર જેમનું હાલ જ મૃત્યુ થયું છે તેની વાતની અસર નીચે આખી વાર્તા વાંચી.પાત્રોના નામમાં ફેરફાર કરીએ તો હંમણા જ અમારા સંબધીને ત્યાં બનેલી વાત જાણે રેખાબેનને ક્યાંથી ખબર પડી!
  સંવેદનશીલ વિષય પર સચોટ વાત લખી છે.

 16. Rekha Sindhal says:

  અભિનંદન માટે સૌ વાંચકોનો ઘણો આભાર! કલ્પેશભાઈ, આપના સવાલના જવાબમાં કહેવાની એક વાત એ કે વર્તમાન યુગમાં માણસનું મન જ્યારે પ્રેમ અને પૈસા વચ્ચે તણાય છે ત્યારે મોટેભાગે પૈસાનું મૂલ્ય વધી જાય છે અને દુ:ખનું કારણ બની રહે છે. બીજી વાત એ છે કે અપેક્ષાઓ સંબંધોમાં કડવાશ ઊભી કરે છે અને નિસ્વાર્થ સંબંધોની કસોટી કરે છે. ત્રીજું કે પારકી થાપણ કઈ? બાપ માટે દીકરી કે દીકરી માટે બાપની મિલ્કત? દીકરીને થાપણ ગણનાર આપણો સમાજ હજુ ય સ્ત્રીને અન્યાય સાથે જ માન અને પ્રેમ આપે છે. અંતે અસહ્ય હોય તો પણ સ્ત્રીએ એ સ્વીકારવું જ પડે છે એ કરૂણાંત વાર્તામાં મૂક્યો છે.

 17. ભાવના શુક્લ says:

  અભિનંદન રેખાબહેન, પારકી થાપણનો અર્થ જાણ્યા પછી વાર્તાનુ ચોટતત્વ વધુ અસરકારક બન્યુ. સ્નેહાનુ પાત્રા લેખન ખુબ સરસ થયુ. જે ઘરમા અંતિમ નિર્ણય પિતાનો જ હોય તે દરેક ઘરમા માતા ખાસ પોતાની પુત્રીને સ્ત્રી હોવાનો અહેસાસ વારંવાર કરાવ્યાજ કરશે. એ અહેસાસની પાછળ અનેક નાજુક ચોટો અને અણગમાઓ તરતા હોય છે.

 18. Akta says:

  My dear Ma,

  I am so proud of you. You continue to amaze me. I love how you have captured the different stages of emotions Sneha has in each stage, with each relative and her perception of the profound relationship she shares with her father ..the paragraph રસ્તામાં પપ્પા સાથેના અનેક પ્રસંગો સ્નેહાના માનસપટ પરથી પસાર થતા રહ્યા…made me smile but the over all story was a tear jerker for me. =)!

  I love you,
  ~Akta

 19. Himsuta says:

  રેખાબેન્….પુત્રિ નિ સમ્વેદના ને આત્મસાત કર્નાર જ આ વિશય નિરુપિ શકે…

 20. Himsuta says:

  રેખબેન્..પુત્રિ ના હ્રિદય ને દિલ થિ સમજ્યુ હોય તે જ્જ આ સમ્વેદના સમજિ અને નિરુપિ શકે……………….

 21. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ જ સરસ વાર્તા. શરુઆતથી અંત સુધી જકડી રાખે છે. રેખાબેનને ખુબ ખુબ અભિનંદન.

 22. Paresh says:

  લાગણીભીની સુંદર વાર્તા. રેખાબહેન ને અભિનંદન

 23. Moxesh Shah says:

  Respected Rekha Madam,

  Heartly Congratulations for winning the Prize.

  The above responses/reply of Bhavnaben Shukla and Akta are really touchy.

 24. કેયુર says:

  અભિનંદન રેખાબેન. વાર્તા ખુબ સરસ છે.

 25. Satish says:

  Congratulations Rekhaben.Story is very very true even in this days. I know one Daughter who takes care of her parent for last 10 years keeping them in her house and taking care of them, juggling between work, kids and her family. When father receives some money, it goes to sons and daughter gets note which says “Thank You”

 26. કલ્પેશ says:

  રેખાબેન,

  તમારા પ્રતિભાવ બદલ આભાર

  ત્રીજું કે પારકી થાપણ કઈ? બાપ માટે દીકરી કે દીકરી માટે બાપની મિલ્કત?
  કદાચ વાચકમિત્રોએ આને “દીકરી માટે બાપની મિલ્કત? ” ની દ્રષ્ટિએ વિચાર્યુ નહી હોય.

  સરસ !!

 27. girish valand says:

  very nice story wel done rekhaben.

 28. Ashish Dave says:

  Congratulations for such a nice story Rekhaben. Our society is never fair to women. But I am sure things will change.

  Dear Pragnaju,

  Wasn’t that an amazing lecture of Randy Paush? Everybody must watch that on you tube.

  Ashish Dave
  Sunnyvale, California

 29. RAJESH DESAI says:

  Congratulations for winning the price. Well written in gujarati that shows your love and affection for the mother land. Your story demonstrates all the emotions a person have – love, affection, respect, patience, happiness, sorrow, anger, anxiety, jealousy, self imposed control, war between your conscious and unconscious mind, expectation, .. Amazing……. From the story i will say probably it is the distance for the longer priod from the relatives may decrease your emotional attachment with eath other. But still i would say ” BLOOD IS THICKER THAN WATER”.

 30. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ ખુબ અભિન્ંદન. ખુબ જ સરસ વારતા.

  લખતા રહો.

 31. mayuri says:

  રેખાબેન બહુ સરસ લેખ પિતા નો પ્ય્રાર તો દિકરિ જ સમજિ સકે ..રાજા જનક જેવા રાજા નુ પણ દિલ પણ કન્યાવિદાય મા ર ડૅ તો પ્રેમ જ બાપ દિકરિ નો છે અએવો

 32. mayuri says:

  રેખા બેન તમ્ને અભિનદન તમારિ પ્રગ્તિ થાય અને “રિડ ગુજ રાતિ ” મા અમારા જેવા પરિવાર સભ્ય ને રોજ નવુ વાચન મલે અને આપ્ણૂ પરિવાર વિકસિત થાય,,,

 33. nilam doshi says:

  રેખા.આમ તો રૂબરુમા જ અભિનંદાન આપાઇ ગયા છે. છતા ફરી એકવાર અહીં..

  ખૂબ ખૂબ લખતી રહે અને પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છાઓના શબ્દોની આપણે જરૂર નથી જ. છતાં…

 34. Lata Hirani says:

  રેખા, ફરી એક વાર હૃદયપૂર્વકના અભિનંદન………

 35. Mayuri Shah says:

  બહુજ સરસ્ આ વાર્તા વાચી ને પ્રાર્થના કરુ ચુ કે વાનચનારા લોકો દિકરી માટે ના પોતાના અભિપ્રાય બદલશે. તો સમાજ નુ ચિત્ર બદલાશે.
  અભિન્દન્.

 36. Bhakti says:

  Rekha ben,
  First of all, congratulations.
  It was amazing…
  I m sure no daughter would have read this without tears….
  Papa vagarni dikri ni samvedna khoob saras rite janavi.
  thanks for that..

 37. Keval Rupareliya says:

  Akta, your mom is the great story writter.
  she is closer to emotions.

  Rekhaben thanks again.

 38. Akta says:

  Thank you for your compliment…yes she is quite a writer and a woman (I might add). I am pleased to know you enjoyed her stories…

 39. Akta says:

  Ma,

  I know there is plenty where this came from….please continue….

  Love
  Akta

 40. Mittal says:

  hi dear
  mane vachta evu thayu ke aa mari j story 6e,me pan mara father ne gumavya 6e,ane mane pan aa badhu feel thay 6e,pan khali etlo fer 6e ke haji mara marage nathi thaya.tem 6ta aa story mari j 6e em kahu to kae khotu nahi

 41. mital says:

  papa vagarni dikari ni samvedna khub saras rite vernavi che,
  i would like to say that she having husband like NIHAL,who is
  atleast understand her problem but what about other girl?……..

 42. Khyati says:

  ખુબ સરસ રીતે લાગણીઓ વહાવી છે એક દિકરીને હંમેશા પિયરના ઘર ઉપર એક માલિકીભાવ રહે છે, ખાસ કરીને જ્યારે ભાઇ હોય ત્યારે. પણ છેલ્લે આ સમાજ શીખવે છે કે દિકરીએ સાસરે જઇને પોતાનું ઘર તેને સમજવાનું છે.અને આ સમજણ સાથે તે ખુશ રહી શકશે અને રાખી શકશે, પણ ઘણું અઘરું છે – મા બાપના ઘરને પારકું માનવું, જે ઘરમાં મોટા થયા હોઇએ , જે ઘરમાં લાગણીઓ અને યાદોના તંતુ બંધાયેલા હોય, તેના પ્રત્યે નિરપેક્ષ બનવું, કાશ આ સમયે સૌથી વધુ ભાઇ જ મદદ કરી શકે, બહેનને પોતાપણાનો અહેસાસ અકબંધ રખાવીને,

 43. Rajni Gohil says:

  Rekhaben congratulations for writing award winning story.
  સાસરે ગયેલી પુત્રીની મનઃસ્થિતિનું સચોટ નિરુપણ. વાનચનારા લોકો દિકરી માટે ના પોતાના અભિપ્રાય બદલશે તો સમાજ નુ ચિત્ર બદલાશે. It is true.

  Our socitiey condisers Daughters are પારકી થાપણ. In fact it is true in one sense, because after marriage they become their husband’s wife. In our Indian culture, wives surrender everything for their husband and family. But our attitude towards daughters is not appropriate.

  The so called our body is not ours. It is the property of God. It is પારકી થાપણ. How do we take care of our body? Knowing that “Other is not other but he is my brother” how do we behave with others? After all we are all brothers and sisters. In our life we are supposed to follow scriptures (what our holy books say) then life is happy.

  Now compare parents-daughter relationship and body-God relationship. Even though body is not ours, we have to take care of it, physically, mentally and spiritually. Our final destination is to meet God. We need to change our attitude towards our life as well as relationship, here parents-daughter relationship.

  Gujarati fonts are not available at this moment making it little difficult to express.

 44. Nishant says:

  I am not able to understand that what is the motiv of the story, Even the elder sister is making mistake why yougar bro have to suffer, even she is talking properly to her mother so what the mother do is the right, and after marriage girls must know the changed situation, she must not come in matter of home.

 45. Minal says:

  ખુબ જ સરસ લખ્યુ ૬. પપ્પા તરફથી દીકરી પરનો પ્રેમ ખૂબ સરસ રીતે આલેખવામા અવ્યો ૬.

 46. T.K.SOLANKI says:

  રેખા બેન તમ્ને અભિનદન તમારિ પ્રી થાય અને “રિડ ગુજરાતિ ” મા અમારા જેવા પરિવાર સભ્ય ને રોજ નવુ વાચન મળે અને આપણુ પરિવાર વિકસિત થાય,,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.