પંચાજીરી – સંકલિત

[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.]

[1] વડો પ્રધાન છું છતાંય….. – અમૃત મોદી

‘વાહ ! આ સાડીઓ તો બહુ સરસ છે. શી કિંમત છે ?’
‘જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની..’
‘ઓહો ! એ તો બહુ કિંમતી કહેવાય. એનાથી સસ્તી બતાવશો મને ?’
‘તો આ જુઓ પાંચસોની અને આ ચારસોની છે.’
‘અરે ભાઈ, એ પણ કિંમતી ગણાય. કાંઈક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા ગરીબને પોસાય !’
‘વાહ સરકાર – એવું શું બોલો છો ? આપ તો અમારા વડાપ્રધાન છો – ગરીબ શાના ? અને આ સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.
‘એવું કેમ ?’
‘કેમ વળી ? અમારા વડા પ્રધાનને કાંઈક ભેટ ધરવાનો શું અમને અધિકાર નથી ?’
‘હું ભલે વડો પ્રધાન હોઉં, પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટરૂપે લઉં. વડો પ્રધાન છું તે છતાંય હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું. માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.’

રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઈ. આખરે લાચાર થઈને એને સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના વડા પ્રધાન લાલ બહાદુરજીએ પોતાના પરિવાર માટે જોઈતી સાડીઓ ખરીદ કરી.
.

[2] બાપજી, જરા થોભજો ! – હરીન્દ્ર દવે

તોલ્સતોયની એક કથા છે : ત્રણ ગમાર જેવા માણસોને આસપાસના ગ્રામજનો સંત માને છે, એ જાણી વડા ધર્મગુરુને ક્રોધ આવે છે. એ નૌકામાં બેસી, આ ત્રણ જ્યાં રહેતા હતા એ ટાપુ પર જાય છે. પેલા ત્રણ તો ધર્મગુરુના ચરણોમાં પડીને કહે છે : ‘અમારાં ધન્યભાગ્ય, આવા ગુરુ અમારે આંગણે આવ્યા.’
ધર્મગુરુ એમને પૂછે છે : ‘તમે કઈ પ્રાર્થના કરો છો ?’
ત્રણે સંકોચમાં પડી જાય છે. એમાંનો એક હિંમત કરીને કહે છે : ‘બાપજી, અમે તો કાંઈ ભણ્યા નથી. અમે તો હાથ જોડીને એટલું કહીએ છીએ કે, હે ભગવાન, અમારું ત્રણેનું ભલું કરજો.’
ધર્મગુરુ ગુસ્સે થઈને કહે છે : ‘આવી વાહિયાત પ્રાર્થના તે કરાતી હશે ?’ અને એ બાઈબલમાંથી મોટી પ્રાર્થના એમને શીખવે છે. ચાર-છ વખત બોલીને ત્રણેય એ પ્રાર્થના ગોખી નાખે છે.

લેભાગુ સંતોને રસ્તો બતાવ્યો, એમ માની ધર્મગુરુ પોતાની નૌકામાં પાછા ફરતા હોય છે, ત્યાં બૂમ સંભળાય છે : ‘બાપજી, જરા થોભજો !’ ધર્મગુરુ જુએ છે તો પેલા ત્રણે માણસો દરિયાના પાણી પર સડસડાટ ચાલતા આવી રહ્યા છે. નૌકા પર ચડી, ગુરુને પ્રણામ કરીને ત્રણે બોલ્યા : ‘બાપજી, પેલી પ્રાર્થના અમે ભૂલી ગયા. હજી એક વાર શીખવાડશો ?’
ધર્મગુરુને એ સંતોની કોટીનો ખ્યાલ આવે છે. ત્રણેના પગે પડીને એ કહે છે : ‘તમે કરતા હતા એ જ સાચી પ્રાર્થના છે.’
.

[3] સાહિત્ય અને જીવન – રામનારાયણ વિ. પાઠક

જીવનમાં સાહિત્યકલાને ઘણું ઊંચું સ્થાન છે. અને તેમ છતાં સાહિત્યસેવન, કાવ્યાનુભવ, એ જીવનનું એક જ ધ્યેય નથી, તેમ જ તે સૌથી ઉન્નત ધ્યેય પણ નથી. જીવનનું ઉન્નત ધ્યેય પોતે ઉન્નતિ, વિશાલતા, જાગૃતિ, નિર્ભયતા સિદ્ધ કરવી એ છે. અમુક કાવ્યના પરિમિત અનુભવમાં પૂર્ણતા મન સમક્ષ વ્યક્ત થાય એટલાથી કૃતાર્થ થઈ શકાતું નથી. એ પૂર્ણતા સમસ્ત જીવનમાં સિદ્ધ કરવી જોઈએ. અને તે તરફ જવાનો માર્ગ વાસ્તવિક જીવન સોંસરો પડેલો છે. વાસ્તવિક જીવનના ઉપસ્થિત પ્રસંગોએ નિર્ભયતા, વિશાલતા સેવતાં સેવતાં જ એ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. એવા પ્રસંગો જતા કરીએ, એવા પ્રસંગોએ ખસી જઈએ, તો એ પ્રસંગનું કામ કોઈ કાવ્ય કરી શકશે નહીં. બહાદુરી કરવાને પ્રસંગે ફરજમાંથી ખસી જઈએ તો એ પ્રસંગનું ફળ વીરરસકાવ્ય-વાચનથી કે વીરરસના નૃત્યથી નથી મળવાનું. ફળ નથી મળવાનું એટલે વ્યાવહારિક ફળ નથી મળવાનું એ તો દેખીતું જ છે. પણ બહાદુરીના કૃત્યથી આત્માની જે ઉન્નતિ થવાની હતી તે વીરરસકાવ્ય-વાચનથી નથી થવાની. ઊલટું, બહાદુરીનો પ્રાપ્ત પ્રસંગ જવા દીધો, ચેતનની સ્ફૂર્તિની એક તક ગુમાવી, એથી ચેતન એટલું ઓસર્યું. અને પછી એ ક્રિયાને ફરી અટકાવીએ નહીં તો એ ઓસરતું જ જવાનું. એ ચેતન પછી કાવ્ય દ્વારા પણ વીરરસનો અનુભવ કરવાને એટલું નાલાયક બનવાનું.

એટલે સાહિત્ય અને જીવનનો માર્મિક સંબંધ કહ્યા છતાં; સાહિત્ય જીવનને સમૃદ્ધ કરે છે, ઉન્નત કરે છે, એ સ્વીકાર્યા છતાં; કાવ્ય કે કોઈ પણ કલા સાથે વાસ્તવિક જીવનનું સાટું ન કરી શકાય. કારણ કે હાલના કલાપ્રશસ્તિના વાતાવરણમાં મનુષ્ય પોતાની નિર્બળતાથી ઘણી વાર એમ માની પોતાની જાતને છેતરે છે. જેવું ધર્મનું વેવલાપણું હતું, તેવું કલાનું પણ હોઈ શકે છે. અને છેતરનાર માણસ ભલે બીજાને છેતરી શકતો હશે, -પણ કોઈ જીવનને છેતરી શકવાનું નથી.
.

[4] પરાકાષ્ઠા – વિનોદિની નીલકંઠ

જ્યારે મેં જમના નદીને કિનારે બાલચંદ્રના ઝાંખા તેજમાં, મૂર્તિમાન સૌંદર્યસમા તાજમહાલને જોયો, ત્યારે મારા હૃદયમાં એવા અકથ્ય ભાવો ઊભરાયા હતા કે મને લાગેલું કે આથી વધારે લાગણી કદી ઉદ્દભવી જ ન શકે ! પરંતુ જ્યારે હિમાલયનાં બરફથી છવાઈ ગયેલાં શિખરોની હારમાળાની વચમાંની ખીણોમાં ફેલાયેલાં કાશ્મીરનાં ફૂલખેતરો તથા ફૂલવનો મેં જોયાં, ત્યારે મારા મનમાં એવા તો અવર્ણનીય ભાવો ઉત્પન્ન થઈ આવ્યા, કે મને લાગ્યું કે લાગણીના ઊભરાની આ આખરી સીમા જ હશે.
પણ જ્યારે મેં નાયગરાના ધોધનું ભવ્ય અને ગંભીર સૌંદર્ય અખૂટ પાણી સાથે વહેતું જોયું, જ્યારે મેં જાપાનમાં પરોઢનાં સ્વપ્ન જેવા ધુમ્મસથી અર્ધઢાંક્યા અને સુંદરતાની અવધિસમા ફુજિયામા પર્વતનાં દર્શન કર્યાં; ત્યારે મને સમજાયું કે સૌંદર્યનાં દર્શનથી જે લાગણીઓ હૃદયમાં ઊભરાઈ આવે છે, તેનું માપ કાઢવું મિથ્યા છે. છતાં તે લાગણીની પરાકાષ્ઠા પામવાની મને હોંશ રહી જ જતી. જ્યારે નિ:સ્વાર્થ સ્વર્ગીય પ્રેમની મૂર્તિનાં મને સાક્ષાત દર્શન થયાં, ત્યારે મેં સાચે જ માન્યું હતું કે જે પરાકાષ્ઠા હું શોધતી હતી, તે મને મળી રહી છે.

પરંતુ, નાનકડા હાથપગ હવામાં ઉછાળતા, સોનેરી વાંકડિયા વાળવાળા, અને મોગરાના ફૂલના ઢગલા જેવા સુકોમળ મારા બાળકને જ્યારે મેં મારા ખોળામાં લીધો, ત્યારે જ મને સમજણ પડી ગઈ કે હૃદયની લાગણીની પરાકાષ્ઠા અનુભવવા જગતમાં દેશપરદેશ રખડવું વૃથા છે. નિ:સીમ આનંદની આ અણમૂલ પરાકાષ્ઠાનો અનુભવ કુદરતે કેટલો સુલભ બનાવ્યો છે !
.
[5] ફૂલપગલીઓ – સુરેશ દલાલ

આજે મનનો કોઈ જુદો જ મિજાજ છે. ગુમાવ્યાની ગણતરી નથી, તો જે કંઈ મળ્યું છે એનો નશો પણ નથી. ઘણું બધું મેળવી લેવાની કોઈ મહાત્વાકાંક્ષી સ્પૃહા નથી. વિગતનો કોઈ ભાર નથી, તો અનાગતની કોઈ અકળાવનારી છાયા નથી. કશાયનું મૂલ્ય આંક્યા વિના આંખ ભરી ભરીને બધું જોઉં છું. વિષાદ અને આનંદથી પર એવી મનની અવસ્થા છે.

કવિતા લખવાનું મન થાય એવું વાતાવરણ છે. પણ કોરા કાગળને કોરો રાખવાની પણ કોઈ જુદી જ મજા છે. એટલા માટે જ કવિતા લખવાનું ટાળું છું. પતંગિયા જેવા ઊડતા શબ્દોને કાગળમાં જકડી નથી દેવા. નિર્ભયતાથી ચણતાં પારેવાંની જેમ આ શબ્દોને એમ ને એમ રાખવા છે; જાળ નાખીને પકડી લઈને પિંજરમાં પૂરી નથી દેવા. આજે કવિતા લખવી નથી, જીવવી છે. જીવનમાં કેટલી બધી કવિતા છે અને જીવન કેવું કાવ્યમય છે, એની જ વાત કરવી છે.

ચાલવાનું મન થાય એવા રસ્તા છે, સૂર્યનું પ્રથમ કિરણ થઈને લંબાવાનું મન થાય એવું આંગણું છે, પંખી થઈને કૂજવાનું મન થાય એવાં વૃક્ષો છે, પ્રેમ કરવાનું મન થાય એવી વ્યક્તિ છે, તો પૂજવાનું મન થાય એવી વિભૂતી પણ છે, માછલી થઈને તરવાનું મન થાય એવું જળ છે, ચન્દ્ર થઈને ઊગવાનું મન થાય એવું આકાશ છે, રાતરાણી થઈને મહેકવાનું મન થાય એવો અંધકાર છે, ગીત થઈને રેલાઈ જવાનું મન થાય એવા સહૃદય શ્રોતાઓ છે. આખી સૃષ્ટિને આલિંગનમાં લઈ લઉં એટલો છલકતો પ્રેમ છે. જાગી ગયા હોઈએ પછી સ્મૃતિઓ મમળાવવાનું મન થાય એવી અધમીંચેલી આંખ જેવી સવાર છે. નહીં ફળેલાં સપનાંઓને દુ:ખની જરીક અમથી પણ લાગણી વિના, જાણે કે મ્યુઝિયમમાં ફરતા હોઈએ અને જોઈએ એ રીતે, જોવાની અલિપ્ત અવસ્થા છે… છે..છે..છે…

જીવનમાં કેટલું બધું છે ! હૃદય નાનું પડે એટલો બધો આનંદ છે. જળમાં, સ્થળમાં, નભમાં, પવનમાં બધે જ જીવનની ફૂલપગલીઓ દેખાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નક્કી આપણે કરવાનું છે – સુધીર દેસાઈ
નાઉ, ઈટ ઈઝ યોર પ્રૉબ્લેમ – ડૉ. અજય કોઠારી Next »   

15 પ્રતિભાવો : પંચાજીરી – સંકલિત

 1. Rekha Sindhal says:

  વાહ! મૃગેશભાઈ આજે તો પંચાજીરીથી મજા આવી ગઈ ! મનમાં આનંદની ફૂલપગલીઓ પડવા લાગી.

 2. nayan panchal says:

  માણસ નૈતિક્તાથી જીવે તો તેનુ કદ હંમેશા ઉંચુ રહે છે, લાલ બહાદુર શાસ્ત્રીની જેમ.

  સંતોની પ્રાર્થના એકદમ બરાબર. એક નાનકડો બાળક ચર્ચમાં જાય છે, બધા પ્રાર્થના કરતા હોય છે. તે ત્યા abcd બોલવા લાગે છે. પાદરી બાળકને પૂછે છે કે તુ abcd કેમ બોલે છે. બાળકે કહ્યુ કે પ્રભુ તો મહાન છે, અંતર્યામી છે, તે જાતે જ આમાંથી પ્રાર્થના બનાવી લેશે.

  “જેવું ધર્મનું વેવલાપણું હતું, તેવું કલાનું પણ હોઈ શકે છે. અને છેતરનાર માણસ ભલે બીજાને છેતરી શકતો હશે, -પણ કોઈ જીવનને છેતરી શકવાનું નથી.”

  “હૃદયની લાગણીની પરાકાષ્ઠા અનુભવવા જગતમાં દેશપરદેશ રખડવું વૃથા છે. નિ:સીમ આનંદની આ અણમૂલ પરાકાષ્ઠાનો અનુભવ કુદરતે કેટલો સુલભ બનાવ્યો છે !”

  “જીવનમાં કેટલું બધું છે ! હૃદય નાનું પડે એટલો બધો આનંદ છે.”
  બસ પ્રભુ તે આનંદને માણી શકવાની દ્રષ્ટિ પૂરી પાડે એટલી જ પ્રાર્થના.

  બધા જ લેખો ખૂબ જ સરસ.

  નયન

 3. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  શુ નથી એ વિચારવા કરતા શું છે તે વિશે વિચારીયે તો જ સાચા આનંદની અનુભૂતિ થાય!

  અને ભગવાનને પ્રાર્થના કરવા માટે ક્યારેક શ્બ્દોની જરૂર જ નથી પડતી, ભગવાન જાતે જ સમજી જાય છે અંતરના ભાવો.

 4. urmila says:

  wonderful description of becoming a mother – I still exprience the same emotions whenever I think of my babies

  પરંતુ, નાનકડા હાથપગ હવામાં ઉછાળતા, સોનેરી વાંકડિયા વાળવાળા, અને મોગરાના ફૂલના ઢગલા જેવા સુકોમળ મારા બાળકને જ્યારે મેં મારા ખોળામાં લીધો, ત્યારે જ મને સમજણ પડી ગઈ કે હૃદયની લાગણીની પરાકાષ્ઠા અનુભવવા જગતમાં દેશપરદેશ રખડવું વૃથા છે. નિ:સીમ આનંદની આ અણમૂલ પરાકાષ્ઠાનો અનુભવ કુદરતે કેટલો સુલભ બનાવ્યો છે !

 5. ભાવના શુક્લ says:

  અપ્રતિમ સુંદર વાતો!!!!

 6. Ashish Dave says:

  Nicely chosen articles. Thanks for sharing Mrugeshbhai.

  Ashish Dave
  Sunnyvlae, California

 7. pragnaju says:

  મોટા ગજાના પાંચેય લેખકોની પંચજીરી ખૂબ જ સુંદર લાગી
  આ રીતે અવાર નવાર પીરસતા રહેશો

 8. dilip says:

  thnak you for witten the five dimands…..

  Dilip choudhari

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.