પ્રકાશનો ઝબકારો – જયવતી કાજી

જોસેફીનને દસ વર્ષ પહેલાં ડૉક્ટરોએ નિદાન કરીને કહ્યું હતું કે એને બ્રેઈન કેન્સર છે, અને જલદીથી સર્જરી કરવી પડશે. ઑપરેશનનો દિવસ નક્કી થયો. એ દરમિયાન એક સવારે એ પોતાના ઘરના વરંડાના હીંચકા પર બેઠી હતી. વસંતઋતુનું આહલાદક વાતાવરણ હતું, પરંતુ જોસેફીનના મનમાં તો કેન્સરના અને ઑપરેશનના વિચાર ચાલતા હતા. ત્યાં એને થયું હા, કેન્સર થયું છે, મુશ્કેલી છે, પરંતુ જીવનના આ સાઠ વર્ષમાં કેટલું બધું સુંદર અને આનંદજનક પણ બન્યું છે ! મનમાં આ વિચાર આવતાં એણે કૃતજ્ઞતા અનુભવી. એને પોતાને સારું લાગ્યું. એ ઘરમાં ગઈ અને કાગળ અને પેન લઈ કુટુંબના બધા સભ્યોને સ્નેહસભર પત્રો લખ્યા. એમનાં પ્રેમ અને લાગણી માટે આભાર માન્યો, અને પોતાને ઘેર આવવા માટે ખાસ આમંત્રણ આપ્યું. નિશ્ચિત દિવસે બધાં આવ્યાં. એણે પ્રેમપૂર્વક બધાંને જમાડ્યાં. વાતચીત કરી અને ત્રણ દિવસ પછી હૉસ્પિટલમાં દાખલ થઈ ગઈ. સર્જરીની આગલી રાતે જોસેફીનને અચાનક કંઈક દેખાયું. લાંબા સુંવાળા કેશ અને ચમકતી આંખોવાળી એક સુંદર સ્ત્રી એના તરફ જોઈ રહી હતી. એણે કહ્યું : ‘હું એન્જલ છું. મને તારા પ્રેમની અને આભારવશતાની પ્રતીતિ થઈ છે. હું તને કહેવા આવી છું કે તારે માટે જિંદગીનાં વધુ વર્ષો છે. બધું બરાબર થઈ જશે. પણ તું હંમેશ યાદ રાખજે કે તારા અંતરના પ્રેમે અને કૃતજ્ઞતાએ તને સારી કરી છે !’ બધા ટેસ્ટ ફરી કર્યાં ત્યારે ખબર પડી કે એની ટ્યૂમર ઓગળી ગઈ છે ! જોસેફીનને સર્જરીની જરૂર નથી એમ ડૉક્ટરોએ કહ્યું. એ વાતને દસ વર્ષ વીતી ગયાં છે. જોસેફીનની વય સિત્તેરની થઈ છે. એ હંમેશ કહે છે કે મારા જીવનના પ્રત્યેક દિનને હું ઈશ્વરની કૃપા સમજી વધાવું છું.

એક વિયેટનામી બૌદ્ધ સાધુ. યુદ્ધનો એ સમય. એને પોતાના વતનમાંથી ભાગવું પડેલું. કંઈ કેટકેટલી યાતનાઓ ભોગવી, સેંકડો માઈલનો પ્રવાસ કરી એ એક સુરક્ષિત સ્થળે પહોંચ્યો. એક માણસે એને એના જીવન વિશે – એના પર આવી પડેલી વિપત્તિઓ વિશે પૂછ્યું ત્યારે એ બૌદ્ધ સાધુએ હસીને કહ્યું, ‘ભાઈ, હું તો કેટલો ભાગ્યશાળી છું ! કેટલો મોટો ચમત્કાર હતો કે હું આજે આ સુંદર ધરતી પર જીવતો રહ્યો છું ! આ કેવી અદ્દભુત ક્ષણ છે ! મને આનંદ અને આશ્ચર્ય થાય છે કે હું જીવિત છું ! વિકટ સંજોગોમાં પણ હું જીવતો રહ્યો ! ઈશ્વરની આ અસીમ કૃપા જ ને ?

બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભકાળ નાઝીઓની કૅમ્પમાં કેટલાયે નિર્દોષ માનવીઓ પર અકલ્પ્ય એવો અમાનુષી સિતમ થઈ રહ્યો હતો. એમને માટે જીવન અત્યંત વિષમ અને દુ:ખદાયક બની ગયું હતું. એવા કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં એવા વિરલ માણસો હતા જે પોતાની બૅરેકમાંથી બહાર નીકળી અન્ય લોકોને આશ્વાસન આપતા હતા. પોતાનો છેલ્લો પાઉં પોતે ભૂખ્યા રહી બીજાને ખવડાવતા હતા ! હા ! આવી વ્યક્તિઓ ઘણી ઓછી હતી પરંતુ તેઓ પ્રતીતિ કરાવતા હતા કે માણસ પાસેથી તમે બધું ખૂંચવી શકો છો – ઝૂંટવી શકો છો, પણ એક વસ્તુ કોઈ નથી ખૂંચવી શકતું અને એ છે માણસનું અંતિમ સ્વાતંત્ર્ય, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો અભિગમ, પોતાનું મનોવલણ (એટિટ્યૂડ) પસંદ કરવાનું સ્વાતંત્ર્ય.

આ દષ્ટાંતો છે માનવીના જીવન પ્રત્યેના અભિગમનાં. જોસેફીનના જીવનમાં જાણે ચમત્કાર બન્યો, કૅન્સરની ગાંઠ ઓગળી ગઈ; તેવા ચમત્કાર હંમેશ બનતા નથી, પરંતુ હવે તો વિજ્ઞાનીઓ અને મનોચિકિસ્તકોનું કહેવું છે કે વિધેયક વિચારો અને લાગણીઓ – અહેસાનમંદી, ઉપકારવશતા, પ્રેમ, આનંદ એની ઘણી અસર માણસના સ્વાસ્થ્ય પર થાય છે. એનાથી શરીરની પ્રતિકારકશક્તિ વધે છે. તેવી જ રીતે નકારાત્મક, નિરાશાભર્યા વિચારો – ચિંતા ક્રોધ અદેખાઈ, ભય જેવા ભાવથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. આગળ કહ્યું તે પ્રમાણે જીવન પ્રત્યેનો અભિગમ કેવો રાખવો એ સ્વાતંત્ર્ય આપણી પાસે છે. તેમાં પણ કૃતજ્ઞતાભર્યો – આભારવશનો અભિગમ જીવનને કેટલું પ્રસન્ન, સાર્થક અને પરિપૂર્ણ કરે છે તે વિશેનું એક પ્રેરક મનનીય સુંદર પુસ્તક છે ‘Attitude of Gratitude’ એના લેખિકા છે શ્રીમતી એમ. જે. રાયન. જીવનના પ્રત્યેક દિને કેવી રીતે આનંદ માણવો અને આપવો એની સુવર્ણ ચાવી આ પુસ્તકમાં છે.

એ પુસ્તકનાં લેખિકા શ્રીમતી રાયન કહે છે કે તમારા સુખનો આધાર ધન અને સંપત્તિ હશે તો તમે તમારી જાત સાથે સુખ અનુભવી નહીં શકો. તમારા સુખની બીજા પાસે આશા ન રાખો, કારણ કે તમે જે સુખની શોધમાં છો તે તો ખરેખર તમારી અંદર જ છે. સુખ, આનંદ, પ્રસન્નતા જેને આપણે આપણા અસ્તિત્વનો ઉત્સવ કહી શકીએ એ પ્રાપ્ત કરવું કદાચ સહેલું નહીં હોય, પણ અશક્ય તો નથી જ. શ્રીમતી રાયન ભારપૂર્વક કહે છે કે એ માટે જરૂરી છે જીવન પ્રત્યેની યોગ્ય દષ્ટિ. આ જીવનદષ્ટિ એટલે કૃતજ્ઞતા, અનુગ્રહ કૃપા (ગ્રેસ), ઋણસ્વીકારનો અભિગમ. આભારવશતા અને શુક્રિયાની ઊંડી લાગણી. લેખિકા કહે છે, ‘કૃતજ્ઞતા એક ચમત્કારી ચાવી છે. તમે એનો ઉપયોગ કરો અને તમે અચાનક એક સુંદર અદ્દભુત જગતમાં પહોંચી જશો. કૃતજ્ઞતામાંથી જન્મે છે પ્રસન્નતા. કૃતજ્ઞતા-ઋણસ્વીકાર-આભારવશતા આપણને સમગ્ર જીવન સાથે જોડી દે છે.’ સચ્ચાઈ અને વ્યવહારુ શાણપણ આ પુસ્તકના પાને સ્પષ્ટ રીતે તરી આવે છે.

પુસ્તકમાંના કેટલાંક દષ્ટાંતો આપણે આગળ જોઈ ગયા તે બતાવી આપે છે કે આપણી ગમે તેવી આર્થિક, સાંસ્કૃતિક કે ધાર્મિક પાશ્ચાદભૂમિકા હોય, પરંતુ આપણે હંમેશ ખ્યાલમાં રાખીએ કે અન્યનો ઉપકાર લેવાનો હોય પણ એને આપણો હકદાવો કે અધિકાર સમજવાનો નથી. એ ઉપકારને ભૂલી જવાનો નથી. આભાર, શુક્રિયા, થૅંક્સ, આમ જુઓ તો સાવ સહેલા શબ્દો છે, પરંતુ એમાં માનવસંબંધોને રળિયામણા, સુકોમળ અને સ્નિગ્ધ બનાવવાની કેટલી બધી તાકાત છે ! માનવહૈયાની કૃતજ્ઞતા વ્યક્ત કરતો આ નાનકડો શબ્દ – જેનો સચ્ચાઈથી આભાર માનવામાં આવે છે તેના અને આભાર માનનારના – બંનેના હૈયાને ઝંકૃત કરે છે. લેખિકા કેવળ શિષ્ટાચાર અથવા બોલવા ખાતર બોલાયેલા ઉપરછલ્લા ‘આભાર’ શબ્દથી વાત નથી કરતાં. તેઓ તો હૃદયના ઊંડાણમાંથી પ્રગટતી સ્વાભાવિક કૃતજ્ઞતાની વાત કરે છે. સમર્થ સાહિત્યકાર સ્વ. રામનારાયણ પાઠકે એમના એક સુંદર કાવ્ય ‘પ્રણામ’માં ઋણસ્વીકાર કરતાં એમણે એમનાં માતાપિતા, શિક્ષક, કુટુંબીજનો, પત્ની- અને આપણને અનેકવિધ સુવિધાઓ આપવા માટે સમાજને પ્રણામ કર્યાં છે. પોતાને માણસ બનાવવા માટે મહાત્મા ગાંધીજીને પ્રણામ કર્યાં છે. અંતમાં ગર્ભથી માંડી જીવનના અંતિમ શ્વાસ સુધી આપણું જેણે રક્ષણ કર્યું છે એવા પરમકૃપાળુ પરમાત્માને પ્રણામ કર્યાં છે.

જરા વિચાર કરો આપણા પર કેટકેટલાંના ઋણ છે ! આપણે જે કંઈ છીએ, જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું છે – નાનું કે મોટું – તેની પાછળ કેટલાનું યોગદાન રહેલું છે ! પરંતુ મોટે ભાગે આપણાં મનમાં બીજાનો ઉપકાર-ગુણ વસતો નથી. આપણાં સ્વજનો અને મિત્રોને લીધે આપણને જીવનમાં કેટલી સગવડ મળી, સુખ મળ્યું, મદદ મળી, એ બધું જાણે આપણો હક્ક કેમ ન હોય, એમ માની, ‘સ્વજનોએ તે બધું કર્યું તેમાં શું થઈ ગયું ?’ એવો અહંકારભર્યો ભાવ રાખતા હોઈએ છીએ. લેખિકા શ્રીમતી એમ. જે. રાયન આવા ખોટા મનોભાવ પ્રત્યે લાલબત્તી ધરે છે. ‘Attitude of Gratitude’ પુસ્તક છે તો 177 પાનાનું. એમાં નાનાં નાનાં, એક એક, બબ્બે પાનાનાં 60 પ્રકરણો છે. પરંતુ જલદી જલદી વાંચી એનાં પાનાં ઊથલાવી જવાનાં નથી. એના પર વિચાર કરવાનો છે, અને મનન કરવાનું છે, જેથી ધીમે ધીમે જીવનની ધન્યતા અને સુંદરતાનો આપણને અનુભવ થાય. મનમાં પ્રસન્નતા લહેરાવા લાગે.

શ્રીમતી રાયન કહે છે કે આપણને હંમેશા બાળપણથી શું સારું અને શું અપૂરતું છે તે જ શીખવવામાં આવે છે. આપણી કંઈ ભૂલ થાય છે ત્યારે આપણી ટીકા થાય છે. આપણો વાંક કાઢવામાં આવે છે. એનાથી જ જીવનમાં સફળતા મળે છે એમ તમે કદાચ દલીલ કરશો. પરંતુ એનાથી આપણે દોષદેખા બની જઈએ છીએ. આપણે શું ખોટું કર્યું તે જોવાની-વિચારવાની ટેવ પડી જાય છે. આપણે શું કરીએ ? સંજોગો જ ખરાબ છે એમ કહીએ છીએ. આ ઉપરાંત મોટે ભાગે આપણે આપણને થયેલા અન્યાયનો, અપમાનનો અને આપણા પ્રત્યે થયેલા દુર્વ્યવહારનો વિચાર કરતાં હોઈએ છીએ. આપણે જીવનની નબળી બાજુ જ જોતાં હોઈએ છીએ. કૃતજ્ઞતા આપણને સારું અને શુભ જોતાં શીખવે છે. એ આપણને વૃક્ષની માફક પ્રકાશ તરફ જોવાનું કહે છે. કૃતજ્ઞતા આપણને અંદરથી સારું લગાડે છે. It makes us feel good. એ આપણને આપણી પાસે શું છે તે જોતાં અને એને માણતા શીખવે છે. એટલે તો જીવનમાં અહેસાનમંદીનો સુંદર રંગ ઉમેરવાની જરૂર છે. કૃતજ્ઞતા આપણી પાસે જ છે એને પર્યાપ્ત બનાવે છે એટલું જ નહીં પણ એને અધિક બનાવે છે. નકારને એ સ્વીકારમાં બદલી નાખે છે. લેખિકા શ્રીમતી રાયન કહે છે કે કૃતજ્ઞતા આપણા અતીતને એક અર્થ આપે છે, વર્તમાનને શક્તિ આપે છે અને ભવિષ્ય માટે સ્વપ્ન નિર્માણ કરે છે. કૃતજ્ઞતા મનને ઉદાર અને વિશાળ બનાવે છે. અન્ય માટે કંઈક કરવાની અને એ રીતે ઋણ ચૂકવવાની વૃત્તિને પ્રબળ બનાવે છે.

લેખિકાએ કૃતજ્ઞતાની સરખામણી ફલેશલાઈટ સાથે કરી છે. રાત પડી છે. તમે તમારા ઘરના પાછળના વાડામાં જાવ છો. અંધારું છે. તમને કશુંયે દેખાતું નથી. ત્યાં અચાનક તમે ટૉર્ચની સ્વિચ દાબો છો. પ્રકાશનો ઝબકારો થાય છે અને વાડામાં અત્યાર સુધી તમને જે નહોતું દેખાતું તે સ્પષ્ટ દેખાવા માંડે છે ! હવે તમે વાડામાં જે જુઓ છો તે બધું ત્યાં હતું જ પણ અંધકારમાં દેખાતું નહોતું. પ્રકાશનો ઝબકાર થતાં હવે તમને વાડામાં ઊઘડી રહેલું ગુલાબનું ફૂલ દેખાય છે. લાલચટક કેનાના ફૂલ દેખાય છે અને જે રમકડાંથી તમારી લાડલી દીકરી રમતી હતી તે પણ ત્યાં પડેલું દેખાય છે ! પ્રકાશમાં આ બધું દેખાતાં તમારું હૈયું પુલકિત થઈ ઊઠે છે; અને હૈયામાં આ બધાં માટે આભારની લાગણીનું ઝરણું વહેવા માંડે છે. આ ટૉર્ચનો પ્રકાશ તે કૃતજ્ઞતાનો પ્રકાશ ! તમે જો કૃતજ્ઞતાની આ ટૉર્ચ – ફલૅશ લાઈટ સાથે લઈને ફરશો તો તમારા ગમે તે સંજોગો હશે – તમે ગમે તે સ્થળે હશો તમને તે ઉપકારક બનશે. કૃતજ્ઞતાની આ જ્યોત આપણે અંતરમાં જલતી રાખવાની છે.

સૃષ્ટિના સર્જનહારે આપણને કેટકેટલું આપ્યું છે. આપણે એને માટે કશું જ આપવું પડતું નથી છતાં એ બધું આપણા આનંદ અને ઉપભોગ માટે છે. આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આવી લાગણીની અનુભૂતિની ક્ષણોમાં આપણે મહાન જીવનચક્રના એક અંશરૂપ બની જઈએ છીએ. આપણને સર્જનહારનું અને આપણા સાચા ધામનું સ્મરણ થાય છે. સ્વ. કવિ શ્રી મનસુખલાલ ઝવેરીએ એમના એક કાવ્યમાં આવો ધન્યતાનો ભાવ અનુભવતાં કહ્યું છે, ‘ભલે, મારે આવ્યે વસુંધરા તું ધન્ય ન થઈ હોય પરંતુ હું તો અહીં આવી ધન્ય ધન્ય થઈ ગયો છું.’ કૃતજ્ઞતા આપણને અહેસાસ કરાવે છે કે આપણી પાસે જે છે, જે મળ્યું છે તે પૂરતું છે. જરૂરી છે એ બધું આપણી પાસે છે અને પર્યાપ્ત છે. It is enough… કૃતધ્નતા એટલે અપરાધ. કોઈએ કરેલા ઉપકારને ભૂલી જવાની નરી સ્વાર્થમયતા.

આ સંસારમાં તો જાતજાતના લોકો છે. ઉપર દષ્ટાંત આપ્યાં છે તેવા કૃતજ્ઞતાથી છલકાતાં માનવીઓ છે તો એવા ઘણાંયે છે જેમને સતત અસંતોષ અને અજંપો રહેતો હોય ! એક પ્રૌઢ વયનાં બહેન છે. એમને રહેવા માટે સારું ઘર છે. મોટર છે. સારું કમાતો પતિ છે. બે દીકરાઓ છે. પુત્રવધૂ છે. આમ, બહારથી જુઓ તો બધું જ છે. પરંતુ એમના મનને સુખ નથી લાગતું. સતત તેઓ ફરિયાદ કરતાં હોય છે, ‘હા, આમ તો કમાણી સારી છે, પણ જુઓને મોંઘવારી કેટલી છે ! મોટર છે પણ આજકાલ તો લોકો પાસે મર્સિડીઝ હોય છે. ઘરકામ માટે માણસચાકર છે, પણ એ કામ બરાબર કરતા નથી. પુત્રવધૂ ! શું એનો મિજાજ છે ! અને બીજો દીકરો તો પરદેશમાં જ સ્થિર થઈ જવાનો છે. ઘરમાં કોઈને મારી પડી નથી !’ બસ ! એમને ફરિયાદો જ છે ! જિંદગી એમને જેવી જોઈતી હતી, જેવી એમની કલ્પના હતી, એમની અપેક્ષાઓ હતી તેવી જિંદગી એમને મળી નથી. એમની પાસે બધું જ છે, જે માટે ખરી રીતે એમણે ઈશ્વરનો પાડ માનવો જોઈએ, પરંતુ એમની કામનાઓ – અપેક્ષાઓ – અતૃપ્તિઓ એમના વાસ્તવિક જીવનમાં તૃપ્ત થઈ નથી એમ એમને સતત લાગે છે અને એટલે તેઓ દુ:ખી રહે છે.

આપણો અભિગમ – આપણું દષ્ટિબિંદુ – આપણું ‘એટિટ્યૂડ’ એટલે આપણું મનોવલણ. આપણે આપણી વાસ્તવિકતા અને આપણા સંજોગો ધાર્યા મુજબ બદલી નથી શકતા, પરંતુ આપણી દષ્ટિ – આપણું એ પ્રત્યેનું મનોવલણ બદલવાનું આપણા હાથમાં છે. આપણે એ નક્કી કરવાનું છે કે અર્ધા ભરેલા ગ્લાસને અર્ધો ખાલી જોવો કે અર્ધો ભરેલો ? એ પણ કેવી વિચિત્રતા છે કે આપણી પાસે પ્રિય વ્યક્તિ છે ત્યારે આપણને આપણા જીવનમાં કેટલું મૂલ્ય છે તે સમજાતું નથી. માતાપિતા-ભાઈ-બહેન-પત્ની-સંતાનો-મિત્રો ચાલ્યાં જાય છે ત્યારે જ આપણને એમની કિંમત થાય છે ! સખત બીમારી આવે છે ત્યારે જ સ્વાસ્થ્યનું મૂલ્ય સમજાય છે. નોકરી જાય છે ત્યારે જ તેની અગત્યતા સમજાય છે. આપણે જો આપણી પ્રિય વ્યક્તિઓનું મૂલ્ય સમજ્યાં હોત – એમના પ્રત્યે આભારની લાગણી રાખી હોત અને પ્રસંગોપાત્ત આપણા વ્યવહારથી દર્શાવતા રહ્યા હોત તો જિંદગીમાં ઓછા ખેદ રહેત ! Life would have been better if we had taken less for grandted. જીવન વધુ સુંદર બન્યું હોત. ક્યારેક આપ્તજનોના ઉષ્માભર્યાં હૃદય પર ઉપેક્ષાની હિમવર્ષા કરવાની ભૂલ ન થાય એ લક્ષમાં રાખીએ. આપણે ઘણીય વાર બહારના લોકોને ચલાવી લઈએ છીએ. એમની સાથે સારી રીતે પ્રેમથી વર્તીએ છીએ અને સ્વજનો સાથે ગેરવર્તાવ કરતાં હોઈએ છીએ. બસ ! એક જ વાત સદા લક્ષમાં રાખીએ જે બધું મળવું એને માત્ર આપણો અધિકાર ન માનીએ. એની કદર કરીએ. આંગ્લ કવિ શેલીએ સરસ કહ્યું છે, ‘Appreciation exalts the beauty of that which is beautiful –’ ગુણગ્રાહિતા અને કદરદાની જે સુંદર છે તેને વધુ સુંદર બનાવે છે.

આપણને સહેજે પ્રશ્ન થવાનો કે કૃતજ્ઞતા હૃદયનો એક સુંદર ભાવ છે. પરંતુ એ આપણામાં કેવી રીતે આવે ? લેખિકા શ્રીમતી રાયન કહે છે કે કૃતજ્ઞતાને આપણે કેળવી શકીએ, એને એક અંતરની સ્વાભાવિક લાગણી બનાવી શકીએ. એ માટે આપણે ક્ષણે ક્ષણે બદલાતી આપણી લાગણીઓથી જીવનને પ્રતિસાદ નથી આપવાનો. એને બદલે એક નિશ્ચિત વિધેયક કૃતજ્ઞતાની લાગણીથી જીવનને પ્રતિસાદ આપવાની આદત પાડવી પડે. કારણ કે આપણા વૈચારિક અભિગમથી જ આપણે દુનિયાને જોઈએ છીએ. આપણા અભિગમથી અને મનોવલણો થકી દુનિયા સુંદર છે કે કુરૂપ તે નક્કી થતું હોય છે ! આ સદીમાં આપણે કચકચાવીને રૂક્ષતાથી, સંવેદનહીનતાથી જીવવાને બદલે વધુ કૃતજ્ઞતાથી, નમ્રતાથી અને લાગણીપૂર્ણ રીતે જીવતાં શીખીશું તો સુખસગવડોની સાથે ચિત્તની આપણે પ્રસન્નતા પામીશું.

કૃતજ્ઞતા આત્મિક ગુણ છે. એ ગુણને આપણે કેળવતા રહીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચંપકલાલની લાચારી – તારક મહેતા
નાના મોટા માણસ, ઝીણી ઝીણી વાત – સં. પ્રકાશ વેગડ Next »   

18 પ્રતિભાવો : પ્રકાશનો ઝબકારો – જયવતી કાજી

 1. Vikram Bhatt says:

  ખુબ જ સરસ લેખ.

 2. arpitashyamal says:

  ખુબ જ ખુબ જ ખુબ જ સરસ લેખ……..I think in today’s life everyone needs this type of article….
  In one sentence ” Beautiful, fantastic, mind blowing article “…I really liked it…

 3. pragnaju says:

  “કૃતજ્ઞતાને આપણે કેળવી શકીએ, એને એક અંતરની સ્વાભાવિક લાગણી બનાવી શકીએ. એ માટે આપણે ક્ષણે ક્ષણે બદલાતી આપણી લાગણીઓથી જીવનને પ્રતિસાદ નથી આપવાનો. એને બદલે એક નિશ્ચિત વિધેયક કૃતજ્ઞતાની લાગણીથી જીવનને પ્રતિસાદ આપવાની આદત પાડવી પડે. કારણ કે આપણા વૈચારિક અભિગમથી જ આપણે દુનિયાને જોઈએ છીએ. આપણા અભિગમથી અને મનોવલણો થકી દુનિયા સુંદર છે કે કુરૂપ તે નક્કી થતું હોય છે”
  સરળતાથી સમજાય તેવી સુંદર અભિવ્યક્તી

 4. ભાવના શુક્લ says:

  “જે બધું મળવું એને માત્ર આપણો અધિકાર ન માનીએ. એની કદર કરીએ.”
  અહિ જ ભુલાવા મા પડીને મિથ્યા અહમ્ ને પોષવાનુ શરુ થાય છે. જે મળ્યુ છે તેની કદર કરવી ભુલી જ જઈએ છીએ.
  હમણાજ એક બહેને સરસ મજાનુ ઘર લીધુ..તેના વાસ્તુ પુજનમા ગયા અને સુંદર ઘર મેળવવા અને વસાવવા બદલ હૃદયથી અભિનંદન આપવા લાગ્યા ત્યારે બહેનનો કકળાટ કઈક આ મુજબનો હતો કે તેમણે સાસુ સસરાની બહુ (બીજા દિયર-દેરાણી કરતા વધુ) સેવા કરી પણ સંપત્તિના ભાગ પડ્યા ત્યારે દિયરના ભાગે વધુ આવ્યુ અને એમને અન્યાય થયો આથી પોતાની ઇચ્છા મુજબનુ ત્રણ મજલાનુ ઘર ના બનાવી શક્યા.
  લો ક લ્લો બાત…ત્યારે આ ઘર તો તેમને સસરાની સંપત્તિમા મળેલો અધીકાર માત્ર હતો..તેમની પોતાની કોઇ ગુણવત્તા કે મહેનત તેમા જવાબદાર ના હતી. અને છતા અસંતોષની છાયા તેમનો પીછો છોડતી ના હતી. ૨૫ લાખ મળ્યા તેની ખુશી કે કદર ને બદલે ૨ લાખ ઓછા મળ્યા તેનો રોષ અને રંજ વધુ!!!!!! આવા નો કોઇ ઇલાજ નહી..કૃતજ્ઞતા શબ્દ સાથે દુરનો પણ નાતિ નહી..

 5. અતુલ જાની (આગંતુક) says:

  સહુ પ્રથમ તો જયવતીજી આપનો ખુબ ખુબ આભાર આવો સુંદર લેખ લખવા બદલ. કૃતજ્ઞતા અને કૃતઘ્નતા આ બંને શબ્દો વચે બહુ ઓછુ અંતર છે. પરંતુ કૃતઘ્નતા ના ઘ ને સ્થાને કૃતજ્ઞતા નો ગ મુકતા આપણને વર્ષો અને કદાચ જન્મો વીતી જાય છે. જો આ એક જ ગુણ આપણામાં આવી જાય તો જીંદગીનો અર્ધો જંગ તો આપણે એક જ ઝાટકે જીતી જઈએ. અને જો આ એક જ ગુણ આપણામાં ન હોય તો આપણી બાજી લગભગ હારેલી જ ગણવી.

  આ લેખમાં ઘણા બધા પ્રકાશના ઝબકારા છે. અને એક એક ઝબકારો આપણા જીવનમાં અંધકારની વિપરીત વેળાએ પથ-પ્રદર્શક બનવા માટે પુરતો છે. આ લેખને આપણે ટોર્ચની માફક આપણા બગલથેલામાં હાથવગો રાખવો હિતાવહ છે. ફરી એક વખત જયવતીજી ખુબ ખુબ આભાર.

 6. GOSWAMI PRAGNESH says:

  first of all thank u vry much jayavatiji for prividing us a unique & inspiretive article.
  secondly, this article is sufficient enough to let’s know one’s that only one last quality of “goodness” makes everyones life like sunlight,like deep water,
  all examples about the article are quite handy & storyteller.
  in up&down situation of one’s life central idea of this article works.
  once again thank you.
  from :goswami pragnesh
  e-mail:prag_hari@yahoo.co.in

 7. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ. પહેલા મેં જયવતીજીનુ નામ પણ સાંભળ્યુ નહોતુ. જ્યારે મેં તેમનો લેખ “સુખનું સ્ટેશન” વાંચ્યો ત્યારથી હું તો તેમનો ચાહક થઈ ગયો. જીવનમાં સુખ જોઈતુ હોય તો તે લેખ અને મૃગેશભાઈનો “જીવનનો હેતુ” વાંચી લેવો. બીજું કંઇ જ વાંચવાની જરુર નથી.

  લેખિકાની વાતો સાથે સહમત. અત્યારના સમયની બેસ્ટ સેલર “the secret” માં પણ આ જ વાત કહેવામાં આવી છે. આભાર માનો. અતુલભાઈની કોમેન્ટ પણ એકદમ યથાર્થ.

  નયન

  સુખનુ સ્ટેશન
  http://www.readgujarati.com/sahitya/?p=55

 8. કલ્પેશ says:

  મા-બાપ પ્રત્યે કૃતજ્ઞતા માટે એક ઇજીપ્તની કહેવત છે.
  “કોઇ વસ્તુને ભૂલાવવી હોય તો એને નજરની સામે મૂકી દો”

  આ બધી કહેવતો અથવા સાર સરળ શબ્દોમા હોય છે. વાંચતા બધુ જ સારુ લાગે છે, અનુકરણ માટે એટલુ જ મનન કરવુ રહ્યુ.

  કૃષ્ણ ભગવાને કેટલા વર્ષૉ પહેલા કહ્યુ કે “કર્મણ્યે વાધિકાર્સ્તે…..”
  છતા આપણા જીવનમા કેમ ફેરફાર નહી?

  શુ આપણે ખરા અર્થમા ધર્મને સમજ્યા?

 9. Hiral Thaker "Vasantiful" says:

  ખરેખર ખુબ જ સરસ!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.