- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સવાયો દીકરો – ડૉ. ભૂપેન્દ્ર રાવલ

[‘અખંદ આનંદ’ સામાયિકમાંથી પ્રસ્તુત સત્યઘટના સાભાર.]

આજે રક્ષાબંધનનો દિવસ છે. હું કલ્પનાની રાહ જોઈ બેઠો છું. કલ્પના મારાથી નાની, મારી માનેલ બહેન છે. જ્યારથી અમારા ભાઈ-બહેનના સંબંધો બંધાયા ત્યારથી રક્ષાબંધનના દિવસે એ અચૂક આવે જ. તેની લેડીઝ પર્સમાં ત્રણ નાની નાની પડીકીઓ હોય. એકમાં કંકુ હોય, બીજામાં ચપટી ચોખા, ત્રીજીમાં સાકર અને પર્સમાં એક રાખડી હોય.

એ આવીને સીધી રસોડામાં જાય, એક નાનકડી થાળી ઉઠાવે, તેમાં એક તરફ કંકુની ઢગલી કરે, બીજી તરફ ચોખાની અને ત્રીજી તરફ સાકરની ઢગલી કરે, થાળી વચ્ચે રાખડી મૂકે. પછી પાણીમાં આંગળીઓ બોળી કંકુ ઉપર થોડું રેડી કંકુ ઘૂંટી બેઠક રૂમમાં આવે. મારા કપાળે કંકુનો ચાંદલો કરી ચોખા ચોડે પછી રાખડી ઉપાડી મારા જમણા કાંડે બાંધી, થાળીમાં ખડી સાકરની કરેલ ઢગલીમાંથી મારા મોઢામાં સાકર મૂકી, નમીને આશીર્વાદ માગે. હું તેના માથા પર હાથ મૂકી મનથી આશીર્વાદ દઈ તેના ભાલને મોટાભાઈ તરીકે લાગણીપૂર્વક ચૂમી લઉં; ત્યારે તેની આંખોમાં આંસુની લકીર ઝળકી ઊઠે. ‘ભાઈ !’ એટલું બોલી તેનું માથું મારા ખભા પર ઢાળી દે. હું તેના માથા પર થોડી ક્ષણો વહાલપૂર્વક મારો હાથ પસવારતો રહું.

કલ્પના ભલે સગી બહેન નથી પરંતુ તોયે કલ્પના મને સગી બહેન કરતાંયે વહાલી છે; અને એ વહાલનું કારણ આપને આગળ સમજાશે; પરંતુ દર વર્ષે રક્ષાબંધનને દિવસે આ કલ્પનાનું રૂટિન. યુવાવસ્થા ને કૌમાર્યાવસ્થા પાર કરી રહેલ કલ્પનાબહેન – થોડાં વર્ષો પહેલાં જ્યારે હું ટ્રાયબલ એરિયાની એક એન.જી.ઓ. સંસ્થાના ટ્રસ્ટ સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) માં સેવા આપતો હતો ત્યારે અમારા આરોગ્ય કેન્દ્રમાં સંસ્થાએ બી.એ. સુધી ભણેલ કલ્પનાબહેનને કલેરીકલ વર્ક માટે રાખેલાં. એ સમયે તેની ઉંમર તેત્રીશ વર્ષની હતી – છતાં કલ્પનાબહેન કુંવારા હતાં. અમારી સંસ્થામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત કૃષિ-વિકાસ, વૉટર શેડ, એકથી સાત ધોરણની આશ્રમ શાળા, બાર ધોરણ સુધી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ તથા બી.આર.એસ. કૉલેજ જેવા અન્ય પ્રોજેક્ટ પણ હતા.

નીચા બાંધાની, તેત્રીશ વર્ષની સુગઠિત કુમારી કાયા ધરાવતી કલ્પના અંગે સંસ્થામાં છાની છાની ચર્ચાઓ થવા લાગી – વિષય હતો, કલ્પનાબહેનનું કુંવારાપણું. થોડા ટાઈમમાં કલ્પનાબહેનના ચારિત્ર્ય અંગેની ‘કલ્પના’ સૌ પોતપોતાની રીતે ઘડવા લાગ્યા. અમારા સ્ટાફમાં પણ કલ્પનાબહેન અંગે અવનવી ધારણાઓ – ‘કલ્પનાબહેનના ચારિત્ર્ય’ અંગે ગુસપુસ થવા લાગી. કલ્પનાબહેન અપ-ડાઉન કરતાં. હું સંસ્થામાં સ્થાનિક હતો. મારું રહેવા-જમવાનું સંસ્થા તરફી હતું; પરંતુ કલ્પનાબહેન ક્યારેય સંસ્થામાં જમતાં નહીં. તેમણે કૅન્ટીનનો ભોજન-ચાર્જ ચૂકવવો પડે. સવારે નવ વાગે આવી સાંજે પાંચ પછી પાછાં નીકળતાં. હું ક્યારેક જમવા અંગે પૂછતો તો એ કહેતાં, ‘હું તો હંમેશ એક ટાઈમ સાંજે ઘેર જઈ જમું છું.’

એક દિવસ ઓ.પી.ડી. પછી બપોરે જમીને હું મારી ઑફિસમાં મારા ટેબલ પર આવ્યો. મેં તેમને બોલાવ્યાં. અમે બેસીને પરસ્પર ખૂબ અંગત વાતો કરી. મેં તેને બહુ જ સ્પષ્ટ-નિખાલસતાપૂર્વક તેના અંગે સંસ્થામાં થતી ચર્ચાઓ બારામાં પ્રશ્નો પૂછ્યા.
‘તેત્રીશ વર્ષની કુંવારી યુવતી તરીકે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં અંદરોઅંદર આવી જ ચર્ચાઓ થાય છે – થાય જ ! મારે કાને પણ આવે !’ તેમણે કહ્યું હતું; ‘પણ મને સમજવાની કોઈએ કોશિશ નથી કરી. મારી તેત્રીશ વર્ષની ઉંમર અને કુંવારાપણાની વાત જાણી, સાંભળી, દરેક મને નોકરી પર રાખી લ્યે છે પરંતુ પછી સૌ મારો શારીરિક લાભ ઉઠાવવાના પ્રયત્નમાં લાગી જાય છે અને છેવટે મારે નોકરી છોડવી પડે છે. તમે આજે નિખાલસતાપૂર્વક ચર્ચાતા મારા ચારિત્ર્ય અંગે પ્રશ્નો કર્યા. મારી ઉંમર અને ‘કુંવારી’ સાંભળતાં જ દરેકની દષ્ટિમાં લોલુપતા આવી જાય છે. આજે ભલે તમે મને કોઈ કુંવારી યુવતી જવાબ ન આપી શકે કે ગુસ્સે થઈ જાય તેવા પ્રશ્નો કર્યા પરંતુ તમારી આંખોમાં તમારા સંવેદનશીલ હૈયાની પારદર્શકતા દેખાય છે. તેમાં લોલુપતા નથી, મને ભોળવવાનો પ્રયત્ન નથી, છે માત્ર મને સમજવાની નિર્દોષતા – તો સાંભળો….’

કલ્પનાબહેને આગળ વાત ચલાવી : ‘અમારા મધ્યમવર્ગી પરિવારમાં પ્રૌઢ માતા-પિતા, એક ભાઈ અને હું – એક બહેન હતાં. હું બી.એ. સુધી ભણી; પણ મારો લગ્નકાળ ગણાય તેવી મારી ઉંમરે ભાઈ અચાનક ગાયબ થઈ ગયો. એ સ્વેચ્છાએ ભાગી ગયો, કોઈ કિડનેપ કરી ગયું, તેનું ખૂન થઈ ગયું કે આપઘાત કર્યો, કંઈ જ જાણી ન શકાયું. તેની તપાસ કરવામાં મેં અને પિતાજીએ ખૂબ દોડધામ કરી – માનતાઓ કરી – તેમાં મારાં લગ્ન માટે જે કંઈ બચત હતી તે ખર્ચાઈ ગઈ. છેવટ પરિણામ શૂન્ય આવ્યું. પિતાજી આઘાતથી ભાંગી પડ્યા. આ વાતને વર્ષો થઈ ગયાં છે. છતાં હજી તેનો પત્તો પોલીસ પણ મેળવી શકી નથી. આઘાતે ભાંગી પડેલ પ્રૌઢ પિતાને અકાળે વૃદ્ધત્વે ઘેરી લીધા. ભાંગી પડેલ પિતા-માતાની જવાબદારી દીકરો બનીને મેં ઉપાડી લીધી. ભાઈ પાછો આવશેની આશામાં લગ્નકાળ વીતતો ચાલ્યો. કહેવાય છે ને કે ‘પડે છે ત્યારે ચારે તરફથી પડે છે.’ તેમ થોડાં વર્ષ પછી ભાંગી પડેલા વૃદ્ધ પિતાને પક્ષાઘાતનો હુમલો થયો. આજે માતા-પિતા બંનેની જવાબદારી કુંવારી રહી હું નિભાવી રહી છું. આજે ભાઈ હોત તો….’ કહી ટેબલ પર માથું ઢાળી એ સિસકી ઊઠી.

હૈયું હળવું થવા દેવા ખાસો સમય રડવા દઈ ટેબલ પર ઢાળેલ માથે સિસકતી કલ્પનાને માથે હાથ ફેરવી મેં કહ્યું : ‘બહેન, આજની સ્ત્રીઓ ગર્ભમાંના ભૃણનું જાતિ-પરીક્ષણ કરાવી દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે પણ તેમને ભાન નથી કે ગર્ભમાં તારા જેવી દીકરીઓ પણ હોય છે ! એ ભૃણહત્યાથી તેઓ દીકરી નહીં, પણ તારા જેવા ‘સવાયા દીકરા’ ગુમાવે છે, આજથી તારો ભાઈ હું છું.’ મેં કહ્યું હતું.
એ સાંભળી સિસકતી કલ્પના ભાવવિભોર થઈ ગઈ : ‘ભાઈ….’ એટલું જ બોલી શકી હતી.
‘હા બહેન !’ મેં પ્રતિભાવ આપ્યો હતો. બસ ત્યારથી દર રક્ષાબંધને કલ્પના અચૂક આવે, મારા કપાળે કંકુનો ચાંદલો કરે, તેના પર ચોખા ચોડે. રાખડી બાંધી સાકરની કણીઓ મારા મોઢામાં મૂકે અને અમે બહેન-ભાઈ લાગણીમાં ડૂમાઈ જઈએ.

….બસ ! ગેટ ખખડ્યો, મારી બહેન કલ્પના આવી…. !