- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પદ્યપુષ્પો – સંકલિત

[1] આવચી બાવચી – સુમન અજમેરી

આવચી બાવચી નાગરવેલ
ઊભી રો’ સૈયરું કૂવે છે હેલ.

ગાગર ભરું ત્યાં બેડું છલકાય,
ઈંઢોણીએ કાં ના ઠેર્યું ઠેરાય ?

સીંચણિયું પાવલે આવી ભરાય;
કોના તે પગલે આ મારગ અટવાય ?

ચૂંદડીનો છેડો માથેથી સરી જાય;
નેણાં આજે કાં આઘાં-પાછાં થાય ?

આગળ ધર્યાં ડગ પાછાં ઠેલાય,
મનમાં તે અણખટ એવી શી થાય ?

સહિયર, જો, કોની આ નજરું હરખાય ?
આજે નમન જરી વશ રે’ જરાય !
.
[2] ગઝલ – સુભાષ પંચોલી ‘અક્ષર’

સાવ ઠાલા શબ્દનો આ ખત નથી,
આ શરાબી જામ છે, શરબત નથી.

ગટગટાવીને કદી પીતા નથી,
આ અમારો શોખ છે, આદત નથી.

પ્રેમની ક્યાં ખોટ છે ? માંગો તમે,
આપવા માટે બીજી દોલત નથી.

એમનું હસવુંયે કાતિલ હોય છે,
આ અનુભવ છે, કોઈ તહોમત નથી.

આશરો ‘અક્ષર’ મળ્યો તો ક્યાં મળ્યો ?
બારણું, દીવાલ કે જ્યાં છત નથી.