પૂર્ણાભાભી – મંજરી જાની

બસમાં બેઠી તે જ ઘડીથી વિચારચક્ર ચાલુ થઈ ગયું. જેમ જેમ બસ આગળ ધપતી ગઈ તેમ તેમ હું પાછળ ને પાછળ ભૂતકાળમાં ધકેલાતી ગઈ. બારી પાસેની જ બેઠક મળી હતી. એટલે બારીમાંથી બહારનાં દ્રશ્યો નીરખતી રહી. બસની દિશાથી વિરુદ્ધ દિશામાં દોડતાં વૃક્ષોને નીરખતાં નીરખતાં ક્યારે મારા સ્મૃતિપટ પર ભૂતકાળનાં દશ્યો ઊપસવા માંડ્યાં તેનો મને ખ્યાલ પણ ન રહ્યો.

લગભગ પાંચ વરસ પહેલાં હું તે શહેરથી સાવ જ અપરિચિત હતી. પણ સરકારી નોકરી એટલે વારંવારની બદલીથી ટેવાયેલી ખરી. તેથી જ નવા વાતાવરણમાં ગોઠવાઈ જતાં બહુ વાર ન લાગી. થોડા જ સમયમાં તે સ્થળ સાથેની અપરિચિતતા ઓગળી ગઈ. ત્યાં જ મેં તેમને જોયાં : પૂર્ણાભાભીને. હા, ઓળખાણ કરાવનારે પૂર્ણાભાભી તરીકે જ તેમની ઓળખાણ કરાવેલી. ફક્ત ભાભી નહીં પરંતુ પૂર્ણાભાભી અને લગભગ દરેક જણ તેમને ‘પૂર્ણાભાભી’ આ સંબોધનથી જ ઓળખે.

જરાક દુર્બળ દેહ, ગૌર મોં ને એ ગોરા મોં પર જોનારની નજર તરત જ ખેંચાય એવો જરાક મોટો લાલચટક ચાંલ્લો. હું આજ સુધી નક્કી નથી કરી શકી કે એ ચાંલ્લાથી એમનું મુખ શોભે છે કે એમના મુખ પર ચાંલ્લો શોભે છે ! પૂર્ણાભાભીના મુખ પર વહેલી સવારના ઝાકળબિંદુ-સમું હાસ્ય સદાય ચમકતું, આખોય દિવસ ન હોય ત્યાંથીય કામ શોધી કાઢી સતત કાર્યરત રહેવું તે એમનો સ્વભાવ. છતાંય કામ પૂરું થઈ જતાં સમય રહે તો કંઈક ભરતગૂંથણ કે સીવવાનું લઈને બેસે. ક્યારેક કહેતી : ‘પૂર્ણાભાભી, જરા આરામ કરતાં હો તો….’
એ હસી પડતાં. કહેતાં, ‘જુઓ બેન, કહેનારે કહ્યું છે કે મનગમતું કામ એ આરામ છે. આ ભરવુંગૂંથવું એ મારો શોખ છે. સમય સારી રીતે પસાર થાય અને મનને આનંદ મળે.’ પૂર્ણાભાભીનો જવાબ સાંભળીને હું મૌન થઈ જતી. ખરેખર તો મને પહેલેથી ભરતગૂંથણનો અણગમો. પણ એમનું જોઈને હું પણ તેના પ્રત્યે ધીમે ધીમે આકર્ષાઈ. ઝાઝું ભણેલાં નહીં પણ હાથમાં કરામત એવી કે આપણે વાતો કરતાં રહીએ ને એમણે સુંદર મજાની ડિઝાઈન તૈયાર કરી લીધી હોય. હું ક્યારેક પૂછતી પણ ખરી : ‘તમે આવી સરસ ડિઝાઈન બનાવતાં, આવાં મજાનાં સ્વેટર ગૂંથતાં, ક્યાંથી શીખ્યાં ?’
‘મને નાનપણથી જ શોખ. મારાં મા સ્વેટર ગૂંથવા બેસે કે હું બાજુમાં ઊભી રહી રસથી નિહાળું. પહેલાં તો ફક્ત કુતૂહલ ખાતર એની ઝડપથી ફર્યા કરતી આંગળીઓ, ને ગૂંથાતું જતું સ્વેટર જોયા કરતી. પછી તો ધીરે ધીરે રસપૂર્વક જોઈ રહેતી. પછી તો એ બધી ભાત મગજમાં એવી સચવાઈ ગઈ કે, આજે કંઈક ભરવા કે ગૂંથવા બેસતાં એક ભાત યાદ કરું ત્યાં તો તેની આંગળી પકડીને બીજી અનેક અવનવી ભાત મનમાં ઊપસી આવે છે.’

સમય સરતો ગયો. ને અમારી બદલી ત્યાંથી બીજા સ્થળે થઈ. અમે સામાન સહિત ત્યાંથી નીકળ્યાં તે દિવસે પૂર્ણાભાભીના હોઠ પરના હાસ્યનું સ્થાન આંખનાં આંસુએ લઈ લીધું હતું. હું પણ એમનો સ્નેહ વીસરી ન શકી. સદાય હસતાં, માયાળુ પૂર્ણાભાભી સ્મૃતિપટ પર સદાય છવાયેલાં જ રહ્યાં. ક્યારેક તેમનો પત્ર પણ આવતો કે ક્યારેક કોઈ સંબંધી પાસેથી તેમના સમાચાર સાંભળતી. છેલ્લા છએક મહિનાથી તેમનો પત્ર નહોતો. હું પણ મારા કાર્યોમાં એવી પરોવાયેલી રહી કે તેમનો પત્ર નથી તે વાતે વિશેષ ધ્યાન ન ખેંચ્યું. થોડા દિવસ પહેલાં જ પૂર્ણાભાભીના પતિ સરલભાઈ બિમાર છે તેમ જાણવા મળ્યું. છેલ્લા પાંચ મહિનાથી બિમાર છે. ઉપચાર ચાલુ છે. નોકરી પણ છૂટી ગઈ છે. મન અનુકંપાથી ભરાઈ આવ્યું. ઈશ્વર પણ કેવી કસોટી કરે છે ! ઘણા સમયથી એમને મળવાની ઈચ્છા હતી. હવે તો મળી જ આવું એમ નક્કી કર્યું.

અચાનક બસ એક આંચકા સાથે થોભી ગઈ. તે સાથે જ હું ભૂતકાળનાં સ્મરણોમાંથી વર્તમાનની સપાટી પર આવી ગઈ. મારે ઉતરવાનું સ્થળ આવી ગયું હતું. હાથમાં બેગ લઈ બસમાંથી નીચે ઊતરતાં જ આ સ્થળ સાથેની પરિચિતતા વીંટળાઈ વળી. તેમનું ઘર નજીક જ હતું. મેં ચાલવા માંડ્યું. જેમ જેમ એમનું ઘર નજીક આવતું ગયું, તેમ તેમ પગ ભારેખમ થતા ગયા. કેવાં થઈ ગયા હશે પૂર્ણાભાભી ? આમ તો દરેક પડકારને પહોંચી વળે તેવાં છે. પણ આર્થિક સમસ્યા ઉત્પન્ન થવાની જ. મધ્યમવર્ગીય ઘરમાં ઘરનો મોભી જ પથારીવશ બને ત્યારે શું થાય ? મનોમન ગંભીર થતી હું ઘરમાં પ્રવેશી.

હા, ઘરમાં બીમારીનું વાતાવરણ હતું. પણ એવી ગંભીરતા નહોતી, જે મનને અજંપ કરી દે. એ જ પૂર્ણાભાભી, એમનું હાસ્યભર્યું મુખ, બાળકો સાથે હસતાં, રમાડતાં ભાભી, સરલભાઈને સમયસર દવા આપતાં ભાભી. પૂર્ણાભાભીનું ગરવું, મનોહર સ્વરૂપ જોવા મળ્યું. સરલભાઈના બા-બાપુજી પણ આવેલાં – ઘરમાં એક બાજુએ ભરત ભરવા માટેની સાડીઓ વ્યવસ્થિત ગોઠવેલી જોઈ. કેટલાંક ગૂંથેલાં તૈયાર અને કેટલાંક અર્ધા ગૂંથાયેલાં સ્વેટર પણ ત્યાં હતાં. હું ત્યાં રોકાઈ તે સમય દરમ્યાન મેં જોયું કે બા પણ દરેક કાર્યમાં શક્ય તેટલી મદદ કરતાં હતાં. તેથી મનને સંતોષ અને આનંદ બેઉ થયા. પૂર્ણાભાભી સરલભાઈની અને ઘરની કાળજી રાખતાં હતાં. ત્યારે બા પૂર્ણાભાભીની કાળજી રાખતાં હોય એમ લાગ્યું. ને મારું અંતર હસી ઊઠ્યું.

સરલભાઈની બિમારી વિશે પણ બા પાસેથી જ જાણ્યું. થોડા સમયથી જમણા ખભામાં કળતર થતું હતું. પણ બહુ ધ્યાન ન આપ્યું. પછી એક દિવસ એ હાથ ઊંચો થઈ જ ન શક્યો. પછી તો… દવાઓ, માલિશ. ડૉક્ટર કહે છે – હજુ શરૂઆત છે. કદાચ સારું થઈ જશે. જરા એકાંત મળતાં મેં મૂંઝવણ અનુભવતાં સંકોચવશ પૂર્ણાભાભીને પૂછ્યું : ‘પૈસાની તકલીફ….’
મારું વાક્ય અધવચ્ચે જ અટકાવી દેતાં તે બોલ્યાં : ‘ના, ના, તમે જુઓ છો ને ભરત-ગૂંથણ, સીવણ એ શોખ હતો. હવે આજીવિકા રળવાનું સાધન છે. ને એમાંય આનંદ છે. પાસપડોસીય સારાં છે. કામ મળી રહે છે. પૈસાની તકલીફ નથી.’ એમના સ્વરમાં કોઈનીય સામે હાથ ન લંબાવવાનું ગૌરવ હતું. પણ – એમનો સ્વર જરા ઢીલો થયો. હું ઉત્સુકતાવશ જોઈ રહી. સાંભળી રહી : ‘આ તમારા ભાઈનું દુ:ખ નથી સહી શકતી. એય સહેવાય એટલું સહે છે. કંઈ જ બોલતા નથી. પણ વગર બોલ્યે એ પીડા એમના મુખ પર ઊપસી આવે છે ને મને ખળભળાવી મૂકે છે. પણ મને પ્રભુમાં વિશ્વાસ છે. કાલ એમને સારું થઈ જશે.’ પૂર્ણાભાભી જરા મૌન રહ્યાં. લાગણીનો ઊભરો ઠલવાઈ જતાં સ્વસ્થ થયાં. આ દિવસો પણ વીતી જશે એમ ગણગણ્યાં ને ફરી કાર્યરત થઈ ગયાં.

પૂર્ણાભાભી માટે મને પહેલેથી માન હતું જ. પરંતુ અત્યારે તેમનો પતિ પ્રત્યેની લાગણીથી ગળગળો થઈ જતો સ્વર, તો વળી એ લાગણીને ભીતર ભંડારી દઈ કપરી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવાની ધગશ, હિંમત, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસને એ વિશ્વાસમાંથી ઉત્પન્ન થતો આશાવાદ અનુભવી તેમના પ્રત્યેનાં આદરમાન અનેકગણાં વધી ગયાં. ખરેખર ! જીવન આવી નિર્ભિકતાથી જીવી શકાય તો કેવું સારું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્મૃતિમાં ઝગમગતાં તુલસીવિવાહના દીવા – રીના મહેતા
લેખકની સમસ્યાઓ – નરેન્દ્ર પરમાર Next »   

25 પ્રતિભાવો : પૂર્ણાભાભી – મંજરી જાની

 1. nayan panchal says:

  પૂર્ણાભાભી પ્રત્યે મને પણ ખૂબ જ આદરની લાગણી થઈ. લેખ પરથી ખબર નથી પડતી કે આ સત્ય ઘટના છે કે વાર્તા. જો વાર્તા હોય તો વધુ સારુ, જો સત્ય ઘટના હોય તો તેમના પતિની બીમારી જલ્દી સારી થઈ જાય એવી પ્રભુપ્રાર્થના.

  નયન

 2. Neal (Australia) says:

  મંજરીબૅન ખુબ જ સુંદર લૅખ છૅ…..

  “એ ચાંલ્લાથી એમનું મુખ શોભે છે કે એમના મુખ પર ચાંલ્લો શોભે છે !”…

  પૂણાભાભીનું character ખુબ જ સરસ આલૅખયું છે…..

 3. urmila says:

  nicely written – simple and interesting article describing daily fights of human beings surviving with digniy and lots of love and care from elderly members of the family – Indian cultured family

 4. સુંદર સીધી-સાદી વાર્તા … અને ખુબ સુંદર પાત્રાલેખન … સુક્ષ્મ વાત અને પ્રસંગોની મજાની ગૂંથણી ..

 5. Geetika parikh dasgupta says:

  બહુ સરળ પણ બહુ ચોટદાર વાર્તા …… Manjari Ben Thank you for putting up your efforts on ReadGujarati……

 6. ભાવના શુક્લ says:

  ગૌરવવંતી ગુજરાતી નારી એવા પુર્ણાભાભી નુ પાત્ર ઘણીવાર આસપાસ મા જ જોવા મળી જાય ત્યારે ખુબ ગૌરવ અનુભવાય.
  જેનુ જીવન જ સાદગી અને ઉદ્યમથી ભરેલુ હોય તેને આવતી દરેક નબળી ક્ષણો અંદરથી તુટવા દેતીજ નથી.
  જેનો ઉકેલ પોતાની પાસે છે તેની ચીંતા જ નથી પરંતુ જેનો ઉકેલ પોતાની પાસે નથી તે માટે પણ ઇશ્વર પરની અતુટ શ્રદ્ધા જ હરપળ સહાય રુપ હોય છે. આવા ના જીવનમાથી આનંદ કદી લુપ્ત ના થાય.

 7. અતુલ જાની (આગંતુક) says:

  થોડા શબ્દોમાં સુંદર રજુઆત. સરળ અને સહજ જીવન. નહીં કોઈ હતાશા, નહી કોઈ નીરાશા, સતત પુરૂષાર્થ અને પ્રેરણાદાઈ જીવન. આજે ઘરે ઘરે પૂર્ણાભાભીની આવશ્યકતા છે અને જેને આવી પુર્ણા જીવનસંગિની તરીકે મળી જાય તેનું જીવન મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સરલતાથી પસાર થઈ જાય.

 8. pragnaju says:

  પુર્ણાભાભી -પ્રેરણાદાયી પાત્રાલેખન-“પતિ પ્રત્યેની લાગણીથી ગળગળો થઈ જતો સ્વર, તો વળી એ લાગણીને ભીતર ભંડારી દઈ કપરી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવાની ધગશ, હિંમત, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસને એ વિશ્વાસમાંથી ઉત્પન્ન થતો આશાવાદ અનુભવી તેમના પ્રત્યેનાં આદરમાન અનેકગણાં વધી ગયાં. ખરેખર ! જીવન આવી નિર્ભિકતાથી જીવી શકાય તો કેવું સારું.” ખૂબ સુંદર
  ધન્યવાદ્

 9. Nilesh Bhalani says:

  Amazingly suppoerb story, thanks for recomandation its very supperb.

 10. Rajesh says:

  નારી તું નારાયણી – આ કહેવત સાર્થક કરે છે પૂર્ણાભાભી નું પાત્ર. નારી સાચે જ સહનતાની મૂર્તિ હોય છે.

 11. Pinki says:

  પૂર્ણાભાભી આપણા જ પાડોશી હોય તેવી સહજતાથી
  પાત્રચિત્રણ કર્યું છે. ……. સુંદર કથાનિરૂપણ

 12. Dhaval B. Shah says:

  પ્રેરણાદાયી લેખ.

 13. Rajni Gohil says:

  મંજરીબૅને પૂર્ણાભાભીના જીવન દ્વારા કુટુંમ્બની સમસ્યાનું સુંદર નિરુપણ કર્યું છે. પૂર્ણાભાભીનો આત્મવિશ્વાસ દાદ માગી લે તેવો છે. પોતાના પર અને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય પછી ચિંતા રહે જ કેવી રીતે? God helps those who help themselves. હિંમતે મર્દા તો મદદે ખુદા એનું આ સુંદર ઉદાહરણ છે.

  આપણે ઇચ્છીએ કે દરેક સ્ત્રી જરૂર પડ્યે પૂર્ણાભાભીની મફક પોતની લાગણીઓને ભીતરમાં ભંડારી દઈ કપરી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવાની ધગશ અને હિંમત રાખી પ્રભુ પ્રત્યેના વિશ્વાસને વધારી એ વિશ્વાસમાંથી ઉત્પન્ન થતો આશાવાદ અનુભવી કઠોર પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી જીવન પૂર્ણાભાભી ની માફક નિર્ભિકતાથી જીવી શકે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.