પ્રગતિનું અવરોધક પરિબળ – રણછોડ શાહ

[‘અખંડ આનંદ’ જુલાઈ-2008 માંથી સાભાર]

સામાન્ય રીતે હરેક વ્યક્તિ જીવનમાં વિકાસના પથ ઉપર જવાની ઈચ્છા ધરાવતી હોય છે. પ્રત્યેકને વાંચવાનું થોડા અથવા વધારે અંશે ગમે પણ છે. જ્યારે તે કોઈના જીવન વિશે વાંચે ત્યારે પોતાને પણ પ્રેરણા થતી હોય છે કે હું પણ કાંઈક કરીને આગળ વધું. આગળ આવવા માટેની તત્પરતા હોય છે. પોતે સતત મહેનત કરી આગળ વધવાની ઈચ્છા ધરાવે છે.

કોઈ પણ વિદ્યાર્થીને ભવિષ્યમાં શું બનવું છે તેમ પૂછીએ તો તે ભીખારી કે ચોર બનવું છે તેમ કહેતો જ નથી. આ સમયે તેની નજર શિક્ષક સુધી પહોંચે છે. થોડા મોટા થાય તો ડૉક્ટર કે એન્જિનિયર થવાની વાત આવે, શિક્ષણ વધતાં વૈજ્ઞાનિક, કલેક્ટર કે વડાપ્રધાન થવા સુધીની મહેચ્છા સેવે છે. નાની ઉંમરે તો આ પદ પર પહોંચવા કઈ કઈ બાબતો જરૂરી હોય છે તેની ખબર હોતી નથી પરંતુ ઉંમર વધતાં એમ સમજાય છે કે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને હોશિયારીની જરૂર છે.

કમનસીબે આપણા દેશમાં એક વાત ઘર કરી ગઈ છે કે ઉચ્ચકક્ષાએ પહોંચવા માત્ર ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો જરૂરી છે અને તેથી બાળક નાનું હોય ત્યારથી તેને એમ સમજાવવામાં આવે છે કે સારા ગુણ હોય તો આગળ વધી શકાય. કેટલાક કહેવાતા ઉચ્ચકક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ પણ વ્યક્તિએ મેળવેલ જાહેર પરીક્ષાના ગુણ આધારિત જ હોવાથી આ માન્યતા વધુ દ્રઢ બની છે. આ પ્રવેશ સમયે વ્યક્તિની શારીરિક શક્તિ, હિંમત, સખત પરિશ્રમ કરવાની તૈયારી, નિર્ણયશક્તિ વગેરે જેવી મહત્વની બાબતોનું કાંઈ પ્રાધાન્ય નથી. એટલું જ નહીં, આ પાયાની બાબતો પરત્વે આપણે અત્યાર સુધી ધ્યાન જ આપ્યું નથી. ધો. 10 કે ધો. 12 અથવા સ્નાતક કે અનુસ્નાતક કક્ષાની પરીક્ષામાં ઉત્તમ દેખાવ એટલે ઉત્તમ વ્યાવસાયિક સિદ્ધિ તેવો માપદંડ સમાજમાં પ્રસ્થાપિત થઈ ગયો છે અને તે ધોરણે વ્યવસાયમાં દાખલ પણ થઈ શકાય છે. પરંતુ તેમાં ઉચ્ચકક્ષાએ પહોંચી શકાતું નથી. આ સંજોગોમાં ઉચ્ચકક્ષાએ પહોંચેલી વ્યક્તિઓ તરફ ઈર્ષાની નજરે જોવાની દષ્ટિ વિકસે છે. મનમાં નકારાત્મક વિચારો આવે છે. આગળ વધેલી વ્યક્તિ માત્ર માર્કસ અને પછી લાગવગના ધોરણે આગળ વધી છે તેવી મનમાં ગાંઠ બંધાઈ જાય છે. કેટલીકવાર તો વ્યક્તિ સીફારસ કે સગાસંબંધીઓને કારણે આગળ વધી હોય તેમ દ્રઢ માન્યતા થઈ જાય છે. તેની ટીકા કરવામાં આવે છે અને તેના તરફ જોવાની દષ્ટિ પણ નકારાત્મક બને છે.

સાચા અર્થમાં તો જે વ્યક્તિ આગળ ન વધી શકે તેણે પોતાની જાતનું પૃથ્થકરણ કરવું જોઈએ. અન્ય વ્યક્તિઓ પ્રગતિના પથ ઉપર હોય અને પોતે ન હોય તો તેનાં કારણોનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. ‘કઈ મહત્વની બાબતો અન્યોમાં છે, જે મારામાં નથી અને તેથી હું આગળ આવી શકતો નથી.’ આ બાબતનું ચિંતન કરવું જોઈએ. આ તો ‘સ્વમૂલ્યાંકન’ની પ્રક્રિયા છે એટલે તેમાં અત્યંત તટસ્થાપૂર્વક વિચારવું પડે. અંગ્રેજીમાં તેને SWOT analysis (S-Strength) તાકાત, (W-Weaknesses) મર્યાદાઓ, (O-opportunity) તક, (T-Threat) ભયજનક સ્થિતિ કહે છે. પ્રત્યેક વ્યક્તિએ આ પૃથ્થકરણ જાતે આત્મલક્ષી રીતે કરવું જોઈએ. આ કાર્ય અત્યંત કઠીન છે, લગભગ અશક્યની નજીક છે. કારણ કે વ્યક્તિને પોતાની મર્યાદાઓનું ભાગ્યે જ ભાન થાય છે અને કદાચ ખ્યાલ આવે તો પણ વ્યક્તિ પોતે તો સ્વીકારવા તૈયાર હોતી નથી. આ પરિસ્થિતિને કારણે વ્યક્તિની પ્રગતિ અટકે છે. રૂકાવટ આવે છે અને મોટે ભાગે અન્યોને દોષિત ઠેરવે છે.

વ્યક્તિની પ્રગતિમાં અનેક પરિબળો ભાગ ભજવે છે. પોતાની હિંમત, આગવી સૂઝ, દૂરંદેશીપણું, તેજસ્વિતા, સખત પરિશ્રમ કરવાની તત્પરતા, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ, અભ્યાસપૂર્ણ તૈયારી વગેરે જેવા મહત્વના ગુણો જરૂરી છે. આ તમામ લક્ષણોની ઓછાવત્તા અંશે જરૂર પડે છે. આવી તમામ લાક્ષણિકતાઓની જરૂર પડે છે. માત્ર આટલા જ નહીં બીજા અનેક ગુણો ટોચ ઉપર પહોંચવા માટે જરૂરી છે. આ તમામ લક્ષણોમાં પાયાનું લક્ષણ ‘વ્યક્તિની પોતાની નિર્ણય શક્તિ’ હોય છે. આપણે ત્યાં વ્યક્તિ 20 કે 25 વર્ષની થાય ત્યાં સુધી નિર્ણયો વડીલો ઉપર છોડવાનો રિવાજ છે. શાળા કે કૉલેજનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પણ મહત્વના કે નાના મોટા નિર્ણયો લેવામાં વડીલોને પૂછવાનો રિવાજ છે અને મોટે ભાગે વડીલો જે નિર્ણય આપે તેનો જ અમલ કરવો જોઈએ તેવા સંસ્કાર આપણામાં આવે છે. વડીલોના નિર્ણય વિરુદ્ધનો નિર્ણય લેનાર વ્યક્તિને સન્માનની દષ્ટિએ જોવાને બદલે તેને ઉદ્ધત કે બળવાખોર નજરે જોવાની ટેવ પડી છે. સમાજમાં વડીલોને પૂછવાનો રિવાજ હોય ત્યાં સુધી બરાબર છે, તેમનો મત જાણવો જરૂરી છે, તેમના અનુભવનો લાભ લેવામાં કંઈ ખોટું નથી પરંતુ વડીલો તેમની સમજ મુજબ, તેમના અનુભવ અને તેમના સમયમાં જે સામાજિક પરિસ્થિતિ હતી તેને આધારે નિર્ણય આપે છે. પરંતુ આજે પરિસ્થિતિ તદ્દન જુદી હોય તો નિર્ણય અલગ હોઈ શકે, તેવી સમજનો અભાવ જોવા મળે છે.

આગામી દસ કે વીસ વર્ષમાં અનેક રીતે વિશ્વ બદલાવાનું છે ત્યારે માત્ર વડીલોના નિર્ણય ઉપર જ આગળ વધવાનું કેટલું યોગ્ય છે તે પ્રત્યેક યુવાને વિચારી લેવું જોઈએ. આપણા કમભાગ્યે નવીન વિચારથી આગળ વધતા યુવાનને પ્રોત્સાહન અને પ્રેરણા આપવાને બદલે તેમને બીવડાવવામાં આવે છે. તેમને એમ કહેવામાં આવે છે : ‘જોજે પછી કાંઈ થાય તો અમને જવાબદાર ના કહેતો હોં !’ અને અહીંયાથી શરૂ થાય છે વ્યક્તિની અનિર્ણાયક સ્થિતિ – તે પોતે નિર્ણય લેવા સમર્થ હોવા છતાં અન્યોએ બતાવેલ ભયને કારણે પોતાના નિર્ણય ઉપર જીવવા અને આગળ વધવાને બદલે પ્રત્યેક ડગલે વડીલોએ બતાવેલ માર્ગ ઉપર આગળ વધે છે. ધીમે ધીમે તે પોતાની નિર્ણય શક્તિ ખોઈ બેસે છે અને તે આગળ વધવાને બદલે ત્યાં જ રોકાઈ જાય છે. આગવા નિર્ણયો લેવામાં જે હિંમત જોઈએ તેનો ધીમે ધીમે અભાવ વર્તાય છે અને અંતે તે સામાન્ય વ્યક્તિ તરીકે જીવન વ્યતિત કરે છે.

જાહેર સાહસોમાં આગળ વધવા માટે જે બાબતો જરૂરી છે તેમાં અગત્યની બાબત વતન છોડીને દૂર જઈને નવા વાતાવરણમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી, આગળ આવવાનું હોય છે. પરંતુ વતન છોડવા માટેની તૈયારીનો અભાવ વ્યક્તિની જિંદગી ઉપર ત્યાં જ પૂર્ણ વિરામ મૂકાવે છે. વતન છોડતાં આવવાની મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરીશું તેમ વિચારવાને બદલે વતન નહીં છોડવાનો નિર્ણય કરવામાં આવે છે, કરાવવામાં આવે છે. યુવાનો પોતાના વ્યવસાયમાં બઢતીની સાથે અન્ય જગ્યાએ બદલી હોવાથી બઢતી સ્વીકારવાનો ઈન્કાર કરે ત્યારે એમ લાગે છે કે વ્યક્તિ અત્યંત નાની ઉંમરે ‘વ્યાવસાયિક આપઘાત’ કરે છે. આ સમયે તેને હિંમત આપી આગળ આવવાની પ્રેરણા આપવાનો આપણા સમાજમાં રિવાજ નથી. તેને બદલે તેને આગામી પરિસ્થિતિનાં ભયસ્થાનો બતાવવામાં આવે છે.

આ સમયે જે યુવાન પોતાના પગ ઉપર ઊભો હોય છે તે પોતે જાતે પોતાની હિંમતથી નિર્ણય લઈ આગળ વધે છે. મહદઅંશે તેમાં તે સફળ જ થાય છે. જે વ્યક્તિઓ સફળ થઈ છે તેમણે તેમની હિંમતથી આગવા નિર્ણયો લીધા જ છે. પોતાના નિર્ણયો જાતે લઈ તેનાં સારાં-નરસાં-પરિણામ ભોગવ્યાં છે, પરંતુ નિર્ણય પોતાનો હોવાથી એક જાતની ખુમારીનો અહેસાસ થાય છે. ક્યારેક કોઈક નિર્ણય ભૂલ ભરેલો પણ હોય, પરંતુ હિંમતથી નિર્ણય લેવાની ટેવ પડી હોવાથી અંતે તો સફળતાને જ વરે છે. ક્યારેક આ વ્યક્તિ જીવનમાં પાછળ પડતી નથી. મોટે ભાગે તો તે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ નિર્ણય શક્તિની ટેવ તેને અંગત અને જાહેર જીવનમાં સતત ઉચ્ચ સ્થાને લઈ જાય છે. ઉચ્ચ સ્થાને પહોંચ્યા બાદ તો નિર્ણય શક્તિની વધારે જરૂર પડે છે.

લાંબા સમય સુધી અનિર્ણાયક પરિસ્થિતિમાં રહેનાર સરવાળે હિંમત ગુમાવે છે અને નિર્ણય લેવાના ભયમાં રહેતો હોવાથી સતત ભય સહિતની ગ્રંથીમાં જીવવાની ટેવ પડે છે. જેને કારણે ક્યારેક ભયના ઓથાર નીચે નિર્ણય લે છે તો તેમાં તે નિષ્ફળ જ જાય છે અને ત્યારે અન્યોનું સાંભળવું પડે છે ‘હું નહોતો કહે તો…’ અને તેથી હોય તેના કરતાં નિર્ણયશક્તિ ઓછી થઈ જાય અને જીવન વ્યર્થ લાગે. આ સંજોગોમાં વ્યક્તિએ નાનપણથી જ ખરા કે ખોટા નિર્ણયો જાતે જ લેવા જોઈએ. આ ટેવનો મહાવરો પૂરો પાડવાની વ્યવસ્થા શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ પૂરી પાડવી જોઈએ. બંને પ્રકારની સંસ્થાઓએ લોકશાહી વાતાવરણ પૂરું પાડી વ્યક્તિનો ઉછેર કરવો જોઈએ જેથી તે સ્વાવલંબી બને. આ અત્યંત લાંબી પ્રક્રિયા હોવાથી ટૂંકા રસ્તાઓ શોધી નિર્ણય લાદવાની રીત ત્યજી દેવાની તાત્કાલિક જરૂર છે. પરદેશમાં અઢાર વર્ષે યુવાનને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. આપણે પણ તેને અનુસરવાની ખાસ જરૂર છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનોખો લગ્નોત્સવ – મૃગેશ શાહ
સુંદરતાની વ્યાખ્યા – જિજ્ઞાસા જાની Next »   

14 પ્રતિભાવો : પ્રગતિનું અવરોધક પરિબળ – રણછોડ શાહ

 1. nayan panchal says:

  એકદમ સચોટ લેખ.

  આપણે આપણી આસપાસ એક સામાજિક કોચલું બનાવી દઈએ છીએ અને તેને તોડીને બહાર નીકળી શકવાની હિંમત નથી કરી શકતા. સૌથી શ્રેષ્ઠ છે કે સારા-નરસાનુ જ્ઞાન આપો પરંતુ નિર્ણય લેવાનુ તેમના પર છોડી દો. ભૂલ કરવી તો આપણો અધિકાર છે. ભૂલો કરીને આગળ વધેલો માણસ, ભૂલો કર્યા વગર આગળ વધેલા માણસ કરતા વધુ અનુભવી હોય છે.

  એકવાર આપણે comfort zone માં જતા રહીએ પછી તેમાંથી બહાર નીકળવાનુ શરૂઆતમાં આકરૂ લાગે છે પરંતુ પછી તેના મીઠા ફળ પણ ચાખવા મળે છે.

  નયન

 2. કેતન રૈયાણી says:

  ખૂબ સુંદર લેખ….આજના વાલીગણ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે…!!!

 3. અતુલ જાની (આગંતુક) says:

  નાનકડો લેખ હોવાથી સંપુર્ણપણે પ્રગતિના અવરોધક બળોનું વિશ્લેષણ અહીં ન થઈ શકે તે સમજાય તેવી બાબત છે. પરંતુ મુખ્ય પરીબળ “નિર્ણયાત્મક શક્તિનો અભાવ” ને સારી રીતે સમજાવવામાં આવ્યું છે.

  અદ્યાત્મનો રસિક હોવાને લીધે દરેક લેખને આધ્યાત્મિક રીતે મૂલવવાની મને ટેવ પડી ગઈ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો નિર્ણય લેવાનું કામ બુદ્ધિ કરે છે. અને ભગવદ ગીતાના કહેવા પ્રમાણે જોઈએ તો બે પ્રકારની બુદ્ધિ હોય છે ૧.વ્યવસાયાત્મિકા બુદ્ધિ અને ૨.અવ્યવસાયાત્મિકા બુદ્ધિ

  વ્યવસાયાત્મિકા બુદ્ધિ પોતાના ધ્યેયનો – લક્ષ્યનો નિર્ણય કરે છે અને પોતાનો પુરૂષાર્થ હંમેશા તે લક્ષ્યપ્રાપ્તિ અર્થે જ કરે છે. જ્યારે અવ્યવસાયત્મિકા બુદ્ધિ અનેક પ્રકારના ધ્યેય રાખે છે અને થોડીક વાર એકની પાછળ વળી પાછી અન્યની પાછળ એમ અહીં તહી ભટક્યા કરે છે અને કશું ય નક્કર સિદ્ધ કરી શકતી નથી. તેથી ભગવાન પણ આ પ્રકારના નિશ્ચિત ધ્યેય વાળી વ્યવસાયાત્મિકા બુદ્ધિની પ્રશંસા કરે છે તથા તેને પ્રાપ્ત કરવાની હિમાયત કરે છે.

 4. pragnaju says:

  પ્રગતિનું અવરોધક પરિબળની સુંદર છણાવટ
  જીવનમાં વિકાસના પથના બે માર્ગ છે-
  શ્રેયશ્વ પ્રેયશ્વ મનુષ્યમતેવ તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીરઃ ।
  શ્રેયો હિ ધીરોઙભિપ્રેયસો વૃણીતે, પ્રેયો મંદો યોગક્ષેમાતે વૃણીત ॥
  અને આ પ્રગતિની શરુઆત બને તેટલી વહેલી કરવી જોઈએ.
  यावत्स्वस्थमिदं शरीरमरुजं यावज्जरा दूरतो ।
  यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः ॥
  आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् ।
  संदीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥

 5. કલ્પેશ says:

  પ્રગ્નાજુ સર,

  આ ૨ શ્લોકના અર્થ સમજાવશો?

 6. સમ્પ્રુન રિતે સાચિ વાત , પોતાના dissison લેવાનિ તાકાત મજ્બુત મનોબલ સુચવે ચ્હે.

 7. Nupoor Mehta says:

  Pragnaju bhai,

  શ્લોક વાચી ને… અર્થ સમજવા નુ મન થૈ ગયુ……

 8. ભાવના શુક્લ says:

  નિર્ણયાત્મક શક્તિનો પહેલા અર્થ સમજવો પડે… જે નિર્ણયો સફળતાના પંથે આગળ વધે તેને સરાહના મળે અને એકાદ નિર્ણય જો ખોટો પડે તો બેક ટુ પેવેલીયન…..

  ખરી જરુર આત્મવિશ્વાસ ક્યારેય ડૂબે નહી અને સારાસાર નો વિવેક રહે તેવા પરિબળો બાળપણથી ઉભા કરેલા હોય તે બહુ અગત્યનુ છે.

 9. અતુલ જાની (આગંતુક) says:

  શ્રેયશ્વ પ્રેયશ્વ મનુષ્યમેતસ્તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીરઃ ।
  શ્રેયો હિ ધીરોઙભિ પ્રેયસો વૃણીતે, પ્રેયો મંદો યોગક્ષેમાદ્ વૃણીતે ॥
  (કઠોપનિષદ, અધ્યાય ૧, દ્વિતિય વલ્લી, શ્લોક ૨)

  શ્રેય અને પ્રેય મનુષ્યને પ્રાપ્ત થાય છે. ધીર તે બંનેને સમ્યક જોઈને પૃથક કરે છે, પછી તે ધીર પ્રેયથી પૃથક કરીને શ્રેયને જ ગ્રહણ કરે છે, અને અલ્પબુદ્ધિવાળો યોગક્ષેમ માટે પ્રેયને ગ્રહણ કરે છે.

 10. અતુલ જાની (આગંતુક) says:

  यावत्स्वस्थमिदं शरीरमरुजं यावज्जरा दूरतो ।
  यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः ॥
  आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् ।
  संदीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥

  આ શ્લોકનો મારી અલ્પમતિ પ્રમાણે કાંઈક આવો અર્થ હોઈ શકે.

  જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, ઘડપણ આવ્યું નથી, ઈન્દ્રિયોની શક્તિ હણાઈ ગઈ નથી તથા આયુષ્ય ક્ષિણ થઈ ગયુ નથી ત્યાં સુધીમાં જ આત્મ-કલ્યાણ માટે બુદ્ધિમાન લોકોએ મહાન પ્રયત્ન કરી લેવો જોઈએ. ત્યાર બાદ જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવા જવાથી શું ફાયદો ?

 11. pragnaju says:

  શ્રી અતુલભાઈએ સરસ સમજાવ્યું છે
  તેના અનુસંધાનમાં આ પ્રગતિની શરુઆત બને તેટલી વહેલી કરવી જોઈએ તેવા ભાવ સાથેનો શ્લોક,ભર્તૃહરિ મહારાજના વૈરાગ્યશતકમાંથી છે – આત્મોન્નતિનું અને સાંસારિક સમુન્નતિનું કાર્ય યુવાવસ્થામાં જ થાય એ આવશ્યક છે. એ બંને કાર્યો સાથે કરાવાં જોઈએ.તેવી રીતે જીવનમાં શ્રેય અને પ્રેયનો સમન્વય સાધવાથી શાંતિ સાંપડશે.આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તેનો શો અર્થ્?

 12. neelam.m.bhatt. says:

  આપનો લેખવાચીને ખુબ પ્રેરના મળી. પહેલીવાર પ્રતિભાવ આપતી હોવાથી ભુલ ચુક માફ કરશો.
  આ લેખ વાચીને પોતમેલે નિર્ણાય લેવાનિ હિઁમત વધી. માણસને ડરમાથી બહાર લાવવામા આવા
  લેખોની ખૂબ જરુર છે.

 13. Ashish Dave says:

  It is better to take a wrong decision then not taking any decisions. Excellent article.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.