- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સ્વતેજનું જતન – લલિત શાહ

આપણું શરીર જીવનવ્યવહારનું મહત્વનું અને મૂલ્યવાન સાધન છે. તેનું સ્વાસ્થ્ય, તેની સ્ફૂર્તિ અને તેની શક્તિ જળવાય અને વૃદ્ધિ પામે તેની આપણે કાળજી લઈએ તે સ્વાભાવિક છે. આપણે ઉપયોગમાં લેતાં હોઈએ તે વસ્ત્રો, રાચરચીલું, સાધનસામગ્રી, વાહન આદિ પણ ટકે, સુશોભિત અને સ્વચ્છ રહે તેની કાળજી લેવી તે પણ આવશ્યક છે. આપણું ઘર વ્યવસ્થિત, સગવડભર્યું, સુખ-શાંતિદાયક અને પ્રસન્નતાપોષક રહે તેમ પણ ઈચ્છીએ છીએ અને તે પ્રમાણે વર્તીએ છીએ.

આપણી વિદ્યા, આપણું કૌશલ્ય, આપણું જ્ઞાન, આપણાં હુન્નર-કળા-કસબ-કારીગર પૈકી જે કંઈ આપણે આપણા જીવનમાં સાધવા માગતા હોઈએ તેમાં આગળ વધવાની આપણને ખેવના હોય તે પણ અગત્યનું છે. આપણી અસ્મિતા, આપણું કર્તુત્વ દીસી આવે, દીપી ઊઠે તેવી હોંશ હોવી પણ ઉચિત જ છે. જીવનમાં પુરુષાર્થ, પ્રયત્નો, પ્રયોગો અવિરત ચાલતા રહે તો જીવન ગતિશીલ રહે. એની દિશા અને ધ્યેય ઉચિત રીતે નક્કી થયેલાં હોવાં જોઈએ. આપણી આ સઘળી ક્રિયા-પ્રક્રિયા પાછળ આપણું મન પણ છે. કહે છે કે મન દઈને, ધ્યાન દઈને, મન પરોવીને કામ કરવું, તે માટે ચંચળ ગણાતા મન પાસે એકાગ્રતાનો મહાવરો હોવો જોઈએ. નાનું બાળક કેટલું ચંચળ હોય છે ! પણ જ્યારે તે કશીક પ્રવૃત્તિમાં પરોવાય છે ત્યારે તેની એકાગ્રતા અનુકરણીય લાગે છે. આપણે પાઠ લઈ શકીએ તેવી તેની એકાગ્રતા હોય છે.

પ્રાર્થના દરમિયાનની એકાગ્રતા જેટલી મૂલ્યવાન છે, મહિમવંતી છે તેટલી જ કોઈ ક્રિયા વખતની એકાગ્રતા પણ કીંમતી અને અગત્યની છે. કાર્ય કે સર્જનની ઉત્તમતા આ એકાગ્રતા હોય તો જ જળવાય છે. કળાકૃતિના સર્જનને જ આપણે સર્જન ગણીએ છીએ. પણ આપણું દરેક વર્તન, આપણી દરેક ક્રિયા નાનાં-મોટાં સર્જન જ છે. તો આપણા બોલ, આપણી ચાલ, આપણા હાવભાવ, આપણાં હલન-ચલન અને આપણે જે કંઈ નાનું કે મહત્વનું – અલ્પમૂલ્ય કે બહુમૂલ્ય – કાર્ય કરીએ તે કળામય કેમ ન હોય ? આપણું અને અન્યનું મન એથી આનંદ અનુભવે તેવું કેમ ન હોય ? આ એકાગ્ર ચિત્તથી સધાયેલાં ને સર્જાયેલાં કાર્યથી આપણે અને અન્ય સૌ આનંદ પામે એ જ આનંદની આરાધના છે. આપણાં નાનાં મોટાં સર્વ કાર્ય પાછળ આ જ દષ્ટિ રાખવી.

આ સાથે આપણે જરા આગળ વધીએ. એક સરસ ઉક્તિ છે. આદમ ખુદા નહીં, મગર ખુદા કે નૂર સે (આદમ) જુદા નહીં. આ ખુદાઈ નૂર એટલે શું એ સમજવા પ્રયાસ કરીએ. આ ખુદાઈ નૂર એટલે માણસાઈનું આત્મિક તેજ, માણસાઈની આભા, ભગવત તત્વ સાથે ભળેલી માનવતાની સુવાસ, એ કેમ ખીલે ? આપણાં મન-વચન-કાયાથી નીપજતાં કોઈ પણ કાર્ય વિષથી ડહોળાયેલાં ન હોય પણ અમીરસથી, પ્રેમરસથી સિંચાયેલા હોય તો આપણા જીવનનું તેજ વધે. આ જીવનનું તેજ કેમ જળવાય તે વિશે જાગૃત રહેવું જરૂરી છે. કમભાગ્યે આપણે એ જોવા પામીએ છીએ કે સત્તા કે વૈભવ માણનારો માણસ માણસ રહેતો નથી. માણસ ન હોવું એટલે શું ? માનવદેહ હોવો એટલે માણસ હોવું એમ નથી, તેની દષ્ટિ અને ભાવનામાં કેટલો મેલ છે, કેટલી અશુદ્ધિ છે, કેટલું વિષ છે તે પરથી તે કેટલો વામન છે તેનું માપ નીકળે છે.

સ્વાર્થનું વિષ માણસનું મૂલ્ય ઘટાડે છે, પરમાર્થનું અમી માણસનું મૂલ્ય વધારે છે. સ્વાર્થ અને પરિગ્રહનો મોહ માણસને નીચો પાડે છે. સત્તા, વૈભવ અને મદથી ઘેરાયેલો માણસ માણસ રહેવા માટે લાચાર છે. તેની આસપાસ ઘૂમતાં ટોળાં પણ તેને ભ્રમમાં જ રાખે છે, અને પોતે તો પોતાના આત્માને ઢબૂરી જ દીધો હોય છે. મન-વચન-કાયાનો દિશાદોર કોના હાથમાં છે ? આપણા જીવનનો દોર કોના હાથમાં છે ? આપણા જીવનરથનો સારથિ કોણ છે ? સારાસારનો વિવેક દર્શાવનાર આપણું કોઈ નથી શું ? આ વિવેકનો સ્ત્રોત –આ વિવેકનું મૂળ શું ખેડ-ખાતર વગર મૂરઝાઈ ગયું છે ?

આપણા આત્માને સાબૂત રાખીએ. એને ઢબૂરી દેવાનું પાપ ન કરીએ. જીવનનો દોર એને જ સોંપીએ. તે આપણી બુદ્ધિને શુદ્ધ રાખશે. આપણી ભાવનાને નિર્મળ રાખશે. આપણને સન્માર્ગે લઈ જશે. આપણી વિવેક-શક્તિ ખીલવશે. આપણી દષ્ટિ પારદર્શક રાખશે. દુષ્કૃતિના ઢાળ પર લસરી જવાને બદલે સુકૃતિનાં સીધાં ચડાણ ચડવાનું આપણને બળ આપશે. આપણા જીવનનું તેજ ઝંખવાય, આપણે હીણા દેખાઈએ, આપણા જીવનનો આંક ઊતરી જાય તેવું કેમ કરીએ ? સ્વતેજ ખીલવવામાં, આત્મતેજ વધારવામાં સાચું સ્વમાન છે. પોતાની જાત પ્રત્યે માન પ્રથમ તો આપણે જ સાચવીએ. આપણું સ્વમાન હણાવા માટે અન્ય કોઈ જવાબદાર હોય તે પહેલાં આપણે પોતે જ કેટલા જવાબદાર છીએ તે પ્રથમ વિચારવાનું નહીં ? આપણે જ્યારે કોઈ દુષ્કૃત્ય, અપકૃત્ય કરી નાખીએ ત્યારે આપણે પોતે જ આપણા સ્વમાન પર આઘાત નથી કરતા શું ? મારાથી આ કામ ન થાય એટલે ન જ થાય એવો આગ્રહ કેમ ન રાખીએ ? સત્યાગ્રહનું પ્રથમ કદમ આપણી જાત પર જ ભરવાનું છે. આનું નામ તે સ્વતેજનું જતન, આત્મતેજની જાળવણી.

આપણું સ્વતેજ એટલું પ્રભાવક કેમ ન હોય કે જેથી આપણને કોઈ ખોટું કરવાનું સૂચવવાની હિંમત જ ન કરી શકે ! આ સ્વતેજ અહંકારથી જુદી જ બાબત છે. સ્વમાનની ખરી ખેડ કરવાનું અહીંથી જ આરંભીએ. કાળી-નાગની પૂંછડી સળવળે તે પહેલાં જ એના શીર્ષ પર ચડી જઈએ. એ શિર ઊંચકે તે પહેલાં જ તેનું મર્દન કરીએ. શ્રી કૃષ્ણ વંદે જગતગુરુમને આચારમાં મૂકવાની, વ્યવહારમાં ઉતારવાની આ રીત છે અને તે માટે આ શ્રદ્ધામાંથી બળ મેળવીએ. બળ ન આપે, હિંમત ન આપે, નીડર ન બનાવે તે શ્રદ્ધા નથી. સાચી શ્રદ્ધા તો હિંમતભેર કદમ ઉઠાવવાનું ને સાચી દિશા માટેના શુદ્ધ માર્ગે જવાનું બળ પૂરું પાડે છે.

આપણું ધ્યેય સર્વજનહિતાય, સર્વજનસુખાય માટેની ઉમદા વિચારસરણી અને ભાવસૃષ્ટિમાંથી નિપજેલું હોય અને તે ધ્યેય હાંસલ કરવાની રીત પણ શુદ્ધિપૂર્ણ હોય, ધ્યેય શુદ્ધ હોય પણ માર્ગ અશુદ્ધ હોય તો તેટલે અંશે આપણા તેજમાં એટલી ઊણપ છે, એટલી ઝાંખપ છે. ગમે તે રીત ને ગમે તે ઉપાય અજમાવવામાં-અપનાવવામાં ઉચિતતા નથી. ઉચિત તો એ જ છે જેટલું ધ્યેય ઉત્તમ તેટલી તે સિદ્ધિ તરફ જવાની રીત પણ ઉત્તમ. એનું નામ જ સાચી નીતિ છે, નીતિની ઉત્તમતા આપણા સ્વપ્રેમને – સ્વમાનને દઢ બનાવે છે. પોતાની અસ્મિતા તરફ, પોતાના અવતાર પ્રત્યે આદરભાવ હોય તેમાંથી નીતિરીતિની શુચિતા પ્રગટે છે, સ્વમાનભેર જીવવાની, સ્વગૌરવ સાચવવાની આ પ્રથમ શરત છે.

ગૌરવ અને ગર્વ વચ્ચે ઘણો તફાવત છે. આપણે ગર્વના ઢાળ પરથી, લસરી જઈ આપણું પતન નોતરવાનું નથી, પરંતુ ગૌરવનાં ચડાણ ચડતાં જઈ જીવનની ઊંચાઈ સાધવાની છે. આપણા ગૌરવને હાનિ પહોંચે, આપણી તેજસ્વિતાને આંચ આવે તેવું નાનું અમથું પણ વર્તન ન કરીએ. એ માટે જ આપણા આત્માને જાગૃત રાખીએ, અંતરાત્મા પાસેથી માર્ગદર્શન મેળવીએ, એના આદેશને માન આપીએ.