અદ્દભુત છે આ માતાઓ – અવંતિકા ગુણવંત

ઈન્ડિયાથી બોસ્ટન જતી વખતે એમ્સટર્ડમ પાંચ કલાકનો હોલ્ટ હતો. હું નિરાંતે ફરીને એરપોર્ટ જોતી હતી. ત્યાં એક બુક શોપ પર બેન્જામીન સાથે ઓળખાણ થઈ. એ સાહિત્યમાં રસ ધરાવતા હતા. વિશ્વસાહિત્યની શિષ્ટ કૃતિઓ વાંચેલી, ટાગોર અને રજનીશ વિશે પોતાનો અભિપ્રાય આપીને ભારતીય સંસ્કૃતિ વિશે એ મારી સાથે ચર્ચા કરવા લાગ્યા. મનેય રસ પડ્યો અને શાંતિથી વાત થઈ શકે માટે અમે ફરવાનું મૂકીને રેસ્ટોરાંમાં જઈને બેઠાં. થોડી અંગત વાતો થઈ. બેન્જામીનને મેં કહ્યું કે મારી દીકરી ભણે છે, જૉબ કરે છે અને એને નાનો દીકરો છે તેથી મદદ કરવા હું બોસ્ટન જાઉં છું.
તો તરત મને કહે : ‘તમારી દીકરી અને એના વરે એમનાં કામ ગોઠવવાં જોઈએ, તમારે શું કામ જવાનું ? એમની જિંદગી એમને સંભાળવા દો.’
‘હું હોઉં તો એમને દીકરાની ચિંતા ન રહે, ઘેર આવે તો તૈયાર રસોઈ મળે. અમારી રસોઈ સહેજે કલાક દોઢ કલાક માગી લે, ઘરનાં અન્ય કામો જાતે કરવામાં એમને યંત્રવત દોડધામ કરવી પડે, જીવનની મઝા જ જતી રહે. હું હોઉં તો દીકરી-જમાઈને રાહત રહે.’
‘તમારી દીકરી જીવનની મઝા માણી શકે માટે તમે તમારાં ઘરબાર, પતિને છોડીને મહિનાઓ સુધી પરદેશમાં પડી રહેશો. તમારી જિંદગી ભૂલી જશો ?’
‘ઘરબાર અને પતિથી દૂર રહું એટલે જિંદગી ભૂલી જવાય એવું મને તો નથી લાગતું. જિંદગીમાં એક નવો વળાંક આવ્યો છે, એક નવો રંગ જોવા મળ્યો છે, હું ને મારા પતિ અમારું બદલાયેલું જીવન માણીએ છીએ. અમારું સંતાન સુખેથી જીવે, એને તકલીફ ન પડે એ જ અમારો ઉદ્દેશ છે અને એ પાર પડે છે એથી આનંદ છે.’

આ સાંભળીને બેન્જામીન બોલી ઊઠ્યો : ‘અદ્દભુત હોય છે આ માતાઓ. સ્ત્રી મા બને એટલે સંતાન જ એના માટે સર્વોપરી બની જાય છે. જુઓને મારી બા. મારા બાપ એક જુલમી પતિ હતા. એ બહુ મહાત્વાકાંક્ષી હતા. એમને પદ, પૈસો, પ્રતિષ્ઠા બધું બેસુમાર જોઈતું હતું. એ બધું પ્રાપ્ત કરવા એમણે બહુ ધમપછાડા કર્યા, પણ ધાર્યા પ્રમાણે મેળવી શક્યા નહીં તો, નિરાશ થઈ ગયા. બાવરા બની ગયા. એમની હતાશા ગુસ્સારૂપે મારી મા પર ઠલવાય. એ માને ઘાંટા પાડે, માનું અપમાન કરે, હાંસી ઉડાવે, લાચાર પાડે અને છતાંય મા જો ટટ્ટાર ઊભી રહી હોય તો મારે, મારી મા ચીસો પાડે, રડે ત્યારે જ એ જંપે.

અમે ત્રણે ભાઈઓ એક ખૂણામાં ઊભા ઊભા ધ્રુજીએ. બાપ દૂર જાય પછી માને વળગીને રડીએ, પણ મારી બા અમને રડવા દે ? જરાય નહીં. એ તો અમને છાતી સરસા ચાંપીને એવી રીતે વાતો કરે કે અમારે રડવા જેવું કશું બન્યું જ નથી. બાપનો વર્તાવ તદ્દન સામાન્ય વાત હોય એમ એ વિશે તો એક અક્ષરે ન ઉચ્ચારે. એ પરીની વાત કરીને અમને બીજી જ દુનિયામાં લઈ જાય, ગીતો ગાય ને વાતાવરણ સાવ હળવું બનાવી દે. એ અમારી સાથે રમેય ખરી. ત્યારે અમને ખબર ન હતી પડતી કે મા એના હૈયા પર કેવડો મોટો પથ્થર મૂકીને હૈયામાં ઊઠતું આક્રંદ દબાવી દેતી હશે. સંતાનો ખાતર એ કેટકેટલું દુ:ખ પચાવતી હશે. અને આ કોઈકવાર બનતી ઘટના ન હતી, રોજેરોજ મારા બાપ કોઈને કોઈ તોફાન કરતા જ, કોઈકવાર દિવસે, કોઈકવાર રાત્રે. એમને કોઈ દયા-માયા ન હતી. શરમ-સંકોચ ન હતાં. મારી માની સતત રિબાણી અને શોષણ થયા જ કરતું. બરાબર પંદર વર્ષ મારી માએ આ બધું સહન કર્યું. અમે ત્રણ ભાઈઓ મોટા થયા, સમજણા થયા ત્યાં સુધી મારી મા ધીરજ રાખીને સહન કરતી રહી. એ મરી નહીં કે પાગલ ન થઈ ગઈ. અંદરથી એ કેટલી મજબૂત હશે. અમારે માટે એને કેટલો પ્રેમ હશે ! અમે સમજણા થયા પછી એણે છૂટાછેડા લીધા. અને નવાઈની વાત તો જુઓ, સંસારમાંથી એને જરાય રસ ન હતો ઊડી ગયો. એણે ફરી લગ્ન કર્યા. એ તો કહે છે કે, જીવન જીવવા માટે છે, રડી રડીને પાયમાલ કરવા નહીં. જીવનને ખીલવા દેવાનું. પાંગરવા દેવાનું. અમે નાના હતા, ત્યારે બાળકને જીવનમાં બાપની જરૂરત છે, એમ એ સમજતી હતી. કદાચ મારા બાપ સમજી જાય, સુધરી જાય એ આશાએ માએ રાહ જોયા કરી, પણ બદલાવ ન આવ્યો તો છૂટી થઈ ગઈ.

એણે ફરી એકવાર એના જીવનને સંવારવા લગ્ન કર્યાં. એને એક દીકરી થઈ. દીકરી મંદબુદ્ધિની અને શારીરિક રીતે ખોડવાળી હતી. એ છોકરી નોર્મલ બની શકે એવી કોઈ શક્યતા ન હતી. મારી માના નવા વરે એ છોકરીને કોઈ સંસ્થામાં આપી દેવાનું કહ્યું. માએ ના પાડી તો એ સજ્જન કહે, આ બાળકી આપણને જિંદગી નહીં ભોગવવા દે. એનો ભાર વેંઢારવાની મારી શક્તિ નથી, ને ઈચ્છાય નથી. આવી છોકરી માટે મને હેત નહીં ઊપજે. ત્યાં ફરી એકવાર માતૃત્વનો વિજય થયો. મારી માએ છૂટાછેડા સ્વીકારી લીધા. અત્યારે મા એ છોકરીની સાથે નાના એપાર્ટમેન્ટમાં રહે છે. એ છોકરી સંપૂર્ણપણે મા પર આધારિત છે, ખાવું, પીવું, નાહવું, કપડાં પહેરવાં, એ મા સિવાય કોઈને ઓળખતી નથી. માને ન જુએ તો સંકોચાઈને કોકડું વળીને પડી રહે. શરૂઆતમાં મને માનું હૈયું સમજાયું ન હતું. હું કહેતો મા આ છોકરીનું તું ગમે એટલું કરે, બધું નકામું છે, શું કામ તેં એકલે હાથે આની જવાબદારી લીધી ? ત્યારે મારી માએ શું કહ્યું તમને ખબર છે ? એ કહે, કારણ કે હું એની મા છું. દીકરીને મારી જરૂર છે, મારે એની. ત્યારે મારા મનમાં થતું કે અમે સમજણા થયા પછી માએ શું કામ અમને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધા ને ફરીથી લગ્ન કરી લીધાં ? મા સ્વાર્થી છે – આવા વિચારોથી મેં મા સાથેનો સંબ્ંધ કાપી નાખ્યો.

હું એને કાગળ ન લખતો, ફોન ન કરતો. પણ મા ક્રિસમસમાં મને ‘મેરી ક્રિસમસ’ અને ‘હેપી ન્યૂ યર’નું કાર્ડ મોકલતી. મારી વર્ષગાંઠે શુભેચ્છા, શુભાશિષ અને પ્રેઝન્ટ મોકલતી. હું સામે ‘થેંક યુ’નું કાર્ડ ન મોકલતો કે એને શુભેચ્છા ન પાઠવતો. હું રિસાઈ ગયો હતો. ત્યારે મને એવું લાગતું હતું કે હું બહુ દુ:ખી છું, મારું બાળપણ બહુ ખરાબ ગયું. મેં બહુ સહન કર્યું. હું એવો અંતર્મુખ થઈ ગયો હતો કે મારા ભાઈઓ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. ત્યારે હું રોતલ મનોદશાને પોષે એવું સાહિત્ય વાંચતો હતો. મારું મન નિર્બળ થાય એવા વિચારો જ હું કર્યા કરતો. મને થયું, દુનિયામાં હું એકલો જ દુ:ખી છું. નાનપણમાં મેં માને ત્રાસ પામતી, જુલમ સહન કરતી જોઈ હતી, છતાં કોને ખબર કેમ મને એવું લાગવા માંડ્યું હતું કે માએ મારી દરકાર જ નથી કરી. મેં એકલાએ જ આટલું બધું દુ:ખ વેઠ્યું. મેં જાતે જ ગુસ્સામાં આવીને બધા સાથેનો જીવંત સંપર્ક કાપી નાખ્યો.

પરંતુ મારું વાંચવાનું ચાલુ રહ્યું હતું. આજે લાગે છે કે મારામાં મારી માની જેમ એક પ્રકારની દઢતા હતી, જેણે મને ટકાવી રાખ્યો, પડી ભાંગવા ન દીધો. હું કશું બનવા ચાહતો હતો એના માટે મથ્યા કરતો હતો. તેથી જ સાહિત્યમાં હું ઊંડો ઊતરતો ગયો. મારા વાચને મને વિદ્વાન બનાવ્યો. આજે હું કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવું છું. જ્ઞાન આપું છું. પણ માત્ર શાસ્ત્રીય જ્ઞાન નહીં. એમને હું જીવન વિશેનું જ્ઞાન આપું છું, સમજ આપું છું. હું એમને એક વાત ઠોકી ઠોકીને કહું છું, માણસે જો જીવવું હોય, ગમે તેવા સંયોગોમાંય હિંમત હાર્યા વિના જીવનપ્રવાહને આપણી ઈચ્છિત દિશામાં વાળવો હોય તો ફાઈટિંગ સ્પિરિટ કેળવો. હાર ના કબૂલો. પડો તોય ફરી ઊભા થાઓ. તમારા હૃદયને સંતોષ થાય, આનંદ મળે એ જ કરો. સાચું લાગે એ જ કરો.

વિદ્યાર્થીઓને આવું કહેતાં કહેતાં, હું મારી જાતનો અભ્યાસ તો કરતો જ હતો. મારી ગઈકાલ અને આજનો, હું આજે જેવો છું એવો કેવી રીતે બન્યો. એ કોને આભારી છે. હું બીજું કંઈ નહીં ને પ્રોફેસર જ કેમ બન્યો. મારા અનુભવના અંતે મેં જે તથ્ય મેળવ્યું એ બીજાને આપવા કેમ આતુર છું. એ બધા વિશે હું વિચાર કર્યા જ કરતો.’
‘તમે આજે જે છો એ તમારા સ્વપ્રયત્ને જ છો ને ?’ મેં પૂછ્યું.
‘સ્વપ્રયત્ન ખરો, પણ એને પ્રેરનાર કોણ ? મારી મા. ભલે મેં મા સાથેનો દેખીતો સંબંધ કાપી નાખ્યો હતો, પણ હું એનાથી દૂર નહોતો જઈ શક્યો. એ મારી અંદર જ હતી, સતત મારી સાથે હતી. એ જ મારી સૌથી નિકટ હતી અને છે.’
‘તોય હજી મા સાથે સંબંધ થયો નથી ? સંપર્ક નથી રાખતા ? એમનાથી દૂર જ છો ?’
‘મા સાથે ગઈ સાલથી સંબંધ ચાલુ થયો છે. માની બહુ યાદ આવતી હતી તો હું મળવા ગયો. મને હતું માની જિંદગી શુષ્ક અને વેરાન થઈ ગઈ હશે. મંદબુદ્ધિની છોકરીએ એને નીચોવી કાઢી હશે. જીવવા ખાતર એ જીવતી હશે પણ ત્યાં જઈને મેં શું જોયું ખબર છે ? માની જિંદગી તો ભરી ભરી હતી. એ અને એની દીકરી હસતાં હતાં, ખુશખુશાલ હતાં. માને કોઈ ફરિયાદ ન હતી. હું ગયો, કેટલાં વરસો પછી ગયો તોય વહાલથી મને ગળે વળગાડ્યો, ઉમળકાથી વાતો કરી. એટલા પ્રેમ અને ઉમંગથી જમાડ્યો કે અમે જાણે કદી જુદાં જ નથી પડ્યાં. આવી મા માટે મને ગૌરવ થઈ આવ્યું. એ આપવાનું જ જાણે છે, કંઈ માગતી નથી.’
‘તમારી મા ક્યાં રહે છે ?’
‘બોસ્ટન, હું માને મળવા જાઉં છું, અત્યારે બને તે મારી સાથે મારા ઘેર લઈ જઈશ.’
‘તમારાં પત્ની અને બાળકોને એ ગમશે ?’ મેં પૂછ્યું.
‘પત્ની ? મેં લગ્ન નથી કર્યાં, કોઈ બાળકને દત્તક નથી લીધું. મા સિવાય બીજું કોઈ આટલું બધું મારી નિકટ આવ્યું જ નથી.’ બેન્જામીન બોલ્યા.
‘તમારી મા તમને લગ્ન કરી લેવાનું કહેતાં તો હશે ?’ મેં પૂછ્યું.
‘ના. લગ્ન મારો નીજી મામલો છે, મા એ અંગે કશું ન બોલે. મારે સ્ત્રી મિત્રો છે. એકની સાથે હું આઠ વર્ષ રહ્યો હતો.’
‘તો લગ્ન ન કર્યાં ?’
‘લગ્ન કરવા જેટલી તીવ્ર લાગણી મને કદી ઉદ્દભવી ન હતી. એ મિત્ર લગ્ન માટે દબાણ કરતી હતી, એટલે હું જુદો થઈ ગયો. છેલ્લાં બે વર્ષથી બીજી એક સ્ત્રીમિત્ર સાથે રહું છું, અત્યારે તો લગ્નનો વિચાર નથી.’
‘લગ્ન માટે શુભકામના કહી શકું ?’ મેં પૂછ્યું. એ ખડખડાટ હસી પડ્યો.

ખડખડાટ હાસ્યે ઘણું બધું કહી દીધું.

(સત્યઘટના પર આધારિત)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અપ્રગટને ભેદનારી વિદ્યા – મીરા ભટ્ટ
માગું છું – વર્ષા ગોંડલિયા ‘અશરવ’ Next »   

23 પ્રતિભાવો : અદ્દભુત છે આ માતાઓ – અવંતિકા ગુણવંત

 1. Neal (Australia) says:

  ઓહ્હ ખુબ જ સુદર્….ખરેખ મારા જીવન ને મળૅ તેવી storie છે…

 2. nayan panchal says:

  God can’t be everywhere so he created MOTHER.

  Her love is 100% platonic.

  Nice article as usual from Avantikaji.

  nayan

 3. જીવન જીવવાની રીતના એક નવા પરિમાણથી અવગત કરાવવા માટે આ લેખનો આભાર માનીશ … !!

  સુંદર લેખ …

 4. varsha tanna says:

  મા તે માની સાર્થકતા. અદ્ભૂત લેખ

 5. uma says:

  khub sundar varta.Ma te Ma bakee badha vagadana va.

 6. Natver Mehta;Lake Hopatcong, New Jersey says:

  મા તે મા બીજા બધા વગડાના વા!!
  આ વિષયને અનુરૂપ એક વાર્તા મેં લખી છે. મારી વાર્તા જે રસિક મિત્રોએ વાંચવી હોય એઓને મને ઇમેઇલ કરવા વિનંતિ છે. natnvs@yahoo.com પર!

  બાળકોની સાચવણી એ અહિં અમેરિકામાં બહુ મોટો પ્રશ્ન છે અને એ એક મોટો બિઝનેસ પણ છે.
  બાળકો માવતરથી અલગ થઇ જાય એ અહિં સામાન્ય થઇ પડ્યું છે. અને આપણા દેશી મા-બાપો માટે બહુ મોટી સામાજીક સમસ્યા બની રહી છે.

  નટવર મહેતા

 7. Ashish says:

  Understanding the creation of the feelings is easy. It is similar to that of an artist towards painter or a sculpture on biological level.

 8. rutvi says:

  મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
  લેતા ખૂટે ન એની લ્હાણ રે ,
  જનની ની જોડ સખી નહિ જડે રે લોલ્

  તદન સત્ય ,
  આભાર અવંતિકા બહેન ,

 9. ભાવના શુક્લ says:

  જેને પોતાના ખુદના લોહી-માંસથી પોષ્યુ હોય એ બાળક તો માતાની જીવનની સાર્થકતા છે. “મા” પોકારીને જે બે નજર્ માતા પર ઉઠે છે એ બાળક માતાને ઘણુ વધારે આપે છે. માતાને તો માતૃત્વના મહીમા અને આનંદની પુરી ખબર હોય છે અને માણે છે પરંતુ બાળકતો નિર્દોષ પણે માતાને વહાલની લખલુટ લાણી લુટે છે.

 10. Pinki says:

  સુંદર લેખ…..

  ભારતીય સ્ત્રીની તોલે તો કોઈ ના આવી શકે એવું માનતા
  પણ મા તો મા જ હોય પછી ગમે તે દેશ હોય

 11. pragnaju says:

  ‘લગ્ન કરવા જેટલી તીવ્ર લાગણી મને કદી ઉદ્દભવી ન હતી. એ મિત્ર લગ્ન માટે દબાણ કરતી હતી, એટલે હું જુદો થઈ ગયો. છેલ્લાં બે વર્ષથી બીજી એક સ્ત્રીમિત્ર સાથે રહું છું, અત્યારે તો લગ્નનો વિચાર નથી.’
  આપણા ગુજરાતી સમાજમાં પણ આવા દાખલા જોવા મળે છે તેમાં કેટલાક અહીના જટિલ કાયદાને કારણહૂત ગણે છે!

 12. નિર્લેપ ભટ્ટ - દોહા says:

  ખુબ સરસ, મજાની વાત.

 13. Hiral Thaker "Vasantiful" says:

  “માણસે જો જીવવું હોય, ગમે તેવા સંયોગોમાંય હિંમત હાર્યા વિના જીવનપ્રવાહને આપણી ઈચ્છિત દિશામાં વાળવો હોય તો ફાઈટિંગ સ્પિરિટ કેળવો. હાર ના કબૂલો. પડો તોય ફરી ઊભા થાઓ. તમારા હૃદયને સંતોષ થાય, આનંદ મળે એ જ કરો. સાચું લાગે એ જ કરો.”

  અવન્તિકા આન્ટીનો આભાર. ખુબ જ સરસ.

 14. PARTH BHATT says:

  મા વિના આ દુનિયા મા કશુજ શક્ય નથિ. east or west MA is the best

 15. Vinod Patel says:

  Very good story of Avantikaben as usual.
  I know her personally.She has got a loving nature .Her stories are based on the life being lived everyday in society and hence very effective .
  Vinod Patel

 16. mayuri says:

  મીટ્ટા મધુર ને મીટ્ટા મોરલા રે લોલ એ થિ મીટ્ટી મોરી માત રે જનની નિ જોડ સખીનહિ જડૅ લોલ,,,,,,મા એ મા

 17. Ashish Dave says:

  Too good… as always

  Ashish Dave
  Sunnyvale, California

 18. Sanjay Patel says:

  Ma…Maa…. bas eno prem duniya ne samavi le….

 19. Bhakti E. says:

  Avantika ben,

  It’s an awsome story..
  You are one of my favourites and u just Rock….

  Aap Saral but important vaat etli easily kaho chho ke koine na samajay evu bane j nahi…

  Thanks Again…

 20. અતુલ જાની (આગંતુક) says:

  “મા” પછી તે દુનિયાના કોઈ પણ પડમાં હોય તે વાત્સલ્ય અને પ્રેમથી છલકતી જ રહે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.