સાતપુડાનાં જંગલમાં – બિભૂતિભૂષણ બંદોપાધ્યાય

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર. (અનુ. નવનીત જાની)]

[ બિભૂતિભૂષણ બંદોપાધ્યાય (જન્મ : 1894, મૃત્યુ 1950) મહાનંદ બંધોપાધ્યાય અને મૃણાલિનીનું સૌથી મોટું સંતાન. કાંચનપાડા મૂળ વતન. મૂરતીપુર મોસાળ. બાસિરહાટ જિલ્લાનું પાનિહાર એમના પૂર્વજોનું ગામ. પ્રપિતામહ વૈદ હતા. વ્યવસાયાર્થે બોનગામ જિલ્લાના બેરેકપુરમાં સ્થાયી થયા હતા. મહાનંદે પુત્રને પોતાનાં પરિભ્રમણોની વાતમાં રસ લેતો કર્યો. એ ઘણી વાર પોતાના ભ્રમણ દરમિયાન બિભૂતિબાબુને સાથે રાખતા હતા. ‘ઉપેક્ષિતા’ બિભૂતિબાબુની પ્રથમ નવલિકા, જે એ વખતના અગ્રણી માસિક ‘પ્રવાસી’માં પ્રગટ થઈ હતી. પી.સી. રોયે આ સર્જકમાં અદ્દભુત સર્જકતા નિહાળી સાહિત્યયાત્રામાં આગળ વધવાનાં પ્રેરણા, પ્રોત્સાહન આપ્યાં. 1922થી 1950ના સર્જનકાળમાં બિભૂતિબાબુએ 70 ઉપરાંત પુસ્તકો આપ્યાં છે. ‘પથેરપાંચાલી’, ‘આરણ્યક’, ‘અપરાજિતા’, ‘આદર્શ હિન્દુ હોટલ’ વગેરે જાણીતી નવલકથાઓ છે. આ ઉપરાંત નવલિકા, ડાયરી, સ્મૃતિનિબંધ, પત્ર સાહિત્ય, અનુવાદ, બંગાળી વ્યાકરણ અને આત્મકથનાત્મક લખાણ એમની પાસેથી પ્રાપ્ત થાય છે. યુનેસ્કોએ પોતાની અનુવાદયોજનામાં ભારતીય સાહિત્યશ્રેણી અંતર્ગત ‘પથેરપાંચાલી’નો સમાવેશ કર્યો છે. સત્યજિત રાય નિર્દેશિત અપુની ત્રણ કથાનું દુનિયાની ઉત્તમ ફિલ્મોમાં સ્થાન છે. પરંતુ તેનો એક વિભાગ કે જે દુનિયાના ઉત્તમ સાહિત્યકારોની વાત કરે છે તેમાં આ સર્જકને બાકાત રખાયા છે !

જીવનની નરવી-વરવી વાસ્તવિકતાને પોતાની કૃતિઓમાં કલાત્મકતાથી રજૂ કરનાર આ સર્જક દિલીપકુમાર રાય પરના એક પત્રમાં લખે છે : ‘મોટી ઘટનાઓમાં મને શ્રદ્ધા નથી. રોજબરોજના જીવનમાંથી જાગતા સરળ આનંદ અને વિષાદમાંથી મને સાચું તત્વ મળી આવે છે. જે ગામડાની સીમમાં વહેતા વોંકળાની જેમ ધીરે ધીરે પણ સ્થિરતાથી વહ્યે જાય છે, જીવનની પૂર્ણ આસ્થા અને આનંદ તરફ. કથાસાહિત્યે આટલી હદ સુધી માયાવી શા માટે બનવું જોઈએ ? કોઈ કૂદાકૂદભરી કરામતની જેમ વાર્તાવસ્તુનું કૃત્રિમ આયોજન કે ઊભી કરેલી ઘટનાઓ મને મંજૂર નથી. જુઠ્ઠાણાંની જાળ વણવા માટે આપણે અમૂલ્ય વાસ્તવિકતાને શા માટે અવગણવી જોઈએ ? નકલી સામગ્રી વેચનારાઓ સાથે મારે દોસ્તી નથી. એવી સામગ્રી એક પાસાદાર અને તંદુરસ્ત, જાગ્રત અને કર્મઠ માનસનાં જિજ્ઞાસાપૂર્ણ અંત:સત્વોને કદીએ સંતોષી ન શકે.’ – અનુ. નવનીત જાની. ]

સૂર્યપ્રકાશ ન જોવાતાં મારું મન કેવું મૃતપ્રાય થઈ ગયું છે ! વરસાદ પડવાથી સારું નથી લાગતું એવું તો નહીં કહું પણ પૈસા ખર્ચીને આટલે દૂર ફરવા આવ્યો છું અને આવો જો અનરાધાર વરસાદ ચાલુ રહ્યો તો મનનું ખરાબે ચડી જવું કંઈ અસ્વાભાવિક નથી. આ મારો વિશ્વાસ છે. થોડાં સ્ટેશન વટાવતાં જ હું કાર્ગી રોડ સ્ટેશને (બિલાસપુર-કટની લાઈન પર) આવી ગયો હતો. નાનકડું સ્ટેશન ચારે તરફ પહાડો અને વનથી ઘેરાયેલું હતું.

આમ તો પલળતાં પલળતાં જ ગાડીમાંથી ઊતરવું પડ્યું. ક્યાંય કોઈ માણસ નહીં. ક્યાં છે મિત્રે મોકલેલ વ્યક્તિ ? એના ઘોડાનુંય ક્યાંય નામનિશાન નથી. હું સામાન લઈ ટિકિટબારી સામેના બાંકડા પર બેસી ગયો. શક્ય છે મિત્રે મોકલેલ માણસ આવા મુશળધાર વરસાદને કારણે ક્યાંક રોકાઈ ગયો હોય. શક્ય છે કે વરસાદ રોકાતાં જ એ ત્યાંથી નીકળી અહીં આવી જાય. એકધારો મુશળધાર વરસાદ પડવા લાગ્યો. બે કલાક વીતી ગયા. અગિયાર વાગી ગયા. પાસે જ એક પહાડી ઝરણું ઉન્મત્ત થઈ વહી રહ્યું છે. નદીમાંથી વીખરાતું જળ વહી રહ્યું છે. પહાડ પરથી પડતી જળધારાઓએ અનેક માર્ગોને ડુબાડી દીધા છે. અગિયાર વાગ્યા પછી વરસાદનું જોર નરમ પડતું ગયું. પરંતુ વરસાદ સાવ બંધ ન થયો અને મિત્રે મોકલેલ વ્યક્તિનો કોઈ અણસાર પણ ન દેખાયો. હું બાંકડા પર ચૂપચાપ બેસી રહ્યો. મદ્રાસી સ્ટેશનમાસ્તરે એક વાર મારી સામે તાકીને જોયું અને પછી પોતાના કવાર્ટર તરફ ચાલ્યો ગયો. આખું સ્ટેશન નિર્જન હતું.

હું ઘણો સમય મારી પાછળની પર્વતશૃંખલાને જોતો રહ્યો. વાદળો જાણે પર્વત શિખરોમાંથી નીકળી એકબીજાં સાથે જોડાઈ ગયાં હતાં. વાદળો બહુ સુંદર દેખાતાં હતાં. બરાબર આવું જ એક દશ્ય ઘણા સમય પહેલાં આવા જ એક વર્ષામુખર દિવસે જોયું હતું. ફતેહપુર સિક્રીના વિખ્યાત બુલંદ દરવાજાની ઊંચી ઊંચી કમાનો પરનાં હર્યાંભર્યાં વનનાં શાખાપર્ણ જાણે વાદળોમાં પ્રવેશી ફરી વાર ત્યાંથી નીકળી રહ્યાં છે ! વાદળોના ઢગલેઢગલા જાણે બુલંદ દરવાજાની કમાનોની કુરનિસ બજાવતાં લહેરાઈ રહ્યાં છે ! આ વનાચ્છાદિત સ્ટેશન પર બેઠાં બેઠાં ઘણાં વર્ષ પહેલાં જોયેલું એ દશ્ય યાદ આવી ગયું. મુસીબત એ હતી કે હું છત્રી સુદ્ધાં લાવ્યો નહોતો. નહીંતર સ્ટેશનની કેબિનમાં સામાન મૂકી પહાડ પર થોડું ફરી આવત.

સ્ટેશનની ઘડિયાળમાં દિવસના બે વાગી ગયા. મદ્રાસી સ્ટેશનમાસ્તર ખાઈ-પી થોડી ઊંઘ ખેંચી કવાર્ટરમાંથી પાછો ફર્યો હતો. હું એક જ જગાએ એક જ સ્થિતિમાં બેઠો છું એ જોઈ એક નજર ફેંકતો કેબિનમાં ચાલ્યો ગયો. થોડી વારે એક ડાઉન ટ્રેન કટની સ્ટેશન તરફથી આવી. બે મિનિટ રોકાઈ બિલાસપુર તરફ ચાલી ગઈ. મેં ચારે તરફ ધારીને જોયું. આ જંગલમાં એકપણ દુકાન જોવા નહોતી મળી. નહીંતર એક પૈસાના મૂળા ખરીદીને ખાઈ શકત. આ જંગલમાં કશું મળી શકે એમ નથી. નજીકમાં કોઈ વસતીય નથી. જો આવી ખબર હોત તો બિલાસપુરથી ખાવાની થોડી ચીજો લેતો આવત. સ્ટેશનમાસ્તરને કાંઈ પૂછું ? કોઈ દુકાન નથી તો એ ખાવાની ચીજો ક્યાંથી લાવતો હશે ? પૂછવા જતાં કશોક ખચકાટ થવા લાગ્યો. થયું કે એ વ્યક્તિ એવું વિચારશે કે હું એના ઘરે ભોજન લેવા ઈચ્છું છું – ના, આ વાત એમ ન પૂછી શકું.

ચાર વાગતામાં તો હું સાચે જ ચિંતાગ્રસ્ત થઈ ગયો. મિત્રે મોકલેલ માણસ જો ન આવ્યો તો હું શું કરીશ ? સ્ટેશનની દીવાલ પર ચોંટાડેલા ટાઈમટેબલને જોઈ હું સમજી ગયો કે રાત્રે સાડાસાતે બિલાસપુર પાછા જવા માટે એક ડાઉન ટ્રેન છે. એમાં બિલાસપુર પાછો જઈશ અને ત્યાંથી કલકત્તા. રૂપિયા ખર્ચી ખાલીખોટો આટલે દૂર આવ્યો. અહીં બેઠાંબેઠાંય કશું વળશે નહીં. સવારના નવ વાગ્યાથી લઈ ચાર વાગ્યા સુધી બાંકડા પર બેઠો રહીશ, મારા મનમાં સ્પષ્ટરૂપે આ સ્ટેશનની દરેક વસ્તુ ઊતરતી રહેશે. આખું ચિત્ર મારા મનમાં અંકિત થઈ ગયું છે. વરસાદ થોડો થંભ્યો, પરંતુ સાવ બંધ ન થયો. એટલામાં કેબિનમાંથી નીકળી સ્ટેશનમાસ્તર પોતાના કવાર્ટર તરફ જવા લાગ્યો. જતી વેળા ફરી એક વાર મારી ઉપર કુતૂહલભરી દષ્ટિ ફેંકતો ગયો. એણે એક વાર પણ ન પૂછ્યું કે હું કોણ છું ? છેક સવારનો કાષ્ઠબ્રહ્મની પેઠે અચલ અવસ્થામાં કેમ બેઠો છું ? એ જે કોઈ હોય, સારો માણસ કહેવાય ! વળી પાછું સ્ટેશન સાવ નિર્જન થઈ ગયું. મેઘાંધકારપૂર્ણ એકાકી દિવસ – પાછો હેમંત ઋતુનો ટૂંકો દિવસ. વધુ સમય થઈ ગયો હોય એમ સૂર્ય ઢળતો જતો લાગ્યો. હવે સાંજ પડવાને વાર નથી. આવી સ્થિતિમાં શું કરીશ ? હું માનું છું ત્યાં સુધી, રાત વિતાવવા માટે સ્ટેશનમાસ્તર મને સ્ટેશનના કમરામાં જગા આપશે નહીં. મારે તો બહાર આ બાંકડા ઉપર જ પડ્યા રહેવું પડશે.

એ જ વખતે દૂરથી વાજાં વાગવાનો અવાજ સાંભળ્યો. નજર કરી તો લોકોનો એક સમૂહ વાજાંબાજાં સાથે સ્ટેશન તરફ આવી રહ્યો હતો. પાસે આવતાં જોયું કે એ લોકો જાનૈયા છે. દસ-બાર વર્ષનો એક છોકરો વરરાજા બની પાલખીમાં બેસી એ લોકો સાથે આવી રહ્યો છે. આશ્વિન માસમાં આ કેવું લગ્ન ! લાગ્યું કે અહીં એનો રિવાજ હશે એટલે લગ્ન થઈ રહ્યાં છે. એ લોકોમાંના ત્રણચાર જણ મારા જ બાંકડા પર આવીને બેસી ગયા. એ લોકો આપસમાં ગપસપ કરી રહ્યા હતા અને શોરગુલ મચાવી રહ્યા હતા. મેં એક વાત નોંધી – એ લોકોમાંની કોઈ વ્યક્તિ બીડી વગેરે કશું પીતી નહોતી. અન્યના ખર્ચે ધૂમ્રપાન કરવાનો આવો સુઅવસર એમણે છોડ્યો એથી એવું લાગ્યું કે અહીં ધૂમ્રપાન કરવાની પ્રથા ઓછી હશે. પછી જાણી શકાયું કે મારું અનુમાન ઘણું સાચું છે. શાલના પાનમાંથી બનેલી બીડી સિવાય વિદેશી ચિરૂટ કે સિગારેટનું ચલણ અહીં ઓછું છે. એમાંના એક જણે મારી તરફ જોઈને હિન્દીમાં પૂછ્યું : ‘બાબુ, ક્યાં જશો ?’
અરે ભાઈ, કેટલો બધો વખત માણસ સાથે વાત કરવામાંથી હું બચી રહ્યો ! કોઈ માણસ સાથે વાતચીત ન કરવાને કારણે તો મારો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. મારા પ્રાણ હાંફી ઊઠેલા. મેં કહ્યું : ‘દારકેશા જઈશ.’
એણે આશ્ચર્યથી મારી સામે જોયું, ‘દારકેશા ? આપ કઈ ગાડીમાંથી ઊતર્યા છો ? ક્યાંથી આવ્યા છો ?’
‘સવારની ગાડીમાંથી ઊતર્યો છું. કલકત્તાથી આવું છું.’
‘તો શું આટલો વખત અહીં બેસી રહ્યા ?’

મેં બધી વાત કરી. ચહેરો અને પોશાક જોઈ મને એ માણસ બહુ ઊંચા કુટુંબનો ન લાગ્યો. જાનૈયાઓના સમૂહમાં કોઈ પણ ઉચ્ચવર્ણનું નથી એવી મારી ધારણા હતી. પણ આ માણસ બહુ સજ્જન અને નિચ્છલ હતો. પૂરી કહાની સાંભળીને એ બોલ્યો : ‘આપને જોઉં છું તો બહુ દુ:ખ થાય છે. આપ આમ જ આખો દિવસ બેસી રહ્યા છો, લાગે છે કશું ખાવાપીવાનુંય નથી થયું. હવે આપ શું કરશો ?’
‘શું કરું એ જ સમજાતું નથી.’
‘દારકેશા કેમ જવું છે ? ત્યાં તો નિબિડ વન છે. એકદમ જંગલી વિસ્તાર.’ આવું સાંભળીને દારકેશા જોવાની મારી ઉત્સુકતા ઓર વધી ગઈ. આટલે દૂર સુધી આવીને એ વન જોયા વગર જ ચાલ્યો જઉં ?
મેં એને કહ્યું : ‘ત્યાં જવાની કોઈ વ્યવસ્થા થઈ શકે ?’
એણે જાનૈયામાંથી બેત્રણ જણને બોલાવી ગૌડી મિશ્રિત હિન્દીમાં કશી સંતલસ કરી. પછી મારી તરફ જોઈને બોલ્યો : ‘બધી વ્યવસ્થા થઈ ગઈ. અમારી સાથે જે લોકો આવ્યા છે એમાંના ત્રણ જણ પાલખી લઈને પાછા જશે. આપ પાલખીમાં બેસી અહીંથી નવ માઈલ દૂર આવેલા માનસાર ગામ સુધી જશો. રાત્રે ત્યાં જ ઉતારો.’
‘ત્યાં ક્યાં રહીશ ? ડાકબંગલો છે ?’
‘આપ ત્યાં પહોંચી પાલખીવાળાને થોડું ભાડું આપી દેજો. એ લોકો આપના રહેવાની પૂરી વ્યવસ્થા કરી દેશે.’ એણે તમામ વ્યવસ્થા પાલખીવાળાને સમજાવી દીધી.
‘એ પછી આગળનો પ્રવાસ ? બત્રીસ માઈલમાંથી માત્ર નવ માઈલની જ વ્યવસ્થા થઈ.’
‘આજની રાત તો ત્યાં જઈને રોકાવ, મહાશય. કાલ સવારે ઊઠતાંવેંત કોઈને કોઈ વ્યવસ્થા થઈ જ જશે.’ મને આ આયોજન બરાબર લાગ્યું. પાછા જવા કરતાં કે અહીં કુલીની જેમ બેસી રહેવા કરતાં આગળ જવું જ યોગ્ય કહેવાય. નવ માઈલ તો નવ માઈલ. એ ભદ્ર પુરુષનો આભાર માની હું પાલખીમાં બેસી ગયો.

forestઊંચોનીચો પહાડી રસ્તો. રસ્તા નજીકના નાળામાંથી ઢળેલું જળ વહી રહ્યું હતું. શાલનાં ઝાડ બધી જગ્યાએ જોવા મળ્યાં. અનુભવી ભૂગોળવિદોએ મધ્ય પ્રદેશના આ ભૂભાગનો દક્ષિણી પઠાર અંતર્ગત સમાવેશ કર્યો છે. શાલનાં વૃક્ષ આ ભૂભાગમાં સૌથી વધુ ઊગે છે. સ્ટેશન છોડતાં પહેલાં કેટલાય પહાડો મળ્યા. બાદમાં રસ્તો સાવ ઢાળવાળો થઈ ગયો. નીચે જઈને એક ઝરણું પાર કરવું પડ્યું. એ પછી થોડું સમતલ મેદાન આવ્યું. એ નાનાનાના પથ્થરોથી છવાયેલું હતું. એ મેદાનમાં સૂર્ય ડૂબી ગયો. વાદળઘેર્યા આકાશ નીચે સાંજનું અંધારું ઊતરી પડ્યું. એ લોકોમાંનો ત્રીજો જણ માથા પર મારો સામાન ઊંચકી પાલખી પાછળ આવી રહ્યો હતો. એને જોઈને મને થયું કે એ માણસ બહુ દૂબળો છે. કદાચ દુકાળનો માર્યો છે. પાલખીવાળામાંથી એકને મેં કહ્યું, ‘એ બિચારો વજન ઉપાડી ચાલી શકતો નથી. તમારામાંથી કોઈ સામાન ઉપાડી લો અને પાલખી એને ઊંચકવા દો.’
એ લોકોએ હસીને કહ્યું : ‘બાબુ, ચૂપચાપ બેસી રહો. એ બહુ મોટો શિકારી છે. એના દેહમાં ખૂબ શક્તિ છે. ચિંતા કરવાની જરૂર નથી.’
‘કોનો શિકાર કરે છે ?’
‘હરણ મારે છે, રીંછ મારે છે, બધું મારે છે.’
‘ક્યા જંગલમાં શિકાર કરે છે ?’
‘આપને જ્યાં જવાનું છે ત્યાં બહુ મોટું જંગલ છે. એ ઘણી વાર ત્યાં ગયો છે.’ આ બધું સાંભળીને પેલી વ્યક્તિ પ્રત્યે મારી જિજ્ઞાસા વધી ગઈ. એની તરફ દષ્ટિ કરી ધ્યાનથી જોયું. એના શરીર ઉપર એક ઈંચનોય મેદ નથી. એના દોરડી જેવા પાતળા હાથપગ લોઢાના સળિયા જેવા મજબૂત છે. એની ગરદન થોડી લાંબી છે. બંને આંખો ખૂબ તીક્ષ્ણ છે અને ગળાનું હાડકું જરા બહાર નીકળેલું છે. ચહેરા ઉપર સ્વાભાવિક વિશિષ્ટતા દેખાય છે. એને જોવાની વારંવાર ઈચ્છા થાય છે.

રસ્તામાં ખૂબ અંધારું થઈ ગયું.
મને સહેજેય ડર નહોતો લાગતો એવું કહું તો ખોટું પડે. સાથે ત્રણ અપરિચિત વ્યક્તિ છે. મારી બેગમાં થોડા રૂપિયા છે, ઝભ્ભામાં સોનાનાં બટન છે, હાથમાં ઘડિયાળ છે. પહાડી વિસ્તારમાં આ લોકોનો શો ભરોસો ? મેં જિજ્ઞાસાથી પૂછ્યું : ‘માનસૂર ગામ હજી કેટલું દૂર છે ?’
‘બસ, હજી ત્રણ માઈલ હશે, બાબુ.’
એ લોકોના ત્રણ માઈલ પૂરા ન થયા અને એમ કરતાં વધુ બે કલાક વીતી ગયા. પાલખી બહાર ઘોર અંધારું થતું જાય છે. કશું દેખાતું નથી તોય લાગે છે કે રસ્તાની બંને બાજુ વચ્ચે વચ્ચે નાનામોટા પહાડો આવતા જાય છે. ઝરણાંનો દદડાટ સંભળાય છે. આજે દેવી પખવાડિયાની સાતમ છે. એથી મેદાનોમાં અને વનમાં ઘોર અંધારું છવાયેલું છે. થોડી વારે દૂર અંધારામાં એક-બે જગ્યાએ અજવાળું દેખાવા લાગ્યું. એક નાનકડી નદીના છીછરા પ્રવાહને પાર કરી અમે લોકો માનસૂર પહોંચ્યા.
‘બાબુ, અમે લોકો આપને ઉતારાની જગાએ છોડી આવીએ છીએ. કાલે સવારે અમે આપને ફરી મળીશું.’ – કહી એ લોકો મને એક વિશાળ છાપરાવાળા કમરામાં લઈ ગયા. કમરાનો સામેનો ભાગ સાવ ખુલ્લો છે કે ત્રણે બાજુ શેના વડે ઘેરાયેલી છે એ અંધારામાં બરાબર સમજાયું નહીં. કમરામાં ખૂબ અંધારું હતું. હું તો અવાક હતો, આવા કમરામાં રાત કેવી રીતે વિતાવીશ ?

મેં પૂછ્યું : ‘આ કોઈનું ઘર છે કે બીજું કાંઈ ?’
એ લોકો બોલ્યા : ‘અમારું મંડપઘર છે. સાર્વજનિક ઉપયોગ માટે સાર્વજનિક ધનમાંથી બનાવ્યું છે. અહીં રહો, અહીં કશો ભય નથી.’
તો પણ હું પૂરેપૂરો નિશ્ચિંત ન થયો. ભલે બીજા કશાનો ભય ન રહે પણ સાપનો ભય તો રહે જ ને ? મેં સાંભળ્યું’તું કે મધ્ય પ્રદેશનાં આ બધાં વન્ય ગામડાંમાં શંખચૂડ (કિંગકોબ્રા) સાપ બહુ નીકળે છે. આ વાત મેં એમને કહી. આ બાબતે એમણે મને ઘણો આશ્વસ્ત કર્યો. સાપ તો એમણે ક્યારેય જોયો જ નથી. સાપ કોને કહે છે એ આ લોકો જાણતા જ નથી ! હું નિર્ભયતાથી આ કમરામાં રાત વિતાવી શકીશ.
‘ભલે સાપ ન હોય પણ આ ખુલ્લી જગામાં ચોરોનો ભય પણ નથી ? આ સમયે કંઈ સતયુગ નથી ચાલતો !’ એ લોકો મારી વાત સાંભળી હસવા લાગ્યા, ‘ચોરીચપાટીથી અમે લોકો અપરિચિત છીએ.’ એમની સાંભરણમાં માનસૂરમાં ક્યારેય ચોરી નથી થઈ. ખાસ કરીને પરદેશી વ્યક્તિની વસ્તુને કોઈ અડકતુંય નથી.

રાત્રે ભોજન મારે જ બનાવવું પડ્યું. જવનો રોટલો, શાક અને દૂધ. અહીં ઘઉંની રોટલી ખાવામાં આવતી નથી. આ લોકો બજારમાંથી લોટ, મેંદો વધુ નથી ખરીદતા. પોતાનાં ખેતરોમાં પેદા થયેલ જવ, ઘઉં અને મકાઈના રોટલા આખું વર્ષ ખાય છે. વધુ ઘઉં ઉત્પન્ન ન થતાં હોઈ એમાં જવ કે મકાઈ મેળવ્યા વિના આખું વર્ષ પૂરું પડતું નથી. ઘણી વાર તો જવ, ઘઉં અને મકાઈનો સાથવો – આ ત્રણ વસ્તુ ભેળવીનેય રોટલો બનાવવો પડે છે…. મને રાત્રે ખૂબ ઊંઘ આવી. બીજા દિવસે સવારે ઊઠતાં જ ગામના કેટલાક લોકો મને મળવા આવ્યા. એ લોકોની વાતોથી ખબર પડી કે ગામમાં પચ્ચીસ-ત્રીસ ખોરડાં છે. મુખ્ય આજીવિકામાં ખેતી અને લાખ એકઠી કરવી. લાખના કીડાનો ઉછેર કરવો અને લાખ ભેગી કરી મારવાડી શેઠિયાને વેચવી એ ઓરિસ્સા, છોટાનાગપુર અને આખા મધ્યપ્રદેશનો મુખ્ય ગૃહઉદ્યોગ છે.

હું આકાશ તરફ જોઈ મારા દુર્ભાગ્યનું અનુમાન કરતો હતો. ફરીથી ઘનઘોર વાદળો જામી ગયાં. જોઈને લાગ્યું કે કાલની માફક જ પાણી વરસશે. આવા વરસાદમાં આ આશ્રય મૂકીને રવાના થઉં કે નહીં એવું વિચારી રહ્યો હતો ને સાચે જ વરસાદ પડવા લાગ્યો. પહેલાં મોટાં મોટાં ફોરાં અને પછી મુશળધાર વર્ષા, એ સાથે આંધી. એ વખતે મારા કમરામાં કોઈ નહોતું. ગપાટા મારીને બધા ઊભા થઈ ગયા હતા. એક છોકરો પલળતો પલળતો મારા માટે દૂધ લઈ આવ્યો.
મેં એને કહ્યું : ‘અહીં ચાની પત્તી મળશે કે નહીં ?’
‘નહીં, બાબુસાહેબ.’
કદાચ પહેલેથી જ આ બાબતે હું જાણતો નહોતો કે જંગલ વિસ્તારમાં ચા નહીં મળે. મને થયું કે બિલાસપુરથી ચા લાવી શક્યો હોત. અંતે દૂધ પીને જ ચાની તલબ મટાડવી પડી. છોકરાએ દૂધ ઉકાળી દીધું. એક શેરથી ઓછું દૂધ નહીં હોય. મેં એને કહ્યું : ‘કેટલા પૈસા આપું ?’
એ બોલ્યો : ‘મુખીએ કહ્યું છે કે બાબુસાહેબ પાસેથી દૂધના પૈસા ન લેતો.’
‘દૂધ તારું જ છે ?’
‘હા બાબુજી, મારા જ ઘરનું દૂધ છે. માએ આપ્યું.’
‘તને નાસ્તા માટે પૈસા આપું છું, દૂધના ન લેવા હોય તો ન લઈશ.’
‘ના બાબુજી, પૈસા હું ન લઈ શકું.’
‘શું હું તને ઈનામ ન આપી શકું ?’
‘ના, અમે લોકો બક્ષીસ નથી લેતા. અમે મહતો ભરવાડ છીએ. દૂધ જ વેચીએ.’
મને લાગ્યું કે આને કોઈ રીતે સમજાવી શકાશે નહીં. એ છોકરો પલળતો ચાલ્યો ગયો. એ છોકરો બપોર પહેલાં થોડાં દાળ-ચોખા લઈને આવ્યો. મીઠું, તેલ કાલનાં જ વધેલાં હતાં. એમાંથી રસોઈ બનાવી. અડધો શેર ઉપર દૂધ પડ્યું હતું. એને ફરીથી ગરમ કર્યું. ભોજન થઈ ગયું. મેં છોકરાને જમવાનું કહ્યું પણ એણે ના પાડી દીધી.

લગભગ બે’ક વાગ્યે આકાશ ખૂબ સાફ થઈ ગયું. તડકી નીકળી આવી. ગામલોકો મળવા આવ્યા. એ લોકોને દાળ-ચોખાના પૈસા આપવાની મેં ઈચ્છા દર્શાવી પણ એ લોકોએ કોઈ રીતે પૈસા ન લીધા. મંડપગૃહમાં જે કોઈ રોકાય એ આખા ગામના અતિથિ હોય છે. ગામના આગેવાનો જ એની વ્યવસ્થા કરે છે. ગામના સામૂહિક ભંડોળમાંથી ખર્ચ કરવાની જૂની પરંપરા આ પ્રદેશમાં ચાલે છે.
મેં કહ્યું : ‘ગામના ભંડોળમાં થોડું દાન આપું તો તમને કોઈ વાંધો નથી ને ?’
‘ના બાબુસાહેબ, અતિથિ પાસેથી કશુંય ન લેવાનો અહીં રિવાજ છે.’

સાચા ભારતવર્ષને ઓળખવા માટે વિવિધ વર્ગના લોકો સાથે હળતાં મળતાં આવાં ગ્રામીણ અરણ્યોમાં, પહાડો-પર્વતો પર પગપાળા ભમવું પડે. ટ્રેનના ફર્સ્ટ કલાસ ડબ્બામાં યાત્રા કરી ભલે જે કાંઈ ઓળખી શકાય, તીરવાસી ભૈરવી માતાને (ભારત માતાને) તો નહીં જ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહાત્મા ગાંધી : મારી નજરે – સં. યોગેશ કામદાર
નક્કી આપણે કરવાનું છે – સુધીર દેસાઈ Next »   

19 પ્રતિભાવો : સાતપુડાનાં જંગલમાં – બિભૂતિભૂષણ બંદોપાધ્યાય

 1. Trupti Trivedi says:

  “કોઈ કૂદાકૂદભરી કરામતની જેમ વાર્તાવસ્તુનું કૃત્રિમ આયોજન કે ઊભી કરેલી ઘટનાઓ મને મંજૂર નથી. જુઠ્ઠાણાંની જાળ વણવા માટે આપણે અમૂલ્ય વાસ્તવિકતાને શા માટે અવગણવી જોઈએ ?” લેખકનુ કુદરત તરફી વલણ પ્રગટ થાય છે.

  બિભૂતિબાબુની ‘આરણ્યક’ મે વાચી હતી તે ફરી માનસપટ પર યાદ આવી ગયુ. મજાનુ હતુ એ સર્જન.

 2. nayan panchal says:

  સરસ લેખ.

  આ લેખકને ક્યારેય વાંચ્યા નથી, ભવિષ્યમાં તક મળે તો સારું.

  નયન

  “મોટી ઘટનાઓમાં મને શ્રદ્ધા નથી. રોજબરોજના જીવનમાંથી જાગતા સરળ આનંદ અને વિષાદમાંથી મને સાચું તત્વ મળી આવે છે.”

 3. bhavin says:

  something new … new write up…. will be happy to read again

 4. pragnaju says:

  વનવાસીની અનોખી વાત
  આનંદ થયો
  ધન્યવાદ

 5. hemant desai says:

  હા-
  ખરેખર મારા મન્ નિ વાત લખિ ચ્હે-
  મારે પન મારો દેશ “ખરેખર્ ” જોવો ચ્હે-
  કેવિ રિતે આવો અનુભવ લૈ ને દેશ જોવાય તે જાન્વા માતે શુ કરુ તે જનાવ્શો?
  મજ્હા આવિ-
  હેમન્ત ના જય હિન્દ્

 6. Dhaval B. Shah says:

  Definitely, an all together different article..I must say.

 7. DEVINA says:

  expecting to read more from this article,very nicely written.

 8. ભાવના શુક્લ says:

  ફરી એક વનપ્રવાસ અને મા ભારતીના સાચા સ્વરુપને નજીકથી ઓળખવાની ફરી એક તક.

 9. Ashish Dave says:

  I love to read such articles. Never had a chance to read the author but he sure has kept me interested all through

  Ashish Dave
  Sunnyvale, California

 10. NK Chandwar. says:

  Very good description of mother nature and natural people,so simple but very humane.

 11. Saifee Limadiawala says:

  ખુબ સરસ પ્રવાસ વર્ણન… જાણે પોતેજ જંગલ માં ફરતા હોઇએ તેવુ લાગીયુ

 12. HANIF says:

  વનવાસીની અનોખી વાત
  આનંદ થયો
  ધન્યવાદ

 13. RAJESH SHAH says:

  this is fantastic & new one, i appriciate from all the point of view

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.