સુપર-વિઝન – દીવાન ઠાકોર

પરીક્ષા શરૂ થવાને પંદર મિનિટ બાકી હતી. ઘંટ વાગ્યો. ખત્રીસાહેબ ઘંટનો રણકાર સાંભળી ઊભા થઈ ગયા. કપાળ પર કરચલીઓ પડી. પટાવાળાએ ધરેલું સુપરવિઝનનું લિસ્ટ હાથમાં લઈ નામની સામે સહી કરી પેન ખિસ્સામાં મૂકી રૂમ નંબર પાંચ તરફ ચાલવા માંડ્યા. લૉબીમાં વિદ્યાર્થીઓની અવર-જવર થતી હતી તે જોઈ રૂમ નંબર પાંચ સીડીની ડાબી બાજુ છે એમ યાદ કરી તે એ બાજુ ચાલવા માંડ્યા. ખિસ્સામાં ભરાવેલી પેન પર આંગળાં ફેરવી ખાતરી કરી લીધી કે પેન ખિસ્સામાં જ છે. ડાબી તરફ વળ્યા પછી થોડાંક ડગલાં ચાલીને રૂમ નંબર પાંચના બારણા પાસે પહોંચી ઊંચી ડોક કરી સફેદ રંગે લખેલું રૂમ નંબર પાંચનું પાટિયું જોયું. કાનને આચાર્યશ્રીનો કડક અવાજ ઘસરકો કરી ગયો. ‘મિસ્ટર ખત્રી, કડક સુપરવિઝન કરવાનું છે.’ શબ્દો યાદ આવતાં તે ચિંતિત બન્યા. રૂમ નંબર છ આગળ વિદ્યાર્થીઓ ઊભા હતા. એમણે હાથ ઊંચો કરી ચપટી વગાડી. વિદ્યાર્થીઓએ ચપટીનો સંકેત સમજી વર્ગમાં જવાનું શરૂ કર્યું. એમણે દરવાજા પાસે ઊભા રહી પરીક્ષાખંડમાં નજર નાખી. વિદ્યાર્થીઓ પાટલી પર બેસી ગયા હતા. એમને આવતા જોઈ વિદ્યાર્થીઓ ઊભા થયા. એમણે બેસી જવા ઈશારો કર્યો. ટેબલ પાસે જઈ આંગળી ફેરવી તો ધૂળ ચોંટી.

પટાવાળો બરાબર સફાઈ કરતો નથી. દિવાળીની બોણી લેવા ટાઈમસર આવી જાય છે; પણ સફાઈમાં મીંડું. છગનને બે વાર કહીએ એ પછી તો પાણી ભરે છે. કોને ફરિયાદ કરવી ? આચાર્યને ફરિયાદ કરી ન શકાય. એ જ ફરિયાદ કરે છે. કોને કહેવું ? આચાર્યનો તંગ ચહેરો દેખાયો. ગઈ કાલની મીટિંગમાં આપેલી કડક સૂચનાઓ યાદ આવી. એમણે ખિસ્સામાંથી રૂમાલ કાઢી પરસેવો લૂછ્યો. રૂમાલ વડે ખુરશી-ટેબલ ઝાપટી ધૂળ ખંખેરી. તે દરવાજા તરફ જોઈ લીધું પછી બેઠક જમાવી. પટાવાળાએ આવીને ઉત્તરવહીઓનો થોકડો ‘ધબ્બ’ કરતો ટેબલ પર મૂક્યો. ખત્રીસાહેબનું મોઢું બગડી ગયું.

સાવ અક્કલ વિનાનો છે. કામ કેમ કરવું તેની રીત આવડતી નથી. જાણે દાઝ કાઢતો હોય એમ ઉત્તરવહીઓ મૂકે છે. એમણે વિદ્યાર્થીઓ તરફ જોયું. વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. એમણે બે-ત્રણ વાર ટેબલ પર હાથ પછાડ્યો. ગણગણાટ બંધ થયો. ઉત્તરવહીઓનો થોકડો બરાબર પકડી એ ઊભા થયા. પહેલી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીથી શરૂઆત કરી. દરેકને ઉત્તરવહી આપતાં એ છેલ્લે સુધી ગયા. પહેલી હરોળ પૂરી કરી બીજી હરોળમાં બેઠેલા વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓ આપવાની શરૂઆત કરી. આચાર્યની ચેતવણી યાદ આવતાં તે બોલ્યા : ‘ધોરણ-વર્ગ અને રોલ નંબર મથાળાના ખાનામાં યોગ્ય જગ્યાએ લખો. નંબર સ્પષ્ટ વંચાય એમ લખવાનો છે. ભૂલ ન થાય તેની કાળજી રાખો.’ ત્રીજી અને ચોથી હરોળમાં ઉત્તરવહીઓ આપતાં સૂચનાઓનું પુનરાવર્તન કર્યું. કેટલાક શબ્દોનું એ ભારપૂર્વક પુનરાવર્તન કરતા હતા. ‘નંબર બરાબર લખો. વાતો બંધ કરો. સૂચનાનું પાલન કરો.’

દરેક શબ્દ ભારપૂર્વક અને ચીપી ચીપીને બોલાતો હતો. આચાર્યની સૂચનાઓનું પાલન કર્યાનો સંતોષ અનુભવાતો ન હતો. દરવાજા બહાર નજર કરી. સ્ટાફરૂમના દરવાજા પાસે આચાર્ય ઊભા હતા. એમનો ઊંચો અવાજ ખત્રીસાહેબે સાંભળ્યો. તેમણે મોઢું ફેરવી લીધું. શિક્ષકોને ખખડાવવા સિવાય આચાર્યને બીજું કામ શું છે ? આટલી કડકાઈ તો બોર્ડની પરીક્ષામાંય હોતી નથી. ગમે તે બહાને સ્ટાફને ભીંસમાં રાખવો એ જ આશય છે. કલાર્કે આવી સીલબંધ પ્રશ્નપત્રોનું કવર હાથમાં આપ્યું. એમણે પૂછ્યું :
‘શું થયું છે ?’
‘શું હોય ? તમે તો જાણો છો જ. આ તો રોજનું છે.’
‘પણ તોય….’
‘ખત્રીસાહેબ, આપણે તો માત્ર સૂચનાનું પાલન કરવાનું છે. મગજ ચલાવવાનું નથી.’
કલાર્ક ગયો. ખત્રીસાહેબે કવર ફાડી અંદરથી પ્રશ્નપત્રો કાઢી ટેબલ પર ગોઠવીને મૂક્યા. વિદ્યાર્થીઓમાંથી કોઈક બોલ્યું :
‘સાહેબ, પ્રશ્નપત્ર આપોને.’
‘ના’
‘ના’ શબ્દ પડઘાયો. આચાર્ય દરવાજા વચ્ચે ઊભા હતા : ‘પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થાય ત્યારે જ આપવાનું છે. નિયમનું પાલન થવું જોઈએ. હું નિયમનો ભંગ નહીં ચલાવી લઉં.’ આચાર્યની સૂચનાઓ અને ચેતવણીઓ સૌ પરવશ બની સાંભળી રહ્યા… ‘ચોરી કરતાં પકડાશો તો નામ કમી કરી દઈશ. નવા સત્રથી કાઢી મૂકીશ.’ આચાર્ય રૂમ નંબર છ તરફ ગયા.

ખત્રીસાહેબ મનોમન ધૂંધવાઈ રહ્યા હતા. મીટિંગ વખતે આચાર્યએ કહેલા શબ્દો મનમાંથી નીકળ્યા ન હતા. ‘મિસ્ટર ખત્રી, સુપરવિઝન કડક થવું જોઈએ. તમે ઢીલા છો. પાછળથી તમારી કોઈ વાત સાંભળીશ નહીં.’ શિસ્તબદ્ધ વિદ્યાર્થીની જેમ તેમણે પ્રશ્ન પૂછવા આંગળી ઊંચી કરી.
‘પૂછો.’
‘સાહેબ, કડક સુપરવિઝન એટલે શું ?’
પશ્ન સાંભળીને કેટલાક મોટેથી હસ્યા. કેટલાક આડું જોઈને હસ્યા. કેટલાકે મોઢા આગળ હાથ રાખી હસી લીધું. બહેનો નીચાં માથાં કરી હસી રહી હતી. મીટિંગમાં માત્ર બે જણ હસતા ન હતા. એક આચાર્ય અને બીજા ખત્રીસાહેબ. આચાર્ય પ્રશ્ન સાંભળી તપી ગયા.
‘આટલાં વર્ષો તમે શું કર્યું ? મારે તમને સમજાવવું પડે તે શરમજનક ગણાય. કોઈ પણ વિદ્યાર્થી ચોરી ન કરે તેનો ખ્યાલ રાખો. ચોરી કરતાં પકડાય તો તરત જ ઑફિસમાં મોકલી દો. બેકાળજી હું નહીં ચલાવી લઉં. મેમો આપીશ સમજ્યા ?’ મેમો શબ્દ કાને પડતાં ખત્રીસાહેબ ઢીલા પડી ગયા હતા. એ બેસી ગયા.

અત્યારે એ બધું યાદ આવતાં એમને ચિંતા થવા માંડી. માથું દુ:ખી રહ્યું હતું. પરીક્ષાર્થીઓ પેપર લખે. વાત ન કરે. ચોરી ન કરે. એમને કોઈ અગવડ ન પડે. સમય પૂરો થાય એટલે ઉત્તરવહી આપી રવાના થાય. આટલી અમથી વાતનું વતેસર કરી નાખ્યું. આખી વાતને ચોળીને ચીકણી કરી દીધી. કેવો હાઉ ઊભો કરી દીધો ? જાણે સુપરવિઝન એટલે દુનિયાનું અઘરામાં અઘરું કામ. પરીક્ષાનું જેટલું ટેન્શન શિક્ષકોને માથે છે તેટલું તો વિદ્યાર્થીઓ અને વાલીઓનેય નહીં હોય ! એમણે આંખો મીંચી દીધી.
‘સાહેબ પાણી લાવું ?’ પટાવાળો બોલ્યો.
‘ના. માથાના દુખાવાની ગોળી હોય તો આપ.’

ઘંટ વાગ્યો. એમણે પ્રશ્નપત્રો આપવા માંડ્યાં. પાનાં ફેરવવાનો ફફડાટ થયો પછી શાંતિ છવાઈ ગઈ. વિદ્યાર્થીઓ માથું નીચું કરી જવાબો લખવામાં તલ્લીન થઈ ગયા. ખત્રીસાહેબ ખુરશીમાં ગોઠવાઈને બેઠા, પરંતુ મન શાંતિથી બેસવા દે એમ ન હતું. કોઈ પણ સંજોગોમાં કડક સુપરવિઝન કરવાનું છે. વાંકમાં ન આવવું હોય તો એમ કર્યા વગર છૂટકો નથી. આચાર્યને ફરિયાદ કરવાનો મોકો ન મળવો જોઈએ. વિદ્યાર્થીઓને લાગવું જોઈએ કે સાહેબ કડક છે. એ ખુરશીમાં બેઠાં બેઠાં ટટાર થયા. આમ ખુરશીમાં બેસી રહેવાથી કડક સુપરવિઝન ન થાય. એમણે દરવાજા તરફ જોયું. આચાર્ય ખુરશીમાં બેઠેલો જોશે તો ઠપકો આપશે. આંટા મારવા પડશે. ના…ના, જરાય ઢીલાશ નહીં ચાલે. એ પ્રથમ હરોળની પહેલી પાટલી પાસે ગયા. ધીમાં ડગલાં ભરતાં પાછળ હાથ રાખી ચાલી રહ્યા હતા. એમની નજર શંકાશીલ બની તાકતી હતી. તે વિદ્યાર્થી તરફ ઝીણી નજરે જોતા હતા. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ ઊંચે જોઈ સ્મિત કર્યું. તે સામે હસ્યા નહીં. આજે રોજની ટેવ મુજબ સ્મિતનો જવાબ સ્મિતથી આપવાનો નથી. કડકાઈ રાખવાની છે. એ પાછા વળ્યા. બીજી હરોળમાં દાખલ થયા. સામે જ બેઠેલો વિદ્યાર્થી ઊંચી ડોક કરી હસે તે પહેલાં તો પરિસ્થિતિ પારખી એ આગળ ખસી ગયા. સામે દીવાલ આવી એટલે પાછા વળ્યા. ટેબલ પાસે ઊભા રહ્યા. પંખો ફરવાનો અવાજ સંભળાતો હતો. ત્રીજી પાટલી પર બેઠેલો વિદ્યાર્થી ત્રાંસો બેઠો છે. ચોરી કરવાની આ જૂની રીત છે. આગળનો વિદ્યાર્થી ત્રાંસો બેસે એટલે પાછળ બેઠેલો વિદ્યાર્થી આગળના વિદ્યાર્થીની ઉત્તરવહીનું લખાણ વાંચી શકે. એ મનોમન હસ્યા. જોકે ચહેરા પરની એકેય રેખા બદલાઈ નહીં.
‘સીધો બેસ. પેલી બાજુ ખસી જા.’
વિદ્યાર્થી ખસીને નીચી મૂંડીએ લખવા માંડ્યો. એ આગળ ચાલ્યા. સામે દીવાલ આવી ગઈ. અરીસામાં ચહેરો જોતા હોય તેમ દીવાલ સામે તાકી રહ્યા. સામે કડક ચહેરો દેખાયો. હોઠ ફફડી રહ્યા હતા.

એ પાછા વળી ગયા. બધું બરાબર છે. બેસવામાં વાંધો નહીં. હાજરી પૂરવી પડશે. તેમણે રોલ નંબર બોલી હાજરી પૂરવા માંડી. પત્રકમાં હાજર-ગેરહાજરની નોંધ કરી. પેન બંધ કરી ખિસ્સામાં મૂકી. બે ટકોરા પડ્યા. કલાક પૂરો થયો. બેઠાં બેઠાં મનમાં ઉચાટ થવા માંડ્યો. આચાર્ય અચાનક આવી ચઢશે તો ? મને બેઠેલો જોઈ વિદ્યાર્થીઓના સાંભળતાં ઠપકો આપશે. બેઠાં બેઠાં કડક સુપરવિઝન ન થાય. એમણે ઊભા થઈ ઉત્તરવહીઓ પર સહીઓ કરવાનું શરૂ કર્યું. સામે દેવાંશી બેઠી હતી. દેવાંશી મહેનતુ વિદ્યાર્થીની હતી. ઉત્તરવહી પર સહી કરતાં જોઈ લીધું કે વિગતો બરાબર નોંધાઈ છે. દેવાંશી બોલી :
‘ગુડ મોર્નિંગ સર.’
ખત્રીસાહેબની જીભ ‘ગુડમોર્નિંગ’ બોલતાં બોલતાં અટકી ગઈ. અત્યારે ગુડમોર્નિંગ કરવાનું છે ? ખરેખર ગુડમોર્નિંગ છે જ ક્યાં ? ચહેરા પરની રેખાઓ પણછની જેમ ખેંચી રાખી. ડોક હલાવી એ આગળ વધી ગયા. સહી કરતી વખતે આજુબાજુ, પાટલી નીચે તે જોઈ લેતા હતા. પરીક્ષામાં વિદ્યાર્થીઓ પર ભરોસો મૂકવાનો નથી. સહીઓ થઈ ગઈ. હવે બેસવા દે. કમર દુ:ખે છે. થોડી વાર બેસવામાં વાંધો નહીં. બેઠા પછી એ દરેક વિદ્યાર્થીનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી રહ્યા હતા. કોઈ આડું-અવળું જુએ તો આંખો કાઢતા તાકી રહેતા. પેલો છોકરો પાટલીના છેડે બેઠો નથી. એને કડક શબ્દોમાં કહેવું પડશે. દેવાંશી લખી રહી છે. પેલી છોકરી વારંવાર પાછળ કેમ જોતી હશે ? બારી પાસે બેઠેલો મેહુલ મારી સામે કેમ તાકી રહ્યો છે ? તેની પાસે કાપલી હશે. હું દરવાજા પાસે જઈ બહારની બાજુ તાકી રહું. હું બેધ્યાન બની જાઉં તો એ કાપલી કાઢશે. હંઅ….અ… ત્રાંસી નજરે જોતાં કાપલી દેખાય છે. થોડું લખવા દો. એ લટાર મારવા લાગ્યા. અચાનક મેહુલ પાસે પહોંચી ગયા.
‘મેહુલ ઊભો થા. લાવ કાપલી.’
‘મેં ચોરી કરી નથી સાહેબ.’
‘આ કાપલી લઈને લખે છે. ચાલ બહાર નીકળ.’
‘સૉરી સર. માફ કરો. હવે હું ચોરી નહીં કરું સાહેબ.’
‘ના… છગન… આને ઑફિસમાં લઈ જા.’

પટાવાળો મેહુલને લઈ ગયો. પરીક્ષાખંડનું વાતાવરણ ભારેખમ થઈ ગયું. કેટલાક ગભરાઈ ગયા હતા. પેપર વધારે અઘરું થઈ ગયું હોય એમ વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ એક-બીજા સામું દયામણા ચહેરે બેસી રહ્યા. કેટલાક વિચારીને લખતા હતા. કડક સુપરવિઝનમાં જરાય છૂટછાટ આપી શકાય નહીં. પરીક્ષા એટલે પરીક્ષા.
બે ટકોરા પડ્યા.
બે કલાક પૂરા થયા. હજુ રિલીવર કેમ દેખાતા નથી ? રિલીવર છોડાવે તો ચા પી આવું. દૂરથી વ્યાસસાહેબ આવતા દેખાયા.
‘ખત્રીસાહેબ જાઓ. આચાર્યસાહેબને મળતા જજો.’
‘તમે મને છોડાવવા આવ્યા છો ?’
‘હા, હું રિલીવર છું.’
ખત્રીસાહેબ ઑફિસ તરફ વળ્યા. મનમાં તર્ક-વિતર્ક થવા માંડ્યા. આચાર્ય હવે કોઈ બીજું બહાનું કાઢી ઠપકો આપશે. પ્રશ્ન પૂછે તો જવાબ આપતાં ધ્યાન રાખવું પડશે. વિચારીને જવાબ આપીશ. જોકે જવાબ આપવો તેના બદલે મૌન રહેવું વધારે સારું. હાજી…હાજી…. કરીશ… સાહેબને ગમે છે. શું હશે ?
‘આવું સાહેબ ?’
‘આવો. સુપરવિઝન કેમ ચાલે છે ?’
‘આપે કહ્યું હતું તે મુજબ જ કડક સુપરવિઝન કરું છું. મેહુલને ચોરી કરતાં પકડ્યો છે. તમારે જે સજા કરવી હોય તે કરો.’
‘હંઅ…. જુઓ ખત્રીસાહેબ, બહુ કડક ન બનતા.’
‘કેમ સાહેબ ?’
‘તમે જાણો છો ને આજે અંગ્રેજીનું પેપર છે. છોકરા મોટે ભાગે અંગ્રેજીમાં વધારે નાપાસ થાય છે. વાલીઓની ચિંતા આપણે નહીં સમજીએ તો કોણ સમજશે ? વળી સંખ્યાનો પ્રશ્ન પણ ઊભો થાય એમ છે.’
‘તો….?’
‘વિદ્યાર્થીઓને લાગવું જોઈએ કે સાહેબ કડક છે. તમારે કડક થવાનું નથી.’
‘મેહુલનું શું કરશો ?’
‘એને બીજા રૂમમાં પેપર લખવા બેસાડ્યો છે… પણ હવે કોઈને ઑફિસમાં મોકલતા નહીં.’
‘હું જાઉં ?’
‘હા. ચા પીને શાંતિથી જજો. થોડું મોડું થાય તો વાંધો નહીં.’

ખત્રીસાહેબ ઑફિસની બહાર નીકળ્યા. ચાની કીટલી પર જઈ ચા પીધી. રોજ કરતાં આજે ચા બેસ્વાદ લાગી. મજા ન આવી. સ્ટાફરૂમમાં જઈ બેઠા, પરંતુ જીવ ચૂંથાતો હોય એમ લાગ્યું. એ પરીક્ષા ખંડ તરફ જવા ઊભા થયા. ખત્રીસાહેબને આવતા જોઈ ખુરશીમાં બેઠેલા વ્યાસસાહેબ બગાસું ખાતાં ઊભા થયા. ખત્રીસાહેબ ખાલી ખુરશી તરફ ખેંચાઈ ગયા. દસ મિનિટ બાકી છે તેમ સૂચવતો ઘંટ વાગ્યો. એમણે ધીમા અવાજે સૂચનાઓ આપવા માંડી :
‘પુરવણીઓ બાંધીને લખો. પુરવણીની જરૂર હોય તો માગી લો. કુલ પુરવણીઓનો આંક મુખ્ય પુરવણી પર લખો.’

દેવાંશીએ પુરવણી માગી. એમણે સહી કરી પુરવણી આપી. ખુરશીનું આકર્ષણ બળવાન હતું. ખુરશીમાં બેસવાનો વિચાર આવતાં જ તે ખુરશીમાં બેસી ગયા. તેમની નજર સામેની દીવાલને જોતી સ્થિર થઈ ગઈ. દીવાલ અદ્દભુત હતી. અવનવાં દશ્યો દેખાવા માંડ્યાં. એ ફિલ્મ જોતા હોય એમ રસપૂર્વક તાકી રહ્યા. વર્ગખંડમાં જાણે વિદ્યાર્થીઓની હાજરી ન હતી એમ એમણે અનુભવ્યું. મનમાં વિચાર આવ્યો કે આખું જીવન કડક સુપરવિઝન જેવી ક્ષુલ્લકતાઓને આધાર બનાવીને જિવાય છે જેનો કોઈ અર્થ નથી. વિચારને મમળાવવાનું ખૂબ ગમ્યું. વિચારની ડાળીઓ પર બેસી તે ઝૂલવા માંડ્યા. થોડાંક ફૂલ ખર્યાં. હવા આહલાદક બની. દૂરથી જોનારને ખુરશીમાં પૂતળું બેઠું છે એવો ભાસ થાય એવું સ્વાભાવિક દશ્ય હતું.

વિદ્યાર્થીઓ નીચું માથું કરી જવાબો લખવાની મજા માણતા હતા. પ્રશ્નપત્ર ધીમે ધીમે ઉકેલાતું હતું. અઘરા પ્રશ્નો સરળ બનવા માંડ્યા. પરસ્પર મદદ કરવાની ભાવના બળવત્તર બની. માત્ર સ્વચ્છતાના પાંચ માર્ક મળે તે સ્થિતિ હવે ન રહી. કેટલાક સાહસિકો છેલ્લો દાવ ખેલી લેવા આતુર બન્યા. વ્યૂહરચનાનો અમલ થયો. જોખમનો બદલો નફો છે એ સૂત્રનો વ્યાવહારિક ઉપયોગ શરૂ થયો. ખંડમાં ગભરાટને બદલે આનંદ-ઉલ્લાસ હતો. પુરવણીની આપ-લે ગુપ્તમાર્ગે થતી હતી. શસ્ત્રક્રિયાઓ ઝડપી બની. શસ્ત્રમાં પેન અને પુરવણી મુખ્ય હતાં. અંગ્રેજીમાં નાપાસ થવા ઈચ્છનારે આગોતરી અરજી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ. પરીક્ષા પૂરી થવાનો લાંબો ઘંટ વાગ્યો. ત્રણ કલાક પૂરા થયા. દશ્યો સમેટાઈ ગયાં. સામે સફેદ દીવાલ હતી. એમણે ઊભા થઈ વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તરવહીઓ ઊઘરાવી લીધી. વિદ્યાર્થીઓનાં ટોળાં વચ્ચેથી માર્ગ કરતા એ સ્ટાફરૂમમાં ગયા. કોઈકે પૂછ્યું :
‘કેમ ખત્રીસાહેબ, કેવું સુપરવિઝન કર્યું ?’
‘એકદમ કડક.’ એટલું કહી ઉત્તરવહીઓનો થોકડો એમણે ટેબલ પર પછાડ્યો. સૂચના આપવા માટે પ્રવેશતા આચાર્ય ધબાકો સાંભળીને સ્ટાફરૂમના દરવાજા વચ્ચે જ ખોડાઈ ગયા. એમણે ઘણું મગજ કસ્યું પરંતુ પોતે શું સૂચના આપવા આવ્યા છે તે યાદ ન આવ્યું. કશુંય યાદ ન આવતાં તે પાછા વળી ગયા. આચાર્યને પાછા વળી જતા જોઈ કેટલાક ખડખડાટ હસ્યા. ખત્રીસાહેબે એ તરફ ખાસ ધ્યાન ન આપ્યું. એ પોતાની જગ્યાએ જઈને બેઠા.

બીજા જ્યારે સુપરવિઝનનો કંટાળો વ્યક્ત કરી રહ્યા હતા અને ધીમા સાદે આચાર્યની નીતિરીતિનું પૃથક્કરણ કરી રહ્યા હતા ત્યારે ખત્રીસાહેબ કશું સાંભળતા ન હતા. થોડાક બોલવાનું મુલતવી રાખી મોઢું કટાણું કરી બેઠા હતા અને થોડાક આવેશમાં આવી જઈ બૂમ-બરાડા પાડી રહ્યા હતા ત્યારે ખત્રીસાહેબ મૌન હતા. સુપરવિઝન પૂરું થઈ ગયું હતું અને આક્રોશ વ્યક્ત કરવાનો કશો અર્થ ન હતો તેમ છતાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો હતો. સ્ટાફરૂમની દીવાલોય થાક અને કંટાળો અનુભવવા માંડી.
એ જ વખતે એક વિરલ દશ્ય સરજાયું.
ખત્રીસાહેબે શરીરને પાછળ ખેંચી પગ લાંબા કરી ટેબલ પર ગોઠવ્યા. થોડાક ઊંચાનીચા થઈ એ રીતે બેઠા જાણે કે જૂની લાકડાની ખુરશી પર નહીં, પણ સિંહાસન પર આરૂઢ થયા હોય ! ખુલ્લા બારણામાંથી દેખાતા આકાશના ભૂરા ટુકડાને તાકી રહી એમણે મોટું બગાસું ખાધું.

[તંત્રીનોંધ : પ્રસ્તુત વાર્તાની કથાવસ્તુ સમજવામાં થોડી મથામણ માંગી લે તેવી છે. વાર્તામાં ઘટના કોઈ નથી પરંતુ પાત્રોની સંવેદના અને તેમની મન:સ્થિતિથી સંપૂર્ણ દશ્ય ચિત્રિત કરવાનો લેખકે સુંદર પ્રયાસ કર્યો છે. આજ સુધી પરીક્ષાના સમયમાં આપણે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા-વ્યથા વિશે ઘણું વાંચ્યું છે પરંતુ પરીક્ષા દરમ્યાન એક પરીક્ષક પણ આટલો વ્યથિત હોઈ શકે તે બાબત કદાચ આ વાર્તમાં પ્રથમવાર ઝીલાઈ છે. તે આ વાર્તાની વિશેષતા છે. અભ્યાસકાળના દિવસો દરમ્યાન કોઈકવાર આપણે અનુભવ્યું હોય છે કે પરીક્ષાની શરૂઆત તો ખૂબ શિસ્તબદ્ધ અને કડકાઈથી થતી હોય છે પરંતુ અંતિમ કલાકમાં એ શિસ્ત અને કડકાઈ અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે ! એ સમયે આપણને ખબર નથી હોતી કે પરીક્ષકને ઉપરથી ઉદારતાપૂર્વક વર્તવાનો હુકમ મળ્યો છે. ‘સગવડિયો ધર્મ’ કહેવત અનુસાર અઘરા પેપર વખતે શાળાનું પરિણામ ઊંચું લાવીને માર્કેટમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા આ પ્રકારનું બુદ્ધિપૂર્વક આયોજન કરવામાં આવે છે જેની વિદ્યાર્થીઓને ગંધસુદ્ધાં નથી આવતી. આ બધાના પરિણામે, ખત્રીસાહેબની જેમ કેટલાય શિક્ષકોએ પરીક્ષાના કલાકો દરમ્યાન જુદા જુદા મહોરાં પહેરીને પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ દેખાડો કરતા રહેવું પડે છે – તેવો પ્રસ્તુત કથાનો ભાવાર્થ હોવાનું જણાય છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નાઉ, ઈટ ઈઝ યોર પ્રૉબ્લેમ – ડૉ. અજય કોઠારી
મળવા જેવા માણસ – કૌશિક મહેતા Next »   

19 પ્રતિભાવો : સુપર-વિઝન – દીવાન ઠાકોર

 1. nayan panchal says:

  તંત્રીનોંધથી વાર્તા સમજવામાં સરળતા પડી.

  શાળાના દિવસોની યાદ તાજી થઈ ગઈ. પરીક્ષા સમયે અમુક શિક્ષક સુપરવિઝન કરવા આવે તો વિધાર્થીઓ ખુશ થઈ જાય અને અમુક આવે તો પેપર મળતા પહેલા જ બધાનુ મોઢું બગડી જાય.

  એ પરીક્ષાઓ આપવાનો પણ અનોખો આનંદ હતો.

  નયન

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

 3. Hardik says:

  અદભૂત વાર્તા.. પરિક્ષાના સમયનું રસપૂર્ણ આબેહૂબ વર્ણન છે.

  ખરેખર, નયનભાઈએ કહ્યું એમ શાળાના દિવસોની યાદ તાજી થઈ ગઈ..

  “મનમાં વિચાર આવ્યો કે આખું જીવન કડક સુપરવિઝન જેવી ક્ષુલ્લકતાઓને આધાર બનાવીને જિવાય છે જેનો કોઈ અર્થ નથી. ” – આ વિચાર ખરેખર અર્થપૂર્ણ છે.

 4. Geetika parikh dasgupta says:

  ખુબ સરસ…….

 5. ભાવના શુક્લ says:

  ખુબ સુંદર…એક શિક્ષક તરીકેના વ્યવસાયમા કેટલાય સુપરવિઝનો કરવામા આવ્યા હતા. દરેક વખતની મનની જુદીજુદી વ્યથા અને વિચારોને જો શબ્દોની કાયા આપવામા આવે તો આવી અનેક વાર્તાઓ બની શકે.

 6. ashish doriya says:

  ખુબજ સરસ વારતા …

 7. આગંતુક says:

  આ વાર્તાને એની રીતે જ વાચકો સુધી પહોંચવા દીધી હોત તો તંત્રી સાહેબ.

  – વાચકોને સાવ એકડિયાના બાળકો ન સમજવા.
  – વાચકોની બુદ્ધિ અને વિચારશક્તિનો વિકાસ થવા દેવો.

 8. Lipi News says:

  વિશાલ મોનપરા આપણને એક નવું નજરાણું આપે છે. અક્ષર સ્પેલચેક. હવે ઉંઝા જોડણીની કોઈ આવશ્યતા નથી. ચાલો વિશાલભાઈને આપણે અભિનંદન આપવામાંથી ના ચૂકી જઈએ.

  http://funngyan.com/2008/08/26/gujspellcheck/#comment-1431

 9. pragnaju says:

  ‘પરીક્ષાની શરૂઆત તો ખૂબ શિસ્તબદ્ધ અને કડકાઈથી થતી હોય છે પરંતુ અંતિમ કલાકમાં એ શિસ્ત અને કડકાઈ અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે !’ વાત જેવી જ વિધાર્થીઓ તરફથી ધમકી પણ મળે છે તેથી કેટલીક યુની.માં સુપરવીઝન કરવા કોઈ તૈયાર થતા નથી!

 10. rangli says:

  વાત ખૂબ જ સાચી છે. મને પોતાને પણ સુપર વિઝ્નનો અનુભવ છે, જે લગ્ભગ આવો જ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.