કુંડલિની શક્તિ – સ્વામી રામદેવજી મહારાજ

[‘પ્રાણાયામ રહસ્ય’ પુસ્તકમાંથી સાભાર.]

yoga1મનુષ્યના શરીરમાં આવેલા ચક્રોમાં ‘મૂલાધાર’ નામના ચક્રમાં જેનો વાસ છે તે દિવ્ય શક્તિને જ ‘કુંડલિની શક્તિ’ કે ‘બ્રહ્મવર્યસ’ તરીકે ઓળખાવવામાં આવી છે. સામાન્ય રીતે પ્રાણશક્તિ ઈડા અને પિંગલા નાડીઓમાંથી પ્રવાહિત થાય છે. જ્યારે વ્યક્તિ સંયમપૂર્વક પ્રાણાયામ તથા ધ્યાન વગેરે યૌગિક ક્રિયાઓનો અભ્યાસ કરે છે ત્યારે સુષુમ્ણા નાડીમાં રહેલી આ અદ્દભુત શક્તિ વિકસિત થવા માંડે છે. જે શક્તિનો ઉપયોગ શરીરના જુદા જુદા ભાગો અને અંગોમાં થાય છે તે જ શક્તિ યોગના અભ્યાસ દ્વારા રૂપાંતરિત થઈ ઊર્ધ્વગામિની થાય છે. પ્લેટો અને પાયથાગોરસ જેવા આત્મદર્શી વિદ્વાનો એ પણ તેમનાં લખાણોમાં નાભિની પાસે આવેલી એક દિવ્યશક્તિનો ઉલ્લેખ કરેલો છે, જે મસ્તકમાં આવેલી પ્રભુતા અર્થાત્ બુદ્ધિને પ્રકાશિત કરે છે, જેનાથી મનુષ્યમાં દિવ્યશક્તિઓ પ્રગટ થવા માંડે છે.

[કુંડલિની જાગરણ]

જે શક્તિ બ્રહ્માંડમાં છે તે જ શક્તિ પ્રાણીના શરીર-પિંડમાં પણ છે. શક્તિનો મુખ્ય આધાર મૂલાધાર ચક્ર છે. મૂલાધાર ચક્ર જાગૃત થતાં આ દિવ્યશક્તિ ઊર્ધ્વગામી બને છે, જેને આપણે કુંડલિની જાગરણ કહીએ છીએ. તેની સરખામણી વીજળીના પ્રવાહ સાથે થઈ શકે. વીજળીના પ્રવાહના વહન માટે, જ્યાં પ્રવાહ મોકલવાનો હોય તે સ્થળોને તારથી જોડવામાં આવે છે અને વીજળીના પ્રગટીકરણ માટે બલ્બ વગેરે લગાડવામાં આવે છે. આ તમામનું નિયંત્રણ ‘મેઈન સ્વિચ’ સાથે જોડીને સાધવામાં આવે છે. જ્યારે આ મુખ્ય સ્વિચને ‘ઑન’ કરવામાં આવે છે ત્યારે તમામ યંત્રોમાં વિધુતપ્રવાહ વહેવા લાગે છે અને રોશની થાય છે. એવી જ રીતે મૂલાધાર ચક્રમાં નિવાસ કરતી દિવ્ય વિદ્યુતીય શક્તિ (કુંડલિની) જાગૃત થતાં, અન્ય ચક્રોમાં પણ તેનો પ્રવાહ પહોંચે છે અને તે તમામ સ્વયં જાગૃત થાય છે.

આ કુંડલિની શક્તિ ઊર્ધ્વગમન કરતાં જ્યારે ઉપરની દિશામાં વહન કરવા માંડે છે ત્યારે વચ્ચે આવેલા અધોમુખ ચક્રો ઊર્ધ્વમુખ થઈ જાય છે. જ્યારે આ શક્તિ આજ્ઞાચક્ર સુધી પહોંચે છે ત્યારે તમામ વૃત્તિઓનો નિરોધ થતાં સંપ્રજ્ઞાત સમાધિની દશા પ્રાપ્ત થાય છે અને તે જ્યારે સહસ્ત્રાધાર ચક્ર સુધી પહોંચે છે ત્યારે સાધકની તમામ વૃત્તિઓનો નિરોધ થાય છે અને સાધક અસંપ્રજ્ઞાત સમાધિની ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં આત્મા-ચિત્તમાં સંન્નિહિત દિવ્ય જ્ઞાનલોકમાં પ્રાગટ્ય પામે છે, આ સ્થિતિને ‘ઋતંભરા પ્રજ્ઞા’ કહેવામાં આવે છે. આ દશાની પ્રાપ્તિ થતાં સાધકને પૂર્ણ સત્વનું જ્ઞાન થાય છે અને અંતે તેને નિર્બીજ સમાધિનો અસીમ અને અનંત આનંદ પ્રાપ્ત થાય છે. આ જ યોગની ચરમસીમા ઉચ્ચતમ અવસ્થા છે. આ અવસ્થાએ પહોંચતાં સંસ્કારરૂપી વાસનાઓનો પણ નાશ થાય છે અને તેમ થતાં સાધક જન્મમરણના ચક્કરમાંથી મુક્ત થઈ વિશ્વની પરમશક્તિમાં લીન થઈ શાશ્વત આનંદ પ્રાપ્ત કરે છે.

[કુંડલિની જાગરણના લક્ષણો]

કુંડલિની જાગરણથી જે આત્મિક લાભ થાય છે તેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. એટલું ચોક્કસ કહી શકાય કે એ સ્થિતિ પૂર્ણ આનંદની સ્થિતિ હોય છે. આ સ્થિતિની પ્રાપ્તિ પછી બીજી કોઈ પણ ચીજ કે દુન્યવી સુખો પ્રાપ્ત કરવાની કામના રહેતી નથી. જેને આ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તેવા સાધકના સાન્નિધ્યમાં બેસવાથી પણ પરમ શાંતિનો અનુભવ થાય છે અને તમામ વિકારો વિદાય લે છે અને યોગ તથા ઈશ્વર તરફ શ્રદ્ધાનો ભાવ નિર્મિત થાય છે.

જે સાધકની કુંડલિની જાગૃત થાય છે તેના ચહેરા ઉપર એક દિવ્ય તેજ-આભા ઊભરી આવેલી દેખાય છે. મુખાકૃતિ અતિ સૌમ્ય છતાં તેજસ્વી દેખાય છે અને શરીર પણ લાવણ્યમય મોહકતા ધારણ કરે છે. તેના મોઢા ઉપર પ્રસન્નતા અને સમતાનો ભાવ પથરાયેલો રહે છે. હૃદય પરોપકારી, ઉદાર અને વિશાળ ભાવવાળું બને છે. દષ્ટિમાં સમતા, કરુણા અને દિવ્યતાના ભાવો નજરે પડે છે. વિચારોમાં મહાનતા અને પૂર્ણ સાત્વિકતાનો અનુભવ થાય છે. ટૂંકમાં, આવા સાધકના જીવનનું પ્રત્યેક પાસું સંપૂર્ણ રીતે પવિત્ર, ઉદાત્ત અને મહાનતાના ગુણોનું નિર્દેશક હોય છે.

યોગની ક્રિયાઓના આધ્યાત્મિક લાભ ઉપરાંત એક બીજો મહત્વનો લાભ એ છે કે સાધકના જીવનમાં કોઈ રોગને સ્થાન રહેતું નથી. કેન્સરથી માંડીને હૃદયરોગ, ડાયાબિટીસ, શરીરની સ્થુળતા, પેટના તમામ રોગો, વાત-પિત્ત, કફ વગેરે દોષોની વિષમતા આપમેળે જ દૂર થાય છે અને વ્યક્તિ પૂર્ણ નિરામય આરોગ્ય પ્રાપ્ત કરે છે. સ્વાર્થથી ભરેલી દુનિયામાં કોઈ પણ પ્રકારનાં ઔષધોની સારવાર વિના આવા રોગોમાંથી મુક્તિ થાય, તે કંઈ નાનોસૂનો લાભ નથી. આ ક્રિયાઓ નિયમિત કરનાર સાધક અને નિરોગી અવસ્થા પ્રાપ્ત કરે છે દીર્ધાયુષી બને છે.

[કુંડલિની જાગરણના ઉપાય]

સિદ્ધયોગના અંતર્ગત શક્તિપાત દ્વારા કુંડલિની જાગરણ સિદ્ધ થઈ શકે છે. જો કોઈ પરમ તપસ્વી સાધનાશીલ, સિદ્ધગુરુનો મેળાપ થાય તો તેના પ્રબળ શક્તિસંપાત એટલે કે માનસિક સંકલ્પથી શરીરમાં વ્યાપી રહેલ માનસ-દિવ્ય-તેજ ધ્યાનના સમયે જ્યોતિ અગર ક્રિયાની ધારા બનીને શરીરમાં કાર્યાન્વિત થાય છે. આત્મ-ચેતનાથી પૂર્ણ આ તેજ એક ચેતન-શક્તિની માફક કાર્યાન્વિત થાય છે. સદગુરુ પાસેથી શક્તિપાતનો લાભ મેળવનાર સાધકને ઝાઝી મહેનત કરવી પડતી નથી. તેનો ઘણો સમય બચી જાય છે અને સાધનામાં સફળતા પણ જલદીથી પ્રાપ્ત થાય છે, પરંતુ આવા શક્તિશાળી શક્તિપાત કરી શકે એવા સિદ્ધપુરુષનો મેળાપ થવો અતિ દુર્લભ છે. અને તેથી વર્તમાન સમયમાં યોગની ક્રિયાઓ દ્વારા કુંડલિની જાગરણ કરવામાં આવે છે. આ બાબતમાં હઠયોગનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. તેના પ્રવક્તા ગોરખનાથજીએ ‘સિદ્ધ’ સિદ્ધાંત પદ્ધતિમાં નવચક્રોનું વર્ણન કર્યું છે. પરંતુ છ ચક્રો, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞાચક્ર ઉપર જ હઠયોગની સાધનાનો આધાર છે. આ ચક્રોના ભેદનના પરિણામે સાધક સહસ્ત્રાર ચક્રમાં શિવનો સાક્ષાત્કાર કરે છે.

yoga2સૌ પ્રથમ આસન, પ્રાણાયામ આદિ ક્રિયાઓથી યોગાગ્નિ દ્વારા શરીરની શુદ્ધિ કરવામાં આવે છે. મળથી ભરેલી નાડીઓ અને ચક્રોની શુદ્ધિ પ્રાણાયામ દ્વારા જ થઈ શકે. પ્રાણની સાધના વડે નાડીઓની શુદ્ધિ થતાં પ્રત્યાહાર દ્વારા ઈન્દ્રિયોને તેમના વિષયોમાંથી મુક્ત કરીને સાધક આત્માભિમુખ થઈ શકે છે. ધારણા દ્વારા મનની નિશ્ચલતા અને પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એમ પાંચેય તત્વો ઉપર સાધક વિજય પ્રાપ્ત કરી શકે છે. તેમને પોતાના નિયંત્રણ હેઠળ લાવી શકે છે. ચક્રભેદનની ક્રિયા સાથે ધ્યાન દ્વારા કુંડલિનીને જાગૃત કરીને જીવાત્મા પરમ શિવ પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે. કુંડલિની જાગરણ દ્વારા ચક્રભેદન કરીને સહસ્ત્રારમાં શિવનો સાક્ષાત્કાર કરવો એટલે કે પોતાની અંદર રહેલા શિવસ્વરૂપ તત્વને ઓળખવું એ આ પ્રકારના યોગની પરમ સિદ્ધિ છે. તે સાધકની યાત્રાનું આખરી સોપાન છે અને તેજ ઉન્મની સહજાવસ્થા છે.

આસન-સિદ્ધિ થતાં પ્રાણસાધના, ધ્યાનસાધના તથા સમાધિ વગેરેમાં સાધક સરળતાથી સફળતા પ્રાપ્ત કરે છે. ધ્યાનાત્મક આસનમાં મેરૂદંડને (કરોડરજ્જુ) સીધો રાખીને બેસવાથી સુષુમ્ણામાંથી ઉદભવતા નાડીગુચ્છોમાં પ્રાણ સરળતાથી વહી શકે છે. ગમનાગમન કરી શકે છે. પરંતુ જો મેરૂદંડ ઝૂકી જાય, વાંકો વળી જાય તો તેના સ્નાયુઓ સંકુચિત થઈ જાય છે અને કફ વગેરે અનાવશ્યક અને અવરોધક તત્વોને કારણે પ્રાણનું વહન સરળતાથી થતું નથી. પરિણામે નાડીઓ અને ચક્રોની શુદ્ધિ થતી નથી. પરંતુ પ્રાણાયામ રૂપી પ્રાણ-સાધનાથી પ્રાણની વિષમતા દૂર થાય છે અને શરીર સમતાની સ્થિતિ ધારણ કરે છે.

ધ્યાન અને ધારણાથી સાથે પ્રાણાયામ કરવાથી સૌપ્રથમ તો સાધકનો પ્રાણમય કોષ પ્રભાવિત થાય છે અને ઉત્તેજિત થાય છે. લોહીભ્રમણ તીવ્રતાપૂર્વક થવા માંડે છે અને ફેફસાં, ત્વચા, આંતરડાં વગેરેમાં જે મળ ભેગો થયેલો હોય છે તેનું નિષ્કાસન થાય છે, અને તેના ફળસ્વરૂપ શરીરમાં અનેક પ્રકારની વિચિત્ર લાગતી ક્રિયાઓ થવા માંડે છે અને શરીર રોમાંચનો અનુભવ કરે છે. યોગમાં આ સ્થિતિને ‘પ્રાણોત્થાન’ કહેવામાં આવે છે, જે કુંડલિની જાગરણનું પહેલું પગથિયું છે. આ સ્થિતિમાં વિશેષ કરીને પ્રાણની ગતિશીલતાજન્ય સ્પર્શાનુભૂતિ થતી રહે છે. સતત અભ્યાસથી પ્રાણોત્થાનના પ્રકાશપૂર્ણ ઉત્તરાર્ધ ભાગમાં, શરીરમાં ક્યાંક-ક્યાંક પ્રકાશનો અનુભવ થાય છે અને કુંડલિની જાગરણના ઉત્તરાર્ધ ભાગનો પ્રારંભ થાય છે. આ રીતે પ્રાણસાધનાથી પ્રાણ-કોશનો સાક્ષાત્કાર થાય છે. આમ તો શરીરના તમામ કોષો પ્રાણથી આબદ્ધ છવાયેલા છે. પરંતુ ચક્રોમાં એકઠી થયેલી મલિનતા અને તેમના ઉપર છવાઈ ગયેલું આવરણ પ્રાણાયામ દ્વારા દૂર થવાથી શરીરમાં આવેલાં ચક્રો તેમની ક્રિયાઓ, તેમની શક્તિઓ પ્રાણ અને ઉપપ્રાણોની કાર્યક્ષમતા વગેરે શુદ્ધિ પામે છે અને ઈશ્વરના સાક્ષાત્કારમાં મદદરૂપ થાય છે.

yoga3પ્રાણસાધનાના નિરંતર અભ્યાસથી જ્યારે ચક્રોમાં રહેલી ઊર્જા ઉપર આધિપત્ય સ્થાપી શકાય છે ત્યારે મૂલાધાર ચક્રથી છેક સહસ્ત્રાર ચક્ર સુધીના માર્ગમાં સ્વેચ્છાપૂર્વક પ્રાણશક્તિ સંચારીત કરવાની સાધકને ક્ષમતા પ્રાપ્ત થાય છે અને તેમ થતાં તમામ ચક્રો અને ઉત્તરોત્તર આગળના કોષોનો સાક્ષાત્કાર સંભવિત અને સરળ બને છે. પ્રાણાયામના નિયમિત અભ્યાસથી નાડીઓ શુદ્ધ થાય છે અને પ્રાણ તેમજ સુષુમ્ણા નાડીનો આખોય માર્ગ પ્રકાશમય થઈ જાય છે. પ્રાણ સાધનાનો નિયમિત રોજ પૂરી લગન સાથે અભ્યાસ કરવામાં આવે તો તમસ-અજ્ઞાનનું આવરણ દૂર થાય છે અને મૂલાધાર ચક્રથી માંડીને સહસ્ત્રાર ચક્ર સુધીનાં તમામ ચક્રો પ્રકાશિત થાય છે.

સૌથી નીચે મૂલાધાર ચક્ર આવેલું છે, જેના ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર છે. તેના ઉપર નાભીમાં આવેલું મણિપુર ચક્ર છે. નાડીઓમાંથી ઘેરાયેલા આ ચક્રમાં જે લહેરો ઉત્પન્ન થાય છે તે અનાહત ચક્રની હોય છે. તેના ઉપર છાતીમાં દીપ-શિખાની માફક પ્રકાશમાન હૃદયચક્ર-અનાહતચક્ર આવેલું છે. તેની ઉપર ગળાના ભાગમાં વિશુદ્ધિ ચક્ર આવેલું છે. બે આંખોની વચ્ચે આવેલ ભ્રૂકુટીની મધ્યમાં આજ્ઞાચક્ર અને સૌથી ઉપર કપાળના ભાગમાં સૂર્યની માફક પ્રકાશનું સહસ્ત્રાર ચક્ર આવેલું છે.

પ્રથમ શરૂઆતમાં સાધકને આ ચક્રોનું પૂર્વ રૂપજ દષ્ટિગોચર થાય છે. પરંતુ ધ્યાન દ્વારા અંત:શરીરમાં પ્રવેશ કરતાં સાધકને સમસ્ત અતીન્દ્રિય અંત:સાક્ષાત્કાર તેમજ અતિદૂરદર્શનની એટલે કે ભવિષ્યમાં જોવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. તે કેવી રીતે થાય છે તે જોઈએ. જીવાત્માની જ્યોતિ હંમેશા ચિત્તને તથા અહંને જ્યોતિર્મય રાખે છે. આ જ્યોતિ માર્ગ દ્વારા કપાળમાં આવેલ વિજ્ઞાનમય કોષને પ્રેરિત કરે છે અને મનને પ્રેરણાનું પ્રદાન કરે છે. મન તેનાં કિરણો દ્વારા અંત:નેત્ર ને દિવ્યતા બક્ષે છે. સાધકના સંકલ્પબળથી પ્રેરાઈને દિવ્યદષ્ટિ નિજ રશ્મિપ્રવાહના માર્ગે લોકમાં સૂર્યમંડળથી પણ ઉપર તેમજ ભૂગર્ભમાં પ્રવેશ કરે છે. ત્રણેય લોકનું તે દર્શન કરી શકે છે. આમ, આકાશથી લઈને પાતાળ સુધીના પદાર્થોનો સાધકને સાક્ષાત્કાર કરાવે છે. આ શક્તિકેન્દ્ર યા ચક્ર કરોડમાં સુષુમ્ણા નામની જ્યોતિર્મયી નાડીમાં બીજરૂપે સ્થાન ધરાવે છે. નાનામોટા 33 મણકાઓથી બનેલ સર્પાકારવાળા મેરુદંડમાં સ્થિત લાલ રંગ ધરાવતી સુષુમ્ણા નાડી સર્પાકાર જેવી હોય છે. તેનો પૂંછડીનો ભાગ ગુદાસ્થિ સાથે જોડાય છે અને મુખનો ભાગ છેક મસ્તક સુધી જોડાયેલો છે. સુષુમ્ણાના બહારના આવરણને ચીરીને નાડીઓ ચારેકોર ફેલાયેલી હોય છે. નાડીમાં કાપ જેવું હોય છે જ્યાં પ્રત્યેક મણકાના જોડકાની વચ્ચે માંસપેશીની ગાદી હોય છે. આ નાડીમાં કરોળિયાની જાળના તંતુઓ કરતાં પણ વધુ સુક્ષ્મ ‘જ્ઞાન વહાં તથા ગતિ વહાં’ નાડીઓથી છવાયેલી જાળ આવેલી હોય છે. આ જાળ (Network) જીવંત હોઈ એક પળના પણ વિરામ વિના કાર્યરત રહે છે.

સુષુમ્ણાની ડાબી અને જમણી બાજુ આવેલી નાડીઓ ઈડા અને પિંગલા નામથી ઓળખાય છે. ગાંઠોમાં પરોવાયેલી હોય તેવી ઈડા અને પિંગલા નાડીઓ એક માળા જેવી દેખાતી હોય છે. સમસ્ત શરીરમાં ‘જ્ઞાન અને ક્રિયા’ના મિશ્રણથી બનેલી જીવનશક્તિ (Vital Power) ના પ્રસારનું મુખ્ય સાધન સુષુમ્ણા નાડી છે. માનવીય શરીરમાં આવેલા ચક્રોની માહિતી અને કયા ચક્રો શું કાર્ય કરે છે તેની વિગતો કોષ્ટકમાં આપવામાં આવી છે.

chart

કુંડલીની જાગૃત કરવાના ઉપાય તરીકે ભસ્ત્રિકા અને કપાલભાતિ આદિ પ્રાણાયામ નિયમપૂર્વક કરવા જોઈએ. સાધકે આ માટે યોગ્ય ગુરુની એટલે કે જાણકારની મદદ લેવી હિતાવહ છે. શરીરની 72 કરોડ 72 લાખ 10 હજાર અને બસ્સો દસ નાડીઓની શુદ્ધિ માટે રોજ સવાર-સાંજ અનુલોમ-વિલોમ પ્રાણાયામ પણ કરવા જોઈએ. પ્રાણાયામની સાથે ઓમકારનું રટણ અને ધ્યાન અતિઆવશ્યક છે. આમ કરવાથી અત્યંત ચંચળ મન પણ સ્થિરતા અને એકાગ્રતા પ્રાપ્ત કરે છે. આખરે પ્રાણ અને મનની એકાગ્રતા સાધીને સાધક અંતરયાત્રા કરે છે. ઓમકારના ભીતરી જપથી તેમજ ધ્યાનથી મૂલાધારચક્રમાં એક વિચિત્ર અને અસામાન્ય લાગે એવી રોમાંચની લાગણી (ગુદગુદી) થાય છે. આ લાગણી સ્વાધિષ્ઠાન ચક્રમાં ‘તડિત’ નામના વિધુતમય પ્રકંપ ઉત્પન્ન કરે છે અને નાભિપ્રદેશમાં એક ‘નાદ’નો આવિર્ભાવ થતો હોય એવી પ્રતીતિ થાય છે અને તેને કારણે ઉદર પ્રદેશમાં એક પ્રકારની ગરમીનો અનુભવ થાય છે. આ વિશિષ્ટ વિધુતમય કંપનો લહેરોના સ્વરૂપમાં પ્રાણમય કોષમાં પ્રવેશે છે. જ્યારે કોઈ પ્રવાહ આપણા મસ્તિષ્કમાં પ્રવેશ કરે છે ત્યારે તેની લહેરો સ્નાયુમંડળ દ્વારા નાભિમાં આવેલ મણિપુર ચક્રને પ્રભાવિત કરે છે. ઓમકારના જપનું તાત્પર્ય એ છે કે પ્રાણને તેના – છેક નીચલા સ્તરેથી આંદોલિત કરીને ઉચ્ચસ્તરમાં લઈ જવામાં આવે છે. સાધક તેને ક્રિયાત્મક ક્ષેત્રમાંથી વિજ્ઞાનમય કોશના સ્તર ઉપર અને મન-બુદ્ધિને આનંદમય કોશના સ્તર ઉપર લાવીને સ્થિર કરે છે. આનો અર્થ એવો થાય છે કે દેહ અને પ્રાણ, પ્રાણ શરીર (સુક્ષ્મ શરીર)ની મર્યાદામાંથી મુક્ત થઈ પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય કોષોની પેલે પાર જઈ શરીરમાં રહેલી આત્મચેતનાને સમેટીને તેનું ચિત્ર હૃદયમાં સ્પષ્ટ અને સ્થિર કરીને સમાધિમાં સ્થિર થાય છે. આ અવસ્થાએ પહોંચેલા સાધકે એવી ભાવના કરવી જોઈએ કે ‘મારું મસ્તક દિવ્ય પ્રકાશથી પ્રજ્વલિત થયેલું છે અને પૂર્ણતાને પામ્યું છે. મારી વસંતઋતુના સોનેરી રંગવાળા બુદ્ધિ મંડળમાં દિવ્યલોકમાંથી ઊતરતી ચાંદની જેવી એક અતિ ઉજ્જવળ જ્યોતિ પ્રવેશ પામી રહી છે.’ વિજ્ઞાનમય કોષની સ્વામિની બુદ્ધિ પરમ સાત્વિક અને પ્રકાશમાન થવાથી ઈન્દ્રિયો ઉપર આધિપત્ય ધરાવનાર તેમનું – અધિપતિ મન અને તેને આધીન ઈન્દ્રિયો નિર્મળ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. આવું થાય ત્યારે રાત અને દિવસ અહર્નિશ મસ્તિષ્ક અને હૃદયમાં આનંદમય અને પરમ શાંત એવી અપાર જ્યોતિ જાણે પારાવાર હિલોળા લેતી હોય તેવી અનુભૂતિ સતત થયા કરે છે.

આ ચર્ચાના આધારે એ સ્પષ્ટ થાય છે કે મૂલાધાર ચક્રનાં જાગૃત થવાથી અન્ય ચક્રો પણ આપોઆપ જાગૃત થાય છે અને કુંડલિની નામક સુષુમ્ણા નાડીમાં રહેલી દિવ્યશક્તિ ઊર્ધ્વગામિની બને છે. આ સ્થિતિને જ કુંડલિની જાગરણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો આ કુંડલિની એવી દિવ્યશક્તિ છે, જે આખાયે શરીરમાં વ્યાપેલી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છાયા-પડછાયા – પાયલ શાહ
ચંપકલાલની લાચારી – તારક મહેતા Next »   

18 પ્રતિભાવો : કુંડલિની શક્તિ – સ્વામી રામદેવજી મહારાજ

 1. chi says:

  It’s a great article.

 2. nayan panchal says:

  સરસ લેખ છે.

  મેં ક્યાંક વાંચ્યુ હતુ કે કુંડલિની શક્તિ જાગ્રત કરવામાં ઘણીવાર પોતાની માનસિક સમતુલા ખોઈ બેસે છે.

  જ્ઞાનીજનો વધુ માહિતી આપી શકે.

  નયન

 3. chirag solanki says:

  funny gyan web site par aa lekh vanchi ne khubaj anand thayo.

  thanks a lot.

 4. ભાવના શુક્લ says:

  બહુ મજાની જાણકારી આપતો લેખ. પ્રાણાયામની અગત્યતા સમજાવતુ આ પુસ્તક વસાવવા જેવુ છે.

 5. dipika says:

  કુંડલિની જાગ્રુત કરવી તે હઠયોગમાંનો એક પ્રયત્ન છે. તે થાય તો કેટલીક ઈંન્દ્રિયો કાબૂમાં આવી શકે, પણ કુંડલિની જાગ્રુત કરવામાં માણસ જો અયશસ્વી નીવડે તો અતિ ખરાબ સ્થિતિ થાય. અરે! તે માણસ રસ્તા ઊપર જતી કોઈપણ સ્ત્રીનો હાથ પકડે. આટલો જબરદસ્ત અવિવેકી કામી બને.

 6. mr chakachak says:

  આત્મપ્રાપ્તિ માટે ખરેખર આ યોગસાધનાની જરુર છે?

  રામ, ક્રષ્ણ, મહાવીર, શિવ શુ યોગી હતા? કે જ્ઞાની હતા?

 7. Rekha Sindhal says:

  વિવિધતા ભરી વધુ એક સરસ વાનગી. આવા પુસ્તકો ઘણા મળે છે પણ એક સાથે વાંચેલું પચતુ નથી. વળી વિજ્ઞાન અને સત્યથી વેગળી અફવાઓની અસર પણ ગમે તે પુસ્તક વાંચવામાં સમયનો બગાડ થશે એવી શંકા ઊભી કરે છે. સરળ અને સુપાચ્ય વૈજ્ઞાનિક માહિતિ ગુજરાતીમાં જસ્ટ ક્લીક કરવાથી મળી શકે તેનો આનંદ આપવા માટે મૃગેશભાઈનો આભાર !

 8. pragnaju says:

  કુંડલિની શક્તિની ખૂબ સરસ સમજુતી
  સ્વામી રામદેવજી મહારાજનાં આ અંગે જન જાગરણને સત સત પ્રણામ
  અમારી અલ્પમતી અનુસાર આ પહેલા યમ નીયમ આવશ્યક છે.પછી આસન પ્રાણાયામ ઈ.

 9. Bharat Savalia says:

  This is wonderfull articl….

 10. Hardik says:

  This artical it’s Very Good. before aslo i was reading. And i followd those Ways, Now i can see some changes in my Body. I need More Information about this artical. Maharaj Please can you get me… ?

  Thank You..

 11. amit says:

  જાણવાજેવી સરસ માહીતી આપી…

 12. કમલેશ કોરાટ says:

  યોગીને જ્ઞાન સહજ હોય છે. હાલ ની આપણી લાઇફ સ્ટાઇલ મુજબ યોગ કરનારા યમ નિયમનું પાલન કરતા નથી અને કરાવનારા તેની સમજણ આપતા નથી. જે યોગ ના પાયા છે. હાલ રામદેવજી મહારાજ આસન અને પ્રાણાયમ કરાવે છે તે શરીર સ્વાસ્થય માંટે છે. પણ યોગ નથી. જેમનો પ્રયત્ન ખુબજ સારો છે. પુજય શ્રી રણછોડદાસ બાપુ ના પ્રવચન માં આ હાલ ના યોગ પ્રત્યેના ભય સ્થાન ની ચર્ચા કરેલ છે. કુડંલીની જાગ્રુત કરવા માંટે જપ (ભગવાન નું સ્મરણ) ઉત્તમ અને સરળ સાધન છે.

 13. Malay says:

  વ્યવસ્થિત લેખ. ચક્રો વિશે બધુ જાનવા મલ્યુ. પન theory અને practical વચ્ચે નો gap હજિ પન che.
  વધુ માહિતિ આપવા વિનન્તિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.