તું પીજે વળી પાજે…. – અરુણા જાડેજા
[રીડગુજરાતીને આ સુંદર લેખ મોકલવા માટે અરુણાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26449691 પર સંપર્ક કરી શકો છો.]
મીરાંબાઈએ હસતે મોઢે જે ઝેર પીધાં એનાં તો અમૃત થઈ ગયાં પણ આજકાલ હસતાંહસતાં ઝેર પીવાય છે એ ઝેર તો શરીરના અણુએઅણુમાં ફેલાઈ જાય છે પેલી વિષકન્યા જેવું. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય જેવા પંચકોષોનું બનેલું ક્યાં આપણું આ પવિત્ર શરીર અને ક્યાં આજનું આ વિષમય થતું જતું મલિન શરીર !
બજારમાં મળતાં અને ધૂમ પીવાતાં ઠંડાં પીણાં એ તો આજકાલનો ગરમાગરમ વિષય છે. છતાંયે આજની બાળ અને યુવાપેઢી આ અનિષ્ટ સામે આંખ આડા કાન કરીને આવી ઝેરીલી બાટલીઓ મોઢે માંડતી દેખાય છે. વળી પાછા ઉપરથી મીર માર્યો હોય એવો વટ મારતી ફરે ! એમણે મીર નથી માર્યો પણ શરીર માર્યું છે. નથી રે પીતાં અણજાણી, ઝેર તો પીએ જાણીજાણી. જાણી કરીને આજની પેઢી જે ઝડપથી એનો શિકાર થઈ રહી છે એ અત્યંત ચિંતાજનક અને ભયજનક બાબત છે; આ ભયને પારખવાની વેળા તો ક્યારનીયે આપણે માથે તોળાઈ રહી છે. બસ, હવે તો મોડા મોડા પણ ચેતી જવાની આ વેળા છે.
જેનાંથી જાજરૂ-ચોકડી સાફ થઈ જતાં હોય એવાં જલદ રસાયણોની હરોળમાં બેસનારાં, ભલભલા કાટને દૂર કરનારાં, કૅન્સર અને મગજના રોગોને નોતરનારાં, શરીર પર ચરબીના થર વધાર્યે જનારાં ને ઉપરથી શરીરને સાવ નિર્માલ્ય કરી મૂકનારાં, હાડકામાં છીંડાં પાડીને શરીરમાં પગપેસારો કરનારાં, શરીરમાંથી બીજું બધું જ નીકળી જાય – વખત આવ્યે કદાચ સોય પણ નીકળી જાય – પણ જીદે ભરાઈને તો શરીરમાં જ શોષાઈ જનારાં, આંતરડામાં દાહક ચાંદાની ગુંડાટોળકીનો અડ્ડો જમાવનારાં આ બધાં ઠંડાં પીણાં એક જાતના આતંકવાદી જ ને ! તોય આપણી પ્રજા આ આતંકને ગણકાર્યા વગર જ સામે ચાલીને પીડા વહોરી રહી છે. એને શું કહેવું ? નિર્વિર્યતા જ ને ! આ આતંકવાદીને નોતરવા કરતાં હવે તો એને નાથવા રહ્યા.
આઝાદી પામવા માટે જેમ આપણે વર્ષો પહેલાં વિદેશી કપડાંની હોળી કરી હતી તેમ હવે આ ઠંડા પીણાંની ગુલામીમાંથી મુક્ત થવા એની હોળી-ધૂળેટી કરીને નામશેષ બનાવી દઈએ અને એની જગ્યાએ આપણાં દેશી-કુદરતી પીણાંને બે હાથ ફેલાવીને આવકારીએ. જેને આવાં મોઘાં પીણાં પોસાય છે એને શું એ જ કિંમતનાં કે એનાથી સસ્તાં આપણાં દૂધ-શાકભાજી-ફળફળાદિ નહિ પોસાતાં હોય ? નીતરતી ચાંદનીભર્યાં કેવા વહાલાં દૂધ-દહીં-છાશ ! લીલાંછમ શાકભાજી અને લાલ-લીલાં-પીળાં-લીલાં-જાંબુડારંગી ફળફળાદિ. કુદરતની લખલૂટ બક્ષિસ આપણી સામે છૂટે હાથે વેરાયેલી પડી છે પણ આપણને એ બે હાથે લૂંટતાં આવડતી નથી. આપણે પેલી કૃત્રિમતાની પાછળ ઘસડાઈએ છીએ અને અંતે ફસડાઈએ છીએ.
આ કુદરતી પીણાં સાવ હાથવગાં, ઘરવગાં અને ખિસ્સાવગાં. આધુનિક મમ્મીઓને જરાયે તકલીફ ન આપે એવાં સહેલાંસટ અને લટકામાં આરોગ્યપ્રદ. આની સામે કોઈ મમ્મી જરૂર દલીલ કરી બેસે કે અમારાં છોકરાં આવાં દેશી પીણાં પીવા તૈયાર નથી. તો હું મારા અનુભવ પરથી કહું છું કે અમારી ચોથી પેઢીના પાંચ વર્ષના દડ-દોહિતરા (પડ-પોતરાની જેમ)થી માંડીને શાળા-કૉલેજોમાં જતી અમારી ત્રીજી પેઢીનાં બાળકોને હું એમને ભાવતી ઈટાલિયન કે મેક્સિકન વાનગીની સાથે વિવિધ ફળોના જ્યૂસ (રસ) બનાવીને ‘સર્વ’ કરું છું. કાચના પારદર્શક જગમાં શોભતા મોહક રંગબેરંગી જ્યૂસ જોઈને જ આ નવી પેઢી લલચાઈ જાય છે. આ છોકરાંઓ આ જ્યૂસના ગ્લાસ પર ગ્લાસ ગટગટાવી જાય છે અને પછી મારે કહેવું પડે કે બસ, હવે…..
[1] જેમ કે પાઈનેપલ એટલે અનનાસ. હવે તો આપણે ત્યાં ત્રણસો ને પાંસઠ દિવસ લારીઓ પર ઠેર ઠેર પાકાં અને પીળાં અનનાસ જોવા મળે છે. એનો સોનેરી પીળો રસ જ્યૂસ જોઈને કોને પીવાનું મન ન થાય ? વળી પાછો કૃમિનાશક અને પિત્તનાશક, તૃષાશામક અને પાચક. પથરીમાં ત્વરિત રાહતકારી. શરીરના સોજા ઉતારનારો આ જ્યૂસ એમાંના બ્રોમોલિન તત્વને લીધે પ્રોટિનને પચાવે અને અપચો પણ દૂર કરે છે.
[2] એવો જ આકર્ષક કાળી દ્રાક્ષનો ઘેરો જાંબુડિયો જ્યૂસ. શરીરનો કચરો બહાર કાઢે. એમાં પોટૅશિયમ તો ખાસ્સું. નાનાં બાળકોને દાંત આવે, ઝાડા થાય, અપચો થાય ત્યારે ઉપાયકારી. એ જ વર્ગની લીલી દ્રાક્ષનો લીલચટ્ટો રસ તો યૌવનકારી. પાચક-રેચક તો ખરો જ. ચામડીના રોગ પર અકસીર.
[3] દાડમનો લાલ-ગુલાબી રસ પણ પિત્તશામક. હૃદયરોગી માટે ઘણો ગુણકારી. નાનાં બાળકોને ઉધરસ-કમળો-તાવમાં રાહત આપનારો.
[4] સંતરાનો કેસરિયો રસ પીવાથી પાચનશક્તિ કેસરિયા કરવા તૈયાર થઈ જાય છે એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે. આથી જ તો રમતવીર માટે શક્તિ ને સ્ફૂર્તિ આપનારો. એમાં હિંગ-સિંધાલૂણ નાંખીને પીવાથી પેટનો દુખાવો-આફરો થાય તે ગાયબ. માતાનું દૂધ ન મળતું હોય ત્યારે કે અવારનવાર ઝાડા થતા હોય ત્યારે એ બાળકને સંતરાનો રસ ગાળીને પીવડાવવાથી એની પાચનશક્તિ સતેજ થાય છે.
[5] મોસંબીનો ઓછો પીળચટ્ટો રસ તો વિટામિન ‘સી’થી ભરપૂર. તેથી જ માંદગીમાં સાથ દેનારો. એમાંનું સાઈટ્રીક ઍસિડ મોટા આંતરડામાં રહેલા જંતુઓનો નાશ કરે છે અને હા, ઉત્તેજક અને સ્ફૂર્તિકારક તો ખરો જ.
[6] સફરજનનો ધોળી-ગુલાબી ઝાંયવાળો રસ શારીરિક અને માનસિક આરોગ્ય વધારનારો. એ તો ઊંઘની દવા. દરેક રસની જેમ એય પાચનકર્તા, નાનાં બાળકોના ઝાડા મટાડે. મોટાંનાયે પેટના રોગ મટાડે. જેમને બહુ મગજમારી (મગજના કામ) કરવાનાં હોય એમણે તો સફરજનનો રસ પીધે જ રાખવો. આ ઉપરાંત, આછેરું જાંબુડિયા રંગનું ફાલસાનું શરબત તો કંઈ ઓર જ ! વિટામિન ‘સી’ અને કેરોટિન હોવાથી એય પાચનકારી.
[7] નારિયેળ-પાણી નામ પરથી જ પાણીનો પર્યાય. ગમે તે ઋતુમાં મળે. કુદરતની કેવી મોટી અજાયબી ! ક્યાંયે કોઈ ભેળસેળ નહિ. ‘અનટચ્ડ બાય હૅન્ડ’ બહારનો કોઈ હસ્તક્ષેપ નહિ. કુદરત પાસેથી આપણને સીધેસીધો મળતો રસ. ક્ષાર, ખનિજ દ્રવ્યો, લોહ, વિટામિન-બી હોવાથી – ગરમીવાળાને કે ખૂબ થાકી જનારાની વહારે આવે છે આ રસ. એમાં શર્કરા હોવાથી લોહીમાં તરત જ ભળી જાય છે અને તુરત જ ઊર્જા પેદા કરે છે.
[8] તરબૂચનું તાજેતાજું લાલચટક શરબત શીતળતા આપે, આરામ આપે. પિત્ત શમાવે ને પેશાબ ચોખ્ખો લાવે. આમળાંનું આછેરું લીલું શરબત કે એનો રસ જોમદાયી, નવજીવનદાયી, આંખો માટે તેજદાયી. ભરપૂર વિટામિન-બી અને એટલે જ લોહતત્વ. એવું જ કઠણ કોઠું કાળજાને ઠંડક આપે અને તરસ છિપાવે. પાચક અને પૌષ્ટિક.
[9] શેરડીનો રસ તો ઔષધીય ગુણધર્મોવાળો, ઉત્સાહવર્ધક. આદુનો રસ, લીંબુ, મીઠું છાંટેલો ફીણ-ફીણવાળો રસ તો હરકોઈને તરોતાજા કરી દે. એમાં ખનિજ દ્રવ્યો હોવાથી પોષક છે. પુષ્કળ તાવમાં કે કમળામાં અતિ ઉત્તમ. હા, પણ બરફ વગરનો અને ચોખ્ખા કોલામાં પિલાયેલો હોવો જરૂરી છે.
[10] અમારા મહારાષ્ટ્રનું અમૃત પીણું કોકમ-શરબત. આથી એને અમૃત-કોકમ કહે છે. કોંકણ-ગોવા બાજુ જોવા મળતા કોકમનાં ઘાટાં-લાલચટ્ટાક ફળોના ટુકડા પર સાકર પાથરીને, એને ચોળીને એનો રસ કાઢવામાં આવે છે. ખાંડ વગરનાં કોકમ અર્કના બાટલા તૈયાર પણ મળે છે. પ્રમાણમાં ઘણા સસ્તા. ઘરે લાવીને સાકરની ચાસણીમાં એ અર્ક ઉમેરીને શરબત તૈયાર થાય. અર્ક પણ ન બગડે ને તૈયાર શરબત પણ નહિ. કોઈ ‘પ્રિઝર્વેટિવ’ વિના. એનોય રંગ તો અતિશય સુંદર. સ્કર્વી, ડાયરિયા, હરસ-મસા, ડાયાબિટીસ (સાકર વગર), હૃદયરોગ, પિત્ત, તજાગરમી, તાવતરિયા, કબજિયાતમાં પુષ્ક્ળ ફાયદાકારક. આપણાં ગરમ ગુજરાતમાં આ શીતળ ને સસ્તું પીણું ઘરે-ઘરે ‘ઈન્ટ્રોડ્યૂસ’ થવું જરૂરી છે. હું તો મહેમાનોને પાશ્ચાત્ય વાનગી સાથે ફળના એકાદા રસમાં કોકમનું શરબત ભેળવીને કટગ્લાસમાં ‘સર્વ’ કરું છું. મારું ચાલે તો હું આ અમૃત-કોકમને રાષ્ટ્રીય પીણું કરવા તૈયાર થાઉં !
[11] મહારાષ્ટ્રમાં આજે પણ નાનાં કે મોટાં ઘરોમાં આપણે ભરતડકામાં ફરીને આવ્યા હોઈએ તો દેશી ગોળનું દડબું અને પાણીનો પ્યાલો ધરવામાં આવે છે. ક્યાં તો વાડકીમાં આખા આમળાનો મુરબ્બો અને પાણીનો પ્યાલો. પેલું જાહેરાતમાં બતાવતી – ગરમીમાંથી ઘરમાં આવેલી ફ્રીજ ફંફોસતી – મમ્મી જેવી કાંઈ જરૂર પડે નહિ. ઉનાળે કાચી કેરીનો બાફલો તો ઘેર-ઘેર ગાજતું-ગુંજતું પીણું. ખાંડ કરતાંયે ગોળથી આ બાફલો વધુ ગુણકારી અને રંગે પણ મોહક થાય છે. ગોળમાંથી શર્કરાને લીધે સ્વાદિષ્ટ પણ લાગે છે.
[12] સહુ કોઈને પરવડે એવું એક અતિશય ઉત્તમ પીણું લીંબુંનું શરબત. વિટામીન ‘સી’નો ભંડાર. અનેક રોગોની દવા. ગરમીને નાથનારું અમારાં કચ્છ-કાઠિયાવાડનું જૂનું અને જાણીતું પીણું તે વરિયાળીનું શરબત. વરિયાળી અને સાકરના ભૂકામાં લીંબુ નિચોવીને તૈયાર થતું લીલેરું લિજ્જતદાર શરબત.
[13] ‘કચ્છડો બારે માસ’ ની જેમ છાશ પણ બારે માસ. રોજેરોજ થતી માખણ નિતારેલી છાશ તો જીવનદાયી, અમૃતતુલ્ય. કૃષ્ણ ભગવાનની રાસલીલાની જેમ સામાન્ય માનવની છાશલીલાની વાત પણ ન્યારી. દેવોને પણ દુર્લભ એવું પીણું ઔષધીય ગુણોથી ભરપૂર. બધાં જ જીવનસત્વનો ખજાનો એટલે દૂધ. દૂધનો ઉકાળો, ઓછી ઉકાળેલી ચા કે દિવસની એકાદવારની ગરમાગરમ કૉફી નુકશાનકારક નથી.
[12] શાકભાજીનાં પીણાં પણ એકેય વાતે પાછી પાની કરે તેવાં નથી. ટામેટા કે બીટનો લાલમલાલ સૂપ, મકાઈનો ધોળોફટાક સૂપ ખાવે-દેખાવે કેવા સારા ! બધી વાતે નાકનું ટેરવું ચઢાવનારાં મોંઘેરાં બાળ-મહેમાનો પણ સૂપનો બાઉલ પ્રેમે પૂરો કરતાં જોઈ શકશો. વડીલો માટેનો ખાસ પાલક-પરવર-દૂધીનો લીલો લીલો આરોગ્યપ્રદ સૂપ પણ આવકારી.
[13] લીલી ચા જેનું આજે મોર્ડન નામ છે ‘હર્બલ ટી.’ એમાં ફૂદીનો, તુલસી ને સાકર નાંખીને થતો કાવો/કાઢો ઠંડીમાં એકદમ ગરમાટો લાવી દે ને આ કોલ્ડ હર્બલ ટી એટલે ઠંડો ઉકાળો. સમશીતોષ્ણ. વળી પાછી કૅલરી બાળે, કોલેસ્ટરૉલને નીચું રાખે, સંધિવાને કાબૂમાં રાખે.
આ બધાં જ નેચરલ જ્યૂસ/કુદરતી શરબત-રસ શરીર માટે પોષક છે. જેમાં ભારોભાર ખનિજદ્રવ્યો, ક્ષાર, કુદરતી સાકર, વિટામિન્સ હોવાથી તે આપણી શક્તિ અને ચેતનાને વધારે છે. એનાં પોષક મૂલ્યોને લીધે આપણે આ એક સારી ટેવના હેવાયા થવું રહ્યું…. કોઈ આની સામે દલીલ કરશે કે એ બધી વાત સાચી પણ આ બધું મોંઘું કેટલું ? કેમ ભાઈ, મોંઘવારી ફક્ત દૂધ, ફળ, શાકભાજીમાં જ નડે છે ? પિઝા-બર્ગર-ઢોંસા-ચૉક્લેટ-આઈસ્ક્રીમમાં નથી નડતી ? ઝૂંપડામાં રહેનારો પણ ચેવડા-ચવાણાં-ભજિયાં-વડાપાઉં-દાબેલી પાછળ પૈસા ખરચી શકે પણ પળીભાર દૂધ ન લઈ શકે ? બે-પાંચ-દસ રૂપિયાનાં ફળ-શાક ના લઈ શકે ?….
બીજી બાજુ જોઈએ તો આવાં મોંઘાંમસ ઠંડાં પીણાં કે તૈયાર શરબતોનાં બાટલા લોકોને પોસાય છે. બહાનું મોંઘવારીનું છે કે એની પાછળ રહેલી કડાકૂટનું ? આ તે વળી કેવું ? દુ:ખે પેટ ને કૂટે માથું. આ જ શરબતોના બાટલા કે તૈયાર જ્યૂસના ડબામાં સૌથી મોટી વાત તો એ તાજેતાજાં નહિ. ઉપરાંત પૈસા ખર્ચીનેય તબિયત બગાડવાની. એમાં હોય એસેન્સ, કૃત્રિમ રંગ અને પ્રિઝર્વેટિવ. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એના કરતાં તો જેમ કે કેસરનું શરબત બનાવવું હોય તો ગાંધીને ત્યાંથી થોડુંક ચોખ્ખું કેસર ખરીદીને, એમાં સાકર-ઈલાયચી નાંખીને એકતારી ચાસણીનું ઘરે બનાવેલું શરબત બધી જ રીતે કેટલું સ્વાસ્થ્યપ્રદ ! અને તોય બજારમાં મળતાં એ મોટાં નામવાળા ને મોંઘા દામવાળા બાટલા કરતાં તો સરવાળે સસ્તું પણ કેટલું !
કુદરતના ચક્ર પ્રમાણે ફરતું ઋતુચક્ર અને એ પ્રમાણે ફરતું હવામાન ચક્ર અને એ પ્રમાણે ફરતું આપણું આરોગ્યચક્ર. ચોમાસે પાચનશક્તિ નબળી પડે, ઠંડીમાં ભૂખ વધુ લાગે તો ઉનાળે શોષ પડે. આ બધાના ઉપાય માટે જ તો કુદરતે આપણને કેટલી બધી લહાણી કરી છે. પેલાં ઠંડાં પીણાં ઘડીભર માટે તરસ છિપાવશે પણ ‘હાશ તો કરાવે છાશ.’ એનાથી રૂડું શું ? ઋતુ પ્રમાણે મળ્યે જતાં ફળો કે એકાદ-બે ફળોનાં મિશ્રણથી થતાં જ્યૂસ આધુનિક પેઢી જરૂર આવકારે. જેમ કે પાઈનેપલ અને કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ અને મોસંબી, સંતરા ને લીલી દ્રાક્ષનો જ્યૂસ. આ બધાં ફળોમાં શર્કરા છે જ. આથી ખાટાં-મીઠાં ફળનો રસ સમતોલ બને છે. વળી એમાં ઉપરથી મીઠાશની જરૂર હોય તો સાકર કે મધ નાંખવાં પણ ખાંડ તો નહિ જ. ખાંડમાં વળી પાછાં પાંચેક જાતનાં રાસાયણિક ઝેર. એટલે એ તો પાછું ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું. આ બધાં ઉપચારક અને ઉપકારક. ઉપરાંત ‘રંગે રૂડાં, પૂરાં, દીસતાં ગુણીલાં સોહામણાં’ એવાં આ કુદરતી પીણાં આપણે આજની પેઢી પાસે આધુનિક શૈલીમાં મૂકીશું તો ઠંડા પીણાંની નાગચૂડમાંથી મુક્ત થઈને ભલે ધીમે ધીમે પણ એ ચોક્કસ એ તરફ વળશે ખરી.
[શીર્ષક પંક્તિ :
તું પીજે વળી પાજે હરિરસ ભજનમાં આજે,
હરિનામ રસ પીને જીવન બાજી જીતી જા જે. – રાજર્ષિ મુનિશ્રી]
Print This Article
·
Save this article As PDF
સ્વાસ્થય પરનો આટલો રસપ્રદ લેખ પ્રથમ વાર વાંચ્યો. લેખિકાની લખાણ શૈલી સરસ. આ યાદીમા વધુ એક નામનો ઉમેરો કરી શકાય મુંબઈમાં ખૂબ પીવાતો “ગાજરનો રસ”.
ખૂબ જ ઉપયોગી લેખ. આભાર.
નયન
કેમ ભાઈ, મોંઘવારી ફક્ત દૂધ, ફળ, શાકભાજીમાં જ નડે છે ? પિઝા-બર્ગર-ઢોંસા-ચૉક્લેટ-આઈસ્ક્રીમમાં નથી નડતી ? – વાત વિચારવા જેવી તો ખરી.
એકન્દરે સરસ માહિતી.
વાહ
અરુણાબેન મઝા આવી ગઈ
અને સાચવીને આ લેખને મારા બ્લોગ ઉપર મુકી દઉ છું
http://www.gsshouston.wordpress.com
સંમતિ તો છે ને માસીબા..?
‘ચિંતાજનક અને ભયજનક બાબત છે’ જેવી તકીયાકલમ ટોક પાડ્યા કરવાને બદલે તેનો ઉકેલ
ાને તે પણ વિજ્ઞાન સાથે આપવાથી ઘણાને આ વાત સમજાવી શકાઈ છે
વાહ વાહ !!! ખુબ જ સરસ લેખ્….મારા ઘર મા પણ pepsi,coke,fata…etc soft drink allowed nathi…
અરુણાબે ની વાત 100% સાચ્ચી છે….જાગ્યા ત્યારથી સવાર્….
nice article with very useful information. Thanks Arunaben.
અમેરિકામાં તો બહુ સહેલાઈથી મોટાભાગના રસ તૈયાર મળે છે. દાડમના અને કાળી દ્રાક્ષના રસની બોટલો પણ બારે માસ સંતરા અને પાઈનેપલની જેમ મળે છે.છતાં સોડાઓ અને કેફી પીણાઓ કરતાં એનો વપરાશ ઓછો થાય છે. લોક જાગૃતિનો જ અભાવ! સુંદર માહિતિ અરૂણાબેન, પાઈનેપલ પ્રોટીન પચાવવામાં ફાયદાકારક છે તે મને ખબર નહોતી. ઉપયોગી માહિતિ માટે આભાર.
સરસ ને ઉપયોગી માહીતીથી ભરપુર રસીલો લેખ….
very informative article on fruit juices – thanks-
Nice article.
Ashish Dave
Sunnyvale, California
Best article with very useful information. Thanks Arunaben.
I AM GOING TO EMAIL THIS TO MY SON”S FAMILY RIGHT NOW.VERY INFORMATIVE AND HEALTHY TIPS TO YOUNGER GENERATION.
મહેમાનોને રાસાયણિક ઠડા પીણા પાવા તે તેમનુ અપમાન છે. આમળા નુ સરબત અને લાલ જમરુખનુ સરબત પણ ખુબ સ્વાદિષ્ટ બને છે.