સુંદરતાની વ્યાખ્યા – જિજ્ઞાસા જાની

[‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2008’માં પ્રાપ્ત થયેલી અનેક કૃતિઓમાંની એક કૃતિ. શ્રીમતી જિજ્ઞાસાબેનનો (ટેક્સાસ, અમેરિકા) આપ આ સરનામે jjani27@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]

ધ્રૂજતા હાથે સ્નેહાએ પત્ર સ્વપ્ન આગળ ધર્યો. પત્રને હાથમાં લેતા સ્વપ્ને પૂછ્યું, ‘આ શું છે સ્નેહા ?’ આંસુઓથી છલોછલ ભરાયેલી નજરોથી સ્વપ્નને જોઈ સ્નેહાએ કહ્યું, ‘જે મારાથી શબ્દોમાં કહી શકાતું નથી એ હકીકત આ પત્રમાં છે. તમે પહેલાં વાંચો પછી વાત.’ આતુરતા અને ચિંતાનાં મિશ્રીત ભાવથી સ્વપ્નએ પત્રને વાંચવાની શરૂઆત કરી.

‘મારા પ્રાણેશ્વર પતિદેવ,
ભલે આ સંબોધન વર્ષો જૂનું હિંદુનારીનું તેના પતિ માટેનું સંબોધન છે પણ મારે માટે સંપૂર્ણ સત્ય છે. તમે મારું જીવન છો અને મારા ભગવાન તથા દેવ પણ છો. મારું એ પરમ સૌભાગ્ય છે કે તમારા જેવા સુંદર અને સમજુ પતિ મને મળ્યા છે; પણ તમારી એક ભૂલ અને મારા સ્વાર્થને કારણે હું તમારું આખું જીવન ખરાબ જાય એમ ઈચ્છતી નથી. આપણો સાત વર્ષોનો સાથ થોડાક ઊતાર ચઢાવ સાથે સુખ અને શાંતિભર્યો રહ્યો છે. આપણા સ્નેહનાં સુફળ સ્વરૂપે આપણી વ્હાલી પુત્રી સુગંધિ સાંપડી છે. પરંતુ તમારા મનમાં ઊંડે ઊંડે ક્યારેક એમ લાગતું હોય કે મારા જેવી સામાન્ય દેખાવની પત્ની મેળવીને ભૂલ કરી છે તો એ ભૂલની સજા સ્વરુપે તમારું શેષ જીવન દુ:ખમાં વીતે એમ હું ઈચ્છતી નથી. સુંદર પતિ મેળવીને હું તો ઘણી જ ખુશ છું; પણ મારા સ્વાર્થને પોષવા માટે હું તમને દુ:ખી જોવા માગતી નથી. અને તેથી જ હું કાલે સુગંધિ ને લઈને હંમેશા માટે મારે પિયર જવાની છું. મારી એક જ ઈચ્છા કે તમે તમારા જેવી જ રૂપાળી જીવનસંગીની મેળવીને બાકીનું જીવન સુખમાં જીવો.
લિ. સ્નેહા.’

આનાથી વધુ આગળ વાંચવાને બદલે, સ્વપ્નએ સ્નેહાને પૂછ્યું, ‘બસ સાત વરસમાં જ થાકી ગઈ ? મને તો એમ કે તું સાત જન્મો સુધી સાથ આપીશ. મને કહે તો ખરી કે મારા કયા ગુના બદલ તું મને આવી ભયાનક સજા કરવા માંગે છે?’ તરત જ સ્નેહા સ્વપ્નનાં બંને હાથ લાગણીથી પોતાના હાથમાં લઈને બોલી, ‘સજા તો અત્યાર સુધી તમે વેઠી છે. આજથી સાત વરસ પહેલાં કોઈ આદર્શવાદના ભાવાવેશમાં આવીને; મારા જેવી તદ્દન સામાન્ય દેખાવની છોકરી સાથે લગ્નની ‘હા’ પાડી બેઠા અને મારી સાથે લગ્નબંધનથી જોડાયા. હું તો મારા રૂપાળા પતિને મેળવ્યાના આનંદમાં અને સ્વપ્નનાં સુખોમાં રાચતી રહી અને તમારા ત્યાગને કે દુ:ખને ના સમજી શકી.

સ્વપ્ન તો સ્નેહાના પત્રને વાંચીને ઘણો આઘાત પામ્યો હતો કે એટલું જ બોલ્યો, ‘સ્નેહા, શું તને ભુલમાં મેં દુભવી છે કે મારાથી કશું કહેવાઈ ગયું છે ? તને એમ કયા કારણે લાગે છે કે હું તારી સાથે દુ:ખી છું ? હું તો મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી પતિ અને પિતા માનું છું.’
‘ના…ના…’, સ્નેહા આજીજીભર્યા અવાજે બોલી, ‘સ્વપ્ન, તમે તો મને ક્યારેય દુ:ખ પહોંચાડ્યું નથી અને તેથી જ હું આંખ આડા કાન કરીને હકીકતને જોતી નહોતી. આપણા પ્રેમભર્યા સંબંધોને માણવામાં હું આપણા બાહ્ય રૂપરંગનાં તફાવતને ભૂલી જ ગઈ હતી. પરંતુ હવે તો આની અસર સુગંધિને પણ થઈ રહી છે. તમે ભલે ના કહો પણ જો મિસ ઈન્ડિયાની જેમ મિસ્ટર ઈન્ડિયાની સૌંદર્ય સ્પર્ધા હોત તમે જરૂર જીતો. તમે સાચે જ દરેક કુંવારિકાના સ્વપ્નમાં આવતા રાજકુમાર છો. તમને પરણીને એ સ્વપ્ન મારા જીવનમાં તો સાકાર થયું છે. પણ હું તદ્દન સામાન્ય દેખાવની અને વળી પાછી ભીને વાન કન્યા અને ક્યાં તમારા જેવો રૂપાળો વર. આ વીતેલાં સાત વર્ષોમાં મને દુનિયાએ સાતસોથી પણ વધારે વખત ‘હું રૂપાળી નથી’ એ કડવા સત્યની વારંવાર યાદ અપાવી છે.’

‘જ્યારે પણ આપણે સાથે બહાર જઈએ ત્યારે લોકોની નજર આપણને વળીવળીને જોયા કરે છે. જે લોકોથી પૂછી શકાય છે એ લોકો મને પૂછતા હોય છે કે તમારી કઈ વિવશતા હતી કે એના કારણે તમે મને પરણ્યા છો ? સ્વપ્ન, તમને યાદ છે જ્યારે તમે પહેલી વખત સુગંધિને લેવા બાલમંદિર ગયા હતા અને સુગંધિનાં શિક્ષકે કોઈ બીજાની રૂપાળી છોકરીને બોલાવીને તમને સોંપવા લાગ્યા. જ્યારે મારા વગર તમે સુગંધિને લઈને બહાર જાઓ છો ત્યારે લોકોને લાગે છે કે કોઈ બીજાની બાળકીને લઈને જઈ રહ્યા છો. તમને યાદ છે ત્રણ દિવસ પહેલાં જ મારા મામી, વિદ્યાબા, મંજરી, નીશા અને તારુણ્ય આવ્યા હતા ? એ દિવસની વાતના પડઘા આજે પણ મને સંભળાય છે. હું રસોડામાં હતી ત્યારે મામી આપણી પાંચ વર્ષની સુગંધિને કહે કે, ‘સ્વભાવે તો તું તારી મમ્મી જેવી જ મીઠી અને પ્રેમાળ છે પણ ભગવાને તને તારા પપ્પાનું રૂપ આપ્યું હોત તો તારું ભાગ્ય આસમાનને પણ આંબી જાત. હવે એમ કર કે તારી મમ્મી પાસેથી એ જાદુ શીખી લે કે તેણે કઈ રીતે તારા પપ્પાને પોતાના કરી લીધા છે. ગઈકાલે સુગંધિ મારી પાસે આવીને કહે છે કે, ‘મમ્મી મને તું જાદુ શીખવાડીશ ? મામી-બા કહેતા હતા કે તે પપ્પા પર જાદુ કર્યો છે…’ આટલું કહી સ્નેહાના ગળામાં ડૂમો ભરાઈ ગયો.

સ્વપ્નએ સ્નેહાના માથે પ્રેમ ભર્યો હાથ ફેરવતા કહ્યું, ‘સ્નેહા, મને તો તું હંમેશા સુંદર જ લાગી છે. તારી અત્યંત ભાવવાળી આંખો અને નાના બાળક જેવું નિર્દોષ હાસ્ય મને હંમેશા તારા તરફ આકર્ષે છે. પરંતુ આજે હું તને જે ઘણા સમયથી વાત કહેવી હતી તે કહું છું. હું જાણું છું કે તને તારા સામાન્ય દેખાવનો ઘણો ક્ષોભ છે પણ આજે તને હું મારી ‘સુંદરતા’ની વ્યાખ્યા કહું છું. આપણા લગ્ન પહેલા મેં તને જોઈ હતી અને તારા વિશે મારા ફોઈ પાસેથી ઘણાં જ વખાણ સાંભળ્યા હતા. તે જ્યારે આપણી જ્ઞાતિમાં ગૌશાળા માટે બધા પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો ત્યારે લોકો હસતા હતા કે આજના જમાનામાં ગૌશાળા કોણ બાંધે છે ? અને તેં કહ્યું હતું કે, ‘જે લોકો આજના જમાનામાં પણ ગાયનું દૂધ પીએ છે એ બધા જ.’ વળી તને મેં તારા ઘરડા દાદાની સેવા કરતાં પણ જોઈ હતી. જ્યારે બધા ભેગા થઈને હિન્દી ફિલ્મ જોવા જતા ત્યારે તું દાદા પાસે બેસીને ભજન ગાતી. તે હંમેશા બીજાનો જ વિચાર કર્યો છે અને તારા પ્રેમાળ સ્વભાવથી બધાને પોતાના કર્યા છે. હવે રહી બાહ્ય દેખાવની વાત, તો તને આજે રૂપરંગની ઓળખ આપું….’

‘સ્નેહા, તું રૂપાલીકાકીને તો ઓળખે જ છે ને ? જ્યારે રૂપાલીકાકી લગભગ વીસેક વરસનાં હતા ત્યારે દીપકકાકા સાથે તેમનાં લગ્ન થયા હતાં. હું ત્યારે લગભગ એક વર્ષનો હતો. અમે બધા એ વખતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. કાકીના અદ્દભૂત રૂપરંગની વાતો આખા જિલ્લામાં જાણીતી હતી. રૂપાલીકાકી હંમેશા કહેતાં કે જો એ જમાનામાં અમારા ગામમાં સૌંદર્યની સ્પર્ધા હોત તો હું જ પ્રથમ આવત. હવે તો એમને પરણીને એ મોટા અને ધનવાન ઘરમાં આવ્યા એનો સંતોષ હતો. જુવાનીનું રૂપ અને હવે પૈસાદાર બનવાથી રૂપાલીકાકીની પ્રતિષ્ઠા પણ વઘી હતી. દીપકકાકાને પણ એક રૂપસુંદરી પોતાની પત્નીના રુપે મળ્યાનું ગૌરવ હતું. કાકીને હું ખૂબ ગમતો. મને કહેતાં કે તારી રૂપાળી ભૂરી આંખો જોઈને તારું નામ તો ‘સાગર’ શોભે છે અને પછી કહે, ‘એક દિવસ તારાથી પણ સુંદર તારી બેન એટલે કે મારી દીકરી હશે.’ લગ્નનાં શરૂઆતનાં વર્ષો તો ક્ષણોની જેમ પસાર થઈ ગયા. ચારેક વર્ષો પછી બધા કાકીને માતા બનવા માટેની સલાહ આપવા અને પછી દબાણ કરવા લાગ્યા. પરંતુ કાકીને પોતાની સુંદરતાને અકબંધ રાખવી હોવાથી બાળકને માટે રાહ જોવી હતી. આખરે આઠ વર્ષ પછી કાકીનાં ઘેર પારણું બંધાવાનું હતું.

મોટા ભાગે સૌ સ્ત્રીઓને દીકરાની ઈચ્છા હોય છે પરંતુ કાકી તો દીકરીની જ ઈચ્છા રાખતાં હતાં. કાકી એક જ વાત કહેતાં કે મારી દીકરી તો આખા વિશ્વમાં તેના સોંદર્ય માટે પ્રખ્યાત થશે. સૌથી સુંદર કોણ તો લોકો કહેશે કે…દીપાલી…. હા સ્નેહા, કાકીએ તો દીકરીનું નામ પણ નક્કી કરીને રાખ્યું હતું. પોતે જે કરી ન શક્યા એ બધું જ પોતાની દીકરીને કરાવશે. માતૃત્વના નવ મહિનામાં પોતાની દીકરીના ફોટા કયા સામાયિકોમાં આવશે અને કઈ કંપની માટે તે મોડેલ બનશે એ પણ એમણે નક્કી કરી રાખ્યું હતું. માત્ર બોલીવુડ નહીં પણ હોલીવૂડમાં કોની સાથે દીપાલી ફિલ્મમાં આવશે એની ચર્ચા પણ એ કાકા સાથે કરતા હતા. જો કે દીપકકાકાને માટે તો આટલાં વર્ષો પછી બાળકનું આગમન જ પૂરતું હતું.

રૂપાલીકાકીનાં પ્રસુતિ સમયે મારી મમ્મી હાજર હતી. બાળકના રડવાનો અવાજ સાંભળતા જ કાકીએ મમ્મીને પૂછ્યું અને ‘દીકરી જન્મી છે’ સાંભળીને તો એ અત્યંત ખુશ થઈ ગયા. બે મિનીટ પછી કાકીના હાથમાં દીપાલીને આપવામાં આવી. દીપાલીને જોઈ એક ક્ષણમાં જ કાકીએ ઘાંટો પાડ્યો ‘મને મારી દીકરી આપો.’ કારણકે કાકીની નજર તો દુનિયાની સૌથી રૂપાળી દીકરીને શોધી રહી હતી. સામાન્ય દેખાવની દીપાલીને એ સ્વીકારી ન શક્યા. શરૂઆતમાં તો નવજાત દીપાલીનો ઉછેર કાકીના મમ્મીએ કર્યો. એ તો બે ને બદલે છ મહિના પછી પિયરથી પાછાં આવ્યા. નાની દીપાલી રાત્રે રડે, ત્યારે મારા કાકા તરત દોડીને એને ઊંચકી લેતા. જ્યારે કાકીએ તો પોતાનું વજન ઉતારવા અને ફરીથી રૂપાળા દેખાવામાં જ તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રૂપાલીકાકીની ઘણી જ ઈચ્છા હતી કે એ ફરીથી મા બને અને બીજું સંતાન એમની ઈચ્છા પ્રમાણે અત્યંત રૂપાળું હોય. ઘણા પ્રયત્નો પછી પણ એમની એ ઈચ્છા અધૂરી જ રહી. કાકી એકવાર ઉદાસ નજરે દીપાલીને જોઈ અને મને સંબોધીને મારી મમ્મીને કહે, ‘ભાભી, મને તમારો સ્વપ્ન આપો અને તમે મારી દીપાલીને રાખો. હું તમારા સ્વપ્નને ખૂબ સફળ અને પ્રખ્યાત બનાવી દઈશ.’ એટલું કહી ઊંડા નિશ્વાસ સાથે દીપાલીને ખોળામાંથી ઉતારી બાજુનાં ઓરડામાં જતા રહ્યા. નાનકડી દીપાલી હજી મમ્મીના શબ્દો સમજવા જેટલી મોટી થઈ નહોતી. દીપાલી છ-એક વર્ષની થઈ ત્યાં સુધી એ મોટાભાગે કાકા, મારી મમ્મી અને કુટુંબના અન્ય સભ્યોના ઉછેરમાં મોટી થઈ. તેની સાતમી વર્ષગાંઠના દિવસે કાકા-કાકી વચ્ચે કાકીના દીપાલી તરફનાં ઉપેક્ષીત વર્તનને લઈને મોટો ઝઘડો થયો હતો. કાકી તો દીપાલી અને કાકાને મૂકીને પોતાને પિયર ચાલ્યાં ગયાં પણ થોડાક દિવસો પછી એમના ભાઈ તેમને પાછાં મૂકી ગયા.

ત્યાર પછી કાકીનું વર્તન દીપાલી તરફ બદલાયેલું જણાયું. શરૂઆતમાં તો બધાને ગમ્યું કારણ કે હવે કાકી દીપાલીનું ધ્યાન રાખવા લાગ્યાં હતાં. પરંતુ કાકીનું ધ્યેય હવે દીપાલીને રૂપાળી બનાવવાનું હતું. કાકી દીપાલીને ઘસીને દિવસમાં બેવાર નવડાવતાં, વાળ ઓળી આપતાં, દિવસમાં ત્રણવાર કપડા બદલાવતાં અને જો દીપાલી સહેજ ગંદી થાય કે કપડા ચોળાય તો કાકી તેને સજા કરતાં. કાકીના વર્તનને ન સમજી શકતી દીપાલી એકલવાયી થતી ગઈ. દીપકકાકા દીપાલીની ઘણીવાર વહારે આવતા અને કાકીને દીપાલીને બાળપણ માણવા દેવાની અને રમવા કૂદવાની છૂટ આપવાનું કહેતા. કાકાનાં અનેક નિષ્ફળ પ્રયત્નો પછી પણ કાકીનો દીપાલી સાથેનો વ્યવહાર ન બદલાયો. થાકીને કાકાએ પોતાનો વધુને વધુ સમય ધંધામાં આપવા માંડ્યા. આ બાજુ દીપાલીનો આક્રોશ વધતો ગયો અને કાકી સાથે અવારનવાર ઝઘડો પણ થતો. દીપાલી મારી સાથે હંમેશા દિલ ખોલીને વાત કરતી અને મારી મમ્મીને એ ‘સાચી-મા’ કહેતી. દીપાલી હજી બારેક વર્ષની જ હતી અને ત્યાં તો કાકાનું હૃદયરોગના હુમલામાં અવસાન થયું. આ આઘાત સહેવો એ કાકી અને દીપાલી બંને માટે ખૂબ કપરો હતો. દીપાલી હવે કાકી સાથે ઓછું બોલતી અને પોતાના અભ્યાસ અને વાંચનમાં જ મશગૂલ રહેતી. હવે તે કાકી સાથે કોઈ પણ ફેશન-શૉ કરતી ન હતી અને પોતાના દેખાવ કે વર્તનની પરવા પણ કરતી ન હતી.

દીપાલીએ કાકીની જાણ બહાર જ અમેરિકાની કોલેજમાં એડમીશન લઈ લીધું અને મારા આગ્રહથી જ આપણા લગ્ન સુધી રાહ જોઈ અને પછી જ અમેરિકા ગઈ. યાદ છે ? – આપણા લગ્નના અઠવાડિયા પછી તે અમેરિકા ચાલી ગઈ હતી. આપણે બધાં દીપાલીને એરપોર્ટ મૂકવા ગયા હતા. અમેરિકા જતાં પહેલા એરપોર્ટ પર દીપાલીએ મને એકાંતમાં બોલાવીને કહ્યં હતું કે, ‘ભાભીની સાથેની મારી બે મુલાકાતમાં જ મને સમજાઈ ગયું કે સ્વપ્નભાઈ તમને તો સાચે જ રત્ન મળ્યું છે. જો….જો….વળી, બાહ્ય ચમક–દમકની ઘેલછામાં એને ખોઈ ન નાખતાં.’ પાંચ વરસમાં માત્ર એક જ વખત દીપાલી ભારત આવી હતી. કાકીની ઈચ્છા વિરુધ્ધ એણે અમેરિકામાં પોતાની સાથે જ ભણતા એક દક્ષિણ ભારતીય ડોક્ટર સાથે લગ્ન કરી લીધા. લગ્ન થયું એ પહેલાં સુધી કાકીને હતું કે એક દિવસ દીપાલી સમજશે કે તેની મમ્મીએ બધું એની ભલાઈ માટે જ કરતી હતી અને દુનિયામાં આગળ વધવા માટે રૂપ અને રંગ ખૂબ જ જરૂરી છે.

હવે તને યાદ કરાવું કે થોડાક મહિનાઓ પહેલા કાકીની તબિયત બગડી હતી અને હું એ વખતે કાકી પાસે દસેક દિવસો સુધી રોકાયો હતો.. ત્યારે સુગંધિ નાની હોવાથી તું અહીં મમ્મી સાથે રહી હતી. એ દરમ્યાન થોડાક સમય માટે દીપાલી આવી હતી. ડોક્ટરો પાસે દવા કરાવતા જણાયું કે કાકીને સ્કીન (ચામડીનું) કેન્સર છે. દીપાલીએ કાકીની કાળજી રાખે અને સતત જોડે રહે એવી એક નર્સની વ્યવસ્થા કરી અને બે જ અઠવાડિયામાં અમેરીકા પરત ગઈ. આજે કાકીની એક માત્ર ઈચ્છા છે કે દીપાલી પોતાની સાથે રહે પણ દીપાલીએ પોતાની નવી દુનિયા વસાવી છે જેમાં ન તો બાહ્ય સુંદરતા કે ન તો કાકીનું સ્યાન છે. હવે કાકી રડતાં રડતાં કહે છે કે જે ચામડી અને રૂપનું મને અગાઉ અભિમાન હતું એ જ હવે મારા મૃત્યુનું કારણ બનશે. આ સુંદરતા તો મારા માટે સાપના વિષ કરતા પણ વધુ ઘાતક બની ગઈ. હવે તું જ કહે સ્નેહા, જે સુંદરતાએ મારા કાકાનો જીવ લીધો, મારી બહેન દીપાલીનું બાળપણ છીનવ્યું અને કાકી માટે વિનાશક બની છે, એવા રૂપનો શો ખપ ?’

સ્નેહાએ આંસુ લૂછી નાખ્યાં; સ્વપ્ન પાસેથી પત્ર લઈને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા અને કહ્યું કે હવે તો આપણે આખી જીદંગી જોડે જ જીવવાની છે. એમ કહેતા સ્નેહાએ ફોન હાથમાં લીધો.
‘સ્નેહા કોને ફોન કરે છે ?’ સ્વપ્નએ પૂછ્યું.
‘રૂપાલીકાકીને’, સ્નેહાએ જવાબ આપતા કહ્યું, ‘હું એમને કહેવાની છું કે એમની બેગ તૈયાર રાખે. આપણે કાલે જઈને એમને આપણે ઘેર લઈ આવીશું. હવે એમને એકલા રહેવાની જરૂર નથી.’ ફોનની ઘંટડી વાગતી હતી અને સ્વપ્ન વિચારતો હતો કે મારા જીવન-સ્વપ્નને સાકાર કરીને દરેક ક્ષણોને સ્નેહથી ભરી દેતી સ્નેહાએ મને સૌથી અમુલ્ય ભેટ સુગંધિની આપીને મારા જીવનને અત્યંત સુંદર બનાવી દીધું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રગતિનું અવરોધક પરિબળ – રણછોડ શાહ
બે વાનગીઓ – માલતિ માલવિયા Next »   

27 પ્રતિભાવો : સુંદરતાની વ્યાખ્યા – જિજ્ઞાસા જાની

 1. nayan panchal says:

  સરસ વાર્તા.

  ખરેખર, beauty lies in the eyes of the beholder અને તેથી જ સંસારની દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, અરે આખો સંસાર જ સુંદર છે.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  સુંદરતાની સુંદર વ્યાખ્યા જાણીને ઘણો જ આનંદ થયો. બાહ્ય રૂપ આંખનો વિષય છે અને આંખને વારંવાર સૌંદર્ય માણવુ ગમે છે. પરંતુ શું સુંદર છે અને શું અસુંદર છે તેનો નિર્ણય બુદ્ધિ કરે છે. તેથી એક વાર બુદ્ધી કહે કે આ વસ્તુ સુંદર છે પછી આંખને પણ તે સ્વીકારવું જ પડે છે કે હા તે સુંદર છે. બાહ્ય સુંદરતા કરતાં આંતરિક ગુણોનું મહત્વ સવિશેષ છે. અને વાસ્તવિક સુખ દુખ આપવામાં કારણભુત આ આંતરગુણો જ બને છે. બાહ્ય સુંદરતા કે કુરુપતા માત્ર આભાસી સુખ કે દુઃખ આપે છે પરંતુ ખરેખર તે સુખ દુઃખના કારણરુપ થઈ શકતા નથી. સ્વપ્નની સમજણને ધન્યવાદ.

  જીજ્ઞાસાબહેન હજુ પણ વધારે લેખની અપેક્ષા સાથે ખુબ ખુબ ધન્યવાદ.

 3. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા. અભિનંદન.

 4. pragnaju says:

  સુંદરતાની સુંદર વ્યાખ્યાવાળી વાર્તા અને સુંદર અંત “સ્વપ્ન વિચારતો હતો કે મારા જીવન-સ્વપ્નને સાકાર કરીને દરેક ક્ષણોને સ્નેહથી ભરી દેતી સ્નેહાએ મને સૌથી અમુલ્ય ભેટ સુગંધિની આપીને મારા જીવનને અત્યંત સુંદર બનાવી દીધું છે.”

 5. કલ્પેશ says:

  એક સમાજ તરીકે આપણા સુંદરતાના વિચારો કેવા?

 6. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. જિજ્ઞાસાબેને ખુબ ખુબ અભિનંદન.

 7. Gita P Joshi says:

  It is really verry good.There is a lot to learn from this story for the young genration.

 8. આશુતોષ સી. ભટ્ટ says:

  સૌંદર્ય કરતાં ગુણનું મહત્વ વધારે છે. વાર્તામાં ખૂબ સુંદર સમજાવ્યું છે. આવી જ સુંદર વાર્તાઓ લખતાં રહો. ખૂબ સરસ વાર્તા છે. ખૂબ ખૂબ અભિનંદન. -જ્યોત્સ્ના.

 9. Neal (Australia) says:

  Well done!! Jignasha Di, I think nowdays we have to learn this lesson , bcz i m one of the guy who suffer from this due to my parents wants me to marry BEAUTIFUL girl who look as good as bollywood acctress..I did got married to gorgeous girl but she she was beautiful from outside not from inside…we divorce within 2 months..Now still my parents wants beautiful girl…i always tell them look is not everything….but have to print this story and show them…

 10. સુંદર વિચારો .. !!

 11. ભાવના શુક્લ says:

  સુંદરતાને એક નિશ્ચિત વ્યાખ્યામા બાંધવી એક પડકાર રુપ છે. આંખોથી દેખાઈ શકે રે એક સુંદરતા હોય અને હૃદય-મન અનુભવી શકે તે બીજી સુંદરતા હોય શકે….

  બહુ સરસ વાર્તા….એક સરેઆમ સફળ પ્રયત્ન…

 12. Dhaval B. Shah says:

  સરસ વાર્તા.

 13. Ashish Dave says:

  Very sweet…

  Ashish Dave
  Sunnyvale, California

 14. Gira says:

  Decent story.. which leaves thoughtful message! 🙂

 15. Krupa Shah says:

  Hi jignasa, the ariticle was really very nice, i like it very much. thanks for sending me.
  krupa shah(dallas)

 16. Hardik says:

  ખૂબ ખૂબ આભાર..

  I always believe in this and reading this story delighted me really 🙂

  આ સરસ સુંદર વાર્તા હું મારા મિત્રો સાથે share કરીશ..

 17. Ano... says:

  શુ આ બદ્ધે લાગુ પડે ચ્હે?

 18. dilip says:

  ખરેખર સરસ વાર્તા, ગમી. અન્તે થોડુ લખવા નુ જે તમે બાકી રાખ્યુ હુ લખી આપુ.

  દુનીયા કરતી રુપ ની પુજા રુપ પર જાય સૌ વારી,
  હુ મન ની સુન્દરતા જોવુ મારી વાત જ ન્યારી.

  દીલીપ ચૌધરી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.