વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] દેવદૂત

ટપાલી બે કાગળ આપી ગયો. તેના પર મુંબઈ ને પુણેના સિક્કા જોઈ ભાઈ હોંશભેર વાંચવા બેઠો. મેં જોયું કે વાંચતાં-વાંચતાં તેના ચહેરા પરનો ઉત્સાહ ઓસરી ગયો. મૂંગા-મૂંગા જ પત્રો મારા હાથમાં મૂકી એ નાહવા જતો રહ્યો. પહેલો પત્ર પુણેનો વાંચ્યો. ત્રણ જણ ગયા મહિને આવી ગયેલા. બે દિવસ રહ્યા. મને જોઈ, શહેર જોયું, મારી સાથે એક નાટક જોયું. હવે લખે છે : ‘છોકરી થોડી મોટી લાગે છે.’

મને અંગેઅંગ ઝાળ લાગી ગઈ. ભાઈસાહેબ પણ ક્યાં નાના છે ? મારાથી વરસ મોટા તો છે ! અને અમે બધો બાયો-ડેટા નહોતો લખ્યો ?…. 34 વર્ષ. પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચાઈ. વાન ઘઉં વર્ણો. કૉલેજમાં લેકચરર. એ બધું જાણીને તો તમે આવેલા. પછી ‘છોકરી મોટી છે’ – નો શેરો શું કામ ? મુંબઈના પત્રમાંયે આવું જ કાંઈક વાહિયાત વાંચી બંને પત્રો મેં ફાડીને કચરાટોપલીમાં નાખી દીધા.

હું એટલી ધૂંઆપૂંઆ હતી કે તે દિવસ સ્કૂટર ચલાવવાનું મેં ઉચિત ન માન્યું. કૉલેજમાં રિક્ષામાં ગઈ. તો રિક્ષાવાળા સાથે ભાડા બાબત ઝઘડો થઈ ગયો. કૉલેજમાં એક-બે જણ સાથે થોડી કચાકચ થઈ ગઈ. સાંજે ઘેર આવી, તો ભાઈએ કહ્યું : ‘રાતે એક ભાઈ જોવા આવવાના છે.’ – આ સાંભળી હું બરાડી ઊઠી, ‘નહીં… નહીં… બહુ થયું હવે !’ અને હું મારા રૂમમાં જતી રહી.

પંદર વરસથી આ નાટક ચાલે છે. શરૂમાં રોમાંચ હતો, કંઈક સપનાં હતાં, જીવનસાથી વિશેના ખ્યાલો હતા. આજે એમાંનું કાંઈ નહીં. સામે એક પુરુષ ને હું માત્ર એક સ્ત્રી. માને હું કહેતી કે ‘સાથી ન મળતો હોય એવા લગ્નની મને કોઈ જરૂર નથી, મને એકલી રહેવા દે !’ પણ મા માનતી નહોતી. એટલે મારું આ પ્રદર્શન ચાલુ જ હતું. ત્રીસની વય વટાવ્યા પછી તો બીજવરનેય દેખાડવા માંડેલા. ભાઈ મને મનાવવા આવ્યો :
‘સતીશ એન્જિનિયર છે. મારી સાથે ભણતો. પહેલીનાં બે બાળકો છે. બે વરસ પહેલાં મરી ગઈ.’
‘ગળે ફાંસો ખાધો હતો કે સળગીને મરી ? કે ટ્રેન નીચે પડતું મૂક્યું ?’ – હું ક્રુદ્ધ સ્વરે બોલી ગઈ.
‘એમ દૂધથી દાઝેલી છાસ પણ ફૂંકી ફૂંકીને ન પી ! સતીશ બહુ ભાવનાશાળી છે. પત્ની પર એટલો પ્રેમ કે એ તો ફરી પરણવાની ના જ પાડે છે. પણ એની મા પાછળ પડી છે.’

હું સાડી બદલતી હતી અને એ લોકો આવ્યાં. ભાઈ બોલ્યા : ‘સતીશ ન આવ્યો ?’ મારા કાન સરવા થયા.
‘બહુ આગ્રહ કર્યો, પણ ન માન્યો, કહે, તમે જ જોઈ આવો !’
અપમાનથી હું ઊભી ને ઊભી સળગી ગઈ…. મને જોવાની સુદ્ધાં એને ગરજ નથી ! કુંવારી છે. કમાય છે. મારાં બાળકોને સાચવવાની છે. બસ, બીજું શું જોઈએ ? હું ગઈ. સતીશનાં મા અને માસી આવેલાં.
મા બોલ્યાં : ‘એ કહે, તારે વહુ જોઈએ છે ને ? તો તું જ પસંદ કરી આવ !’
‘પહેલી વહુ પણ તમે જ પસંદ કરેલી ?’ – ભારે રૂક્ષ સ્વરે મેં પૂછી પાડ્યું. બંને અવાક વદને મારી સામે જોઈ રહ્યાં. મેં જ એમને સંભળાવ્યું : ‘હું મારા પગ પર ઊભી છું. ગમે તેના ગળામાં માળા નાખી દેવા જેવી નમાલી કે નોધારી નથી થઈ ગઈ. તમારા દીકરાનું બીજું લગ્ન હશે, પણ મારું તો પહેલું જ છે. અને પસંદગીનો અધિકાર મને પણ છે. વળી, જે બાળકોને સંભાળવાનાં છે, એમનેય મારે એક વાર જોઈ લેવાં ન જોઈએ ?’ – એકી શ્વાસે આટલું કહી દઈને હું ત્યાંથી ઊઠી ગઈ. ઘરમાં થોડો ખળભળાટ મચ્યો, પણ આ બાબત મારી પાસે ફરી ઉખેળવાની કોઈએ હિંમત ન કરી.

ત્યાર પછીના રવિવારે ઘરમાંથી બધાં જ બહાર ગયેલાં. હું એકલી હતી. ત્યાં ઘંટડી વાગી. બારણું ખોલ્યું તો એક ભાઈ ને બે બાળકો ઘરમાં દાખલ થયાં. અત્યંત સૌમ્ય ને નમ્ર અવાજે ભાઈ બોલ્યાં : ‘હું સતીશ. પસંદગીનો તમારો અધિકાર તમે બજાવી શકો તે માટે આવ્યો છું.’ હું દંગ થઈ ગઈ. શું બોલવું તે મને તુરત સૂઝ્યું નહીં. એમણે જ આગળ કહ્યું : ‘બાળકોને પણ સાથે લાવ્યો છું. એમનેય પસંદગીનો અધિકાર ખરો ને ! એમની પાસે ગમે તે બાઈને મા કહેવડાવવામાં તો એમને અન્યાય થાય.’
‘નહીં, નહીં. એ તો એમના પર સિતમ થઈ જાય. એકદમ તેઓ મા શું કામ કહે ? પહેલાં તો કોઈએ મા બનવું પડે ને !’ – આ તો મને સ્પર્શે છે, એવા કશા ખ્યાલ વિના મારાથી એકદમ બોલાઈ ગયું.

ભાઈએ ભારે આદર અને ઓશિંગણ ભાવે મારી સામે જોયું. ‘તમે મને પસંદ કરશો કે નહીં, ખબર નથી. પણ મને તમારા સાથી થવાનું ગમશે. બીજવરને નસીબે આવું પાત્ર મળે, તેની કલ્પના નહીં. મારી સરયુ મારી પરમ મિત્ર હતી…’ અને ઘડીક પહેલી પત્નીના સ્મરણમાં સરી પડ્યા. થોડીક વાતો કરી એ ઊઠ્યા. બહાર જઈ સ્કૂટર પર બેઠા. બંને બાળકો પાછળ બેઠાં. મને એકદમ ઊમળકો થઈ આવ્યો કે એ બંને મીઠડાં બાળકોને જઈ પૂછું કે તમે મને પસંદ કરી ? એ બાળકો મને દેવદૂત સમા લાગ્યાં – અપમાન ને અવહેલનાની અસહ્ય યાતનામાંથી મને ઉગારી લેનારાં !

(શ્રી માલતી જોશીની મરાઠી વાર્તાને આધારે.)
.
[2] સંસારનો તાલમેળ

મારા પતિદેવ છે તો બહુ પ્રેમાળ. અમારાં લગ્નને દસ વર્ષ થયાં. અમારો ઘરસંસાર સરસ ચાલે છે. પણ દરેક માણસના સ્વભાવની કેટલીક ખાસિયત હોય છે. તે ખાસિયત પકડીને તેને એડજેસ્ટ થઈ જઈએ તો ગાડી સરખી ચાલે.

લગ્ન બાદ થોડા વખતના સહવાસે મેં જોયું કે મારા પતિને સ્વચ્છતાનો, વ્યવસ્થિતતાનો બહુ જ આગ્રહ છે. એ બાબત એમની નજર પણ ખાસ્સી ઝીણી. મારું તો એ તરફ ઝાઝું ધ્યાન જ ન જાય. વળી, આ બાબતની ભૂલ બતાવવાની, તેના વિશે ટોકવાનીયે એમને આદત. કહ્યા વિના રહી ન શકે. ગુસ્સોયે કરે. જો કે ગુસ્સો તે ક્ષણ પૂરતો. બીજી ક્ષણે એમના મનમાં કાંઈ ન હોય. શરૂમાં મને થોડો ધક્કો લાગતો. પણ હવે કાંઈ નહીં. બલ્કે, ખરું કહું તો મને એમનો આ આશુકોપ અને આશુતોષ સ્વભાવ હવે ગમવા લાગ્યો છે. ક્યારેક તો હું જાણી જોઈને એમના માટે એવા મોકાયે ઊભા થવા દેતી હોઉં છું. એકદમ ગુસ્સો કરી દેતા અને પળવારમાં હસી દેતા મારા મહાદેવને જોવા મને ગમે છે.

આમ તો આશા આવેલી તેણે ફ્રીજમાંથી પાણી લેતાં મને કહ્યું કે આ બે ચીકુ સાવ ચીમળાઈ ગયાં છે, તેને કાઢી નાખું ? પણ મેં તેને ના કહી, ‘ના, એ તો તારા બનેવી જ કાઢશે.’ આશા મારી સામે જોઈ રહી. પણ મેં વાત બદલી નાખી. સાંજે એ આવ્યા. કપડાં બદલી, હાથ-મોં ધોઈ મને કહે : ‘આજે તો એક ગમ્મતની વાત કહું !’ અને એમ કહેતાં એમણે પાણી લેવા ફ્રીજ ઉઘાડ્યું. પણ પેલાં ચીકુને જોતાં વેંત એમનો પિત્તો ગયો, ‘આ શું ? આવાં સડેલાં ચીકુ તું ફ્રીજમાં રાખે છે ! આખા ફ્રીજમાં દુર્ગંધ-દુર્ગંધ ફેલાઈ ગઈ છે.’ અને ચીકુ કાઢી એમણે બારીમાંથી ઘા કર્યો. ‘તને કેટલી વાર કહ્યું ?….’ પણ તેવામાં મને ગાલમાં ને ગાલમાં મરક-મરક હસતી જોઈ એય હસી પડ્યા, ‘મને ચીડવવા આ રાખેલાં ને ?’ અને પછી એમણે મારી ગમ્મતમાં ભળી જઈ પોતાની ગમ્મતની માંડીને વાત કરી.

જો કે મારે કહેવું જોઈએ કે એમનો ગુસ્સો દર વખત કાંઈ અકારણ નથી હોતો. કોઈ વસ્તુ ફેંકી દેતાં મારો જીવ ચાલે નહીં. તેથી મારા ફ્રીજમાં ત્રણ-ચાર દિવસનું વધેલું દહીં હોય, રાતનું વધેલું શાક હોય, કે આમટી હોય, ઘણા દિવસના પડી રહેલા પાઉં હોય, અઠવાડિયા પહેલાં કરેલ ઢોસાનું વધી પડેલ ખીરું હોય…. હવે, એમને આની ભારે ચીડ. જેવું આવું કાંઈ દેખે કે કાઢીને ફેંકી જ દેવાના અને મને બે-ચાર સંભળાવી દેવાના. હું સાંભળી લેવાની. પણ થોડી વારે આવીને કહે : ‘સૉરી, હં ! મારાથી ગુસ્સો થઈ ગયો ! પણ તું શું કામ આવું બધું સંઘરી રાખે છે ?’ પણ હુંયે શું કરું ? મને એક આદત પડી ગઈ.

વચ્ચે-વચ્ચે ઘરમાં એમની સફાઈ-ઝુંબેશ ચાલે. મને પોતાને ક્યાંય ધૂળ નજરે જ ન ચઢે, પણ એમની નજર ચારે કોર ફરી વળે. પંખાનાં પાંખિયાં પરની ધૂળ સાફ કરે, ટેબલ લેમ્પના શેડ પરની ધૂળ ખંખેરી નાખે, ખૂણે ખાંચરે જમા થઈ ગયેલો કચરો કાઢીને મને બતાવે. પછી કહે, ‘આ ખાલી ડબ્બા શું કામ રાખ્યા છે ? આ દવાની ખાલી બાટલીઓનું શું કામ છે ? અને આ ટીવીનું ખાલી ખોખું ? ભાંગેલું તાળું ? ફાટેલા પતંગ ? આ બધાનું શાક કરવાનું છે ?’ – અને એમ ગુસ્સો કરતાં કરતાં બધું કાઢતા જાય. ‘No proper Management’ – એ એમની કાયમની ટીકા. હું એક અક્ષર ન બોલું. પણ તેનાથી વળી એમને ચટપટી થાય. પાછળથી ફરી વાત કાઢે : ‘આ બધી સફાઈ કરું છું, તે તને નથી ગમતું ?’
હું લાડથી કહું : ‘એવું કોણે કહ્યું ? ઘરમાંથી કચરો જાય, તે કોને ન ગમે ? હવે ઘર કેવું ચોખ્ખું ચટ લાગે છે ! પણ હું તમને સાથ નથી આપી શકતી ને, તેનું મને દુ:ખ છે ! મારામાં સફાઈની દષ્ટિ જ નથી ખૂલી ને !’ હું જોઉં છું કે સાફ-સફાઈ તો એમની ચાલુ જ છે, પણ હવે અગાઉની ટીકા-ટીપ્પણી બહુ ઓછી થઈ ગઈ છે. આમ, એકમેકને સાચવીને અમારો ઘર-સંસાર ચાલે છે.

જુઓ ને ! એમને રાતે પથારીમાં વાંચવાની ટેવ. વાંચતાં-વાંચતાં આંખ મળી જાય. અને મને તો પથારીમાં પડ્યાં વેંત ઘોર અંઘારું જોઈએ. નહીં તો ઊંઘ ન આવે. શરૂ-શરૂમાં મને બહુ હેરાનગતી થતી. પણ આ વાત એમના ધ્યાનમાં આવી, ત્યારથી પથારીમાં વાંચવાને બદલે બહાર વાંચે અને ઊંઘવા જેવું થાય ત્યારે આવીને સૂઈ જાય. એ વાંચતા-લખતાં હોય ત્યારે એમને જરીકે ખલેલ ન પરવડે. કાંઈ વાત કરવા જઈએ, તો એકદમ ભભૂકી ઊઠે. શરૂ-શરૂમાં તો આવે વખતે હું બહુ ડઘાઈ જતી. પણ હવે એમને ઓળખી ગઈ છું. મોટે ભાગે તો હું ખલેલ ઊભી જ ન કરું. છતાં ક્યારેક બીજો ઉપાય ન હોય તો શાંતિથી એમની પાસે જઈ બેસું. એમની નજર પડતાં એ જ પૂછે, ‘કાંઈ કામ છે ?’

મને શાસ્ત્રીય સંગીતનો બહુ જ શોખ. એને જરીકે ન ગમે. શરૂમાં તો એની ઠેકડી ઉડાવે. પણ ધીરે ધીરે મારી સંગીત-પ્રીતિ જોઈ હવે ક્યારેક પોતે તેની કેસેટ લઈ આવે, તેના કાર્યક્રમમાં પણ મારી સાથે આવે. આવી રીતે એકબીજાના તાલમાં તાલ મેળવવાની અમારી કોશિશ ચાલે છે. એકબીજાને સાચવી લેવામાં મજા આવે છે. સ્વભાવનાં ખૂણિયાં ઘસાતાં જાય છે, એટલે સ્વભાવ એકબીજાને ખૂંચતો નથી. અમારી ગાડી સરસ ચાલે છે !

(શ્રી નીતા ગોડબોલેની મરાઠી વાર્તાને આધારે)

[ એક પુસ્તકના કુલ પાન : 88. એક પુસ્તકની કિંમત : રૂ. 30. કુલ 17 પુસ્તકોનો સેટ. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન. ભૂમિપુત્ર, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ગુજરાત. ફોન નંબર : +91 265 2437957.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓનલાઈન મુલાકાત – પંકિતા ભાવસાર
બાળકોનું જગત – સંકલિત Next »   

34 પ્રતિભાવો : વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર

 1. nayan panchal says:

  બંને વાર્તાઓ ખૂબ સરસ.

  પ્રથમ વાર્તામાં આપણી સમાજવ્યવસ્થાનુ ચિત્રણ છે. એકવાર અમુક ઉંમર થઈ જાય પછી જાણે કુંવારી વ્યક્તિ બિચારી બની જાય. ભલે તેનામાં હજાર સારા ગુણો હોય પરંત લોકો તેમને ‘વાંઢા’ તરીકે જ સબોધશે. ઘરવાળા પણ એવી અપેક્ષા રાખે કે જે મળે તેની સાથે ‘ઠેકાણે’ પાડી દો. આવા સમયે નાયિકાની જેમ સમજી વિચારીને યોગ્ય નિર્ણય જ લેવો જોઈએ.

  સંસાર-રથને બરાબર ચલાવવા પતિ-પત્ની બંનેએ એકબીજાને અનુકૂળ થવુ જ પડે, અને મીઠામીઠા ઝઘડા તો કરવા જ રહ્યા.

  નયન

 2. જીતેન્દ્ર જે. તન્ના says:

  સરસ.

 3. Keval Rupareliya says:

  શુ મ્રુગેશભાઇ વિણી વિણીને ક્રુતીઓ મુકો છો.!!
  ખુબ જ સરસ.

 4. Paresh says:

  સ્વભાવનાં ખૂણિયાં ઘસાતાં જાય છે, એટલે સ્વભાવ એકબીજાને ખૂંચતો નથી.
  ખૂબ જ સરસ

 5. Dhaval B. Shah says:

  ખૂબજ સરસ વાર્તાઓ!!! પહેલી વાર્તામા ઓછા શબ્દોમા લાગણીનુ સુન્દર નિરુપણ. તથા બીજી વાર્તામા રજુ થયેલો અનુભવનો નિચોડ!!

 6. pragnaju says:

  હમેશની જેમ બન્ને વાર્તા ખૂબ સુંદર

 7. Ami says:

  બહુ જ સરસ. સ્વભાવનાં ખૂણિયાં ઘસાતાં જાય છે, એટલે સ્વભાવ એકબીજાને ખૂંચતો નથી.અમારી ગાડી સરસ ચાલે છે !

  એકદમ ગુસ્સો કરી દેતા અને પળવારમાં હસી દેતા મારા મહાદેવને જોવા મને ગમે છે!
  Very true!

 8. અતુલ જાની (આગંતુક) says:

  ફુલો ઍટલે સૌંદર્ય, નજાકત અને સુગંધ નો સુભગ સમન્વય અને આ તો વીણેલા ફુલો અને વીણનાર પણ હરિશ્ચંદ્ર બહેનો. બંને ફુલો સુંદર, નાજુક અને ઘણા સુગંધી છે.

 9. Payal Bhatt says:

  ખુબ સુન્દર.

 10. Pravin V. Patel says:

  સાદુ અને સરળ. ટૂંકું ને ટચ. સચોટ. જીવનરથ સુપેરે સરકે તેની ચાવી. અનુકુલન સાધો. સાનુકુળ બનો. થોડું સહન કરો. મજા મજા મજા…………………….. હરિનો ખૂબખૂબ આભાર. હાર્દિક અભિનંદન.

 11. Kamakshi says:

  બંને વાર્તાઓ ખૂબ સુંદર… સાચે જ વીણી વીણી ને લાવેલા ફૂલો છે…

 12. Ambaram K Sanghani says:

  દરેક માણસ સ્વભાવે આવો જ હોય છે; પણ એ ભૂલકણો પોતાના સ્વભાવને પણ ભૂલી જાય છે!
  બન્ને વાર્તા ખૂબ જ સરસ છે. આભાર.

 13. ભાવના શુક્લ says:

  બન્ને વાર્તાઓ ખુબ સરસ…

 14. Gira says:

  liked both of the stories.. 🙂

 15. Ashish Dave says:

  Simply brilliant

  Ashish Dave
  Sunnyvale, California

 16. krupa says:

  nice આજ ના દમ્પતિ ઓ ને શિખવા જેવિ વાત છે!
  ખુબ સરસ…..

 17. raju yadav says:

  બન્ને ફૂલ એટલે કે વાર્તાઓ મજા પડી જાય એવી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.