મહાત્મા ગાંધી : મારી નજરે – સં. યોગેશ કામદાર

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર. (અનુ. સોનલ પરીખ)]

[1] ચાર્લી ચેપ્લિન

charly[ મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ઈંગ્લૅન્ડ ગયા ત્યારે સુવિખ્યાત અભિનેતા અને દિગદર્શક ચાર્લી ચેપ્લિન સાથે તેમની મુલાકાત ગોઠવાઈ હતી. બંને અલગ અલગ સંસ્કૃતિઓના અને અલગ અલગ મનોવિશ્વના પ્રતિનિધિ હોવા છતાં મનુષ્યની ગરિમાના સાચા આરાધક હતા. ચાર્લી ચેપ્લિને પોતાની આત્મકથા ‘માય ઑટોબાયૉગ્રાફી’ (1964) માં ખૂબ સુંદર અને સંવેદનશીલ રીતે આ નાનકડી મુલાકાતને રજૂ કરી છે.]

ચર્ચિલના સહવાસ પછી તરત જ હું ગાંધીને મળ્યો. ગાંધીની રાજકીય વિચક્ષણતા અને પોલાદી ઈચ્છાશક્તિ માટે મને હંમેશાં આદર અને પ્રશંસાની લાગણી રહી છે, પણ મને લાગતું હતું કે તેમણે લીધેલી લંડનની આ મુલાકાત એક ભૂલ છે. તેમની કલ્પનાતીત વ્યક્તિમત્તા લંડનના ઠાઠમાઠમાં ઝાંખી પડી જશે અને એમની ધાર્મિક અભિવ્યક્તિ ખાસ પ્રભાવ નહીં પાડી શકે. ઈંગલૅન્ડના ઠંડા અને ભેજવાળા હવામાન અને શાહી વાતાવરણ સાથે તેમનો ટૂંકી પોતડીનો જુનવાણી પહેરવેશ બંધબેસતો ન હતો. આને લીધે લંડનમાં તેમની હાજરી કટાક્ષો અને ઠઠ્ઠાચિત્રો માટે પોષક બની. ઘણી વાર લોકો દૂરથી વધારે પ્રભાવશાળી લાગતા હોય છે. મને પૂછવામાં આવ્યું કે હું તેમને મળવા માગું છું કે કેમ. સાચે જ, હું રોમાંચિત થઈ ગયો.

ઈસ્ટ ઈન્ડિયા ડોક રોડથી થોડા અંતરે આવેલા ગરીબ વિસ્તારમાં એક સાદા નાના ઘરમાં અમારી મુલાકાત થઈ. શેરીઓ લોકોથી ઊભરાતી હતી અને પ્રેસવાળા અને ફોટોગ્રાફરોથી આજુબાજુનાં મકાનોના બંને મજલા હકડેઠઠ હતા. મુલાકાત પહેલા મજલે આવેલા, રસ્તા તરફ પડતા લગભગ બાર ચોરસ ફૂટના એક કમરામાં ગોઠવાઈ. મહાત્મા હજુ આવ્યા નહોતા અને તેમની પ્રતીક્ષા કરતાં કરતાં હું એ વિચારતો હતો કે હું તેમને મળીને શું કહીશ. મેં તેમના જેલવાસ, ભૂખહડતાલ અને સ્વાતંત્ર્યસંગ્રામ વિશે સાંભળ્યું હતું અને યંત્રોના ઉપયોગ પ્રત્યે તેમનો જે વિરોધ હતો તે વિશે અછડતો ખ્યાલ હતો.

આખરે જ્યારે તેઓ આવ્યા અને ટેકસીની બહાર પગ મૂક્યો, સ્વાગતસૂચક અવાજો અને હર્ષનાદોથી વાતાવરણ ગાજી ઊઠ્યું. તેમણે એ જ ટૂંકી પોતડી પહેરેલી હતી. આ દરિદ્ર ગીચ વિસ્તારમાં એક પ્રખ્યાત વ્યક્તિ હર્ષનાદો કરતા ટોળા સમેત એક સાદા નાના ઘરમાં દાખલ થાય એ એક આશ્ચર્યજનક ઘટના હતી. ગાંધી ઉપર ગયા, બારી પાસે ઊભા રહ્યા, મને ઈશારતથી પાસે બોલાવ્યો અને અમે બંનેએ બારીમાંથી નીચે એકઠા થયેલા સમુદાયનું અભિવાદન કર્યું. ત્યાર પછી અમે સોફા પર બેઠા. કમરામાં ફલેશલાઈટોનું જબરદસ્ત આક્રમણ થયું. હું મહાત્માની જમણી બાજુએ બેઠો હતો. એ અવસ્થ અને ભયભીત કરી મૂકનારી ક્ષણ આવી પહોંચી હતી જ્યારે મારે હું જેના વિશે ખાસ નહોતો જાણતો તે વિષય પર બુદ્ધિચાતુર્યભર્યા વિધાન કરવાનાં હતાં. મારી જમણી તરફ એક અતિશય ખંતીલી યુવાન મહિલા બેઠી હતી અને મને કોઈ અત્યંત લાંબી વાત કહી રહી હતી. હું સંમતિમાં માથું પણ હલાવતો હતો છતાં એમાંનો એકેય અક્ષર મને સમજાતો નહોતો. હું આખો વખત એ જ વિચારી રહ્યો હતો કે હું ગાંધીજીને શું કહીશ. અને મહાત્મા તો કંઈ મને એવું કહેવાના નહોતા કે મારી છેલ્લી ફિલ્મ તેમને કેટલી ગમી. મને તો એ જ શંકા હતી કે તેમણે કદી કોઈ ફિલ્મ જોઈ પણ હશે કે કેમ. ગમે તેમ, એક ભારતીય મહિલાના સત્તાવાહી અવાજે અચાનક પેલી વાચાળ યુવાન મહિલાની વાગ્ધારામાં વિક્ષેપ નાખ્યો, ‘મહેરબાની કરી તમારી વાત પૂરી કરો. મિ. ચેપ્લિનને ગાંધી સાથે વાત કરવા દો.’

ભરચક કમરામાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ. મહાત્માએ પોતાના ચહેરા પર ઈંતેજારીના ભાવ સાથે મારા તરફ જોયું અને મેં અનુભવ્યું કે જાણે આખું ભારત મારા શબ્દોની પ્રતીક્ષા કરે છે. મેં ગળું ખંખેર્યું અને કહ્યું, ‘ભારતની મહાત્વાકાંક્ષા અને સ્વાતંત્ર્યસંગ્રામ પ્રત્યે મને સહાનુભૂતિ છે, પરંતુ આપના યંત્રો પ્રત્યેના વિરોધથી હું મૂંઝવણ અનુભવું છું.’ મહાત્માએ માથું હલાવી સ્મિત વેર્યું. મેં આગળ કહ્યું : ‘સાચું પૂછો તો જો યંત્રોનો નિ:સ્વાર્થ બુદ્ધિથી સદુપયોગ થાય તો તેનાથી માણસ ગુલામીમાંથી મુક્ત થઈ શકે, એના પરિશ્રમના કલાકો ઓછા થાય અને એની પાસે પોતાના વિકાસ અને આનંદ માટે સમય બચે.’
‘હું એ સમજું છું.’ તેમણે શાંતિપૂર્વક કહ્યું, ‘પણ ભારતે એ ધ્યેય સુધી પહોંચતાં પહેલાં અંગ્રેજ શાસનની પકડમાંથી સ્વતંત્ર થવું જોઈશે. ભૂતકાળમાં યંત્રોએ જ અમને અંગ્રેજો પર અવલંબન રાખતા કરી દીધા હતા. આ અવલંબનમાંથી મુક્ત થવાનો અમારી પાસે આ એક જ રસ્તો છે, યંત્રો દ્વારા ઉત્પાદિત થયેલી બધી જ વસ્તુઓનો બહિષ્કાર. એટલા માટે જ અમે ભારતવાસીઓ અમારી એ દેશ પ્રત્યેની ફરજ સમજીને પોતાનું સૂતર પોતે કાંતીએ છીએ અને વણીએ છીએ. ઈંગલૅન્ડ જેવા શક્તિશાળી રાષ્ટ્રનો પ્રતિકાર કરવાનો આ અમારો આગવો રસ્તો છે. અલબત્ત, બીજાંય કારણો છે – ભારતની આબોહવા ઈંગલૅન્ડ કરતાં જુદી છે, તેથી ત્યાંના લોકોની જીવનશૈલી અને જરૂરિયાતો પણ અલગ છે. ઈંગલૅન્ડની ઠંડી આબોહવાના કારણે ઉદ્યોગો અને ઉદ્યોગો સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા જરૂરી છે. તમારે ભોજનનાં સાધનો માટે સ્ટીલના વાસણોનો ઉદ્યોગ જોઈએ જ્યારે અમે અમારી આંગળીઓનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે અનેક વિસંગતિઓ ઊભી થાય છે.’

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના આ અત્યંત વ્યૂહાત્મક અને વાસ્તવિક પગલાનું મને સ્પષ્ટ પ્રતીતિકર દર્શન થયું અને વિરોધાભાસી લાગે તેવું તો એ હતું કે આ પગલું એક શક્તિસંપન્ન અને પ્રભાવશાળી, દઢ મનોબળવાળા આર્ષદષ્ટા દ્વારા પ્રેરિત અને સંચાલિત હતું ! તેમણે મને એ પણ જણાવ્યું કે બિનજરૂરી વસ્તુઓના મોહ કે વિચારથી પોતાને મુક્ત કરવા એ જ ચરમ સ્વાતંત્ર્ય છે અને હિંસા છેવટે તો પોતાનો જ સર્વનાશ નોતરે છે…. જ્યારે કમરો ખાલી થયો, તેમણે મને પૂછ્યું કે તેમની પ્રાર્થનામાં ઉપસ્થિત રહેવાનું મને ગમશે કે કેમ. મહાત્મા પલાંઠી વાળીને જમીન પર ગોઠવાયા. બીજી પાંચ વ્યક્તિઓ તેમની આસપાસ વર્તુળાકારે ગોઠવાઈ. એ ગજબનું આશ્ચર્યજનક દશ્ય હતું. લંડનના સાધારણ વિસ્તારના નાનકડા કમરામાં પલાંઠી વાળીને છ મનુષ્યાકૃતિઓ બેઠી હતી. સોનેરી સૂરજ ઝડપથી છાપરાં પાછળ ડૂબી રહ્યો હતો. હું સોફા પર બેઠો બેઠો તેમના તરફ જોઈ રહ્યો હતો અને તેઓ વિનીતભાવે પ્રાર્થના ગાઈ રહ્યા હતા. મને વિચાર આવ્યો, આ તે કેવો વિરોધાભાસ – આ અત્યંત યથાર્થવાદી પુરુષની શિસ્તબદ્ધ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને રાજકીય ગતિવિધિઓને સમજવાની તેમની સૂક્ષ્મ સમજ એ બધું જાણે પ્રાર્થનાગીતના સાદા મધુર ગુંજનમાં લુપ્ત થઈ જતું હતું !
.

[2] વિલિયમ શાઈરર

william[શ્રેષ્ઠ લેખન અને પત્રકારત્વ માટેનું ‘પુલિત્ઝર પ્રાઈઝ’ જીતનાર વિલિયમ શાઈરર (જન્મ 1904) ‘શિકાગો ટ્રિબ્યુન’ નામના સુપ્રસિદ્ધ અમેરિકન અખબારના કોરસપોન્ડન્ટ તરીકે ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતના રિપોર્ટિંગ માટે 27-28 વર્ષની ઉંમરે 1931માં ભારત આવ્યા. ગાંધીજી સાથે ઘણી જગ્યાએ ફર્યા, મૈત્રી થઈ. તેમના અહેવાલો અમેરિકામાં મહત્વપૂર્ણ અને પ્રમાણભૂત ગણાતા. ત્યાર પછી તેમણે નાઝી જર્મનીમાં વર્ષો સુધી રિપોર્ટર તરીકે કામ કર્યું અને હિટલરકાલીન જર્મનીના સીમાચિહ્નરૂપ કહી શકાય તેવા અહેવાલો અમેરિકાનાં છાપાં માટે મોકલ્યા. તેમનાં પુસ્તકો ‘બર્લિન ડાયરી’ અને ‘રાઈઝ એન્ડ ફોલ ઑફ ધ રાઈક’ (જેને માટે ‘પુલિત્ઝર પ્રાઈઝ’ મળ્યું) માં નાઝી હકૂમત હેઠળના જર્મન રાષ્ટ્રનો અદ્દભુત ચિતાર છે. મુઠ્ઠીભર લોકોની બર્બરતાને ઘણી વાર સજ્જન અને બુદ્ધિશાળી માણસો ટેકો આપવાની ભૂલ કરે છે અને તેને લીધે વિશ્વને જે ભોગવવું પડે છે તે માટે તેમણે વારંવાર દુ:ખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જેમાંથી આ લખાણ લેવાયું છે તે પુસ્તક ‘ગાંધી એ મેમ્વાર’ ઈ.સ. 1979માં છપાયું. ગાંધીજીને તેઓ મળ્યા તેનાં 48 વર્ષ બાદ. ગાંધીજીની માનવસહજ નબળાઈઓની આલોચના કર્યા છતાં પુસ્તકનો સૂર એ છે કે ગાંધીજીની મહાનતા અજોડ હતી.]

ગાંધી સાથે વિતાવેલા દિવસોને હું મારી જિંદગીના સફળતમ દિવસો ગણું છું. મારા જીવનનો બીજો કોઈ અનુભવ આટલો પ્રેરણાદાયી, આટલો અર્થપૂર્ણ કે આટલો ચિરસ્થાયી પ્રભાવ પાડનારો નથી. ભૌતિકવાદી-મૂડીવાદી પશ્ચિમમાં પોષાયેલા મારા સાધારણ વિચારો અને આત્માને કોઈ વ્યક્તિએ આ રીતે પૃથ્વી પરનાં જટિલ જીવનજંજાળમાં છુપાયેલાં મૂલ્યો તરફ અભિમુખ કર્યા નહોતા. ભારતથી પાછા આવ્યા પછીના મારા જીવનની સઘળી ઊથલપાથલ અને જદ્દોજદમાં ગાંધીજીના સહવાસના અનુભવો અને તેમના જીવનદર્શનથી મને ટકી રહેવાનું સામર્થ્ય મળ્યું છે.

થોડા વખત પહેલાં હું યુરોપમાં મારી ફરજ બજાવીને પાછો ફર્યો. યુરોપની લોકશાહી પર જબરદસ્ત ફટકો પડવાની એ શરૂઆત હતી. પશ્ચિમનાં બધાં લોકશાહી રાષ્ટ્રો અસ્થિરતા અને અસલામતી અનુભવતાં હતાં. મારા બર્લિનવાસ દરમ્યાન હિટલરની નિરંકુશ સત્તા અને ક્રૂર નાઝી જર્મની યુરોપને રોળી રહ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધનો ખતરો વિશ્વભર પર તોળાઈ રહ્યો હતો અને એ નાઝી સરમુખત્યારે 1939માં વિશ્વયુદ્ધની શરૂઆત કરી જ દીધી. આસપાસનાં રાષ્ટ્રોને કચડી નાખી તેણે ઠંડા કલેજે સાઠ લાખ યહૂદીઓને ભઠ્ઠીઓમાં જીવતા ભૂંજી નાખ્યા. આ પાશવી કૃત્યમાં તેને સંખ્યાબંધ જર્મનોની પૂરી મદદ મળી. વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં મેકાર્થીની લોહીતરસી નીતિઓનો કાળ આવ્યો ત્યારે ઘણા ભગવાનથી ડરીને ચાલનારા ભદ્ર અમેરિકનોએ તેને ટેકો આપ્યો. ત્યાર પછી વિયેટનામને અમાનુષી યાતનાનો ભોગ બનવું પડ્યું અને 1972માં નિક્સનનો બીજી વાર વિજય થયો, જેમાં આપણા ભલા નાગરિકોએ પ્રતિકાર કરવાના બદલે સહન કરી લીધું – છેલ્લાં ચાલીસ વર્ષની આ બધી ઊથલપાથલોએ મારા અંગત અને વ્યાવસાયિક જીવનને ખળભળાવી મૂક્યું હતું.

હું ગાંધી પાસેથી જે પામ્યો હતો તેણે આ સંજોગોમાં મને ટકાવી રાખ્યો. ગાંધીએ મને આંતરિક જીવનના વિકાસનો એ માર્ગ બતાવ્યો જે વર્ષો જતાં ગયાં તેમ મારામાં વધારે ને વધારે ઊંડાં મૂળ નાખતો ગયો, મજબૂત થતો ગયો અને બાહ્ય આક્રમણો સામે ટકી રહેવાનું સામર્થ્ય ધારણ કરતો ગયો. ગાંધી પાસેથી મને જે પ્રાપ્ત થયું તેને હું વ્યક્ત કરવાની કોશિશ કરું છું ત્યારે પાછો પડું છું. મારી અભિવ્યક્તિ એટલી સમર્થ નથી. મેં જ નહીં, સમગ્ર વિશ્વે તેમની પાસેથી ઘણું મેળવ્યું છે. વિશ્વ પર તેમનો જે પ્રભાવ છે તે ઈશુ અને બુદ્ધના પ્રભાવ જેટલો જ અદ્દભુત, મહાન અને ચિરસ્થાયી છે એવું માત્ર હું જ નહીં, ભારતના છેલ્લા બ્રિટિશ વાઈસરોય સહિત એવા ઘણા લોકો માને છે જેઓ ગાંધીજીના સંપર્કમાં આવી ચૂક્યા છે. બુદ્ધ અને ઈશુની જેમ તેમનું જીવન પણ સત્યની શોધનું જ્વલંત ઉદાહરણ છે. તેમને સત્યની પ્રાપ્તિ થઈ, તે પછીની તેમની નમ્રતા, નિ:સ્વાર્થપણું અને સ્ફટિક જેવી પારદર્શક પ્રામાણિકતા – આ બધું પણ તેમને તેઓની કક્ષાએ બેસાડે છે. તેમનું જીવનદર્શન અને તેમનું આચરણ આ પૃથ્વી પર તેમની વજ્રલેખ જેવી છાપ છોડી જશે. તેમની ચરમ ઉપલબ્ધિ જેવા સત્યાગ્રહે આપણને સૌને શીખવ્યું કે શારીરિક બળ કરતાં ઘણી વિરાટ એવી એક સક્રિય શક્તિ આ વિશ્વમાં છે અને હકીકતમાં એ શક્તિ જ માનવતાના ઉદયકાળથી આ ગ્રહ પર શાસન કરી રહી છે. એ શક્તિ આત્મામાં રહેલી છે; સત્ય અને પ્રેમમાં રહેલી છે, અહિંસક કાર્યોમાં રહેલી છે.

આપણામાં એવા કેટલાક ભાગ્યશાળી લોકો છે જેણે ગાંધીજીને આ શક્તિનો ઉપયોગ કરતા ભલે ક્ષણભર માટે પણ જોયા છે, જેમને ગાંધીજીની તેજોમય ઉપસ્થિતિનો, તેમની મહાનતાના પ્રભાવનો થોડી પળો માટે પણ અનુભવ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અત્યારે હું આ લખું છું ત્યારે તેમાંના ઘણા તો જીવતા નહીં પણ હોય – પણ જેઓ જીવતા છે તેઓ સાક્ષી પૂરશે કે એ અનુભવ જીવનને ગહનતાપૂર્વક સમૃદ્ધ કરી નાખનારો, પ્રકાશિત કરી નાખનારો હતો. નિયતિએ મને એ મોકો આપ્યો તે બદલ હું તેનો ઋણી છું.
.
[3] આલ્બર્ટ આઈન્સ્ટાઈન

enistin[1950ના દાયકામાં અમેરિકાના સેનેટર જયોર્જ મેકાર્થીએ ‘અનઅમેરિકન એક્ટિવિટી’ના ઓઠા હેઠળ પ્રગતિશીલ અમેરિકનોને, ખાસ કરીને બુદ્ધિજીવીઓને કાયદેસરની ઊલટતપાસ માટે બોલાવી, મનફાવે તેવી સજાઓ કરી કેર વર્તાવ્યો હતો. વીસમી સદીના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના એક અધ્યાપક મિત્ર પ્રો. ફૌવનગ્લાસને જ્યારે આ માટે કોર્ટનો સમન્સ મળ્યો ત્યારે તેમણે આઈન્સ્ટાઈનનું માર્ગદર્શન માગ્યું. તેના જવાબમાં આઈન્સ્ટાઈને લખેલો આ પત્ર પછીથી ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ અને બીજાં અખબારોમાં છપાયો. આઈન્સ્ટાઈને સૂચવેલા માર્ગથી બીજાઓમાં પણ હિંમત આવી, વિરોધના વંટોળ ઊઠ્યા અને અંતે મેકાર્થીનાં વળતાં પાણી થયાં. આમ આ પત્રનું અમેરિકાના ઈતિહાસમાં એક મહત્વ છે. પણ વિશેષ મહત્વની વાત એ છે કે ગમે તેટલા મુક્ત સમાજમાં પણ પ્રગતિશીલ વિચારો ધરાવતા લોકો પર પ્રતિબંધો આવે જ છે અને એ વખતે પ્રતિકાર માટે શ્રેષ્ઠ રસ્તો ગાંધીજીએ સૂચવેલા અસહકારનો છે તેવો આઈન્સ્ટાઈનનો સ્પષ્ટ અભિપ્રાય આમાં વ્યક્ત થયો છે.]

16 મે, 1953.
પ્રિય ફૌવનગ્લાસ મહોદય,

પત્ર બદલ આભાર. ‘રિમોટ ફિલ્ડ’ દ્વારા મેં પદાર્થ વિજ્ઞાનના એક પાયાના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો. અત્યારે દેશના બુદ્ધિજીવીઓ માટે જે સમસ્યા ઊભી થઈ છે તે અત્યંત ગંભીર છે. પ્રતિક્રિયાવાદી રાજકારણીઓએ ધીરે ધીરે તમામ બુદ્ધિમાન પ્રયાસોની વિરુદ્ધમાં લોકમાનસમાં સંશયનું વિષ ભરી દીધું છે. અને જે ખતરો છે જ નહીં તેનો હાઉ ઊભો કરી એક ડર પેદા કર્યો છે. અત્યાર સુધી તેઓ તેમાં સફળ થયા છે એટલે શિક્ષણ સાથે જોડાયેલું સ્વાતંત્ર્ય છીનવી લેવાની અને જે તાબે થવાની ના પાડે તે તમામને તેમના હોદ્દા પરથી ખસેડી મૂકી તેમનું જીવવું મુશ્કેલ કરી દેવાની હવે તેમની નેમ છે.

લઘુમતી બૌદ્ધિકોએ આ સંજોગોમાં શું કરવું ? આનો પ્રતિકાર કેવી રીતે કરવો ? નિખાલસતાપૂર્વક કહું તો મને એક જ રસ્તો સૂઝે છે – ગાંધીજીએ બતાવેલો અસહકારનો ક્રાંતિકારી માર્ગ અપનાવવાનો. જે પણ બુદ્ધિજીવીને સમિતિની સમક્ષ ઊભા રહેવાની ફરજ પડે, તેણે પોતાની ઊલટતપાસ થવા દેવાનો ઈનકાર કરવો. તેના પરિણામે જેલ કે આર્થિક ખુવારી થાય તે ભોગવવાની તૈયારી રાખવી. ટૂંકમાં દેશના સાંસ્કૃતિક વિકાસને માટે અંગત હિતનું બલિદાન આપવા તૈયાર રહેવું.

આમ છતાં, તપાસનો આ ઈનકાર આપણા બંધારણના પાંચમા સુધારા હેઠળ નાગરિકને જે મૌન રહેવાનો અધિકાર (અમેરિકાના બંધારણનો પ્રખ્યાત ‘પાંચમો સુધારો’ એ છે કે કોર્ટ કોઈ અમેરિકન નાગરિકને તેની મરજી વિરુદ્ધ કોઈ વિધાન કરવાની કે તેને ચૂપ રહેવું હોય તો બોલવાની ફરજ પાડી શકે નહીં.) મળ્યો છે તેના બહાના હેઠળ બિલકુલ ન કરવો, પરંતુ એવી પ્રતિજ્ઞાપૂર્વક કરવો કે એક નિર્દોષ બુદ્ધિમાન નાગરિકને આ પ્રકારની ઊલટતપાસનો ભોગ બનાવવામાં આવે તે એક શરમજનક વાત છે અને તેનાથી બંધારણનાં સત્વ અને તત્વનો ભંગ થાય છે. જો પૂરતા લોકો આ પગલું ગંભીરતાપૂર્વક ભરવા તૈયાર થશે તો સફળતા જરૂર મળશે. જો તેમ નહીં થાય તો આ દેશના બુદ્ધિજીવીઓ તેમને માટે તૈયાર થયેલી ગુલામીનું વરણ કરવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત કરવાને લાયક નથી તેમ માનવું રહ્યું.

લિ.
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દશમ સ્કંધ લીલાપ્રસંગો – પ્રો. બકુલ રાવળ
સાતપુડાનાં જંગલમાં – બિભૂતિભૂષણ બંદોપાધ્યાય Next »   

12 પ્રતિભાવો : મહાત્મા ગાંધી : મારી નજરે – સં. યોગેશ કામદાર

 1. Jatan says:

  ખરેખર ખુબ સરસ વાતો. ખાસ કરીને ચાર્લી ચેપ્લિન નો પ્રસંગ. આટલી મોટી વ્યક્તિ છતાં કેટલી નમ્રતા !!

  મને લાગે છે કે માણસ ની ઉધર્વ પ્રગતિ માટે નમ્રતા પ્રથમ શર્ત છે.

 2. nayan panchal says:

  હું ગાંધીજીના ઘણા વિચારો સાથે અસહમતી ધરાવુ છું, પરંતુ તેમની સૌથી સારી વાત મને એ લાગે છે કે તેમનામાં દંભનો છાંટો ય નહોતો.

  નોબેલ કમિટિએ પણ કહ્યુ છે કે ગાંધીજીને નોબેલ પારિતોષિક ન આપવુ એ તેમની અત્યાર સુધીની મોટામાં મોટી ભૂલ છે. ગાંધીજી ખરા અર્થમાં વિશ્વ પુરુષ હતા.

  નયન

 3. brinda says:

  Mrugeshbhai,

  Can you help find the source of the book ‘ Mahatma Gandhi – Mari Najare’ from which these things are taken?

 4. Editor says:

  નમસ્તે બ્રિઁદાબેન,

  પ્રસ્તુત લેખ ‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી લેવામાં આવ્યો છે. તેમાં પુસ્તકની કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ જો મને પ્રાપ્ત થશે તો હું આપને જરૂરથી ઈ-મેઈલ કરીશ.

  આભાર. તંત્રી.

 5. pragnaju says:

  ખૂબ સરસ ચિંતન-મનન કરવા જેવી વાતો
  ધન્યવાદ

 6. ભાવના શુક્લ says:

  ગાંધી વિચારધારા સમગ્ર વિશ્વને એકસુત્રમા બાંધી શકવા સમર્થ છતી, છે અને રહેશે. સત્ય, અહિંસા અને અસહકાર પર વિશ્વનો શ્રેષ્ઠ કલાકાર, શ્રેષ્ઠ સમાજીક-રાજકીય અવલોકનકાર અને શ્રેષ્ઠ બુધ્ધિજીવી જ્યારે એક મત થઈ શકે ત્યારે ગાંધી રાષ્ટ્રના નાગરીક હોવુ અને સત્યની શોધમા અણુમાત્ર જેટલો પણ સહભાગી થવુ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી મા વસતા દરેક નાગરીકનુ અહોભાગ્ય બની રહે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.