નોકરી – યોગિની જોગળેકર

[ભવાનીદાસ જા. વોરા દ્વારા અનુવાદિત વાર્તા ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

મારા દિયર સુમેધની હઠ હતી કે લગ્ન તો ‘નોકરી કરતી છોકરી’ સાથે જ કરીશ. તેમની વાત ખોટી પણ ન હતી. આજની કાળઝાળ મોંઘવારીમાં પતિ-પત્ની બંને કમાતાં હોય તો જ જિંદગીની ગાડી સારી રીતે ચાલી શકે. તેમની બીજી હઠ એ હતી કે લગ્નનો ખોટો ખર્ચ ટાળવા તે રજિસ્ટર્ડ મેરેજ કરશે. લગ્નમાં તે કન્યાપક્ષ તરફથી કોઈ દહેજ સ્વીકારશે નહીં અને કન્યા માટે સોનાના કોઈ દાગીના કરાવશે નહીં, આને કારણે રૂપ-ગુણમાં સારી પણ નોકરી ન કરતી ઘણી કન્યાઓને તેમણે નકારી કાઢી.

છેવટે તેમને જોઈતી એક છોકરી મળી ખરી. રૂપે-ગુણે સારી, ગ્રેજ્યુએટ અને મુખ્ય તો છોકરી નોકરી કરનારી હતી. નમણો ચહેરો, સ્વસ્થ શરીરવાળી આ રૂપાલીને નકારવાનું કોઈ કારણ સુમેધભાઈ પાસે ન હતું. ‘રજિસ્ટર્ડ મેરેજ’ અને થોડી વૈદિક વિધિ સાથે આ લગ્ન નિર્વિધ્ને સંપન્ન થઈ ગયાં. થોડા દિવસ બાદ મેં દેરાણી રૂપાલીને પૂછ્યું : ‘હનીમૂન માટે સુમેધભાઈ કુલુ-મનાલી જવાના છે અને તેમણે નોકરીમાંથી એક મહિનાની રજા લીધી છે, તને એટલી રજા મળશે ?’
રૂપાલી ગાલમાં મીઠું હસીને બોલી : ‘મારા બોસ એકદમ ભલા માણસ છે, હું માગું એટલી રજા આપવા તે ખડે પગે તૈયાર હોય છે !’
‘ચાલુ પગારે આપશે ને ?’
‘તો શું કપાતા પગારે હું રજા લઈશ ?’
‘ઓહો ! તારા સાહેબ પર તેં સારી ‘ઈમ્પ્રેશન’ જમાવી લાગે છે. પણ રૂપાલી, તારા સાહેબ તારા લગ્નમાં દેખાયા નહીં.’
‘તેમને એ જ દિવસોમાં બિઝનેસ ટૂર પર જવાનું હતું, પછી મેં આગ્રહ કર્યો નહીં.’
‘સારું સારું, પણ હનીમુન પરથી આવ્યા પછી તું એમને એકવાર ઘેર જમવા બોલાવજે.’
તેણે અચકાતાં-અચકાતાં કહ્યું : ‘હા ભાભી, પ્રયત્ન કરી જોઈશ.’
મેં પૂછ્યું : ‘આ ભલા ગૃહસ્થનું નામ, અટક શું છે તે તો કહે ?’
‘ભાભી તેમાં ગમ્મત એવી છે કે મારી પિયરની અટક અને તેમની અટક એક જ છે. એટલે હું તેમને ફક્ત અણ્ણા જ કહું છું અને તે તેમને ગમે છે.’ મનમાં કંઈક વિચારીને મેં કહ્યું.
‘દેખાવમાં યુવાન છે ?’
‘ના રે ના, ઉંમર છે સાઠ વર્ષની, પણ તંદુરસ્તી સારી. મને તો તે પિતા જેવા જ લાગે છે અને તે પણ મારા પર દીકરીની માફક માયા રાખે છે.’

આ સાંભળી મારા દિયર બોલ્યા : ‘ભાભી, મને તો રૂપાલીની ઈર્ષ્યા આવે છે કે તેને આવા સારા બોસ મળ્યા છે. બાકી અમારો બોસ તો એકદમ ખડૂસ છે. સ્ટાફને રજા દેવામાં તો મહાચિંગૂસ છે. એ.સી. કૅબિનમાં બેસી એકદમ આત્મકેન્દ્રિત થઈ ગયો છે ! પોતાના સ્ટાફને પણ તેમની જિંદગી હોય છે તેવો કોઈ વિચાર જ નહીં.’
‘તો પછી આ એક મહિનાની રજા કેવી રીતે મળી, સુમેધભાઈ ?’
‘ભાભી, તેમની સામે લગ્નપત્રિકા મૂકી દીધી ત્યારે વળી રજા મંજૂર કરી, ને તે પણ ખૂબ આજીજી કરી ત્યારે !’

હનીમૂનમાંથી પાછા ફર્યા બાદ મેં રૂપાલીને એક દિવસ કહ્યું : ‘રૂપાલી, તારા સાહેબ અને તેની પત્નીને તારા જન્મદિવસ પ્રસંગે આપણા ઘરે જમવા બોલાવે તો કેવું ?’
‘ના, ના ભાભી. મારો જન્મદિવસ તો મારી ઑફિસમાં જ સૌ ઠાઠમાઠથી ઊજવે છે. એટલે તે દિવસે તો તેમને ન જ બોલાવી શકાય.’
‘ઠીક છે, તો પછી સુમેધભાઈના બર્થ-ડેને દિવસે બંનેને બોલાવીશું.’
રૂપાલીએ કહ્યું : ‘એ જ ઠીક રહેશે, ભાભી.’

રૂપાલી નોકરી કરતી હતી એટલે સાંજના થાકીપાકી ઘેર આવે ત્યારે હું તેને માટે ચા-નાસ્તો તૈયાર કરી રાખતી. સુમેધભાઈ નોકરી પરથી ઘેર આવે ત્યારે બંને રાજારાણી ‘ઈવનિંગ-વૉક’ લેવા જતાં. મને થતું કે નવા નવા પરણ્યાં છે એટલે ભલે થોડી મજા કરી લેતાં. પછી તો રૂપાલીએ ઘરકામ વગેરે કરવું જ પડવાનું છે ને ! શ્રાવણ મહિનામાં ‘મંગલાગૌરી’નો તહેવાર આવ્યો. રૂપાલીએ આ માટે ત્રણ દિવસની રજા લીધી. પહેલો દિવસ તૈયારી માટે, બીજો દિવસ પૂજા માટે અને ત્રીજો દિવસ આગલી રાતે કરેલા જાગરણ બદલ સૂવા માટે. સુમેધભાઈએ મજાક કરતાં કહ્યું : ‘રૂપાલી, થોડા દિવસ માટે તારા સાહેબ અને મારા સાહેબની અદલાબદલી કરીએ તો મને તો ખરેખર મજા આવી જાય !’

દિવાળી આવી અને રૂપાલીએ અઠવાડિયાની રજા લીધી. એક દિવસ સુમેધભાઈ સાસરે જમવા ગયા અને બાકીના છ દિવસ માટે રૂપાલી સાથે તેઓ ગોવાના પ્રવાસે ઊપડી ગયા. ગોવાથી તે મારે માટે એક ભારી કિંમતની સાડી લઈ આવ્યા. મેં રૂપાલીને પૂછ્યું :
‘સુમેધભાઈના બજેટમાં આવા મોંઘા ભાવની સાડી કઈ રીતે બેસાડી ?’
રૂપાલી હસીને બોલી : ‘અરે વાહ ! તેમના જ બજેટમાં શા માટે ? હું પણ કમાઉ છું ને ? અમારા બંનેના બજેટમાંથી જુઓ આ કેવું સુંદર પેઈન્ટિંગ-ચિત્ર લઈ આવ્યા છીએ. હું એ અદ્દભુત ચિત્રને જોઈ જ રહી. ચિત્રકારે ઑઈલ-પેઈન્ટિંગમાં ગોવાનો સૂર્યાસ્ત સપ્તરંગમાં ઉતાર્યો હતો. ચિત્ર જોતાવેંત જ મન મોહિત થઈ જતું હતું.
‘બહુ સુંદર ચિત્ર છે, કોને ભેટ આપવા લાવી છો ?’
‘ભાભી, તમે જ કલ્પના કરો.’
‘તારા પપ્પા માટે ?’
‘નહીં, હું જેને પિતાતુલ્ય માનું છું તે મારા બોસ અણ્ણા માટે.’

મેં રાજી થઈ કહ્યું : ‘બરાબર છે, રૂપાલી. નોકરીમાંથી તારે આટલી બધી રજાઓ જોઈતી હોય તો બોસને ખુશ રાખવા આવી યુક્તિ-પ્રયુક્તિ કરવી જ જોઈએ.’
રૂપાલી લુચ્ચાઈપૂર્વક બોલી : ‘હા ભાભી, આવી યુક્તિ કરીએ તો જ જિંદગી સુખમાં જીવાય.’ રૂપાલીનું આ ડહાપણ જોઈ મન વિચારમાં પડી ગયું. સાસુ-સસરાના મૃત્યુ બાદ મારા પર ઘરની જવાબદારી ન આવી પડી હોત તો હું પણ ક્યાંય નોકરી કરીને થોડા હજાર કમાઈ શકી હોત !’

થોડા દિવસો બાદ રૂપાલીને સારા દિવસો રહ્યા. તેના સીમંતનો વિધિ અમે સારી રીતે ઉજવ્યો. તેને ચાર સારી સાડીઓ મેં બચાવેલા પૈસામાંથી આપી. રૂપાલીએ પૂછ્યું :
‘ભાભી, તમે નોકરી કરતાં નથી તો આટલો બધો ખર્ચ કઈ રીતે કાઢ્યો ?’ ત્યારે તેના જેઠ જ બોલ્યાં : ‘તારાં ભાભી Money saved is money gained કહેવતમાં માને. નોકરી કરનારી છોકરીઓ ધડાધડ સોની નોટ ફેંકવા માંડે જ્યારે તારી ભાભી દસની નોટ તોડવી હોય તો બે વાર વિચાર કરે !’

રૂપાલીની સુવાવડ તેના પિયરમાં ઠાઠમાઠથી કરવામાં આવી. તેને દીકરી જન્મી. ‘પહેલી બેટી ધનની પેટી’ એમ માની મેં મારા ગળાની ચેઈન પોલિશ કરાવી તેના ગળામાં પહેરાવી દીધી. દિયરજીએ ગળગળા થઈ કહ્યું : ‘આ શું ભાભી ? તમારી ચેઈન આજે શા માટે પહેરાવી દીધી ?’
‘કેમ, સુમેધભાઈ, એ તમારી દીકરી છે તો મારી ભત્રીજી નહીં ? અને ચેઈન તેના ગળામાં હોય કે તેની કાકીના ગળામાં હોય શું ફરક પડે છે ?’
બારમે દિવસે દીકરીનો નામકરણ વિધિ કરવામાં આવ્યો. હું રૂપાલીના પિતાનો બંગલો પહેલી જ વાર જોતી હતી. આ પ્રસંગે તેમણે બંગલો સજાવ્યો હતો. રૂપાલીની ભાભીએ આખો બંગલો દેખાડ્યો. બંગલો જોતાં જોતાં અમે રૂપાલીના પપ્પાના રૂમમાં આવ્યા. અને ભીંત પરનું ચિત્ર જોતાં મારાથી ‘અરે ! અરે !’ બોલાઈ ગયું કારણ કે રૂપાલીએ ગોવામાંથી ખરીદેલું ‘ગોવા કિનારા પરનો સૂર્યાસ્ત’નું ઓઈલ પેઈન્ટિંગ એ ભીંત પર બિરાજમાન હતું ! મારું ધ્યાન એ ચિત્ર તરફ હતું ત્યાં તેની ભાભીએ આવીને કહ્યું :
‘ચિત્ર સુંદર છે ને ? નણંદબા ગોવા ગયાં હતાં ત્યારે આ પેઈન્ટિંગ તેણે ખાસ મારા સસરા માટે ખરીદ્યું હતું.’
‘એમ ? પણ રૂપાલી તો ચિત્ર તેની ઑફિસના બૉસ માટે ખરીદ્યું છે એમ કહેતી હતી !’
એટલે તેની ભાભીએ કહ્યું : ‘હા, ચિત્ર તેણે તેના બોસને જ આપ્યું છે !’
‘એટલે ? હું કંઈ સમજી નહીં.’
‘મારા સસરા જ તેના બૉસ છે.’
‘પણ તેઓ તો રિટાયર્ડ પેન્શનર છે ને ?’ પછી તેની ભાભીએ આમતેમ જોઈ રૂમનો દરવાજો બંધ કરી મને પલંગ પર બેસાડી કહ્યું :
‘નણંદબા નોકરી કરતાં જ નથી !’
‘અરે વાહ ! આમ કેમ બને ? દર મહિને રોકડા ત્રણ હજાર રૂપિયા મારા દિયરના હાથમાં તો બરાબર મૂકી દે છે !’

ત્યારે તેની ભાભીએ હસીને કહ્યું : ‘સુમેધભાઈ નણંદબાની આંખમાં અને દિલમાં બરાબર વસી ગયા હતા. પણ તમારા દિયરની તો ‘નોકરીવાળી છોકરી’ની શરત હતી. નણંદબાને નોકરી તો હતી નહીં ! એટલે પપ્પાની આ લાડકી દીકરી સસરાના બેંક ખાતામાંથી દર મહિને ત્રણ હજાર રૂપિયા ઉપાડી તમારા દિયરના હાથમાં ‘નોકરીનો પગાર’ કહીને મૂકી દેતી હતી !
મેં એકદમ આશ્ચર્યપૂર્વક પૂછ્યું : ‘તો પછી રોજ સાડાદસથી સાડાપાંચ સુધી રૂપાલી ક્યાં જાય છે ?’
‘બીજે ક્યાં ? અહીં તેના પપ્પાના બંગલામાં !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પારકી થાપણ – રેખા સિંધલ
રેતીનું ઘર – પ્રીતિ ટેલર Next »   

32 પ્રતિભાવો : નોકરી – યોગિની જોગળેકર

 1. rutvi says:

  એક તીર ને બે શિકાર ,

  રોજ પિયર મા જવાનુ ને મનગમતા સાથી સાથે લગ્ન કરવા , વાહ ભૈ !!!!!!!!!!!!!!!!

 2. nayan panchal says:

  વાહ! એકદમ unexpected વાર્તા. અંત સુધી જકડી રાખે તેવી મજેદાર વાર્તા. મજા આવી ગઈ.

  નયન

 3. Pathik says:

  અદ્ભુત્

 4. અતુલ જાની (આગંતુક) says:

  ભારે કરી !

 5. manisha says:

  HEY RAM !!!!!!!!!!!!! bhalu karjo………….

 6. Jinal says:

  જોરદાર્ !!!!!!!!
  Author’s thought process and writing both spectacular!! The story is not weakning even at a single point!!

 7. ભાવના શુક્લ says:

  અરે વાહ! મનગમતા પતિને પામવાની આ તે વળી સાવ નવતર રીત…
  પિતાનો સમજ્યા ભાઈ-ભાભીને પણ સલામ કે નણંદબા ને આટલા લાડ લડાવી આપ્યા..
  મજ્જા પડી ગઇ વાચવાની, લખનારની રુચીને એક વધુ સલામ…

 8. bhavin says:

  it’s cheating….

 9. Ashish Dave says:

  Strange but nicely written…

  Ashish Dave
  Sunnyvale, California

 10. કલ્પેશ says:

  ભાવિનભાઇ,

  આને “નરો વા કુંજરો વા” જેવી સ્થિતિ કહી શકાય.

 11. Biren says:

  વાત ગળે નથી ઉતરતી……રુપાલી ના વરને કશી જાણકારી જ નહી હોય ? એ ક્યાઁ નોકરી કરે છે ? કેવી રીતે જાય છે ?

 12. alpa shah says:

  NOT EXCEPTABLE, IN THIS SAMAJ THIS TYPE OF THINGS ……..NEVER ITS A KHULAM KHULLA CHEATING………….

 13. Dhaval B. Shah says:

  As far as writing story is concerned, the author has been able to keep the suspense till end. Nice story.

 14. ila says:

  this is not possible in real life it is only a story

 15. priya says:

  વાહ ભાઈ વાહ!!

 16. Geetika parikh dasgupta says:

  આવુ હોય તો ……..સુખ જ સુખ્

 17. krupa says:

  આ હા………
  મસ્ત દિમાગ વાપર્યુ……….

 18. Manish Patel says:

  સારિ પણ અવાસ્તવિક

 19. Rajni Gohil says:

  Hope people do not learn to cheat the way Rupali did. Sumedh was supposed to verify Rupali’s claim that she was working. I also hope that boys will verify girl’s claim before marriage, so they do not have to repent in the future. One can have good lesson from this suspence story.

 20. RAJVI says:

  વાહ! એકદમ unexpected વાર્તા. અંત સુધી જકડી રાખે તેવી મજેદાર વાર્તા. મજા આવી ગઈ.

 21. વાહ્ બાય વાહ , જેવા સાથે તેવા,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.