- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અપેક્ષા – કિંજલ શાહ

[માઈક્રોબાયોલોજીમાં મુંબઈ ખાતે અભ્યાસપૂર્ણ કરી, તાજેતરમાં લગ્નબાદ ગૃહિણી બનીને અમેરિકા સ્થાયી થયેલા કિંજલબેનની આ પ્રથમ કૃતિ છે. નવરાશની પળોમાં વાંચનની સાથે તેઓ લખવાનો શોખ ધરાવે છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે કિંજલબેનનો (આર્કન્સેસ, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kinjalshah25@gmail.com]

ઘરમાં લગ્નનું વાતાવરણ હતું. હજુ ગઈ કાલે જ અનુ અને મૌલિકના લગ્ન ધામધૂમથી પતી ગયા. બધા ખુશખુશાલ હતા. ભવ્ય લગ્ન… અને ભવ્ય રિસેપ્શન. આમ તો મૌલિક અમેરિકામાં રહે છે પરંતુ આજકાલ જેમ બધા કરે છે તેમ તે લગ્ન માટે હમણાં સ્વદેશ આવ્યો છે. અઠવાડિયા પછી તો બંને અમેરિકા પરત ફરવાના.

લગ્ન પછીનો બીજો જ દિવસ હતો એટલે શુકન માટે ઘરના બધા જ સ્ત્રી સભ્યોએ અનુને કંસાર બનાવવાનું કહ્યું. એમ.બી.બી.એસ. ભણેલી અનુએ ક્યારેય કંસાર બનાવ્યો ન હતો. છતાં આસપાસ મૂકેલી વસ્તુઓથી જેવો આવડ્યો એવો કંસાર એણે બનાવ્યો; જે ખાવાલાયક તો નહોતો જ ! ઘરની તમામ મહિલાઓ આ જોઈને હસી પડી. એક ભાભીએ તો હસતાં હસતાં કહી દીધું : ‘ચાલે એ તો અવે…. અનુભાભીને અમેરિકામાં વળી ક્યાં કંસાર બનાવવાનો છે ? ગળ્યું ખાવાનું મન થાય તો તમતમારે કેક લાવીને ચલાવી લે જો….’ ત્યાં વળી કાકી બોલ્યાં : ‘મારા ભત્રીજાને તો કંસાર બહુ ભાવે છે પણ ડૉક્ટર વહુ કંસાર થોડો બનાવે !’ ફરી પાછા બધા હસી પડ્યા. આમ જોવા જઈએ તો આ મજાક જ હતી. કોઈએ અનુને મ્હેણાં-ટોણાં નહોતા માર્યાં. સાસુએ તો તરત જ જાતે કંસાર બનાવી લીધો અને અનુને શીખવાડ્યો પણ ખરો કે ‘બેટા, મૌલિકને બહુ ભાવે છે તો આવી રીતે તું બનાવજે. તેં હાથ લગાડી દીધો એટલે શુકન થઈ ગયા કહેવાય.’

ભણેલું-ગણેલું અને સભ્ય-સમજું ખાનદાન હતું. વાત ત્યાં જ પતી ગઈ. બધાં સમજતા હતાં કે આજકાલ ભણતા-ભણતા આવેલી છોકરીને બધું બનાવતા ના આવડતું હોય. તેમ છતાં એકવાર હાસ્યનું મોજું તો ફરી જ વળ્યું કે ‘પહેલા દિવસે મૌલિકની પત્નીએ શું કંસાર રાંધ્યો હતો ! જોવા જેવો હતો ! તપેલી સાથે ખાવો પડે એવો હતો !!’ રમુજમાં વાતો થતી રહી. રાત્રે સૂતાં પહેલાં અનુ પલંગમાં પડી વિચારતી રહી કે ભલે મારે અમેરિકા જવાનું હોય અને ભલે હું ડૉક્ટર હોઉં, પરંતુ બધાને મારી પાસેથી અપેક્ષા હતી કે મને કંસાર બનાવતા આવડવો જોઈએ. નથી આવડતો તો કંઈ નહીં પણ મારે શીખવો તો જોઈએ.’

આમ જોવા જઈએ તો આ પ્રસંગમાં કંઈ ખોટું નથી, તેમ છતાં તે એક સ્ત્રીને અંદરથી ખળભળાવી મૂકે છે. આ પરિવર્તનનો યુગ છે. પ્રગતિનો પવન ફૂંકાઈ રહ્યો છે. એ સારું છે… બધાને એ ગમે છે. સમયની સાથે બદલાવું પડે છે. કહે છે ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરંતુ નારીજગતમાં આવેલા આ પરિવર્તનના પવનથી નવા નવા પરિમાણ તો ઉમેરાંતા રહે છે પણ જૂનું સાવ જ બદલાઈ નથી જતું. જૂનું તો એની જગ્યાએ રહે છે જ અને સાથે નવું-નવું ઉમેરાતું રહે છે. અમેરિકામાં રહેતા મૌલિકને એના જેવી જ ભણેલી પત્ની જોઈએ કે જેની પાસે ડૉક્ટર જેવી ઉચ્ચત્તમ ડિગ્રી હોય, સ્માર્ટ હોય અને અમેરિકાના વાતાવરણમાં અનુકૂલન સાધી શકે. આ આધુનિક પરિઁમાણ છે – કંઈક એવું જે તેની મમ્મી પાસે નથી. પરંતુ સાથે સાથે મૌલિક એવું પણ ચાહે છે કે અમુક બાબતોમાં તો પત્ની મમ્મી જેવી જ હોવી જોઈએ ! તમામ ડિગ્રીઓ સાથે જો એને કંસાર બનાવતા પણ આવડે તો કેવું સારું !

જમાનો બદલાય છે પણ એ સાથે સ્ત્રી પાસેથી રખાતી અપેક્ષાઓ બદલાતી નથી, ઉલટાનું નવી નવી અપેક્ષાઓ ઉમેરાતી જાય છે. આજનો આધુનિક યુવક કંઈક એવી યુવતીની અપેક્ષા રાખે છે કે જે ખૂબ જ ઉચ્ચ શિક્ષિત હોય, સ્વતંત્ર મનોવૃત્તિ ધરાવતી હોય, એની પોતાની કોઈ ઓળખ હોય, એની પાસે સરસ વાતચીતની કળા હોય, ધાણીફૂટે એમ અંગ્રેજી બોલતી હોય, કોમ્પ્યુટર વાપરવામાં કુશળ હોય વગેરે વગેરે…. પણ આ બધાની સાથે સાથે પેલી વર્ષોથી ચાલી આવતી જૂની અપેક્ષાઓ તો ખરી જ. જેવી કે છોકરી સુંદર હોય, સુશીલ-સંસ્કારી હોય, સ્માર્ટની સાથે પાછી વિનમ્ર પણ હોય, ઘરની જવાબદારી સંભાળી લે-ઘરને સાચવી લે, નવી નવી વાનગીઓ બનાવે, નાના-મોટાં બધાને માન આપે વગેરે…. આજનો યુવક બહારથી જ્યારે એમ ઈચ્છે છે કે તેની પત્ની કડકડાટ અંગ્રેજી બોલે ત્યારે અંદરખાને તે એવી પણ આકાંક્ષા સેવે છે કે તેને ધાર્મિક સ્તોત્ર-શ્લોકો પણ આવડતા હોય. એ સ્વતંત્ર મિજાજની હોવી જોઈ પણ જ્યારે ઘરની આંતરિક બાબત હોય ત્યારે એ પોતાની સ્વતંત્રા છોડીને ઘરના સભ્યોની કે પોતાના પતિની વાત જ માને. એ સ્કૂલમાં બાળકોનું એડમિશન જાતે કરાવી શકે એવી હોવી જોઈએ પણ સાથે સાથે જો સાંજે ‘શાંતાબાઈ’ ન આવવાની હોય તો વાસણો ધોવામાં પણ એને કંટાળો ન આવવો જોઈએ ! યુવક ઈચ્છે છે કે એને કોમ્પ્યુટર વાપરતાં તો આવડવું જ જોઈએ પણ એ જો અથાણાં બનાવી શકે તો અતિઉત્તમ !

આ અપેક્ષાઓ રાખીને પુરુષ સમાજ કંઈ ખોટું કરી રહ્યો છે એવું કહેવાનો લેશમાત્ર ઈરાદો નથી. તેમની આ અપેક્ષાઓ પ્રગતિના પવનને આભારી છે. આ પરિવર્તનથી સમાજમાં કોઈ બાકાત રહી શક્યું નથી. અમુક અપેક્ષાઓ એવી છે જે કદાચ ‘સ્ત્રીત્વ’ ની સાથે જોડાયેલી છે. ગમે તેવો પવન તેને હચમચાવી શકતો નથી. પરંતુ આ બધાને કારણે સ્ત્રીને આપણે એક ‘સુપરવુમન’ બનાવી દીધી છે. ઘણું કરીને સ્ત્રી આ સુપરવુમન બનવાનો નિષ્ઠાથી પ્રયત્ન કરે છે પરંતુ બધી જ અપેક્ષાઓ પૂરી કરવાનું તો શક્ય ન જ બની શકે ને ! ક્યારેક સીધી કે આડકતરી રીતે એ ‘અર્પૂણતા’નું આક્રમણ સ્ત્રી પર ગમે ત્યારે થતું રહે છે. કેટલાક સંજોગોમાં એ પોતે જ પોતાને અપૂર્ણ માનવા લાગે છે.

હું એક ડૉક્ટર દંપતિ મિ. અને મિસિસ મહેતાને ઓળખું છું. મિ. મહેતા એક સફળ બાળરોગ નિષ્ણાત છે અને શ્રીમતી મહેતા ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ છે. બંનેનું પોતાનું એક નર્સિંગહોમ છે. ખૂબ સરસ ચાલે છે. સમાજમાં તેમની ખ્યાતિ છે. દંપતિનો સ્વાભાવ પણ ખૂબ જ સરસ છે. શ્રીમતી મહેતા ઘરની અને નર્સિંગહોમની જવાબદારી સુપેરે નિભાવી જાણે છે પરંતુ દિલના એક ખૂણામાં એમને ક્યારેક કંઈક ડંખે છે. હમણાં છેલ્લે એ મળ્યા હતા ત્યારે કહેતા હતા કે : ‘ડૉક્ટરની જવાબદારીને લીધે ઘરમાં એક રસોઈવાળી અને આયાબાઈ રાખી છે. તેમ છતાં ઘરનું બાકીનું કામ હું સંભાળી લઉં છું. શનિ-રવિ જાતે ખાવા બનાવી દઉં છું. બાળકો માટે જરૂરી સમય ફાળવું છું. એમના અભ્યાસનું ધ્યાન રાખું છું. પરંતુ જ્યારે ઘરની પાસે આવેલા એક બગીચામાં એક માતાને તેની બાળક સાથે હિંચકા ખાતા જોઉં છું કે એને પકડાપકડી રમતા જોઉં છું ત્યારે દિલના એક ખૂણામાં ચોક્કસ દર્દ થાય છે કે હું આ બધું નથી કરી શકતી. છેવટે મન મનાવી લઉં છું કે હું ગૃહિણી નથી અને મારાથી થતું પૂરતું તો હું સંભાળી રહી છું… પણ તોય….

આ વિચારધારાના સામે કિનારે એમ.કોમ થયેલી વંદના છે. ખૂબ જ કુશળ ગૃહિણી છે. સરસ રીતે સજાવેલું ઘર અને સુસંસ્કૃત બાળકો છે. એની આગવી રીતથી તે બાળકોને ભણાવે છે, ઘર સાચવે છે અને સંસારમાં ખૂબ સુખી છે. ગૃહિણી બનવાનો નિર્ણય એનો પોતાનો છે પરંતુ જ્યારે પણ કોઈ નોકરી કરતી સ્વતંત્ર સ્ત્રીને જુએ ત્યારે એના દિલમાં એક ક્ષણ માટે એમ તો થાય જ છે કે આ બધા કેટલા આગળ નીકળી ગયા અને હું ક્યાં ? ભલે પછી એ મન મનાવી લે છે કે હું પણ સુખી જ છું. મારા ભણતરનો સદઉપયોગ મેં ઘર માટે કર્યો છે…. પણ તોય આવા વિચારો ક્યારેક તો ડોકાઈ જાય છે અને ક્ષણભર અસ્વસ્થ કરી મૂકે છે.

સ્ત્રી કેટકેટલું કરે પણ એને એમ જ લાગે (કે કોઈવાર એમ લગાડવામાં આવે છે) કે એ કેટકેટલું નથી કરતી !! જેમ કે…
‘શીલાનું ઘર કેટલું ચોખ્ખું હતું, જોયું ? અને આપણું તો હંમેશા સાવ કેવું હોય છે….’
‘ખબર છે વિરાજની પત્નીને તો આ વખતે બોનસમાં હોલિડે પેકેજ મળ્યું છે. વિરાજને તો જલસા છે. આપણા ક્યાં એવા નસીબ !’
‘એ લોકોનાં હોટલોનાં ખર્ચા કેટલાં ઓછાં છે આપણા જેવું થોડું છે કે દર અઠવાડિયે બહાર જ જમવાનું ?’ આવા અનેક સંવાદો આડકતરી રીતે સ્ત્રીને ‘અધુરાપણું’ મહેસૂસ કરાવે છે. એ ગમે તેટલું કરે પણ અપેક્ષાઓ જ એટલી બધી હોય છે કે એ શું નથી કરતી એની યાદી સતત વધતી જાય છે. પછી તો સંસાર છે ! બધું ચાલ્યા જ કરતું હોય છે. બંને પાત્રો થોડી બાંધછોડ કરીને નિભાવી લે છે. બધાં પોતપોતાની પ્રાથમિકતા નક્કી કરીને જીવ્યે જાય છે. પણ સવાલ માત્ર એટલો જ છે કે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ આ અપેક્ષાઓનો બોજો કદાચ વધતો જ નહીં જાય ને ?

પુરુષ માટે હજી આજની તારીખમાં પણ આર્થિક સદ્ધરતા જ એમનો સૌથી મોટો ગુણ ગણાય છે. પુરુષ આર્થિક રીતે સદ્ધર હોય પછી એ બીજું કંઈ ન કરે તોય ચાલે. એ જે પણ વધારાનું કંઈ કરે તે તેની ‘ખાનદાની’ તરીકે ઓળખાય છે. આજના આધુનિક જમાનામાં પુરુષોની જીવનપદ્ધતિ પણ બદલાઈ હશે – તે વાત સાચી, તેમ છતાં આજે પણ ઘરને સંભાળવું, સારી રીતે વ્યવસ્થિત રાખવું, બાળકોની સંભાળ-ઉછેર એ તમામ બાબતો સ્ત્રીના કાર્યક્ષેત્રમાં જ આવે છે. પુરુષ કદાચ થોડી ઘણી મદદ કરે, પણ એથી કંઈ ક્ષેત્ર બદલાઈ તો ન જાય ને ? વળી પુરુષ મદદ કરે તો એ પણ ‘વધારાની મદદ’ તરીકે અહોભાવથી જોવામાં આવે છે. ક્યારેય તેને ‘ફરજ’ તરીકે ગણવામાં નથી આવતું. આમાં કોઈનો વાંક કાઢવાનો કોઈ ઈરાદો નથી. અમુક વસ્તુ કુદરતી હોય છે અને એટલે એ એમ જ રહે છે.

આમ તો નારી એ જ માંગેલી આ સ્વતંત્રતા છે. એને જ આ દુનિયા જોવી હતી, ઘરની બહાર નીકળવું હતું, પોતાની જાતને સાબિત કરવી હતી… અને એ સાચું પણ હતું… થયું એવું કે એની સાથે એ પોતાનું જૂનું અસ્તિત્વ તો ન જ ભૂલી શકી…. અને હવે એ બંને પલડાંને સમતોલ કરવાની કોશિશ કરતી રહે છે… કરતી રહે છે…. બસ, કરતી જ રહે છે….