નક્કી આપણે કરવાનું છે – સુધીર દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિક ઑગસ્ટ-2008માંથી સાભાર.]

જિંદગીમાં એવી કેટલીયે વાતો છે. આપણે જાણીએ છીએ એવું આપણે સમજીએ છીએ. ખરી વાત એ છે કે એ વાત કેટલી અગત્યની છે એ આપણને ખબર જ નથી હોતી. અને આપણે ક્યારે વિકાસ કરતા, જિંદગીમાં અટકી ગયા તે જાણતા જ નથી. આપણે માત્ર એકધારી જિંદગી જીવીએ છીએ અને મરી જઈએ છીએ. અને મરતા સુધી આપણને ખબર જ નથી પડતી કે આપણે સાચા અર્થમાં તો બાવીસ કે પચીસમે વરસે જ મરી ગયા હતા. આ તો અંતિમક્રિયા એંશીમા વરસે કરવામાં આવી રહી છે.

એનું કારણ એક જ છે, આપણી આજુબાજુ આપણાં જે સગાંવહાલાં, પાડોશીઓ, મિત્રો, વગેરે છે એ બધા પણ આ જ પ્રમાણે જીવે છે અને મરી જાય છે. કારણ એક જ છે, ‘સૌથી મોટા માનવી બનવું છે.’, ‘જિંદગીમાં એવું કંઈક પ્રાપ્ત કરવું છે, જેને કારણે જિંદગી સુધી કલ્પનાબહારનો આનંદ અને સંતોષ મળે.’ પણ એને માટે મોટાં સપનાં જોવા પડે. અંગ્રેજ રાજનીતિજ્ઞ બેન્જામિન ડિઝરાએલીએ એકવાર કહ્યું હતું, ‘તમારા મગજને મહાન વિચારોનો ખોરાક આપો. કારણ કે આપણે જેવું વિચારીએ છીએ એનાથી આગળ ક્યારેય જઈ નથી શકતા.’ અને આ વાત એકદમ સાચી છે. તમે મુંબઈ જવાનો વિચાર કરો તો મુંબઈ જવાય. ડૉક્ટર થવાનું કે ધંધો કરવાનું કે શિક્ષક થવાનું વિચારો તો ડૉક્ટર થવાય કે ધંધાદારી થવાય કે શિક્ષક થવાય. તમે જેવું વિચારશો એવા થશો.

જે વિચારને તમારા મગજમાં વાવશો એવાં ફળ આવશે. બાજરી વાવશો તો ઘઉં નહીં થાય. એ ચોક્કસ જ છે. દિલ્હી જવાની ટ્રેનમાં બેસીએ તો મદ્રાસ ન જવાય. તમે જેવું વિચારશો એવી રીતે શરીર કામ કરશે. અને એટલે જ આપણા મોટા ગજાના કવિ બળવંતરાય ઠાકોર કહેતા હતા ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.’ હમણાં જ થોડીવાર પહેલાં રૉબિન શર્માનું પુસ્તક ‘તમે મૃત્યુ પામશો ત્યારે કોણ રડશે ?’ના પાના નં. 197-198 પર એક પ્રસંગ વાંચ્યો. એમાં લેખક લખે છે કે ‘જો તમે તમારા સપનાંઓની પાછળ નહીં ચાલો તો તમારી મર્યાદાઓને ઈંધણ મળ્યા કરશે.’ એમના ભાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા આંખના ડૉક્ટર છે. એક દિવસ એમણે રૉબિન શર્માને વાતવાતમાં કહ્યું, ‘દાકતરી ભાષામાં જેને એમ્બ્લીઓપીઆ કહેવામાં આવે છે તે ત્યારે થાય છે જ્યારે બાળકની આંખ ઉપર કોઈ વસ્તુ મૂકી દેવામાં આવે છે. બાળકની આંખ સારી જ હોય છે. અને એને પરિણામે બાળકને દેખાતું બંધ થઈ જાય છે. જ્યારે એ વસ્તુ દૂર કરવામાં આવે છે ત્યારે એ બાળકને એ આંખથી ખરેખર દેખાતું બંધ થઈ જાય છે.’

આપણામાંથી ઘણાં આ પ્રકારના એમ્બ્લીઓપીઆથી હેરાન થતા હોય છે. કારણ એક જ છે, જે શક્તિ આપણામાં છે એનો ઉપયોગ કરવાનું આપણે બંધ કરી દીધું હતું. એટલે આપણે એકદમ ડરી જઈએ છીએ. બાળકમાં એ ડર નથી હોતો એટલે એ સાહસ કરી કરીને નવું નવું શીખ્યા કરે છે, જે એને જન્મ્યો ત્યારથી આવડતું જ નહોતું કે એને માટે કોઈ માહિતી નહોતી. આપણે જીવનમાં સહેજ સ્થાયી થઈ જઈએ છીએ કે જોખમ ખેડીને જીવનમાં આગળ વધવાનું-વિકાસ કરવાનું છોડી દઈએ છીએ. આપણે જ માત્ર આવું નથી કરતા, આપણી આજુબાજુના મોટાભાગના માનવીઓ આમ જ જીવનમાં આગળ વધતા અટકી જતા હોય છે. અને કુદરતની સૌથી મોટી રમત તો એ છે કે એમને એ ખબર જ નથી પડતી કે એ ક્યારના વિકાસ કરતા અટકી ગયા છે. અને એનાથી મોટી વાત તો એ છે કે એ પાછા સમજે છે કે એમનો વિકાસ થઈ રહ્યો છે. પગાર દર વરસે વધે છે ને !!

આનું કારણ સાચી માહિતીઓનો અભાવ અને એમની પાસે જે માહિતી છે તે ખોટી માહિતી છે. જેને શાસ્ત્રમાં ‘અવિદ્યા’ કહેવામાં આવે છે એ એમની પાસે છે. સાચી વિદ્યા એમની પાસે નથી. અને એને પરિણામે જીવનમાં આ લોકો મહાન ભૂલો કર્યા કરે છે અને એમને ખબર જ નથી કે એ ખાડામાં પડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

બૌદ્ધ ધર્મનું એક અગત્યનું પુસ્તક છે એનું નામ છે ‘મઝિઝમ નિકાય’. એ પુસ્તકના પાન નં. 278થી 279 ઉપર લખેલ પ્રસંગ યાદ રાખવા જેવો છે :
પુણ્ણા નામની એક વ્યક્તિ બુદ્ધને એક પ્રશ્ન પૂછે છે સાચી વાત જાણવા માટે. એ પૂછે છે કે આ એક નગ્ન સાધુ છે એણે જીવનનો એક આદર્શ બનાવી દીધો છે – કૂતરાઓની સેવા કરવી. કૂતરાઓની સેવા જ કર્યા કરે છે. એને બીજા કોઈ કાર્યમાં રસ નથી. એના ભવિષ્ય માટે તમે કંઈ કહો.’
ત્યારે બુદ્ધ કહે છે, ‘પુણ્ણા, હવે અટકી જા. વધારે કંઈ ના કહીશ. મને આવા કોઈ પ્રશ્ન ના પૂછ.’ પણ પુણ્ણાએ બીજીવાર એનો એ પ્રશ્ન પૂછ્યો. થોડીવાર પછી બુદ્ધે ફરીવાર એને આવા પ્રશ્નો પૂછવાની ના પાડી. છતાં ત્રીજીવાર પુણ્ણાએ એ જ પ્રશ્ન ફરી પૂછ્યો.
ત્યારે બુદ્ધે કહ્યું : ‘મેં તને વારંવાર ના પાડી છતાં તું એનો એ પ્રશ્ન ફરી ફરી મને પૂછ્યા કરે છે. એટલે જ તને હું આ જવાબ આપું છું. પુણ્ણા ! આ માનવી સતત કૂતરાની જોડે રહેવાથી કૂતરાના મન જોડે જોડાયો છે એટલે આવતા જન્મમાં કૂતરો થશે. કારણ કૂતરાની વર્તણૂંકને સતત જોયા કરવાથી મન એની જોડે જોડાઈ જાય છે. એ જો એવું માનતો હોય કે આ ઈશ્વરની સેવા છે તો ત્યાં એની ભૂલ થાય છે. કારણ માનવીને ભવિષ્યમાં એનું મન જ લઈ જાય છે.’

આવો જ એક બીજો પ્રસંગ એમાં નોંધાયો છે, જે આ પ્રમાણે છે : સેનિયાએ બુદ્ધને જાણવા માટે પ્રશ્ન કર્યો કે ‘જે આ જ પ્રમાણે ગાયની સેવા સતત ચોવીસ કલાક કર્યા કરે એનું શું ભવિષ્ય ?’ ત્યારે પણ પુણ્ણાને બુદ્ધને પ્રશ્ન પૂછવાની ના પાડી હતી એ જ પ્રમાણે સેનિયાને બે વાર પ્રશ્ન પૂછવાની ના પાડવા છતાં ત્રીજીવાર પ્રશ્ન કર્યો ત્યારે બુદ્ધે કહ્યું, ‘મેં આ વિષયમાં પ્રશ્ન પૂછવાની બે વાર ના પાડી છતાં ત્રીજીવાર પ્રશ્ન પૂછ્યો છે એટલે કહું છું કે એ ગાય થશે. કારણ એનું મન ગાય જોડે સતત જોડાયેલું રહે છે. મન જ તમને જીવનમાં આગળ લઈ જાય છે. ક્યાં લઈ જાય છે એનો આધાર એ શેની જોડે જોડાયેલું છે એના ઉપર છે.’

આમ આપણે આજના જમાનાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આંખના ડોકટરની વાત કરીએ કે હજારો વર્ષો પૂર્વે બુદ્ધે કહેલી વાત જોઈએ. વાત એક જ છે. એટલે જ આપણા પૂર્વજોએ મનને ઘણું બધું મહત્વ આપ્યું છે. એકની એક વાત ફરી જોઈએ તો કાયદામાં કોઈથી અકસ્માત થઈ જાય અને કોઈ મૃત્યુ પામે તો એને ખૂનની સજા નથી થતી. કારણ કે એની કોઈ ખૂન કરવાની દાનત ન હતી. એટલે સજા તો થાય અકસ્માત કર્યો તે માટે. કોઈ મરી જાય તો પણ ખૂની તરીકેની સજા ન થાય. કારણ એનું મન એમાં જોડાયેલું ન હતું. આ મન જ આપણને બીજા જન્મ સુધી લઈ જાય છે. અને એટલે જ આપણે જો બીજો જન્મ ન લેવો હોય તો નિર્વિચાર થવાની ટેવ પાડવી જોઈએ. જેથી કશાની જોડે મન જોડાય જ નહીં.

પણ જિંદગીમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો, મોટા માણસ બનવું હોય તો એ વિષય જોડે એકાગ્ર થવાની જરૂર છે. જે વિદ્યાર્થી ભણવામાં એકાગ્ર થઈ જાય એ પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવે જ છે. આપણે આ વાત જાણીએ જ છીએ. છતાં આપણા રોજબરોજના કાર્યમાં વેઠ ઉતારીએ છીએ. અને એટલે જ પ્રશંસા નથી મળતી. સેનેકાએ કહ્યું છે, ‘એવું નથી કે કોઈ કાર્ય કરવું અઘરું છે. પણ આપણે હિંમત કરી એ કાર્ય મન દઈને કરતા નથી એટલે એ અઘરું બની જાય છે.’ આપણે ત્યાં આપણા પૂર્વજોએ કહ્યું છે કે મન જ આપણા બંધન કે મોક્ષ માટે કારણભૂત છે.’ લોકો વાતવાતમાં કહે છે પણ ખરા કે એનું મન હંમેશાં ભમ્યા કરે છે પછી શક્કરવાર ક્યાંથી વળે ? આમ પરાપૂર્વથી આ વાત આપણને કહેવામાં આવે છે પણ આપણે એને મનથી ગ્રહણ નથી કરતા અને મનથી ગ્રહણ નથી કરતા એટલે એને અમલમાં મૂકવાનો વિચાર નથી આવતો.

વળી આપણામાં કહે છે, ‘સોબત તેવી અસર.’ સોબતની અસર સીધી મન ઉપર થાય છે. જેવા માણસો જોડે બેસીશું, ટી.વી. ઉપર જેવા પ્રોગ્રામો જોઈશું કે જેવા વિષયોનું વાંચન કરીશું, જેવા વિષયની વાતો કરીશું એવા જ વિચારો આપણા મન ઉપર કબજો જમાવશે. અને એ વિચારો જેણે આપણા ઉપર કબજો જમાવ્યો હશે તેવું જ વર્તન આપણી પાસે કરાવશે અને એનું પરિણામ પણ પછી એવું જ આવશે. આપણે દારૂડિયાની સોબત સતત રાખીશું તો ક્યારેકને ક્યારેક દારૂ પીવાઈ જશે. અને એમ કરતાં કરતાં એની લત પડી જશે. મારા મિત્રોમાં પણ એવા છે જેમને દારૂ ખૂબ ગમે છે. એ લોકો જાણે છે કે હું નથી પીતો છતાં એક દિવસ મને સમ આપીને કહે ‘ચાખો તો ખરા !’ અને હું એમની પાસેથી ઊભો થઈ ગયો. પછી ક્યારેય એમની જોડે એવા સમયે મળ્યો જ નથી. મૈત્રી ખરી પણ બધાંની વચ્ચે જ મળવું એવું નક્કી કરી લીધું અને હું એ બદીમાંથી કાયમ માટે બચી ગયો. અને સારા-પુસ્તકો કે સારા-ઉત્તમ માનવીઓ જેમણે સમાજને કંઈક ઉત્તમ આપ્યું છે એવાને જ મળવાનું રાખીએ તો ? અને શરૂઆતમાં કહું એમ આપણામાં રહેલી ઉત્તમ તાકાત ને શક્તિને સતત ખીલવવા માટે પ્રયત્ન કરીએ તો ? આપણામાં એ શક્તિ છે જ. આપણે એ ગુમાવી દઈએ છીએ કારણ પેલા બાળકની આંખ ઉપર મૂકેલી વસ્તુની જેમ પછી કાયમને માટે આપણી મહાન બનવા માટેની શક્તિને ગુમાવી દઈએ છીએ. મહાન બનવું કે સામાન્ય બનવું આપણા જ હાથમાં છે – આ બધું જાણ્યા પછી એવું નથી લાગતું ?

આપણાથી મહાન ના બનાય ! એવું વિચારવું સારું કે આપણે મહાન બનવા માટે જ સર્જાયા છીએ એવું વિચારી ઉત્તમ કાર્ય કરવા મથી પડવું ? નક્કી આપણે કરવાનું છે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાતપુડાનાં જંગલમાં – બિભૂતિભૂષણ બંદોપાધ્યાય
પંચાજીરી – સંકલિત Next »   

13 પ્રતિભાવો : નક્કી આપણે કરવાનું છે – સુધીર દેસાઈ

 1. nayan panchal says:

  ખૂબ જ ઉપયોગી લેખ. ખરેખર જીવનમાં આગળ વધવુ હોય તો સપના જોવા જ જોઈએ. જીવનમાં આપણને જેની પસંદગીનો અધિકાર છે તે પૂરેપૂરી સમજદારીથી કરવી જોઈએ.

  Our life is sum of the choices we made.

  Good decisions come from Experience, and experience comes from Bad decisions.

  Cheers,
  નયન

 2. Hiral Thaker "Vasantiful" says:

  કયાંક વાંચેલુ એક વાક્ય… “ઊંઘમાં જોયેલા સ્વપનો ને સાકાર કરવા પહેલા બહુ જાગવુ પડે”

 3. dipika says:

  શંકરાચાર્યએ કહ્યું છે ” મન એવમ મનુષ્યાણાંમ કારણમ બન્ધ મોક્ષયો ” એટલે “મન જ બન્ધન અને મોક્ષનું (મુકિત) નું કારણ છે”.

 4. Sapna says:

  Very true and very useful for life.

 5. Naimesh Patel says:

  વાતનો થીમ સારો છે પણ બિનજરૂરી લંબાણ અને અસંગત પ્રસંગોને કારણે વાત કંટાળાજનક લાગે છે.

 6. ભાવના શુક્લ says:

  સપના જોવા અને સાકાર કરવા માટે મથ્યા રહેવુ અને પછી પરિણામને આનંદથી માણવુ તે સર્વ સંમત વાત છે પરંતુ પહેલા ક્યુ સ્વપ્ન જોવુ જે પ્રમાણીક પણે સત્યની નજીક હોય? મહાન બનવાનુ સ્વપ્ન ખરેખર મહાન તોજ બનાવે જો તે સ્વપ્ન મહાનતાની સાચી વ્યાખ્યા અને આગળની દિશા જાણતુ હોય. બાકી તો દરેક ના મનમા એક મિથ્યાવિચાર સદાય રહે છે કે “હુ જે કરુ છુ અને જે ખોજ અને પ્રાપ્તી મને મળ્યા છે તે જ સૌથી શ્રેષ્ઠ છે.” માનવી સદાય જાહેરમા પોતાને પડતી વિટંબણાઓને વાગોળતો રહે છે અને અંગત રીતે અન્ય કરતા કેટલો આગળ છે તે મિથ્યા વિચારને પોષવા સિવાય બીજુ કશુ લગભગ કરતો નથી.

 7. Ashish Dave says:

  Nice article. The Sun’s rays do not burn until brought to a focus. Need all thought to be concetrated upon the work at hand.

  A very good example of how to avoid the friends who drink at the wrong time.

  And also, very well said Nayanbhai.

  Ashish Dave
  Sunnyvale, California

 8. pragnaju says:

  વારંવાર ભૂલી જવાતી વાત-“આપણામાં એ શક્તિ છે જ. આપણે એ ગુમાવી દઈએ છીએ કારણ પેલા બાળકની આંખ ઉપર મૂકેલી વસ્તુની જેમ પછી કાયમને માટે આપણી મહાન બનવા માટેની શક્તિને ગુમાવી દઈએ છીએ. મહાન બનવું કે સામાન્ય બનવું આપણા જ હાથમાં છે – આ બધું જાણ્યા પછી એવું નથી લાગતું ?” ફરી ફરી યાદ અપાવવા બદલ અભિનંદન્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.