બાળકોનું જગત – સંકલિત
[અ] બાળકોની ઉષ્માવંત દુનિયા – ટીમ મૅક્ગ્રો
[બાળકોનું પણ આગવું જગત હોય છે. તેમની વાતચીત કરવાની આગવી શૈલી હોય છે. એમાંથી વડીલોએ પણ કેટલુંક શીખવા જેવું છે. નીચેના પ્રસંગો વાંચતા તમને કેમ લાગે છે ? – સૌજન્ય : ‘NAMAH’ Quaterly Journal of New approaches to Medicine and Health – અનુવાદ : રાજેશ્વરી.]
[1]
બાળકોનું એક મિલન યોજાયું હતું. એમાં એક સ્પર્ધા પણ વણી લીધી હતી. આ બાળકોમાંથી બીજાઓની સૌથી વધુ કાળજી લેનાર કોણ ? – એની પસંદગી લેખક મહાશયે કરવાની હતી. એમાં વિજેતા નીવડ્યું ચાર વર્ષનું એક બાળક. એના શાખપાડોશી એક વયોવૃદ્ધ ગૃહસ્થ હતા. એમનાં પત્નીનું તાજેતરમાં મૃત્યુ થયું હતું. તેમના ઘરમાં બેસીને તેઓ રડી રહ્યા હતા. તે જોઈ પેલું બાળક વડીલના ઘરમાં ગયું, એમના ખોળામાં ચડી ગયું અને ત્યાં માત્ર બેસી રહ્યું. માએ જ્યારે બાળકને પૂછ્યું કે પાડોશીદાદાને તેણે શું કહ્યું હતું ? બાળકે જવાબ આપ્યો, ‘કંઈ નહીં. મેં એમને રડવામાં જરા મદદ કરી.’
[2]
શિક્ષિકાબહેનના વર્ગનાં નાનાં ટાબરિયાં એક કુટુંબના સભ્યોનો ફોટોગ્રાફ જોઈ રહ્યાં હતાં. એમાં એક બાળકના વાળ કુટુંબના અન્ય સભ્યો કરતાં અલગ રંગના હતા. એ જોઈને એક ટાબરિયું બોલ્યું કે, ‘જુદા રંગના વાળવાળું બાળક દત્તક લીધેલું હોવું જોઈએ.’
એ સાંભળી એક નાની છોકરી તરત બોલી : ‘દત્તક લેવાની વાત વિશે હું બધું જાણું છું. કેમ કે હું પોતે જ દત્તક દીકરી છું.’
આ વાત સાંભળી બીજા બાળકે તરત પેલીને પૂછ્યું : ‘દત્તક લેવાવું એનો અર્થ શો થાય ?’
પેલી છોકરીએ કહ્યું કે, ‘તમારી મમ્મીના પેટમાં મોટાં થવાને બદલે તમે મમ્મીના હૃદયમાં મોટાં થાવ છો.’
[3]
જ્યારે જીવનમાં મારા સ્થાન વિશે હું નિરાશા અનુભવતો હોઉં ત્યારે જૅમી નામે છોકરાની વાત યાદ કરવા લાગું છું. એની મમ્મીએ મને એક વખત કહેલું કે, શાળાના મનોરંજન કાર્યક્રમના ભાગરૂપે એક નાટક તૈયાર થતું હતું. જૅમીભાઈની એ નાટકમાં ભાગ લેવાની ખાસ ઈચ્છા હતી, પણ એની મમ્મીને લાગ્યું કે જૅમીની પસંદગી કદાચ નહીં થાય. નાટકમાં ભૂમિકાની ફાળવણી થઈ તે દિવસે મમ્મી શાળાના સમય પછી જૅમીભાઈને શાળાએ તેડવા ગઈ હતી. મમ્મીને જોઈ જૅમી એની આંખમાં ગૌરવ અને ઉત્તેજનાને ચમકાવતો દોડી ગયો. બૂમ પાડીને એણે કહ્યું : ‘ધાર જોઈએ, મમ્મી ! મને ક્યો રોલ મળ્યો હશે ?’ એના ઉત્તરમાં ખુદ જૅમીએ કહેલા આ શબ્દો મારી નિરાશાની ક્ષણોમાં યાદ આવી જાય છે : ‘નાટક ભજવાતું હોય ત્યારે આનંદની કિલકારીઓ સાથે તાળીઓ પાડીને વધાવવાના રોલ માટે મારી પસંદગી થઈ છે !’
[4]
ન્યૂયોર્ક શહેરના ડિસેમ્બરના એક ઠંડાગાર દિવસે એક બહેને નજરે નિહાળેલું દશ્ય: રસ્તાની બાજુએ આવેલા બૂટ-ચંપલના સ્ટોર આગળ દસેક વરસનો એક છોકરો બારીમાંથી દુકાનની અંદર ધારી ધારીને જોતો હતો અને સાથે જ ટાઢથી થથરતો હતો. પેલાં બહેન છોકરા પાસે ગયાં અને કહ્યું : ‘નાના ભાઈલા ! તું બારીમાંથી ધારી ધારીને શું જોયા કરે છે ?’
‘ભગવાનને હું કહેતો હતો કે મને એક જોડી બૂટ આપો ને !’ બાળકે જવાબ આપ્યો. એ બહેન બાળકને હાથ પકડી સ્ટોરમાં લઈ ગઈ. ત્યાંના મદદનીશને એણે કહ્યું કે અરધો ડઝન મોજાં આ છોકરા માટે મને આપો. વિશેષમાં ઉમેર્યું કે પાણીની એક બાલદી અને ટુવાલ આપો. મદદનીશે તે લાવી આપ્યાં. દુકાનની પાછળના ભાગમાં બાળમિત્રને લઈને એ બહેન ગઈ. પોતાનાં હાથમોજાં કાઢી નાખ્યાં અને બાળકના પગ ધોયા. ટુવાલ વડે લૂછ્યા. દરમિયાનમાં મોજાં સાથે મદદનીશ આવી પહોંચ્યો હતો. બાળકે એક જોડ મોજાં પહેર્યાં. પેલી બહેને ખરીદી આપેલા એક જોડ બૂટમાં બાળકે પોતાના પગ ગોઠવ્યા. મોજાંની બાકીની જોડ બાળકના હાથમાં આપીને, તેના માથામાં ટપલી મારીને એ બહેને બાળકને કહ્યું, ‘મારા નાનકડા ભાઈલા ! પગમાં તને હવે બરાબર હૂંફાળું લાગે છે ને ?’ અને તે બહાર જવા લાગી.
આશ્ચર્યચકિત બાળકે દોડીને એ બહેનનો હાથ પકડી લીધો. આંસુભીની આંખે એ બહેનના ચહેરા સામે જોઈ એણે જવાબ આપ્યો : ‘તમે ભગવાનનાં પત્ની છો ને ?’
.
[બ] હવે આ બહાનાઓનું શું કરીએ ? – વિષ્ણુકાંત
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
બહાનાં બનાવવાની કળા પણ અનોખી છે. કોણ જાણે કેમ પણ બહાનાંને ‘પૂર્ણ રીતે જાણીજોઈને બોલાયેલ જૂઠાણું’ માનવામાં તકલીફ થાય છે. શાળાના સંદર્ભમાં જોઈએ તો લગભગ બધાં જ બાળકો આ કળાની પ્રૅક્ટિસ કરતાં હોય છે અને મોટે ભાગે શિક્ષક આ વાત જાણતા પણ હોય છે. એક રીતે જોઈએ તો કેટલાંક બહાનાં બાળકોનું તેજ, બુદ્ધિની તીક્ષ્ણતાને દર્શાવે છે તો કેટલાંક જૂની પુરાણી ઘટનાઓ દોહરાવતાં રહે છે.
કૃષ્ણપાલ (કે.પી.) છઠ્ઠા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે. બુદ્ધિ તીક્ષ્ણ પણ કામમાં ખૂબ આળસુ. ઊર્જા અને જોશ ત્યાં સુધી ન જોવા મળે જ્યાં સુધી કામ એનું ગમતું ન હોય. હોમવર્ક કદાચ ક્યારેક જ પૂરું કર્યું હોય. પૂછવામાં આવે તો બહાનાં તૈયાર. એવાં એવાં કે તમે મોમાં આંગળાં નાખી જાઓ. કે.પીને બહાનાં દોહરાવતાં મેં ક્યારેક જ જોયો હશે. ક્યારેક લાઈટ ન હતી, ક્યારેક રમવા ગયા હતા, તો ક્યારેક પપ્પાની બહેનના સાવકા ભાઈના સાસરાવાળાની બાજુવાળા ઘરમાં લગ્નમાં જતા રહ્યા હતાં; તો ક્યારેક સીધેસીધું, ‘યાદ જ ન રહ્યું.’ હવે તેને યાદ જ ન આવ્યું તે માટે આપ શું કરી શકશો ? કોઈ જાણી જોઈને તો ભૂલ્યું નથી.
‘તો પછી હોમવર્ક લખીને કેમ નથી લઈ જતો ?’
‘ભૂલી જાઉં છું.’
જ્યારે મેં યાદ રાખીને લખાવરાવ્યું તો બીજા દિવસે, ‘હોમવર્કને જોવાનું જ ભૂલી ગયો.’ કહે તો એટલી માસૂમતાથી કે પથ્થરનું પણ મન પીગળી જાય. જો તમે અણગમો દેખાડો તો ‘કાલથી કરીને લાવીશ’ અને કાલે, ફરીથી એ જ ઈતિહાસ.
‘કેમ નથી કર્યું ?’
‘સર, થોડું જ બાકી છે.’
નોટ ખોલીને જોયું તો બે કાગળની જગ્યાએ મહાશયે બે શબ્દો જ લખ્યા છે.
‘કેમ નથી કર્યું ?’
‘સર, કરી જ રહ્યો હતો પણ સ્કૂલબસ આવી ગઈ.’ માથું ખંજવાળતા ભઈસાહેબ બોલ્યાં.
‘હં, તો તે પહેલાં કેમ ન કર્યું ?’
‘પહેલાં વિચારી રહ્યો હતો.’ (વિચારવાની ગંભીર મુદ્રા.)
‘સારું, કેટલી વાર લાગે છે વિચારવામાં ?’
‘એક કલાક.’
‘હં, તેં ક્યારે વિચારવાનું શરૂ કર્યું ?’
‘સવારે સાડા આઠ વાગ્યે.’
‘એ પહેલાં કેમ નહીં ?’
‘પહેલાં યાદ જ ન આવ્યું. સવારે યાદ આવ્યું.’
‘સારું…. પછી ?’
‘સાડા નવ વાગ્યા સુધી વિચાર્યું. પછી નોટ ખોલી, લખવા બેઠો તો પેન્સિલ તૂટેલી હતી, અણી કાઢી. પછી લખવા બેઠો પણ ત્યાં સુધીમાં તો ગાડી આવી ગઈ.’
બોલો ! દરેક પળનો વ્યવસ્થિત હિસાબ. બિચારો શિક્ષક !
કલ્પનાના કૂદકા મારવામાં બીજા ધોરણનો ભૂપેન્દ્ર પણ ઓછો નથી. બેઠો બેઠો વાંચતો રહે છે અને પોતાની કલ્પનાના ઘોડા દોડાવ્યા કરે છે. સમજદાર છે; પણ બહુ જલદી રિસાઈ જાય છે. એક દિવસ હોમવર્ક કરીને ન આવ્યો. મેં કારણ પૂછ્યું.
‘સર, વાત એમ છે કે રાત્રે એક સપનું જોયું કે હું ઊઠીને બધું કામ કરી રહ્યો છું. પોતાનું કામ પણ સરસ રીતે કર્યું. સવારે મને લાગ્યું કે હવે શું કરવું, હોમવર્કનું બધું કામ તો પૂરું થઈ ગયું. હમણાં નોટ ખોલી તો જોયું કે એ તો મેં સપનું જોયું હતું.’
શું આવા કલ્પનાશીલ અને ઉપજાઉ મગજ સાચી દિશામાં વાળી શકાય ? જો આપણે રીતો સતત સુધારતા રહીએ, મૂઢ કે ક્રૂર બન્યા વગર, તો જ આ સંભવ છે. ઉત્તમ કલ્પનાશીલ બાળકોને ચોક્કસ સારી દિશામાં વાળી શકાય. ભલે ને એની શરૂઆત બહાનાંઓથી જ કેમ ન હોય !
.
[ક] શિશુમુખેથી – સંકલિત
[બાળકોના મુખે બોલાયેલી ઉક્તિઓના પ્રસંગો – ‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]
[1] શ્રીદેવી ભટ્ટ (પૂના)
મારા પાંચ વર્ષના ભત્રીજા ધૃમનને લઈ અમે ગોપનાથ દર્શને ગયાં હતાં. બપોરે સમુદ્રકિનારે પાણીમાં પગ બોળી અમે બધાં બેઠાં હતાં. અચાનક પાણીનું મોટું મોજું આવતું દેખાયું ને મારા ભાઈ નિનાદે બૂમ પાડી મોજું આવ્યું, દોડો. બધા બહારની બાજુ કિનારા તરફ ભાગ્યા, ધૃમન દરિયા તરફ ભાગ્યો. ધૃમનની મમ્મી ગુસ્સે થઈ. ‘મોજું આવે તો બહાર નીકળાય કે અંદર જવાય ?’
ધૃમન કહે : ‘પણ મારું મોજું (પગનું) અંદર ગયું છે તે આવ્યું સાંભળી હું તે લેવા અંદર ગયો !!’
[2] વિપુલ વ્યાસ (વડોદરા)
મારો પુત્ર નિષંજ નર્સરીમાં હતો. શાળામાં ચિત્રો દોરવાનાં હતાં. નિષંજે પાણીનો રંગ પોપટના રંગ જેવો લીલો કર્યો. શિક્ષિકાએ તેને પૂછ્યું તો નિષંજે જવાબ આપ્યો : ‘રસ્તામાં મેં પોન્ડ (તળાવ) જોયું છે. તેનું પાણી આવું ગ્રીન (લીલું) જ છે !!’ જ્યારે એ ચાલતો થયો ત્યારે અમે એને ચાલવા લઈ જતા. એક વાર સામેથી એક ટ્રેક્ટર ધૂળ ઉડાડતું પસાર થયું. નિષંજની આંખમાં ધૂળ ઊડી. તે આંખ ચોળતાં બોલ્યો, ‘પપ્પા, મારી આંખમાં ટ્રેકટર ઊડ્યું.’
[3] અમૃત મોરારજી (વલસાડ)
મારા ભત્રીજાના પુત્ર વ્રજને આકાશમાં ચાંદામામા બતાવ્યા ત્યારે પૂછવા માંડ્યો : ‘ચાંદામામી ક્યાં છે ?’…. એક વાર અમે સ્ટેશન પર ઊભા હતા. સ્ટેશન કર્મચારીએ ઘંટ વગાડ્યો. એક નાનકડા છોકરાએ તેની મમ્મીને પૂછ્યું : ‘મમ્મી, હવે પ્રસાદ મળશે ?’
[4] સંધ્યા ભટ્ટ (બારડોલી)
એક વખત હું મારા પતિને કહેતી હતી કે, ‘એ તો એવું છે ને કે બોલે તેનાં બોર વેચાય.’ તરત જ પુત્ર સૌરભે કહ્યું : ‘એવું કંઈ નહીં. મારી સ્કૂલની બહાર બોર વેચનાર છે. તે કશુંય બોલતા નથી અને તોય તેના બોર વેચાઈ જાય છે.’
[5] શરીફા વીજળીવાળા (સુરત)
મારી દોસ્ત રીટાની બેલડાની (જોડીયા) દીકરીઓ આન્યા અને અલકા એટલી હદે સરખી છે કે હું તો એ ત્રીજામાં આવી તોય હજીયે એમને અલગ ઓળખી નથી શકતી. પણ હમણાં બે દિવસ પહેલાં રીટાએ લોચો માર્યો અને આન્યા એટલી તો ગુસ્સે થઈ…. બૂમ પાડીને કહે : આખી દુનિયામાં એકમાત્ર અલકા જ મને હંમેશાં સાચા નામે બોલાવે છે. કદી મારી બાબતે ગોટાળો નથી કરતી !
એકવાર પરીક્ષા હોવાથી રીટાએ બેઉને સરસ્વતી માતાને પગે લાગીને જવાનું કહ્યું. આન્યા સરસ્વતીમાતાના ફોટા પાસે પગે લાગવા દોડી ગઈ. આશકા એનો હાથ પકડીને કહે : ‘ચાલ દફતર સાથે પગે લાગીએ. So that she should know that today we want special blessings. પરીક્ષાવાળી blessings !!!’
[6] હર્ષદભાઈ વ્યાસ (ભાવનગર)
અમારા બગીચામાં લીમડાનું ઝાડ છે. લીમડાની ડાળ પર બેસીને કાગડો કા..કા…. કરતો હતો. તે જોઈ મારો સાત વર્ષનો પૌત્ર વત્સલ દોડતો મારી પાસે આવી કહેવા લાગ્યો, ‘દાદાજી….દાદાજી ! મારી મમ્મી કહેતી હતી કે લીમડા ઉપર કાગડો કા…કા… કરીને બોલે તો આપણે ઘેર મહેમાન આવે !’
મેં કહ્યું : ‘એવું કંઈ ન હોય બેટા !’
થોડી જ વારમાં વત્સલના મામા સૂટકેસ લઈ આવી પહોંચ્યા. વત્સલ રાજી થઈ મને ભેટી પડ્યો અને હસતાં હસતાં કહેવા લાગ્યો : ‘દાદાજી, મારી મમ્મીની વાત ખોટી ન હોય !’
[7] દિલીપ ડી. નાયક (નવસારી)
મારી છ વર્ષની દોહિત્રી યશવી ઉનાળુ વેકેશનમાં નવસારી અમારે ઘરે રહેવા આવી હતી. બપોરે તાપમાં રમવા ન મળે તેથી સાંજ પડે બહાર રમવાની જીદ કરે. સોસાયટીમાં ગેસ પાઈપલાઈનનું કામ ચાલુ હોવાથી બધે માટીના ઢગલા પડ્યા હતા. તેમાં રમવાની જીદ કરે તેથી અમે એને સમજાવીએ કે, ‘શરીર પર ધૂળ ચોંટે તો રાત્રે શરીર પરની ધૂળ કરડે.’ ત્યારે યશવી કહે, ‘કીડીને તો મોં હોય એટલે કરડે પણ ધૂળ કેવી રીતે કરડે ?’
[8] મીતા. એ. શાહ (અમદાવાદ)
નડિયાદથી બદલી થતાં અમે અમદાવાદ આવ્યા. કંપનીના ખૂબ સરસ કવૉટર્સમાં રહેવાનું હતું. મારો દીકરો અચિંત ખૂબ જ ઉત્સાહ સાથે સવારે વહેલો ઊઠી ગયો. તેને નવું નવું બધું જોવું હતું. પંદર-વીસ મિનિટ પછી હાંફતો આવીને કહે, ‘મમ્મી…મમ્મી… બધાને ઘરે ડોરબેલ છે અને બરોબર વાગે છે…!!’
મારા બંને પૌત્રો વેકેશનમાં મારા ઘેર રહેવા આવ્યા. અમારે ત્યાં સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરવાનો નિયમ. એક રાત્રે નાનકડો પ્રાંજલ મોટેમોટેથી વારંવાર બોલવા માંડ્યો, ‘હું નવી સાઈકલ માટે પ્રાર્થના કરું છું, હું નવા કૉમ્પ્યુટર માટે પ્રાર્થના કરું છું…’
મોટો સુજલ કહે : ‘તું બરાડા કેમ પાડે છે ? ભગવાન કંઈ બહેરા નથી.’
પ્રાંજલ કહે : ‘પણ મોટી મમ્મી છે ને !’
[9] પરાગ. મ. ત્રિવેદી (જૂનાગઢ)
અમારી બાલ્કનીમાંથી ગિરનાર પર્વત દેખાય. ચોમાસુ ચાલતું હતું. પડોશમાંથી નિયતિ આવી હતી. તે ઘરમાંથી બાલ્કની સુધી આંટા મારતી હતી. વાદળાં ખૂબ ઝડપથી છવાતાં હતાં. પર્વત દેખાતો બંધ થઈ ગયો. નિયતિ બાલ્કનીમાં ગઈ, ત્યાંથી જ બૂમ મારી, ‘સંગીતા આન્ટી, જુઓ તો, આટલી વારમાં પર્વત ચાલીને ક્યાં જતો રહ્યો ?’
એક વાર મારી પત્ની સંગીતા સાંજે દીવા-બત્તી કરતી હતી. પાડોશમાંથી નાનકડી સાક્ષી આવી હતી. સંગીતાની બાજુમાં બેસી ગઈ. નામ-જપ માટેની માળા જોઈને કહે : ‘આ ભગવાનને પહેરવાનો ચેઈન છે ?’
[10] પ્રતિમા દવે (અમદાવાદ)
અમારા એક મિત્રના દીકરાને તેની બેન્કમાંથી ‘શિલ્ડ’ મળ્યો. તે બતાવતાં તેનો દીકરો કહે કે : ‘જુઓ, જુઓ, મારા પપ્પાને ‘વર્લ્ડ કપ’ મળ્યો !!’
Print This Article
·
Save this article As PDF
મૃગેશભાઈ,
તમે તો દિવસ સુધારી દીધો. સૌ લેખકોનો ખૂબ ખૂબ આભાર.
નયન
નાના બાળકોનાં બહાના વિષે શું કહેવું…?? મારા દાદીમા જ્યારે નાના હતા ત્યારે શાળાએ ન જવા માટે બહાનુ કાઢતા કહેતા કે મને બહુ પેટમાં દુખે છે….આપણને લાગે છે કે બાળકોને બહાના બનાવતા કેવી રીતે આવડતું હશે પણ બહાના બનાવવાનું તો ગળથૂંથીમાં હોય છે હોં…..
મજા પડી ગઈ હોં. અંગ્રેજી સામાયિક રીડર્સ ડાયજેસ્ટ માં કોઈકવાર આવા કિસ્સા વાંચવા મળે છે પણ ગુજરાતી માં અનેરી મજા છે.
🙂 ….. ખુબ્બ જ મજાનું સંકલન … !! મજા પડી ….
નાના બાળકોની વાતો ખરેખર અદભૂત હોય છે.
બહુ જ સરસ. ખૂબ ગમ્યું.
આભાર મૃગેશભાઈ.
“‘તમારી મમ્મીના પેટમાં મોટાં થવાને બદલે તમે મમ્મીના હૃદયમાં મોટાં થાવ છો.” વાહ વાહ્!! વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી…
” મને નાટક ભજવાતુ હોય ત્યારે તાળીઓથી વધાવવાનો રોલ મળ્યો છે. ”
અદભુત સમજશક્તિ ,
આભાર ,
નાના બાળકોની મોટી વાત ખૂબ મઝાની
awesome….Beautiful……….maja padi gayi….
ટીમ મૅક્ગ્રો દ્વારા આલેખીત અને શ્રી રાજેશ્વરીજી દ્વારા અનુવાદીત બાળકોની ઉષ્માવંત દુનિયા ટાઢાબોળ માનવીના હૈયામાં પણ ઉષ્માનો સંચાર કરે છે.
ઉષ્મા (૧) – બાળકે જવાબ આપ્યો, ‘કંઈ નહીં. મેં એમને રડવામાં જરા મદદ કરી.’
ઉષ્મા (૨) – પેલી છોકરીએ કહ્યું કે, ‘તમારી મમ્મીના પેટમાં મોટાં થવાને બદલે તમે મમ્મીના હૃદયમાં મોટાં થાવ છો.’
ઉષ્મા (૩) – ખુદ જૅમીએ કહેલા આ શબ્દો મારી નિરાશાની ક્ષણોમાં યાદ આવી જાય છે : ‘નાટક ભજવાતું હોય ત્યારે આનંદની કિલકારીઓ સાથે તાળીઓ પાડીને વધાવવાના રોલ માટે મારી પસંદગી થઈ છે !’
ઉષ્મા (૪) – આશ્ચર્યચકિત બાળકે દોડીને એ બહેનનો હાથ પકડી લીધો. આંસુભીની આંખે એ બહેનના ચહેરા સામે જોઈ એણે જવાબ આપ્યો : ‘તમે ભગવાનનાં પત્ની છો ને ?’
બાળપણના કલ્પનાશીલ બહાનાઓ આનંદ તો આપે છે પરંતુ બાળકની આ ટેવને વધારે પોષવા જેવી નથી નહીં તો આ કુટેવ ભવિષ્યમાં જવાબદાર નાગરીકનું નિર્માણ કરવાને બદલે બેજવાબદાર બહાનાબાજી કરનાર સમાજને બોજારુપ માનવીનું સર્જન કરશે.
બાળકોના મુખે બોલાયેલી ઉક્તિઓના ૧૦ જુદા જુદા પ્રસંગો ઘણા રસપ્રદ રહ્યાં.
મરક મરક હસાવતી ટાબરીયાંની ટોળી બેમિસાલ છે. શિક્ષકો માટે બોધનો ખજાનો. અભિનંદન અને આભાર સુંદર રજુઆત બદલ. આવું લખાણ આનંદ વેરે છે.
very good !
one day I asked to my daughter ” will you help me, please? you are a good healper. ” some another day, I
was washing dishes. my daughter told me, “let me do
that. I am a good dish-washer.”
ખરેખર મજા પડી ગઈ હો……..આવી નિર્દોસ વાતો વાચીને…………
ધન્ય્વાદ…………….
બાળકોની દુનીયાજ અજબ ગજ હોય છે…ખુબ સરસ વાતો..વાચતા મરક મરક થઈ જવાય ….
મનેતો જ્યારે પણ ડીપ્રેશન લાગે તો એકાદ નાના બાળકની સાથે ગમ્મત કરી લઉ.
હા. હા, હા, મોજુ આવ્યુ
લાગણેીથેી સભર સભર ફૂલોની મનમને સ્પર્શેી જાય તેવી વાતો.
નિર્દોષ અને મનને ગમે તેવી. ‘માના પેટને બદલે માના હદ્યમાઁ
મોટુ થવાય.
really good collection of the innocent chit-chat by children
મારા ૩ વરસ ના ભાઈ ને ઘર મા સાફસુફી ચાલી રહી હતી ત્યારે એને પણ મન થયુ હતુ મદદ કરવાનુ, અને એણે વોલ પર ડાઘ જોતા સ્ક્રબ લઈ ને સાફ કરી નાખ્યુ, અને ઉત્સાહ થી અમને બધા ને બુમ પાડી બોલાવ્યા તો અમે જોયુ કે ભાઈ સાહેબે લાક્ડા ની વોલ પર નો પેઈન્ટ્ પણ ખોતરી નાખ્યો હતો!!! lol…
children ‘s life is undescribable… it’s very innocent and loving… i enjoyed this reading!!!
Hurry free, Worry free, Curry free… we need to be more like our children
Ashish Dave
Sunnyvale, California