અનુસંધાન – ગૌરાંગ શાહ

સાંજે હું બેન્કમાંથી નીકળવાની તૈયારી કરતો હતો ત્યારે મારો શાળાના સમયનો મિત્ર પ્રેમલ આવ્યો.
‘કામ પૂરું થઈ ગયું હોય તો સામે કાફેમાં બેસીએ.’ પ્રેમલે કહ્યું.
‘હા ચાલ, હું પણ નીકળતો જ હતો.’ મેં કહ્યું.
અમે બંને બેન્કની સામે આવેલી રેસ્ટોરાંમાં ગયા. તેના મુખ પર ગંભીરતા હતી અને તે ચિંતામાં લાગતો હતો. રેસ્ટોરાંમાં ચાનાસ્તાનો ઑર્ડર આપીને અમે નિરાંતે બેઠા.
‘મંગળની તબિયત ઘણી જ ખરાબ છે અને ઑપરેશન તાત્કાલિક કરવું પડશે.’ તેણે ચિંતાભર્યા સ્વરે કહ્યું.
‘એમ ? શેનું નિદાન થયું. ?’
‘તેની અન્નનળી ઉપર શ્વાસનળીની નજીક જ ગાંઠ છે. ઑપરેશન કરીને જ કાઢવી પડશે.’
‘મંગળ માંડ માંડ સ્થિર થઈ રહ્યો છે ત્યારે તેને મોટો ફટકો પડશે.’
‘હા, ઑપરેશન કૉમ્પ્લિકેટેડ છે. બે ડૉક્ટરો મારા ઓળખીતા છે. એ બંનેનો અભિપ્રાય એવો છે કે ઑપરેશન ધ્રુવ સર્જિકલમાં જ કરાવવું.’ પ્રેમલે કહ્યું.
‘પણ એ તો ઘણું મોંઘું પડશે.’ મેં ચિંતાભર્યા સ્વરે કહ્યું.
‘હા દોસ્ત ! એટલે જ મારી ઈચ્છા છે કે આપણે સમીરને મળીએ અને તેની મદદ માંગીએ. થોડો ટેકો આપણે કરીએ.’ પ્રેમલે કહ્યું.

પ્રેમલ, મંગળ, સમીર અને હું શાળામાં સાથે જ ભણેલા. અમારી મૈત્રી ઘણી ગાઢ હતી. પ્રેમલ અને હું મધ્યમ વર્ગમાંથી આવતા હતા. સમીર થોડા પૈસાપાત્ર કુટુંબમાંથી આવતો હતો, જ્યારે મંગળ એક નાના ગામમાંથી અને પ્રમાણમાં ગરીબ કુટુંબમાંથી આવતો હતો. અમે સૌ શહેરની પ્રસિદ્ધ અને ગાંધીજીના આદર્શો પર રચાયેલી શાળામાં ભણ્યા હતા. આઝાદીનાં વર્ષો પહેલાં સ્થપાયેલી એ શાળા અત્યંત વિશાળ હતી અને તેમાં સાહિત્ય, સંગીત, બુનિયાદી તાલીમ વગેરેનું સુંદર વાતાવરણ હતું. શાળાનો ગણવેશ પણ ખાદીનો જ હતો, અને વાતાવરણ સાદગીભર્યું રહેતું. શાળાના અભ્યાસ પછી પ્રેમલ અને મંગળ આર્ટ્સ કૉલેજમાં ગયા. જ્યારે સમીર અને હું કૉમર્સ કૉલેજમાં ગયા. પ્રેમલ લેકચરર તરીકે નોકરી કરતો હતો. હું બેન્કમાં જોડાયો. સમીરનો કૌટુંબિક ધંધો હતો જ પણ તેણે અમેરિકા વધુ અભ્યાસ કરીને અહીં આવીને પોતાની નવી કમ્પ્યુટર સોફટવેરની કંપની શરૂ કરી હતી, જ્યારે મંગળે પોતાની નાની રમકડાંની દુકાન ખોલી હતી.

કૉલેજના અભ્યાસ પછી પણ અમારો સંપર્ક ચાલુ જ હતો. સમીરની પત્ની અને મારી પત્ની મસિયાઈ બહેનો હોવાથી અને સમીરની કંપનીનો લોન એકાઉન્ટ મારી બેન્કમાં હોવાથી અમારો સંપર્ક વધુ ગાઢ હતો, જ્યારે પ્રેમલ અને મંગળનાં ઘર એકબીજાની નજીક હોવાથી એ બંનેનો સંપર્ક ગાઢ રહ્યો હતો. શાળામાં અમે ચારેય જણા સાથે જ રહેતા પણ આજે શાળા છોડ્યે વીસ વર્ષ વીતી ગયાં હતાં અને અમે ચારેય જણા સાથે મળ્યા હોઈએ તેવા પ્રસંગો ઓછા થવા માંડ્યા હતા. અલબત્ત, સમીર પૈસપાત્ર હોવા છતાં તેનામાં સરળતા હતી અને પૈસો તેના પર સવાર થયો ન હતો. પણ પ્રેમલનો પ્રસ્તાવ સાંભળી હું જરા વિચારમાં પડ્યો.

‘કેટલો ખર્ચ થશે તેમ લાગે છે ?’ મેં પ્રેમલને પૂછ્યું.
‘બધું મળીને પચાસ હજારનો અંદાજ છે.’
‘ઘણું મોંઘું પડશે. છેલ્લાં બેત્રણ વર્ષથી મંગળે ઘણી તકલીફો વેઠી છે. તેની પાસે તો…’
‘તેની પાસે દસેક હજારની સગવડ છે. મારો વિચાર એવો છે કે આપણે બે જણા પાંચ પાંચ હજાર આપીએ અને જો સમીર ત્રીસેક હજારની મદદ કરે તો કામ થઈ જાય. તું તો જાણે છે કે ધરતીકંપમાં મંગળના ગામનું મકાન તૂટી ગયું અને તેનાં મોટાં ભાઈભાભી ગુજરી ગયાં. મંગળના માથે તેના ભત્રીજા અને ભત્રીજીની જવાબદારી છે. કોમી રમખાણોમાં પણ તેની દુકાન લાંબો સમય બંધ રહી. છેલ્લા ઘણા મહિનાઓથી તેને આ તકલીફ છે એટલે ધંધામાં ધ્યાન ઓછું રહ્યું છે, અને દવાનો ખર્ચ પણ થતો રહ્યો છે. હવે જો આ ખર્ચો એ દેવું કરીને કરશે તો ક્યારેય એ ઊભો નહીં થઈ શકે.’ પ્રેમલે કહ્યું.
એ દરમિયાન આવેલ ચા-નાસ્તાને ન્યાય આપતાં હું વિચારમાં પડ્યો.

‘આમ તો તું જાણે છે કે મંગળ ઘણો સ્વમાની છે. એ તો સરકારી હૉસ્પિટલમાં જ ઑપરેશન કરાવવાનું કહે છે પણ મારું મન માનતું નથી. ઑપરેશન થોડું જોખમી છે અને ન કરે નારાયણ ને કાંઈ થઈ ગયું તો મંગળનાં બે બાળકો અને તેના ભાઈનાં બે બાળકો એ બધાંનું કોણ ?’ પ્રેમલે ચિંતાભર્યા સ્વરે કહ્યું.
‘તારી વાત સાચી છે. ઑપરેશન ધ્રુવ સર્જિકલમાં જ કરાવીએ. હું પાંચ હજાર આપીશ. આપણે સમીરને પણ મળીએ.’ મેં કહ્યું.
‘મારે અને મંગળને સમીર સાથે સંપર્ક ઓછો થઈ ગયો છે. મંગળ પણ હવે સમીરને મળતાં ખચકાય છે. આપણે ભણતા ત્યારે તો આર્થિક અસમાનતાની લાગણી નહોતી. પણ હવે થોડો ખચકાટ થાય છે.’ પ્રેમલે કહ્યું.
‘સમીરને પૈસાનું તો અભિમાન કે મોટાઈ નથી. પણ પોતાની કંપની ખોલી ત્યારે ઘણી તેજી હતી. એટલે તેણે પથારો પણ ઘણો મોટો કરી નાખ્યો. હવે મંદી ચાલે છે અને હરીફાઈ ઘણી વધી ગઈ છે, એટલે તેને સમયની તંગી રહે છે. એની પત્નીની પણ ફરિયાદ છે કે ઘરમાં બિલકુલ સમય આપતો નથી.’ મેં કહ્યું.
અમે રેસ્ટોરાંની બહાર નીકળ્યા.
‘તો કાલે હું મંગળને લઈને સાંજે તારી બેન્ક પર આવી જઈશ.’ પ્રેમલે કહ્યું.

અમે ત્યાંથી છૂટા પડ્યા. બીજે દિવસે સાંજે પ્રેમલ અને મંગળ આવી પહોંચ્યા. મંગળને મેં ત્રણચાર મહિના પછી જોયો. એને જોઈને ઘણી નિરાશા અને દુ:ખ થયું. મંગળ ઘણો નબળો થઈ ગયો હતો. આંખો ઊંડી ઊતરી ગઈ હતી અને ગાલ પણ બેસી ગયા હતા. ચહેરા પર થાક દેખાતો હતો અને ઉંમર કરતાં મોટો પણ ઘણો લાગવા માંડ્યો હતો. શાળામાં તે ખૂબ મજબૂત અને ચપળ હતો.
‘તું તો બહુ સુકાઈ ગયો.’ મારાથી બોલાઈ ગયું.
‘હા, ખોરાક ખાસ-લેવાતો જ નથી.’ મંગળ ધીમા અવાજે બોલ્યો. એટલું બોલતાં જ તેને ખાંસી ચડી. અમે ત્યાંથી સમીરની ઑફિસે જવા નીકળ્યા. ઑફિસે પહોંચ્યા ત્યાં તેનો પી.એ. બેઠો હતો.
‘સાહેબ તમારી જ રાહ જુએ છે. પછી બૅંગલોરની પાર્ટી લઈને બહાર જવાના છે.’ પી.એ. એ સમીરનો કાર્યક્રમ જણાવતાં કહ્યું. અમે તરત જ તેની કૅબિનમાં ગયા. ઘણા સમય પછી અમે ચારે જણ સાથે મળ્યા હતા. સમીર ટેલિફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો. તેની વાત પતી અને પછી અમને આવકાર આપ્યો. પણ તેમાં ઔપચારિકતા વધારે હતી અને ઉમળકો ઓછો હતો.
‘ગૌતમ, તારી જ રાહ જોતો હતો. ગલ્ફનો એક કૉન્ટ્રેક્ટ મળે એમ છે. બેંગલોરની એક કંપની અને મારે સાથે કામ કરવાનું છે. છેલ્લા ત્રણચાર દિવસથી બિલકુલ સમય જ મળતો નથી. ડોક્યુમેન્ટ્સમાં સહી કરવાની છે તે કરી દઉં. બીજાં પેપર્સ પણ તું મારા એકાઉન્ટન્ટ મહેતા પાસેથી લઈ લેજે. યાર, તમારી સરકારી બેન્કની પ્રોસીજરથી થાકી જવાય છે. આ તું છે એટલે સારું છે, નહીં તો પહોંચી ના વળાય.’ સમીર ઉતાવળે એકશ્વાસે ઘણું બોલી ગયો.

એ પછી અમારે લોન અંગે વાતચીત થઈ. તેણે મંગળ અને પ્રેમલ જોડે પણ ઔપચારિક વાતો કરી. મંગળની માંદગીની વાત કરી પણ સળંગ વાત થઈ ન શકી. વચ્ચે વચ્ચે તેના ફોન અને ઑફિસના માણસો આવતા રહ્યા. તેણે મંગાવેલ ઠંડા પીણાને ન્યાય આપ્યો અને તેની બેંગલોરની પાર્ટી આવી જતાં આગળ વાત કરવાનો અવકાશ ના રહ્યો. એ ટેન્શનમાં અને ઉતાવળમાં હતો. અમે એની કૅબિનમાંથી નીકળ્યા. સમીરે સમયના અભાવ અંગે અફસોસ પ્રગટ કર્યો. ક્યારેક નિરાંતે મળીશું એવી વાત કરી. મંગળને તો એ ઘણા સમય પછી મળ્યો હતો પણ તેને જોઈને જૂના મિત્રને મળવાનો એટલો આનંદ ન હતો. અમે છૂટા પડ્યા. એના એકાઉન્ટન્ટને મળીને જરૂરી પેપર્સ લઈને અમે નીકળ્યા. બહાર આવ્યા ત્યારે પ્રેમલ ઘણો નિરાશ હતો.
‘સમીરનું વર્તન એની એ.સી. કૅબિન જેવું જ ઠંડું હતું. આપણે ચાર જણા ઘણા સમયે મળ્યા પણ તેણે ખાસ ઉમળકો ના બતાવ્યો. તેં પણ એની લોન માટે વાત કરી પણ સમીર પાસેથી પૈસા લેવાની વાત ના કરી.’ પ્રેમલે જરા નારાજ થઈને કહ્યું.
‘સમીર ટેન્શનમાં હતો અને એણે ખાસ ઉમળકો ન બતાવ્યો. એટલે અત્યારે મેં પૈસા માંગવાનું મુલતવી રાખ્યું.’ મેં જવાબ આપ્યો.
‘તું ખોટો વાદવિવાદ ના કર. એમાં ગૌતમનો વાંક નથી. સમીર જો ઉત્સાહ ન બતાવે તો પછી પૈસા માગવા વાજબી નથી. ખરેખર તો મારી ઈચ્છા મ્યુનિસિપલ હૉસ્પિટલમાં જ ઑપરેશન કરાવવાની છે.’ મંગળે પ્રેમલને કહ્યું. મંગળની આંખમાં સ્વમાનની ચમક હતી.
‘ઑપરેશન થઈ પડશે. ઑપરેશન તો આપણે ધ્રુવ સર્જિકલમાં જ કરાવીશું. આ પ્રકારનાં ઑપરેશનોમાં એમનું મોટું નામ છે. આપણે કોઈ ચાન્સ નથી લેવો.’ પ્રેમલે કહ્યું.

મંગળને એની દુકાન પર જવું હતું એટલે એ ગયો. હું અને પ્રેમલ એક લારી ઉપર ચા પીવા બેઠા. ‘સોમવારે સમીર અને મારે ઝોનલ ઑફિસ જવાનું છે. અમે લગભગ આખો દિવસ સાથે જ હોઈશું. ત્યારે હું નિરાંતે વાત કરી લઈશ.’ મેં કહ્યું. અમે ત્યાંથી ચા પીને છૂટા પડ્યા. પ્રેમલની વાત એક રીતે સાચી હતી કે મારા શરમાળ સ્વભાવને કારણે કોઈ જોડે કાંઈ પણ માંગવાનું મને ફાવતું નથી અને સમીર માટે ત્રીસેક હજાર રૂપિયા બહુ મોટી રકમ પણ નથી.

સોમવારે સમીર મારી બેન્ક પર આવી ગયો. અમે બંને અમારા બ્રાન્ચ મેનેજર સાથે બેઠા અને લોન અંગે વાતચીત કરી. બ્રાન્ચ મેનેજરે ઝોનલ ઑફિસમાં વાત કરી લીધી અને અમને 12 વાગ્યા સુધીમાં ઝોનલ ઑફિસે પહોંચી જવાનું કહ્યું. અમે મારે ટેબલે આવીને બેઠા. સમીર થોડો નર્વસ હતો.
‘લોન પૂરેપૂરી પાસ તો થઈ જશે ને ?’ એણે શંકા વ્યકત કરી.
‘હા, હા, ચોક્કસ. તારું એકાઉન્ટ પહેલેથી જ સારું રહ્યું છે અને ઝોનલ મેનેજર સાથે મેં કામ કરેલું છે. આ તો રકમ મોટી છે એટલે એ લોકો રૂબરૂમાં થોડી સ્પષ્ટતા માગશે.’
અમે વાત કરી રહ્યા હતા ત્યારે પ્રેમલનો મોબાઈલ આવ્યો : ‘ગૌતમ ! તું જલદી ધ્રુવ સર્જિકલ પર આવી જા અને સમીરનો પણ કોન્ટેક્ટ કર. મંગળની તબિયત એકદમ બગડી છે અને અહીં હૉસ્પિટલમાં લાવ્યા છે. ડૉક્ટર થોડી વારમાં આવશે. આજકાલમાં ઑપરેશન કરવું જ પડશે.’
સમીર સાથે વાત કરી. સમીર જરા કોચવાયો. ‘આપણે ઝોનલ ઑફિસ જવાનું મોડું થશે. લોન માટે થોડું ડિસ્કસ પણ કરવું છે…’
‘આપણી પાસે હજી સમય છે અને હૉસ્પિટલ રસ્તામાં જ આવશે. આપણે કારમાં ડિસ્કસ કરી લઈશું.’ મેં કહ્યું. અમે ઝડપથી નીકળ્યા. સમીરની કાર ઝડપથી દોડી રહી હતી. એ એની લોન બાબતે વાત કરી રહ્યો હતો. હું એને મંગળ માટે પૈસાની વાત ન કરી શક્યો. મનમાં મૂંઝાતો રહ્યો.

હૉસ્પિટલ પહોંચ્યા અને સમીરે કાર પાર્ક કરી. બહાર નીકળીને મેં જોયું તો મંગળની પત્ની તેનાં બે બાળકોને લઈને આવી રહી હતી. બંને બાળકો સ્કૂલડ્રેસમાં હતાં. મંગળે અને પ્રેમલે અમે જ્યાં ભણ્યા હતા ત્યાં જ તેમનાં બાળકોને મૂક્યાં હતાં. હું તેમની તરફ ગયો. મને જોઈને મંગળની પત્ની તેનાં બાળકોને એક બાજુ ઊભાં રાખી મારી પાસે આવી.
‘છોકરાંઓને આજે પરીક્ષા છે. તેમને સ્કૂલમાં મૂકવા જાઉં છું. ઉપર પ્રેમલભાઈ બેઠા છે.’
‘ડૉક્ટરે શું કહ્યું ?’
‘હજી ડૉક્ટર સાહેબ આવ્યા નથી. થોડી વારમાં આવશે. ઑપરેશન જલદી જ કરાવવું પડશે….’ મંગળની પત્નીએ ચિંતાભર્યા અવાજે કહ્યું. મારી નજર સમીર તરફ ગઈ. એ મંગળની પુત્રી અને પુત્ર સાથે વાતો કરી રહ્યો હતો. હું એ તરફ ગયો.
‘હજી આપણી સ્કૂલમાં ખાદીનો જ ડ્રેસ રાખ્યો છે. એ જ સફેદ શર્ટ અને વાદળી હાફપેન્ટ – મંગળનો છોકરો તો બિલકુલ એના જેવો જ દેખાય છે નહીં ?’ – સમીરે મને કહ્યું.
‘હા, આજે એ લોકોને પરીક્ષા છે. એટલે અત્યારે સ્કૂલે જવાનું છે.’ મેં કહ્યું.
‘હા, મારે તેમની સાથે વાત થઈ. ચાલ, આપણે જ તેમને મૂકી આવીએ. ઘણાં વર્ષોથી સ્કૂલ નથી જોઈ તો જોતા આવીએ.’
‘હા… ચાલ..’
‘ભાભી, તમે મંગળ પાસે બેસો. અમે બાળકોને મૂકીને આવીએ છીએ.’ મેં મંગળની પત્નીને કહ્યું.

અમે સમીરની કારમાં સ્કૂલ તરફ જવા નીકળ્યા, સમીર મંગળની પુત્રી અને પુત્ર સાથે વાતો કરતો રહ્યો. મંગળની પુત્રી આઠમા ધોરણમાં અને પુત્ર પાંચમા ધોરણમાં હતો.
‘અમે ભણતા હતા ત્યારે પાઠકસાહેબ નવા આવેલા. એ હજી છે ? અમે એમને બહુ હેરાન કરતા.’ સમીરે પૂછ્યું.
‘હા, હજી છે ને. અમને ઈંગ્લિશ ભણાવે છે.’ છોકરાએ જવાબ આપ્યો.
‘હાઈસ્કૂલમાં પેલા શાસ્ત્રીસાહેબ હતા. બહુ ચીપી ચીપીને બોલતા હતા. આપણે એમની નકલ કરતા.’ સમીર બોલ્યો.
‘એ તો હવે અમારા પ્રિન્સિપાલ છે.’ મંગળની પુત્રીએ જવાબ આપ્યો.
‘તમે પણ અમારી સ્કૂલમાં જ ભણ્યા હતા ?’ મંગળના પુત્રે પૂછ્યું.
‘હા, અમે, તારા પપ્પા, પ્રેમલકાકા બધા સાથે એક જ કલાસમાં હતા. આ સમીરકાકા તો સ્કૂલમાં મહામંત્રી બન્યા હતા.’ મેં કહ્યું.
‘એમ ?’ મંગળનો પુત્ર ઉત્સાહથી બોલ્યો.
‘હા, ગૌતમ, પ્રેમલ અને મંગળે મારો બહુ પ્રચાર કરેલો. મંગળ તો પ્રાર્થના મંદિર પાસેના મોટા ઝાડ ઉપર ચડી ગયો હતો અને ત્યાંથી ભાષણ કર્યું હતું. પછી તો કોઈએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી. પછી વ્યાયામ શિક્ષક મકવાણાસાહેબ આવ્યા. મંગળ ગભરાઈ ગયો. અને ઝાડ ઉપરથી બીજી બાજુ કૂદકો મારીને ભાગ્યો.’ સમીર વાત કરતાં કરતાં હસી પડ્યો. અમે સ્કૂલમાં પહોંચ્યા. સ્કૂલનું અત્યંત વિશાળ મેદાન, ચારે બાજુ ઘટાદાર વૃક્ષો, ખૂબ મોટું પ્રાર્થનામંદિર અને ખાદીનાં વસ્ત્રોમાં શોભતાં બાળકો તરફ અમે જોઈ રહ્યા.

‘આપણે આપણાં બાળકોને ખોટાં ઈંગ્લિશ મિડિયમમાં મૂક્યાં. આટલું ડોનેશન અને ઊંચી ફી આપ્યા પછી પણ આવું વાતાવરણ અને વિશાળ જગ્યા ના મળે.’ સમીરે અફસોસ પ્રકટ કર્યો.
‘સાચી વાત છે.’ મેં ચારે તરફ નજર ફેરવતાં કહ્યું. અમે ઘણાં વર્ષો પછી શાળામાં આવ્યા હતા. મંગળનાં બે બાળકો પણ અમારી સાથે ઊભાં હતાં.
‘આ ઝાડ ઉપરથી મંગળે ભાષણ કર્યું હતું.’ સમીરે પ્રાર્થનામંદિર પાસેનું ઝાડ બતાવીને કહ્યું.
‘તને ઝાડ પર ચડતા આવડે છે ?’ સમીરે મંગળના પુત્રને પૂછ્યું. છોકરાએ શરમાઈને ના પાડી. તે તેના કલાસ તરફ દોડ્યો. મંગળની પુત્રી ચિંતાતુર ઊભી હતી.
‘અંકલ, પપ્પાને સારું તો થઈ જશે ને ? મને બહુ ચિંતા થાય છે !’
‘હા, હા, ચોક્કસ સારું થઈ જશે. તું બિલકુલ ચિંતા ના કર. શાંતિથી પરીક્ષા આપજે.’ સમીરે કહ્યું. એટલામાં શાળાનો બેલ પડ્યો. બાળકોનું ટોળું શાળાના મકાન તરફ દોડ્યું. થોડી વારમાં મેદાન ખાલી થઈ ગયું.

‘જાણે આપણે કાલે જ સ્કૂલમાંથી ભણીને નીકળ્યા હોઈએ તેવું લાગે છે.’ સમીર બોલ્યો.
‘હા, મને પણ બેલ પડ્યો ત્યારે દોડીને કલાસમાં જવાની ઈચ્છા થઈ ગઈ !’
સમીરની નજર ઘડિયાળ તરફ ગઈ. ‘ચાલ, આપણે મોડું થશે.’ અમે ઝડપથી નીકળ્યા. સમીરે કાર ચાલુ કરી.
‘મંગળના ઑપરેશનમાં કેટલો ખર્ચ થશે ?’ સમીરે પૂછ્યું.
‘લગભગ પચાસ હજારનો અંદાજ છે.’
‘એની પાસે સગવડ છે ?’
‘એની પાસે દસેક હજાર છે. હું અને પ્રેમલ દસ હજાર આપીશું. પ્રેમલનો આગ્રહ અહીં જ ઑપરેશન કરાવવાનો છે.’ મેં જવાબ આપ્યો.
‘મેડિકલ ટ્રીટમેન્ટ આજકાલ બહુ મોંઘી થઈ ગઈ છે. અહીં પણ અમેરિકા જેવું થવા માંડ્યું છે. બધાએ મેડિકલ વીમો લેવો જ પડે એવું થઈ ગયું છે.’ સમીરે કહ્યું.
‘એનું પ્રીમિયમ પણ વધારે હોય છે. સામાન્ય માણસને પોસાય પણ નહીં.’ મેં કહ્યું. સમીરે એની કાર એક બેન્ક પાસે ઊભી રાખી.
‘તું બેસ, હું આવું છું.’ કહીને એ ઝડપથી બેન્કમાં ગયો. ઝડપથી પાછો આવીને કારમાં બેઠો. કાર હૉસ્પિટલ તરફ લીધી.
‘અહીં એ.ટી.એમ. કાઉન્ટરમાંથી ચાળીસ હજાર ઉપાડી લીધા છે. મંગળને કામ આવશે.’ એ બોલ્યો.

અમે હૉસ્પિટલ પહોંચ્યા. પ્રેમલ નીચે જ મળ્યો. અમે પ્રેમલ તરફ ગયા.
‘ડૉક્ટરસાહેબ આવી ગયા. ઑપરેશન આજે સાંજે કરશે. હું દવાઓ લખી આપી છે તે લઈ આવું.’ પ્રેમલ બોલ્યો.
‘લે દોસ્ત, આ ચાળીસ હજાર રાખ.’ સમીર પાકીટમાંથી પૈસા કાઢતાં બોલ્યો, ‘અમારે ઉતાવળ છે. સાંજે મળીએ. વધારે જરૂર પડે તો કહેજે.’ સમીરે કાર તરફ પગ ઉપાડ્યા.
‘હું હમણાં પાછો આવું છું.’ મેં કહ્યું.
‘હું પણ.’ સમીરે કહ્યું. પ્રેમલ વિસ્ફારિત આંખોથી અમારી સામે જોઈ રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડાયાબિટીસ ઈઝ ગુડ ફૉર યૂ… – વિનોદ ભટ્ટ
તુફાન રફાઈ – રસિકભાઈ ચંદારાણા Next »   

18 પ્રતિભાવો : અનુસંધાન – ગૌરાંગ શાહ

 1. rutvi says:

  ખુબ જ સરસ વાર્તા ,
  ભલે સમીરની પાસે સમય ન હતો પણ જો તેને પોતાની યાદો તાજી થઇ જાય તો પોતાની જાતે જ કહ્યા વગર મદદ કરી લે ,

  વાતાવરણ પણ આમા ભાગ ભજવે છે ,

 2. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા.

  આજનો માણસ priority-driven થઈ ગયો છે તે સાચુ, પરંતુ તેમા પણ તેણે સમીરની જેમ સમય સાચવી લેવો જોઈએ.

  વાર્તા વાંચતા વાંચતા મારા પણ શાળા સમયના દિવસો તાજા થઈ ગયા.

  નયન

 3. Jignesh Mistry says:

  It sounds like a real story. The school description is exactly matching to C.N. Vidhyavihar.

 4. Megha Kinkhabwala says:

  Nice story, yes school description exactly matches to CN Vidhyalaya. I am tempted to ask author Mr Gaurangbhai, were you also studying in CN?

 5. pragnaju says:

  ખુબ મઝાની વાર્તા

 6. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા.

 7. nims says:

  nice story

  just like our VLN high School, Chinchpokli.
  I remember my friend Hitesh Gosalia.

 8. Dhaval B. Shah says:

  Nice story.

 9. Paresh says:

  મિત્રતા જેવું બંધન એકે ય નહી. સરસ વાર્તા. આભાર ગૌરાંગભાઈ, મિત્રોની યાદ અપાવી દીધી

 10. nirlep says:

  એવો કોઇ દિલદાર જગતમા નજર આવે,
  આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે….

  સરસ વાત……

 11. કેયુર says:

  આ વાર્તા A Friend in Need a Friend indeed ની યાદ અપાવી ગઇ.
  સર વાર્તા.

  કેયુર્

 12. Pravin V. Patel says:

  જકડી રાખતી સુંદર વાર્તા, વાસ્તવિકતા ભારોભાર ભરેલી છે. સમીરનું મન અકળ છે.
  ભયંકર આર્થિક ભીંસમાં હોવા છતાં એણે ચાળીસ હજાર આપીને સહુને અચંબામાં નાખી દીધા. આવા મિત્રો જૂજજ મળે.
  ગૌરાંગભાઈ હાર્દિક અભિનંદન.
  સુંદર કૃતિઓ પ્રદાન કરતા રહો.
  પ્રવીણ વિ. પટેલ

 13. shvetang trivedi says:

  Every thing indicated in the story (may be a real stroy) leads to C.N.Vidyalaya. Recently I had visited C.N.Vidyalaya during one programme of Bal Vidyalaya, where principal “Smita madam” told all children and parents that “Ame ahiya balako ne fakta bhanavta nathi pan balak moto thai ne ek sari vyakti bane teno payo taiyar karie chie.”

  Friends : this is C.N. Vidyalaya.

 14. ભાવના શુક્લ says:

  બહુ સરસ…..
  દિલથી મદદ કરનારા ક્યારેય મોટા દાવાઓ નથી કરતા કે પત્થરની તકતીઓ નથી કોતરાવતા..
  કરવાનુ છે અને બસ કરી જાણે છે.
  ધન્ય આવી મિત્રતાને..માગ્યા વગરતો મા પણ ના પિરસે ના આ જમાનામા આવી ઉમદા મૈત્રી!

 15. Gira says:

  really touching story.. friendship hovi to aavi friendship… jema tamey kai vicharya vagar javabdari nahi pan friendship nibhavo cho… i love this story… thank you gaurang bhai…

 16. Sarika Patel says:

  Really nice story. ek mitra pratey ni javabdari samirbhai ae khub sari rite
  nibhavi. Thank you gaurang bhai

 17. I think an important moral of the story is ‘not to judge people too early’.. Give them at least one more chance.. Nice story!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.