બેવફાઈ – ધીરુબહેન પટેલ

મમ્મીના ગયા પછી અનુષ્કાને તારંગાની જ મોટી ઓથ હતી. એ જ નક્કી કરતી કે અનુષ્કાએ શું પહેરવું, શું ખાવુંપીવું, કોની જોડે રમવું અને કેટલા વાગે સૂઈ જવું. આમ જુઓ તો ઉંમરમાં આઠનવ વર્ષનો જ ફેર, પણ તારંગા મોટી બહેન એટલે ચૌદ વર્ષની તોય જાણે મમ્મી જેવી અને અનુષ્કાનું બધી વાતે ધ્યાન રાખવાનું એણે માથે લઈ લીધેલું એટલે ઘરમાં બધાએ એ વ્યવસ્થા સ્વીકારી લીધેલી.

તારંગા તો કિરાતનું પણ એવી જ રીતે ધ્યાન રાખવા માગતી હતી. પણ એક તો એ છોકરો અને ઉંમરમાં પાછો બે જ વર્ષે નાનો એટલે એ તારંગાને વડીલ તરીકે સ્વીકારતો નહીં. ઘણી બધી વાતે એ બંનેને મતભેદ થતા અને ઝઘડો કેટલીક વાર માત્ર મૌખિક ન રહી શક્યો. એવે વખતે અનુષ્કા અંગૂઠો ચૂસવાની લગભગ છૂટી ગયેલી ટેવ પાછી અપનાવી લેતી અને એક ખૂણામાં ઊભી ઊભી જોયા કરતી કે ભાઈ અને તારંગા બેમાંથી કોણ જીતે છે. પણ એકંદરે ત્રણે ભાઈબહેનને બનતું સારું અને વડીલોની દુનિયાથી અલગ રહી શકાય એવી એક નાનકડી દીવાલ એમણે પોતાની આસપાસ રચી લીધી હતી. ત્યાં નિ:શંકપણે તારંગાનું રાજ્ય ચાલતું હતું અને કિરાત કેટલીક વાર બળવો કરતો તે માત્ર પોતાનું અસ્તિત્વ જાહેર કરવા પૂરતો જ. અનુષ્કાને એવી ઈચ્છા ન થતી. એ મોટી બહેનની સોડમાં એક જાતની આરામ અને સુરક્ષિતપણાની ભાવના અનુભવતી. એ રૂપાળી હતી એટલે તારંગાને વધારે વહાલી લાગતી અને હરહંમેશ કહ્યું કરતી એટલે એની કોઈ સ્વતંત્ર ઈચ્છાઅનિચ્છા હોઈ શકે એવો તારંગાને ખ્યાલ આવતો જ નહીં.

અવિનાશે જો બીજાં લગ્ન ન કર્યાં હોત તો બધું આમ ને આમ ચાલ્યા કરત. દાદીમા તો ઘરમાં હતાં જ એટલે મમ્મીની ખોટ થોડા વખત પછી કોઈને લાગતી નહોતી. ઘરના કુશળ સંચાલન માટે કે છોકરાંઓની દેખભાળ માટે એણે ફરી પરણવું પડે એવું નહોતું. તોય એ તો પરણ્યો. અને એક સાંજે આવીને જાહેર કર્યું :
‘અન્ની, તારુ, કિરાત ! આ તમારી નવી મમ્મી !’
છોકરાંઓ ડઘાઈ ગયાં. એ લોકો કંઈ બોલે કે આ નવી પરિસ્થિતિ બરાબર સમજે તે પહેલાં એણે કહ્યું : ‘સ્મિતા, આ મારાં બા છે.’ દાદીમાએ નીચે નમેલી સ્મિતાને માથે હાથ તો મૂક્યો પણ બોલ્યા વગર ન રહી શક્યાં.
‘પણ ભાઈ, એકાએક ? જરા વાત કરી હોત તો ચાર સગાંનેય બોલાવતને !’
‘નકામો ડખો થાય.’
‘અમને તો કહેવું હતું !’
‘શો ફેર પડત ? આમ તો નોટિસ આપી જ દીધેલી. આજે બપોરે અમે સહી કરી આવ્યાં. સ્મિતાને કોઈ સગુંવહાલું નથી. એક ભાઈ છે તે ઓસ્ટ્રેલિયા રહે છે. રાતે ફોન કરી દઈશું. તારુ ! જા, મમ્મીને ઘર બતાવ.’

તારંગા આ પળે શું કરવું તે ઝટ નક્કી કરી શકી નહીં. એમાં જ અવિનાશનો વિજય થયો. કંઈ ખાસ બન્યું જ ન હોય એમ એ છાપું લઈને સોફા પર બેસી ગયો અને દાદીમાને પૂછવા લાગ્યો : ‘કોઈનો ફોનબોન આવ્યો હતો ? કોઈ મળવા આવ્યું હતું ? કંઈ ટપાલ છે ?’
સ્મિતા પણ કંઈ ઓછી મૂંઝાયેલી નહોતી. અવિનાશે જ્યારે કહ્યું કે આપણાં લગ્ન એ આપણા બેની જ અંગત બાબત છે, એમાં બીજા કોઈને કશી લેવાદેવા ન હોઈ શકે – ત્યારે એ વિચારની નીડરતા પર જ એ મોહી પડી હતી ને એણે અવિનાશને તરત હા પાડી દીધી હતી. અને આમ જોવા જાઓ તો અવિનાશે કશું છુપાવ્યું પણ નહોતું. ઘરમાં ત્રણ છોકરાં છે અને વૃદ્ધ મા છે એવું તો એ જાણતી હતી. પણ આમ જરાયે પૂર્વતૈયારી વિના આ નવા ઘરમાં….
‘ચાલો.’ તારંગાએ તદ્દન લાગણીવિહીન સ્વરે કહ્યું.
સ્મિતાએ એની સાથે ચાલવા માંડ્યું. એના મનમાં એમ હતું કે રિસેપ્શન કે હનીમૂનના ધખારા તો બીજવરને કદાચ ન હોય. પણ ઘરમાં તો આવકાર જેવું કંઈક મળશે. પણ અવિનાશ તો નિરાંતે છાપું વાંચતો હતો અને આ નાનકડી છોકરી પોતે ઘરની માલિક હોય અને કોઈ અણગમતા મહેમાનને નાછૂટકે ઘરમાં બધું બતાવતી હોય એવી રીતે એની સાથે ફરતી હતી.
‘આ પપ્પાનો રૂમ છે.’
‘હું…. અહીંયાં જરા બેસું ?’
‘તમે જાણો. તમારો સામાન ક્યાં છે ?’
‘પછી..પછી લઈ આવીશ. હમણાં તો આમ જ…. એટલે કે…’
‘તમે જાણો.’ કહી તરંગા ત્યાંથી ચાલી ગઈ.

એ રાતે છોકરાંઓ મોડે લગી ઊંઘ્યાં નહીં. દાદીમાએ થોડીઘણી વાત કરવાની કોશિશ કરી પણ એમની સાથેય કોઈ બરાબર બોલ્યું નહીં. આખું ઘર અંધકારમાં લપેટાઈ ગયું પછી તારંગાએ આસ્તેથી પૂછ્યું :
‘કિરાત, તું જાગે છે ?’
‘હાસ્તો ને !’
‘કિરાત, આપણે શું કરીશું ?’
‘નાસી જઈએ.’
‘ક્યાં ? અને અન્ની તો હજી કેટલી નાની છે ! એને તો બિચારીને કશી સમજ પણ નહીં પડી હોય…’
‘પડી છે.’
‘અરે, તું જાગી ગઈ ?’
‘હું ઊંઘી જ નથી.’ અનુષ્કાએ જણાવ્યું અને તે ઊઠીને તારંગાના ખાટલામાં ભરાઈ. તારંગા તેને પંપાળવા લાગી. અને અજાણતાં જ એની આંખોમાં આંસુ આવી ગયાં.
‘અન્ની ! મારી ડાહી બહેન છે ને ?’
‘હા.’
‘તો જો – પેલી આવી છે ને, એને મમ્મી નહીં કહેવાનું. એની સાથે બોલવાનું જ નહીં. એની સામે પણ નહીં જોવાનું.’
‘કેમ ?’
‘એ કંઈ આપણી મમ્મી નથી, એ તો – એક બહુ જ ખરાબ બાઈ છે. આપણા પપ્પાને છેતરીને આપણા ઘરમાં ઘૂસી ગઈ છે.’
‘આપણે એને મારીને કાઢી મૂકીએ.’ કિરાત બોલ્યો.
‘કિરાત, તારામાં કંઈ અક્કલ જ નથી. આપણે એને મારીએ તો પપ્પા આપણી સાથે બોલે જ નહીં.’
‘ભલે ન બોલે. આપણે એમને પણ મારીશું.’
‘એઈ ! એવું ન બોલાય.’
‘તો શું કરીશું ? મને તો એ નથી ગમતી.’
‘મને પણ. અન્ની, તને ?’
‘નથી ગમતી.’
‘બસ, તો પછી ! આપણે કોઈએ એની સાથે બોલવાનું નહીં.’
‘પપ્પા વઢે તો ?’
‘તો પણ નહીં બોલવાનું. હસવાનું નહીં. કંઈ આપવાનું નહીં, માગવાનું નહીં, સામે પણ નહીં જોવાનું, સમજી ?’
‘સમજી ગઈ. પણ દાદીમા કહે કે એને બોલાવો, તો ?’
‘દાદીમા એવું કહે જ નહીં.’
‘તો બરાબર.’
‘કિરાત ! તું પણ ધ્યાન રાખજે. જરાય બોલતો નહીં.’
‘પપ્પા એને શું કામ લઈ આવ્યા ?’
‘કોને ખબર !’
‘એક વાત કહું ? મને તો હવે પપ્પા પણ નથી ગમતા.’
‘મને પણ.’
‘મને પણ.’ અનુષ્કા બોલી તો ખરી પણ એને મનમાં ને મનમાં પપ્પા ગમતા હતા. કેવા ઊંચા અને સરસ દેખાતા હતા ! એમનાં કપડાં પણ કેવાં સરસ ! કશી સરસ સરસ ગંધ આવે એમની પાસે જઈએ ત્યારે… પણ તારંગા કહે કે નથી ગમતા તો પછી….

‘તારંગા ! હું મોટો થઈશ પછી તો અહીં નથી જ રહેવાનો.’
‘હમણાં તો રહેવું જ પડશેને ! ચાલો, સૂઈ જાઓ બેઉ જણ.’
‘હું તારી પાસે સૂઉં ?’ અનુષ્કાએ પૂછ્યું.
‘લાત નહીં મારવાની.’
‘નહીં મારું.’ કહી અનુષ્કાએ તારંગાનો હાથ પકડ્યો અને બે જ મિનિટમાં ઊંઘી ગઈ. ઘરમાં આટલો ભયંકર બનાવ બન્યો છે તે છતાં એ આમ ઊંઘી ગઈ એ તારંગાને ન ગમ્યું. પણ ચૌદ વર્ષે માણસ ગમે તેમ તોય આખી રાત તો ન જ જાગી શકે. થોડા વખત પછી એને પણ ઊંઘ આવી ગઈ.

સવારે ઊઠ્યા પછી તરત જ આગલા દિવસનું બધું યાદ આવી ગયું એટલે એણે અનુષ્કાને ઢંઢોળીને જગાડી.
‘અન્ની, બરાબર યાદ રાખજે.’
‘શું ?’
‘પેલીની જોડે બોલવાનું નથી.’
‘કોણ પેલી ?’
‘અરે, પપ્પા લઈ આવ્યા છે તે. ભૂલી ગઈ ?’
‘ઓહ-હા ! તારુ, એનું નામ શું ?’
‘સ્મિતા. પણ આપણે એના નામને શું કરવું છે ? આપણે એને બોલાવવાની જ નહીં. યાદ રહેશેને ?’
‘હા. અને – હસવાનું પણ નહીં.’
‘બરાબર.’
ત્યાર પછી કિરાતની સાથે પણ તારંગાએ બરાબર પાકું કરી લીધું. જોકે એ મોટો હતો અને એને પોતાને પણ ઘણી ચીડ ચડી હતી એટલે એ કંઈ સ્મિતા જોડે બોલવા જાય એવો સંભવ નહોતો. એટલે તારંગા નિશ્ચિંત હતી.

અણધાર્યું વિઘ્ન આવ્યું દાદીમા તરફથી. ચાનાસ્તા વખતે છોકરાંઓનો વ્યવહાર જોઈને એ સમજી ગયાં અને અવિનાશ અને સ્મિતાના ઊઠી ગયા પછી કિરાત અને તારંગાને કહેવા લાગ્યાં : ‘હવે આવી છે તે આવી છે ! એની જોડે આમ ઊંચું મન રાખશો તે કંઈ ચાલવાનું છે ? નકામો અવિનાશ ચિડાશે.’
‘ભલે.’ કિરાતે કહ્યું.
‘બેટા, તું તો ડાહી છોને ! જરા બોલ્યાચાલ્યામાં આપણું શું જાય ?’ તારંગાએ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કર્યો : ‘હેં દાદીમા, તમને ખબર હતી ?’
‘ના, ભાઈ.’
‘તો – તમને ગમ્યું ?’
‘ગમે તો નહીં પણ હવે શું કરવાનું ? તારા પપ્પા રીતસરના પરણીને લઈ આવ્યા છે એટલે સુખેદુ:ખે એક ઘરમાં દહાડા તો કાઢવાનાને ? તમે છોકરવાદ કરો પણ મારે તો એને બોલાવવી જ પડેને !’
‘શું કરવા ?’
‘શું કરવા ? લે, એવું તે કંઈ ચાલતું હશે ?’
‘અમે તો નહીં બોલીએ.’
‘તારુ, તું મોટી છે. તું જરા સમજ. તમે લોકો આવું કરો તો તમારા પપ્પાને દુ:ખ ના થાય ?’
‘એમાં અમે શું કરીએ ?’
‘દાદીમા, અમને એ બિલકુલ ગમતી નથી. અમે એની સાથે નહીં બોલીએ. પપ્પા કહેશે તોય નહીં બોલીએ.’ કિરાત બોલ્યો.
‘અનુ, તું તો ડાહી દીકરી છે ને ?’
‘હા.’
‘તો તું બોલજે, હં બેટા !’
અનુષ્કા ગભરાઈ ગઈ. એને ડાહી દીકરી થવું પસંદ હતું અને દાદીમા તો એને ઘણાં જ ગમતાં હતાં. એમનું કહેલું કરવું જોઈએ એવું એને શિખવાડવામાં આવ્યું હતું. પણ તારંગાએ ચોખ્ખી ના પાડી હતી તેનું શું કરવું ? એ અંગૂઠો મોમાં નાખવાની તૈયારીમાં જ હતી એટલામાં એને જવાબ સૂઝ્યો, ‘તારંગા બોલશે તો બોલીશ.’ એ માનતી હતી કે આ સાંભળીને તારંગા ખુશ થઈ જશે પણ એણે તો આંખો કાઢી. એટલે પછી એને યાદ આવ્યું અને એણે કહેવા માંડ્યું : ‘બોલવાનું નહીં ને હસવાનું નહીં ને કંઈ આપે તો લેવાનું પણ નહીં. અમને એ નથી ગમતી. મને ને કિરાતને ને તારંગાને. કેમ કિરાત ?’
‘હા દાદીમા. અમે લોકો તો નથી જ બોલવાનાં.’
‘હશે ત્યારે. અવિનાશ જાણે ને તમે જાણો.’

પણ એ બીતાં હતાં એવું કંઈ થયું નહીં. છોકરાંઓનો અસહકાર જાણ્યોઅજાણ્યો કરી નાખીને અવિનાશ તો રોજની જેમ ઑફિસે જતો રહ્યો. સ્મિતાને કહેતો ગયો : ‘બધું એની મેળે ઠીક થઈ જશે. ચિંતા ન કરતી.’ સ્મિતાએ પોતાની ઑફિસમાંથી બે દહાડાની કેઝ્યુઅલ લીવ લીધી હતી. આ નવા ઘરમાં ત્રણે છોકરાંઓના મૌનનો ભાર એને અસહ્ય થઈ પડ્યો. આના કરતાં લીવ ન લીધી હોત તો સારું થાત. અવિનાશની જોડે જ નીકળી શકાત. આમ તો અવિનાશ એને ગમતો હતો. નહીંતર આટલી ઉંમરે પરણવાનું સાહસ ન કરત. પણ પાંત્રીસ પછી ક્યારેક એકલવાયું લાગવા માંડ્યું હતું. છૈયાંછોકરાંવાળું એક કુટુંબ… માથે વડીલની છત્રછાયા… અને એક સમજદાર માણસનો જિંદગીભરનો સાથ… એણે હા પાડી દીધી અને આ અજાણ્યા ઘરમાં આવી પડી… પહેલેથી પરિચય કેળવવાની કશી જરૂર નથી એ આગ્રહ પણ અવિનાશનો.
‘જાણે છેને, સ્મિતા ? બ્લિટ્ઝક્રીગ ! ઓચિંતુ આક્રમણ જ વિજય અપાવે. બસ, જઈને ઊભું રહેવાનું… પહેલેથી વાત કરી હોત તો કેટલાય વાંધાસાંધા નીકળે…. છોકરાંઓને પણ પૂર્વગ્રહ બંધાઈ જાય… અને એક વાર તને મળે પછી તો તું કોઈને ન ગમે એ વાતમાં કંઈ માલ નથી. હા, તને કદાચ મારાં છોકરાં ન ગમે તો જુદી વાત.’
પોતે જ હરખાઈને કહ્યું હતું – ‘તારા છોકરાં તો મને ગમે જ ને !’
‘બસ ત્યારે. પતી ગયું…. હવે કશો વિચાર કરવાનો નથી. પરણી નાખીએ…’ અને બેઉ જણે પરણી નાખ્યું. હવે ?

પહેલો દિવસ તો પોતાનો સામાન લાવવામાં ને ગોઠવવામાં કાઢી નાખ્યો પણ ચેન પડતું નહોતું. છોકરાંઓ ખરેખર સરસ હતાં પણ એની સાથે બિલકુલ બોલતાં નહોતાં. ચોકલેટ પણ લીધી નહીં. મોટી છોકરીએ સ્થિર નજરે સામે જોઈને કહ્યું : ‘દાંત ખરાબ થાય.’ સ્મિતા ઢીલી પડી ગઈ. અવિનાશને ફરિયાદ કરવાનો કંઈ અર્થ નહોતો. ધારો કે એ છોકરાંઓને વઢે અને પોતાની સાથે બોલવાની ફરજ પાડે તો તો એ લોકો પોતાને વધારે ધિક્કારશે. એના કરતાં થોડો વખત રાહ જોવી સારી. પછીય આવું ને આવું જ રહે તો – તો શું ? ચાલી જવાનું. કેટલાંય લગ્નો રોજ તૂટે છે. એક વધારે. અવિનાશને ફરજ ન પડાય કે એની મા અને એનાં છોકરાંઓને છોડી દઈને પોતાની સાથે રહેવા આવે… ના, એ ન બને.

બીજો દિવસ માંડ માંડ વાર્તાની ચોપડીઓ વાંચીને વિતાવ્યો. માજી સાથે થોડી વાત કરી. છોકરાંઓને આઘેથી જોયાં ને અવિનાશને હસતે મોંએ જવાબ આપ્યો : ‘બધું બરાબર છે. ધીરે ધીરે ફાવી જશે.’ પણ ફાવ્યું તો નહીં. આખો વખત એમ લાગ્યા કર્યું કે પોતે ભૂલ કરી છે. એક એવી ભૂલ કે ઝટ સુધરે નહીં. સુધારવા જતાં બીજી અનેક ભૂલો કરવી પડે. સામે છોકરાંઓનો સંપ જડબેસલાક હતો. દિવસે દિવસે સ્મિતાનું મન પાતાળે બેસતું ગયું. હવે તો તેણે છોકરાંઓને મનાવી લેવાની નિરર્થક ચેષ્ટાઓ પણ છોડી દીધી. છેલ્લે થયું કે થોડા દિવસ ભાઈ પાસે ઓસ્ટ્રેલિયા જઈ આવું…. જઈને પણ શું ? સામે ઊભા રહેવાનું એટલું જ. કહેવાનું તો કંઈ છે નહીં… ઠીક, તો આમ ને આમ દહાડા કાઢી નાખવાના. નીકળે એટલા ખરા. ક્યારેક પૂરા પણ થશે.

તે સાંજે અવિનાશને મોડું થવાનું હતું. ઉદાસ ભાવે તે ગૅલેરીના એક ખૂણામાં બેસી રહી હતી. ઓચિંતું પાળી પર માથું ટેકવીને ખૂબ રડી નાખવાનું મન થયું. કેટલો વખત થયો તેનો કશો ખ્યાલ રહ્યો નહીં. ત્યાં જ એકદમ બાજુમાંથી અવાજ આવ્યો, ‘રડો નહીં.’
ચોંકીને જોયું તો અનુષ્કા ! હાથમાંનો પ્યાલો આગળ ધરીને બોલી : ‘પી જાઓ. રડો નહીં.’
સ્મિતાએ આવેગપૂર્વક એને ખેંચીને ખોળામાં બેસાડી દીધી. પ્યાલામાંનું પાણી છલકાયું તેની કશી દરકાર કર્યા વગર છોકરીને ગળે વળગાડીને તે વિચારવા લાગી : ‘બસ, હવે મરી જાઉં તોય વાંધો નથી.’
અનુષ્કાએ ધીરેથી એને પંપાળીને પૂછ્યું : ‘હું જાઉં ?’
સ્મિતાએ સ્વસ્થ થઈને એને છોડી દીધી. કહ્યું : ‘ભલે.’
‘પછી રડશો તો નહીંને ?’
‘ના.’
અનુષ્કા નાનાં નાનાં પગલાં ભરતી ચાલવા લાગી. વળી વળીને તે પાછું જોતી હતી. તારંગા પ્રત્યેની બેવફાઈનો ભાર સહન નહોતો થતો તોય પાછળ જોવાઈ જ જતું હતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રતિલાલ બોરીસાગર સ્મૃતિસંગ્રહાલય – રતિલાલ બોરીસાગર
તેઓ માત્ર આપવાનું જ જાણે છે – અવંતિકા ગુણવંત Next »   

22 પ્રતિભાવો : બેવફાઈ – ધીરુબહેન પટેલ

 1. kumar says:

  સરસ……….

 2. Pravin V. Patel says:

  સગી બનવા મથતી સાવકીમાની મથામણનું સુપેરે નિરુપણ કરવામાં આવ્યું છે. સમાજમાં સાવકી પ્રત્યેનો જે પૂર્વગ્રહ છે તે મથાવે છે. અંતે અનુષ્કાનો પ્રેમ જીતે છે. સુંદર વાર્તા. અભિનંદન.

 3. nayan panchal says:

  સરસ વાર્તા.

  કેટલાક પૂર્વગ્રહો બાળકોની નિર્દોષતાને પણ કલુષિત કરી નાખે છે. અનુષ્કાનુ પાત્ર ખૂબ સરસ. બધી સાવકી મા કંઈ ખરાબ નથી હોતી. કદાચ તારંગાના મનમાં પણ અસલામતીની ભાવના આવી ગઈ હશે. મને વિશ્વાસ છે કે અમુક સમય પછી તારંગા અને કિરાત પણ સ્મિતાને અપનાવી જ લેશે.

  નયન

 4. Dhaval B. Shah says:

  ખૂબજ સુન્દર. Many a times I used to feel that how can a story not have an end. But here is the great example wherein author has expressed the feelings of a mother and a daughter so nicely that the story doesn’t need an explicit end. Too good!!

 5. SHRUTI says:

  good story but end is incomplete…..

 6. દરેક પાત્રોની ભાવનાઓ અને લાગણીઓ અને મનોમંથનનું ખુબ જ સુક્ષ્મ અને મર્મસ્પર્શી ચિત્રાંકન .. !!

  ખુબ સુંદર ..

 7. ગાંડાભાઈ વલ્લભ says:

  ખૂબ સારી વાર્તા. બાાળકો અને સમાજમાં સાવકી મા અંગેના ખ્યાલોનું સચોટ વર્ણન. સાથે જ કોરું માનસ કેવું નિર્દોષ હોય છે તેનું દર્શન. આપણી લાગણીઓને સ્પર્શી જાય છે.

  ધન્યવાદ અને આભાર.

 8. pragnaju says:

  સરસ વાર્તા
  અહીં મધર્સ ડેની ઊજવણીમાં સાવકીમાની પણ પ્રશંસા કરાય છે અને પોતાની કેટલી બધી ઈચ્છાઓનો ભોગ આપી પારકાને પોતાના કરે છે તે વાતનો ઉલ્લેખ થાય છે!! ધન્યવાદ

 9. અતુલ જાની (આગંતુક) says:

  વાર્તા સારી રીતે લખાણી છે. વધુ કશું કહેવા માટે શબ્દો નથી મળતાં.

 10. Rekha Sindhal says:

  બધું એની મેળે બરાબર નહી થતું હોતુ. આપણા સમાજમાં કૌટુંબિક નિર્ણયોમાં પુરુષને અપાતી સર્વોપરી સતાના આઘાત અને પ્રત્યાઘાતનો મોટો ભાર કુંટુંબના સૌથી નિર્દોષ અને/અથવા નાના સભ્યને વહેવો પડતો હોય છે.

  ધીરુબેનની વાર્તા તો સરસ ન હોય તો જ નવાઈ !

 11. Gira says:

  awesome story…

 12. bhavin says:

  nice story —

 13. Hiral Thaker "Vasantiful" says:

  સરસ વાર્તા. બાળ માનસની વ્યથા ને મુંઝવણ નું સુંદર નિરુપણ.

 14. Lina Savdharia says:

  અમુક વિધુર, બાળકો નહિ સચવાય તે ભય થી બીજુ લગ્ન કરતા નથી. અને જે વિષ્વાસ ક્રરી શકે છે, તેજ લગ્ન કરવાની જરુરીયાત સમજી પગલુ ભરે છે.
  આવનાર વ્યક્તી એ પણ સમજવુ જોઇએ કે આ મારી જીવનભરની જવાબદારી રહેશે. બાપ ની ગેરહાજ્રરી મા પણ કર્તવ્ય્ જાળવી રાખી શકે તોજ તેણે જનેતાની જ્ગ્યાનુ કર્તવ્ય્ બજાવ્યુ કહેવાય્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.