- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બહુત શર્મિંદા હૂં, ગુરુદેવ ! – અમૃતલાલ વેગડ

રાત્રે બહાર ખુલ્લામાં તારાઓને જોતો જોતો સૂતો. રાત્રિનું આકાશ મને વિશાળ બ્લૅકબોર્ડ જેવું લાગ્યું. એના કાળા પાટિયા ઉપર કોઈકે તારાઓના શ્વેત અક્ષરોમાં કંઈક લખી દીધું છે : હું આ વ્યોમ-વર્ણમાળાને ઉકેલવાની કોશિશ કરું છું પણ એ એટલી તો પ્રાચીન લિપિ છે કે ઉકેલી નથી શકતો. પરંતુ એથી કંઈ ફરક નથી પડતો. ઉકેલવાની આ પ્રક્રિયામાં જ એટલો આનંદ છે કે અન્ય કોઈ આનંદની અપેક્ષા નથી રહેતી. અને આ આકાશી પાઠશાળા-નભશાળા-લાગે છે રાત્રે, જેથી દિવસે લોકો પોતાનું કામકાજ કરીને રાત્રે અહીં આવી શકે. રાત્રિના આ આકાશની બહુ સારી વિદ્યાર્થીની છે નર્મદા. આકાશે જે કંઈ લખ્યું એવું, એ જ ક્ષણે, પોતાની (સ)પાટી ઉપર હૂબહૂ ઉતારી લીધું !

સવારે ચાલ્યા. સીપ નદી એક સ્ત્રીએ ડોંગીથી પાર કરાવી. મેં પૂછ્યું, ‘સીપ અને નર્મદા વચ્ચે કંઈ ફરક ?’
‘સીપ નદી છે, નર્મદા માઈ છે.’
નર્મદા કેવળ નદી નથી, કંઈક વધુ છે. સાધુ-સંન્યાસીઓની તપોભૂમિ, પરકમ્મા-વાસીઓની આરાધ્યા, ખેતરોની પ્યાસ બુઝાવનાર જળભંડાર, યુવકોનું તરણતાલ, સ્ત્રીઓનું મિલનસ્થળ, પોતાના રેતાળ પટમાં ભરાતા મેળાઓની યજમાન અને બીજું કેટલુંય. આ કહ્યા પછીય મને લાગે છે કે મારી વાત હું ઠીકથી કહી ન શક્યો. આ બધી વાતોને પેલી અભણ સ્ત્રીએ કેવળ એક શબ્દમાં કહી દીધી – માઈ. નર્મદા નદી નથી પણ મા છે. આ ગામડિયણે તો એક જ શબ્દમાં મારા પાંડિત્યને પટકી દીધું !

ત્રીજો પહોરે નીલકંઠ પહોંચ્યા. નદીની ઊંચી ભેખડ ઉપર છે મંદિર અને ધર્મશાળા. જઈને સામાન મૂક્યો ત્યાં એક બાવો બહાર નીકળ્યો. એણે છોટુને ન જોયો, માત્ર મને જોયો અને અમારા સામાનને જોયો. જોતાં જ બોલ્યો, ‘કિતના બોઝા લેકર ચલા હૈ ડોકરા !’ ડોકરો એટલે ડોસો એટલે હું. એણે પાસેના ઓરડામાં અમારો સામાન મૂકવા માટે કહ્યું. ઓરડામાં જતાં જ મારો શ્વાસ અદ્ધર રહી ગયો. ત્યાં મેં જે જોયું, મસ્તિષ્કે એને પળ વાર માટે માનવાથી ઈન્કાર કરી દીધો. ત્યાં એક જીવિત કંકાલ હતું. જીવતું નરકંકાલ ! મારી આખી જિંદગીમાં મેં આવો માણસ નહોતો જોયો. જાણે જીવતા માણસનું પ્રેત બેઠું હોય. બલકે એમાં જીવતા માણસ જેવું કંઈ નહોતું. એ પાળિયા જેવો લાગતો હતો. એનાં હાડકાં એની ચામડીમાંથી બહાર નીકળી પડતાં હતાં. એ લાંબો માણસ હતો, પણ હવે ઊભો નથી થઈ શકતો, અહીં ચૌદ વરસથી છે. બે વરસથી લકવાનો શિકાર થઈ ગયો છે. બે વાર નર્મદાથી પરિક્રમા કરી ચૂક્યો છે. અનાજ નથી ખાતો, માત્ર ફળાહાર કરે છે. શીંગદાણા, સાબુદાણા અથવા કોઈ ગામઠી ફળ મળી જાય તો એના પર નિર્વાહ કરે છે.

માંસ ન હોવાને લીધે એનાં હાડકાં વધુ લાંબાં લાગી રહ્યાં હતાં. એવું લાગતું હતું કે આ હાડકાં એના શરીરમાંથી કાઢી શકાય અને પાછાં બેસાડી શકાય. એની ઝીણી આંખો ઊંડે ઊતરી ગઈ હતી. ઊપસેલાં હાડકાંવાળો ભાવશૂન્ય ચહેરો બિહામણો જણાતો હતો. એનાં હાડકાં ઉપર એટલી ચામડી નહોતી કે કરચલી પડી શકે. પરંતુ એનો અવાજ બુલંદ હતો અને સ્મરણશક્તિ સારી. લકવાના લીધે એની જીભ લથડિયાં લેતી હતી. અને એની વાત બહુ મુશ્કેલીઓ સમજાતી. પણ એથી એના બોલવાના ઉત્સાહમાં કોઈ ફેર નથી પડતો. ઢસરડાઈને થોડું ચાલી લે છે. એક બાઈ સાફસફાઈનું કામ કરી જાય છે. ગામલોકોએ આ વ્યવસ્થા કરી આપી છે. હું એનો સ્કેચ કરવા લાગ્યો તો જાણે સ્ટુડિયોમાં ફોટો પડાવવા બેઠો હોય એમ એણે માથા પર ફાળિયું વીંટ્યું ને શરીર ઉપર ચાદર લીધી. એ સજીને બેઠો એના પરથી લાગ્યું કે જીવનમાં એનો રસ હજી એવો જ અખૂટ રહ્યો છે. વિધાતાએ એને જેવું પણ જીવન આપ્યું છે, એ એણે સ્વીકારી લીધું છે – ગૌરવપૂર્વક, રાવફરિયાદ કર્યા વિના. કેટલા મજબૂત વણાટનો હશે આ માણસ !

મેં સ્વસ્થ માણસોને યુવાનીમાં મરતા જોયા છે. એંશી પાર કરી ચૂકેલો આ માનવ-ભંગાર, કોઈક અખૂટ ચેતનાના જોરે જીવી રહ્યો છે અને શાનથી જીવી રહ્યો છે. દુનિયામાં આવી હેરત પમાડનાર ઘટનાઓ બન્યા જ કરે છે. સાંજ થતાં પહેલાં એક યુવા સંન્યાસી આવ્યો. આને જોઈને સ્તબ્ધ રહી ગયો. કહે : ‘આવો માણસ મેં આજ સુધી નહોતો જોયો.’ સંન્યાસી પરિક્રમામાં નથી. કોઈક સારા ગુરુની ખોજમાં નીકળ્યો છે. ખૂબ જ ઓછાબોલો છે. સાંજે અમે એને આગ્રહપૂર્વક દૂધ આપવા ઈચ્છયું પણ એણે લીધું નહીં. ધ્યાનમાં બેસી ગયો. કંઈ પણ ખાધા વિના એક ચાદર ઓઢીને બહાર ખુલ્લામાં સૂઈ ગયો. અડધી રાત પછી પવનમાં હિલોળા લેતાં વૃક્ષોનાં પાંદડામાંથી જાતજાતના ધ્વનિ સંભળાવા લાગ્યા. મેં જોયું કે સાગવાનના વૃક્ષોમાંથી આવતો ધ્વનિ પીપળાથી આવતા ધ્વનિથી ભિન્ન હોય છે. વડનાં પાંદડાંનો ધ્વનિ લીમડાનાં પાંદડાંના ધ્વનિથી જુદો હોય છે. વૃક્ષોનાં પણ ઘરાણાં ચાલે છે. પીપળાનું ઘરાણું સૌથી વધુ પ્રચલિત છે.

નર્મદા અને કુલારના સંગમ ઉપર સ્થિત છે આ ધર્મશાળા. સવારે કુલાર એક હોડકાથી પાર કરી. અમારી ગાડાવાટ નર્મદાના કાંઠે કાંઠે જ છે. આગળ આવ્યું ડિમાવર. અહીંના બાબા તામિલનાડુના છે. રાત નર્મદાકાંઠે આવેલ નહેલઈમાં એક બાવાના મોટા ઓરડામાં રહ્યા. ઓરડામાં હરણનું એક બચ્ચું રસ્સીથી બાંધેલું હતું. ગામ પાસેના વનમાં કેટલાંક હરણ છે. કોઈકે આને પકડી લીધું ને બાવાને આપી દીધું. બાવાને હરણથી ખૂબ પ્યાર થઈ ગયો છે. ઓરડામાં દિવસ-રાત ધૂણી ધખતી રહેતી. એમાં એક્કે બારી નહોતી. રાત્રે દરવાજો બંધ કરી દેવામાં આવતો એથી આખી રાત ધુમાડો ભરાતો રહેતો. આવા દમઘોંટુ વાતાવરણમાં વનમાં સ્વચ્છંદ વિહરનારા પેલા હરણબાળની કોણ જાણે શી દશા થતી હશે. અમે એક જ રાતમાં પરેશાન થઈ ગયા. રાત્રે થોડી રાહત મળે એ હેતુથી હું બહાર આવ્યો ને ખુલ્લા આકાશ હેઠળ બેઠો. તારા એવા લાગતા હતા જાણે કોઈએ આકાશમાં સફેદ તલ વેર્યા હોય. આખું આકાશ તારાઓથી એવું તો ખીચોખીચ ભરાઈ ગયું હતું કે તલ રાખવાનીય જગ્યા નહોતી ! સૂરજ ચાલે છે એકલો, તારા ચાલે છે જમાતમાં. દિવસનું આકાશ છે હાઉસ ઑફ લૉર્ડ, રાતનું આકાશ છે હાઉસ ઑફ કૉમન્સ !

ક્યારેક ગાડાવાટથી તો ક્યારેક કેડીએથી ચાલીને આંવરીઘાટ પહોંચ્યા. અહીંનાં શિવલિંગ અદ્દભુત હતાં. મોટાં મોટાં શિવલિંગ ઉપર નાનાં નાનાં શિવલિંગ કોતર્યાં હતાં અને આવાં તો કેટલાંય શિવલિંગ હતાં. દોઢેક કલાક ચાલ્યા ત્યાં તો આકાશ કાળાં વાદળોથી ઘેરાઈ ગયું. વરસાદ પડું પડું થવા લાગ્યો. થોડાક દિવસ પહેલાં જ અમે ભીંજાઈ ચૂક્યા હતા. દર બીજે-ત્રીજે દિવસે વરસાદ વરસી જતો. આવી કઢંગી ઋતુ ક્યારેય નહોતી જોઈ. નીચેની કેડી અચાનક ખતરનાક થઈ ગઈ. સહેજ ચૂક્યા કે સીધા પાણીમાં. પાતળી થતી થતી એ ગુમ થઈ ગઈ. ઊભી ભેખડ ચડીને બહુ મુશ્કેલીએ ઉપર આવ્યા. પણ ઉપર ન તો ગાડાવાટ હતી ન કેડી અને વાદળ અમને લગાતાર ધમકાવી રહ્યાં હતાં. એ હવે કાળાં ડિબાંગ મેઘમાં પરિવર્તિત થઈ રહ્યાં હતાં. ગમે ત્યારે વરસી શકતાં હતાં. ક્યાંય એક્કે માણસ ન મળે. આડેધડ ચાલતા અથડાતા કુટાતા પથોડા પહોંચ્યા. રોજની સરખામણીમાં આજે અમે અડધું જ ચાલ્યા હતા. પરંતુ વરસાદની બીકે આ ગામમાં રોકાઈ જવું પડ્યું.

લોકોએ ગામમાં એક મંદિર બંધાવ્યું છે. હજી મૂર્તિની સ્થાપના નથી થઈ. મંદિરના વરંડામાં લોઢાની જાળીનો દરવાજો છે. મંદિરની સંભાળ રાખનાર ભાઈએ એ અમારા માટે ખોલી આપ્યો. નદીએથી પાણી લાવવા માટે બાલટી આપી. બિછાવવા માટે ખૂબ મોટી શેતરંજી આપી અને સદાવ્રત માટેય પૂછ્યું. પરંતુ એ અમારી પાસે હતું. છોટુ બહાર રસોઈ બનાવતો હતો. દાળ તો ચડી ગઈ હતી પણ એ બાટી શેકતો હતો ત્યાં તો વરસાદ પડવો શરૂ થઈ ગયો. લગભગ બધાં ખેતરોમાં સોયાબીન વઢાઈ રહ્યું છે અથવા વઢાયેલા સોયાબીનના ઢગ પડ્યા છે. ખેડૂતોને ખૂબ નુકશાન થઈ રહ્યું છે. જેમ તેમ કરીને છોટુએ રસોઈ બનાવી. જમી પરવારી, થોડો આરામ કરીને સૂવા લાગ્યા ત્યારે ગામમાં સોપો પડી ગયો હતો. વરસાદ વરસી રહ્યો હતો. બહાર વીજળીનો બલ્બ જલી રહ્યો હતો.

રાત્રીના બેનો શુમાર હશે. હું ઊઠ્યો ત્યારે મેં જોયું કે મારા પગ પાસેની શેતરંજી પર એક માણસ ઠંડીમાં કોકડું વળીને પડ્યો હતો. એણે કંઈ જ ઓઢ્યું નહોતું. સૂતો સૂતો લવારી કરતો હતો, જાણે કોઈને વાર્તા સંભળાવી રહ્યો હોય. અચાનક ખિલખિલાટ હસવા લાગ્યો. વચ્ચે વચ્ચે રામાયણની ચોપાઈ બોલતો. કદાચ પાગલ હતો. હું ચૂપચાપ સૂઈ ગયો. થોડી વારમાં એ ઊઠીને બહાર ચાલ્યો ગયો. મને હાશ થઈ. પણ અચાનક શું સૂઝ્યું કે તરત પાછો આવ્યો. દરવાજા વચ્ચે ઊભીને ત્રાડૂક્યો : ‘કોણ છો તમે ? અહીં કેમ ઘૂસી આવ્યા છો ?’ રાંક જેવા જણાતા આ માણસે એકાએક વિકરાળ રૂપ ધારણ કર્યું. અમે કોઈ જવાબ ન આપ્યો. એ વધુ જોરથી બરાડ્યો. અમે પથારીમાં બેઠા થઈ ગયા. મેં કહ્યું, ‘આ મંદિરની સંભાળ લેનાર ભાઈએ જ અમને ઉતારો આપ્યો છે. જુઓ, આ શેતરંજી ને આ બાલટી પણ એમણે જ આપ્યા છે.’ પણ એ તો ગાંડો હતો. ઊલજલૂલ બકવા લાગ્યો. પોતાને સી.આઈ.ડી.નો ઈન્સ્પેક્ટર કહેવા લાગ્યો. ‘શું સમજો છો તમે, હું સાદા વેશમાં રહીને ચોરોની ભાળ મેળવું છું.’ એની વાતો મોંમાથા વિનાની હતી. જો જવાબ ન આપતા તો ચાબુકથી ફટકારવાની ધમકી આપતો. કહેતો – ચાબુકના એક જ સપાટે તમારી સાન ઠેકાણે આવી જશે. એટલે હું કંઈ ને કંઈ જવાબ આપતો રહ્યો. વચ્ચે વચ્ચે હવામાં એવી રીતે હાથ વીંઝતો જાણે એના હાથમાં ખરેખર ચાબુક હોય. જ્યારે એની નારાજી વધી જતી ત્યારે એનો ચહેરો ક્રોધથી વિકૃત થઈ જતો ને ઘાંટો ઊંચે ચડી જતો. લાગતું જાણે હમણાં અમને ફાડી ખાશે. લાચાર અમે આ સહન કરતા રહ્યા. મેં મને આટલો અસહાય ક્યારેય અનુભવ નહોતો કર્યો.

કેવી ભેંકાર રાત હતી ! સન્નટો વધુ ભયાનક બન્યો. એકએક પળ પહાડ થઈ પડી. એટલામાં એનું ધ્યાન એક ખૂણામાં મૂકેલા અમારા સામન ભણી ગયું.
‘ઈસમેં ક્યા હૈ ? મુઝે ઈસકી તલાશી લેની પડેગી.’
મારો જીવ તાળવે ચોંટ્યો. એમાં શાક સમારવાનો ચાકુ હતો. ક્યાંક એ એના હાથમાં આવી ગયો તો ? મારી ભીતર ભયની ધ્રુજારી દોડી ગઈ. એણે અમારો પિટ્ઠુ ખોલ્યો. એકએક ચીજ કાઢીને ફેંકતો ગયો. હું એની દરેક હિલચાલને અદ્ધર શ્વાસે જોતો રહ્યો. ડૅટોલની શીશી ફરસ પર જોરથી અફાળી. એટલે સુધી કે ચાકુ પણ ફેંકી દીધો. છેલ્લે બે-ત્રણ ચોપડી નીકળી. ચોપડીઓ એણે ખોલીને જોઈ. પછી પાછી રાખી દીધી. અમારા ભણી જોઈ છોટુને પૂછ્યું : ‘વૉટ ઈઝ યૉર નેમ ?’
છોટુએ બીતાં બીતાં કહ્યું, ‘મુઝે અંગ્રેજી નહીં આતી.’
મને પૂછ્યું : ‘તુમ ક્યા કરતે હો ?’
‘હું શિક્ષક હતો. છોકરાં ભણાવતો હતો. હવે રિટાયર થઈ ગયો છું.’ મારો અવાજ સ્થિર હતો પણ અંદર ને અંદર હું ડરેલો હતો. એ ચૂપ રહ્યો. એની ભીતર કંઈક વલોવાતું લાગ્યું. થોડી વાર સુધી મને એકીટશે જોતો રહ્યો. પછી બોલ્યો : ‘અચ્છા, સો જાઓ.’ હું આંખે મોઢે ઓઢીને સૂઈ ગયો. કદાચ હવે ચાલ્યો જાય. કંઈક આવી જ ઘટના મારી સાથે આ પહેલાં પણ થઈ ચૂકી હતી. અમરકંટક જતી વેળા બે શરાબીઓથી પનારો પડ્યો હતો. આજે આ પાગલથી. હું જલદી ગભરાઈ જનારો ડરપોક કિસમનો માણસ છું. શરૂમાં બેહદ ડરી પણ ગયો. પણ પછી મનમાં શ્રદ્ધા બેઠી કે પહેલાંની જેમ આ સંકટ પણ ટળી જશે. એથી ધૈર્ય અને સાહસપૂર્વક આ મુસીબતનો સામનો કરતો હતો. હા, ઈશ્વરની પ્રાર્થના જરૂર કરતો હતો – હે ભગવાન ! મુસીબતમાં તમે જ રક્ષા કરો છો. અમે તમારે જ ભરોસે છીએ. અમને તરછોડતા નહીં.

ત્યાં જ એક વિચિત્ર ઘટના ઘટી. એણે મારા પગ દબાવવા શરૂ કર્યા. એના મજબૂત હાથનો સ્પર્શ અનુભવતાં હું કંપી ઊઠ્યો. એક એક કરીને બંને પગ સારી રીતે દબાવ્યા. બંને હાથ દબાવ્યા. હાથની એકએક આંગળી દબાવી. મારો જીવ ફફડતો રહ્યો કે હમણાં આંગળી બટકાવી દેશે. એ પછી એણે મારી મૂઠી ખોલી, એમાં કંઈક મૂક્યું, એણે જ મૂઠી બંધ કરી અને ચાલ્યો ગયો. એના જતાં જ છોટુએ ઝડપથી દરવાજો બંધ કર્યો. મેં નિરાંતનો શ્વાસ લીધો. પરંતુ ઊંઘ ન આવી. હું પાસાં ઘસતો રહ્યો. મનમાં આ વિચાર ઘૂમરાતો રહ્યો કે એમાં આ અચાનક પલટો કેમ કરીને આવ્યો. એ ઉદ્વંડમાંથી વિનમ્ર કેમ કરીને બની ગયો ? મૂઠી ખોલીને જોયું તો એમાં વીસ પૈસાનો સિક્કો હતો.

ધીમે ધીમે ગૂંચ ઉકેલાવા લાગી. એણે બધી ચીજો ફેંકી હતી પણ ચોપડીઓ નહોતી ફેંકી. ચોપડીઓ જોઈને એને થયું હશે કે આ કદાચ લખવા-વાંચવાવાળા માણસ હશે, કદાચ શિક્ષક હશે. અહીંથી જ એના વર્તનમાં પરિવર્તન આવ્યું હતું. એની વિક્ષિપ્ત અવસ્થામાં પણ એના અવચેતનના કોઈક ખૂણે આ સંસ્કાર ધરબાયેલા પડ્યા હશે કે ગુરુનો તો આદર કરવો જોઈએ. અને જ્યારે એને ખબર પડી કે હું ખરેખર શિક્ષક છું, ત્યારથી એનો વહેવાર એકદમ બદલાઈ ગયો. એની વિક્ષિપ્તાવસ્થા પર એના સંસ્કારોએ વિજય મેળવ્યો હતો. સંસ્કાર આગળ નીકળી ગયા, ગાંડપણ પાછળ રહી ગયું. ‘શિક્ષક દિવસ’ નિમિત્તે પૂરા દેશમાં અસંખ્ય શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. મારા શહેરમાં મારું અનેક વાર સન્માન થઈ ચૂક્યું છે. પરંતુ એ રાત્રે, ભય અને આતંકના વાતાવરણમાં, મને જે સન્માન મળ્યું, એ અપૂર્વ હતું. મેં ક્યારેય નહોતું ધાર્યું કે એક શિક્ષક તરીકે મારું સર્વશ્રેષ્ઠ સન્માન આ રીતે થશે. તાળો મળી ગયો. હું નાનકડી નીંદરમાં પડ્યો.

દિવસ ચડ્યે જાગ્યો. વેરવિખેર સામનને ફરીથી પિટ્ઠુમાં ગોઠવતાં છોટુએ કહ્યું : ‘એણે આપણી એક પણ ચીજ નથી લીધી.’ દરવાજો ખોલીને બહાર નીકળ્યા. પાસે જ એક યુવાન એના બળદને કડબ નીરી રહ્યો હતો. મેં એને કહ્યું : ‘રાત્રે એક પાગલે અમને ખૂબ હેરાન કર્યા. કલાક દોઢ કલાક સુધી અમને ડરાવતો ધમકાવતો રહ્યો. એ અમને મારી પણ શકતો હતો.’
‘એ મારા પિતા છે. ગાંડપણનો દોરો પડે છે ત્યારે જ આવી હરકતો કરે છે. પણ આજ સુધી કોઈને માર્યું નથી. આમ તો એ અહીં નથી રહેતા, મંડીદીપમાં મારા ભાઈઓ પાસે રહે છે. કાલે રાતે જ આવ્યા.’
‘તું અમારી મદદે કેમ ન આવ્યો ?’
‘હું ખેતરે સૂતો હતો. સોયાબીન વઢાઈ રહ્યું છે. હમણાં જ આવ્યો. તમારે ત્યાંથી આવીને તેઓ ગામના ચબુતરે ચાલ્યા ગયા. હમણાં ત્યાં જ છે.’

અમારો રસ્તો ચબુતરે થઈને જ જતો હતો. અમે ત્યાંથી પસાર થયા ત્યારે એ ચબુતરા ઉપર ઊભો હતો. અમને જોતાં જ એ નીચે ઊતર્યો ને ગોઠણભેર થઈને મારે પગે પડ્યો. ‘ગુરુદેવ, બહુત શર્મિંદા હૂં. ક્યા કરતા, દૌરા જો પડા થા.’ એના ચહેરા પર પસ્તાવો હતો, આંખોમાં આંસુ.
મેં કહ્યું, ‘ભાઈ, તું નથી જાણતો કે તેં ગુરુઓનું કેટલું માન વધાર્યું છે – કોઈ એક ગુરુનું નહીં, તમામ ગુરુઓનું.’ આની સાથે જ અમે આગળ વધી ગયા.

અને હા, પેલો સિક્કો આજે પણ મારી પાસે છે.