- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવનપ્રેરક પ્રસંગો – સંકલિત

[1] સમયપરની જાગૃતિ – મૌર્વી પંડ્યા વસાવડા

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે મૌર્વીબેન (ગાંધીનગર) નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક maurvi123@gmail.com કરી શકો છો.]

મારી દીકરીનું નામ છે ધીમહિ. આમ તો સાત વર્ષની છે પરંતુ આજના જેટ-યુગમાં સાત વર્ષનું બાળક પણ હવે નાનું નથી રહ્યું ! ક્યારેક તે એવી વાતો કરે છે કે મોટેરાંઓ પણ મોમાં આંગળા નાખી જાય. કંઈક આવો જ એક પ્રસંગ હમણાં થોડા દિવસો પહેલાં અમારી સાથે બન્યો.

અમારા ઘરની નજીક એક દાદાજી એમના પરિવાર સાથે રહેતા હતાં. કેટલાક દિવસો પહેલાં તેમનું અચાનક અવસાન થયું. સંદેશો મળતાં જ અમે ઘરનાં સૌ અંતિમવિધિમાં જઈ પહોંચ્યા. ધીમહિ મારી સાથે હતી. તેમના ઘરમાં થતી રોક્કળ અને શોકનું વાતાવરણ તે મૂંગા મોંએ જોયા કરતી. બધી ધાર્મિક વિધિ પૂરી થઈ અને એ વાતને થોડાક દિવસો પસાર થયા. એક દિવસ હું કૉલેજથી પાછી ફરી રહી હતી ત્યારે મને દૂરથી આવતા જોઈને ધીમહિ દોડીને મને વળગી પડી. સોસાયટીમાંથી પસાર થતાં મેં જોયું કે તે ઘરના ઓટલે દાદીમા ઉદાસ ચહેરે બેઠા હતા. સ્વાભાવિક રીતે જ દાદીમા સાથે મને થોડી વાતો કરવાની ઈચ્છા થઈ આવી. ધીમહિની આંગળી પકડીને હું એમના ઓટલે જઈને બેઠી. જીવનના આ દુ:ખદ વળાંકને પચાવવાનો પ્રયત્ન કરતાં તેમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં. મેં સાંત્વન આપ્યું. થોડી વાર તેમનું મન હળવું થાય એવી વાતો કરી. છેવટે જમવાનું બનાવવાનો સમય થતાં હું ઊઠીને ઘરે આવી અને કામમાં પરોવાઈ ગઈ.

રાત્રે દસેક વાગ્યે ધીમહિએ અચાનક મને પૂછ્યું : ‘હેં મમ્મી, પેલા બા આટલું બધું કેમ રડતાં હતાં ?’ મેં એને સમજાવતાં કહ્યું : ‘બેટા, એમને દાદાજી બહુ યાદ આવતા હતાં.’
‘પણ દાદાજીનું તો ઓન્લી ડેથ જ થયું છે ને ?’ એ આશ્ચર્યથી બોલી.
‘હા, એટલે જ તો દાદીને એમની યાદ આવે ને ?’
‘તો એમાં શું મમ્મી ?,’ એ થોડું અટકીને બોલી, ‘જોજે ને દાદાજી યંગ બની, નવી કાર લઈને થોડા સમયમાં પાછા આવી જશે.’ એનો જવાબ સાંભળીને અમે સૌ સ્તબ્ધ ! અમને થયું કે આ શું બોલી રહી છે ? આને આવું કોણે શીખવાડ્યું ? હું અને મારા પતિ ગંભીરતાપૂર્વક એની પાસે એ જાણવા બેસી ગયા કે આવો વિચાર એને શી રીતે આવ્યો ?

થોડી વારે અમને જાણવા મળ્યું કે એના સ્કૂલના ગ્રુપમાં કંઈક આવું જ થયું હતું. કોઈ બહેનપણીના દાદીમા ગુજરી ગયા ત્યારે આ બધા બાળમિત્રો નાનકડા મુખે એમની બુદ્ધિ મુજબ ચર્ચા કરતા હતાં કે દરેક ટી.વી. સિરિયલમાં કોઈને કોઈનું ડેથ થાય એ પછી તે નવા અવતાર સાથે પાછા આવે છે એટલે દરેક ઘટનામાં આમ જ બનતું હશે. એમની આવી વાતો સાંભળીને અમારા તો હોશ ઊડી ગયા ! તમે માનશો ? એ રાત્રથી અમારા ઘરમાં ટી.વી. ચેનલો બંધ થઈ તે થઈ. આજની ઘડી અને કાલનો’દી. ધીમહિના શબ્દોએ અમને હલાવી મૂક્યા. મનમાં થયું કે આ આપણી નવી પેઢી શું શીખી રહી છે ? જીવનની એક નક્કર કડવી વાસ્તવિક્તામાં અવાસ્તવિકતાના રંગ પૂરવા તે યોગ્ય ન કહેવાય. એમને વાસ્તવિક્તાનું જ્ઞાન મળવું જોઈએ.

ઘણા મિત્રો કહે છે કે અત્યારે ધીમહિ નાની છે તો તમે એને રોકી લો છો, મોટી થશે ત્યારે શું કરશો ? એ જાતે ટી.વી. ચાલુ કરીને બેસી જશે તો ? પણ ના, વાત એમ નથી. સવાલ કેળવણીનો છે. અમે એની માટે રસ્તો કાઢવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સૌ પ્રથમ તો ટી.વી.ની જગ્યા જ બદલી નાંખી છે જેથી ડાઈનિંગ ટેબલ પરથી તેની સામે નજર ન પડે. સૌએ સાથે મળીને જમવાની ટેવ પહેલેથી યથાવત રાખી છે. જમી-પરવારીને હવે અમે ધીમહિ સાથે કેરમ, ચેસ, સાપસીડી, ચોપાટ, હાઉસી જેવી રમતો રમીએ છીએ. ધીમે ધીમે એને તેમાં મજા પડવા લાગી છે. દરરોજ સાંજથી જ એ તેની રાહ જોવા લાગે છે. ક્યારેક બોલી ઊઠે છે : ‘ચલો મમ્મી, જલ્દી જમી લઈએ અને જલ્દી જલ્દી રમવા બેસી જઈએ.’ રાત્રે બાળવાર્તાની ચોપડીમાંથી એને સરસ વાર્તા વાંચી સંભળાવું છું. તેના ભારે સવાલોના જવાબો આપવાનો આનંદ મેળવું છું ! સરસ કવિતાઓ ગુનગુનાવીએ છીએ. ભેગાં મળીને જોડકણાં અને ટૂચકાંઓની મજા માણીએ છીએ.

ધીમહીને આનંદ આપવાની પ્રવૃત્તિમાં અમારા બંનેનો થાક ક્યાંય ગાયબ થઈ જાય છે. પારિવારીક હૂંફ અને આત્મીયતાની લાગણી અનુભવાય છે. પહેલાં ટી.વી જોઈને જે બમણો થાક લાગતો, એની જગ્યાએ સાચી આંતરિક પ્રસન્નતાનો અનુભવ થાય છે. મિત્રો, બાળકોને ટી.વી.ની ટેવ છોડાવવી તો સાવ સહેલી છે, પરંતુ હકીકતમાં તો મા-બાપથી આ ટેવ છૂટતી નથી એટલે તેઓ બાળકોનું બહાનું આગળ ધરે છે. બાળક તો કુમળો છોડ છે, વાળીએ એમ વળે. જરા વિચારજો, બાળકની માનસિક શક્તિને સાચી દિશા બતાવવામાં ક્યાંક તમે મોડા તો નથી પડી રહ્યા ને ?
.

[2] એમ કરું તો હું માણસ શાનો ? – મોહનલાલ પટેલ

[‘અખંડ આનંદ’ માંથી સાભાર.]

મારા બંગલાની સામે એક રિક્ષા આવીને અટકી. રિક્ષામાંથી કોણ ઊતરે છે એ જોવા મેં એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. રિક્ષામાં પ્રૌઢ વયની એક મહિલા બેઠેલી હતી. એ પોતે રિક્ષામાંથી ઊતરી નહીં. પણ રિક્ષાવાળો મારી પાસે આવ્યો. એણે પૂછ્યું : ‘અહીં ડૉ. મહેતા ક્યાં રહે છે ?’
‘ખબર નથી ભાઈ, બીજા કોઈને પૂછો.’ મેં જવાબ આપ્યો.
રિક્ષાવાળો મોં બગાડીને બોલ્યો : ‘સોસાયટીમાં અડધા કલાકથી આ બહેનને ફેરવું છું. કોઈ ડૉ. મહેતાની ભાળ આપતું નથી. મહેતા આ સોસાયટીમાં જ રહે છે. ડૉક્ટર છે. ડૉક્ટર જેવા માણસને કોઈ જ ન ઓળખતું હોય એ કેવું ?’
‘તમારી પાસે પૂરું સરનામું છે ?’ મેં એને કહ્યું.
‘મૂળ મથકે તો આવી પહોંચ્યા છીએ. હવે ડૉ. મહેતા એ સરનામું.’
‘બંગલા નંબર, લેન નંબર….’

આ સંવાદ ચાલતો હતો એ વખતે પેલી મહિલા મારી પાસે આવી. કાગળના એક ટુકડામાં લખેલું સરનામું એણે મારી સામે ધર્યું. સરનામામાં માર્ગ, વિસ્તાર વગેરે ચોકસાઈપૂર્વક લખેલાં હતાં. એ નોંધ પ્રમાણે રિક્ષાવાળો એ સત્યાગ્રહ છાવણીમાં લઈ આવ્યો હતો. સત્યાગ્રહ છાવણી એટલે સેટેલાઈટ રોડ પર ભાવનિર્ઝર મંદિરથી માંડીને સરખેજ-ગાંધીનગર હાઈ-વે સુધીનો વિસ્તાર. એમાં 400, 500 કે 1000 ચોરસ વારના સાડા પાંચસો કરતાં વધારે સંખ્યામાં પ્લોટ. લગભગ 300 જેટલા બંધાઈ ચૂકેલા બંગલાની વસાહત. આ બંગલા 24 લેનોમાં વિભાજિત. બંગલાવાસીઓ બહુ બહુ તો આસપાસના ચાર-પાંચ કે છ-સાત બંગલાઓના રહેવાસીઓને નામથી અને ક્યારેક માત્ર ચહેરાથી ઓળખે…. એટલે રિક્ષાવાળો અર્ધા કલાકથી ડૉ. મહેતાની શોધમાં આ સ્ત્રીને ફેરવતો હતો એ વાતમાં થોડી અતિશયોક્તિ તો હતી પણ એની અકળામણ પાયા વિનાની નહોતી.

રિક્ષાવાળાએ કહ્યું : ‘આપ ડૉ. મહેતાની ભાળ મેળવવામાં મદદ કરો તો મહેરબાની.’
મેં કહ્યું : ‘ડૉ. મહેતાની ભાળ બાબતમાં હું પણ તમારા જેવો અજાણ્યો છું.’
‘બહેન દૂરથી આવ્યાં છે, એકલાં છે, મૂંઝાય છે. હું તો મારી રીતે એમને ફેરવી ચૂક્યો. તમે કંઈક મદદ કરો.’
રિક્ષાવાળાની સહાનુભૂતિ સમજી શકાય એવી હતી. મેં કહ્યું : ‘ચાલો હું તમારી સાથે આવું છું.’ હું રિક્ષામાં બેઠો. સોસાયટીના ડૉક્ટરો એકબીજાને જાણતા હોય એ ખ્યાલથી મેં રિક્ષા 21મી લેનમાં એક ડૉક્ટરના બંગલા આગળ લેવડાવી. એ ડૉક્ટર, ડૉ. મહેતાને જાણતા નહોતા. બેત્રણ જુદી જુદી લેનોમાં રિક્ષા ફેરવ્યા પછી, પૂછપરછ કરતાં કરતાં ડૉ. મહેતાની ભાળ સોસાયટીના પશ્ચિમ છેડા તરફ એક છેવાડાના બંગલામાં મળી.

રિક્ષાવાળાએ પેલી સ્ત્રી પાસેથી ભાડાના રૂ. 45 લીધા. આ સ્ત્રી ગીતામંદિરના બસ-સ્ટેશનેથી રિક્ષામાં બેઠી હતી. હું ઘણી વાર એ બસ-સ્ટેશનેથી રિક્ષામાં સત્યાગ્રહ છાવણી સુધી આવ્યો છું. આટલા અંતરનું ભાડું 45 રૂપિયા થાય છે. રિક્ષાવાળો કોઈક વાર 50 રૂપિયા માગે છે. આ રિક્ષાવાળાએ ભાડાના 45 રૂપિયા લીધા તેની મને નવાઈ લાગી. પૈસા લીધા પછી રિક્ષાવાળાએ મને કહ્યું : ‘રિક્ષામાં બેસી જાઓ, સાહેબ. હું તમને તમારા બંગલે ઉતારીને પછી જઈશ.’
‘હું ચાલીને જઈશ,’ મેં કહ્યું : ‘તમે અહીંથી સીધા નીકળી જાઓ.’
‘એમ હોય કંઈ ? તમે રિક્ષામાં બેસી જાઓ, સાહેબ.’
રિક્ષામાં બેઠા પછી રસ્તે જતાં મેં રિક્ષાવાળાને પૂછ્યું : ‘તમે પેલાં બહેનને ગીતામંદિરના બસ-સ્ટેન્ડથી અહીં સુધી લાવ્યા. સોસાયટીમાં પણ ઘણાં ફેરવ્યાં અને ભાડું માત્ર 45 રૂપિયા લીધું. એમ કેમ ? 45 રૂપિયા તો ગીતામંદિરના સ્ટૅન્ડથી સોસાયટી સુધીના જ થઈ જાય. એ પછી પણ તમારું મીટર તો કામ કરતું રહ્યું હશે ને ?’
‘હુંય માણસ છું, સાહેબ.’ રિક્ષાવાળો બોલ્યો, ‘બસ સ્ટૅન્ડથી સોસાયટી સુધીનું જ ભાડું લીધું. પછી જે રિક્ષા ફેરવવી પડી એની વાત જુદી હતી. રસ્તો શોધતાં કોઈ માનવીને આપણે રસ્તો બતાવીએ એનું કંઈ વળતર લઈએ છીએ ? હું બહેનને રસ્તો શોધવામાં મદદ કરતો હતો. એ બહેન એકલાં હતાં, મૂંઝાયેલાં હતાં. એ સ્થિતિનો લાભ લઉં ? એમ કરું તો હું માણસ શાનો ?’

રિક્ષામાંથી ઊતર્યા પછી મેં મિનિમમ ચાર્જના સાત રૂપિયા રિક્ષાવાળા તરફ ધરતાં કહ્યું : ‘આ લઈ લો.’
રિક્ષાવાળો હસ્યો. એણે બે હાથ જોડ્યા. મારો ધરેલો હાથ ધરેલો જ રહ્યો અને એણે રિક્ષા હાંકી મૂકી.
.

[3] મંદિરના દેવ મલકી ઉઠ્યાં – મોહનભાઈ એ. અગ્રાવત

[રીડગુજરાતીને આ સત્ય ઘટના મોકલવા માટે શ્રી મોહનભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો.]

સૌરાષ્ટ્રની ભૂમિમાં સંત, શુરા અને દાતારીના સંસ્કારો ધરબાયેલા પડ્યા છે, એની સમય સમયે કેટકેટલાંય પ્રસંગો, ઘટનાઓ એ વાતની પ્રતીતિ કરાવી જાય છે. વાત એમ બનેલી કે, આજથી બે દાયકા પહેલા એટલે કે વર્ષ 1988ના વર્ષમાં સૌરાષ્ટ્રમાં ભયંકર ચક્રવાત આવેલ. આ ખોફનાક વાવાઝોડાએ ઈલેક્ટ્રીક લોખંડના થાંભલાને પણ વાળીને ભોંયભેગા કરી નાખી એની તીવ્રતાની ખાતરી સૌને કરાવી દીધેલી ત્યારે આ સમયે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરાની બાજુમાં આવેલ ખોબલા જેવડા ખીજડીયા (ખારી) ગામમાં એક સંવેદનાસભર પ્રસંગ બનેલો.

ખીજડીયા ગામ રાત્રીના અંધકારમાં પોઢી રહ્યું હતું… એકાએક ભયંકર સુસવાટા સાથે તેજ પવન વહેવા લાગ્યો અને પલકમાત્રમાં તો આ ચક્રવાતે વિનાશક સ્વરૂપ ધારણ કરતા, તોતિંગ વૃક્ષોને પણ ધરાશાયી કરી દીધા અને પવનના જોરદાર સુસવાટા સાથેના અવાજોએ સમગ્ર વાતાવરણને ખોફનાક બનાવી દીધું… ગામલોક સૌ પોતપોતાના માલ ઢોર અને મિલકતની સુરક્ષા સાથે ઘરમાં થડકતે હૈયે બેસી રહ્યાં હતાં ત્યારે ખીજડીયા ગામમાં કાનજીબાપા પટેલનું પરિવાર એક જુદી જ ચિંતામાં જાગી રહ્યું હતું. કાનજીબાપાના મોટા દીકરા રૈયાભાઈએ બધા ભાઈઓને બોલાવી કહ્યું : ‘જુઓ, આ કુદરતી પ્રકોપ છે અને આપણાં ગામને આશરે ખેતમજૂરીએ આવેલા બિચારા આદિવાસી કુટુંબો આનો સામનો કેવી રીતે કરશે ? ખીજડીયા ગામના પાદરમાં તંબુઓ તાણીને કાળાડિબાંગ અંધકારને ઓઢીને બાળકો, સ્ત્રીઓ સાથે આશરે ચાલીસેક મજુર આદિવાસી માણસો આ વાવાઝોડા સામે ઉપર આભ અને નીચે ધરતી – કોઈનોય આશરો નહિ – એવી લાચાર અને નિ:સહાય સ્થિતિમાં બાળકોના આક્રંદ સાથે મોત સામે બાથ ભીડીને બેસી રહ્યાં છે, પોતાની ઘર વખરી સામાન આમતેમ પવનમાં ફંગોળાઈ રહ્યો છે….આપણે તેમને મદદ કરીએ…’ કહી તેઓ ચાલી નીકળ્યા.

એવામાં ગામના દરવાજેથી હાથમાં હાથ ભીડીને ચારથી પાંચ માણસોને આવતા દીઠા…. અને આ આદિવાસી પરિવારોના જીવમાં જીવ આવ્યો. નજીક આવતાં જ રૈયાભાઈ અને એમના ભાઈઓએ બૂમ પાડી…. ‘તમો મૂંઝાશો નહિ… એકબીજાના હાથમાં હાથ રાખી અમારી સાથે આવી જાવ…’ આવા ભયંકર ચક્રવાતમાં ઘરબહાર નીકળવાની હિંમત ન ચાલે ત્યાં દેવદૂત બની પારકી છઠ્ઠીના જાણતલ આ પરિવારે ચાલીસ માણસોને લઈને રામજી મંદિરમાં હેમખેમ આશરો આપી દીધો… અને એમના ઘરેથી રાત્રે ગરમાગરમ ભાખરી અને ચા બનાવડાવી આ ચાલીસેય માનવીઓને ખવડાવી નિરાંત અનુભવી… ત્યારે મંદિરના દેવ પણ છપ્પનભોગના સ્વાદની તૃપ્તિથી પણ અદકેરા સંતોષ સાથે જાણે મલકી ઉઠ્યાં….

એક અજાણી ધરતી પર આ રીતે ઘનઘોર તોફાની રાત્રીમાં કોઈપણ બદલાની આશા વિના એમની આવી સેવા કરતા માનવતાના પૂજારીઓને નિહાળી, આ ગરીબ આદિવાસી પરિવારના બાળકો, સ્ત્રીઓના ચહેરા પર જે ભાવ ઉભર્યા એને વ્યક્ત કરવાની આ કલમ કે ભાષામાંય ગુંજાશ નથી. આજે જ્યારે વાહવાહ ખાતર અપાતા દાન કે પ્રતિષ્ઠાના ખોટા અહંકારથી સદકાર્યો ભલે થતાં હોય પરંતુ ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન માનવીની આવી રૂડી સેવા કરવાની મનની મોટપથી ઉજળા સંસ્કારી પરિવારને વંદન હો જો હજાર…. હળાહળ કળીકાળમાં પણ આવા દિલેર માનવીઓ જે ભૂમિમાં વસતા હોય એથી તો કવિની કલમને સ્તુતિ કરવા પરવશ બનાવે છે કે ‘ધન્ય ધરા સોરઠ બલિહારી…. જ્યાં રતન પાકતા આવા..’ અસ્તુ.