મળવા જેવા માણસ – કૌશિક મહેતા

[સામ પિત્રોડા તથા કલ્પના ચાવલા જેવી અનેક વ્યક્તિને ભણતરના પાઠ પઢાવનાર ગીજુભાઈ ભરાડનું નામ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આદર સાથે લેવાય છે. આજે શિક્ષણ ક્ષેત્રે પ્રવેશી ગયેલી બદીઓની સામે સંતપણું ઓઢીને આ ભરાડસર વિદ્યાર્થીઓના ખરા અર્થમાં માર્ગદર્શક બન્યા છે. પ્રસ્તુત લેખ ‘ચિત્રલેખા’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.]

gijubhai1

સામ પિત્રોડા અને કલ્પના ચાવલાનાં નામ જાણીતાં છે. એમની ઓળખ આપવી ન પડે, પણ આ બન્ને મશહૂર નામ સાથે ગીજુભાઈ ભરાડનું નામ મૂકીએ તો ? ગીજુભાઈ પણ મૂઠીઊંચેરું નામ છે. એ ભલે પિત્રોડા કે ચાવલા જેટલું મશહૂર ન હોય, પણ એમનું કામ ભવિષ્યના વૃક્ષને મૂળિયેથી મજબૂત કરવાનું છે અને પિત્રોડા કે ચાવલા જે કક્ષાએ પહોંચ્યાં એમાં ભરાડસાહેબનો પણ થોડોઘણો ફાળો છે. હા જી, આ બંન્ને મશહૂર વ્યક્તિને વિજ્ઞાનના પાઠ ભણાવ્યા ભરાડસાહેબે. જેમને દુનિયાભરમાં ઓળખ મળી એ ઓળખ અપાવવામાં હિસ્સેદાર એવા ભરાડસાહેબને પણ ઓળખવા જેવા છે. સૌરાષ્ટ્રમાં ભરાડસાહેબનું નામ અજાણ્યું નથી. ગુજરાતમાં પણ એમને ઓળખનારા ઓછા નથી. આજના પ્રદૂષિત શિક્ષણજગતમાં લગભગ સાધુપણું ઓઢી ભરાડસાહેબ શુદ્ધ યજ્ઞ ચલાવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર તો છે જ, પણ એથીય આગળ એજ્યુકેશન અને કરિયર કાઉન્સેલિંગમાં તો એ માસ્ટર માઈન્ડ છે. ધોરણ 10 કે 12માં ઓછા માર્ક આવ્યા હોય કે વધુ, વિદ્યાર્થી અને એના વાલી મૂંઝવણમાં હોય કે કઈ ફૅકલ્ટીમાં જવું, ત્યારે જો એ ભરાડસાહેબને મળે એટલે મિનિટોમાં પ્રોબ્લેમ સોલ્વ.

રાજકોટ અને જૂનાગઢમાં શિક્ષણસંસ્થાઓ જરા જુદી રીતે ચલાવતા ભરાડસાહેબ મૂળ તો જૂનાગઢ જિલ્લાના પાજોદ ગામના. શિક્ષણના સંસ્કાર એમને લોહીમાં મળ્યા. પિતા કાનજીભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ભરાડસાહેબ રાજકોટ આવી બી.એસ.સી. થયા. મુંબઈ જઈ મૅથ્સ-ફિઝિક્સમાં એમ.એસ.સી. કર્યું અને પછી પિતાની જેમ શિક્ષક બન્યા. એમ તો એ મુંબઈ પણ ચારેક વર્ષ રહ્યા અને જયહિંદ કૉલેજમાં લેક્ચરર પણ હતા. એમને વતનનો સાદ પોકારતો હતો. રાજકોટ આવ્યા. એક કૉલેજમાં ઈન્ટરવ્યૂ આપ્યો, પણ પછી ખબર પડી કે બીજાને લઈ લેવાનું પહેલેથી પાક્કું છે એટલે ભરાડસાહેબે વાત પડતી મૂકી અને કોચિંગ કલાસ શરૂ કર્યા.

જો કે કદાચ એ પણ થઈ શક્યું ન હોત. કદાચ ભરાડસાહેબ લશ્કરમાં ઉચ્ચપદે પહોંચીને નિવૃત્ત જીવન અત્યારે ગાળતા હોત. વાત 1961ની છે. ચીન સાથે યુદ્ધનો માહોલ હતો. એ દિવસોની વાત યાદ કરતાં ભરાડસાહેબ કહે છે : ‘એક પ્રકારનું જોશ હતું. લશ્કરમાં જવાની અરજી કરી. લશ્કરમાંથી કાગળ આવ્યો કે જોડાઈ જાવ. મેં બધી તૈયારી કરી લીધી હતી, પણ ગામડેથી બા-બાપુજીનો કાગળ આવ્યો – અહીં જ શિક્ષણનું કામ કરો…. બસ, મેં નક્કી કરી લીધું કે લશ્કરમાં નહીં જાઉં. લશ્કરવાળાના મેસેજ પણ આવે. હું ન ગયો. મારા મિત્ર કૃપાણી જોડાઈ ગયા.’ એમ તો મેડિકલ કે એન્જિનિયરિંગમાં પણ ભરાડસાહેબ કારકિર્દી બનાવી શક્યા હોત. એ કહે છે : ‘જડ વસ્તુ સાથે કે પછી માંદા માણસો સાથે રહેવા કરતાં શિક્ષણજગતમાં ચેતનાનું કામ કેમ ન કરવું ?’

gijubhai2જો કે ભરાડસાહેબે કરેલો નિર્ણય આસાન નહોતો. નોકરી કરવી નહોતી અને કોચિંગ કલાસ શરૂ કર્યા. એ વખતે કોચિંગ ક્લાસનું નામ જ નવું હતું. કોઈ મા-બાપ મોકલે કે વિદ્યાર્થી કોચિંગ કલાસમાં જાય એવી પ્રથા હજુ પડી નહોતી. ભરાડસાહેબ કહે છે : ‘શરૂઆતમાં મેં રાજકોટના રામકૃષ્ણનગરમાં એક જ રૂમમાં કલાસ શરૂ કર્યા. માત્ર ચાર વિદ્યાર્થીથી શરૂઆત થઈ ત્યારે મિત્રો પણ કહેતા, આના કરતાં નોકરી કરો તો ઠરીઠામ થશો.’ જો કે ભરાડસાહેબ અડગ રહ્યા. પહેલાં તો બહુ મુશ્કેલી પડી, કારણ લગ્ન થઈ ગયાં હતાં. કમાણી હતી નહીં. કટોકટી જેવો કાળ ગણાય. નાસીપાસ થઈ જવાય એવી સ્થિતિ, પણ સાહેબ ઢીલા ન પડ્યા. બે-એક વર્ષમાં બધું ઠીકઠાક થઈ ગયું. આજે ભરાડસાહેબનો વિશાળ પરિવાર છે. એ કહે છે : ‘મેં બે લાખ વિદ્યાર્થીઓને ભણાવ્યા હશે. દસ લાખને માર્ગદર્શન આપ્યું હશે. એ પૈકી દસેક હજાર ડૉક્ટર, બારેક હજાર એન્જિનિયર અને સેંકડો આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. થયા હશે. આઠેક હજાર વિદ્યાર્થીઓ તો વિદેશમાં સ્થાયી થયા છે.’

સામ પિત્રોડા હળવદથી રાજકોટ ભણવા આવ્યા અને લુહાર બોર્ડિંગમાં રહેતા. ભરાડસાહેબ કહે છે : ‘ત્યારે એ બહુ સામાન્ય વિદ્યાર્થી હતા. મારી પાસે માર્ગદર્શન માટે અવારનવાર આવે. ત્યારે કલ્પના પણ નહોતી કે એ ટેકનોલોજી ક્ષેત્રે આટલી નામના મેળવશે, પણ કંઈ નવું કરવું એવી ઈચ્છા તથા ભાવના તો એમનામાં પહેલેથી હતી.’ ભરાડસાહેબે દિલ્હીમાં વિજ્ઞાન કેન્દ્રમાંય સેવા આપી અને ત્યારે એકાદ વર્ષ માટે કલ્પના ચાવલા પણ ત્યાં તાલીમ માટે આવતી હતી.

શરૂઆતમાં ભરાડસાહેબ બી.એસ.સીનાં ટ્યુશન લેતા. પ્રિ-સાયન્સ અને એફ.વાય.બી.એસ.સી. પછી એ એન્જિનિયરિંગ ડિપ્લોમા-ડિગ્રીના કલાસ લેવા માંડ્યા. ધોરણ 10-12નાં ટ્યુશન તો એમણે બહુ પાછળથી 1975-76માં શરૂ કર્યાં. કલાસીસની શરૂઆતમાં એક તો વિદ્યાર્થી ઓછા આવે અને એમાંય કોઈ વિદ્યાર્થી એમ કહે કે ગરીબ છું, ફી નહીં આપી શકું, તો ભરાડસાહેબ ફ્રીમાં ભણાવે. એ કહે છે : ‘મારા પિતાજી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ભણાવતા, મદદ કરતા. મને એ સંસ્કાર મળ્યા. જો કે અમારીય આર્થિક સ્થિતિ કંઈ સારી નહોતી. રાજકોટમાં હું કેમ ભણ્યો એ મને ખબર છે. મેં પહેલેથી નિયમ રાખ્યો હતો, કલાસીસમાં આવનારાને જે ફી ભરવી હોય તે ભરે. લાયક હતા એમણે ભરી. ભરી ન શક્યા એમનેય મેં ભણાવ્યા. એકાદ લાખ વિદ્યાર્થીઓને મેં આમ ફ્રી ભણાવ્યાં હશે.’

રાજકોટમાં એ જમાનામાં ‘ભરાડ કલાસીસ’ બહુ મોટું નામ. પછી તો સરસ્વતી એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ અને ટ્રસ્ટ શરૂ થયાં. આજે રાજકોટમાં ભરાડ સ્કૂલ છે. રાજકોટ નજીક ત્રંબામાં અને જૂનાગઢમાંય સ્કૂલ-હૉસ્ટેલ છે, પરંતુ ભરાડસાહેબની સ્કૂલ પણ જરા હટકે છે. ત્રંબા સ્કૂલમાં ગુજરાતી માધ્યમ છે. ભરાડસાહેબ કહે છે : ‘આજે અંગ્રેજી મિડિયમનો ક્રેઝ છે. હજારો મા-બાપ બાળકને સમજ્યા વિના અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે અને એનું ભવિષ્ય બગાડે છે. અંગ્રેજી ભણવું જ જોઈએ, પણ એ કેમ ભણાવવું એ મહત્વનું છે.’ ભરાડ વિદ્યાપીઠમાં ધોરણ-12 સુધી શિક્ષણ મળે છે. ડે અને રેસિડન્સી સ્કૂલમાં કુલ એકાદ હજાર વિદ્યાર્થી ભણે છે. અહીં શિક્ષણપદ્ધતિ જોઈ ગુજરાતના શિક્ષણ નિયામક આર.સી. રાવેલ કહેલું : ‘આ સ્કૂલ ગુજરાતની અન્ય સ્કૂલ માટે પથદર્શક બની શકે તેમ છે.’ અહીં કલાસમાં શિક્ષક પહેલાં ગઈ કાલે ભણાવેલું રિપીટ કરાવે છે અને છેલ્લે આવતી કાલની વાત. સાચી રીતે તો વીસ મિનિટ જ એક પિરિયડમાં ભણવાની છે. દરેક વિષયમાં ગુજરાતી શબ્દ સાથે અંગ્રેજી શબ્દ પણ આપવામાં આવે છે એટલે અહીં ભણતો વિદ્યાર્થી અંગ્રેજીમાં જરાય કાચો રહેતો નથી. ભરાડસાહેબ ઑફિસમાં બેઠા હોય અને કોઈ પૂછે કે ફલાણા ધોરણના વર્ગમાં અત્યારે શિક્ષક શું ભણાવતા હશે ? ભરાડસાહેબ ખાતરીપૂર્વક એ કહી શકે એવું આયોજનબદ્ધ શિક્ષણ અહીં આપવામાં આવે છે. કોઈ છોકરો તોફાની હોય, અપશબ્દો બોલતો હોય એને અલગ તારવવામાં આવે છે. કાઉન્સેલિંગ થાય છે અને છ મહિનામાં એ છોકરો રેડી થઈ જાય છે. ભરાડસાહેબ કહે છે કે મેં અહીં કંઈ ખાનગી રાખ્યું નથી. શિક્ષણપદ્ધતિનો આખો પ્રોગ્રામ બનાવ્યો છે. કોઈ કૉપીરાઈટ નહીં. હું બધાને આપું છું. શાળાએ કોઈ આવે તો બધું બતાવું પણ છું.

આજે દરેક શાળાને પોતાનો વિદ્યાર્થી ધોરણ-10 કે ધોરણ-12ની પરીક્ષામાં કેન્દ્રમાં, બોર્ડમાં નંબર મેળવે એવો મોહ થઈ પડ્યો છે. આ માટે ગાંડી સ્પર્ધા ચાલે છે. તેજસ્વી વિદ્યાર્થીઓની ખેંચાખેંચ પણ થાય છે. ભરાડસાહેબ કહે છે કે ટૉપટેનમાં મારો વિદ્યાર્થી આવે ન આવે એમાં મને જરાય રસ નથી. મારી રાજકોટની સ્કૂલમાં ધોરણ 11માં મેં અનામત સિસ્ટમ દાખલ કરી છે. 30 ટકા બેઠક સારા માર્કસ લાવનારા વિદ્યાર્થીઓ માટે, પછી 35 ટકા બેઠક મધ્યમ વિદ્યાર્થી માટે અને 35 ટકા બેઠક નબળા વિદ્યાર્થીઓ માટે. 30 ટકાનો કવોટા ભરાઈ જાય પછી 80-90 ટકાવાળો વિદ્યાર્થી આવે તોય અમે ના પાડી દઈએ. આ અનોખી અનામત ક્વોટાની સિસ્ટમનો હેતુ એ છે કે નબળા-મધ્યમ વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે રહીને આગળ વધે. તેજસ્વી બને. બાકી, આજે નામી શાળાઓમાં શું થાય છે એ બધા જાણે છે. એમ તો ભરાડસાહેબે ત્રંબામાં ઈજનેરી કૉલેજ પણ શરૂ કરવી છે. સાથે તાલીમી પ્રકારના સર્ટિફિકેટ કોર્સ, જેમાં ભણ્યા બાદ યુવાનોને રોજગાર મળે. ભરાડસાહેબ કહે છે : ‘રોજગારલક્ષી શિક્ષણ માટે આર્થિક પાસું સરભર કરવા ઈજનેરી કૉલેજ શરૂ કરીશું.’

વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ એ એમનો પ્રિય વિષય. ભરાડસાહેબ કહે છે : ‘1965થી હું કાઉન્સેલિંગ કરું છું. એ વેળા હું બધી કૉલેજનાં ફોર્મ મગાવી આપતો. એ ભરાવી દઉં અને પછી મોકલવાની વ્યવસ્થા કરું.’ ભરાડસાહેબ પાસે કાઉન્સેલિંગમાં દરેક પ્રશ્નનો હાજર જવાબ વિદ્યાર્થીને મળે. 45-50 ટકા આવ્યા હોય અને કયા કોર્સમાં જવું તો ભરાડસાહેબ એક નહીં, બે-પાંચ ઑપ્શન આપે. એ સતત કહેતા રહે છે કે ઓછા ટકા આવ્યા હોય એટલે વિદ્યાર્થી નિરાશ, મા-બાપ ચિંતામાં, પણ એવી જરૂર નથી. અરે ! નાપાસ થયા હો તો પણ અનેક રસ્તા છે. ધોરણ-10 અને 12ની પરીક્ષાનો ખોફ વધી ગયો છે. ઘણા છોકરાઓ ડિપ્રેશનમાં આવી જાય છે. આવો જ એક કેસ ભરાડસાહેબ પાસે આવ્યો. એ વિદ્યાર્થી ધોરણ-12માં ભણે. પ્રસિદ્ધ સાહિત્યકાર-પત્રકાર-લેખકનો એ પૌત્ર. પરીક્ષા નજીક આવે અને એ ડિસ્ટર્બ થાય. છેલ્લે તો ઘરમાં કહી દીધું કે મારે પરીક્ષા જ નથી આપવી. ઘરના બધા ચિંતાગ્રસ્ત. આખરે ભરાડસાહેબને મળ્યા. એમણે વિદ્યાર્થીને એકલામાં બરાબર સાંભળ્યો. પછી એના પિતાને બોલાવીને કહ્યું, પરીક્ષા ન આપે તો કંઈ નહીં. એને કોઈ કોમ્પ્યુટર કોર્સ કરાવો. એ વિદ્યાર્થી એમાં આગળ વધ્યો અને આજે બેંગલોરમાં એ સૉફ્ટવેરમાં માસ્ટર ગણાય છે. લાખો રૂપિયા કમાય છે અને એણે આજેય ધોરણ 12ની પરીક્ષા આપી નથી.

gijubhai3કારકિર્દી માર્ગદર્શન, પરીક્ષા માર્ગદર્શન, વગેરેના કાર્યક્રમમાં સાહેબ એકાંતરે જાય. ક્યાંય કશો ચાર્જ ન લે. અરે, ખુદના ખર્ચે જાય. કોઈ પણ વિદ્યાર્થી એમને બહુ સરળતાથી મળી શકે. 68 વર્ષની ઉંમરે એમનામાં ગજબની સ્ફૂર્તિ છે અને આ ઉંમરે એમણે મહત્વાકાંક્ષી યોજના હાથ ધરી છે. એ છે ‘જ્ઞાનતુલા’. એમના ગુરુ મુક્તાનંદજીની જ્ઞાનતુલા. આ મુક્તાનંદજી પણ નોખા પ્રકારના સાધુ છે. નાની ઉંમરે સંસાર છોડ્યો. જૂનાગઢ-વીસાવદર વચ્ચે એમણે આશ્રમ બનાવ્યો છે. ભગવતીનંદ એજ્યુકેશન ટ્રસ્ટ નીચે ગુરુકુળ ચાલે છે. જ્યાં એક હજાર બાળકો ભણે છે. મા કે બાપ ન હોય એવાં બાળકને વિનામૂલ્યે શિક્ષણ મળે. વૃદ્ધાશ્રમ પણ છે. ભરાડસાહેબના મોટા ભાઈ શિક્ષક છે. એ આ સાધુને ઓળખે છે અને એમ ભરાડસાહેબનો પરિચય થયો. મુક્તાનંદજી થોડા સમય પહેલાં ભરાડ વિદ્યાપીઠમાં આવ્યા. સપ્તાહ થયેલી અને ત્યારે જ્ઞાનતુલાના પ્રોજેક્ટની જાહેરાત થઈ. રક્ત, સાકરતુલા થતી રહે છે, પણ આ નોખા પ્રકારની તુલા થવાની. સૌરાષ્ટ્ર-ગુજરાતની 1000 સ્કૂલને જીવનસાફલ્ય માટેનાં 300 પુસ્તકની લાઈબ્રેરી ભેટ આપવાનું આયોજન છે. આ વિશે ભરાડસાહેબ કહે છે : ‘ગ્રામ્ય વિસ્તારને વધુ ને વધુ ઘસારો લાગી રહ્યો છે. વ્યવસાય રહ્યા નથી. ખેતી નબળી પડી છે. આ સ્થિતિમાં પુસ્તકો-સારી લાઈબ્રેરી હોય તો જ્ઞાન મળે અને જીવનમાં એ ઉપયોગી થાય. મારા ગુરુજીની જ્ઞાનતુલા નિમિત્ત છે. આ પુસ્તકો કોઈની વ્યક્તિગત પ્રશંસાનાં નહીં હોય.’

જિંદગી કેમ જીવવી, મોટિવેશન, મહાન માણસોના પ્રેરક પ્રસંગો, વિજ્ઞાન, ટેકનોલૉજી, શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ, બોધકથા, મા-બાપ, દામ્પત્યજીવન વગેરે વિષયક પુસ્તકોનો સમાવેશ થશે. આના માટે ભરાડસાહેબ ખુદ સોએક પુસ્તક લખવાના છે. એ કહે છે : ‘ચાલીસેક તૈયાર થઈ ગયાં છે. રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને દસ વાગ્યા સુધી પુસ્તક માટે લખું છું. અઠવાડિયે એક પુસ્તક તૈયાર કરવાનો વિચાર છે. દરેક પુસ્તક અંદાજે સો પાનાંનું રહેશે.’ ભરાડસાહેબના અત્યાર સુધીમાં પચ્ચીસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, જે ગણિત, વિજ્ઞાન, શિક્ષણ માર્ગદર્શનવિષયક છે. અમુક તો બેસ્ટ સેલર છે. એમાંનાં કેટલાંક જ્ઞાનતુલામાં સમાવી લેવામાં આવશે. એ સાઈકોલૉજીનાંય પુસ્તકો લખી રહ્યા છે. આ બધાં પુસ્તકની ભાષા સરળ હશે. બાયો, નેનો અને સ્પેસ ટેકનોલૉજી વિશે પણ એ લખવાના છે. આટલાં પુસ્તકો કેમ થશે ? બીજાં પુસ્તકો ક્યાંથી આવશે ? – એ વિશે પણ ભરાડસાહેબે બધું વિચારી લીધું છે. એક પુસ્તક પાછળ રૂપિયા 20 હજાર જેવો ખર્ચ થાય. કુલ પ્રોજેક્ટ રૂપિયા 70 લાખનો. અત્યારે ખર્ચની ચિંતા એ કરતા નથી. એ માને છે કે સમાજ મદદ કરશે અને ન મળી તો એની પણ તૈયારી કરી રાખી છે.

જો કે સાહેબના જ્ઞાનતુલા પ્રોજેક્ટની જાહેરાત થયા પછી તુરંત રિસ્પોન્સ મળવા લાગ્યો. રોજ ચાર-પાંચ ઈન્કવાયરી થાય. સિત્તેર જેટલાં પુસ્તકો આવી ગયાં છે. ભરાડસાહેબ કહે છે : ‘ઘણા લેખકો સંપર્ક કરી રહ્યા છે. ઈન્ટરનેટ પરથી પણ માહિતી લઈ પુસ્તકો થશે. એટલું જ નહીં, વિદેશથી મદદ માટે ફોન આવી રહ્યા છે. લાગે છે કે આ પ્રોજેક્ટ સમયસર પાર પડી જશે.’ ભરાડસાહેબના ગુરુનો જન્મદિન 17મેના છે એટલે 2009માં 17મે એ જ્ઞાનતુલા થશે. બાદમાં જે તે ગામમાં લાઈબ્રેરી, પંચાયત કે પછી કોઈ મંડળને પુસ્તકો અર્પણ થશે વિનામૂલ્યે. ભરાડસાહેબ કહે છે : ‘આ પુસ્તકો વંચાય એ જરૂરી છે. અમે એ માટે ગામડાંમાં યુવાનોનું ગ્રુપ પણ બનાવીશું. એ પુસ્તક વાંચે-વંચાવે. પછી એમાંથી થોડા થોડાની પસંદગી કરી રાજકોટમાં શિબિર પણ કરવાનો વિચાર છે.’

વિજ્ઞાન એમનો ગમતો વિષય છે. ફિઝિક્સ તો એ એવી રીતે ભણાવે કે વિદ્યાર્થીઓ તો ટેક્સ્ટ બુકને નોવેલની જેમ વાંચતાં થઈ જાય. રાજકોટમાં એમણે મોટા વિજ્ઞાન મેળા પણ યોજ્યા છે. રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્રમાં ઘણાં વર્ષો સુધી એ પ્રમુખ રહ્યા. એમને શિક્ષણ ક્ષેત્રે પ્રદાન માટે ચારેક એવોર્ડ મળ્યા છે. એમની આ સફળતામાં એમનાં પત્ની ચંપાબહેને પણ પૂરતો સાથ નિભાવ્યો છે અને હવે વારસો પુત્ર જતીન સંભાળી રહ્યો છે.

ભરાડસાહેબ ઘણી વાર ખાનગીમાં કહે છે : ‘વિદ્યાર્થીને 90 ટકા આવે એ સારી વાત છે, પણ માત્ર ગુણથી નહીં ચાલે. સાથે જ્ઞાન હોય તો જ જિંદગીની પરીક્ષામાં પાસ થવાય !’

(તસ્વીરો : જયવંત પુરોહિત)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુપર-વિઝન – દીવાન ઠાકોર
અગ્નિપરીક્ષા રામની – મોક્ષેશ શાહ Next »   

24 પ્રતિભાવો : મળવા જેવા માણસ – કૌશિક મહેતા

 1. Mukesh Pandya says:

  ભરાડ સાહેબ – એક અનેરા પરશુરામ, જે ભારતમાંથી અજ્ઞાનનો નાશ કરવામાટે ભેખ લઈને બેઠા છે. બાળકોના ગભરાટને લઈને મુંઝાયેલા અનેક મા-બાપોને એક સાચી રાહ સુચવતો લેખ આપવા માટે શ્રી મૃગેશભાઇને અભિનંદન.

 2. Hiral Thaker "Vasantiful" says:

  ધન્ય છે આવા સાધુ જીવન જીવતા માણસને.

 3. brinda says:

  માનવામા ન આવે એવા માણસ.. આવો સરસ પરિચય કરાવવા બદલ આભાર

 4. urmila says:

  Thanks to Mrugeshbhai for publishing this article and the writer Mr Kaushik Mehta – my sincere wishes for the sucess of this projct to ‘ભરાડસર’

  ‘કોઈ છોકરો તોફાની હોય, અપશબ્દો બોલતો હોય એને અલગ તારવવામાં આવે છે. કાઉન્સેલિંગ થાય છે અને છ મહિનામાં એ છોકરો રેડી થઈ જાય છે’ very impressed to read this – it is an achievement to get disturbed children back on line to think positive which in turn will create cultured society

 5. soni bhavna g. says:

  નમસ્તે સર
  આપના દરેક પુસ્તક આખા ગુજરાતને વાંચવા મળે તેવી હું આશા રાખુ છું
  ખુબ જ સુંદર પ્રયાસ કરેલ છે. આપને હ્ર્દયપુર્વક આભાર વ્યકત કરું છું.

  સોની ભાવનાના પ્રણામ.

 6. Paresh says:

  જ્ઞાનતુલા સુંદર વિચાર. ભરાડસરને પ્રણામ

 7. nayan panchal says:

  ભરાડસાહેબે ખરેખર એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.

  મને સંપૂર્ણ વિશ્વાસ છે કે “જ્ઞાનતુલા” પ્રોજેક્ટ સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ થશે જ. હોશિયાર વિધાર્થીઓને તો દરેક શાળા લે છે, પરંતુ જે નબળા હોશિયાર બનાવે છે તે ખરેખર વંદનપાત્ર છે.

  આજે ધાર્મિક સ્થળો કરતા વધુ જરૂર આવા પુસ્તકાલયોની છે, તમારો જ્ઞાનયજ્ઞ આમ જ ચાલતો રહે અને વધુ ને વધુ લોકોને તેનો લાભ મળતો રહે તેવી પ્રભુપ્રાર્થના.

  મૃગેશભાઈનો અને કૌશિકભાઈનો ખૂબ આભાર.

  નયન

 8. વાહ … અદ્‍ભૂત … !!

 9. સુરેશ જાની says:

  બહુ જ સરસ પરીચય.

 10. એક ખરા સંત !! સલામ !! શક્ય હોય તો તેમનો નંબર મેળવી આપશો.

 11. Geetika parikh dasgupta says:

  Best wishes for the creative and unique project of Bharad sir. Moreover, Thanks for the efforts to Chitralekha, Kaushik Bhai and Mrugesh Bhai for covering this humble project initiated by Bharad sir.

  Regards,
  Geetika

 12. નિરજ શાહ says:

  આ અતીસુંદર પ્રયત્ન માટે શ્રી ભરાડ સાહેબ કે એમના ટ્રુસ્ટ નું સરનામું આપશો, જેથી તેમને આથ્રીક સહાય માટે યોગદાન કરી શકાય.

  “મફત માં પ્રતિભાવો લખ્યા વગર કશુંક આથ્રીક યોગદાન કરવા ની વાત કરો.”

  નિરજ શાહ
  nishah@yahoo.co.in

 13. સુરેશ જાની says:

  ‘જડ વસ્તુ સાથે કે પછી માંદા માણસો સાથે રહેવા કરતાં શિક્ષણજગતમાં ચેતનાનું કામ કેમ ન કરવું ?’
  આખી જીંદગી ઈજનેરી કર્યા પછી, આ વાક્ય બહુ જ સાચું લાગે છે. માતા અને શીક્ષકનો રોલ હવે મને રીટાયર થયા બાદ સમજાય છે.

 14. ભાવના શુક્લ says:

  શિક્ષણક્ષેત્ર ને સૌથી અંતિમ પસંદ માનનારા તમામ કેરીયર ઓરીએન્ટેડ માટે દાખલા રુપ.

 15. parikhupendra says:

  ભરદ્સહેબ ને કોતિ કોતિ પ્રનામ .ગુજરતિમા લખવાનો પહેલો પ્રયત્ન ચ્ચે. ગુરુ; બ્રહ્મા ગુરુર્વિશ્નુ ગુરુર્દેવો મહેશ્વર . ગુરુર્સક્શત મહેસ્વર . આવા રુશિતુલ્ય ગુરુ ને કોતિ કોતિ પ્રનામ .મે મહનામા પુશ્તક પ્રકાશન નિમિત્તે ખુબ ખુબ શુભ્હેચ્હા . ઉપેન્દ્ર ના પ્રનામ .

 16. વાહ કૌશિક સાહેબ, ખૂબ સરસ આર્ટીકલ…….ભરાડ સાહેબ જેવી મહાન હસ્તિ નું રસળ શૈલીમાં જીવનદર્શન કરાવવા બદલ આભાર…….

 17. Niraj says:

  વાત જામી ભાઈ!!!

 18. Ashish Dave says:

  Bharadsaheb,

  The tracks you made today will be the road for tomorrow for generations to come…

  Ashish Dave
  Sunnyvale, California

 19. pragnaju says:

  પાયાની વાત-“.. માત્ર ગુણથી નહીં ચાલે. સાથે જ્ઞાન હોય તો જ જિંદગીની પરીક્ષામાં પાસ થવાય !’ સામ પિત્રોડા તથા કલ્પના ચાવલા જેવી અનેક વ્યક્તિને ભણતરના પાઠ પઢાવનાર ગીજુભાઈ ભરાડનો આટલો વિગતે પરિચય બદલ આભાર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.