સોનેરી સવાર – ઉપેન્દ્ર ર. ભટ્ટ
[મોટા માણસોના બાળપણની પ્રસંગકથાઓના પુસ્તક ‘સોનેરી સવાર’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બાપ રે !….સાપ !…..
એનું નામ લિયોનાર્ડો.
ચારેબાજુએ ટેકરીઓથી રક્ષાયેલા વિન્સી નામે ગામમાં એ જન્મ્યો હતો. એટલે એ ‘લિયોનાર્ડો ડા. વિન્સી’ કહેવાયો. લિયોના પિતાજી હતા વકીલ – સર પિટરો એન્ટોનિયો. દીકરો લિયો હતો અતિશય મનોહર, તંદુરસ્ત અને તાકાતવાન. બુદ્ધિશાળી અને બહુમુખી પ્રતિભાવાન. એને જોનાર સૌ કોઈ એની તરફ આકર્ષાતા.
છેક નાનપણથી લિયો વાંસળી વગાડતો. એ વખતે સંગીતના સૂર અને ગીતના શબ્દ એમાંથી એક સાથે નીકળતા; પણ ફક્ત સંગીતથી લિયોને સંતોષ ન હતો. બાળપણથી એનાં મનગમતાં કામ હતાં ચિત્ર ચીતરવાં અને શિલ્પકલાના નમૂના બનાવવા. લિયોનો આત્મા હતો ચિત્રકારનો, કલાકારનો અને કવિનો. લિયો હમેશાં એના પિતાને પોતાને ચિત્રકારને ત્યાં ચિત્રકલા શીખવા મૂકવાનું કહેતો. પણ એ જમાનામાં ચિત્રકારો અને કલાકારો પ્રત્યે લોકો આદરથી જોતા નહિ. આ કારણથી લિયોના પિતાને તો દીકરાને પોતાના જેવો ધીકતા ધંધાવાળો વકીલ બનાવવો હતો, જોકે લિયોએ તો ચિત્રકાર જ થવાનું મનોમન નક્કી કરી રાખ્યું હતું.
લિયો નાનો હતો ત્યારે એક વાર એ પર્વતની ગૂફામાં ભૂલો પડ્યો હતો. તેને તે યાદ આવ્યું એટલે તેણે લાકડાનું એક ફલક લીધું, અને પોતે જે ભયંકર અંધારી ગુફામાં ભૂલો પડ્યો હતો એવી જ ગુફા એણે એ ફલક ઉપર ચીતરી. તે સાથે ગુફાના અંધકારમાંથી કૂદીને, ચિત્ર જોનાર ઉપર તરાપ મારતો, પોતે જોયો હતો તેવો, તગતગતા અંગારા જેવી આંખોવાળો, પહોળાં મોટાં જડબાંવાળો, મોઢામાંથી અગ્નિના ભડકા કાઢતો અને ઝેરી શ્વાસના ફૂંફાડા મારતો બિહામણો નાગ ચીતર્યો. ચિત્ર પૂરું થયું એટલે લિયો એ ચિત્ર જોવા માટે એના પિતાજીને પોતાના ઓરડામાં બોલાવી લાવ્યો. લિયોએ એની કલાસૂઝથી એ ઓરડાની બારી અડધી ખુલ્લી રાખી હતી. ચીતરવા માટે કામમાં લેવાતી ઘોડી ઉપર એણે ચિત્રને એવી રીતે ગોઠવ્યું હતું કે સૂર્યનો પ્રકાશ ભડકાવી દે તેવા નાગ ઉપર પડે.
ઓરડામાં પગ મૂકતાં જ લિયોના પિતાની નજર ઓચિંતી એ ચીતરેલા સાપ ઉપર પડી. એમણે એને સાચો સાપ માની લીધો. એને લાગ્યું કે જાણે કે એ ભયાનક મોટો નાગ પોતાની ઉપર જ તરાપ મારે છે. બાપ તો બીકથી ચમકી ગયો. અને મોટી ચીસ પાડી ઊઠ્યો : ‘બાપ રે !…. સાપ..!’ ભયનો માર્યો એ અવળાં ડગલાં ભરતો ઓરડાની બહાર નીકળવાના બારણા તરફ ભાગ્યો ! એ જોઈ લિયો ખડખડાટ હસી પડ્યો અને કહેવા લાગ્યો : ‘બાપુ ! ગભરાશો નહિ. એ તો મેં ચીતરેલો નાગ છે. મને લાગે છે કે…. હવે મને ઠીક ઠીક ચીતરતાં આવડે છે !’ પિતાજીએ સ્વીકાર્યું કે દીકરાએ ચિત્રકલામાં સારું કામ કરી બતાવ્યું હતું. એ ખુશ થયો. એણે લિયોની એને ચિત્રકલા શીખવા મૂકવાની વિનંતીનો સ્વીકાર કર્યો.
એ પછી એણે તરત જ લિયોને ફલોરેન્સમાંના એ સમયના વિખ્યાત ચિત્રકાર આન્દ્ર ડેલ વેરોક્કી પાસે ચિત્રકલાની તાલીમ લેવા મૂક્યો સને 1470માં. આ સમયે લિયોની ઉંમર અઢાર વર્ષની હતી. ઈ.સ. 1472માં વીસ વર્ષની ઉંમરે તો લિયો – ‘લિયોનાર્ડો ડા વિન્સી’ કુશળ ચિત્રકાર ગણાયો, અને સ્વતંત્ર કલાકાર તરીકે એ કામ કરવા લાગ્યો. લિયોનાર્ડોએ દોરેલાં ચિત્રો લંડન, પેરિસ, ફલૉરેન્સ, મિલાન અને રોમમાં છે. ‘મોનાલીસા’ અને ‘છેલ્લું ભોજન’ લિયોનાં અતિ પ્રખ્યાત ચિત્રો છે. સમય જતાં લિયો કવિ, ગાયક, ચિત્રકાર, શિલ્પી, સ્થાપત્ય-ઘર બાંધવાની કલા જાણનાર, નકશા બનાવનાર, યંત્રશાસ્ત્રી, ફોજી તેમજ નાગરિક ઈજનેર, તત્વજ્ઞાની અને કલા તેમજ વિજ્ઞાનનાં ઘણાંખરાં ક્ષેત્રોમાં અગ્રણી સંશોધક, માર્ગદર્શક બન્યો.
આજ દિવસ સુધી લિયોનાર્ડો ડ. વિન્સી (ઈ.સ. 1452-1519) જેવો પ્રતિભાશીલ માણસ થયો નથી. આજે પણ લિયોનાર્ડો ડા. વિન્સી ‘પૂર્ણપુરુષ’નો આદર્શ મનાય છે, ગણાય છે.
.
[2] નાનામાંથી મોટા
ઉનાળાની લાંબી રજાઓ પૂરી થઈ.
કૉલેજના વર્ગ શરૂ થયા. અધ્યાપકે વર્ગમાં પ્રવેશ કર્યો. તેમની નજર સામે બેઠેલા એક બહુ જ નાના છોકરા ઉપર પડી. એ જુનિયર બી.એ.નો વર્ગ હતો. અધ્યાપકને લાગ્યું કે આટલો નાનો છોકરો એ વર્ગનો હોય નહિ. તેમણે છોકરાને પૂછ્યું, ‘તમે આ વર્ગના છો ?’
‘હા, જી ! હું આ વર્ગનો જ છું.’ છોકરાએ જવાબ આપ્યો.
‘તમને કેટલાં વરસ થયાં ?’ અધ્યાપકે બીજો પ્રશ્ન પૂછ્યો.
‘તેર.’
‘કઈ કૉલેજમાંથી તમે ઈન્ટરની પરીક્ષા પાસ કરી ?’
‘વોલ્ટેરમાંથી, સાહેબ !’
‘તમારું નામ શું ?’
‘સી.વી. રામન.’
વર્ગની આ વાતચીત આખી કૉલેજમાં ફેલાઈ ગઈ. આ નાના પણ ચતુર વિદ્યાર્થી ચંદ્રશેખર વ્યકંટરામનનું નામ સૌથી જીભે રમવા લાગ્યું. અધ્યાપકોએ એને અભ્યાસમાં પ્રેરણા આપી. સી.વી. રામનનો મનગમતો વિષય ભૌતિક વિજ્ઞાન પણ એમના શોખના વિષય સંગીત અને બાગકામ. રામને ભૌતિક વિજ્ઞાનનો વિષય લઈ બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. એમ.એ.માં પણ તેમણે ભૌતિક વિજ્ઞાનનો જ વિષય લીધો.
એક દિવસ રામનના એક સહાધ્યાયીએ એક વૈજ્ઞાનિક સમસ્યા રામન પાસે રજૂ કરી. એ છોકરાને અધ્યાપકો પણ તે સમજાવી શક્યા નહોતા. રામને એનો ઉકેલ બતાવ્યો અને અગ્રગણ્ય દેશીપરદેશી વિજ્ઞાનીઓને પોતાની ઉત્તરની યથાર્થતા વિશે પૂછાવ્યું. વિજ્ઞાનીઓએ રામનના ઉકેલ તરફ ખૂબ સંતોષ દર્શાવ્યો અને એ આખોય પ્રશ્ન સંશોધન લેખરૂપે સંશોધન સામાયિકમાં પ્રગટ કરવા રામનને જણાવ્યું. એ લેખનો સ્વીકાર થયો અને તે પછી રામનના બીજા સંશોધન-લેખો પણ પ્રગટ થતાં ગયાં. હવે રામન એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યાં.
વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે રામનને પરદેશ જવાની ઈચ્છા થઈ, પણ તે માટે સરકારી દાકતરે તેમને સારી તંદુરસ્તીનું પ્રમાણપત્ર આપ્યું નહિ. એટલે રામનને મિત્રોએ નાણાખાતામાં નોકરી લેવા સમજાવ્યા. રામનને એ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવું પડ્યું. અર્થશાસ્ત્ર અને ઈતિહાસ રામન માટે તદ્દન નવા વિષયો હતા, તેમ છતાં રામન આ પરીક્ષામાં પણ સૌથી પહેલા આવ્યા. કેવળ અઢાર વર્ષની ઉંમરે રામનની નિમણૂંક કલકત્તામાં ડેપ્યુટી ઍકાઉન્ટન્ટ જનરલ તરીકે થઈ. પણ રામનનો મુખ્ય રસ તો વિજ્ઞાનમાં હતો, અને વિજ્ઞાનના ઉચ્ચતર અભ્યાસ માટે કલકત્તામાં સગવડ હતી નહિ. એટલામાં કલકત્તામાં એક નવી પ્રયોગશાળા શરૂ થઈ. હવે રામન નવરાશનો બધો સમય ત્યાં ગાળવા લાગ્યા. રામને નાણાંખાતામાં દશ વર્ષ નોકરી કરી તે દરમિયાન તેમના ઘણા સંશોધન લેખો પ્રગટ થતા ગયા, અને રામનને વિદ્વાન વિજ્ઞાની તરીકે વિશ્વમાં સ્વીકૃતિ અને કીર્તિ મળતાં ગયાં.
આ અરસામાં કલકત્તા યુનિવર્સિટીએ વિજ્ઞાનના ઉચ્ચતર વિભાગમાં રામનને ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નીમ્યા. આ સમય દરમિયાન પરદેશની વિજ્ઞાન-સંસ્થાઓએ અને વિદ્યાપીઠોએ રામનને વ્યાખ્યાનો આપવા આમંત્રણ આપ્યાં. રામને તે સ્વીકાર્યાં. રામનને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનસંસ્થાઓના માનદ સદસ્ય બનાવવામાં આવ્યાં. તે ઉપરાંત તેમને ડૉક્ટરેટની માનદ ડિગ્રી પણ અપાઈ. સને 1930માં ડૉ. સી.વી. રામનને વિજ્ઞાનનું નોબેલ ઈનામ મળ્યું. સોળ વર્ષ કલકત્તા યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ રામન બેંગ્લોરમાં ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’માં ભૌતિક-વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાયા. ડૉ. વિક્રમ સારાભાઈએ પણ અહીં રામનની રાહબરી નીચે સંશોધન કાર્ય કરેલું. છેલ્લે રામને ‘રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’માં સેવાઓ આપી હતી.
પ્રકાશના ક્ષેત્રમાં રામનનું સંશોધન એમનું જગતને અતિ મૂલ્યવાન પ્રદાન ગણાય છે. સંગીત, ધ્વનિ, દષ્ટિવિજ્ઞાન, ધાતુઓની સંવાહકતા, ગૅસ અને વરાળના ચુંબકીય ગુણધર્મ વગેરે વિશેનું રામનનું સંશોધનકાર્ય મૌલિક મહત્વ ધરાવે છે. વર્ણક્રમ-વિજ્ઞાનના ક્ષેત્રમાં તો રામને એક નવો જ પ્રદેશ ખુલ્લો કર્યો છે.
.
[3] જોવા જોવામાં પણ ફેર
જોવા જોવામાં પણ ફેર હોય છે. એક જ વસ્તુ અનેક માણસો જોતાં હોય પણ એમાં એકને જે દેખાય છે તે બીજા અનેકને નથી દેખાતું હોતું. ઈટાલીનું પીસા નગર છે. એના મુખ્ય દેવળના પ્રાર્થનાખંડના છાપરામાંથી એક સાંકળ લટકે છે. સાંકળના નીચેના છેડે એક દીવો ટિંગાવેલો છે. દેવળનું બારણું ઉઘાડું હોય, અને પવન વાય ત્યારે એ સાંકળ આમતેમ હાલે છે. પવનની લહર વાતી બંધ થઈ જાય પછી, સાંકળ હાલતી બંધ થાય તે પહેલાં, તેનાં આંદોલનો નાનાં થતાં જાય છે.
હજારો લોકોએ એ સાંકળ પર આ રીતે ઝૂલતા દીવાને જોયો છે, પણ માત્ર સત્તર વર્ષની ઉંમરના એક છોકરા ગેલીલિયોને એમાં કંઈક જુદું દેખાય છે. દીવાનાં આંદોલન સાંકડાં થતાં ગયાં, પણ તે ન બન્યાં ઝડપી કે ન પડ્યાં મંદ. એ છોકરાનું ભેજું વિલક્ષણ હતું. કસોટીએ ચઢાવેલા સત્યને જ એ માનતો. પોતે જે નિરીક્ષણ કર્યું હતું તેની પરખ કરી જોવાનું એણે વિચાર્યું.
એણે એના એક હાથની આંગળીઓ બીજા હાથના કાંડા ઉપર મૂકી, અને પોતાની નાડીના ધબકારા ગણ્યા, અને તે વડે દીવાની સાંકળનાં આંદોલનનો સમય માપ્યો. એની ધારણા તદ્દન સાચી નીકળી. દીવાની સાંકળનું નાનું આંદોલન પણ એના મોટા આંદોલન જેટલો જ સમય લેતું હતું. એણે એની એથી ઊલટી તપાસ પણ કરી જોઈ. પોતે જે રીતે નાડીના ધબકારા ગણીને આંદોલનનો સમય માપ્યો હતો એવી જ રીતે તેણે સાંકળનાં આંદોલનની ગણતરી કરી અને નાડીના ધબકારાનો સમય પણ માપી જોયો. આમ, તેણે વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વનો લોલકનો નિયમ શોધી કાઢ્યો. તરત જ એણે એક નાના યંત્રની શોધ કરી જેના વડે માણસની નાડીના ધબકારાનો સમય માપી શકાય. દાકતરોને એ યંત્ર એટલું બધું ઉપયોગી થઈ પડ્યું કે થોડાક જ સમયમાં આ નાનો ગેલીલિયો ઘણો પ્રખ્યાત બની ગયો.
મોટો થઈને ગેલીલિયો યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રનો પ્રાધ્યાપક થયો. એણે ઘણી મહત્વની શોધ કરી. ગેલીલિયોએ પુરવાર કર્યું કે નીચે પડતાં પદાર્થો નાના હોય કે મોટા તો પણ તે એક સરખા વેગથી જ નીચે પડે છે. ઈ.સ. 1592માં ગેલીલિયોએ થર્મોમીટર શોધ્યું. ઈ.સ. 1608માં તેણે પરાવર્તક ટેલિસ્કોપને સુધારીને સંપૂર્ણ બનાવ્યું. ‘પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે.’ કૉપર્નિક્સના એ સિદ્ધાંતને ગેલીલિયોએ સાચો સાબિત કર્યો. એણે શોધ્યું કે ચંદ્રના પ્રકાશનું કારણ પરાવર્તન છે, અને ચંદ્રની સપાટી પર ખીણો અને પર્વતો છે. સને 1610માં એણે જાહેર કર્યું કે ‘ગુરુ’-જ્યુપિટરને ચાર ઉપગ્રહ છે. એણે સૂર્ય પર કેટલાંક ધાબાં જોયાં અને તે ઉપરથી એણે સૂર્યની ચક્રાકાર ગતિ વિષે અનુમાન કર્યું. તેણે ‘આકાશગંગા’ નું નિરીક્ષણ કર્યું અને તેની ‘તારાઓના સમૂહપથ’ તરીકે ઓળખ આપી.
આ બધી શોધોને કારણે ગેલીલિયો (ઈ.સ. 1564-1642) આજે પણ પ્રથમ પંક્તિનો વિજ્ઞાની ગણાય છે.
[કુલ પાન : 59. કિંમત રૂ. 25. પ્રાપ્તિસ્થાન : બાલચેતન પ્રકાશન. 249, સર્વોદય કોમર્શીયલ સેન્ટર, જી.પી.ઓ. પાસે, સલાપસ રોડ, અમદાવાદ-380001.]
Print This Article
·
Save this article As PDF
ખૂબ જ સરસ પુસ્તક લાગે છે.
પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ખાસ વંચાવવા જેવુ.આવા પુસ્તકો વાંચીને જ ભવિષ્યના સપનાના બીજ રોપાય છે.
મૃગેશભાઈનો આભાર.
નયન
આટલું વિસ્તારથી આજે જાણ્યું-માણ્યું
ધન્યવાદ્
ત્રણેય વાતમ કોમન વાત એ જ રહી કે જિગ્નાસાવૃત્તી અને હકારાત્મક સાચી દીશાના પ્રયત્નો સરવાળે એક માણસને પુર્ણ્ તો બનાવે જ છે પરંતુ જગતની અમુલ્ય જાણકારીનો વારસો પુરો પાડે છે.