પદ્યસંચય – સંકલિત

[1] પગલું – ગીતા પરીખ

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી !

હૈયાનાં દ્વાર હજી ખૂલ્યાં-અધખૂલ્યાં ત્યાં
અણબોલી વાણી તેં જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંળી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
.

[2] હસતો રહ્યો – જમિયત પંડ્યા

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.

ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે:
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો…

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો…
.

[3] પ્રીત કીધી – જયન્ત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી
કે ઘૂંટમાં આખી પિયાલી પીધી !
પીંછામાં એક, અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ.

એક એવી તે પ્રીત અમે કીધી
કે મીટમાં નજરું હજાર બાંધી લીધી !
એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ
ઊઘડ્યાં ફટોફટ ફૂલ;
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં
વનવનનાં પર્ણો વ્યાકુળ:
એક એવી તે પ્રીત અમે કીધી
કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી !
.

[4] ન ખણાય કૂવો – દલપતરામ કવિ

ન ખણાય કૂવો ક્ષણમાં ખણતાં જ,
ખણાય કૂવો ખણતાં ખણતાં.

ન ચણાય હવેલી પૂરી પળમાં જ,
ચણાય પૂરી ચણતાં ચણતાં.

ન વણાય પૂરું પટ તો પળમાં જ,
વણાય પૂરું વણતાં વણતાં.

ન ભણાય ઘણું દિનમાં દલપત્ત,
ભણાય ઘણું ભણતાં ભણતાં.
.

[5] હવા થઈને – ધીરુ પરીખ

ચલો ચલોને આજ
હવે તો હવા થઈને ફરીએ –
રાત આખીનાં જંપ્યાં જળને
જરી જગાડી
થનગન થનગન નર્તંતાં તો કરીએ.

ફૂલ ફૂલમાં બાંધી ફોરમ,
ત્યાંથી મુક્ત કરીને એને
ઉપવન આખું ભરીએ.

હરચક ભરચક લૂમઝૂમ
ખેતરમાં સાગર
લીલાશનો ઉછાળી
ઉપર હળુહળુ કંઈ તરીએ.

ઘટા આખીનાં મૂંગામંતર
પાનપાનના કાનકાનમાં
એવું તે કૈં કહીએ….
ખડખડ હસતાં કરીને પાછાં
દૂર દૂર શું સરીએ…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે વાનગીઓ – માલતિ માલવિયા
બંટુડો – ગુલાબદાસ બ્રોકર Next »   

11 પ્રતિભાવો : પદ્યસંચય – સંકલિત

 1. Niraj says:

  “જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો”
  સરસ…

 2. gopal parekh says:

  જમિયત પઁડ્યાની ગઝલ બહુ જ ગમી

 3. nayan panchal says:

  જમિયત પંડ્યાની ગઝલ ખૂબ સરસ. અન્ય રચનાઓ પણ સુંદર.

  નયન

 4. ભાવના શુક્લ says:

  ખરેખર બહુ સરસ રચનાઓ…
  ખાસ જયંત પાઠકની પ્રીત મા એકાકાર બની જવાની વાત બહુ નાજુક નમણી રહી.

 5. harikrushan says:

  નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
  એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો…

 6. harikrushan says:

  ને હું તે દૂધને સંભાળું કે એને ? બેય ગયાં. હાથમાંથી દૂધ ઢોળાઈ ગયું, ને પ્યાલો નીચે પછડાતાં ધબ્બ કરીને ફૂટી ગયો. ને બંટુડો ? હાથમાંથી છૂટ્યો ને દોડવા લાગ્યો. પણ પાંચ વરસનો છોકરો. એમ દોડી દોડીને કેટલેક જાય ? હું પણ એની પાછળ દોડી, ને પકડી પાડ્યો. ખેંચતી ખેંચતી એને પાછી લાવી, ને માંડ બેસાડ્યો ત્યાં બોલ્યો : ‘બીજું દૂધ પણ ઢોળી નાખીશ.’

 7. chetu says:

  જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
  હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો….

  ખુબ સરસ …

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.