પારિવારીક સંબંધો – સંકલિત

[1] બસ, થોડો સમય આપો ! – અનુ. ગોવિંદ પી. શાહ

[રીડગુજરાતીને આ સુંદર અનુવાદિત કૃતિ મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભવિદ્યાનગર, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

જેકે ઘણા સમયથી તેના જૂના પાડોશી નિવૃત્ત અંકલને જોયેલ નહીં. જેક કેરિયર અને ગ્લેમરની દુનિયામાં એટલો બધો ખોવાઈ ગયેલો કે તેને કુટુંબ, મિત્રો, સંબંધીઓ માટે કોઈ સમય નહોતો. તે સતત પ્રવાસમાં રહેતો અને રેસના ઘોડાની માફક દોડતો રહેતો. તેને જિંદગીમાં ઝડપથી આગળ વધવું હતું.

એક દિવસ વતનમાંથી તેની મમ્મીનો ફોન આવ્યો : ‘બેટા ! શ્રીમાન બેલ્સન ગઈકાલે રાત્રે ગુજરી ગયેલ છે અને બુધવારે તેમની સ્મશાનયાત્રા છે.’ એક ક્ષણ માટે જેકના મનમાં ઝબકારો થયો. તેને તેના બાળપણના દિવસો યાદ આવી ગયા અને તે ફોન ઉપર સ્તબ્ધ થઈ ગયો.
માએ પૂછ્યું : ‘જેક ! તું મને સાંભળે છે ?
‘સોરી, મમ્મી ! હું તને સાંભળું છું પરંતુ મને એમ હતું કે બેલ્સન અંકલ ઘણા સમય પહેલાં ગુજરી ગયેલ હશે.’ જેકે કહ્યું.
‘ના એવું નથી. જ્યારે જ્યારે હું તેમને મળતી ત્યારે અચૂક તારી ખબર-અંતર પૂછતા અને તારી વાતો યાદ કરીને ઘણા ગદગદીત થઈ જતા.’
‘મમ્મી, મને આપણું જૂનું ઘર ખૂબ યાદ આવે છે.’
‘જેક, તને ખબર છે જ્યારે તારા પિતા ગુજરી ગયા હતા ત્યારે આ જ શ્રી બેલ્સને આપણને ખૂબ મદદ કરેલી. તેમણે તારું ખૂબ ધ્યાન રાખેલું અને તારા જીવન ઘડતરમાં તેમનો ખૂબ ફાળો છે.’
‘હા, મને બરાબર યાદ છે. તેમણે મને જીવનમાં ઘણી અગત્યની બાબતો શીખવી છે. અને આજે હું જે છું તે તેમને આભારી છું. હું ચોક્કસ તેમના ઘરે – તેમની સ્મશાનયાત્રામાં જઈશ અને અંતરથી તેમના આત્માને દિલસોજી પાઠવીશ.’

જેક ખૂબ વ્યસત હોવા છતાં ગમે તેમ સમય કાઢી તુરંત વતનની ફલાઈટ પકડી બેલ્સનને ઘરે સમયસર પહોંચી ગયો. બેલ્સનના પરિવારમાં કે ઘરમાં હવે કોઈ નહોતું. બધી વિધિ પતાવી રાત્રે જેક પરત ફરવા માગતો હતો. દરમ્યાન જેક અને તેની મમ્મી પાડોશના જૂના મકાનમાં બેલ્સનની યાદ વાગોળવા ગયા. બારણામાં દાખલ થતાં જ જેકને સમગ્ર ભૂતકાળ યાદ આવી ગયો. તેણે જોયેલ બધી જ વસ્તુઓ – ફોટા, ટેબલ, ખુરશી, પિયાનો – બધું એમ જ અકબંધ હતું. પરંતુ એક જગ્યાએ તે અટકી ગયો.
મા એ પૂછ્યું : ‘જેક ! કેમ ઊભો રહી ગયો ? શું છે ?
‘મમ્મી, પેલું જૂનું નાનું બોક્સ જે આ ટેબલ ઉપર કાયમ હતું તે અહીં નથી. મેં તેમને ઘણી વાર પૂછેલું કે આ નાના બોક્સમાં શું છે ? પરંતુ તે એક જ વાક્યમાં જવાબ આપતાં કે તેમાં મારી જિંદગીની ખૂબ જ મુલ્યવાન ચીજ છે.’ જેક મનોમન વિચારે છે કે તે બોક્સમાં શું મુલ્યવાન હતું તેની હવે ક્યારેય પણ ખબર નહીં પડે. તેણે વધુ વિચારવાનું માંડી વાળ્યું. તે ઉજાગરાથી થાકી ગયેલ હતો અને વળતી ફલાઈટમાં તેણે પાછા ફરવાની તૈયારી કરવાની હતી.

શ્રીમાન બેલ્સનને ગુજરી ગયે લગભગ બે અઠવાડિયા થઈ ગયેલ હશે. એક દિવસ ઘરે પાછા ફરતાં જેકે તેના ઘરના દરવાજાના પોસ્ટબોક્સ ઉપર પોસ્ટમેનનો સંદેશો વાંચ્યો કે ‘તમારું પાર્સલ આવેલ છે તે પોસ્ટઑફિસમાંથી લઈ જવું.’ બીજે દિવસે જેક પોસ્ટઑફિસમાંથી પાર્સલ લઈ આવ્યો. તેમાં મોકલનારનું નામ ‘શ્રીમાન બેલ્સન’ વાંચીને તેને ખૂબ આશ્ચર્ય થયું. પાર્સલ ખોલતાં તેમાં એક સોનેરી નાનું બોક્સ અને પત્ર હતો. તેમાં લખેલું કે મારા મૃત્યુ પછી આ બોક્સ જેક બેનેટને મોકલી આપજો. પત્રની સાથે એક નાની ચાવી પણ હતી જેથી બોક્સ ખોલી શકાય. જેકે બોક્સ ખોલીને જોયું તો તેમાં એક નાની સોનરી ઘડિયાળ હતી. તેની સાથે લખાણ હતું – ‘જેક ! તેં સમય કાઢ્યો માટે તારો ખૂબ ખૂબ આભાર. તારો સમય જ મારે માટે મુલ્યવાન છે. સમયથી બીજું કંઈ મુલ્યવાન નથી.’

જેક થોડી ક્ષણો આ ઘડિયાળ તરફ જોઈ રહ્યો અને શૂન્યમનસ્ક થઈ ગયો. પછી ઑફિસમાં ફોન કરી તેણે બધી એપોઈન્ટમેન્ટ રદ કરાવી દીધી. તેના સહાયકો મુંઝાઈ ગયા કે જેકને એકદમ શું થઈ ગયું ? તેમણે જેકને પૂછી નાખ્યું : ‘આમ શા માટે ?’
જેકે જવાબ આપ્યો : ‘મારે ફક્ત થોડો સમય જોઈએ છે. મારે મારા બાળકો સાથે રહેવું છે.’

જીવનમાં કેટલા શ્વાસો લઈએ છીએ તે મહત્વનું નથી. કેટલા ઉષ્માભર્યા શ્વાસો બીજા માટે કાઢીએ છીએ તે પણ અગત્યનું છે. સમય મૂલ્યવાન છે. વ્યસ્ત જીવનમાં તમારા પોતાનાઓ માટે પણ થોડો સમય કાઢો નહીં તો જિંદગી જતી રહેશે, ખબર પણ નહીં પડે !

(એક સુંદર ઈ-મેઈલનો ભાવાનુવાદ)
.

[2] પરિવાર : એક સામાજીક જરૂરિયાત – અનુ. અરુણા પરમાર

[રીડગુજરાતીને આ સુંદર અનુવાદિત કૃતિ મોકલવા માટે અરુણાબેનનો (ઈસરો – Indian Space Research Organization , અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aruna@sac.isro.gov.in સંપર્ક કરી શકો છો.]

એવું કહેવાય છે કે સો પુરુષો એક મકાન બંધાવી શકે, પરંતુ એ મકાનને ઘર તો એક સ્ત્રી જ બનાવી શકે. માણસ જેની શોધ કરવા સારું સમસ્ત દુનિયાની રઝળપાટ કરે છે પરંતુ છેવટે તો તે એના ઘરમાં જ તેને સાંપડે છે. એક સમજુ તથા સભ્ય પરિવાર મકાનને ઘર બનાવે છે. પરિવાર એ કુદરત તરફથી માનવજાતને મળેલી એક અણમોલ દેન છે. પરિવારનું સર્જન એ સામાજીક ક્ષેત્રે એક મહત્વનું પ્રદાન છે. પરિવારને કોઈ પણ સંસ્કૃતિની ધરી કે હૃદય માનવામાં આવે છે. સુસંસ્કૃત અને પ્રેમાળ પરિવાર એ સુખનો સ્ત્રોત છે. કુટુંબ આપણને ભૂતકાળ સાથે જોડી રાખે છે તથા ભવિષ્ય તરફ ડગ માંડવા માટે દિશાસૂચન કરે છે. કોઈપણ કુટુંબમાં સત્યમ, શિવમ અને સુંદરમ એટલે કે પરિવારજનો વચ્ચેના સંવાદમાં સત્યનું સાતત્ય તથા વ્યવહારમાં પારદર્શકતા, અન્યોન્યનું જતન કરવાની ભાવના અને સોનેરી ભવિષ્યના નિર્માણ માટેના પ્રયત્નો હોય તો આ બાબતો એક સમૃદ્ધ પરિવારનો પાયો નાખી આપે છે.

પરિવારજનોની કેળવણી માટે, સૌ પ્રથમ આપણે આપણો અંગત વિકાસ સાધવો જોઈએ. સારી આદતો કેળવવી એ પરિબળ પણ એટલું જ અગત્યનું છે. અસ્વીકાર્ય કે અણગમતા હોવા છતાં ય, ઘણીવાર આપણે માતાપિતાના નિર્ણયોને શિરોધાર્ય કરવા પડે છે. આવી પરિસ્થિતિઓમાં, સંતાનોને માબાપ પ્રત્યે એક પ્રકારનો અણગમો કે ક્યારેક ધિક્કારની ભાવના પણ જન્મ લેતી જોવા મળે છે. આવી બાબતોને આપણે ઊગતાં જ ડામી દેવી જોઈએ. આપણા જીવનમાં જ્યારે આપણા પોતાના સંતાનોનો પ્રવેશ થાય છે ત્યારે જ આપણે આપણા માતાપિતાના એ વખતના નિર્ણયોને સમજી શકીએ છીએ. માવતર કોણ કે કેવા હોવા જોઈએ – એ નિર્ણય આપણા અધિકારક્ષેત્રની બહારનો છે. ઊપરવાળાએ એ નિર્ણય આપણા માટે અગાઉથી જ લઈ લીધો હોય છે. એટલે જ માતાપિતાના અવાજને પ્રભુનો જ પૈગામ માનવો જોઈએ.

ઘર-પરિવાર એક એવું સ્થળ છે જ્યાં બાળક સૌ પ્રથમ પોતાની ઈચ્છાઓને વ્યક્ત કરવાની સાથે સાથે અમુક ઈચ્છાઓને કેવી રીતે સીમિત કરવી તે પણ શીખે છે. તે ઉપરાંત તે બીજી ઘણી બાબતનું શિક્ષણ આ સંસ્થામાંથી મેળવે છે. જેમ કે – વડીલોએ નક્કી કરેલા ધારાધોરણોનો અમલ કરવો, અન્યોન્યના હક્ક અને જરૂરિયાતોને અગ્રક્રમ કે માન આપીને સ્વીકાર્ય ગણવા, વગેરે. આવી બધી વાતો શીખવાનો પાઠ્યક્રમ દુનિયાની કોઈ પણ પાઠશાળાઓમાં હોતો નથી.

અંગત મતમતાંતરોને માન આપવું, ભૂલોને સાહજીકતાથી લેવી, ચર્ચા કે સંવાદને રોજબરોજના કાર્યક્રમોમાં સ્થાન આપવું તથા પરિવારના નિર્ણયોનો અમલ કરવો – આ સઘળી બાબતો એક સમતોલ તથા સરસ પરિવારના ઉછેર માટે ઘણી જ જરૂરી છે. ઘરના સભ્યો સાથે ગુજારેલી ક્ષણો જીવનની સુંદરતમ ક્ષણો છે. પરિવારનું સુખ એ જીવનનું મોટામાં મોટું સુખ છે. પરિવારજનોમાં આપણને આપણા ભૂતકાળ, વર્તમાન તથા ભવિષ્યનું દર્શન થાય છે. લોહીના બંધન કરતાં ય એકબીજા પ્રત્યેનું માન અને સુખદુ:ખની પળોની વહેંચણી પરિવારના સભ્યોને એકબીજા સાથે જોડી રાખવામાં મહત્વનું પરિબળ સાબિત થાય છે. વિપત્તિની પળોમાં ઘરના લોકોનો સઘિયારો ઘણી રાહત મેળવી આપે છે. કસોટીના સમયમાં પરિવારનો સાથ બહુ જ જરૂરી બની જાય છે. વડીલો કે આપણી ઉપર અવલંબિત સભ્યોની જરૂરિયાતોને વણમાંગ્યે સંતોષવી એ પરિવારજનોનો પ્રેમ પામવાની એક પારાશીશી છે.

સામાજિક વિકાસમાં ભલે તમારું પ્રદાન નોંધપાત્ર ગણવામાં આવતું હોય, પરંતુ જો તમે તમારા આધારિત પરિવારજનોને સ્નેહ અને જતનથી વંચિત રાખ્યા હશે તો, સામાજીક ક્ષેત્ર પ્રત્યેનો તમારો ફાળો નગણ્ય બની જાય છે. પરિવારના ભોગે મેળવેલી સફળતા અલ્પજીવી હોય છે. આર્થિક રીતે કંગાળ માણસ પણ જો સારો પરિવાર ધરાવતો હશે તો તે શ્રીમંતો કરતાં પણ વધુ સંપન્ન ગણાય છે. આ નઠારી દુનિયામાં સુખી પરિવાર સ્વર્ગ સમાન છે. એક વહાલભરી હૂંફ અને જરૂરિયાતોના પર્યાયની શોધ પરિવારજનોમાં જ પૂરી થાય છે.

માનવજીવનના અસ્તિત્વ માટે પરિવાર એક આવશ્યક અંગ છે. પરિવાર એ સ્નેહના પાયા પર રચાયેલી ફરજો નિભાવવાનું શીખવતી એક શાળા છે. મારા પરિવારની શરૂઆત મારાથી જ થાય છે કે એનો અંત મારી સાથે જ આવે છે – આ બંને વિધાન એક જ અર્થ પ્રેરિત કરે છે.

(એક સુંદર ઈ-મેઈલનો ભાવાનુવાદ)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભારતીય સંસ્કૃતિ – વિનોબા ભાવે
સવાયો દીકરો – ડૉ. ભૂપેન્દ્ર રાવલ Next »   

14 પ્રતિભાવો : પારિવારીક સંબંધો – સંકલિત

 1. Trupti Trivedi says:

  Abosoultely Right. This value everyone should cultivate and nurture.

 2. nayan panchal says:

  બંને લેખો ખૂબ જ સરસ.

  જ્યારે બાળકો નાના હોય છે ત્યારે સમય નથી હોતો. જ્યારે સમય હોય છે ત્યારે બાળકોનું બાળપણ નથી હોતુ.

  એકવાર એક બાળક પિતાને પૂછે છે, તમને એક કલાકના કેટલા રૂપિયા મળે છે. પછી તે પિતાને પોતે બચાવેલા રૂપિયા આપીને કહે છે કે મને તમારો એક કલાક આપો.

  જીવનમાં આવી ક્ષણો ન આવે તેવી જ અ પ્રભુ પ્રાર્થના. માણસ જ્યારે મરવાની અણી પર હોય છે ત્યારે તે એ નથી વિચારતો કે તેણે કેટલા પ્રોજેક્ટ પૂરા કર્યા.

  નયન

 3. Sarika Patel says:

  It is really nice articles.

 4. ArpitaShyamal says:

  very nice article….બંને લેખો ખૂબ જ સરસ …..આવ લેખો થી જીવન મા ઘણુ શીખવા મળે છે.

 5. pragnaju says:

  માનવજીવનના અસ્તિત્વ માટે પરિવાર એક આવશ્યક અંગ છે. પરિવાર એ સ્નેહના પાયા પર રચાયેલી ફરજો નિભાવવાનું શીખવતી એક શાળા છે
  અમે બેવતનની આ વાત ઘણા સ્વીકારે છે-અપનાવવા પ્રયત્ન કરે છે
  બન્ને લેખો અતિસુંદર્

 6. Pravin V. Patel says:

  પારિવારીક હૂંફની આબાલ વૃધ્ધ સહુને એક સરખી ઝંખના હોય છે.
  દુનિયાના કોઈપણ ખૂણે જાવ છત્રછાયા અને લાગણીની તરસ આંખોમાં ડોકાય છે.
  રીતરિવાજ જુદા હોઈ શકે, હૃદયના ધબકારા એકસરખા હોય છે.
  ગોવિંદભાઈ અને અરુણાબેન આપ બંન્નેને અભિનંદન.
  આપનો આભાર સુંદર પ્રસ્તુતિ બદલ.

 7. ભાવના શુક્લ says:

  એક હુફાળો પરિવાર એ જીવનની મહત્વની મોટા મા મોટી સફળતા છે. અર્થ ના સામાન્ય અર્થ થી તેનો અર્થ ક્યારેય ન અનુભવી શકાય. પારીવારીક ઉષ્મા એ એવી અનુભુતી છે કે તે જીવનને પરિપુર્ણતા બક્ષે છે.

 8. vijay parmar says:

  hi frnd’s, & aruna parmar and govind p shah

  it’s beautifull…….but i m realy very sory dear

  presently no any word and sentence available in my dictionary….

  but carry on……and pround of u….

  thanx..

  buy…

  viju…….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.