દેવુ….દીકરા, મમ્મી બોલાવે – મીનાક્ષી દીક્ષિત

parrotસુરંગીએ બારણું ખોલ્યું અને રોહિત તથા દેવાંગ ઘરમાં આવ્યા. રોહિતના હાથમાં પોપટ સાથેનું પાંજરું જોઈને સુરંગીને નવાઈ લાગી.
‘આ પાંજરું ક્યાંથી લાવ્યાં ?’
‘એકલું પાંજરું નથી લાવ્યા. અંદર પોપટ પણ છે.’ દેવાંગે રોહિતના હાથમાંથી પાંજરું લેતાં કહ્યું.
‘એ તો મને દેખાય છે,’ સુરંગીએ અકળાઈને કહ્યું, ‘કોને શોખ થયો છે પોપટ પાળવાનો ? તમે જાણો છો તો ખરા કે મને કૂતરાંબિલાડાં પાળવાં નથી ગમતાં.’
‘મમ્મી, આ કૂતરાંબિલાડાં નથી, આ તો પોપટ છે.’ દેવાંગ હસતાં હસતાં બોલ્યો.

રોહિત અને દેવાંગ કંઈ કામ પતાવીને ઘેર પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં એક ડોસો પોપટનાં પાંજરા લઈને ઊભો હતો. એનું આ એક જ પાંજરું વેચાયા વગરનું રહી ગયું હતું. દેવાંગે પૂછવા ખાતર જ પોપટનો ભાવ પૂછ્યો અને ડોસાએ બહુ કરગરીને આ છેલ્લું પાંજરું સસ્તા ભાવે એમના હાથમાં પકડાવી દીધું.
‘પપ્પા, આપણે એનો પોપટ લીધો એટલે કેટલો ખુશ થયો એ ડોસો !’ દેવાંગે રોહિતને કહ્યું.
‘પણ હું ખુશ નથી થઈ હોં ! મને નથી ગમતી આવી ઊઠવેઠ કરવી !’
‘આ એવી કશી ઊઠવેઠ નહીં કરાવે, અને હું છું ને મમ્મી !’ કેમ દોસ્ત દેવદત્ત ? – દેવાંગે પાંજરું ઓરડામાં વચ્ચોવચ્ચ ટેબલ પર મૂક્યું.
‘તેં એનું નામ પણ રાખી લીધું ? વાહ, વાહ, દેવદત્ત ! ભગવાને મોકલેલો પોપટ.’ રોહિત પણ પોપટના આગમનથી ખુશ હતો.
‘મમ્મી, આપણે એને ‘દેવુ’ કહીશું. હું ઘરમાં ના હોઉં ને ત્યારે તમારે આ દેવુને લાડ કરવાના.’
‘બહુ સારું. પોપટ અને દીકરા વચ્ચે કંઈ ફેર ખરો કે નહીં ?’ સુરંગીએ મોઢું બગાડીને કહ્યું.

અચાનક આવી પડેલા વણનોતર્યા મહેમાન જેવા પોપટનો પહેલાં તો સુરંગીએ વિરોધ કર્યો અને ખાસ્સો અણગમો બતાવ્યો. એવી ધમકી પણ આપી કે તમે ઘરમાં નહીં હો ત્યારે હું તો આને ઉડાડી મૂકીશ. થોડી વાર પછી દેવાંગ ફરીથી બહાર ગયો. અને રોહિત એના કામમાં પરોવાઈ ગયો. એટલે સુરંગી અને પોપટ ઓરડામાં એકલાં રહ્યાં. અત્યાર સુધી તો એણે પોપટની સામે ધ્યાનથી જોયું નહોતું પણ હવે એ પાંજરાની નજીક જઈને ઊભી રહી. પોપટ પાંજરામાં આઘોપાછો થતો હતો. ‘બિચારાને ભૂખ લાગી હશે. જોઈએ તો ખરાં શું કરે છે તે !’ એમ વિચારીને સુરંગી રસોડામાંથી બે લીલાં મરચાં લઈ આવી, અને ધીરે રહીને પાંજરામાં સરકાવ્યાં. સુરંગીને પાસે આવેલી જોઈને પોપટ જરા પાછો હઠ્યો, મરચાં તરફ જોઈને પાંખો ફફડાવી પાછો જરા આગળ આવ્યો, ને ચાંચમાં મરચું પકડ્યું ને ચાંચ વડે મરચું ઠોલવા માંડ્યો. સુરંગી પાંજરા પાસે ઊભી રહી અને મનોમન બોલી કે આવ્યો છે તો બેચાર દિવસ છો રહેતો. જોઈએ તો ખરાં કે કેવું લાગે છે ?

પછી સુરંગીને વિચાર આવ્યો કે આ પાંજરું આમ ટેબલ પર રખાય નહીં. ક્યાંક લટકાવવું જોઈએ. ઓરડામાં છત ઉપર એક હૂક હતો તે એના ધ્યાનમાં હતું એટલે એણે ઘરમાંથી લાંબો સળિયો શોધી કાઢ્યો અને હૂકમાં સળિયો ભરેવી રોહિત પાસે પાંજરું લટકાવડાવ્યું. આ કામ ચાલતું હતું, તે દરમ્યાન બધો વખત પોપટ ‘વિટ્ વિટ્ વિટ્’ કરતો રહ્યો.
‘ભૈસા’બ, માથું દુ:ખી જાય તારા આવા અવાજથી તો ! કંઈ સરખું બોલતાં શિખવાડવું પડશે, અલ્યા, તને.’ સુરંગીએ પોપટને સ્વીકારી લીધો તે જોઈને રોહિત ખુશ થયો. પછી જ્યારે દેવાંગ ઘરમાં આવ્યો ત્યારે પાંજરું મૂકવાની નવી વ્યવસ્થા જોઈને તે ખુશ થયો અને ચાર-છ કલાકથી રોમાંચિત બનેલાં ત્રણેય જણ રાત્રે પણ વારાફરતી પોપટ પાસે આવી ને જોઈ ગયાં કે પોપટ સલામત તો છે ને ! અને બીજા દિવસથી સુરંગીની દિનચર્યા બદલાઈ ગઈ. પોપટને નવા વાતાવરણથી પરિચિત કરવામાં, એને ખવડાવવા, પિવડાવવા, નવડાવવા અને બોલતાં શિખવાડવામાં એ સંપૂર્ણપણે પ્રવૃત્ત થઈ ગઈ, આડોશપાડોશના છોકરાંની પણ ઘરમાં અવરજવર વધી ગઈ, પોપટને લીધે ઘર ભર્યુંભર્યું લાગતું હતું. છ મહિનામાં તો સુખી ઘરની કન્યાની જેમ પોપટે કાઠું કાઢ્યું.

તે દરમ્યાન પોપટ થોડા શબ્દો બોલતાં પણ શીખી ગયો. ક્યારે શું બોલવું એનું એને કંઈ ભાન નહોતું પણ સુરંગીનો દેવું સુરંગીની જેમ જ બોલકણો હતો. એને પણ પોપટ સાથે વાતો કરવાની મજા આવતી. એ ગમે તે કામ કરતી હોય પણ ‘મમ્મી, દેવુ બોલાવે’ એ શબ્દો પોપટ બોલે એટલે એ જે કામ કરતી હોય તે પડતું મૂકીને પાંજરા પાસે હાજર થઈ જતી અને દેવુને લાડ કરતી, વાતો કરતી અને વઢતી પણ ખરી ! સુરંગીના પોપટપ્રેમની સરખામણીમાં રોહિત-દેવાંગનો પોપટપ્રેમ ઝાંખો પડી જતો.

સુરંગીના ઘરમાં પોપટ આવ્યોને મહિનો માસ થયો હશે ત્યાં જ અનુરાધા પણ મહેમાન થઈને ઘરમાં આવી. અમેરિકન મા અને ગુજરાતી બાપની એ અમેરિકન કન્યાને ગુજરાતના કુટુંબજીવન વિશે સંશોધન કરવું હતું. કોઈ સંસ્કારી કુટુંબ વચ્ચે રહીને બધું જોવું, જાણવું અને શીખવું હતું. દેવાંગે પોતાના ઑફિસ મિત્રો તરફથી આ વાત જાણી એટલે ઘેર આવીને એણે સુરંગીને પૂછ્યું કે આપણે ઘેર એને બોલાવીએ તો કેમ ? પણ સુરંગીએ ધડ દઈને ના પાડી દીધી. ‘એવી અજાણી પરદેશી છોકરીને ઘરમાં રાખીને મારે ઉપાધિ નથી વહોરવી.’ સુરંગીએ એની ટેવ પ્રમાણે પહેલાં તો વિરોધ જ કર્યો પણ એકબે વાર અનુરાધાને મળ્યા પછી એ છોકરી એને ગમવા માંડી. અમેરિકન બાળા સરસ ગુજરાતી બોલી શકે છે અને ગુજરાતી ઢબે સાડી પહેરવાની એને હોંશ છે તે જાણ્યા પછી અને ખાસ તો એ શુદ્ધ શાકાહારી છે એની ખાતરી થયા પછી સુરંગીએ એને પોતાને ઘેર, પોતાના કુટુંબ સાથે રહેવાની પરવાનગી આપી અને એક દિવસ અનુરાધા સુરંગીના કુટુંબ વચ્ચે રહેવા આવી ગઈ. અમેરિકાની છોકરી પોતાને ગુરુપદે બેસાડે એ વાતથી સુરંગીને રોમાંચ થયો. પોતાની આવડત, હોંશિયારી અને શોખમાં કોઈ ભાગીદારી કરશે, કોઈ ઉત્સાહથી પોતાની વાતો સાંભળશે, વસ્તુઓ જોશે અને પ્રશ્નો પૂછશે એ વિચારથી સુરંગી ખુશ ખુશ થઈ ગઈ. દેવદત્તની જેમ અનુરાધાએ પણ એનાં ચિત્તતંત્રનો કબજો લઈ લીધો.

સવારે ચાનાસ્તો બનાવીને હૉલમાં બેઠેલા પુરુષોના હાથમાં પ્યાલો પકડાવવાથી માંડીને દિવસભરની અનેક બાબતો વિશે અનુરાધાને જાણવા-શીખવાનો ઉત્સાહ હતો. રોટલી, ભાખરી, ખાખરા, પૂરી અને પૂરણપોળીથી માંડીને ભેળપૂરી, પાણીપૂરી સુધીની વિવિધ વાનગીઓ અનુરાધાને શીખવવા માટે સુરંગી બનાવતી. ઘરમાં સહુને જલસા થઈ ગયા. વાસણ માંજવા કે કચરા વાળવાની દેશી પદ્ધતિ અનુરાધાએ ગ્રહણ કરી લીધી. સુરંગી ધાર્મિક તહેવારો વ્યવસ્થિત રીતે ઊજવતી અને સામાજિક કાર્યોમાં અનુરાધાને સાથે લઈ જતી. અનુરાધા આ બધું જોઈને પ્રશ્નો પૂછતી અને પોતાની ડાયરીમાં બધી વાતો લખી લેતી. અનુરાધાના લેખનકાર્ય માટે સુરંગીએ ભરપૂર માહિતી અપાવી અને ચાર મહિના ક્યાં પસાર થઈ ગયા તે ખબર ના પડી. હવે પોતાનું કામ પૂરું કરવા અનુરાધા ઘણુંખરું હૉસ્ટેલમાં જ રહેતી. આમ છતાંય અનુરાધા ઘેર આવે ત્યારે સુરંગી આનંદથી ઊભરાઈ જતી અને જાય ત્યારે સાથે પસાર કરેલા દિવસોની યાદમાં ખોવાઈ જતી. એ દિવસોમાં સુરંગી અનુરાધામય બની ગઈ હતી. ઍરપોર્ટ પર અનુરાધાને વિદાય કર્યા પછી સુરંગી ધ્રુસકે ધ્રુસકે રડી, ‘મારી અનુ દીકરી પરદેશ જતી રહી.’ રોહિતે એને આશ્વાસન આપ્યું કે એ એને ઘેર એનાં માબાપ પાસે ગઈ. તારો વર અને તારો દીકરો તને છોડીને ક્યાંય જવાનાં નથી પછી શું કામ રડે છે ? વખત જતાં ધીરે ધીરે વિયોગની વેદના ઓછી થતી ગઈ અને સુરંગી નિત્યની પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગઈ, પોપટ સાથે અનુરાધાની વાતો કરીને એ સંતોષ માનતી.

થોડા દિવસ પછી એક રાત્રે પુત્ર દેવાંગે થોડા કાગળો રોહિતને બતાવ્યા અને કહ્યું કે મને મિશિગન યુનિવર્સિટીમાં એડમિશન મળે તેમ છે. અનુના ફાધર મને સ્પોન્સર કરવા તૈયાર છે. તમે કહો તો હું પ્રયત્ન કરું.
‘કરો બેટા.’ રોહિતે કાગળો હાથમાં લીધા વગર જ કહ્યું.
‘દેવુ ! તારે અમેરિકા જવું છે ?’ સુરંગીએ ચમકીને પૂછ્યું.
‘જવા દેવાનો. તક મળે તો ઝડપી લેવાની.’ રોહિત બોલ્યો.
‘પણ જ્યારે મમ્મી બોલાવે ત્યારે તું પાછો તો આવીશ ને દેવુ !’
‘અને દેવુ બોલાવે ત્યારે તમારે પણ આવવું પડશે હોં !’
‘અરે, પહેલાં એને જવા તો દો ! પછી કોણ કોને બોલાવશે એ નક્કી કરીશું.’ રોહિત વચ્ચે બોલ્યો. અને પછી તો ઝડપથી તૈયારીઓ થઈ ગઈ અને એક દિવસ દેવાંગ પણ પ્લેનમાં બેસીને દરિયાપાર ઊડી ગયો, અનુરાધાની જેમ. થોડા દિવસ સુધી દેવાંગની ચીજવસ્તુઓ જોઈને અને એની વાતો યાદ કરીને સુરંગી રડતી રહી, પણ પછી દીકરાના ફોન અને કાગળોમાંથી આનંદ મેળવતી એ સ્વસ્થ થઈ. હવે સુરંગીએ દેવદત્તની વધારે ને વધારે કાળજી રાખવા માંડી.

જોતજોતામાં શિયાળો આવી ગયો. ઠંડીમાં ઘરનાં બારીબારણાં બંધ રહેતા. બપોરે સોફા પર સૂતેલી સુરંગીને જોઈને પોપટે ‘મમ્મી, દેવુ બોલાવે’ નું રટણ કરવા માંડ્યું. સુરંગી ઊઠીને પાંજરા પાસે ગઈ. તે વખતે એને વિચાર આવ્યો કે દેવુને થોડી વાર પાંજરામાંથી બહાર કાઢીએ તો કેવું ! હવે તો એ મારો હેવાયો થઈ ગયો છે. મને છોડીને તો એ કંઈ જતો રહેવાનો નથી અને આમેય તે બારીબારણાં તો બંધ જ છે ને ! ભલે ને બેચાર કલાક ઓરડામાં રમી લે ! એણે રાત્રે રોહિતને આ વાત કહી એટલે રોહિતે કહ્યું કે એક વાર પાંજરામાંથી બહાર કાઢ્યા પછી અંદર પાછો મોકલવાનું અઘરું થશે હોં ! – પણ એ તો ગમે તેમ કરીને પાંજરામાં પાછો ઘુસાડી દઈશું. બિચારો, કેટલા વખતથી પાંજરામાં ને પાંજરામાં જ છે !

બીજે દિવસે બપોરે સુરંગીએ બધાં બારીબારણાં બંધ છે તેની ખાતરી કરી લીધી. સીલિંગફેન બંધ રાખ્યો અને ટી.વી.ની સ્વિચ પણ ‘ઑફ’ કરી દીધી, પછી નિશ્ચિંત થઈને પાંજરાનું બારણું ખોલ્યું. પોપટ પહેલાં તો કંઈ સમજ્યો નહીં એટલે સળિયા પર બેસી રહ્યો પણ પછી કૂદીને બારણા પાસે આવ્યો. ત્યાં આવીને અટકીને ઊભો રહ્યો પણ પછી ફરીથી કૂદીને એકદમ બહાર નીકળીને બંધ બારીની પાળી પર બેઠો. પછી આમતેમ જોઈને પાછો ઊડ્યો અને ટી.વી. પર બેઠો. ત્યાં બેસીને જાણે એણે ઓરડાનું નિરીક્ષણ કર્યું ને પછી ઓરડામાં એક ગોળ ચક્કર મારીને સુરંગીની પાસે આવીને બેઠો. સુરંગીએ હાથ લંબાવ્યો. પોપટ પાછો ખસી ગયો. વળી પાછો ધીરે ધીરે પાસે આવીને સુરંગીના ખભા પર બેઠો. સુરંગી ખુશ ખુશ થઈ ગઈ. થોડા કલાકો પૂરતો સુરંગીએ પોપટને મુક્તિનો આનંદ આપ્યો. પોપટે પણ સુરંગી પર વિશ્વાસ મૂકીને એને ધન્ય કરી દીધી. સાંજે રોહિત અને સુરંગીએ મહામહેનતે પોપટને પાંજરામાં પાછો ધકેલ્યો.

બીજે દિવસે બપોરે સુરંગીના મનમાં અવઢવ થતી હતી કે પોપટને બહાર કાઢું કે નહીં. રોહિતે તો ના પાડી છે પણ દેવુને બહાર કેવી મજા આવી હતી ? અને મને પણ. સાંજ પડે પાંજરામાં પાછા જવાનીય એને ટેવ પાડવી પડશે ને ! પક્ષીઓ સાંજે માળામાં પાછાં ફરે છે એમ દેવુ પણ એના પાંજરામાં જતો રહેશે, ટેવ પડશે એટલે. આવા આવા વિચાર કરીને સુરંગીએ પાંજરાનું બારણું ખોલી નાખ્યું. દેવુ બહાર આવ્યો અને ઓરડામાં આમતેમ ઊડવા માંડ્યો. સુરંગી હાથમાં છાપું લઈને ખુરશી પર બેઠી.

સુરંગીનું ધ્યાન છાપામાં હતું ત્યાં ઓરડામાં ‘ચીં ચીં’ અવાજ સંભળાયો અને સાથે સાથે દેવુનું ‘વિટ્ વિટ્’ પણ. સુરંગી ચમકીને ઊભી થઈ ગઈ. એણે જોયું તો ઓરડામાં એક ચકલી ઘૂસી ગઈ હતી. ચકલીને જોઈને દેવુ પણ ઉશ્કેરાયો. એણે પણ ચકલીની પાછળ ઊડીને ઓરડાનું ચક્કર લગાવ્યું. ‘રોહિત કહેતો હતો કે ‘પોપટને પાંજરામાં પૂરી રાખો પછી એ ઊડવાનું ભૂલી જાય, પણ આ તો કંઈ ભૂલી ગયો નથી. કેવું સરસર ઊડે છે !’ વળી પાછો ચકલીનો અવાજ સંભળાયો, ક્ષણભર માટે વિચારતંદ્રામાં સરી ગયેલી સુરંગી જાગ્રત થઈ અને ચકલી ક્યાંથી, કેવી રીતે અંદર આવી એ જોવા એ બારી પાસે ગઈ ને પડદો જરા આઘો ખસેડ્યો તો દેખાયું કે બારી ઉપરનું ‘વેન્ટિલેટર’ જરા ખુલ્લું હતું. ઓરડાની અંદર પડદા આડે સુરંગીને આની ખબર પડી નહોતી પણ ચકલીને તો બહારથી ઉઘાડું ‘વેન્ટિલેટર’ દેખાયું હશે એટલે ત્યાંથી અંદર ઘૂસી ગઈ હતી. ચકલી અને પોપટે ‘ચીં ચીં’ અને ‘વિટ્ વિટ્’ બોલતે બોલતે આગળપાછળ ચક્કર લગાવ્યાં, ને પછી ચકલી પડદા પાછળ જઈને વેન્ટિલેટરમાંથી બહાર નીકળી ગઈ. દેવુને આ નવા રસ્તાની સૂઝ પડી નહીં એટલે એ પાછો ટી.વી. પર બેસી ગયો.

વેન્ટિલેટર બંધ કરવા માટે ટેબલ પર ચઢવું પડે એમ હતું. એટલે ટેબલ લેવા સુરંગી રસોડામાં ગઈ. અને પછી આવી એટલી વારમાં તો ચકલી વળી પાછી આવી અને ઓરડામાં ચક્કર મારવા માંડી ! વળી પાછો ‘ચીં ચીં’ અને ‘વિટ્ વિટ્’ નો સંવાદ થયો. ચકલીને બહાર કાઢવા સુરંગીએ હાથ હલાવીને ‘છૂછ છૂછ’ એવો અવાજ કર્યો. ચકલીએ ઓરડામાં ઊડાઊડ કરી મૂકી અને પછી પડદા પાછળના ઉઘાડા વેન્ટિલેટરમાંથી સટાક દઈને બહાર નીકળી ગઈ અને સુરંગી કંઈ સમજે એ પહેલાં જ એનો પોપટ પણ ચકલીને અનુસરીને વેન્ટિલેટરમાંથી બહાર નીકળી ગયો. સુરંગી સ્તબ્ધ બની ગઈ – પછી દેવુ ઊડી ગયો એ હકીકતનો ખ્યાલ આવતાં એ બેબાકળી બની ગઈ. એણે દોડીને બારી ખોલી નાંખી. બહાર ચારેબાજુ જોયું. એનો દેવુ ક્યાંય દેખાયો નહીં. એણે મોટેથી બૂમ પાડી.. ‘દેવુ…. દેવુ… દીકરા પાછો આવ, મમ્મી બોલાવે…દેવુ…દેવદત્ત…’

સુરંગીનો સાદ બારી બહાર ખુલ્લી હવામાં વહી ગયો. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પણ એનાં ચોધાર આંસુ એનાં બેમાંથી એકેય દેવુને પાછો લાવી શકે તેમ નહોતાં.

[તંત્રીનોંધ : પ્રથમ નજરે વાર્તા અંત સુધી સામાન્ય લાગે છે પરંતુ છેલ્લું વાક્ય ‘એનાં ચોધાર આંસુ એનાં બેમાંથી એકેય દેવુને પાછો લાવી શકે તેમ નહોતાં.’ એ આખી વાર્તાનું સ્વરૂપ ફેરવીને તેને અસામાન્ય બનાવે છે. ‘દેવુ’ શબ્દનો પુત્ર અને પોપટ માટે થયેલો સમાન પ્રયોગ સકારણ છે. માતા પોતાના દીકરાનું જતન કરવામાં કંઈ કસર છોડતી નથી. દીકરો મોટો થતા મા વિચારે છે કે ‘મારો પુત્ર તો હવે મારો હવાયો છે. એ કંઈ મને છોડીને જવાનો નથી….’ પરંતુ થોડી સ્વતંત્રતા મળતાં અને જીવનમાં બીજા પાત્રનો (ચકલી) પ્રવેશ થતાં સૌ પોતપોતાનાં રસ્તે ચાલવા માંડે છે. અનુરાધારૂપી સત્તા-ગુરુપદ-કીર્તિ અને દેવુ-રૂપી સ્નેહ, સાંસારિક સંબંધો – અને આ સૌ પ્રત્યેનો મોહ, ક્યારેક વ્યક્તિના દુ:ખનું કારણ બને છે તેવો સારગર્ભિત સંદેશ પ્રસ્તુત વાર્તા કહી રહી હોય તેમ જણાય છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવીય સંબંધોની દુનિયા – તન્વી બુચ
પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ Next »   

38 પ્રતિભાવો : દેવુ….દીકરા, મમ્મી બોલાવે – મીનાક્ષી દીક્ષિત

 1. nayan panchal says:

  અમુક વાર્તાઓ art movie જેવી હોય છે, જે આમ તો કંઈ કહેતી નથી પરંતુ ઘણુ બધુ કહી જાય છે.

  સરસ વાર્તા.

  નયન

 2. krupa says:

  ખરેખર સરસ ………..

 3. ખુબ જ સુંદર … છેલ્લા થોડા દિવસોથી આ બીજી કે ત્રીજી વાર્તા .. આ પ્રકારના નવા જ flavor ની ..

  પાત્રાલેખન ખુબ જ મજાનું … અને ઘટનાઓનું સુક્ષ્મ વર્ણન ….

 4. Sarika Patel says:

  really nice story and i really enjoied the story. you know love is necessary
  in the life but don’t expect more love, because endof it will not give love, will give us tears.

 5. Pinki says:

  સુરંગીના પાત્રમાં જાણે દરેક ભારતીય સ્ત્રીનું પ્રતિબિંબ પડે
  પહેલાં ના અને પછી દરેક વાતને આનંદથી સ્વીકારી લેવી.

  અંત- સાચે જ કોઈ આર્ટમુવી જેવો જ પણ આઘાતજનક !!

 6. pragna says:

  વાર્તાનો અન્ત ઘણો જ સુચક ચ્હે જે સરળ વાર્તા ને એક નવો જ આયામ આપે ચ્હે.

 7. Raj says:

  વાહ વાહ ખરેખર મજા આવિ ગઇ.

  આભાર

  રાજ
  કંપાલા – યુગાન્ડા

 8. Ambaram K Sanghani says:

  કેવી સરળ વાર્તા અને કેટલો ગુઢાર્થ ! મીનાક્ષીબેનને ધન્યવાદ અને ખૂબ જ આભાર.

 9. Bhargav Shantibhai Joshi says:

  very superb interesting but providing the facts of life

 10. mayuri says:

  પોપટ હોય કે બાળકો સ્વત્રતા મલતા બિજાનો સહ કાર મલ્તા પોતે પોતા ના રસ્તે જતા રહે છે,,પોતનો માળૉ બના વિ લે છે ,,સાચિ વાત લેખકે વાર્તા દરા કહિ ,,,,,આનુ નામ જ સનસાર

 11. mansi says:

  good story

 12. ભાવના શુક્લ says:

  ખરેખર તો બંધનમા રાખેલા બન્ને દેવુ કરતા પોતાની રીતે જગતની સાથે તાલ મેળવતા બન્ને દેવુની સ્વતંત્રતાથી માતા ખુશ થાય છે..પણ ધન્ય છે માતાઓ કે બાળકને સદાય બાળક તરીકે ક ઓળખે છે અને માટે જ જીવનભર માતૃપ્રેમનુ મહામુલુ ઝરણુ હૃદય માથી અસ્ખલિત વહ્યા કરે છે…ક્યારેક નજર સામે અને ક્યારેક દુર ગયા પછી પણ

 13. Ashish Dave says:

  Very nice!!! At some point the parents have to give their kids a vast sky to fly of their own and explore their dreams. Sadly it is quite opposite in our culture. We want to keep our kids within the boundaries and cut their wings.

  Ashish Dave
  Sunnyvale, California

 14. saurabh desai says:

  after reading last sentence sharir na rom rom ubha thai gaya…in todays world most of mothers are passing through this situation..world is changing…pan mata ni putra prateye ni feelings to tyani tya j chhe..such a nice story

 15. pragnaju says:

  કરુણ વાતે આનંદ!
  સુરંગીનો સાદ બારી બહાર ખુલ્લી હવામાં વહી ગયો. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પણ એનાં ચોધાર આંસુ એનાં બેમાંથી એકેય દેવુને પાછો લાવી શકે તેમ નહોતાં.
  ધન્યવાદ

 16. Pankita says:

  બહુ જ સરસ વાર્તા!!!!

 17. aarohi says:

  આવુ કેમ થાય ચે? જેનેી જોદે માયા થઈ જાય એ પન કેમ સ્વતન્ત્રતા મલ્તા ભાગેી જાય ચે? એનો શુ અર્થ કરવો? માયા નહિ કરવાનેી એવુ જ ને? બહુ જ ખરાબ્.

 18. Ranjitsinh Rathod says:

  કેટલુ સુન્દર્,

  સુરંગીનો સાદ બારી બહાર ખુલ્લી હવામાં વહી ગયો. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પણ એનાં ચોધાર આંસુ એનાં બેમાંથી એકેય દેવુને પાછો લાવી શકે તેમ નહોતાં.

  પરંતુ થોડી સ્વતંત્રતા મળતાં અને જીવનમાં બીજા પાત્રનો (ચકલી) પ્રવેશ થતાં સૌ પોતપોતાનાં રસ્તે ચાલવા માંડે છે. અનુરાધારૂપી સત્તા-ગુરુપદ-કીર્તિ અને દેવુ-રૂપી સ્નેહ, સાંસારિક સંબંધો – અને આ સૌ પ્રત્યેનો મોહ, ક્યારેક વ્યક્તિના દુ:ખનું કારણ બને છે.

  ખરેખર ખુબ જ મજા આવી.

  આભાર,

 19. Ashish says:

  સરસ મજની વાર્તા.

 20. Pratosh says:

  ઘણા સમયથી ગુજરાતી વાંચવા વાગોળવા મળ્યુ નથી તેનૉ વસવસો હવે ફરી નહિ થાય.

  આભાર. ખુબ ખુબ આભાર.

 21. bhv says:

  વાહ એકદમ touchy end. as Nayan Panchal told, like Art Movie

 22. Payal says:

  very clever use of metaphors throughout the story. It is one of those where rereading the story gives clear understanding of the plot and the choice of words.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.