લેખકની સમસ્યાઓ – નરેન્દ્ર પરમાર

ઘણી વાર હું છાપામાં વાંચું છું, ફલાણા નિર્માતાએ ત્રણ વરસ પહેલાં શરૂ કરેલી ફિલ્મ હમણાં રિલીઝ થઈ. મને તેથી જરાય નવાઈ નથી લાગતી. મારા કેટલાક લેખ પણ બે વરસે રિલીઝ થતા (છપાતા) હોય છે. આ સમસ્યા મારી એકલાની નથી પણ ઘણા લેખકોની છે. થોડા દિવસો પહેલાં એક સામાયિકમાં મેં એક હાસ્યલેખ વાંચ્યો. એ વાંચતાં મને થયું કે આ લેખ મેં પહેલા ક્યાંક વાંચ્યો છે. હું યાદ કરવા લાગ્યો. મને કંઈ યાદ ન આવતાં મેં એના લેખકનું નામ વાંચ્યું. ત્યાં મારું નામ વાંચીને હું ચમકી ગયો. મને ધીમે રહીને યાદ આવ્યું, આ લેખ મેં વરસ પહેલાં લખ્યો હતો જે અત્યારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે.

હું એ સામાયિક લઈને મારા એક લેખકમિત્રના ઘેર ગયો. અમારા ગ્રૂપના લેખકમિત્રો અવારનવાર એકબીજાને મળીએ છીએ અને આવી માહિતીઓની આપ-લે કરતા રહીએ છીએ. આ લેખકમિત્રે અલગ અલગ સામાયિકોનાં સરનામાવાળાં સાત કવર અને છ જવાબી કવર તૈયાર કર્યાં હતાં. મને નવાઈ લાગી, એ સાત લેખો એકસાથે રવાના કરે છે ? પરંતુ હકીકત જુદી હતી. બિલાડી એના બચ્ચાંને લઈને સાત ઘર ફરે ત્યારે એનાં બચ્ચાંની આંખો ખૂલે છે તેવી માન્યતા છે. આવી માન્યતા આ મિત્ર પણ ધરાવતા હતા. એમનો લેખ સાત સામાયિકના સંપાદકો પાસે જાય પછી જ એ લેખ ક્યાંક છપાય છે. આવું જણાવતાં એમણે સ્પષ્ટતા ન કરી, એમનો લેખ સાત સંપાદકો પાસે પહોંચે પછી કોની આંખો ખૂલે છે ! લેખકની કે સંપાદકની ?

એ મિત્રે જવાબી કવર સાથે એ લેખ એક સંપાદકને રવાના કર્યો. એ લેખકને ગળા સુધી ખાતરી હતી, મારો આ લેખ છ સામાયિકમાં નાપસંદ થવાનો છે. તેથી તેને અન્યત્ર રવાના કરવા માટેનાં છ કવરો અને એને પરત મેળવવા માટેનાં જવાબી કવરો પણ અત્યારથી તૈયાર કરી રાખ્યાં હતાં. આ દરેક કવર ઉપર વીસ રૂપિયાની ટિકિટ લગાવેલી હતી. એ જોતાં એકસો સાઠ રૂપિયાનો ટપાલખર્ચ આ મિત્રએ કર્યો હતો. ઘણા લેખકો આ રીતે પેનની સાથે પોતે પણ ઘસાઈ જતા હોવા છતાં મોટા ભાગના સામાયિક કે સંપાદકશ્રીઓ એમને પુરસ્કારરૂપે રાતી પાઈ પણ ચૂકવતા નથી કે વિનામૂલ્યે અંક પણ મોકલતા નથી.

અમે લેખકમિત્રો એક વાર મળ્યા ત્યારે આ બાબતે ચર્ચા નીકળી. એકે પૂછ્યું : ‘સંપાદકનું કાર્ય સંપાદન કરવાનું છે, આપવાનું નહિ. એટલે !’ પરંતુ અમારામાંના એક લેખકમિત્રને એનો લેખ છપાયાનો અંક અને પુરસ્કાર બંને મળ્યા. એ ખુશાલીમાં એણે અમને હોટલમાં ડિનર-પાર્ટી આપી. એના બિલ પેટે એણે ચારસો રૂપિયા ચૂકવ્યા. એ જોઈને મને થયું, એને મોટી રકમનો પુરસ્કાર મળ્યો લાગે છે. એની પૃચ્છા કરતાં જાણવા મળ્યું, એ પુરસ્કાર બસો પચીસ રૂપિયાનો હતો. ઘણા લોકો લેખકોનો ઉલ્લેખ દિવાના તરીકે કરે છે એ આવાં કારણોને લીધે જ હશે. બાકી કયો ડાહ્યો માણસ બસો પચ્ચીસ રૂપિયાનાં પુરસ્કાર મળવાની ખુશાલીમાં ચારસો રૂપિયા ખર્ચી કાઢે ? મારા એક સંબંધી આ હકીકતથી અજાણ હતા. એમણે મને એક વાર પૂછ્યું હતું :
‘લેખકોનો ધંધો સારો છે નહીં ? એમાં તમને લોકોને કેટલું મળે ?’ એ વડીલને હું ક્ષણભર તો તાકી જ રહ્યો. એ અમને કેટલું મળે એવું વિચારે છે જ્યારે અમે લેખકો તો એવું વિચારીએ છીએ કે અમને આમાં શું મળે ? (સંપાદકોના અસ્વીકૃતિના ફરફરિયાં અને ક્યારેક થોડીક તાળીઓ, એ પણ ઓળખીતાઓની; જે અમારી બે આંખોની શરમને કારણે પાડતા હોય છે.)

એક નવોદિત લેખકના પુસ્તકના વિમોચન પ્રસંગે અમે મિત્રો ભેગા થયા હતા. જેનું પુસ્તક પ્રસિદ્ધ થવાનું હતું, એ લેખકમિત્ર પોતાનું પુસ્તક પ્રસિદ્ધ થયાને કારણે બહારથી ખુશ દેખાતા હતા. પરંતુ અંદરથી દુ:ખી લાગતા હતા. મેં એની નાખુશીનું કારણ પૂછ્યું ત્યારે એ બોલ્યા હતા; ‘આ પુસ્તક પ્રસિદ્ધિ કરવા માટે મારે આ પ્રકાશકને પૂરા દશ હજાર રૂપિયા આપવા પડ્યા છે. આ રીતે દશ હજાર રૂપિયા ખર્ચતાંય દશ હજાર તાળીઓ મને સાંભળવા નથી મળી.’ એના આવા દુ:ખમાં ઘણા લેખકો સહભાગી છે એવા વિચારે હુંય થોડોઘણો દુ:ખી થયો. એણે ‘કીડી સંચરે અને તેતર ખાય’ની કહેવત ટાંકતાં નવોદિત લેખકોની કીડી સાથે અને પ્રકાશકોની તેતર સાથે સરખામણી કરી. કૉલેજોમાં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરોનું રેગિંગ કરે છે. એવું આ પ્રકારનું રેગિંગ કેટલાક લેખકોનું થતું જોવા મળે છે. લેખકનું આ રીતે રેગિંગ થાય એ પહેલાં એના લેખોનું સંપાદક દ્વારા કડક ચેકિંગ થાય છે. કોઈ સંપાદકના ટેબલ ઉપર નવોદિત લેખકનો લેખ આવી ચડે ત્યારે મંદિરના પરિસરમાં આતંકવાદી ઘૂસી આવ્યો હોય એવી અનુભૂતિ કદાચ એ સંપાદકને થતી હશે. પોલીસ એ આતંકવાદીનાં કપડાં ઉતારીને એનું ચેકિંગ કરે છે એવા જ પ્રકારનું ચેકિંગ કરીને સંપાદકો લેખને પસંદ કે નાપસંદ કરતા હશે.

નિર્મિશ ઠાકરે એક હાસ્યલેખમાં આ વિષે લખ્યું છે. એક સંપાદક વિવિધ લેખો પસંદ કરવા માટે એક રીત અપનાવતા હતા. પોતાની આંખો બંધ કરીને આવેલા બધા લેખોને એ પોતાના ટેબલ ઉપર ઉછાળતા હતા. જે લેખ ટેબલ ઉપર પડે તેને પસંદ કરતા અને નીચે પડે તેને નાપસંદ કરતા. એ સિવાય મને કેટલાક મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઘણા સંપાદકોના વર્કિંગ ટેબલ ઉપર કાગળિયે ચીતરેલું એક ટેબલ હોય છે. જેમાં લેખકોને એ, બી, સી અને ડી એમ ચાર ગ્રૂપમાં વહેંચેલા હોય છે. એ સંપાદક ઉપર કોઈ લેખકનો લેખ આવે ત્યારે સંપાદક લેખ જોતાં પહેલાં એ લેખક ક્યા ગ્રૂપનો છે તે જુએ છે. જો એ લેખક ‘એ’ ગ્રૂપનો હોય તો એનો લેખ વાંચ્યા વિના પસંદ કરી દે છે. જો એ ‘બી’ કે ‘સી’ ગ્રૂપનો હોય તો એનો લેખ વાંચીને થોડું સમાર્જન શક્ય હોય તો કરવાની શરતે સ્વીકારે છે અન્યથા અસ્વીકાર કરે છે. પરંતુ એનું નામ આ યાદીમાં ન હોય કે ગ્રૂપ ‘ડી’માં હોય તો લેખનો વાંચ્યા વિના અસ્વીકાર કરી દે છે.

એક લેખકમિત્ર આવાં કારણોને લીધે સંપાદકને ‘લેખકની સાસુમા’ તરીકે ઓળખવા લાગ્યા છે. ‘કોઈ સાસુને ચાર વહુઓ હોય પણ એમાંની બે વહુઓ તો એમને અણમાનીતી હોવાની જ. બિચારી એ વહુઓ ગમે તેટલું સારું કામ કરે તો પણ સાસુમા વાંધાવચકા કાઢે જ.’ ‘સંપાદકોય એવા જ.’ કહેતાં એ ઢીલો થઈ ગયો; પછી બોલ્યો; ‘આવી સાસુઓ ક્યાંક ભેગી થાય તો બોલે, જવા દો ને આજકાલની વહુઓ તો…. એમ આ સંપાદકો ક્યાંક ભેગા થાય તો બોલવાના, જવા દો ને આજકાલના લેખકો તો…. એ સાસુઓ ભૂલી જ જાય છે કે પોતે ક્યારેક વહુ હતી. એમ આમાંના કેટલાક સંપાદકોય ભૂલી જાય છે કે પહેલાં આપણેય માત્ર લેખકો હતા.’ મોટા ભાગે લેખકો ભગવાનના પરમભક્તો હોતા નથી. છતાં એક લેખક ભગત જેવો બનીને ભગવાનની ખૂબ જ ભક્તિ કરવા લાગ્યો. કોઈને એનું કારણ જણાવતાં એણે કહ્યું : ‘ભગવાનને મારે પ્રસન્ન કરીને એમની પાસે એક વરદાન માગવું છે કે તું મને એક એવો સંપાદક મેળવી આપ, જે મારા લેખોને પસંદ કરતો રહે.’ આ કારણે ઘણા લેખકો સુંદર લેખ લખવાને બદલે સંપાદકને સુંદર પત્ર લખતા હોય છે. આવા એક લેખકમિત્રએ લખેલો એક પત્ર મારા હાથમાં આવ્યો.

‘માનનીય સંપાદકશ્રી,’ એણે માનનીય શબ્દ ખૂબ જ ભારપૂર્વક લખ્યો હતો. સંપાદકને મસકો મારવાની આ એક સારી શરૂઆત છે. એ સંપાદકે અગાઉ એ જ લેખકના ઘણા લેખો નાપસંદ કર્યા હોય છે. તેથી લેખક માટે એ માન આપવા લાયક વ્યક્તિ હોતી નથી છતાં એને આવું લખવું પડે છે. આવું દરેકના જીવનમાં બને છે. કોઈ વડીલને સંબોધવાના હોય ત્યારે એ આદર આપવાને જરાય લાયક ન હોય છતાં કહેવું પડે છે કે લખવું પડે છે, આદરણીયશ્રી. આવું મરનાર વ્યક્તિની બાબતમાંય છે. કોઈ સજ્જન મરે કે ગુંડો મરે, બંનેના નામની આગળ સ્વર્ગસ્થ લખાય છે. ગુંડો નરકમાં જવાનો છે એની ખાતરી હોવા છતાં એના નામની આગળ નર્કસ્થ લખવાને બદલે સ્વર્ગસ્થ જ લખાય છે. પત્રમાં આગળ લખ્યું હતું : ‘નમસ્કાર’. (મારા હાથ મોકલાતા હોત તો નમસ્કાર કરવા મોકલાવત !) આ રીતે પત્રમાં હાથ મોકલી શકાતા નથી એ સંપાદકો માટે સારું છે. નહીં તો એ લેખ નાપસંદ કરત તો હાથ એમને થપ્પડ મારત ને ? મનમાં મલકાતા હું આખો પત્ર વાંચી ગયો હતો. એ પત્ર વાંચતા મને ખ્યાલ આવ્યો કે લેખકો કેટલા બધા સહનશીલ હોય છે. સંપાદકોના અસ્વીકૃતિના પત્રો આવવા છતાં એ નાસીપાસ થતા નથી. પોતાનું જાળું બનાવતાં પેલો કરોળિયો માત્ર સાત જ વાર પડ્યો હતો. પણ બિચારા કેટલાક લેખકોને સાતસો વાર પડવું પડે છે. છતાં એ હિંમત હારતા નથી.

આવો એક લેખક વર્લ્ડ રેકોર્ડની નોંધણી કરતી ઑફિસમાં ગયો. પોતાનો લેખક તરીકેનો પરિચય આપતાં તેણે કહ્યું : ‘છેલ્લાં ત્રણ વરસમાં મારા બસોથી અઢીસો જેટલા લેખો વિવિધ સામાયિકોના સંપાદકોએ નાપસંદ કર્યા છે. જેના સૌથી વધુ લેખો નાપસંદ થયા હોય તેવા લેખક તરીકેનો રેકોર્ડ તમે મારા નામે કરી નાંખો.’ ત્યાં બેઠેલો કર્મચારી એ લેખકને વિચિત્ર નજરે તાકી રહ્યો હતો. આ લેખકે આટલા બધા લેખો લખ્યા છે તો એ ‘લખતાં લહિયો થાય’ કહેવત મુજબ લહિયો થયો છે ? એને શું ખબર કે ઘણા લોકોને આ લાગુ પડતું નથી.

કેટલીક વખત લેખકને પોતાની ઉદારતા પણ સમસ્યારૂપ લાગતી હોય છે. એક સામાયિકે અપીલ કરી હતી, ‘આ સામાયિકને ચેતનવંતું રાખવા માટે આપ ઉદાર હાથે દાન કરશો.’ એક લેખકે આનાથી પ્રેરાઈને આ સામાયિકને પોતાના ચાર લેખોનું દાન કર્યું, જેનો સંપાદકશ્રીએ સહર્ષ અસ્વીકાર કરતાં પત્ર લખ્યો હતો. ‘કોઈનંર આવું દાન સ્વીકારવાની પ્રથા આ સામાયિકની નથી. મહેરબાની કરીને આપ ફરીથી આવું દાન મોકલશો નહીં. આભાર.’ લેખકો તેમ છતાં એવા દઢ મનોબળવાળા હોય છે કે આવું દાન અસ્વીકૃત થયાની પરવા કર્યા વિના કરતા જ રહે છે. બે દિવસ પહેલાં મને એક લેખકમિત્ર ભટકાઈ ગયા. એમણે પોતાની ઉપર આવેલા સંપાદકશ્રીના બે લીટીના ફરફરિયાથી સર્જાયેલી રમૂજની વાત કરી હતી.

‘આજે મારી ઉપર સંપાદકની બે લીટીનાં બે ફરફરિયાં આવ્યાં હતાં. એમાં એક ફરફરિયું મારી બાના હાથમાં આવ્યું. એમાં લખ્યું હતું, તમારી કૃતિને અમે નાપસંદ કરી છે. આ લીટી વાંચીને મારી બાએ તો પોક મૂકી. મૂઆ લોકોય કેવા થઈ ગયા છે. પહેલાં તો લોકો પારકાની છોકરી નાપસંદ આવે તો એ વાત છોકરીનાં માબાપને ખાનગીમાં કહેતા હતા. પણ અત્યારના તો એ સમાચાર કાગળમાં લખતા થઈ ગયા છે. મારી બાને થોડીક ગેરસમજ થઈ હતી. મારા મોટા ભાઈની દીકરીનું નામ કૃતિ છે. એ પરણવાલાયક થઈ હોવાથી એક સારા ઘરનું માગું આવ્યું હતું. મારી બા આ ફરફરિયું વાંચીને એવું સમજ્યાં હતાં કે એ લોકોએ અમારી કૃતિ દીકરીને નાપસંદ કરી છે. મેં એમને હકીકત જણાવી ત્યારે એ ખૂબ હસ્યાં. એ જ વખતે મારી એક બીજી ટપાલ પણ હતી. પરંતુ ટપાલી એને મારા ઘેર નાંખવાનું ભૂલી ગયો હતો. થોડે આગળ ગયા પછી એના હાથમાં મારી બીજી ટપાલ આવી. એ મારા ઘેર પાછો આવતો હતો ત્યાં મારા બાપુજીને જોતાં એ ટપાલ એમને આપી દીધી. એ પત્રમાં લખ્યું હતું, ‘તમારી કૃતિને પસંદ કરવામાં આવી છે.’ મારા બાપુજી તો રાજીના રેડ થઈ ગયા. એમને એમ લાગ્યું કે એ લોકોએ અમારી કૃતિ દીકરીને પસંદ કરી છે. એ ત્યાંથી સીધા બજારમાં ગયા અને એક કિલો પેંડા લઈને ઘેર આવ્યા હતા !

એ મિત્ર વાત કરતાં કરતાંય મારી સાથે હસતો હતો. એ જતાં જતાં બોલ્યો : ‘મારી કૃતિ વાંચીને કોઈ સંપાદક એને પસંદ કરે અને પછી વાચકો હસે કે ન હસે, પણ મારા ઘરમાં એને કારણે હાસ્યની છોળો ઊડે છે તેથી જ મેં તો નક્કી કર્યું છે કે હું કંઈ ને કંઈ લખતો રહેવાનો.’ એના ચહેરા ઉપર પોતાના લેખને કારણે મળતા નિર્દોષ હાસ્યના ઉછાળાને હુંય પ્રફુલ્લિત ચહેરે જોતો રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૂર્ણાભાભી – મંજરી જાની
અપ્રસન્ન દાંપત્ય – રમેશ જોશી Next »   

9 પ્રતિભાવો : લેખકની સમસ્યાઓ – નરેન્દ્ર પરમાર

 1. Neal (Australia) says:

  ખુબ સુન્દર હસ્ય લેખ છે…

 2. nayan panchal says:

  સરસ લેખ.

  મજા આવી ગઈ.

  નવા લેખકો આ વાંચીને ગભરાઈ ન જાય તો સારું…

  ખરેખર, એવુ લાગે છે કે ગુજરાતી સાહિત્ય લેખકોની બરાબર કદર નથી કરતુ. નહિતર જીવરાજ દાદા કરોડપતિ હોત…

  નયન

 3. મજાનો લેખ . … 🙂

 4. pragnaju says:

  મઝાની રમુજો …
  કેટલીક અનુભવી પણ છે!

 5. Ashish Dave says:

  Nice article. There is always an initial struggle in any field but things change over time with persistence.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.