આજના લગ્નજીવન સામે પડઘાતા પ્રશ્નો : જયવતી કાજી

મધરાતનો સમય છે. સોળ સત્તર વર્ષનો તરુણ આલોક ઑર્ગેનિક કેમિસ્ટ્રી વાંચતાં વાંચતા કંટાળી ગયો છે. એની આંખમાં ઊંઘ ઘેરાઈ ગઈ છે. શરીર અને મન બન્ને થાક્યાં હતાં પણ શું થાય? વાંચ્યા વગર ચાલે એમ હતું નહિ એટલે ઊઠીને મોં ધોવા જવાનો એ વિચાર કરે છે, ત્યાં એની નજર પડે છે ટેબલ પર મૂકેલી એક છબી ઉપર. છબીમાંની બે વ્યક્તિઓ ઉપર એની નજર મંડાઈ જાય છે. છબીમાં એક પંદરેક વર્ષની તરુણી જરીની રેશમી સાડી અને સોનાનાં આભૂષણો પહેરી ઊભી હતી. એના કોમળ સોહામણા ચહેરા પર પ્રસન્નતા હતી. એના ગળામાં ગુલાબનો હાર હતો. બાજુમાં શ્વેત વેષ્ટિ પહેરેલો યુવાન ઊભો હતો. એણે પણ ગુલાબનો હાર ગળામાં પહેર્યો હતો. યુવાન એ તરુણીનો હાથ પકડીને ઊભો હતો! આલોકને હવે યાદ આવી ગયું. એ છબીમાં તો હતાં એના માતામહ અને માતામહી – નાના અને નાની !

‘એમનાં બે હાથના મિલનમાં જીવનભરનું વચન હતું. એમાં નિષ્ઠા હતી. જીવનભર એકબીજાની સંગે સુખમાં અને દુ:ખમાં સાથે રહેવાનો કોલ હતો. બન્ને માટે એક અતૂટ બંધન હતું. જીવનભરનું વ્રત હતું. લગ્ન એક પવિત્ર બંધન હોઈ એને નિભાવવાનું હોય. એ સમયે લગ્નનો અર્થ એ જ હતો. માતાપિતા અને વડીલો લગ્ન ગોઠવતાં. કુટુંબ જોતાં. કુટુંબની રહેણીકરણી અને સંસ્કાર જોતાં કારણકે લગ્ન માત્ર બે વ્યક્તિઓનો અંગત પ્રશ્ન જ નહોતો. નવવધૂને સમગ્ર પરિવાર સાથે જોડાવાનું હતું. એને કુળલક્ષ્મી બનવાનું હતું. લગ્ન કરી એ બન્ની કુટુંબની પરંપરા ચાલુ રાખી, વંશવેલો ચાલુ રાખવાનો હતો.’

આજે આ બધું ભૂતકાળની ભાવના બની ગઈ છે. જોતજોતામાં જીવન કેટલું બધું બદલાઈ ગયું ! માનવીય સંબંધો પણ બદલાયા છે. માતાપિતા અને સંતાનો – પતિપત્ની – માલિકનોકર – ગુરુશિષ્ય – આ બધા સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. બદલાયેલા સંબંધોના સમીકરણનો વિચાર કરતાં આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. જગત એક નવી ક્રાંતિને ઊંબરે ઊભેલું છે. ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રાંસનો વિપ્લવ અને રશિયાની ક્રાંતિ મહાન ક્રાંતિ હતી, તો સ્ત્રીમુક્તિની ચળવળને પણ આપણે વીસમી સદીની એક મહાન ક્રાંતિકારી ઘટના કહી શકીએ. આ ક્રાંતિ ઘણી ઊંડી અને મૂલગામી છે. માણસ જેને એક પરમ આદર્શ અને સુંદર વ્યવસ્થા માનતો હતો તે હવે પોલાં દેખાવાં લાગ્યા છે. જીવનમાં એક નવો મોરચો રચાઈ ગયો છે.

સ્ત્રી ઈંટ-ચૂનાનાં મકાનને ‘ઘર’માં રૂપાંતરિત કરે છે. બાળકોને ઉછેરે છે. કુટુંબનું નિર્માણ કરે છે. કુટુંબની એ માત્ર શારીરિક જરૂરિયાતો અને સગવડો જ નથી સાચવતી પણ પરિવારને સ્નેહની ઉષ્મા આપે છે. સંબંધમાં સ્નેહનું સિંચન કરી પરિવારને એકત્રિત રાખે છે. પતિની પ્રવૃત્તિઓમાં સહયોગ આપે છે. પતિની મૂંઝવણમાં એ સલાહકાર બને રહે છે અને એની પ્રગતિની પ્રેરણાદાયિની. સંતાનોને સંસ્કાર આપે છે અને આ બધું એ કેટલાં સહજતાથી અને સ્નેહથી કરે છે !

લગ્નજીવનના સાડાત્રણ દાયકા પછી સુરેશભાઈની પત્ની પ્રતિમાનું અવસાન થયું. સુરેશભાઈની કમાણી સાધારણ. પ્રતિમાના અવસાન પછી સુરેશભાઈએ કહ્યું હતું, ‘પ્રતિએ મારું ઘર આટઆટલાં વર્ષો ચલાવ્યું અને નિભાવ્યું પણ મને સમજ નથી પડતી – ક્યારેય એણે મને ગરીબાઈ કળાવા દીધી નથી. બાળકોને ઉછેર્યાં – ભણાવ્યાં – મારી વૃદ્ધ માં ની સરસ દેખભાળ કરી – સામાજિક પ્રસંગો સાચવ્યા’ બોલતાં બોલતાં એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. પરંતુ સ્ત્રીની આ ઉમદા અને મહત્વના કાર્યની બહુ જ ઓછી કદર થાય છે અને થઈ છે.

ડૉ. ફાર્ગહામ અને ડૉ. લુડખગ બન્ને જાણીતા સમાજશાસ્ત્રી છે. એમણે એક પુસ્તક લખ્યું છે, ‘The Women – The Lost Sex!’ એમણે લખ્યું છે કે અભ્યાસ કરતાં એવું માલમ પડ્યું છે કે પુરુષોની આમદાનીમાં ત્રીસથી સાઠ ટકા જેટલો વધારો સ્ત્રી ઘરકામ કરીને કરે છે. ઓછી આવકમાં પણ કંઈ કેટલીયે સ્ત્રીઓ કરકસર કરી પતિનું સન્માન જાળવીને ઘર સાચવે છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ આજે આ ગૃહિણીની જાતી – ‘Species of Housewives’ દુનિયાભરમાંથી નષ્ટ થતી જાય છે.

સ્ત્રીને એની બુદ્ધિ-પ્રતિભા અને ચેતનાનો વિકાસ-વિસ્તાર અને ઉઘાડ માત્ર ગૃહકાર્યમાં અને પત્ની અને માતાની ભૂમિકામાં દેખાતો નથી. સ્ત્રીઓ શિક્ષણ જ નહિ પણ ઉચ્ચ શિક્ષણ લેતી થઈ છે. એમની આકાંક્ષાઓની ક્ષિતિજ ઘણી વિસ્તરી છે. આર્થિક સ્વતંત્રતા વગર સ્વમાનપૂર્વક-સલામતીભર્યું જીવન જીવી શકાય નહિ એની એને પ્રતીતિ થઈ ગઈ છે. આજે જ્યારે સર્વત્ર પૈસો જ સત્તા, સન્માન અને મહત્તાના મૂળમાં રહ્યો છે અને જ્યારે એને શિક્ષણ માટેની તક મળી છે ત્યારે શા માટે એણે બીજા વર્ગના નાગરિક તરીકે જીવવું?

પરિણામે આજે એકે ક્ષેત્ર એવું નથી રહ્યું જ્યાં સ્ત્રીઓ સફળતાપૂર્વક કામગીરી બજાવતી ન હોય. સ્ત્રીઓ સજાગ બને – પોતાની શકિત અને પ્રતિભાનો હિસ્સો સમાજને આપે – દેશના આર્થિક વિકાસમાં પોતાનો ફાળો આપે એ ઈચ્છનીય છે જ. જૂના જર્જરિત અને એકપક્ષીય મૂલ્યોને સ્થાને નવાં માનવીય મૂલ્યોનું પ્રસ્થાપન થાય એ તો ઉચિત જ છે. જૂનું જાય અને નવું આવે એ તો જીવનનો ક્રમ છે. વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરે આનું કેટલું સુંદર નિરૂપણ કર્યું છે :

ચાલતો થા અહીંથી જૂના પુરાણા સમય
કેમ કે આરંભી છે નૂતને અવનવી રમત

સમાજ આજે એક મોટા પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. પરિવર્તનની સાથે નવા પડકારો – નવી સમસ્યાઓ અને નવા પ્રશ્નો ઊભા થવાના જ પરંતુ પરિવર્તનના વાયરાને રોકી શકાવાનો નથી. સમયના કાંટાને પાછો ફેરવી શકાતો નથી, એટલે સ્ત્રી-પુરુષે અને સમાજે એ પડકારો ઝીલવા પડશે.

સ્ત્રી પુરુષોના સંબંધમાં – એમની ભૂમિકામાં અને એમની અપેક્ષાઓમાં જે પરિવર્તન આવ્યું છે તેનાથી નાની મોટી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે પરંતુ એના સૌથી પ્રચંડ પ્રત્યાઘાત પડ્યા છે દામ્પત્યજીવન પર. એમ જ કહોને કે લગ્નસંસ્થાના અસ્તિત્વ પર ભય તોળાઈ રહ્યો છે – શાંત, સ્વસ્થ અને સુખદ દામ્પત્ય જીવનના લહેરાતા સરોવરમાં વમળ ઊભાં થયાં છે !

‘લેચ કી’ બાળકો અને એકલવાયા અસહાય વૃદ્ધો આજના યુગની વાસ્તવિકતા બની ગઈ છે. પહેલાં બાળકો માટે દૂધ અને નાસ્તો તૌયાર રાખી એમની રાહ જોતી માતા ઘરેઘરે હતી અને આજે ઘણાંય બાળકો માં ના આવવાની રાહ જોતાં એકલાં ટી.વી જોતાં કે કૉમ્પ્યુટર પર રમત રમતાં બેઠાં હોય છે ! તો કેટલાંક માસૂમ શિશુઓ ઘોડિયાઘરમાં કે આયા પાસે રહેતાં હોય છે. સંયુક્ત કુટુંબ તૂટતાં બાળકો અને વડીલજનો માટે એકલતા ઊભી થઈ છે. તો સ્ત્રીઓ માટે બેવડી જવાબદારી આવી પડી છે. ભારતમાં મધ્યમવર્ગીય ગૃહિણીઓને સંયુકત કુટુંબની પ્રથાનો ફાયદો જતો રહ્યો છે એટલું જ નહિ પણ આધુનિક રહેણીકરણીનો પણ જોઈએ તેટલો લાભ મળતો નથી. ગરીબ વર્ગની મહિલાઓને તો પેટ ભરવા માટે કમાવું જ પડે. શ્રીમંત વર્ગની મહિલાઓને આ સમસ્યાઓ ખાસ નડતી નથી. પરંતુ મધ્યમવર્ગની મહિલાઓ બન્ને જવાબદારીઓ વચ્ચે ભીંસાય છે કારણકે આ બન્ને ભૂમિકાઓ સાથે નિભાવવી અતિ મુશ્કેલ છે પરિણામે પોતે સતત માનસિક તણાવ અને શારિરીક થાક અનુભવે છે. એની દશા હેમલેટ જેવી થઈ જાય છે ! નંદિની ઘણીય વખત રાત્રે ઝબકીને જાગી જાય છે. એનો પતિ અને બાળકો ઊંઘતા હોય છે. આમ ક્યાં સુધી ચાલશે? વ્યવસાય અને ગૃહજીવન વચ્ચે એ વિસામણ અનુભવે છે. પોતે પતિ અને સંતાનોનું પૂરતું ધ્યાન નથી રાખી શકતી એવા અપરાધભાવથી એ સદાય પીડાય છે! આના પ્રત્યાઘાત સમગ્ર પરિવાર પર પડે છે. ઘરમાં એક પ્રકારનો સતત તણાવ રહે છે. સમયનો અભાવ વરતાયા કરે છે. ઘરમાં જાણે કે હસતાં – બોલતાં આનંદથી વાતચીત કરતાં કોઈને આવડતું જ નથી!

પતિ ઈચ્છે છે કે પોતે ઘરે આવે ત્યારે ચા-નાસ્તો તૈયાર રાખી પત્ની એને આવકારવા રાહ જોતી હોય પણ વ્યવસાય કે નોકરીને કારણે સ્ત્રી માટે ઘણી વખત આ શક્ય જ નથી હોતું. પતિને મનમાં ઓછું આવે છે. અને ઘર ઘર જેવું લાગતું નથી. જમવાનું એને સ્વાદહીન લાગે છે. બાળકો ઉપેક્ષિત લાગે છે. એને લાગે છે કે એની પત્નીના જીવનમાં એને માટે કોઈ અગ્રતા રહી નથી! પત્ની પ્રત્યે મનમાં ક્યારેક શંકા કુશંકા થાય છે! કામને કારણે પત્નીને કેટલાંયની સાથે હળવામળવાનું થાય. વિજાતીય મૈત્રી બંધાવાની કેટલી બધી શક્યતા અને પછી….. કોઈક બીજો પુરુષ એના જીવનમાં નહિ આવે? પતિને અસલામતી લાગે છે તો ક્યારેક જો પત્ની એના કરતાં વધુ કમાતી હોય કે વધુ સફળ હોય તો એને લઘુતાગ્રંથિ પીડે છે. એનો અહં ઘવાય છે. ગૃહસંસારમાંથી એનો રસ ઊડી જાય છે, તો ક્યારેક ડિપ્રેશનમાં એ સરી પડે છે. અથવા તો કોઈ નવો પ્રણયસંબંધ બાંધવા પ્રેરાય છે.

પત્નીને થાય કે મારા કામની કોઈને કદર જ નથી. કોઈ મારી મુશ્કેલી સમજતું નથી. પતિ મને સાથ નથી આપતો. કોઈને મારે માટે લાગણી નથી. ભલેને હું ઘસાઈને મરી જાઉં. એમને તો માત્ર મારી કમાણીમાં રસ છે.

ધીમે ધીમે દામ્પત્યજીવનમાં સંવાદિતાને બદલે સંઘર્ષ-ઉદ્વેગ-અશાંતિ અને અસંતોષ ઊભાં થાય છે. નાની વાતમાં દલીલ થાય છે. મન ઊંચા થાય છે અને પરિણામ લગ્નજીવન કથળે છે, લગ્નવિચ્છેદની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.

આજના કેટલાંય યુવકયુવતીઓ તો કહે છે જ કે લગ્નસંસ્થા જૂનવાણી થઈ ગઈ છે. એક જ વ્યક્તિ સાથે સ્નેહપૂર્વક આખી જિંદગી જીવવાની ! ના, ના એ તો શક્ય જ નથી. આપણાં વિચારો-લાગણીઓ અને પસંદગી બદલાય પણ ખરાં. ઘણી વખત તેઓ મજાકમાં કહેતાં હોય છે ‘લગ્ન’ એ કંઈ શબ્દ નથી ‘Sentence’ છે ! અમને જિંદગીભરની કેદ મંજૂર નથી !

કેટલીય આધુનિક યુવતીઓ કહેતી હોય છે કે અમારે લગ્ન શા માટે કરવા? અમે કમાઈને અમારું પોષણ કરી શકીએ છીએ. Sex! એને લગ્ન સાથે જ શા માટે સાંકળી દેવી? બાળક તો દત્તક પણ લઈ શકાય! તો પછી જીવનભર કોઈકને સાચવવાની-સંભાળવાની જવાબદારી શા માટે લેવી? અમે તો ‘Living Together’ – માં માનીએ છીએ. ફાવે ત્યાં સુધી સાથે રહેવાનું અને ‘Made for each other’ લાગે તો લગ્ન કરવાનું !

ભલે યુવાનો જોમમાં અને જોશમાં આવું કહે પરંતુ મને લાગે છે કે એ ખ્યાલ અપરિપક્વ અને અધકચરો છે. લગ્ન સંબંધ સમગ્ર માનવજાતનો એક અતિમહત્વપૂર્ણ અને અર્થસભર સંબંધ છે. પ્રસન્ન મધુર દામ્પત્ય એ તો જીવનનું એક મોટું સુખ અને સદભાગ્ય છે. સ્વસ્થ સુખી અને સ્નેહભર્યા દામ્પત્યજીવનમાં જ બાળકો પાંગરી શકે. એના પર તો દેશનું ભાવિ નિર્ભર હોય છે. કુટુંબ તો સમાજની આધારશિલા છે. ગૃહસ્થાશ્રમનું એટલે તો મોટું મહાત્મય છે.

જીવનસાથીનો ગાઢ, આત્મીય અને પ્રેમાળ સાથ યૌવનમાં ઝઝૂમવાનું બળ આપે છે તો જીવનની ઉત્તરાવસ્થામાં અન્યોન્યનું મોટું અવલંબન અને સધિયારો બની રહે છે. બન્નેએ સાથે કરેલા સંધર્ષો-વિજય અને આશાનિરાશાનાં સંભારણા જીવનની પાનખરમાં મનને પ્રસન્નતાં અર્પે છે.

હા, હું સ્વીકારું છું કે દામ્પત્ય જીવનમાં જે અયોગ્ય અને અનિચ્છનીય તત્વો છે તે દૂર થવા જ જોઈએ. સ્ત્રી-પુરુષના કામની યોગ્ય વહેંચણી થવી જ જોઈએ. જીદપૂર્વક નહીં પણ બન્નેની પરસ્પર અનુકુળતા જાળવીને સમજપૂર્વક, સ્નેહપૂર્વક અને જીવનને વધુ સરળ બનાવવા માટે. એટલું જ નહિ પણ બદલાતી પરિસ્થિતિ અનુસાર જીવનની રહેણીકરણી પણ બદલવી પડશે. ‘આમ જ જોઈએ’ અને ‘આમ જ થવું જોઈએ’ એવો આગ્રહ છોડવો પડશે. બદલાતા સમયના પ્રવાહને પારખીને પરિવર્તનના પડકાર આપણે ઝીલવા પડશે. ટૂંકમાં કહું તો આપણે Mind Set બદલવો પડશે. આજે પતિ-પત્ની વચ્ચે સંવાદિતા નિર્માણ કરવા માટેના સમયનો અભાવ છે. તે પર પણ ગંભીરતાથી વિચારવું પડશે. જે પતિ-પત્ની સમયના પરિવર્તનને આત્મસાત્ કરી અનુકૂળ થઈ શકશે તે સાથે રહી શકશે ! દામ્પત્ય જીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર પરિણીત દંપતી એને કેવું સ્વરૂપ આપે છે તેના પર નિર્ભય રહે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બારાખડી છે… – મોહમ્મદઅલી ભૈડુ”વફા”
બેબી બારમામાં છે…. – ગુજરાત સમાચાર તંત્રી લેખ. Next »   

11 પ્રતિભાવો : આજના લગ્નજીવન સામે પડઘાતા પ્રશ્નો : જયવતી કાજી

 1. Uday Trivedi says:

  Marriage is one of the four purushartha that elevates one towards the path of LOVE. And once we attain LOVE, nothing remains to be achieved.

 2. Sangita says:

  Beautiful article! It covers may different aspects and viewpoints toward the most important and heavy subject, challenges married couples face in current time!

  Like in areas of food, music, culture and many other things, in my opinion, Indian way of life is the best arrangement. Getting married at a right age right after being able to stay on own feet and start “Gruhsthashram”, man taking care of the financial need and all non-domestic matters of the family and woman taking care of the family members and raising children and all domestic matters was the best arrangement thought and adopted by our culture.

  With changing time, the equation of marriage has changed and there is a need for both woman and man to work in all areas. That is definitely being done. What is needed is how to effectively make it work. Weather it is a love marriage, arrange marriage or “Living together”, working and coping with each other, others and situations is very essential and constant.

 3. Suresh Jani says:

  Initially, I thought that I would not read this article on a serious subject. I was searching for some entertaining material.
  But, when I read a few lines, I could not stop reading further.
  Really Jayvatiben, you have touched upon a very important issue of our times, for individuals, for the home and for the society at large. A new and very subtle revolution is in the offing and will have profound impact on the basic human life
  I am a man of 63, but I have same thoughts in my mind, as I watch the new generations from my eyes. I many times think that – our good old days and our way of family life- were better.
  But on reading this article, I have started thinking in a new direction. If the sweet famiily , which is very much necessary for the stressful life of 21st century is to be saved, all have to start a new thinking, and find out their own solutions. In human relations, there chould not be general rules. And very much so when both partners in marriage are educated and working.
  So every new couple will have to decide their own rules of game , before marriage. And then adhere to these rules religiously from the first day of married life. This attitude only can make marriage long and sweet. These rules should be the ‘Saptapadi’ and not those imposed on individuls by religion, or society, or even traditions.
  Thank you once again Jayvatiben for this very necessary article.

 4. manvant says:

  “I agree with the views of Mr.SureshJani.Moreover,None can solve this problem of Sangharsha vs Samvadita or Adoption,Made for each other,Prasanna Dampatya .Do the women need a holy company/bandhan or a relief from most of their duties now a days?”.

 5. DINESH says:

  GOOD ARTICLE FOR LADIES BUT I AM NOT BELEIVE FOR LIVE BETTER LIFE,MARRIAGE IS NECESSARY.I AM TALKING ABOUT MAN.LADIES SHOULD BE MARRIED BECAUSE IN THIS SOCIETY NO SAFETY FOR TOO EDUCATED OR LESS EDUCATED LADIES. BUT I BELEIVE IF YOU WANT TO ACHEIVE SOMETHING HIGH, MARRIAGE BECOME RESTRICTION FOR THAT.BECAUSE AFTER MARRIAGE HUSBAND HAVE RESPONSIBILITY FOR HIS WIFE AND SOMETIME AFTER ALSO RESPONSIBITY FOR CHILDREN AS WELL SO YOU CANNOT ACHIEVE WHAT YOU WANT. WE ALSO KNOW IN PAST AND IN PRESENT AS WELL MOST SUCCESSFUL PEOPLE WAS/ARE UNMARRIED. ONLY FEW SUCCESSFUL PEOPLE WAS/ARE MARRIED.
  I DON’T WANT TO SAY DON’T DO MARRIAGE BUT WHAT I SAY WHAT I AM BELEIVE. PLEASE DON’T MIND.

 6. ASHUTOSH says:

  FIRST OF ALL THANKS MRUGESHBHAI AND KEEP IT UP….
  GOOD.
  BUT IS MARRIAGE THE ULTIMATE GOAL OF LIFE? TO ACHEIVE SOMETHING HIGHER IN LIFE WE MUST SACRIFICE SOMETHING.
  ASHUTOSH

 7. Hemshanker Raval says:

  ઘણો સારો લેખ છે. બન્ને પાત્ર એ સમજવાની જરુર છે. મારો પોતાનો અનુભવ એવો છે કે હજી પુરેપુરો કળિયુગ નથી આવ્યો. ઘણા પાત્રો સમજદાર હોય છે પણ બન્ને પાત્ર સમજદાર મળે એવુ ઓછુ બને છે જેથી સન્સાર મા ઝઘડા જોવા મળે છે. ભુલ બન્ને પક્ષે છે અને સુધરવાની જરુર છે.

 8. nayan panchal says:

  વિચારવાલાયક લેખ.

  આજના સમયમા ખૂબ જ પ્રસ્તુત.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.