ભવોભવના સાથી – અનુપસિંહજી પરમાર

સને 1919-’20ના વરસે અમે સાવ ઢીંગલા-ઢીંગલી જેવડાં હતાં. ત્યારે અમારા ગામથી બાર ગાઉ છેટે એક માલદાર ઘેરે મારા દાદા મારા લગ્નનું ગોઠવી આવેલા. એ વખતે લગ્નની પ્રાથમિક વિધિ કન્યાના હાથમાં એક શ્રીફળ, સાકરપડો અને સવા રૂપિયો આપતાં લગ્નનો કરાર થઈ જતો. દાદા વળી એવા હોંશિલા કે કન્યાને સારો તહેવાર આવે એટલે ખાણું આપવા જતા. એમનું અવસાન થયા પછી દાદીમાએ એ ક્રમ જાળવી રાખેલો. મનમાં એવી હોંશ કે બેઉ વહેલાં વહેલાં મોટા થઈ જાય તો મારી સગી આંખે દીકરાનાં લગ્ન જોતી જાઉં…. અને એવો મોકોય આવ્યો. ત્યારે ઈ.સ. 1937માં હું મેટ્રિક પાસ થઈ ગયેલો અને કૉલેજનાં સપનાં સેવતો, અને મારી થનાર વહુ સરલા તો સાવ અભણ જેવી. માંડ બે ચોપડી ભણેલી. પણ તે જમાનામાં વડવાઓનું એકચક્રી શાસન. મને મારા મિત્રોએ ચેતવ્યો પણ ખરો. પણ મારું કંઈ ના ચાલ્યું. અને લગ્નના માયરામાં બાજઠ પર અમે ગોઠવાયાં. સાવધાન…સાવધાન…ના પોકારો થયા, પણ હવે બેઠા પછી ક્યાં ઊઠી જવાના ? મનમાં તો ઘણું થાય, કે મનહરિયા, આ અભણ બૈરું સાથે તું કેમનાં પાનાં પાડશે ?… પણ આખરે પરણીને વાજતે-ગાજતે ઘેર આવ્યાં. મારું મોઢું તો સાવ કરમાયેલું જ હતું. શું થાય ? દાદીમાના વટહુકમ આગળ આપણે તો નિરુપાય હતા. જોઉં હવે એના હુકમનું ક્યાં સુધી પાલન થાય ?

બે દિવસ પછી વહુરાણીને પિયર તેડી જવા બે ડમણી જોડીને પાંચ જણ આવ્યા. જતી વખતે સરલા અને અણવરિયું મળીને સાત થાય, એ ગણતરીએ બે ડમણી કરેલી. મોટા ઘરનું આણું હતું ને ! કંસાર ઘીનું જમણ. ઘી છૂટે હાથે પીરસાય એવો જમાનો. આગ્રહ કરી કરીને પીરસાય. ને હું અંદરથી અકળાઉં. બવ ભણેલી છોકરી સાથે દીકરાને પરણાવ્યો એટલે પિયરિયાં પર આટલા બધા ઓળઘોળ ! જમ્યા પછી કલાકેકમાં નીકળવાનું હતું – અને બાપુ ઢોલીએ બેસીને મૂરત જોતા હતા. મોટા ભાઈ બારણે ઓટલા પર પરોણા સાથે વાતે વળગ્યા હતા. ત્યાં બાપુએ લીલી ઝંડી ફરકાવી. હું એક હાથા વગરની ખુરશી પર બેસી આ બધો તાલ જોતો હતો. ત્યાં તો કંકાવટી અને થાળીમાં અક્ષત, દહીં, ફૂલ, દરોઈ અને એક સોપારી તથા તાંબાનો એક પૈસો લઈને મારી નાની બહેન એની ભાભીને અર્થાત મારી વહુજીને લઈને ઘરના આગલા ખંડમાં આવ્યાં. મોટી ભાભી તો જોડે ને જોડે જ હતાં. ઉપરાંત અગલબગલથી પણ પાંચ-છ સ્ત્રીઓ સરલાને ગીત સાથે વળાવવા એકઠાં થયાં. એક પલકમાં ઢોલિયા પર બેઠેલા મારા બાપુને જોઈ સરલા આવીને પગનાં અંગૂઠા સુધી વાંકી વળીને પગે લાગી. બાપુએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપી સો રૂપિયા આપ્યા. પછી વચલે બારણે અડીને ઊભેલી મારી દાદીમા ને બાનેય પગે લાગી. તેઓએ પણ સરલાને શુકનજોગ પૈસા આપ્યા. પછી સરલા જાણે કે એક ડગલું ભરવાને બદલે ખમચાઈને ઊભી રહી. અને મારી બહેનને ઝીણા સ્વરે કહ્યું : ‘મોટાભાઈ.’ એટલે બેનડી ઓટલે ઊભેલા મોટા ભાઈને હોંશે હોંશે બોલાવી લાવી. એટલે સરલા એમને પગે પડી. મોટાભાઈએ ગજવામાં હાથ નાખી જે હાથમાં આવ્યું તે સરલાને આપ્યું. પછી સરલા પૂંઠવળીને મોટા ભાભીને પગે પડી, અને તરત જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તો મોટાં ભાભીએ એની પીઠ પસવારતાં કહ્યું : ‘લે, હવે રડ નહીં. બે દિવસ પછી પાછા આવવાનું જ છે ને ! અહીં કોઈ આપદા નથી.’ સાચું કહું, આ દશ્ય જોઈને મારી આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. પણ તે કોઈ કળે નહીં, એમ રૂમાલથી લૂછી નાખ્યાં. અરે, બે જ દિવસમાં એ મોટી ભાભી સાથે આટલી બધી શી રીતે હળી ગઈ – અને સાથે એવું પણ થયું કે સરલા ભણી નથી, પણ ગુણિયલ તો છે જ.

અમે બધાં હવે ઓટલા પર ઊભા હતા. ડમણીમાં બેસતાં પહેલાં ભાભીએ પૈડાનું પૂજન કરાવ્યું. બીજી બહેનો ગીત લલકારવામાં મશગૂલ હતી. ત્યાં ભાભીએ સૂચન કર્યું કે સોપારીને ફૂલ આપણી ખાડીમાં નાખી દેજે. એણે ડોક હલાવી, જેવી ડમણીમાં બેસવા ગઈ તેવી જ એણે ભીની આંખે મને જોઈ લીધો. જાણે કહેતી હોય, આપણે તો ભવોભવના સાથી છીએ !

ભવોભવના સાથી તો ખરા જ. અને એની પ્રતીતિ પણ મને ધીમે ધીમે થવા લાગી. આમ તો અમારું બહોળું કુટુંબ. ચાર ભાઈનો પરિવાર. દાદીમા તો અમારાં લગ્ન થયાં પછી બે વરસે ગુજરી ગયાં. બાપુ તો હજી કડેઘડે હતા. અને અમારી સો વીઘા ભોંયને પોતે જ પહોંચી વળતા. ઉફરાટી પચીસેક વીઘા ભોંય પણ વધારી હતી. મજૂરનો સથવારો ખરો પણ આટલી ભોંય આપમેળે ખેડવી એ કંઈ રમત વાત નહોતી. અમે તો બધા ભણીગણીને નોકરીએ વળગેલા. બધાની નોખનોખી દિશા. પણ અમારા સહુની ‘પદમણીઓ’ ન ભણેલા જેવી. પણ એના જ સથવારે અમે આ શહેર તે શહેર કરતા રહ્યા. સિઝન પર બાપુને મદદ કરવા કોઈ એક ભાઈ આઠ-દસ દિવસની રજા લઈને ઘેર આવે. બાકી તો દિવાળી અને મે વેકેશનમાં બધો રસાલો ભેગો થતો. બધા આનંદમાં ખાઈ-પીને ગુલતાન. એમાં ચારે ભાઈનાં ટાબરિયાં ભેગાં થાય અને આખો દિવસ ધિંગામસ્તી.

પણ ઘરમાં ક્યારેક ચડભડ થઈ જતી. એમાંનો એક પ્રસંગ ખરેખર નોંધવા જેવો છે. એક દિવસ બપોરે સરલા અને મોટી ભાભીને બરાબરની જામી ગઈ. તું તાં પર આવી જતાં વાર ના લાગી. મને ને મોટાભાઈને વેદનાય થતી. અરે, બાપુએય પણ દરમ્યાન કરી જોઈ, જેમનો પડ્યો બોલ ઉપાડી લેતાં બેઉને જરાય વાર લાગતી નહીં. પણ આજે તો બાપુનેય ભોંઠા પડવા જેવું થયું. મોટા ભાઈને જુઓ તો લાલચોળ, અને મેંયે ઊઠીને ધમકાવી તો સરલાએ મોટા અવાજે જ કહ્યું : ‘એ બોલે તો હું ના બોલું ? શું ખાઈ ગયેલી છે….’ આમાં ને આમાં સાંજ થવા આવી. અને ભગવાનને કરવું તે આ જ વખતે ઠેઠ વડોદરાથી મારા પ્રો. મિત્ર શાંતિલાલ એમની પત્ની ઉમાબહેન અને બાળક સાથે પાસેના કસબે ઊતરી ભાડાની ડમણી લઈને ઉપસ્થિત થયાં. હત તેરીકી… મારું મોઢું ક્ષણભર વિલાઈ ગયું. અહીં આવવાનું મૂરત હમણાં જ સૂઝ્યું ? પણ ઉમાબહેનને તો મોટી ભાભીય ઓળખે. મોટા ભાઈ સાથે વડોદરા આવતાં ને ! આવો, આવો કરતાં તેણે જ આવકારો આપ્યો. સરલા પાણી લઈ આવી. બેઉ નાની દેરાણી પણ આવીને ખબરઅંતર પૂછવા લાગી. મોટા ભાઈ તો શાંતિલાલની જોડે જ બેઠા અને ટાબરિયાં તો કેવાં ધીરેથી બોલ્યા : ‘સરલાકાકી…’ અને સરલા સાથે જ ઉમાબહેન અંદરના ભાગમાં જઈને બેઠાં. હું તો વિસ્ફારિત નયને આ જોતો રહી ગયો. ઘડી પહેલાનો કલહ તો ક્યાંય ગાયબ થઈ ગયો અને ઘરમાં તો બિલકુલ હળવાશ વ્યાપી ગઈ.

અને ક્યારે પૂરી વણાઈ, તળાઈ, ભજિયાનો લોટ બંધાયો. પાપડ, પાપડી, શાક, અથાણાં અને આ દરમ્યાન મોટી ભાભી અને ઉમાબહેન હીંચકે બેસી વાતે વળગેલાં. એક મનગમતું દશ્ય મારી આંખ આગળ તરી રહ્યું. રસોઈ તૈયાર થતાં સાદડી નંખાઈ. ‘ચાલો, જમી લઈએ…’ કહીને મોટાભાઈએ ઉઠાડ્યા. જમવામાં ખાસ્સો વખત વીત્યો. બાપુય આવીને જરીક જોઈ ગયા. એમાં અમારી ખેતીના ધંધાનીય વાતો થઈ. શાંતિલાલ તો એ વિશે થોડું જાણતાય હતા. તમારે તો ખૂબ સારું છે, નાહકના શહેરમાં કુટાઈ મરો છો… વગેરે વાતો ચાલતી રહી…

બે દિવસ પછી બધાએ પોતપોતાની દિશાએ વળવાનું હતું અને ટાબરિયાં તો જુઓ. એક મોટી ભાભીને વળગે, તો મોટી ભાભીનો એકાદ નંગ સરલાની પૂંઠે. બેઉ દેરાણીનાં છોકરાંનોય એવો જ પજવાટો. માંડ માંડ સમજાવીએ… મારે વડોદરા જવાનું, સરલાય તૈયાર. મારાં બેઉ છોકરાંનેય પટાવ્યા. બાપુને પગે લગાડ્યા, અને બાપુએ પાંચ પાંચ રૂપિયા આપીને રિઝાવ્યાં. સરલાય મોટી ભાભીને વળગી રડી પડી : ‘મારાથી બોલાઈ ગયું, મોટી બહેન…’
‘જા..જા, એવું બધું તો થાય. કાંઈ ગળે ના વળગાડાય. મનમાં તું લાવતી નહીં.’ અને એ પળે મારું હૈયું ભીંજાઈ ગયું.

વડોદરા હું હવે સ્થિર થયો હતો. ઘર જોકે ભાડાનું હતું. ગામડાનાં ઘરોની જેમ ગાળા ટાઈપ હતું. અને અમને ખાસ્સું સદી ગયું હતું. પણ સરલાના મનમાં એક અભરખો હતો. ગામડામાં તો આપણે બધું છે. કાલે નોખા પડીએ તોય કોઈએ ઘર બાંધવું ના પડે. બગલે ખુલ્લી જગા. મસમોટો વાડો. આંબા ને ચીકુના ઝાડ. પણ આટલા વરસથી તમે નોકરી કરો તો કંઈ કમાયા ઓહે ને ! લાગ મળે તો સરલા કહે જ કહે – અને હું ઠેલમઠેલા કરું. લખાપટીમાંથી હું નવરો ના પડું. દરમ્યાન મારા ચાર પાંચ કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયા. નામના મળતી જતી હતી તેમ મારી હોંશ પણ વધતી હતી. મિત્રો આવે, ચા-પાણી નાસ્તો… સરલાનેય એની ઊલટ આવે. રોજ નહીં, પણ પાંચ-છ દિવસે એક-બે પુસ્તક આવે. મારી ગેરહાજરીમાં સરલા સહી કરીને એ લઈ લે. એમાં એક કબાટ તો ફુલચક ભરાઈ ગયો.
‘બોલો, હવે ચોપડા ક્યાં મૂકું ?’
‘હમણાં આ અભરાઈ પર મૂક. પછી નવું ઘર બનાવીએ ત્યારે બે કબાટ સાથે લઈશું.’ કહીને હું ઉપાલંભ કરું.
‘શમણામાં ?’ એ પણ કહેવામાં પાછી પડે ?

પણ એક દિવસ મારો એક પ્રો. મિત્ર જાણે વધાઈ લઈને જ આવ્યો.
‘અરુણોદય સોસાયટીમાં પ્લોટની ફાળવણી થાય છે. મેં બે પ્લોટની નોંધ કરાવી મૂકી છે. એમાં તારો પણ એક.’ સાંભળીને સરલાને ચાનક ચઢી.
‘હા… હા, તમે માથું મારશો તો જ તમારા ભાઈ ઊભા થશે.’ સરલા બોલી.
પાસે મારો મોટો દીકરો મનુ ઊભો હતો : ‘પાઠકકાકા, નોંધેલું ના ચાલે. તમે બે પ્લોટના હપ્તા ભરી દેવ. પપ્પા તો આપશે.’
‘ના પણ મનહરભાઈ, આવી સોસાયટી ફરી હાથ ન લાગે.’ પાઠકસાહેબ બોલ્યાં. સરલા તો જાણે હસુ હસુ. મનુને પાસે તેડી એણે ક્યારે પેંડા મંગાવી લીધા અને પાઠકસાહેબ આગળ પેંડાની ડિશ મૂકી.
‘લો મનહરભાઈ તમે પણ, ભાભીનો અને મનુનો ઉત્સાહ ભાંગી ન નાખો.’
‘પણ પાઠકસાહેબ, તમે આવતા રહેશો. મને આ મકાનના કામમાં ગમ ન પડે.’
ત્યાં સરલા બોલી : ‘એ તો હું એકલી પહોંચી વળીશ.’ તો મનુએ પણ ઉમેર્યું : ‘હું પણ નાનો કીકલો નથી. અને તમે તો છો જ.’ એ પછી પાઠકસાહેબે ઘરનો પ્લાન લાવીને મને બતાવ્યો તો આપણે એટલું જ કહ્યું કે આમાં મને કંઈ સમજ ન પડે. પણ ઘરમાં પૂરતા હવા-ઉજાસ રહેવા જોઈએ.
‘એ તો છે જ’ ત્યાં સરલાએ ઉત્સુકતાથી પ્લાન જોયો અને કહ્યું, ‘આણંદ જઈને હું મોટાભાઈને બતાવી આવું અને સાચે જ, એ તો બીજે જ દિવસે આણંદ ગઈ. કહેતી હતી, મોટી બહેનને પણ આ પ્લાન ગમ્યો છે – પણ ખરું તો એની વ્યવહારિતા મને ઘણી ગમી. જાણે મોટાભાઈ અને જેઠાણીને પૂછ્યા વગર પગલું ન ભરવું.

12 x 42ના ડબલ સ્લેબના મકાનનું બાંધકામ આખરે પૂરું થયું. એમાં સરલાની નજર સદાય મંડાયેલી રહેતી, એ હું જોતો હતો અને એનું નામકરણ કરવાનું પણ સરલાએ જ કહ્યું, ‘બોલો તો, આનું શું નામ રાખશો ?’
‘અરે, મારી આમાં કઈ મહેનત ? બંગલો તો તમે ઊભો કર્યો છે.’
‘તો પણ ? કહો ને. પાઠક સાહેબને તમે ‘વિસ્મય’ એવું નામ પાડી આપ્યું. તેવું નવું નવું….’
‘જો, આમાં બધી મહેનત તારી છે. મનિયો પણ કંઈ ઓછું નથી ઝીંકાયો. એટલે નામ તો આમાં…. – કહીને હું થોભ્યો. સરલા મારા પર મીટ માંડીને જોઈ રહી. એની સાથે નજર મેળવતાં મેં કહ્યું :
‘કેટલાય પુરુષો જાતે તનતોડ મહેનત કરીને ઘર તો બાંધે છે. પણ નામ તો કેટલાક એની પત્નીનું જ રાખે છે, જેમ કે શારદા સદન, દક્ષા નિવાસ, વગેરે. એટલે આ મકાનનું નામ તો મેં પહેલેથી જ વિચારી રાખ્યું છે : સરલા સદન.’
‘જાવ હવે…’ એ બોલતાં તો બોલી પણ અંદરથી થોડી મુસ્કુરાઈ. મનુ પણ પાસે જ બેઠો હતો : ‘પપ્પા, તમે તો કવિતા લખતા રહ્યા. મહેનત તો આમાં બધી મમ્મીની જ છે.’ અને… આખરે એ જ નામ સૌની નજરે ચઢે એમ ચીતરાયું : ‘સરલા સદન….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તેઓ માત્ર આપવાનું જ જાણે છે – અવંતિકા ગુણવંત
ફરી જોજો ! – કપિલ ઠક્કર Next »   

14 પ્રતિભાવો : ભવોભવના સાથી – અનુપસિંહજી પરમાર

 1. nayan panchal says:

  સરસ વાર્તા.

  ભણતર કરતા ગણતર વધ મહત્વનુ છે તેની પુષ્ટિ કરતો લેખ. સરલાજીનો સ્વભાવ ખરેખર સ્પર્થી ગયો.

  આજે ઘણા યુવકોને ફલાણુ ભણેલી, અંગ્રેજી માધ્યમમાં જ ભણેલી યુવતીઓ જોઇએ છે. આવી અપેક્ષા ખોટી નથી, પરંતુ માત્ર તેને જ પસંદગીનો માપદડ બનાવી દેવામા આવે તો સરવાળે નુકસાન તો તેવા યુવકોને જ જાય છે.

  નયન

 2. Pravin V. Patel says:

  સાદી અને સરળ ભાષામાં, પ્રવાહી શૈલીમાં ખૂબજ સુંદર રજુઆત. વ્યવહારદક્ષતા, ગૃહિણીઓનો પાયાનો ગુણ છે. જેને એ સાધ્ય છે તે સંસાર તરી જાય છે. અભિનંદન…………………………………………..

 3. લખાણ અને વર્ણનની શૈલી ખુબ્બ જ સરસ અને સરળ … વિષય-પ્રસંગોની બાંધણી પણ જકડી રાખે એવી .. 🙂 ..

  મજાની વાર્તા ….

 4. Maharshi says:

  nice one…

 5. presentation exelent, good, very good.

 6. Hiral Thaker "Vasantiful" says:

  સરસ વરતા.

 7. pragnaju says:

  સુંદર સરળ અભિવ્યક્તીમાં મઝાની વાર્તા

 8. ભાવના શુક્લ says:

  સરલા સદન તો બન્યુ સ્વપ્ના સદન… યુગોથી ભારતીય (ભણેલી કે અભણ) તમામ ગૃહીણીનો એક કોમન સ્વપન હોય તો એ પોતાનુ ઘર….
  સરળ અને મજ્જાની વાત…

 9. amit says:

  સરસ છે …

 10. mayuri says:

  બહુ સર સ વાર્તા … ઘર ચાર દિવાલ થિ નહિ પણ આવિ ગુણ યલ નારી થિ શોભે.જે સરલ હોય આવુ ઘ્ર્ર સવગ્ર બને,,,,

 11. Dhaval B. Shah says:

  ખૂબજ સરળ રજુઆત. સરસ વાર્તા.

 12. HIREN RAO says:

  VERY GOOD STORY BHANTAR KARTA GANTAR GHANUJ MAHATVANU CHHE

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.