સ્મૃતિમાં ઝગમગતાં તુલસીવિવાહના દીવા – રીના મહેતા

દિવાળીના ઘોંઘાટિયા પર્વનાં કેટલાક સૌમ્ય-શાંત સ્વરૂપો મને ગમતાં રહ્યાં છે. જેમકે સાથિયા પૂરવા, દીવા પ્રગટાવવા, આંગણું વાળી પાણી છાંટવું, ઘૂઘરાની કોર વાળવી. બેસતું વર્ષ જાય એટલે આમ તો દિવાળી પૂરી થઈ લાગે. પણ, તે પછીયે ભીતરમાં તુલસીવિવાહના દિવસ માટે તુલસી-માંજર જેનો ઝીણો-ઝીણો રોમાંચ બાકી રહ્યો હોય. હમણાં એક દિવસ કાગળ ઉપર મેં દ્વિજાને તુલસી-વિવાહના દિવસે ખાસ પુરાતો સાથિયો દોરી આપ્યો. તે પછી તુલસી-વિવાહનો અર્થ સમજાવવા માટે મેં એક તુલસીનું કૂંડું, તુલસીની ઝીણી પોપટી-લીલી પાંદડીઓ, શેરડીના ત્રણ સાંઠાનો મંડપ, એની ઉપર તાંબાનું ડોકિયું, તેની નીચે રાધા-કૃષ્ણની મૂર્તિઓ, મૂર્તિ સમક્ષ હારબંધ નવ દીવડા અને છેવટે સાથિયા ઉપર ભગવાનની લાલ કંકુની નાની પગલીઓ – બધું દોરી આપ્યું. સમગ્ર ચિત્ર દોરતાં-દોરતાં મારા મન:ચક્ષુ સમક્ષ એક આખો પરિવેશ અકબંધ – યથાતથ ચિતરાઈ ગયો. મારા મનમાં તુલસીની વિશિષ્ટ સુગંધ અને એકસામટા નવ-દસ દીવાનો પ્રકાશ છવાઈ ગયો.

એકાએક જાણે કે મેં પગની પાની ઊંચી કરી અગાસીની પાળ ઉપરથી ત્રીજે ઘેર ડોકિયું કર્યું, અને પંદર-વીસ વર્ષ પહેલાંની રાતે દસ-અગિયાર વાગ્યે એ વાડામાં ઝાંખા પીળા બલ્બના પ્રકાશમાં બ્રાહ્મણકુટુંબ દ્વારા થઈ રહેલી તુલસી-વિવાહની વિધિ મને દેખાવા લાગી. જોકે હું એ ઝાઝી વાર જોતી નથી ને પછી અગાસીની ખરબચડી લાદી ઉપર મેહુલે ચૂના વડે દોરેલા સુરેખ તુલસી કૂંડાને જોઈ નીચે જતી રહું છું. નીચે તો મારે માટે બધું બહુ રાહ જોતું બેઠું હોય. બપોરનો જ પલાળેલા ચૂના વડે મેહુલે ભગવાન આગળ સાથિયો દોરી દીધો હોય. વળી એમાં કોરા રંગમાં ગુંદર-પાણી ભેળવી રંગ પણ કર્યાં હોય. સાથિયો કરવા સળીમાં રૂ ભેરવવાની ક્રિયામાંયે મને પારાવાર રસ પડતો. સાથિયાની વચ્ચે બે નાની પગલી પણ દોરી હોય. શેરડીના ત્રણ સાંઠાનો મંડપ પણ બની ગયો હોય. એ મંડપમાં સોળે-શણગાર સજી રાધા-કૃષ્ણ જ મુકાતા ! સાથિયા પરની પગલીઓમાં કંકુ ભરીને તેની બરાબર ઉપર કૃષ્ણ ગોઠવાતા. કૃષ્ણ જાણે રાધા સાથે પરણવા જતાં હોય એવો ઉલ્લાસ વ્યાપી જતો.

ઓસરિયા ઉપર દાદીએ એમની લાલ કાચની બંગડીઓના રણકાર સાથે ઘસેલાં ચંદનની આછી સુગંધ મારા બાળ-ચિત્તમાં વ્યાપી જતી. બા જતનપૂર્વક નવ કોડિયાં તૈયાર કરતી. હું પણ આખો દિવસ બધી તૈયારીમાં નાના પગે દોડી-દોડીને મદદ કરતી. ફૂલપાંતરી લઈ આવતી, દરોઈ ચૂંટી દેતી. દાદા શ્લોકોચ્ચાર સહિત પૂજા કરતાં. દાદાની જ લાકડી ઉપર ઢળતા રાખી નવ કોડિયાં હારબદ્ધ મૂકવામાં આવતાં અને છેલ્લે એક ત્રાંબાનું કોડિયું સાવચેતીથી મંડપ ઉપર, શેરડીના ત્રણ સાંઠા વચ્ચે રચાયેલા ખૂણામાં મુકાતું. એ કોડિયું નીચે ન પડી જાય તેની ખૂબ જ કાળજી લેવાતી. જ્યારે એ સળગતું કોડિયું મંડપની નીચે પડી જાય ત્યારે કુટુંબમાં કોઈનું મરણ થાય એવી વર્ષો જૂની માન્યતા. દાદીના મનમાં કોડિયું પડવાની ખૂબ જ ફડક.

પણ, જ્યારે નવ દીવા પ્રગટાવવામાં આવતાં ત્યારે આખો ઓરડો, બધું જ વાતાવરણ ઝળહળ થઈ ઊઠ્યું. મને એ નવ દીવા, મંડપ, મંડપ ઉપરનું ભય પ્રગટાવતું કોડિયું, રંગીન સાથિયો, કંકુ-પગલી, રાધા-કૃષ્ણની ફૂલોથી શોભતી મૂર્તિ – એ આખું દશ્ય બહુ જ ગમતું. પૂજા થઈ ગયા પછી છેવટે આરતીનો સમય થતો. ઘરના અને અડોશપડોશનાં બધાં હાજર રહેતા. દાદા શેરડીના નાના સાંઠામાં ચીરો પાડી એમાં દીવાની વાટ ખોસી સળગાવતા અને મેહુલ પાસે ‘આજ દિવાળી, કાલ દિવાળી, દેવદિવાળીનું મેરિયું’ ગવડાવી આરતી કરાવતા. ત્યારે વાતાવરણ થોડું બોલકું થઈ જતું. પછી એ મેરિયું ઘરનાં બારણાં બહાર ખોસવામાં આવતું. અને પેલાં નવ દીવા ઘરનાં જુદા જુદા ગોખલે, ટોડલે, ઉંબરે અમે ગોઠવી દેતાં. વળી, અગાસીમાં તુલસીના કૂંડાને તુલસીના ચીતરેલાં સાથિયા આગળ ગોઠવવામાં આવતું. બા હાથના પંજા ઉપર સૂતરનો દોરો 365 વાર વીંટાળી, તેને કાપી, તેની જાડી વાટ કરતી. તે દીવો તુલસી પાસે મૂકવામાં આવતો. આ દીવો બહુ મોટો સળગતો. દાદી અચૂક કહેતાં, ‘જો ! જો ! અલ્યા, તુલસીમાતા દાઝી ન જાય !’ પછી અમે ભગવાન આગળ દિવાળીના વધેલાં બે-ચાર તનકતારા સળગાવતાં, પ્રસાદ ખાતાં.’

દાયકાઓથી ચાલ્યો આવતો આ રમણીય ક્રમ મેં પણ ઘણાં વર્ષો માણ્યો. પરંતુ, એકવાર મંડપ ઉપર મુકાતો પેલો દીવો કોઈનીયે ગફલત વિના નીચે પડી ગયો. ‘હાય ! હાય ! દીવો પડ્યો !’ દાદી ફડકભર્યા અવાજે બોલી ઊઠ્યાં. નબળાં હૃદયવાળાં દાદી વારંવાર માંદા પડી જતાં. એમણે કહ્યું : ‘અલી ! જસુ ! આવતી દિવાળીએ હું નહિ હોઉં !’ પરંતુ બન્યું એથી વિપરીત. થોડા જ મહિના પછી એકદમ તંદુરસ્ત એવા દાદા દાદર પરથી અચાનક નીચે પડી ગયા અને અવસાન પામ્યા. બીજી દેવદિવાળીએ તો શોક હતો. બા અને દાદીએ આખું વર્ષ ધોળાં લૂગડાં પહેરી શોક પાળ્યો હતો. નવ-નવ દીવાના અજવાળામાં ઝગમગી ઊઠતો દાદીના ગોરાં કપાળ ઉપરનો લાલ કંકુનો ચાંદલો ખરીને પેલી લાલ કંકુ-પગલીમાં ભળી ગયો હતો. દીવા વિનાના અંધારા જેવા ગળગળા અવાજે દાદીએ કહ્યું : ‘જસુ ! હું નો’તી કે’તી ? દીવો પડે ત્યારે અશુભ થાય છે. તે હું આજ મરું – કાલ મરું જેવી જીવતી રહીને તારા બાપા સાજા-નરવાં બિચારા ચાલ્યા ગયા….!’

પછીનાં વર્ષોમાં દાદા વિના તુલસીવિવાહ થતાં રહ્યાં. ક્રમ એ જ રહ્યો, પણ સાંઠાના મંડપ ઉપર દીવો મૂકતી વેળા બાના હાથ કદાચ વધુ ધ્રૂજી જતાં. કોડિયું બરાબર ગોઠવાયું છે કે નહિ તેની ફરીફરીને ખાતરી કરી લેવાતી. તે પછી પાંચ વર્ષ બાદ ત્રીજે નોરતે દાદી મૃત્યુ પામ્યાં તે પહેલા આગલા તુલસીવિવાહે કોડિયું નીચે તો નહોતું પડ્યું. તે પછીની દેવદિવાળીએ ઘરડાં કાકી મૃત્યુ પામ્યાં. પણ, બાએ દાદીના કહેવા પ્રમાણે એમના મૃત્યુ પછી બીજા જ વર્ષે તુલસીવિવાહનો રિવાજ જ કાઢી નાંખ્યો. આ રિવાજ કાઢી નાંખ્યાનું બધાંને જણાવતી વેળાએ એકસાથે જાણે હળવાશ અને ખાલીપો અનુભવતી હતી. એને થતું : હાશ ! હવે કદી દીવો પડશે જ નહિ. ને એ સાથે જ મૃત્યુની ફાળ પણ ! પછી લાકડીના ટેકે ઢળતાં મુકાતાં નવ કોડિયાંની હાર ફરી કદી પ્રગટી જ નહિ. કેવળ, તુલસી ક્યારે ત્રણસો પાંસઠ તારવાળો મોટો દીવો પ્રગટતો. તુલસી ઉપર એકલા રહી જતાં અને ભગવાન નીચે ગોખલામાં ! સાથિયાની હું બહુ શોખીન, પણ પેલો સળીમાં રૂ ભેરવી આલેખાતો ચૂનાનો સાથિયો મારાથી અમસ્થોયે ચીતરાયો જ નહીં. જૂના કેટલાયે વિધિ-વિધાન-રિવાજને વળગી રહેલી બાએ કૃષ્ણ જન્મોત્સવ જેવા જ સુંદર એવા આ પર્વને કેમ કાઢી નાંખ્યો એવો પ્રશ્ન મને ઘણી વખત થતો રહ્યો.

ભગવાનના ગોખલા સમક્ષ મંડપ નીચે આલેખાતો એ ચૂનાનો છેલ્લો સાથિયો ઘણા વખત સુધી ઝાંખો-ઝાંખો રહ્યો. બા ન હોય ત્યારે પૂજા કરતી વેળા હું એને જોતી અને તેની અડધીપડધી ભૂંસાઈ ગયેલી રેખાઓને મેળવવા મનોમન પ્રયત્ન કરતી. હાથમાં સળી લઈ, રૂ ભેરવી, તેને ચૂનામાં ઝબોળી દોરવા જતી ને ફડક દઈ પેલું કોડિયું જાણે નીચે પડ્યું ને મને નવ-નવ દીવાનો અંધકાર ઘેરી વળતો. પછી તો ચૂનાના શ્વેત રંગની જરાં સરખીયે ઝાંય ન રહી ! રહી કેવળ મનમાં દાદીએ ઘસેલા ચંદનની તુલસીક્યારે થતાં દીવામાં ભળી-મળી જતી પવિત્ર સુવાસ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સોનેરી સવાર – ઉપેન્દ્ર ર. ભટ્ટ
પૂર્ણાભાભી – મંજરી જાની Next »   

10 પ્રતિભાવો : સ્મૃતિમાં ઝગમગતાં તુલસીવિવાહના દીવા – રીના મહેતા

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ.

  મેં ક્યારેય તુલસીવિવાહનુ પર્વ માણ્યુ નથી, માત્ર દેવદિવાળીએ વધેલા ફટાકડા પૂરા કર્યા છે. આજે આ લેખ વાંચીને એવુ લાગ્યુ કે જાણે હું પોતે પણ સાક્ષાત તુલસીવિવાહનો ભાગ બન્યો હોય તેવુ લાગ્યુ.

  રીનાબહેનનો આભાર.

  નયન

 2. Neal (Australia) says:

  જાણે એવુ લાગે કે કંયુકિ સા ભી કભી બહુ થી ના બા અને તુલસી ના હોય……સરસ લેખ..

 3. dilip raval says:

  મનડુ વતન ના ગામે પહોચી ગયુ.
  અમે તુલસી વિવાહ તો નહોતા કરતા પણ આવા જ બીજા ઘણા ઉત્સવ ઉજવાતા જે હવે ભુલાતા જાય છે.

  આ બધા ઉત્સવ ઉજવવા મા જે આનન્દ આવતો હતો તે અત્યારે “ધનજી ભાઈ” ફેકીને કરાતા તમાશા મા ક્યાથી મળે?

  બાળપણ ના સ્મરણ તાજા કરાવી આખ ભીની કરાવવા બદલ રીના બેન નો આભાર માનીયે ટેટલો ઓછો છે.

  દિલીપ રાવલ

 4. ભાવના શુક્લ says:

  એક અતિપ્રાચીન દૈવી પર્વની ઉજવણીનુ મનોહર વર્ણન..એવીજ પ્રાચીન વાયકાઓની સમજ સાથે.

 5. અતુલ જાની (આગંતુક) says:

  સ્મૃતિમાં ઝગમગતાં તુલસીવિવાહના દીવા – પ્રાચીન પર્વની સુંદર રજુઆત. એક વાત મને જે હંમેશા પીડે છે તે એ છે કે આપણે પર્વો અને વ્રતોની સાથે માન્યતાઓની સેળભેળ શા માટે કરીએ છીએ ? દીવો પડી જવાનો ભય આ સુંદર પર્વની ઉજવણીના આનંદનો કેવો કરૂણ રકાસ કરે છે.

  રાંધણ છઠ ને દીવસે રાંધ્યા જ કરવું, સાતમ ને દીવસે ટાઢુ ખાવુ, આઠમને દીવસે ઠાંસી ઠાંસીને ફરાળ ખાઈને ઉપવાસ કરવો, નોમને દીવસે (ખરેખર ઉપવાસ કર્યો જ ન હોય છતા) પારણા કરવા – શું આજના આધુનિક યુગ સાથે આ બધા વ્રતોની વિચિત્ર માન્યતાઓ હાસ્યાસ્પદ અને કરૂણ નથી લાગતી ?

  ક્યાં આપણા વેદો , ઉપનિષદો, ભગવદ ગીતાનું જીવનને ઉર્ધ્વગામી બનાવતું વિજ્ઞાન અને ક્યાં આવી ભ્રામક અને અંધશ્રદ્ધાથી ભરપુર દુઃખદ માન્યતાઓ.

 6. pragnaju says:

  સુંદર —
  તુલસીવિવાહના પસંગોથી હાલના યુગમાં દુનિયાના શ્રેષ્ઠ વનસ્પતિ અંગે વિચાર કરવા પણ પ્રેરણા મળે છે

 7. Dhaval B. Shah says:

  ખૂબ સુન્દર લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.